પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત અને આફ્રિકન એશિયન રુરલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (એએઆરડીઓ – આફ્રિકન એશિયન ગ્રામીણ વિકાસ સંસ્થા) વચ્ચે ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણના કાર્યક્રમો માટે સમજૂતીકરાર (એમઓયુ) પર થયેલા હસ્તાક્ષરને મંજૂરી આપવામાં આવી છે.
આ એમઓયુ 2015થી 2017 એમ ત્રણ વર્ષ માટે થયા છે, જે અંતર્ગત એએઆરડીઓના સભ્ય દેશો માટે ક્ષમતા નિર્માણના કાર્યક્રમોનું આયોજન ત્રણ વર્ષ દરમિયાન દર વર્ષે ભારતમાં વિવિધ ઇન્સ્ટિટ્યૂશન ઓફ એક્સલન્સમાં કરવામાં આવશે. આ સંસ્થાઓમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રુરલ ડેવલપમેન્ટ એન્ડ પંચાયતી રાજ (એનઆઇઆરડી એન્ડ પીઆર), ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઇસીએઆર) દ્વારા સંચાલિત સંસ્થાઓ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) વગેરે સામેલ છે. દરેક તાલીમ કાર્યક્રમોનો ગાળો બેથી ત્રણ અઠવાડિયાનો છે. આ યોજના હેઠળ એક વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન રુરલ ડેવલપમેન્ટ મેનેજમેન્ટ કોર્સ શરૂ કરવામાં આવશે.
પૃષ્ઠભૂમિ:
નવી દિલ્હીમાં હેડક્વાર્ટર ધરાવતી એએઆરડીઓ સ્વાયત્ત, આંતર-સરકારી સંસ્થા છે, જેની સ્થાપના 1962માં આફ્રિકા અને એશિયાના દેશોમાં ભૂખમરો અને પાણીની સમસ્યાની દૂર કરવા, નિરક્ષરતા નાબૂદી, રોગ અને ગરીબી દૂર કરવા સહકારયુક્ત સંબંધને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે થઈ હતી. ભારત સંસ્થાનો એક સ્થાપક સભ્ય દેશ છે અને સંસ્થાને ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન પ્રોગ્રામ (આઇટીઇસી) હેઠળ માનવ સંસાધન વિકાસ કાર્યક્રમ માટે 70 ફૂલી પેઇડ તાલીમ શિષ્યાવૃત્તિ ઉપરાંત 141,100 અમેરિકન ડોલરના સભ્યપદ ફાળા સાથે સૌથી મોટો પ્રદાનકર્તા દેશ છે. ભારતે દિલ્હીમાં એએઆરડીઓ સચિવાલયને મકાન માટે બિલ્ડિંગ પણ પ્રદાન કરી છે અને બિલ્ડિંગના સારસંભાળ માટે એએઆરડીઓને નોંધપાત્ર આર્થિક સહાય પણ કરે છે. અત્યારે એએઆરડીઓ આફ્રિકા અને એશિયાના 31 દેશો સભ્ય તરીકે ધરાવે છે.
વર્ષ 2009થી અત્યાર સુધી દર ત્રણ વર્ષના ગાળા માટે ભારતે એએઆરડીઓને 600,000 ડોલરનું વધારાનું પ્રદાન કરવાનું જાળવી રાખ્યું છે, જેનો ઉદ્દેશ સંસ્થાના સભ્ય દેશના લાભાર્થે ક્ષમતા નિર્માણ કાર્યક્રમોની પહોંચ અને વ્યાપ વધારવાનો છે.
AP/JKhunt/TR/GP