Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ANI સાથે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત


ANI સાથે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત નીચે મુજબ છે;

 

  1. પ્રધાનમંત્રી શ્રી, ANI સાથે વાત કરવા બદલ આપનો આભાર અને સરકારને એક વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન. 1-10ના માનાંકમાં તમે તમારી સરકારને કયો માનાંક આપશો?

આ દેશની જનતાએ અમને માનાંક આપવાનો છે અને મૂલ્યાંકન કરવાનું છે. હું તેમનો હક કેવી રીતે છીનવી શકું? મેં મારું રિપોર્ટ કાર્ડ દેશ સમક્ષ રજૂ કર્યું છે. તાજેતરમાં, મીડિયાએ કેટલાક સર્વેના તારણો પ્રકાશિત કર્યા છે. તમે તે જોઈ જ લીધા હશે. હું માત્ર એટલું જ કહી શકું કે અમે એક મજબૂત પાયો નાખ્યો છે જેના પર લોકો અમને માનાંક આપી શકે છે.

  1. તમેસારા દિવસોના વચન સાથે આવ્યા છો. શું તમે સરકારના પ્રથમ વર્ષ દરમિયાન તમારી માટે નક્કી કરેલા લક્ષ્યાંકોને પૂર્ણ કરવામાં સક્ષમ રહ્યા છો?

હા. અમે જે કામ કર્યું છે તેનાથી હું સંપૂર્ણ સંતુષ્ટ છું. આ વર્ષનો સૌથી સંતોષકારક ભાગ એ રહ્યો છે કે અમે અમારા એ વાયદા ઉપર કાયમ રહ્યા છીએ કે અમારી નીતિ સાફ રહેશે અને અમારા પ્રયાસો લાંબા ગાળાના રાષ્ટ્રીય હિતમાં રહેશે. એક વર્ષ પહેલાની સ્થિતિ યાદ કરો. સરકારના વિવિધ સ્તરો ઉપર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારના કારણે નિયમિત રૂપે કૌભાંડોમાં વૃદ્ધિ થઇ રહી હતી. આપણા બહુમૂલ્ય કુદરતી સંસાધનો માત્ર અમુક પસંદ કરેલા લોકોના હાથમાં જઈ રહ્યા હતા. તેનાથી વિપરિત, મારી સરકાર પર ન તો કોઈ ભ્રષ્ટાચારનો આરોપ છે કે ન તો કોઈ કૌભાંડ. ભ્રષ્ટાચારને સૌથી મોટી સમસ્યા તરીકે જોવામાં આવી હતી. અમે સ્વચ્છ, પારદર્શક અને કાર્યક્ષમ સરકાર આપી છે. ખરાબ દિવસો પૂરા થઈ ગયા છે. શું આ દેશ માટે સારા દિવસો નથી?

  1. પાછલા વર્ષમાં સૌથી મોટી એક સફળતા કઈ રહી?

મારી સરકારની સિદ્ધિઓ અને સફળતાઓ અસંખ્ય છે. જો કે, હું જાણું છું કે સરકાર યાત્રાની સફળતા છેક છેવાડાના માણસ સુધી પહોંચવામાં છે. તેથી, અમારા પ્રયાસો ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો તરફના હતા. અમે દેશના દૂરના ખૂણાઓ પર પણ વિશેષ ધ્યાન આપ્યું છે. અમારો ઉદ્દેશ્ય જીવન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓની ગુણવત્તામાં પરિવર્તન લાવવાનો છે. અમે તમામ મોરચે એક સાથે કામ કર્યું છે જે સામાન્ય માણસના ચહેરા પર સ્મિત લાવે છે. હું તમને કેટલાક ઉદાહરણો આપી શકું છું. ખાદ્યપદાર્થોના ભાવને નિયંત્રિત કરવાથી લઈને ખેતીની ઉત્પાદકતા વધારવા સુધી; રેલવેમાં સુધારો કરવાથી લઈને રસ્તાઓને મજબૂત કરવા સુધી; વીજળીના ઉત્પાદનથી લઈને તેને 24X7 ઉપલબ્ધ કરાવવા સુધી, શાળાઓમાં શૌચાલયોના નિર્માણથી લઈને IIT, IIM અને AIIMSની સ્થાપના સુધી; બેઘર લોકો માટે ઘરોનું નિર્માણ કરાવવાથી લઈને આપણા વિરાસતના સ્થળોને સુયોજિત કરવા સુધી; આસપાસના વાતાવરણને સ્વચ્છ કરવાથી લઈને ડિજિટલ વિભાજનને પૂરવા સુધી;  વિશ્વ કક્ષાના ઉત્પાદનોનું નિર્માણ કરવાથી લઈને કૌશલ્ય અને રોજગારનું નિર્માણ કરવા સુધી; બેન્કિંગ વ્યવસ્થાને મજબૂત કરવાથી લઈને જેને ભંડોળ નથી મળતું તેમને ભંડોળ આપવા સુધી; શ્રમિકોના કલ્યાણની ખાતરી આપવાથી લઈને સામાન્ય માનવીને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા સુધી; નદીઓને પુનર્જીવિત કરવાથી લઈને ખેતરોમાં સિંચાઈ પહોંચાડવા સુધી; રાજ્યો સાથેનો સહકાર વધારવાથી લઈને વિદેશી સંબંધોને ઊંડા બનાવવા સુધીના તમામ ક્ષેત્રોમાં અમે અત્યંત ઊર્જાવાન બનીને નવીન જુસ્સા સાથે કામ કર્યું છે.

  1. કાળું નાણું પાછું લાવવું એક મોટું ચૂંટણી વચન હતું, પરંતુ તમારા પક્ષના અધ્યક્ષ અમિત શાહે પછીથી તેની માટેજુમલાશબ્દ વાપર્યો અને અરુણ શૌરીએ નાણાં મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલી પ્રક્રિયાની ટીકા કરી. કાળું નાણું ભારતમાં પાછું લાવવા માટે તમારી સરકાર કેટલી પ્રતિબદ્ધ છે?

મારી સરકાર કાળા નાણાં મુદ્દે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. અમે કરચોરી અને કાળા નાણાં પર કડક કાર્યવાહી કરવા માંગીએ છીએ. મેં G-20 સમિટ દરમિયાન વિશ્વના નેતાઓ સાથે આ મુદ્દો ઉઠાવ્યો હતો. અમારી સૌપ્રથમ કેબિનેટ બેઠકમાં જ અમે SITની રચના કરી હતી. પછી, અમે સંસદમાં એક નવો કાયદો રજૂ કર્યો જે ખૂબ જ કડક છે. અમે કરવેરાથી બચવું અને વિદેશોમાં નાણાં વહન કરવાની પ્રક્રિયાને વધારે અઘરી બનાવવા માંગીએ છીએ. કરવાનું વધુ મુશ્કેલ બનાવવા માંગીએ છીએ. જે લોકોએ વિદેશી બેંકોમાં ગેરકાયદેસર રીતે ભંડોળ જમા કરાવ્યા છે તેમની વિરુદ્ધ પણ અમે આક્રમક રીતે કેસ ચલાવી રહ્યા છીએ. તાજેતરમાં આવા કેટલાક લોકોના નામ સામે આવ્યા છે. અમે કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ પણ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે અમારા કર વહીવટમાં ICTનો મહત્તમ ઉપયોગ કરવા માંગીએ છીએ.

આ ઉપરાંત અમે એવી વિવેકબુદ્ધિને પણ દૂર કરવા માંગીએ છીએ કે જે ભ્રષ્ટાચાર અને કાળાં નાણાંને જન્મ આપે છે. તેથી, અમે કોલસા અને ખાણો જેવા ક્ષેત્રોમાં વટહુકમ બહાર પાડ્યા છે. તે એક સારું પગલું સાબિત થયું છે. અમે કોલસાની કેટલીક ખાણોની પારદર્શક હરાજીના માધ્યમથી દેશ માટે અત્યાર સુધીમાં ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા સુધીની રકમ ઉભી કરી છે. સ્પેક્ટ્રમની હરાજીમાં પણ આવી જ સ્થિતિ છે. હું કહી શકું છું કે જો તમારી નીતિ સાચી હશે તો તમને સફળતા અને જરૂરી સમર્થન જરૂરથી મળશે.

  1. જમીન સંપાદન બિલ જેવા મહત્ત્વના ખરડાને વિપક્ષ તરફથી સખત વિરોધ મળ્યો છે. તેઓ સરકારના ઈરાદા પર શંકા પેદા કરવામાં સફળ રહ્યા છે. વિષયમાં તમારે શું કહેવું છે?

જમીન સંપાદન વિશેના અમારા ખરડાનો વિરોધ એ તદ્દન ગેરવાજબી અને દુર્ભાગ્યપૂર્ણ છે. અમે ખાનગી ઉદ્યોગ માટે કોઈ ફેરફાર કર્યો નથી. તદુપરાંત, જો તમારી પાસે પૈસા છે, તો તમારે જમીન એકત્રિત કરવા માટે જમીન સંપાદન કાયદાની જરૂર નથી. રાજસ્થાન, હરિયાણા, શિમલા, દિલ્હી વગેરેમાં કેટલાક લોકોએ કર્યું પણ છે. સરકાર દ્વારા સંચાલિત વ્યૂહાત્મક અને વિકાસ પ્રવૃત્તિઓ માટે જમીન સંપાદન જરૂરી બને છે અને તે પણ ખાસ કરીને અવિકસિત વિસ્તારોમાં. આ પણ મોટાભાગે રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવે છે. અમે માત્ર રાજ્યોની માંગણીઓના પગલે જ ફેરફારો કર્યા છે. આ ફેરફારોનો લાભ ગ્રામીણ ગરીબોને સિંચાઈ, આવાસ, વિદ્યુતીકરણ અને સારી ભૌતિક તેમજ સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના રૂપમાં પ્રાપ્ત થશે.

આ દેશમાં જમીન સંપાદન કાયદો લગભગ 120 વર્ષ જૂનો હતો. કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારોએ આઝાદી મળ્યા પછી પણ આ જ કાયદાનો ઉપયોગ કર્યો હતો. અચાનક, છેલ્લી સંસદીય ચૂંટણીઓ પહેલાં, કોંગ્રેસ એક એવો કાયદો ઘડીને વધુ એક ચરમસીમા પર પહોંચી ગઈ કે જે ન તો ખેડૂતોના હિતમાં છે અને ન તો દેશના વિકાસના હિતમાં. હવે તેઓ શાંતિથી બેસીને ચર્ચા કરવા પણ તૈયાર નથી. અમે તમામ રાજકીય પક્ષો સાથે વાતચીત કરવામાં વિશ્વાસ રાખીએ છીએ. મેં સંસદમાં વ્યક્તિગત રીતે વિનંતી કરી છે કે અમે રાજકીય પક્ષો સાથે વાતચીત કરવા અને તેમના સૂચનોને ધ્યાનમાં લેવા તૈયાર છીએ. હું આશા રાખું છું કે પક્ષો રાજકીય ગણતરીઓમાં પડ્યા વિના રાષ્ટ્ર માટે વધુ મહત્વના એવા મુદ્દાઓ ઉપર તેમનો સહકાર આપશે.

  1. તમે દેશના ખેડૂતોને કેવી રીતે સમજાવશો કે તમારો હેતુ સારો છે?

પ્રસ્તાવિત જમીન સંપાદન ખરડો એ ખેડૂતને લાભ આપવા અને દેશના લાંબા ગાળાના હિતોને સંતુલિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. ખેડૂતોને પણ સિંચાઈ માટે નહેરોની જરૂર છે, ખેતરોમાંથી બજારોમાં ઉત્પાદનોને પહોંચાડવા માટે રસ્તાની જરૂર છે. તેમને પણ દવાખાનાઓ અને મકાનોની જરૂર છે. ખેડૂતો તેમની આસપાસના વિસ્તારમાં આધુનિક સુવિધાઓ અને તેમના દીકરા દીકરીઓ માટે ઔપચારિક ક્ષેત્રોમાં નોકરી મેળવવાની ઈચ્છા ધરાવે છે. મારું હંમેશા માનવું છે કે જો આપણે સંકલિત વિકાસ ઈચ્છતા હોઈએ તો આપણને સુવિધાની જરૂર પડવાની છે. આપણે આવી સુવિધાઓના વિકાસને કૃષિ વિકાસ સાથે સરખાવવો જોઈએ. ખેડૂતોના હિતોની સુરક્ષા કરીને આ ખરડો આ જ કાર્ય કરી રહ્યો છે. અમારા સુધારાનો ઉદ્દેશ્ય માત્ર 2013ના કાયદામાં અમલદારશાહીની અડચણોને દૂર કરવાનો છે. મને વિશ્વાસ છે કે આ દેશના ખેડૂતો એ વાતને સમજશે કે વાસ્તવમાં તેમનું હિત ક્યાં રહેલું છે.

  1. દેશમાં કૃષિ ક્ષેત્ર સંકટમાં છે. ઘણા અંશે સમસ્યા સ્થાનિક છે અને દાયકાઓથી ચાલી રહેલા ગેરવહીવટને કારણે વર્તમાન પરિસ્થિતિ જન્મી છે પરંતુ તમારી સરકાર ખેડૂતોની આત્મહત્યા અને ખેતીને લગતી સમસ્યાઓ રોકવા માટે કઈ રીતનું આયોજન કરી રહી છે?

આ સમસ્યાના મૂળ કારણોનો ઉલ્લેખ તમારા પ્રશ્નમાં જ જોવા મળે છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે અને સરકાર તેના વિશે ચિંતિત છે. અમે તાજેતરના કૃષિ સંકટનો તત્પરતા સાથે જવાબ આપ્યો છે. અમે અનેક સુધારા હાથ ધર્યા છે. કેન્દ્ર સરકારે પાકના નુકસાન સામે અપાતા વળતર માટેના રાહત ધોરણો 50% સુધી વધારી આપ્યા છે. વળતરની મંજૂરી માટે લઘુત્તમ પાક નુકસાનની મર્યાદા 50%થી ઘટાડીને 33% કરવામાં આવી છે. નુકસાન પામેલા અનાજને લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવાની મંજુરી આપવા માટેના ધોરણો હળવા કરવામાં આવ્યા છે. અમારા સતત છેલ્લા બે બજેટમાં કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારવામાં આવ્યો છે.

પરંતુ તમે કહ્યું તેમ, કૃષિમાં સમસ્યા સ્થાનિક છે. છ લાંબા દશકા સુધી કંઈ જ કરવામાં આવ્યું નથી. પરંતુ અમે કૃષિ ક્ષેત્ર માટે લાંબા ગાળાના પગલાં શરૂ કર્યા છે. દરેક ખેતર સુધી સિંચાઈની પહોંચ અને પાણીના કાર્યક્ષમ ઉપયોગના મુદ્દાને ઉકેલવા માટે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) શરૂ કરવામાં આવી છે. બ્લુ ક્રાંતિ કે જે મત્સ્ય ઉદ્યોગમાં ઉત્પાદન અને ઉત્પાદકતામાં સુધારો કરવા ઉપર કેન્દ્રિત છે તે પણ અમારા કાર્યનો એક મહત્વનો મુદ્દો છે. અમે જમીન આરોગ્ય કાર્ડ યોજના શરૂ કરી છે. રૂ.ના કોર્પસ સાથે ભાવ સ્થિરીકરણ ફંડ. નાશવંત ચીજવસ્તુઓ માટે પણ 500 કરોડ રૂપિયાની કિંમતનું ભાવ સંતુલિતતા ભંડોળ ઉભું કરવામાં આવ્યું છે. સ્વદેશી પશુઓની જાતિઓના સંરક્ષણ અને વિકાસના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય ગોકુલ મિશનની શરૂઆત કરવામાં આવી છે. અમે ગ્રામીણ વિકાસ માટે પ્રમાણિક અને નિષ્ઠાવાન પ્રયાસો કર્યા છે. ખેડૂતોને ઈનપુટ્સ અને બજારોની સમયસર માહિતી આપવા માટે મેં તાજેતરમાં જ કિસાન ચેનલનું લોકાર્પણ કર્યું છે. આગામી દિવસોમાં, હું કૃષિ ઉત્પાદકતા, ગ્રામીણ ઔદ્યોગિકરણ, ગ્રામીણ વિસ્તારો અને ગ્રામીણ વ્યાપારમાં કૌશલ્યનું નિર્માણ અને કોલ્ડ ચેઇન સહીત ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપી રોકાણો થાય તે દિશામાં વધુ એકલક્ષી પગલાંઓ હાથ ધરાય તેવી આશા રાખું છું.

  1. વિપક્ષે તમારી સરકારને સૂટ બુટ વાળી સરકાર ગણાવી છે. આરોપ પર તમારો શું વિચાર છે?

સૂટકેસ કરતાં સૂટ-બૂટ ચોક્કસપણે વધુ સારા અને સ્વીકાર્ય છે. સાઠ વર્ષ સુધી શાસન કર્યા બાદ કોંગ્રેસને અચાનક ગરીબોની યાદ આવી ગઈ છે. કોંગ્રેસની ટૂંકા ગાળાની નીતિઓને કારણે આ દેશની જનતા પીડાઈ છે અને ગરીબ રહી છે. વિશ્વના ઘણા દેશો ગરીબી નિવારણ સહિતના તમામ ક્ષેત્રોમાં આપણાંથી આગળ નીકળી ગયા છે. કોંગ્રેસે આ મુદ્દાને આગામી ચૂંટણી માટે સુસંગત રાખવા માટે વધારાનું કામ કર્યું. શું કોલસા અને સ્પેક્ટ્રમ કૌભાંડો કે CWGના ફિયાસ્કોથી ગરીબોને ફાયદો થયો? દરેક વ્યક્તિ જાણે છે કે તેમના લાભાર્થીઓ કોણ હતા – કેટલાક પસંદ કરાયેલા ઉદ્યોગપતિઓ અને કોન્ટ્રાક્ટરો. કોંગ્રેસની 60 વર્ષની રાજનીતિ અને શાસનનું પરિણામ એ છે કે ગરીબી આજે પણ આપણા માટે સૌથી મોટો પડકાર છે. એક ચતુર્થાંશ પરિવારો આશ્રય વિનાના છે. આ દેશના મોટી સંખ્યામાં નાગરિકો માટે આરોગ્ય, શિક્ષણ, પાણી, વીજળી અને રસ્તા એ આનાથી પણ મોટા અધૂરા સપનાઓ છે. તમારે તેમને પૂછવું જોઈએ- જો તમે ગરીબ તરફી હતા તો પછી ભારતમાં હજી પણ ગરીબી શા માટે છે?

  1. વિપક્ષ કહે છે કે તમારી સરકાર ઉદ્યોગપતિઓ તરફી છે.

જેમણે કોલસા અને સ્પેક્ટ્રમ જેવા અમૂલ્ય કુદરતી સંસાધનો તેમના મનપસંદ ઉદ્યોગપતિઓને આપ્યા સી છે તેમને આ વાત કહેવાનો કોઈ અધિકાર નથી. અમે દેશના સામાન્ય માણસ માટે કામ કરી રહ્યા છીએ.

અમારી સરકારના શરૂઆતના મહિનાઓમાં જ અમે તમામ શાળાઓમાં શૌચાલય ઉપલબ્ધ કરાવવાનું કામ હાથ ધર્યું હતું. શું ગરીબોના બાળકો આ સરકારી શાળાઓમાં નથી ભણતા?

અમે નાણાકીય સમાવેશ માટે જન ધન યોજના અમલમાં મૂકી અને 14 કરોડથી વધુ બેંક ખાતાઓ ખોલ્યા. અગાઉ પણ, બેંકો હતી, તેમજ બેંક ખાતા વગરના લોકો પણ હતા. તેઓએ આટલા વર્ષો સુધી શું કર્યું?

કહેવાતા ગરીબ તરફી લોકો માત્ર રટણ કરી રહ્યા છે કે સબસિડીમાં લીકેજ છે. જયારે અમે એલપીજી સબસિડી સીધી નિર્ધારિત વ્યક્તિ સુધી પહોંચે તેની ખાતરી કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો;

અમે 6 કરોડ નાના વેપારીઓ અને વ્યવસાયોને ધિરાણ આપવા માટે મુદ્રા બેંક શરૂ કરી છે જેમાંથી 61% અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અને લઘુમતીના લોકો સમાવિષ્ટ છે.

અમે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ કરી છે જેનો કોંગ્રેસે 60 વર્ષમાં વિચાર સુદ્ધા કર્યો ન હતો;

અમે એ બાબતની ખાતરી કરવાનું નક્કી કર્યું છે કે 2022 સુધીમાં કોઈ પણ પરિવાર માથે છાપરા વગરનો ના રહી જાય.

જમીન આરોગ્ય કાર્ડ યોજના ખેતીની ઉત્પાદકતા વધારવા અને ખર્ચ ઘટાડવા માટે શરૂ કરવામાં આવી છે, કે જેનાથી ખેડૂતની આવકમાં વધારો થાય;

અમે ગરીબો અને સીમાંત લોકો તેમજ વૃદ્ધો અને ઓછી આવકના સ્તર ધરાવતા લોકો માટે વ્યાપક સામાજિક સુરક્ષા સાથેની યોજના લઈને આવ્યા છીએ;

સ્વચ્છ ભારત મિશન એ બાબતની ખાતરી કરવા માટે શરુ કરવામાં આવ્યું છે કે ગરીબોના આરોગ્ય અને સ્વચ્છતાના મુદ્દાઓ ગરીબો અને શ્રમિકોની કાર્ય ક્ષમતા તથા ઉત્પાદનને અસર ન કરે;

ભારતીય રેલ્વે, કે જેના પર સામાન્ય માણસ મુસાફરી કરે છે, તેને વધુ સારા પરિણામ માટે બદલવામાં આવી રહી છે.

અમે યુવાનોની રોજગાર ક્ષમતા વધારવા માટે કૌશલ્ય વિકાસ મંત્રાલયની સ્થાપના કરી છે જેમને અમે ‘મેક ઇન ઇન્ડિયા’ જેવી પહેલ દ્વારા નોકરીઓ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. ભૂતકાળમાં, દેશને બેરોજગાર વૃદ્ધિવાળી અર્થવ્યવસ્થાની દિશામાં લઈ જવામાં આવ્યો હતો.

અમે કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ દળોમાં મહિલાઓને અનામત આપવાની વ્યવસ્થા કરી છે અને આ કાર્ય અમે એવા સમયે કર્યું હતું કે જયારે ચૂંટણી નજીક આવવાની તૈયારી પણ નહોતી.

અમે જે કોલસાની હરાજીની વ્યવસ્થા કરી છે તેના દ્વારા ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ અત્યાર સુધીમાં ઉભી કરી દેવામાં આવી છે કે જેનો ઉપયોગ ભારતના અવિકસિત રાજ્યો માટે કરવામાં આવશે. આ નાણાંનો ઉપયોગ તે રાજ્યોના ગરીબો માટે કરવામાં આવશે.

આ તો માત્ર થોડાક જ ઉદાહરણો છે. છેલ્લા સાઠ વર્ષોમાં આ બાબતો કેમ કરવામાં આવી નથી. તેમને કોણે રોક્યા હતા? તેમની ચિંતા એ નથી કે અમે ગરીબ તરફી નથી. તેમની ચિંતા એ છે કે તેઓ ગરીબ તરફી નથી એ વાત હવે લોકોમાં છતી થઇ રહી છે. લોકો તેમને પૂછે છે કે : “જો મોદી સરકાર છથી નવ મહિનામાં આ વિચારી શકતી હોય અને કરી શકતી હોય, તો પછી તમે 60 વર્ષમાં આ વસ્તુઓ કેમ વિચારી અને કરી શક્યા નહિ?.”

  1.  તમે 12 મહિનામાં 17 દેશોનો પ્રવાસ કર્યો છે એક એવી વસ્તુ  છે કે જેની કોઈએ અપેક્ષા નહોતી રાખી કારણ કે તમને વિદેશ નીતિની બાબતોમાં એક શિખાઉ વ્યક્તિ તરીકે જોવામાં આવ્યા હતા. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે તમને દેશની વિદેશ નીતિ ચલાવવાની મજા આવી રહી છે. વિષય પર તમારી કોઈ ટિપ્પણી?

વિદેશી જોડાણ એ પ્રધાનમંત્રીની બાજુએથી એક આંતરરાષ્ટ્રીય જવાબદારી છે. તમામ પ્રધાનમંત્રીઓએ આ કર્યું છે. તે ઉપરાંત આ એક સંકલિત વિશ્વ છે. આપણે આંતરરાષ્ટ્રીય, બહુપક્ષીય અને દ્વિપક્ષીય સમિટમાં ભાગ લેવો પડે છે અને આપણા પડોશીઓ તેમજ અન્ય રાષ્ટ્રો સાથે સંબંધો બાંધવા પડે છે. અમારી વિદેશ નીતિ પરિપક્વ છે અને તેને આગળ વધારવા માટે એક સંપૂર્ણ વ્યવસ્થા છે. મેં તેમાં માત્ર ગતિશીલતાનું તત્વ ઉમેર્યું છે. અમે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં આપણા આર્થિક સહયોગને મજબૂત રીતે આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે. અમે નવી આર્થિક ભાગીદારીમાં વૃદ્ધિ કરવાનો અને મોટી અર્થવ્યવસ્થાઓ પાસેથી ઊર્જા, ખનિજો, ટેક્નોલોજી અને ધિરાણના ભંડાર મેળવવાનો પ્રયાસ કર્યો છે.

  1. ખરેખર શું તમને લાગે છે કે, ચીન તેમના દ્વારા કરવામાં આવેલી નાણાકીય પ્રતિજ્ઞા પૂરી કરશે, કે પછી અમેરિકા ભારત માટે તેના બજારો ખોલશે, અથવા પાકિસ્તાન પોતાનો ભારત વિરોધી એજન્ડા છોડી દેશે? અને આપણા નાના પડોશીઓ આપણને ગુંડા તરીકે જોવાનું બંધ કરશે?

હા, મને વિશ્વાસ છે કે પ્રતિબદ્ધતાઓ અને સંધિઓ અમલમાં આવશે. અમને જાહેર અને ખાનગી ભંડોળની સુવિધા માટે આગામી પાંચ વર્ષમાં જાપાન સરકાર તરફથી 3.5 ટ્રિલિયન યેન – અથવા અંદાજે 35 બિલિયન અમેરિકી ડોલર મળવવાની  પ્રતિબદ્ધતા પ્રાપ્ત થઈ છે; ચીન સાથે બે ઔદ્યોગિક ઉદ્યાનો અને 20 બિલિયન અમેરિકી ડૉલરના મૂડીરોકાણ અંગેના સંધિ કરારો થયા છે; આગામી પાંચ વર્ષમાં અમેરિકાની કંપનીઓ પાસેથી લગભગ 42 બિલિયન અમેરિકી ડોલરના રોકાણની યોજના છે. રશિયાએ ભારતમાં હેલિકોપ્ટર નિર્માણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આપણા ઊર્જા સહયોગને મજબૂત બનાવવા માટે ઓસ્ટ્રેલિયા અને કેનેડા સાથે, અમે નાગરિક પરમાણુ સહકાર સંધિ કરારો અને અન્ય કરારો પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકા સાથે, અમે નાગરિક પરમાણુ કરારના અમલીકરણમાં આગળ વધ્યા છીએ અને ગામડાઓ સુધી ઊર્જાની પહોંચ વધે તે માટે પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરવા માટે એક મહત્વપૂર્ણ ભાગીદારી સંધિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કોરિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના પેન્શન ફંડ સહિતની નાણાકીય સંસ્થાઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. અમારા “મેક ઇન ઇન્ડિયા” કાર્યક્રમ માટે તમામ મોટી અર્થવ્યવસ્થાઓ પાસેથી મજબૂત સમર્થન સાંપડ્યું છે.

પડોશમાં, નેપાળમાં 5600 મેગાવોટના પંચેશ્વર પ્રોજેક્ટ પર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, કે જે છેલ્લા 25 વર્ષથી અટવાયેલી હતી. એ જ રીતે, બાંગ્લાદેશ સાથે અમે જમીની સરહદના મુદ્દાનું સમાધાન કરી લીધું છે. અમે પારસ્પરિક લાભની ભાવના સાથે કામ કરી રહ્યા છીએ. કોઈની ઉપર દાદાગીરી કરવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો. કુદરતી આફત દરમિયાન નેપાળ માટે અમારી તાજેતરની મદદ એ દર્શાવે છે કે અમારો અભિગમ ભાઈચારાનો છે. પાકિસ્તાન સાથે પણ અમે અમારો લાંબા ગાળાનો અભિગમ અપનાવીશું. અમે આપણી રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કર્યા વિના સહકાર અને જોડાણને આગળ વધારવાના અમારા બધા જ પ્રયાસો ચાલુ રાખીશું.

  1.  જો આપણે દેશની બાબતો ઉપર પાછા જઈએ તો તમે તમારા પક્ષમાં કેટલાક કટુ વચનો બોલતા લોકો કે જેમણે લઘુમતિઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી છે તેમની ઉપર શાસન કરી શકવાના કારણે ટીકાનો ભોગ બન્યા છો. વિષે તમારે શું કહેવું છે?

આપણું બંધારણ દરેક નાગરિકને ધાર્મિક સ્વતંત્રતાની બાહેંધરી આપે છે અને આ બાબત પર વાદવિવાદનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. પ્રત્યેક ધર્મોનું સ્વાગત, સન્માન અને આદર કરવાની ભારતની પરંપરા એ તેના અસ્તિત્વ જેટલી જુ પૂરાતન છે. જેમ કે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું: અમે માત્ર સાર્વત્રિક સહિષ્ણુતામાં જ નથી માનતા, પરંતુ અમે તમામ ધર્મોને સત્ય તરીકે પણ સ્વીકારીએ છીએ. તમામ ધર્મો માટે સમાન આદર અને વ્યવહારનો આ સિદ્ધાંત હજારો વર્ષોથી ભારતની નૈતિકતાનો એક ભાગ રહ્યો છે. અને આ જ રીતે તે ભારતના બંધારણનો એક અભિન્ન હિસ્સો પણ બન્યો છે. આપણું બંધારણ શૂન્યાવકાશમાં વિકસિત નથી થયું. તેના મૂળ ભારતની પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાઓમાં રહેલા છે. હું આશા રાખું છું કે દરેક વ્યક્તિ આ વાત સમજશે અને તેને આદર આપશે.

  1. તમારા પક્ષના કેટલાક લોકો શા માટે ભયંકર વસ્તુઓ બોલવા માટેનું સાહસ કરે છે, કે જયારે તેમણે જાણવું જોઈએ કે ભારતના પ્રધાનમંત્રી તેમના મંત્રીમંડળમાં કોઈપણ ધર્માંધ વ્યક્તિને ટેકો નહિ આપી શકે?

મેં આ વાત પહેલા પણ કહી છે અને હું ફરીથી કહું છું: કોઈપણ સમુદાય સામે કોઈપણ પ્રકારનો ભેદભાવ અથવા હિંસા સહન કરવામાં આવશે નહીં. આ અંગે મારી સ્થિતિ એકદમ સ્પષ્ટ છેઃ સૌનો સાથ, સૌનો વિકાસ. અમે કોઈપણ જાતિ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના 1.25 અબજ ભારતીયોમાંથી પ્રત્યેક વ્યક્તિ માટે ઉભા છીએ, અને અમે તે દરેકની પ્રગતિ માટે કામ કરીશું. આપણા દેશમાં દરેક આસ્થાને સમાન અધિકારો છે; તે માત્ર કાયદા સમક્ષ જ નહીં પરંતુ સમાજ સમક્ષ પણ સમાન છે.