પીએમઇન્ડિયા
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.
‘મન કી બાત’માં આપનું એક વાર ફરી સ્વાગત છે. નવેમ્બરનો મહિનો ખૂબ જ પ્રેરણા લઈને આવ્યો, કેટલાક દિવસ પહેલાં જ 26 નવેમ્બરે ‘સંવિધાન દિવસ’ પર central hallમાં વિશેષ કાર્યક્રમનું આયોજન થયું. વંદે માતરમનાં 150 વર્ષ પૂરાં થવાં પર સમગ્ર દેશમાં થનારા કાર્યક્રમોની ભવ્ય શરૂઆત થઈ. 25 નવેમ્બરે અયોધ્યામાં રામ મંદિર પર ધર્મધ્વજાનું આરોહણ થયું. આ જ દિવસે કુરુક્ષેત્રના જ્યોતિસરમાં પાંચજન્ય સ્મારકનું લોકાર્પણ થયું.
સાથીઓ,
કેટલાક દિવસ પહેલાં જ મેં હૈદરાબાદમાં દુનિયાના સૌથી મોટા લીપ એન્જિન એમઆરઓ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું છે. ઍરક્રાફ્ટનું મેઇનટેનન્સ, રિપેર અને ઑવરહૉલના ક્ષેત્રમાં ભારતે આ બહુ મોટું ડગ ભર્યું છે. ગયા સપ્તાહે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન આઈએનએસ ‘માહે’ને ભારતીય નૌ સેનામાં સમાવિષ્ટ કરવામાં આવ્યું. ગત સપ્તાહે જ ભારતની અંતરિક્ષ ઇકૉ સિસ્ટમને સ્કાય રૂટના ઇન્ફિનિટી કેમ્પસે નવી ઉડાન આપી છે. આ ભારતની નવી વિચારસરણી, ઇન્નૉવેશન અને યુવા શક્તિનું પ્રતિબિંબ બન્યું છે.
સાથીઓ,
કૃષિ ક્ષેત્રમાં પણ દેશે મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતે 357 મીલીયન ટનના ખાદ્યાન્ન ઉત્પાદન સાથે એક ઐતિહાસિક વિક્રમ સર્જ્યો છે. 357 મીલીયન ટન ! 10 વર્ષ પહેલાંની તુલાનામાં ભારતનું ખાદ્યાન્ન ઉત્પાદન 100 મીલીયન ટન વધી ગયું છે. રમતની દુનિયામાં પણ ભારતે વિજયપતાકા લહેરાવી છે. કેટલાક દિવસ પહેલાં જ ભારતને રાષ્ટ્રસમૂહ રમતોની યજમાનીની પણ ઘોષણા થઈ.આ ઉપલબ્ધિઓ દેશની છે, દેશવાસીઓની છે. અને ‘મન કી બાત’ દેશના લોકોની આવી ઉપલબ્ધિઓને, લોકોના સામૂહિક પ્રયાસોને જન સામાન્યની સામે લાવવાનો, એક સારો મંચ છે.
સાથીઓ,
જો મનમાં લગન હોય, સામૂહિક શક્તિ પર ટીમની જેમ કામ કરવા પર વિશ્વાસ હોય, પડીને ફરીથી ઊભા થવાનું સાહસ હોય તો કઠિનમાં કઠિન કામમાં પણ સફળતા સુનિશ્ચિત થઈ જાય છે. તમે તે સમયની કલ્પના કરો, જ્યારે ઉપગ્રહો નહોતા, જીપીએસ પ્રણાલિ નહોતી, મુસાફરી (નેવિગેશન)ની કોઈ સુવિધાઓ નહોતી. ત્યારે પણ આપણા નાવિકો મોટાં-મોટાં જહાજો લઈને સમુદ્રમાં નીકળી પડતા હતા અને નિશ્ચિત સ્થાને પહોંચતા હતા. હવે સમુદ્રથી આગળ વધીને દુનિયાના દેશ અંતરિક્ષની અનંત ઊંચાઈ માપી રહ્યા છે. પડકાર ત્યાં પણ તે જ છે, ન તો જીપીએસ પ્રણાલિ છે, ન સંચારની એવી કોઈ વ્યવસ્થા છે, પછી આપણે કેવી રીતે આગળ વધીશું?
સાથીઓ,
કેટલાક દિવસ પહેલાં સૉશિયલ મીડિયા પર એક વિડિયોએ મારું ધ્યાન આકર્ષિત કર્યું. આ વિડિયો ઇસરોની અનોખી ડ્રૉન સ્પર્ધાનો હતો. આ વિડિયોમાં આપણા દેશના યુવાનો અને વિશેષ રૂપે, આપણા Gen-Z મંગળ ગ્રહ જેવી પરિસ્થિતિઓમાં ડ્રૉન ઉડાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ડ્રૉન ઉડાવતા હતા, કેટલીક પળ સંતુલનમાં રહેતા હતા, પછી અચાનક જમીન પર પડી જતા હતા. જાણો છો કેમ? કારણકે ત્યાં જે ડ્રૉન ઊડી રહ્યાં હતાં, તેમાં જીપીએસનું સમર્થન બિલકુલ નહોતું. મંગળ ગ્રહ પર જીપીએસ સંભવ નથી, આથી ડ્રૉનને કોઈ બહારી સંકેત અથવા માર્ગદર્શન મળી શકતું નથી. ડ્રૉનને પોતાના કેમેરા અને ઇનબિલ્ટ સૉફ્ટવેરના સહારે ઉડવાનું હતું. આ નાના એવા ડ્રૉનને જમીનની પેટર્ન ઓળખવાની હતી, ઊંચાઈ માપવાની હતી, બાધાઓ સમજવાની હતી અને પોતે જ સુરક્ષિત ઉતરવાનો રસ્તો શોધવાનો હતો. આથી ડ્રૉન પણ એક પછી એક પડતા જતાં હતાં.
સાથીઓ,
આ સ્પર્ધામાં, પૂણેના યુવાનોની એક ટીમે કેટલીક હદ સુધી સફળતા મેળવી. તેમનું ડ્રૉન પણ અનેક વાર પડ્યું, તૂટી પડ્યું પણ તેમણે હાર ન માની. અનેક વારના પ્રયાસ પછી આ ટીમનું ડ્રૉન મંગળ ગ્રહની પરિસ્થિતિમાં કેટલીક વાર સુધી ઉડવામાં સફળ રહ્યું.
સાથીઓ,
આ વિડિયો જોતાં, મારા મનમાં એક બીજું દૃશ્ય ઉભરીને આવ્યું. તે દિવસ, જ્યારે ચંદ્રયાન-૨ સંપર્ક બહાર થઈ ગયું હતું. તે દિવસે સમગ્ર દેશ, અને વિશેષ તો વૈજ્ઞાનિકો કેટલીક પળો માટે નિરાશ થયા હતા. પરંતુ સાથીઓ, અસફળતાએ તેમને રોક્યા નહીં. તે દિવસે તેમણે ચંદ્રયાન-3ની સફળતાની ગાથા લખવાની શરૂ કરી દીધી. આ જ કારણ છે કે જ્યારે ચંદ્રયાન-૩એ સફળ ઉતરાણ કર્યું તો તે કેવળ એક મિશનની સફળતા નહોતી. તે તો અસફળતામાંથી બહાર નીકળીને કેળવાયેલા વિશ્વાસની સફળતા હતી. આ વિડિયોમાં જે યુવાનો દેખાઈ રહ્યા છે, તેમની આંખોમાં મને એ જ ચમક દેખાઈ. દરેક વખતે જ્યારે હું આપણા યુવાનોની લગન અને વૈજ્ઞાનિકોનું સમર્પણ જોઉં છું તો મનમાં ઉત્સાહ ઉમટે છે. યુવાનોની આ જ લગન, વિકસિત ભારતની બહુ મોટી શક્તિ છે.
મારા પ્રિય દેશવાસીઓ,
તમે બધા મધની મીઠાશથી અવશ્ય પરિચિત હશો, પરંતુ ઘણી વાર આપણને એ ખબર નથી પડતી કે તેની પાછળ કેટલા લોકોની મહેનત છે, કેટલી પરંપરા છે અને પ્રકૃતિ સાથે કેટલો સુંદર તાલમેળ છે.
સાથીઓ,
જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં વન તુલસી એટલે કે સુલાઈ, સુલાઈનાં ફૂલોમાંથી અહીંની મધમાખીઓ ખૂબ જ અનોખું મધ બનાવે છે. તે સફેદ રંગનું મધ હોય છે જેને રામબન સુલાઈ હની કહેવાય છે. કેટલાંક વર્ષો પહેલાં જ રામબન સુલાઈ હનીને GI ટેગ મળ્યો છે. તેના પછી આ મધની ઓળખ પૂરા દેશમાં બની રહી છે.
સાથીઓ,
દક્ષિણ કન્નડા જિલ્લાના પુત્તુરમાં ત્યાંની વનસ્પતિ મધ ઉત્પાદન માટે ઉત્કૃષ્ટ માનવામાં આવે છે. અહીં ‘ગ્રામજન્ય’ નામની ખેડૂત સંસ્થા આ પ્રાકૃતિક ઉપહારને નવી દિશા આપી રહી છે. ‘ગ્રામજન્ય’એ અહીં એક આધુનિક પ્રૉસેસિંગ યૂનિટ બનાવ્યું, લેબ, બૉટલિંગ, સ્ટૉરેજ અને ડિજિટલ ટ્રેકિંગ જેવી સુવિધાઓ જોડવામાં આવી. હવે આ જ મધ બ્રાન્ડેડ ઉત્પાદન બનીને ગામડાંઓથી શહેર તરફ પહોંચી રહ્યું છે. આ પ્રયાસનો લાભ અઢી હજારથી વધુ ખેડૂતોને મળ્યો છે.
સાથીઓ,
કર્ણાટકના જ તુમકુરુ જિલ્લામાં ‘શિવગંગા કાલંજિયા’ નામની સંસ્થાનો પ્રયાસ પણ ખૂબ જ પ્રશંસનીય છે. તેના દ્વારા અહીં દરેક સભ્યને શરૂઆતમાં બે મધમાખીની પેટી (Bee Box) આપવામાં આવતાં હતાં. આવું કરીને આ સંસ્થાએ અનેક ખેડૂતોને પોતાના અભિયાન સાથે જોડી દીધા છે. હવે આ સંસ્થા સાથે જોડાયેલા ખેડૂતો મળીને મધ બનાવે છે, સારું પેકેજિંગ કરે છે અને સ્થાનિક બજારો સુધી પહોંચે છે. તેનાથી તેમને લાખોની કમાણી પણ થઈ રહી છે. આવું જ એક ઉદાહરણ નાગાલેન્ડના ક્લિફ હની હંટિંગનું પણ છે. નાગાલેન્ડના ચોકલાંગન ગામમાં ખિયામનિ-યાંગન જનજાતિ સદીઓથી મધ કાઢવાનું કામ કરતી આવી છે. અહીં મધમાખીઓ ઝાડ પર નહીં, પરંતુ ઊંચાં શિખરો પર પોતાનું ઘર બનાવે છે. આથી મધ કાઢવાનું કામ પણ બહુ જ જોખમી હોય છે. આથી અહીંના લોકો મધમાખીઓ સાથે પહેલાં સૌમ્યતાથી વાત કરે છે, તેમની અનુમતિ લે છે. તેમને કહે છે કે આજે તેઓ મધ લેવા આવ્યા છે, તે પછી મધ કાઢે છે.
સાથીઓ,
આજે ભારત હની પ્રૉડક્શનમાં નવો વિક્રમ સર્જી રહ્યું છે. 11 વર્ષ પહેલાં દેશમાં મધનું ઉત્પાદન 76 હજાર મેટ્રિક ટન હતું. હવે તે વધીને દોઢ લાખ મેટ્રિક ટનથી પણ વધુ થઈ ગયું છે. ગત કેટલાંક વર્ષોમાં મધની નિકાસ પણ ત્રણ ગણાથી વધુ વધી ગઈ છે. હની મિશન કાર્યક્રમ અંતર્ગત ખાદી ગ્રામોદ્યોગે પણ સવા બે લાખથી વધુ મધમાખીના બોક્સ લોકોમાં વહેંચ્યાં છે. તેનાથી હજારો લોકોને આજીવિકાના નવા અવસરો મળ્યા છે. અર્થાત્ દેશના અલગ-અલગ ખૂણામાં મધની મીઠાશ પણ વધી રહી છે. અને આ મીઠાશ ખેડૂતોની આવક પણ વધારી રહી છે.
મારા પ્રિય દેશવાસીઓ,
હરિયાણાના કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ થયું હતું, તે આપણે બધા જાણીએ છીએ. પરંતુ યુદ્ધના આ અનુભવને હવે તમે ત્યાં મહાભારત અનુભવ કેન્દ્રમાં પણ સાક્ષાત અનુભવી શકો છો. આ અનુભવ કેન્દ્રમાં મહાભારતની ગાથાને 3-ડી, લાઇટ અને સાઉન્ડ શૉ અને ડિજિટલ ટૅક્નિકથી દેખાડવામાં આવી રહી છે. 25 નવેમ્બરે જ્યારે હું કુરુક્ષેત્ર ગયો હતો તો આ અનુભવ કેન્દ્રના અનુભવે મને આનંદથી ભરી દીધો.
સાથીઓ,
કુરુક્ષેત્રમાં બ્રહ્મ સરોવર પર આયોજિત આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં સહભાગી થવાનું પણ મારા માટે ખૂબ જ વિશેષ રહ્યું. હું એ જોઈને ખૂબ જ પ્રભાવિત થયો કે દુનિયાભરના લોકો દિવ્ય ગ્રંથથી કેવી રીતે પ્રેરિત થઈ રહ્યા છે. આ મહોત્સવમાં યુરોપ અને મધ્ય એશિયા સહિત વિશ્વના અનેક દેશોના લોકોની ભાગીદારી રહી છે.
આ મહિનાની શરૂઆતમાં સાઉદી અરબમાં પહેલી વાર કોઈ સાર્વજનિક મંચ પર ગીતાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. યુરોપના લાતવિયામાં પણ એક યાદગાર ગીતા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો. આ મહોત્સવમાં લાતવિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા અને અલ્જીરિયાના કલાકારોએ ઉમંગથી હિસ્સો લીધો.
સાથીઓ,
ભારતની મહાન સંસ્કૃતિમાં શાંતિ અને કરુણાનો ભાવ સર્વોપરી રહ્યો છે. તમે બીજા વિશ્વ યુદ્ધની કલ્પના કરો, જ્યારે ચારે તરફ વિનાશનું ભયાવહ વાતાવરણ સર્જાયું હતું. એવા મુશ્કેલ સમયમાં ગુજરાતના નવાનગરના જામસાહેબ મહારાજા દિગ્વિજયસિંહજીએ જે મહાન કાર્ય કર્યું તે આજે પણ આપણને પ્રેરણા આપે છે. તે સમયે જામ સાહેબ, કોઈ વ્યૂહાત્મક ગઠબંધન અને યુદ્ધની રણનીતિ સંદર્ભે નહોતા વિચારી રહ્યા. પરંતુ તેમની ચિંતા એ હતી કે વિશ્વ યુદ્ધની વચ્ચે પૉલિશ યહૂદી બાળકોની કેવી રીતે રક્ષા કરી શકાય. તેમણે ગુજરાતમાં તે સમયે હજારો બાળકોને શરણ આપીને તેમને નવું જીવન આપ્યું જે આજે પણ એક પ્રેરણા છે. કેટલાક દિવસ પહેલાં દક્ષિણી ઇઝરાયેલના મોશાવ નેવાતિમમાં જામ સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આ બહુ જ વિશેષ સન્માન હતું. ગત વર્ષે પૉલેન્ડના વારસૉમાં મને જામસાહેબના સ્મારક પર શ્રદ્ધા સુમન અર્પિત કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. મારા માટે તે અવિસ્મરણીય રહેશે.
મારા પ્રિય દેશવાસીઓ,
કેટલાક દિવસો પહેલાં હું પ્રાકૃતિક ખેતીના એક વિશાળ સંમેલનમાં ભાગ લેવા કોયંબટૂર ગયો હતો. દક્ષિણ ભારતમાં પ્રાકૃતિક ખેતી સંદર્ભે થઈ રહેલા પ્રયાસોને જોઈને હું ખૂબ જ પ્રભાવિત થયો. કેટલા બધા યુવા ઉચ્ચ લાયકાતવાળા વ્યાવસાયિકો હવે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રને અપનાવી રહ્યા છે. મેં ત્યાં ખેડૂતો સાથે વાત કરી, તેમની પાસેથી અનુભવો જાણ્યા. પ્રાકૃતિક ખેતી ભારતની પ્રાચીન પરંપરાઓનો હિસ્સો રહી છે અને આપણા બધાનું કર્તવ્ય છે કે ધરતી માની રક્ષા માટે તેને નિરંતર ઉત્તેજન આપીએ.
સાથીઓ,
વિશ્વની સૌથી મોટી પ્રાચીન ભાષા અને વિશ્વના સૌથી પ્રાચીન શહેરોમાંથી એક શહેબ, આ બંનેનો સંગમ સદા અદ્ભુત હોય છે. હું વાત કરી રહ્યો છું – ‘કાશી તમિલ સંગમમ’ની. બે ડિસેમ્બરથી કાશીના નમો ઘાટ પર ચોથો કાશી-તમિલ સંગમમ શરૂ થઈ રહ્યો છે. આ વખતે કાશી-તમિલ સંગમમની થીમ ખૂબ જ રોચક છે- લર્ન તમિલ- તમિલ કરકલમ્. કાશી-તમિલ સંગમમ એ બધા લોકો માટે એક મહત્ત્વપૂર્ણ મંચ બની ગયો છે જેમને તમિલ ભાષા પ્રત્યે પ્રેમ છે. કાશીના લોકોની જ્યારે પણ વાત થાય છે તો તેઓ સદા કહે છે કે કાશી-તમિલ સંગમમનો હિસ્સો બનવાનું તેમને ખૂબ જ સારું લાગે છે. અહીં તેમને કંઈક નવું શીખવા અને નવા-નવા લોકોને મળવાનો અવસર મળે છે. આ વખતે પણ કાશીવાસી પૂરા જોશ અને ઉત્સાહ સાથે તમિલનાડુથી આવનારા પોતાનાં ભાઈ-બહેનોનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સુક છે. મારો આપ સહુને આગ્રહ છે કે તમે કાશી-તમિલ સંગમમનો હિસ્સો અવશ્ય બનો. તેની સાથે જ એવા બીજા મંચો વિશે વિચારો, જેનાથી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના મજબૂત થાય. અહીં હું એક વાર ફરી કહેવા માગીશ:
तमिल कलाच्चारम उयर्वानद्
तमिल मोलि उयर्वानद्
तमिल इन्दियाविन पेरूमिदम्।
અર્થાત્ તમિલ સંસ્કૃતિ મહાન છે. તમિલ ભાષા મહાન છે. તમિલ ભારતનું ગૌરવ છે.
મારા પ્રિય દેશવાસીઓ,
જ્યારે ભારતના સુરક્ષા તંત્રને મજબૂતી મળે છે તો દરેક ભારતીયને ગર્વ થાય છે. ગત સપ્તાહે મુંબઈમાં આઈએનએસ ‘માહે’ને ભારતીય નૌ સેનામાં સમાવિષ્ટ કરવામાં આવ્યું. કેટલાક લોકો વચ્ચે તેની સ્વદેશી ડિઝાઇન અંગે ખૂબ જ ચર્ચા રહી. તો પુડ્ડુચેરી અને માલાબાર દરિયાકાંઠાના લોકો આ નામથી જ ખુશ થઈ ગયા. ખરેખર તો તેનું ‘માહે’ નામ તે સ્થાન માહેના નામ પરથી રખાયું છે જેનો સમૃદ્ધ ઐતિહાસિક વારસો રહ્યો છે. કેરળ અને તમિળનાડુના અનેક લોકોએ એ વાત પર ધ્યાન આપ્યું કે આ યુદ્ધજહાજનો ‘ક્રેસ્ટ’ ઉરુમી અને કલારિપયટ્ટૂની પારંપારિક લચીલી તલવારની જેવો દેખાય છે. આપણા બધા માટે ગર્વની વાત છે કે આપણી નૌ સેના ખૂબ જ ઝડપથી આત્મનિર્ભરતા તરફ ડગ વધારી રહી છે. 4 ડિસેમ્બરે આપણે નૌ સેના દિવસ પણ મનાવવા જઈ રહ્યા છે. આ અવસર આપણા સૈનિકોના અદમ્ય સાહસ અને પરાક્રમને સન્માન આપવાનો એક ખાસ દિવસ છે.
સાથીઓ,
જે લોકો નૌ સેના સાથે જોડાયેલા પર્યટનમાં રુચિ રાખે છે, તેમના માટે આપણા દેશમાં અનેક જગ્યાઓ છે, જ્યાં જઈને તેમને ઘણું બધું શીખવા મળશે. દેશના પશ્ચિમી દરિયા કિનારે ગુજરાતના સોમનાથ પાસે એક જિલ્લો છે- દીવ. દીવમાં ‘આઇએનએસ ખુખરી’ને સમર્પિત ખુખરી સ્મારક અને સંગ્રહાલય છે. તો ગોવામાં ‘નેવલ એવિએશન મ્યૂઝિયમ’ છે જે એશિયામાં આ પ્રકારનું અનોખું સંગ્રહાલય છે. કોચી કિલ્લાના આઈએનએસ દ્રોણાચાર્યમાં ‘ઇન્ડિયન નેવલ મેરિટાઇમ મ્યૂઝિયમ’ છે. અહીં આપણા દેશના સમુદ્રી અને ભારતીય નૌ સેનાના ક્રમિક વિકાસને જોઈ શકાય છે. શ્રી વિજયાપુરમ જેને પહેલાં પૉર્ટ બ્લેર કહેવાતું હતું, ત્યાં સમુદ્રિકા નેવલ મરીન મ્યુઝિયમ તે ક્ષેત્રના સમૃદ્ધ ઇતિહાસને સામે લાવવા માટે જાણીતું છે. કારાવારના રવીન્દ્રનાથ ટાગોર સમુદ્રકાંઠે વૉરશિપ મ્યુઝિયમમાં મિસાઇલો અને શસ્ત્રોની રેપ્લિકા રાખવામાં આવી છે. વિશાખાપટનમમાં પણ એક સબમરિન, હેલિકૉપ્ટર અને ઍરક્રાફ્ટ સંગ્રહાલય છે, જે ભારતીય નૌ સેના સાથે જોડાયેલું છે. હું તમને સહુને, વિશેષ રીતે સૈન્ય ઇતિહાસમાં રુચિ રાખનારા લોકોને આગ્રહ કરું છું કે તમે આ સંગ્રહાલયો જોવા અવશ્ય જાવ.
મારા પ્રિય દેશવાસીઓ,
શિયાળો આવી ગયો છે અને સાથે જ શિયાળા સાથે જોડાયેલા પર્યટનનો સમય પણ આવી ગયો છે. વિશ્વના અનેક દેશોએ શિયાળામાં થનારા પર્યટનને, વિન્ટર ટૂરીઝમને પોતાની અર્થવ્યવસ્થાનો આધાર બનાવી દીધો છે. અનેક દેશોમાં દુનિયાના સૌથી સફળ વિન્ટરફેસ્ટિવલ અને વિન્ટલસ્પૉર્ટ્સમૉડલ છે. આ દેશોએ સ્કિઇંગ, સ્નૉ બૉર્ડિંગ, સ્નૉટ્રેકિંગ, આઇસ ક્લાઇમ્બિંગ અને ફેમિલી સ્નો પાર્ક જેવા અનુભવોને પોતાની ઓળખ બનાવ્યા છે. તેમણે પોતાના વિન્ટર ફેસ્ટીવલને પણ વૈશ્વિક આકર્ષણમાં બદલ્યા છે.
સાથીઓ,
આપણા દેશમાં પણ વિન્ટર ટૂરીઝમની દરેક ક્ષમતા વિદ્યમાન છે. આપણી પાસે પહાડ પણ છે, સંસ્કૃતિ પણ છે અને સાહસની અસીમ સંભાવનાઓ પણ છે. મને આનંદ છે. આ દિવસોમાં ઉત્તરાખંડનું વિન્ટર ટૂરીઝમ લોકોને ખૂબ જ આકર્ષિત કરી રહ્યું છે. શિયાળાની ઋતુમાં ઔલી, મુનસ્યારી, ચોપટા અને ડેયારા જેવાં સ્થળો ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યાં છે. હમણાં કેટલાંક સપ્તાહો પહેલાં પિથોરાગઢ જિલ્લામાં સાડા ચૌદ હજાર ફૂટથી વધુ ઊંચાઈ પર કૈલાસમાં રાજ્યની પહેલી હાઇઅલ્ટિટ્યૂડઅલ્ટ્રા રન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દેશભરનાં 18 રાજ્યોમાંથી 750થી વધુ એથ્લેટોએ સહભાગ લીધો હતો. 60 કિમી લાંબી ‘આદિ કૈલાસ પરિક્રમા રન’નો પ્રારંભ કડકડાતી ઠંડીમાં સવારે પાંચ વાગ્યે થયો હતો. આટલી ઠંડી છતાં પણ લોકોનો ઉત્સાહ જોવા જેવો હતો. આદિ કૈલાસની યાત્રા પર જ્યાં ત્રણ વર્ષ પહેલાં માત્ર બે હજારથી ઓછા પર્યટકો આવતા હતા, તે સંખ્યા હવે વધીને ત્રીસ હજારથી પણ વધુ થઈ ગઈ છે.
સાથીઓ,
કેટલાંક સપ્તાહમાં ઉત્તરાખંડમાં વિન્ટર ગેમ્સનું આયોજન પણ થવાનું છે. દેશભરના ખેલાડી, સાહસ પ્રેમી અને રમતો સાથે જોડાયેલા લોકો આ આયોજન અંગે ઉત્સાહિત છે. સ્કિઇંગ હોય કે સ્નૉ બૉર્ડિંગ, બરફ પર થનારી અનેક રમતોની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ઉત્તરાખંડે વિન્ટર ટૂરીઝમને ઉત્તેજન આપવા માટે કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ધ્યાન આપ્યું છે. હૉમ સ્ટે અંગે નવી નીતિ પણ બનાવવામાં આવી છે.
સાથીઓ,
શિયાળામાં ભારતમાં લગ્ન અભિયાનની પણ અલગ ધૂમ હોય છે. શિયાળાનો કૂણો તડકો હોય, પહાડથી ઉતરતા ધૂમ્મસની ચાદર હોય, ડેસ્ટિનેશન વેડિંગ માટે પહાડ પણ હવે ઘણા લોકપ્રિય થઈ રહ્યા છે. અનેક લગ્નો તો હવે વિશેષ રીતે, ગંગાજીના કિનારે થઈ રહ્યાં છે.
સાથીઓ,
ઠંડીના આ દિવસોમાં હિમાલયની ઘાટીઓ એક એવા અનુભવનો હિસ્સો બની જાય છે જે જીવનભર સાથે રહે છે. જો તમે આ શિયાળામાં ક્યાંય જવાનો વિચાર કરી રહ્યા હો તો હિમાલયની ઘાટીઓનો વિકલ્પ અવશ્ય રાખજો.
સાથીઓ,
કેટલાંક સપ્તાહ પહેલાં હું ભૂટાન ગયો હતો. આવી યાત્રાઓમાં અલગ-અલગ પ્રકારના સંવાદ અને ચર્ચાઓનો અવસર મળે છે. પોતાની આ યાત્રામાં મેં ભૂટાનના રાજા, વર્તમાન રાજાના પિતાજી જે પોતે પણ પહેલાં રાજા રહી ચૂક્યા છે, ત્યાંના પ્રધાનમંત્રી અને અન્ય લોકો સાથે મુલાકાત કરી.આ દરમિયાન દરેક પાસેથી એક વાત અવશ્ય સાંભળવા મળી. બધા લોકો ત્યાં બૌદ્ધ અવશેષો અર્થાત્ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ મોકલવાના સંદર્ભે ભારતવાસીઓનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા. મેં જ્યારે પણ આ સાંભળ્યું તો મારું હૃદય ગર્વથી ભરાઈ ગયું.
સાથીઓ,
ભગવાન બુદ્ધના પાવન અવશેષોના સંદર્ભે અનેક અન્ય દેશોમાં પણ આવો જ ઉત્સાહ જોવા મળ્યો છે. ગત મહિને જ રાષ્ટ્રીય સંગ્રહાલયમાં આ પવિત્ર અવશેષોને રશિયાના કલમીકિયા લઈ જવાયા હતા. ત્યાં બૌદ્ધ ધર્મનું વિશેષ મહત્ત્વ છે. મને જણાવવામાં આવ્યું કે આ દર્શન માટે રશિયામાં દૂરદૂરથી મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા. આ પવિત્ર અવશેષોનેમંગોલિયા, વિયેતનામ અને થાઇલેન્ડ પણ લઈ જવાઈ ચૂક્યા છે. દરેક જગ્યાએ લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. તેના દર્શન માટે થાઇલેન્ડના રાજા પણ પહોંચ્યા હતા. સમગ્ર વિશ્વમાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોન પ્રત્યે આ પ્રકારનું ગાઢ જોડાણ જોઈને મન ભાવવિભોર થઈ ઊઠે છે. એ સાંભળીને બહુ સારું લાગે છે કે આ પ્રકારની પહેલ દુનિયાભરના લોકોને અરસપરસ જોડવાનું માધ્યમ કેવી રીતે બની જાય છે.
મારા પ્રિય દેશવાસીઓ,
હું આપ સહુને સદા ‘વૉકલફૉરલૉકલ’ના મંત્ર સાથે ચાલવાની વાત કરું છું. હમણાં કેટલાક દિવસો પહેલાં G-20 શિખર સંમેલન દરમિયાન જ્યારે વિશ્વના અનેક નેતાઓને ઉપહાર આપવાની વાત આવી તો મેં ફરી કહ્યું, ‘વોકલ ફોર લોકલ’. મેં દેશવાસીઓની તરફથી વિશ્વના નેતાઓને જે ઉપહાર આપ્યા તેમાં આ ભાવનાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું. G-20 દરમિયાન, મેં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખને નટરાજની કાંસ્ય પ્રતિમા ઉપહારમાં આપી.તે તમિળનાડુના તંજાવુરના સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલી ચોલ કાલીન શિલ્પકળાનુંઅદ્ભુત ઉદાહરણ છે. કેનેડાના પ્રધાનમંત્રીને ચાંદીના અશ્વની પ્રતિકૃતિ આપવામાં આવી. તે રાજસ્થાનના ઉદયપુરની ઉત્કૃષ્ટ શિલ્પકળાને દર્શાવે છે. જાપાનના પ્રધાનમંત્રીને ચાંદીના બુદ્ધની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી. તેમાં તેલંગાણા અને કરીમનગરની પ્રસિદ્ધ ચાંદીની કળાની બારીકીની જાણ થાય છે. ઇટાલીનાં પ્રધાનમંત્રીને ફૂલોની આકૃતિઓવાળું ચાંદીનું દર્પણ ભેટમાં આપવામાં આવ્યું. તે પણ કરીમનગરની જ પારંપરિક ધાતુ શિલ્પકળાને પ્રદર્શિત કરે છે. ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીને મેં બ્રાસની ઉરલી આપી, તે કેરળના મન્નારનું એક ઉત્કૃષ્ટ શિલ્પ છે. મારો ઉદ્દેશ્ય હતો કે દુનિયા ભારતીય શિલ્પ, કળા અને પરંપરા વિશે જાણે. અને આપણા કારીગરોની પ્રતિભાને વૈશ્વિક મંચ મળે.
સાથીઓ,
મને આનંદ છે કે ‘વોકલ ફોર લોકલ’ની ભાવનાને દેશના કરોડો લોકોને પોતાના જીવનનો હિસ્સો બનાવી લીધો છે. આ વર્ષે જ્યારે તમે તહેવારોની ખરીદી માટે બજારમાં ગયા હશો તો એક વાત તમે બધાએ અનુભવી હશે. લોકોની પસંદ, અને ઘરમાં આવનારા સામાનમાં, એક સ્પષ્ટ સંકેત દેખાતો હતો કે દેશ સ્વદેશીની તરફ પાછો ફરી રહ્યો છે. લોકો પોતાના મનથી ભારતીય ઉત્પાદનોને પસંદ કરી રહ્યા હતા. આ પરિવર્તનને નાનામાં નાના દુકાનદારે પણ અનુભવ્યું. આ વખતે યુવાઓએ પણ ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને ગતિ આપી. આવનારા કેટલાક દિવસોમાં ક્રિસમસ અને નવા વર્ષ પર ખરીદીનો નવો સમય શરૂ થનારો છે. હું તમને ફરી યાદ અપાવીશ, ‘વોકલ ફોર લોકલ’નો મંત્ર યાદ રાખો, ખરીદો એ જે દેશમાં બનેલું હોય, વેચો એ જેમાં કોઈ દેશવાસીની મહેનત લાગેલી હોય.
મારા પ્રિય દેશવાસીઓ,
ભારતીય રમતોની દૃષ્ટિથી, આ મહિનો સુપર હિટ રહ્યો છે. આ મહિનાની શરૂઆત ભારતીય મહિલા ટીમ દ્વારા આઈસીસી મહિલા વિશ્વ કપ જીતવાથી શરૂ થઈ. પરંતુ તે પછી પણ મેદાન પર ઘણી બધી ગતિવિધિ જોવા મળી. કેટલાક દિવસો પહેલાં જ ટૉક્યોમાં બધિરો માટેની ઑલિમ્પિક યોજાઈ હતી, જેમાં ભારતે પોતાનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને 20 ચંદ્રકો જીત્યા. આપણી મહિલા ખેલાડીઓએ કબડ્ડી વિશ્વ કપ જીતીને તો ઇતિહાસ જ રચી દીધો. સમગ્ર સ્પર્ધામાં તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને, દરેક ભારતવાસીનું મન જીતી લીધું. વર્લ્ડ બોક્સિંગ કપ ફાઈનલમાં પણ આપણા ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું, જ્યાં તેમણે 20 ચંદ્રકો જીત્યા.
સાથીઓ,
જે વાતની આનાથી પણ વધુ ચર્ચા થઈ રહી છે તે છે આપણી મહિલા ટીમનું પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ વિશ્વ કપ જીતવું. મોટી વાત એ છે કે આપણી આ ટીમે એક પણ મેચ હાર્યા વિના, આ સ્પર્ધાને જીતી છે. દેશવાસીઓને આ ટીમના દરેક ખેલાડી પર ખૂબ જ ગર્વ છે. મારી આ ટીમ સાથે પ્રધાનમંત્રી નિવાસ પર મુલાકાત થઈ. ખરેખર, આ ટીમનું મનોબળ, તેમની ધગશ, આપણને ઘણું બધું શીખવાડે છે. આ વિજય આપણા રમત ઇતિહાસના સૌથી મોટી જીતોમાંથી એક છે જે દરેક ભારતીયને પ્રેરિત કરતો રહેશે.
સાથીઓ,
આજકાલ આપણા દેશમાં એન્ડુરન્સ સ્પોર્ટ્સ (Endurance Sports)ની એક નવી ખેલ સંસ્કૃતિ પણ ઝડપથી ઉભરી રહી છે. એન્ડુરન્સ સ્પોર્ટ્સ એટલે મારો અર્થ એવી રમત પ્રવૃત્તિઓથી છે જેમાં તમારી મર્યાદાની પરખ થાય છે. કેટલાંક વર્ષો પહેલાં સુધી મેરેથોન અને બાઇકેથોન જેવા વિશેષ કાર્યક્રમો કેટલાક વિશેષ લોકો સુધી જ સીમિત રહેતા હતા. પરંતુ હવે ઘણું બધું બદલાઈ ચૂક્યું છે. મને જણાવવામાં આવ્યું છે કે દેશભરમાં દર મહિને 1,500થી વધુ એન્ડુરસ સ્પોર્ટ્સનું આયોજન થાય છે. આ કાર્યક્રમોમાં હિસ્સો લેવા માટે એથ્લેટો દૂર-દૂર સુધી જાય છે.
સાથીઓ,
એન્ડુરન્સ સ્પોર્ટ્સનું જ એક ઉદાહરણ છે- આયર્નમેન ટ્રાયથ્લોન. તમે કલ્પના કરો કે જો તમને એ કહેવામાં આવે કે તમારી પાસે એક દિવસથી પણ ઓછો સમય છે અને તમારે આ ત્રણ કામો કરવાનાં છે- સમુદ્રમાં ચાર કિલોમીટર સુધી તરવું, 180 કિલોમીટર સુધી સાઇકલ ચલાવવી અને લગભગ 42 કિલોમીટરની મેરેથોન દોડ લગાવવી. તો તમે વિચારશો કે એ કેવી રીતે સંભવ છે. પરંતુ લોખંડી મનોબળવાળા આ કામને પણ સફળતાપૂર્વક કરી લે છે. આથી તેને આયર્નમેન ટ્રાયથ્લોન કહે છે.
ગોવામાં તાજેતરમાં જ આવું એક આયોજન કરવામાં આવ્યું. આજકાલ આવા પ્રકારનાં આયોજનોમાં પણ લોકો ઉત્સાહથી ભાગ લે છે. આવી અનેક બીજી સ્પર્ધાઓ પણ છે, જે આપણા યુવાન સાથીઓ વચ્ચે ઘણી લોકપ્રિય થઈ રહી છે. આજકાલ અનેક લોકો ફિટ ઈન્ડિયા સનડે ઓન સાયકલ જેવા કાર્યક્રમોમાં હિસ્સો લેવા માટે સાથે આવી રહ્યા છે. આ બધી એવી ચીજો છે જેનાથી ફિટનેસને પ્રોત્સાહન મળે છે.
સાથીઓ,
તમને દર મહિને મળવાનો મારા માટે હંમેશાં એક નવો અનુભવ હોય છે. તમારી ગાથાઓ, તમારા પ્રયાસો, મને નવેસરથી પ્રેરિત કરે છે. તમારા સંદેશાઓમાં તમે જે સૂચનો મને મોકલો છો, જે અનુભવ વહેંચો છો, તેનાથી અમને આ કાર્યક્રમમાં ભારતની વિવિધતાનેસમેટી લેવાની પ્રેરણા મળે છે. જ્યારે આપણે આગામી મહિને મળીશું તો 2025 સમાપ્ત થવા આવ્યું હશે. દેશના મોટા ભાગના હિસ્સાઓમાં હવે ઠંડી પણ વધતી જશે. શિયાળાની ઋતુમાં તમે તમારું અને પોતાના પરિવારનું વિશેષ ધ્યાન રાખજો. આગામી મહિને આપણે કેટલાક નવા વિષયો, નવાં વ્યક્તિત્વોની ચર્ચા અવશ્ય કરીશું.
ખૂબ-ખૂબ ધન્યવાદ.
નમસ્કાર.
SM/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
#MannKiBaat has begun. Do hear. https://t.co/0Wp9vjJWUm
— PMO India (@PMOIndia) November 30, 2025
The month of November brought many inspirations. #MannKiBaat pic.twitter.com/Ml3tYfgBhj
— PMO India (@PMOIndia) November 30, 2025
India has set a historic record with food grain production. #MannKiBaat pic.twitter.com/yiRNFMMvBb
— PMO India (@PMOIndia) November 30, 2025
PM @narendramodi highlights how a team of youngsters from Pune succeeded in a unique drone competition organised by ISRO. #MannKiBaat pic.twitter.com/fH0I4PtPFG
— PMO India (@PMOIndia) November 30, 2025
A sweet revolution across India! #MannKiBaat pic.twitter.com/jeYbz2UHdA
— PMO India (@PMOIndia) November 30, 2025
From Europe to Saudi Arabia, PM @narendramodi shares how the world is celebrating the Gita. #MannKiBaat pic.twitter.com/YCDMLt4s76
— PMO India (@PMOIndia) November 30, 2025
The incredible contributions of Jam Saheb that the world is honouring today... #MannKiBaat pic.twitter.com/KbUxibRiRW
— PMO India (@PMOIndia) November 30, 2025
Glad to see that many young, highly qualified professionals are now adopting the field of natural farming, says PM @narendramodi in #MannKiBaat pic.twitter.com/aVa0mB7dzI
— PMO India (@PMOIndia) November 30, 2025
The fourth Kashi-Tamil Sangamam is commencing on the 2nd December at Namo Ghat in Kashi.
— PMO India (@PMOIndia) November 30, 2025
PM @narendramodi urges everyone to be a part of the Kashi-Tamil Sangamam. #MannKiBaat pic.twitter.com/Mrk4BsjnVE
INS Mahe has been inducted into the Indian Navy. Its indigenous design is drawing wide appreciation. #MannKiBaat pic.twitter.com/9lYxib1hUj
— PMO India (@PMOIndia) November 30, 2025
Winter tourism in Uttarakhand is attracting many people. #MannKiBaat pic.twitter.com/uOhMd1qgHM
— PMO India (@PMOIndia) November 30, 2025
Enthusiasm for the sacred relics of Bhagwan Buddha has been observed in many countries. World over, people expressed gratitude to India for sending Buddhist relics. #MannKiBaat pic.twitter.com/0t0MpWvwtl
— PMO India (@PMOIndia) November 30, 2025
Vocal for Local! #MannKiBaat pic.twitter.com/qau8x27hgi
— PMO India (@PMOIndia) November 30, 2025
India's superhit sports month! #MannKiBaat pic.twitter.com/5EzYrg0GkF
— PMO India (@PMOIndia) November 30, 2025
The month of November has been one of many occasions which will make 140 crore Indians proud, some of which are:
— Narendra Modi (@narendramodi) November 30, 2025
Dharma Dhwajarohan Utsav in Ayodhya.
150th birth anniversary celebrations of Bhagwan Birsa Munda.
150 years of Vande Mataram.
India moved closer to being a global… pic.twitter.com/QDL0LahcSU
India’s Gen Z is doing wonders when it comes to tech and innovation. Highlighted an effort which showcases our youth’s passion towards drones.#MannKiBaat pic.twitter.com/xlfIHyvCa3
— Narendra Modi (@narendramodi) November 30, 2025
From Jammu and Kashmir to Karnataka and Nagaland, India’s farmers are achieving remarkable success in honey production. Also appreciated KVIC for their efforts in this sector. #MannKiBaat pic.twitter.com/14JhzVd1bt
— Narendra Modi (@narendramodi) November 30, 2025
Gita Mahotsavs in Saudi Arabia and Latvia are noteworthy efforts, which deepen cultural connect with the Indian diaspora and those passionate about Indian culture and spirituality.#MannKiBaat pic.twitter.com/JIwGa4tSSM
— Narendra Modi (@narendramodi) November 30, 2025
Talked about a special gesture in Israel which paid tributes to Jam Saheb Digvijaysinhji for his humanitarian spirit.#MannKiBaat pic.twitter.com/r2XTsx1PQt
— Narendra Modi (@narendramodi) November 30, 2025
Kashi looks forward to hosting the Kashi Tamil Sangamam!#MannKiBaat pic.twitter.com/ZdszXjdZUy
— Narendra Modi (@narendramodi) November 30, 2025
Come, wed in India!#MannKiBaat pic.twitter.com/sCz2VhLS2M
— Narendra Modi (@narendramodi) November 30, 2025
Buddhist relics from India have received a very special welcome in Bhutan, Thailand, Russia, Mongolia and other nations indicating how the thoughts of Lord Buddha connect us and inspire us.#MannKiBaat pic.twitter.com/OWrfVRCff1
— Narendra Modi (@narendramodi) November 30, 2025
ಜಮ್ಮು ಮತ್ತು ಕಾಶ್ಮೀರದಿಂದ ಕರ್ನಾಟಕ ಮತ್ತು ನಾಗಾಲ್ಯಾಂಡ್ ವರೆಗೆ, ಭಾರತದ ರೈತರು ಜೇನು ಉತ್ಪಾದನೆಯಲ್ಲಿ ಉತ್ತಮ ಯಶಸ್ಸನ್ನು ಕಾಣುತ್ತಿದ್ದಾರೆ. ಈ ವಲಯದಲ್ಲಿ ಕೆವಿಐಸಿಯ ಪ್ರಯತ್ನಗಳನ್ನೂ ಶ್ಲಾಘಿಸಿಲಾಯಿತು. #MannKiBaat pic.twitter.com/ywG30BAxZS
— Narendra Modi (@narendramodi) November 30, 2025
காசி தமிழ் சங்கமத்தை நடத்துவதற்கு, காசி நகரம் ஆவலுடன் எதிர்நோக்கியுள்ளது!#MannKiBaat pic.twitter.com/S2jJ2qknnr
— Narendra Modi (@narendramodi) November 30, 2025
उत्तराखंड में ‘आदि कैलाश परिक्रमा रन’ के बाद अब यहां लोगों में Winter Games को लेकर भारी उत्साह है। राज्य में Winter Tourism को बढ़ावा देने के लिए जिस तरह से कनेक्टिविटी और इंफ्रास्ट्रक्चर पर फोकस किया गया है, वो पूरे देश को प्रेरित करने वाला है।#MannKiBaat pic.twitter.com/tbO3ThOyZe
— Narendra Modi (@narendramodi) November 30, 2025
यह देखकर बहुत संतोष होता है कि आज ‘Vocal for Local’ की भावना को देश के करोड़ों लोगों ने अपने जीवन का हिस्सा बना लिया है। मैंने भी दक्षिण अफ्रीका में हुए G-20 शिखर सम्मेलन के दौरान देशवासियों की ओर से विश्व के नेताओं को जो उपहार भेंट किए, उनमें इसी भावना का ध्यान रखा है।… pic.twitter.com/VdvFY8O2rM
— Narendra Modi (@narendramodi) November 30, 2025