પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ (એનબીએફસીઝ)માં વિદેશી રોકાણ માટેના નિયમનો સુધારવા મંજૂરી આપી છે.
નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ (એનબીએફસીઝ) પર પ્રવર્તમાન ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (ભારતની બહાર રહેનાર વ્યક્તિ દ્વારા સિક્યોરિટીની ટ્રાન્સફર કે ઈસ્યુ)ના નિયમનોમાં સુધારાને પગલે “અન્ય નાણાંકીય સેવાઓ”માં વિદેશી રોકાણોને આપમેળે મંજૂરીનો માર્ગ ખૂલશે. જોકે, આ માટે આ સેવાઓનું નાણાં ક્ષેત્રના કોઈ નિયમનકાર (આરબીઆઈ, સેબી, પીએફઆરડીએ વગેરે) અથવા તો સરકારી એજન્સીઓ દ્વારા નિયમન થતું હોવું જોઈએ. નિયમનકાર કે સરકારી એજન્સી દ્વારા નિયંત્રિત ન હોય તેવી અન્ય નાણાકીય સેવાઓમાં વિદેશી રોકાણ માટે મંજૂરીના રસ્તે પ્રવેશ શક્ય બનશે.
ઉપરાંત, સીધા વિદેશી રોકાણો (એફડીઆઈ)ની નીતિ હેઠળ લઘુતમ કેપિટલાઈઝેશનના ધોરણો હટાવવામાં આવ્યા છે, કારણ કે મોટા ભાગના નિયમનકારોએ લઘુતમ કેપિટલાઈઝેશનના ધોરણો સુનિશ્ચિત કર્યાં છે. આને પગલે એફડીઆઈ વધશે અને આર્થિક પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે. આ સુધારા, કોઈ રાજ્ય કે જિલ્લા સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ તેમાં સમગ્ર દેશને આવરી લેવાશે.
પશ્ચાદ્ ભૂમિકાઃ
નાણાંકીય વર્ષ 2016-17 માટે અંદાજપત્ર રજૂ કરતી વેળા માનનીય નાણાં મંત્રીએ પોતાના વક્તવ્યમાં જાહેર કર્યું હતું કે એનબીએફસીની નિર્દિષ્ટ 18 પ્રવૃત્તિઓ સિવાયની અન્ય પ્રવૃત્તિઓ, જે નિયમનકારો દ્વારા નિયંત્રિત થતી હોય, તેમાં સીધા વિદેશી રોકાણોને આપમેળે મંજૂરીનો માર્ગ ખુલ્લો મૂકાશે. નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ પરના પ્રવર્તમાન નિયમનો મુજબ એનબીએફસીની નિર્દિષ્ટ 18 પ્રવૃત્તિઓ માટે જ લઘુતમ કેપિટલાઈઝેશનના ધોરણો હાંસલ કર્યાં બાદ સીધા વિદેશી રોકાણોને આપમેળે મંજૂરીનો રસ્તો ખુલ્લો છે. સૂચિત નિયમનો મુજબ સીધા વિદેશી રોકાણોને અન્ય નાણાંકીય સેવાઓ, જે કોઈ પણ નિયમનકાર (આરબીઆઈ, સેબી, પીએફઆરડીએ વગેરે) અથવા તો સરકારી એજન્સીઓ દ્વારા નિયંત્રિત થતી હોય, તેમાં આપમેળે મંજૂરી મળશે. ઉપરાંત, મોટા ભાગના નિયમનકારોએ લઘુતમ કેપિટલાઈઝેશનના ધોરણો નક્કી કર્યાં હોવાથી એફડીઆઈ નીતિ હેઠળ લઘુતમ ફરજિયાત કેપિટલાઈઝેશનના ધોરણો પણ દૂર કરાયા છે.
AP/J.Khunt/TR