પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે ઈન્ડસ્ટ્રિયલ પ્રોપર્ટી કોઓપરેશન (ઔદ્યોગિક સંપત્તિ સહકાર)ના ક્ષેત્રે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ઔદ્યોગિક નીતિ અને પ્રોત્સાહન વિભાગ તેમજ સિંગાપોર સરકારના કાયદા મંત્રાલય હેઠળના ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઑફિસ ઑફ સિંગાપોર (આઈપીઓએસ) વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી છે. આ સમજૂતી કરાર પર સિંગાપોરના પ્રધાનમંત્રીની આગામી ચોથીથી સાતમી ઓક્ટોબર, 2016 દરમિયાનની ભારતની મુલાકાત વેળાએ હસ્તાક્ષર કરવામાં આવશે.
આ સમજૂતી કરારને પગલે પેટન્ટ્સ, ટ્રેડમાર્કસ અને ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઈન્સના ઔદ્યોગિક સંપત્તિ અધિકારોના ક્ષેત્રે દ્વિપક્ષીય સહકારની પ્રવૃત્તિઓમાં વધારો થશે. સમજૂતી કરારનો ઉદ્દેશ બંને દેશોમાં નવીનીકરણ, સર્જનાત્મકતા અને ટેકનોલોજીને લગતી આધુનિકતાને વેગ આપવાનો છે. સમજૂતી કરાર હેઠળના મુખ્ય પગલા આ મુજબ હશે :
• બંને દેશોમાં બૌદ્ધિક સંપત્તિ અંગેની શ્રેષ્ઠ પદ્ધતિઓ, અનુભવ અને જ્ઞાનનું આદાન-પ્રદાન, લોકો, વેપારજગત અને શૈક્ષણિક સંસ્થાઓમાં જાગૃતિ
• બૌદ્ધિક સંપત્તિના ક્ષેત્રે નિષ્ણાત તજજ્ઞોનું આદાન-પ્રદાન
• બૌદ્ધિક સંપત્તિના ક્ષેત્રે શ્રેષ્ઠ પદ્ધતિઓ, અનુભવો અને જ્ઞાનનું આદાન-પ્રદાન અને ઉદ્યોગ, વિશ્વવિદ્યાલયો, સંશોધન અને વિકાસ સંસ્થાઓ તેમજ નાના અને મધ્યમ એકમોમાં તેનો પ્રસાર
• ઓટોમેશન અને આધુનિકીકરણના પ્રોજેક્ટોના અમલીકરણમાં સહકાર
• બૌદ્ધિક સંપત્તિ ક્ષેત્રના સ્થાનિક એકમો અને વેપાર સમુદાયો માટે બૌદ્ધિક સંપત્તિ-સંબંધિત તાલીમમાં ભાગીદારી
આ સમજૂતીને પગલે ભારત નવીનીકરણ અને બૌદ્ધિક સંપત્તિની ઈકોસિસ્ટમ્સના અનુભવોનું આદાન-પ્રદાન કરી શકશે, જેનાથી બંને દેશોના ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને વેપાર જગતને લાભ મળશે. બંને દેશો વચ્ચે શ્રેષ્ઠ પદ્ધતિઓની આપ-લે થવાને કારણે ભારતના લોકોની વિવિધતા જેટલા જ તેના વિવિધ સંખ્યાબંધ બૌદ્ધિક સર્જનોનું રક્ષણ થશે અને તે અંગે જાગૃતિ કેળવાશે. વૈશ્વિક નવીનીકરણમાં મહત્ત્વના ખેલાડી બનવા તરફની ભારતની યાત્રામાં આ સમજૂતી મહત્ત્વપૂર્ણ પગલું હશે અને તેના પગલે નેશનલ આઈપીઆર પોલિસી, 2016ના હેતુઓ વધુ સારી રીતે સાકાર થશે.
TR