Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગના 45મા વર્ષગાંઠ સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગના 45મા વર્ષગાંઠ સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


માનનીય શ્રી શ્રી રવિશંકરજી, અહીં ઉપસ્થિત અન્ય તમામ સંતગણ, ભાઈઓ અને બહેનો, એલ્લારિગૂ નમસ્કારા.

આજની આ સવાર એક અલગ અનુભૂતિ લઈને આવી છે. બાળકોના વૈદિક મંત્રોથી સ્વાગત, ભગવાન શ્રી ગણેશના દર્શન, શ્રી શ્રી રવિશંકરજીના 70 વર્ષ અને આર્ટ ઓફ લિવિંગના 45 વર્ષ, આ એવા પળ છે, જે હંમેશા મારી સ્મૃતિઓમાં રહેશે. આ અદભુત સમારોહમાં આમંત્રિત કરવા માટે હું આપ સૌનો આભારી છું.

હમણાં ગુરુદેવે ઘણું બધું જણાવ્યું, તમને લાગતું હશે કે તેઓ મારા વખાણ કરી રહ્યા હતા, પરંતુ મને લાગતું હતું કે તેઓ મને કામ જણાવી રહ્યા હતા. આપે સાચું કહ્યું કે મારો ધન્યવાદ ન હોઈ શકે, આપનો જ છું, આપની વચ્ચે આવ્યો છું અને આપના માટે જ આવ્યો છું, અને જ્યાં છું ત્યાં પણ આપના જ કારણે છું. આજે ગુરુદેવના 70 વર્ષનો આ કાર્યક્રમ છે, પરંતુ હું ઈચ્છીશ કે જ્યારે હું ઘરનો જ છું તો સામેથી કહી દઉં છું, કે જ્યારે તમારો શતાબ્દી સમારોહ હશે ત્યારે હું પણ ફરીથી એકવાર આવીશ.

આજે દિવ્ય અને ભવ્ય, ધ્યાન મંદિરનું લોકાર્પણ થયું છે. જ્યારે સંકલ્પ સ્પષ્ટ હોય અને સેવા ભાવથી કાર્ય કરવામાં આવે, તો દરેક પ્રયાસનું સુખદ પરિણામ મળે છે. બાકી કંઈ હોય કે ન હોય, આપણે સૌ લોટસની છત્રછાયામાં છીએ. જેમ જેમ સમજ આવતી જાય, તાળી વગાડતા જજો. અને ગુરુદેવના આશીર્વાદ છે, તો પછી લોટસની છત્રછાયા જ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે. હું આર્ટ ઓફ લિવિંગ પરિવારને આ ધ્યાન મંદિર માટે અનેકઅનેક શુભેચ્છાઓ પાઠવું છું.

સાથીઓ,

બેંગલુરુનો માહોલ, અહીંનું વાતાવરણ, કંઈક અલગ જ હોય છે. આ શહેર સોફ્ટવેર અને સર્વિસિસ માટે દુનિયાભરમાં જાણીતું છે. પરંતુ ભારતની સાંસ્કૃતિક ઓળખ, આધ્યાત્મિક, આધ્યાત્મિક ચેતનાને પણ આ શહેરે નવી ઊંચાઈ આપી છે. યોગ, ધ્યાન, પ્રાણાયામ, ભારતના સંસ્કારોનો અભિન્ન હિસ્સો રહ્યા છે. અને જેવું ગુરુજીએ કહ્યું, આજે દુનિયાભરના લોકો ભારતના આ આધ્યાત્મિક સંસ્કારોથી પ્રભાવિત છે, અને આ જ પુરાતન સંસ્કારોથી ભારતની પણ અનેક સંસ્થાઓને પ્રેરણા મળતી રહી છે.

સાથીઓ,

આ જ પ્રેરણાથી શ્રી શ્રી રવિશંકરજીએ, 45 વર્ષ પહેલા આર્ટ ઓફ લિવિંગના રૂપમાં એક બીજ રોપ્યું હતું. આજે તે એક વિશાળ વટવૃક્ષના રૂપમાં આપણી સામે છે. આ વટવૃક્ષની હજારો શાખાઓ દુનિયાભરમાં અગણિત લોકોના જીવનને સ્પર્શી રહી છે. અને મારે વિદેશમાં જ્યાંજ્યાં જવું પડે છે સરકારી કામ માટે, તો કોઈ ને કોઈ તમારા વાળું મળી જ જાય છે.

સાથીઓ,

આપણું ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. આટલી ભાષાઓ, આટલી પરંપરાઓ, અલગ રીતરિવાજ, ઉપાસનાની અલગઅલગ રીતો, જ્યારે આપણે આ જોઈએ છીએ તો એક સ્વાભાવિક પ્રશ્ન આપણા સૌના મનમાં આવે છે. આખરે આ બધી સુંદર વિવિધતાઓને જોડનારું મૂળ તત્વ શું છે? આનો ઉત્તર છેસ્વયં માટે નહીં પરંતુ બીજા માટે જીવવું. અમારે ત્યાં કહેવાયું છે, અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ્। પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ્॥ અર્થાત, બીજાની સેવા કરવી પુણ્ય છે, અને પીડા આપવી પાપ છે. સેવા પરમો ધર્મ છે, આ આપણા સમાજનું સ્વાભાવિક ચરિત્ર છે. પેઢી દર પેઢી આ સંસ્કાર સરિતા આપણા સૌને સંસ્કારિત કરે છે, પ્રેરિત કરે છે, ઊર્જાવાન બનાવે છે. ભારતના અનેક આધ્યાત્મિક આંદોલનોએ અંતતઃ સ્વયંને માનવ સેવાના માધ્યમથી જ અભિવ્યક્ત કર્યા છે. મને ખુશી છે કે Art of Living ના દરેક પ્રયાસમાં સેવાની આ જ ભાવનાનું પ્રતિબિંબ નજર આવે છે. હમણાં જે વીડિયો બતાવવામાં આવ્યો, સેવા જ સેવા છે તેમાં, લોકોનું જ કલ્યાણ છે. હું આર્ટ ઓફ લિવિંગની યાત્રા સાથે જોડાયેલા દરેક volunteer ને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

સાથીઓ,

કોઈપણ અભિયાન ત્યારે સફળ થાય છે, જ્યારે તેની સાથે સમાજની શક્તિ જોડાઈ જાય છે. તેથી, આવા દરેક મહત્વપૂર્ણ મિશન માટે સમાજની શક્તિને જાગૃત કરવી ખૂબ આવશ્યક છે. મારો હંમેશાથી એ વિશ્વાસ રહ્યો છે કે સમાજ, રાજનીતિ અને સરકારો કરતા પણ વધુ શક્તિશાળી હોય છે. અને કોઈપણ સરકાર ત્યારે જ સફળ થઈ શકે છે, જ્યારે સમાજ સ્વયં રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદારી નિભાવે. હવે જેમ કે આપણું સ્વચ્છ ભારત અભિયાન છે. આ માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ, આ લોકોના જીવનનો સ્વાભાવિક હિસ્સો બની ચૂક્યો છે. હવે આ સમાજની શક્તિથી જ આગળ વધી રહ્યો છે.

સાથીઓ,

જ્યારે સમાજ સક્રિય થઈ જાય છે, ત્યારે દેશની સૌથી મોટી પડકારોનો પણ સામૂહિક ઉકેલ લાવી શકાય છે. આ જોવું ખૂબ સુખદ છે કે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા પણ, હંમેશાથી, સમાજની આ શક્તિને સાથે લઈને ચાલે છે. આપ સૌએ વિકાસ સાથે જોડાયેલા કાર્યક્રમોમાં સોશિયલ અપ્રોચને ખૂબ મહત્વ આપ્યું છે. ભલે વૃક્ષારોપણ અભિયાન હોય, કે rural smart village centres હોય, મહિલાઓ અને જનજાતીય સમાજને સશક્ત બનાવનારા કાર્યક્રમો હોય, કે પછી કેદીઓના માનસિક સ્વાસ્થ્યને વધુ સારું બનાવવાનું અભિયાન હોય, આ તમામ પ્રયાસો દેશ અને સમાજની વિકાસ યાત્રામાં, તેમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા હોય છે.

સાથીઓ,

હું એક બીજી વાત માટે અહીં ઉપસ્થિત દરેક વ્યક્તિની પ્રશંસા કરીશ, અને તે છે, યુવા શક્તિ પર ફોકસ. આજની દુનિયામાં ખૂબ જ ઝડપથી મોટામોટા પરિવર્તનો થઈ રહ્યા છે. દરરોજ સાયન્સ, નવી સંભાવનાઓના દ્વાર ખોલી રહ્યું છે. નવા નવા ઈનોવેશન, આખેઆખી ઇકોનોમીઝને બદલી રહ્યા છે. ભારત આ બદલાવમાં માત્ર ભાગીદારી નથી કરી રહ્યું, તે અનેક ક્ષેત્રોમાં નેતૃત્વ પણ કરી રહ્યું છે. આપણી ડિજિટલ ક્રાંતિએ ભારતને ડિજિટલ પેમેન્ટમાં ગ્લોબલ લીડર બનાવ્યું છે. આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ અભૂતપૂર્વ ગતિથી આગળ વધી રહ્યું છે અને futuristic વિઝન સાથે આગળ વધી રહ્યું છે. સ્ટાર્ટઅપમાં ભારત ખૂબ ઝડપથી દુનિયાનું ત્રીજું સૌથી મોટું ઇકોસિસ્ટમ બન્યું છે. આપણા યુવાનો આજે સ્પેસમાં પોતાની સેટેલાઇટ્સ મોકલી રહ્યા છે, દેશની આવી તમામ સિદ્ધિઓનું સૌથી મોટું કારણ છે, આપણા યુવાનો છે, અને આર્ટ ઓફ લિવિંગ છે. યુવાનોને, આજના આધુનિક યુગના પડકારોના ઉકેલ મેળવવામાં ગુરુદેવ અને આર્ટ ઓફ લિવિંગ ખૂબ મદદ કરી રહ્યા છે.

સાથીઓ,

આજે ટેકનોલોજીના કારણે દૂર બેઠેલા લોકો એક પળમાં એકબીજા સાથે જોડાઈ રહ્યા છે. પરંતુ જરૂરી છે, આપણે દુનિયા સાથે જોડાઈએ કે ન જોડાઈએ, સ્વયં સાથે તો જોડાઈએ. અને આ સ્વયં સાથે જોડાવવાની ક્ષમતાને, ભલે બીજારોપણ કરવાનું હોય, તેને સિંચન કરવાનું હોય, કે તેને સક્ષમ બનાવવાનું હોય, આ મહાન પરંપરાથી સંભવ થાય છે. વિકસિત ભારતનું નિર્માણ એવા યુવાનોથી જ થશે, જે યુવાનો માનસિક રીતે શાંત હોય, જે સામાજિક રીતે જવાબદાર હોય, અને જે સમાજ પ્રત્યે સંવેદનશીલ હોય. એટલા માટે આધ્યાત્મિક સુખાકારી, મેન્ટલ હેલ્થ, યોગ, મેડિટેશન, આના પર કામ કરનારી તમારી આ મહત્વપૂર્ણ પ્રવૃત્તિ અને આ પ્રકારે કામ કરનારી અન્ય સંસ્થાઓ પણ, આ બધાની ભૂમિકા ખૂબખૂબ અહમ છે. આવી સંસ્થાઓ લોકોમાં જોડાણ, અપ્નાપણું અને સામૂહિક જવાબદારીનો ભાવ મજબૂત કરે છે. સાથે જ, આવા સંસ્થાનોમાં લોકોને પોતાની સંસ્કૃતિને જાણવાનો અને સમજવાનો અવસર પણ મળે છે. મને વિશ્વાસ છે કે આજે જે ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન થયું છે, તે આવનારી અનેક પેઢીઓને, હજારો લોકો માટે શાંતિ અને ઉપચારનું કેન્દ્ર બનશે.

સાથીઓ,

આપ સૌ દેશ અને સમાજ પ્રત્યે પોતાના કર્તવ્યોને ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છો. પરંતુ હું જ્યારે પણ તમારી વચ્ચે આવું છું, તો કંઈક આગ્રહ કરવાથી પોતાને રોકી શકતો નથી. હવે આ મારા બોલતા પહેલા જ ગુરુજીએ કહી દીધું કે તમારા નવ આગ્રહ અમને મંજૂર છે, તો બોલવા માટે કંઈ બચ્યું નથી, પરંતુ આદત જતી નથી. ભારતના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે અનેક સ્તરો પર સામૂહિક પ્રયાસની આવશ્યકતા છે. આમાં આર્ટ ઓફ લિવિંગ જેવા સંગઠનો મહત્વપૂર્ણ ભૂમિકા અને વધારે શક્તિથી આ પરિવર્તનના પ્રહરી બની શકે છે. તમારામાંથી ઘણા લોકો ખેડૂતો અને ગ્રામીણ સમુદાયો સાથે જોડાઈને કામ કરે છે. જેવું અહીં ફિલ્મમાં પણ બતાવવામાં આવ્યું કે ખેડૂતોને નેચરલ ફાર્મિંગ સાથે જોડવાની દિશામાં વધુ પ્રયાસ કરવાની આવશ્યકતા છે. આજે બીમારીમાં પણ માણસ નેચરલ હીલિંગના રસ્તા શોધી રહ્યો છે, તો આ આપણી ધરતી માતા, તેને પણ નેચરલ હીલિંગની જરૂર છે. કેમિકલ ફર્ટિલાઇઝરે આપણા ખેતરને, આપણી ધરતી માતાને ઉજ્જડ કરી દીધી છે. આ આપણી ધરતી માતાને કેમિકલથી બચાવવી, આ પણ આર્ટ ઓફ લિવિંગ છે. એક પેડ મા કે નામઅભિયાનને વધુ વ્યાપક બનાવવામાં તમે ખૂબ તાકાત આપી શકો છો, તેને વધુ વિસ્તાર કરી શકો છો. કારણ કે પર્યાવરણની રક્ષા, આ પણ આર્ટ ઓફ લિવિંગ છે. ઇકોલોજી અને ઇકોનોમી આપણે અલગ ન કરી શકીએ. પર ડ્રોપ મોર ક્રોપના માધ્યમથી ખેડૂતોને પાણીનો શ્રેષ્ઠ ઉપયોગ બતાવવામાં આવી રહ્યો છે. આમાં તમારા સહયોગથી વધુ સારા પરિણામો મળશે. કારણ કે પાણીનું દરેક ટીપું બચાવવું, આ પણ આર્ટ ઓફ લિવિંગ તો છે જ. થોડા જ અઠવાડિયામાં ચોમાસું આવવાનું છે. આ સાચો સમય છે, જ્યારે જળ સંરક્ષણને લઈને વ્યાપક જાગૃતિ ફેલાવવામાં આવે. તેવી જ રીતે, વીજળી બચાવવી, સિંગલ યુઝ પ્લાસ્ટિકથી દૂરી બનાવવી, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું, આ બધું આર્ટ ઓફ લિવિંગ જ છે. આજે દેશ મિશન લાઇફ પર પણ ભાર આપી રહ્યો છે. આ જીવનને વધુ જવાબદારી અને જાગૃતિ સાથે જીવવાનું એક જીવંત અભિયાન છે. આમાં એવી જીવનશૈલી અપનાવવાનો આગ્રહ છે, જે પ્રકૃતિ સાથે સંતુલન બનાવીને ચાલે. અને મારા હિસાબે મિશન લાઇફ પણ એક પ્રકારે આર્ટ ઓફ લિવિંગનું એક પ્રકટ રૂપ છે. મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આપ સૌ, જે હંમેશા આપ કરતા આવ્યા છો, આર્ટ ઓફ લિવિંગના ભિન્નભિન્ન પાસાઓને આપે વિસ્તાર પણ આપ્યો છે, વિકાસ પણ કર્યો છે. સમાજના એક મોટા વર્ગને જોડવા માટે આપ વધુ પ્રાથમિકતા આપશો, અને ગુરુજીની શતાબ્દી જ્યારે આપણે ઉજવીએ ત્યારે આ તમામ લક્ષ્યોને આપણે પૂરા કરીને રહીએ. હું એકવાર ફરી શ્રી શ્રી રવિશંકર જીને, ગુરુદેવને અનેકઅનેક શુભેચ્છાઓ પાઠવું છું. હું આર્ટ ઓફ લિવિંગ પરિવારના દરેક સ્વયંસેવકનો, તેમની સેવા ભાવના અને સમર્પણ માટે હૃદયથી ખૂબખૂબ અભિનંદન કરું છું. ફરી એકવાર આપ સૌએ મને અહીં તમારી વચ્ચે આવવાનો અવસર આપ્યો, આ પવિત્ર વાતાવરણમાં થોડી ક્ષણો વિતાવવાનો મોકો આપ્યો, લોટસની છત્રછાયામાં વિચારવાનો મોકો આપ્યો, તે માટે હું ફરીથી આપ સૌનો હૃદયથી ખૂબખૂબ ધન્યવાદ કરું છું. જય ગુરુદેવ.

SM/JY/JT