પીએમઇન્ડિયા
આ ખૂબજ આનંદની વાત છે કે તમામ સાથીઓએ એક સ્વર , અને એક ભાવના વ્યક્ત કરી છે.
આજે જ્યારે આપણે જમ્મુ – કાશ્મીરની વાત કરીએ છીએ , તો આપણે જમ્મુ – કાશ્મીર રાજ્યના ચાર ભાગોની વાત કરવી જોઇએ : જમ્મુ , કાશ્મીર – ઘાટી , લદ્દાખ અને પાક – અધિકૃત કાશ્મીર.
હું તમામ રાજકીય પક્ષોના નેતાઓનો આભારી છું કે તેમણે જમ્મુ અને કાશ્મીરના વિસ્તારોમાં વર્તમાન સ્થિતિ પ્રત્યે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. લોકતંત્ર દ્વારા છેલ્લા દશકોથી પોષિત સમૃદ્ધ પરંપરા આપણા દેશની એકતા તથા અખંડિતતાની સૌથી મોટી તાકાત રહી છે. અમુક મુદ્દા પર આપણી વચ્ચે કોઇ મતભેદ હોઇ શકે છે , પરંતુ જ્યારે દેશની અખંડતા તથા સંપ્રભુતાની વાત આવે છે ત્યારે આપણે એકજૂટ બનીને રહીએ છીએ.
જમ્મુ અને કાશ્મીરમાં હાલમાં જ બનેલી ઘટનાઓથી દરેક ભારતીયની જેમ , મારા હદયને પણ ખૂબ જ દુ:ખ પહોંચ્યું છે. મને તે જોઇને ખૂબ જ દુ:ખ થાય છે કે બાળકો પોતાનો અભ્યાસ નથી કરી શકતા, સફરજનનું ઉત્પાદન મંડી સુધી પહોંચી શકતું નથી, દુકાનદારોની દૈનિક આવક નથી થઇ રહી અને સરકારી કાર્યાલય લોકહિતના કાર્યો કરી શકતા નથી. આ સ્થિતિમાં સૌથી વધારે ગરીબ પ્રભાવિત છે.
આપણે રાજકીય કાર્યકરોનું અસ્તિત્વ તો લોકોના કારણે જ છે. એ આપણી તાકાત છે, આપણી ઊર્જાનો સ્ત્રોત છે. વાસ્તવમાં જનશક્તિ આપણા સાર્વજનિક જીવનનો મહત્વનો ભાગ છે. ભલે કોઇ પણ ઘટના હોય, નાગરિક હોય કે પછી સુરક્ષા દળો , દુ:ખ આપણને બધાને થાય છે. તેમના પરિવારો પ્રત્યે મારી પૂરી સહાનુભૂતિ છે. ઘાયલ થયેલા લોકોને સારી સ્વાસ્થ્ય સેવાઓ આપવા માટે આપણે પ્રતિબદ્ધ છીએ અને સાથે જ આપણે જલદીમાં જલદીથી ઘાટીમાં શાંતિ સ્થાપિત કરવા માગીએ છીએ જેથી અહીંના લોકો પોતાનું સામાન્ય જીવન જીવી શકે, પોતાની રોજી રોટી કમાઇ શકે, પોતાના બાળકોને ભણાવી શકે અને રાત્રે શાંતિથી સુઇ શકે.
આપણે કાશ્મીરના મુદ્દાનું સંવિધાનના મૂળભૂત સિદ્ધાંતોના અનુરૂપ સ્થાયી અને શાંતિપૂર્વક ઉકેલ માટે પ્રતિબદ્ધ છીએ. આપણે ખુલ્લા વિચારોવાળા છીએ અને આપણા દરવાજા હંમેશા ખુલ્લા છે. આપણે સમગ્ર જમ્મુ અને કાશ્મીર રાજ્યના દરેક નાગરિકના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ. સમાધાન શોધવા માટે, આપણે શ્રી અટલ બિહારી વાજપેયીજી દ્વારા દેખાડવામાં આવેલા માર્ગનું અનુકરણ કરીએ છીએ.
જમ્મુ અને કાશ્મીરને હંમેશા ભારતનો તાજ કહેવામાં આવે છે. વાસ્તવમાં જમ્મુ અને કાશ્મીર સર્વ પંથ સમભાવની સદીઓ જૂની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે જ્યાં હિન્દુ , શીખ , બૌદ્ધ અને મુસલમાન સદીઓથી એક સાથે રહેતા આવ્યા છે. જમ્મુ – કાશ્મીર રાજ્ય આપણા સ્થાપક પિતાના તે વિશ્વાસનું પ્રતિક છે જે આપણને આપણી વિવિધતાઓ હોવા છતાં પણ, આપણને એક ભારતીયના રૂપમાં, દર્શાવે છે. જમ્મુ અને કાશ્મીર ફક્ત આપણા ક્ષેત્રની અખંડતાનો જ મુદ્દો નથી પરંતુ તે આપણી રાષ્ટ્રીયતાની પરિભાષા પણ છે. આપણે તે હકીકતોથી ઇનકાર ન કરી શકીએ કે સુરક્ષા દળોએ દરેક પ્રકારની ઇજા સહન કરી છે, તેમની પર સુનિયોજીત હુમલાઓ થયા છે, તેમ છતાં પણ સુરક્ષા દળોએ સંયમ દર્શાવ્યો છે. આંકડાઓ દર્શાવે છે કે સુરક્ષા દળ કેટલી મોટી સંખ્યામાં ઘાયલ થયું છે.
અમુક તત્વોના દુષ્પ્રચાર છતાં , કાશ્મીરમાં ભ્રમ અને અશાંતિ ફેલાવનારા, તથા બાળકોને ઉકસાવનારા લોકોની ટકાવારી ખૂબ જ ઓછી છે. દરેક કાશ્મીરી શાંતિ ઇચ્છે છે , અને લોકતંત્રમાં વિશ્વાસ રાખે છે. એટલા માટે, સતત ચૂંટણી બાદ ચૂંટણીમાં, અમુક અલગાવવાદી તત્વો દ્વારા આપવામાં આવેલી ધમકીઓ છતાં પણ, કાશ્મીરની જનતાએ લોકતંત્રના આ પાવન પર્વ પર ભારતની લોકતાંત્રિક વ્યવસ્થામાં પોતાની આસ્થા વ્યક્ત કરી હતી. એટલે સુધી કે વર્તમાન અશાંતિથી અમુક દિવસ પહેલા જ મુખ્યમંત્રી મહેબૂબાજીના મતક્ષેત્રમાં ખૂબ જ વોટ નાંખવામાં આવ્યા તો એવો ભ્રમ ફેલાય કે આ જન આંદોલન છે , આ પણ સત્યથી એકદમ દૂર છે.
અમુક વિસ્તારોમાં, કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે અમુક પ્રતિબંધ લગાવવામાં આવ્યા. આ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનું એક કાયદાકિય પગલું છે. અન્યથા શાંતિપ્રિય જનસમૂહના જીવન પર પ્રતિકૂળ પ્રભાવ પડશે. વાસ્તવમાં , સામાન્ય નાગરિકોને આટલી પરેશાનીઓ આ પ્રતિબંધોથી નથી થઇ , જેટલી અલગાવવાદી તત્વો દ્વારા સતત આપવામાં આવી રહેલા હડતાલના કેલેન્ડરથી થઇ છે.
તે દરમિયાન , અમરનાથ યાત્રાનું સફળતાપૂર્વક આયોજન થતું રહ્યું. સાથે જ , લદ્દાખમાં સૌર ઊર્જા પર પણ રાજ્ય સરકાર વિશેષ કાર્ય કરી રહી છે. NEET, CET, UPSC ની સિવિલ સર્વિસીસની પરીક્ષાનું સંચાલન પણ યોગ્ય રૂપથી કરવામાં આવ્યું. એટલે સુધી કે તમામ જરૂરિયાતની વસ્તુઓ સામાન્ય નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આગામી સમય પર્યટન માટે ખૂબ જ મહત્વનો છે, સાથે જ સફરજનનો પાક પણ આવવાનો છે જો કાશ્મીરના સામાન્ય નાગરિકોની જીવિકા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમુક અલગાવવાદી તત્વો આ સમયનો ફાયદો ઊઠાવીને કાશ્મીરની શાંતિ તથા શાંતિપ્રિય નાગરીકોને અનાવશ્યક હેરાનગતિ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.
કાશ્મીરમાં અશાંતિના મૂળ ક્રોસ બોર્ડર આંતકવાદ છે, જેના મુખ્યત : પડોશી દેશથી પ્રોત્સાહન મળે છે. આતંકવાદના કારણે કાશ્મીરમાં સામાન્ય જનજીવન પ્રભાવિત છે. કાશ્મીરમાં જ્યારથી આતંકવાદનો 1989 – 1990થી પ્રારંભ થયો , ત્યારથી અત્યાર સુધી સુરક્ષા કર્મચારીઓની કાર્યવાહીમાં
• 34 હજારથી વધારે AK 47 રાઇફલ ઝડપાઇ
• 5 હજારથી વધારે ગ્રેનેડ લોન્ચર ઝડપાયા
• લગભગ 90 લાઇટ મશીનગન્સ ઝડપાઇ
• 12 હજારથી ઉપર પિસ્તોલ અને રિવોલ્વર ઝડપાઇ
• 3 એન્ટી ટેન્ક તથા 4 એન્ટી એક ક્રાફ્ટ ગન્સ ઝડપાઇ
• 350થી વધારે મિસાઇલ લોન્ચર ઝડપાયા
• આરડી એક્સ સહિત 63 હજાર કિલો વિસ્ફોટક , 1 લાખથી વધારે ગ્રેનેડ વગેરે ઝડપાયા છે.
• આ સમયગાળામાં 5 હજારથી વધારે વિદેશી આતંકવાદી , જે 5 બટાલિયનને બરાબર છે, મારવામાં આવ્યા છે.
આટલા હથિયાર ઝડપાયા છે , આટલા વિદેશી આતંકવાદી ઘાટીમાં મારવા – કાપવાના હેતૂથી આવ્યા હોય, પછી પાકિસ્તાન ભલે લાખ ઝુઠ્ઠું બોલે , તો પણ દુનિયા તેના દુષ્પ્રચારનો સ્વીકાર કરશે નહીં.
પાકિસ્તાન ભૂલી જાય છે કે તે પોતાના દેશના નાગરિકો પર લડાયક વિમાનથી બોમ્બ વરસાવે છે. હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાને વિશ્વની સામે બલૂચિસ્તાનમાં અને પાક અધિકૃત કાશ્મીરમાં લોકો પર થઇ રહેલા અત્યાચારોનો જવાબ આપવો જોઇએ.
આપણે લોકો મૂળભૂત અધિકારો માટે સમગ્ર રીતે કટિબદ્ધ છીએ. આંતકવાદના વિરોધમાં પણ , આપણા કાયદા જેટલા માનવીય છે, તેટલા જ વિશ્વના કોઇ લોકતંત્રમાં નથી. આપણી સરકારો અને આપણા સુરક્ષા દળોએ આ ઘટનાઓનો નિવેડો લાવવામાં સંયમ દર્શાવ્યો છે.
ભારત , આતંકવાદનો મુકાબલો સમગ્ર શક્તિ અને સંકલ્પથી કરશે. આ આપણી રાષ્ટ્રીય જવાબદારી છે. ભારત, કાયદાના નિયમો માટે પ્રતિબદ્ધ છે, તેને ભારતની કમજોરી સમજવું વિરોધી તાકાતોની મોટી ભૂલ હશે. ભારત આતંકવાદને સમાપ્ત કરવા માટે સંકલ્પ બદ્ધ છે. આપણા માટે, સાધન તથા સાધ્ય, બંને જ મહત્વપૂર્ણ છે. અને આપણે બંનેનો નિર્વાહ કરવામાં સક્ષમ છીએ.
એક વાસ્તવિક્તા એ પણ છે કે કાશ્મીર ઘાટીમાં સદીઓથી રહી રહેલા કાશ્મીરી પંડિતોને કાશ્મીર ઘાટીમાં પોતાના પૂર્વજોના ઘરોમાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા છે. એક સમુદાય વિશેષની વિરોધમાં આ પ્રકારનો અત્યાચાર પાકિસ્તાનમાં પ્રશિક્ષિત, પાકિસ્તાન દ્વારા હથિયારો બંધ આતંકવાદીઓ તથા તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનારાઓનું કામ છે. એ ક્યારેય કાશ્મીરિયતમાં વિશ્વાસ રાખનારાઓનું કામ નથી.
જમ્મુ અને કાશ્મીરના સર્વાંગી વિકાસ માટે તાજેતરમાં જ રાજ્ય સરકારની સલાહથી 80 હજાર કરોડથી ઉપરનું એક વિકાસ પેકેજ જાહેર કરવનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પેકેજ અંતર્ગત ફક્ત રસ્તા તથા વીજળીના પ્રોજેક્ટ જ નહીં પરંતુ જમ્મુ અને કાશ્મીરના દરેક ક્ષેત્ર તથા દરેક વર્ગના સંપૂર્ણ વિકાસનું ધ્યાન રાખવામાં આવ્યું છે. બાળકોને સારી શિક્ષાની સુવિધા, યુવાનોને રોજગાર, ચિકિત્સા માટે આધુનિક સુવિધાઓ, રાજ્યમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટેની સુવિધાઓ, રાજ્યમાં ફળોના ઉત્પાદન માટે વિશેષ સુવિધા વગેરે સામેલ છે.
તાત્કાલિક રોજગાર અપાવવા માટે સરકારે નિર્ણય કર્યો છે કે 10 હજાર સ્પેશિયલ પોલીસ ઓફિસર્સ (SPOs) , લગભગ 1200 પેરા મિલિટરી તથા 5 આઇઆર બટાલિયનમાં લગભગ 4000 પદો પર નિયુક્તિ કરવામાં આવશે. તે ઉપરાંત ઉડાન તથા હિમાયત યોજનામાં લગભગ 1 લાખ 25 હજાર લોકોને પ્રશિક્ષણ આપવાનો ઉદ્દેશ્ય છે જેથી બેરોજગારોને યોગ્ય રોજગાર મળી શકે .
સુશ્રી મહેબૂબા મુફ્તીના નેતૃત્વવાળી રાજ્યની પીડીપી બીજેપી સરકાર રાજ્યની સમસ્યાઓને દૂર કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. સરકારે અગામી એક મહિનામાં, વિષમ પરિસ્થિતિઓ હોવા છતાં , સ્થિતિને ખૂબ જ સાવધાની પૂર્વક સંભાળી છે. સમગ્ર દેશ આજે તેમની સાથે ઊભો છે.
હું ફરીથી આ વાત કહેવા માગું છું કે કેન્દ્ર તથા રાજ્યની સરકારો અહીંના લોકોની તમામ યોગ્ય ફરિયાદો દૂર કરવા તથા શાંતિ જાળવવા માટે પ્રતિબદ્ધ છે. હિંસા , આંતકવાદ અને ભારત વિરોધી અન્ય ગતિવિધિઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. દરેક કોઇ પણ વ્યક્તિની યોગ્ય ફરિયાદોને સાંભળવામાં આવશે તથા તેને દૂર કરવામાં આવશે.
હું આ વાત પર ફરીથી ભાર આપવા માગીશ કે આંતકવાદ તથા વિધ્વંસનો જવાબ આપણે તમામ રાજકીય પક્ષો અને દેશવાસીઓએ મળીને આપવો પડશે. આજે જ્યારે આંતકવાદ સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે, તેવા સમયમાં આપણે જ્યારે પડોશી દેશથી સમર્થન મેળવી રહેલા આતંકવાદથી ઘેરાયેલા છીએ, આપણે આ લડાઇની સામે એકજૂટ થઇને લડવું પડશે. સરકારના તમામ રાજકીય પક્ષો પાસેથી આ વિષય પર રચનાત્મક સહયોગની અપેક્ષા છે. તમામ રાજકીય પક્ષોએ પોતાના મતભેદોને આ વિષય પર ભુલાવીને રાજ્યમાં શાંતિ – વ્યવસ્થા અને સમૃદ્ધિ કાયમ કરવામાં સહયોગ કરવો પડશે. મને પૂરો વિશ્વાસ છે કે રાજ્ય સરકારની લગનથી તથા તમારા સહુના પૂર્ણ સહયોગથી આપણે ટૂંક સમયમાં જ જમ્મુ તથા કાશ્મીરમાં ફરીથી સામાન્ય જીવન સ્થાપિત કરી શકીશું.
કાશ્મીરમાં અત્યાર સુધી જે મુખ્ય પગલા અને આપણી નીતિ રહી છે તેને ફરીથી હું એક વખત યાદ કરાવવા માગું છું :
1) કાયદો વ્યવસ્થા તથા સુરક્ષા જાળવી રાખવી કોઇ પણ સરકારની જવાબદારી હોય છે. આતંકની કાર્યવાહી સામે સમાધાન ન થઇ શકે.
2) આજના યુગમાં લોકશાહી પરંપરાને અનુકૂળ જ સિવિલ સોસાયટીને નાગરિક ગતિવિધિઓ સાથે જોડીને , પ્રોત્સાહિત કરવામાં આવશે.
3) આપણે લોકતંત્રની પરંપરાને અનુકૂળ જ રાજકીય પ્રક્રિયાને આદરપૂર્વક આગળ વધારીશું, અને
4) કાશ્મીરના યુવાનોને પણ રાજ્યની સક્રિય આર્થિક ગતિવિધિઓ સાથે જોડવાની વ્યવસ્થામાં ઝડપ લાવીશું.
5) જે રાજ્યોમાં જમ્મુ તથા કાશ્મીરના લોકો રહી રહ્યા છે, ભલે તે હિન્દુ હોય, મુસલમાન હોય, શીખ હોય, કે બૌદ્ધ હોય કે અન્ય કોઇ પણ ધર્મના હોય, તે રાજ્યોએ તેમનો સંપર્ક કરવો જોઇએ, અને પ્રયત્ન કરવો જોઇએ કે તે જમ્મુ કાશ્મીરમાં રહી રહેલા પોતાના સગા – સંબંધીઓની સાથે સંબંધ સાધી શકે અને પોતાની તથા ભારતના બીજા પ્રદેશોમાં થઇ રહેલી પ્રગતિનું વિવરણ આપે.
6) વિદેશ મંત્રાલયે પ્રયત્ન કરવો જોઇએ કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો જે વિશ્વના જુદા જુદા દેશોમાં રહી રહ્યા છે, તેમનો સંપર્ક સાધે તથા તેમની પાસેથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની દયનીય સ્થિતિ વિશે જાણકારી પ્રાપ્ત કરે. અને વિશ્વ સમુદાયને તેની જાણકારી આપે.
હું તમને સહુને એક વખત ફરીથી આ બેઠકમાં પોતાના મહત્વપૂર્ણ સુઝાવ તથા વિચાર રાખવા માટે ધન્યવાદ પાઠવું છું. સરકારની મદદ કરવા માટે હું તમને બધાને ધન્યવાદ કહું છું. આપણે બધા આ રાષ્ટ્રીય ભાવના પ્રત્યે પ્રતિબદ્ધ છીએ કે ભારતની ક્ષેત્રીય અખંડતાની સાથે સમાધાન ન થઇ શકે. સંવિધાનના ક્ષેત્રમાં રહીને આપણે તમામ વર્ગોની ફરિયાદો દૂર કરવા માટે તૈયાર છીએ.
ધન્યવાદ.
An all-party meeting on Kashmir being chaired by PM @narendramodi. pic.twitter.com/5rQ5IcvyeL
— PMO India (@PMOIndia) August 12, 2016