પીએમઇન્ડિયા
મારા પ્રિય દેશવાસીઓ,
નમસ્કાર. ‘મન કી બાત’માં ફરી એક વાર તમારા બધા સાથે જોડાઈને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. 2026નું અડધું વર્ષ વિતવામાં છે. આ છ મહિનાઓમાં આપણે ‘મન કી બાત‘માં દેશવાસીઓની અનેક ઉપલબ્ધિઓ પર ચર્ચા કરી છે. જૂનમાં પણ, દેશે કંઈક એવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે, જે દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે. આ સફળતાઓ, દેશની સુરક્ષા અને આત્મનિર્ભરતા સાથે જોડાયેલી છે. તાજેતરમાં જ મને કોલકાતામાં નૌ સેના સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો. ત્યાં INS દૂનાગિરી, INS સંશોધક અને INS અગ્રયને ભારતીય નૌ સેનાના બેડામાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં. આ જહાજોની ડિઝાઇન અને મેન્યુફૅક્ચરિંગ સુધી, બધું જ સ્વદેશી છે.
સાથીઓ,
જૂનના મહિનામાં જ, ઉડ્ડયન ક્ષેત્રમાં પણ દેશે એક મોટી સફળતા મેળવી છે. C-295, આ વિમાન ‘મેઇડ ઇન ઇણ્ડિયા‘ છે અને સી-295 વિમાને પોતાની પહેલી ઉડાન ભરી છે અને આવાં 40 વિમાન ભારતમાં જ બનાવવામાં આવી રહ્યાં છે. તેની સાથે MSME અને એરોસ્પેસ સેક્ટરને નવી શક્તિ મળી રહી છે. રોજગારના અવસરો વધી રહ્યા છે. અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ મજબૂત થઈ રહ્યો છે. આ મહિને ડીઆરડીઓએ સ્વદેશી ‘લાંબા અંતરની જમીન–હુમલાવાળી ક્રુઝ મિસાઇલ‘નું પણ સફળ પરીક્ષણ કર્યું છે. તેને ડીઆરડીઓની પ્રયોગશાળાઓ અને ભારતીય ઔદ્યોગિક ભાગીદારોએ મળીને બનાવી છે. અર્થાત્, આજે સમુદ્રથી લઈને આકાશ સુધી, આપણું ભારત અધિક સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે.
સાથીઓ,
જૂનમાં એક વધુ આયોજન થયું જેમાં પૂરી દુનિયા ભારતના પ્રયાસો સાથે જોડાઈ અને આ કાર્યક્રમ હતો ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ‘. આ વખતે દુનિયાના 2,500થી વધુ સ્થાનો પર યોગના અનેક કાર્યક્રમો થયા. આપણા દેશમાં કરોડો લોકોએ વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો. આ મહિને, અમદાવાદમાં આયોજિત ‘વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ‘ની પણ ઘણી ચર્ચા થઈ. તેમાં ભારતે કુલ 114 પદકો જીત્યા છે, તેમાં 102 સુવર્ણ ચંદ્રકો પણ સમાવિષ્ટ છે. ભારત આ ચેમ્પિયનશિપના પદક કોષ્ટકમાં પહેલા સ્થાન પર રહ્યું. હું બધા વિજેતા ખેલાડીઓને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ,
કોઈ પણ રાષ્ટ્રનો આત્મા તેના લોકો હોય છે. અને જ્યારે આ દેશના લોકો કોઈ સંકલ્પ લે છે તો કોઈ પણ શક્તિ તેમને પોતાના લક્ષ્યથી ડગાવી શકતી નથી. રાષ્ટ્ર નિર્માણમાં જન ભાગીદારીની આ શક્તિ ભારતની બહુ મોટી મૂડી છે અને આ જન ભાગીદારીનો આપણે વારંવાર અનુભવ કરી રહ્યા છીએ.
સાથીઓ,
પશ્ચિમ એશિયામાં બનેલી યુદ્ધની સ્થિતિઓને જોતાં મેં દેશવાસીઓને કેટલાક આગ્રહો કર્યા હતા. મેં કહ્યું હતું કે જ્યાં સુધી સંભવ હોય, કેટલાક સમય માટે, ગૉલ્ડ, સોનું ખરીદવાનું ટાળશો. લોકોને કહ્યું હતું કે વિદેશમાં રજા મનાવવાનું ટાળજો. મેં લોકોને કાર પૂલિંગને પ્રોત્સાહન આપવાનો પણ અનુરોધ કર્યો હતો. મેં ખેડૂતોને રસાયણ મુક્ત ખેતી માટે, ખેતર બચાવવા માટે અને પ્રાકૃતિક ખાતરનો અધિકમાં અધિક ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.
સાથીઓ,
હું દેશના દરેક નાગરિકનો આભારી છું કે મારા અનુરોધનું તેમણે ન માત્ર સમર્થન કર્યું, પરંતુ દરેક રીતે તેમાં પોતાનો સહયોગ કરી રહ્યા છે. મને અનેક પરિવારોએ સંદેશ મોકલીને પોતાનો અનુભવ વહેંચ્યો હતો.
કેટલાય પરિવારોએ નિશ્ચિત કર્યું હતું કે ઘરમાં વિવાહમાં આ વખતે સોનું નહીં ખરીદીએ. આવશ્યકતા ઊભી થશે તો જૂના સોનાને તોડાવીને તેમાંથી નવાં ઘરેણાં બનાવી લઈશું. અનેક લોકોએ સૉશિયલ મીડિયા પર એમ પણ લખ્યું છે કે તેમણે આ વખતે વિદેશ યાત્રા ટાળી દીધી છે.
સાથીઓ,
કારપૂલિંગ અંગે લોકોએ પોતાના અનુભવો જણાવ્યા છે. જે લોકો પ્રતિ દિન એક જ દિશામાં પોતપોતાનાં વાહનોમાં જતા હતા તે હવે સાથે જવા લાગ્યા છે. લોકો સંભવ હોય તો બસ અને મેટ્રૉનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં પેટ્રૉલ અને ડીઝલની બચત થઈ રહી છે. આ જ રીતે દેશના અલગ-અલગ હિસ્સામાં પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ વધ્યો હોવાના સમાચારો આવી રહ્યા છે. સાથીઓ, મને એ વાતનો આનંદ છે કે આ વૈશ્વિક કટોકટીમાં આપણે ભારતીયો મળીને સામનો કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે જન ભાગીદારીની આ શક્તિ આપણને મજબૂતી આપશે, આપણને સફળ બનાવશે.
મારા પ્રિય દેશવાસીઓ,
આપણા દેશમાં જન્મદિન, લગ્ન પારિવારિક કાર્યક્રમ હોવાની સાથે જ પૂરા સમાજનો પણ ઉત્સવ હોય છે. દરેક પરિવાર ઇચ્છે છે કે તેમનો આનંદ બીજાની સાથે વહેંચાય. લોકો મહેમાનોને ઉપહાર પણ આપે છે.
સાથીઓ,
મહારાષ્ટ્રના નાંદેડમાં એક પરિવારે પોતાનો આનંદ વહેંચવા માટે એવું કામ કર્યું છે જે ચર્ચાનો વિષય બની ગયું છે. અહીં નાંદેડના બહાદુરપુરા ગામમાં પેઠકર પરિવાર રહે છે. આ પરિવારે વિચાર્યું કે જો આનંદ વહેંચવો જ હોય તો એવી ચીજ આપવામાં આવે, જે મુશ્કેલીના સમયમાં કોઈ પરિવારનો સહારો બને. પોતાના ઘરમાં વિવાહના અવસર પર આ પરિવારે ગામના લગભગ સાડા ત્રણ હજાર લોકો માટે દુર્ઘટના વીમાની વ્યવસ્થા કરી. દરેક વ્યક્તિને એક લાખ રૂપિયાનું વીમા કવચઆપ્યું. આ પહેલ પાછળની ભાવના ખૂબ જ સ્પર્શ કરનારી છે. પરિવારે જોયું હતું કે દુર્ઘટના પછી પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આવા સમયમાં એક નાનકડી સહાયતા પણ ઘણું મોટું સંબળ બની જાય છે.
સાથીઓ,
સરકાર દેશના કરોડો પરિવારો સુધી સુરક્ષાનું કવચ પહોંચાડી રહી છે. ‘પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના‘ હેઠળ માત્ર 20 રૂપિયા વાર્ષિકનું પ્રિમિયમ અર્થાત્ કેવળ એક વર્ષના 20 રૂપિયાનું પ્રિમિયમ, તેના પર બે લાખ રૂપિયા સુધીનો ‘દુર્ઘટના વીમો‘ મળે છે. અત્યાર સુધી આ યોજના સાથે 58 કરોડથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે. તેમાં લગભગ 28 કરોડ આપણી માતાઓ, બહેનો, દીકરીઓ, મહિલાઓ છે. આ યોજનાથી પીડિત પરિવારોને, અત્યાર સુધી જે હિસાબ મળ્યો છે તે મુજબ, 3,700 કરોડ રૂપિયાથી અધિકની સહાયતા મળી ચૂકી છે.
સાથીઓ,
આ જ રીતે ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના‘ પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. આ યોજના વ્યક્તિના દુઃખદ મૃત્યુ થવા પર તેના પરિવારને બે લાખ રૂપિયાનું વીમા કવચ આપે છે. તેનું વાર્ષિક પ્રિમિયમ માત્ર 436 રૂપિયા છે. અર્થાત્ એક દિવસનો વધીને દોઢ રૂપિયો. આ યોજના સાથે અત્યાર સુધીમાં 27 કરોડથી વધુ લોકો જોડાયા છે. તેના હેઠળ દેશના લગભગ 11 લાખ પરિવારોને લગભગ 22 હજાર કરોડ રૂપિયાની સહાયતા મળી ચૂકી છે. આ આંકડા ઘણા મોટા છે. આ આંકડાઓની પાછળ લાખો પરિવારોની પોત-પોતાની વાત છે. ક્યાંક કોઈ માતાને બાળકોનો અભ્યાસ ચાલુ રાખવામાં સહાયતા મળી ગઈ, ક્યાંક કોઈ પત્નીને ઘરની જવાબદારી સંભાળવાનો સહારો મળી ગયો.
સાથીઓ,
ઘણી વાર બહુ મોટી સુરક્ષાની શરૂઆત બહુ નાની રકમ અને એક નાનકડા પગલાથી થઈ શકે છે, નાનકડો નિર્ણય પણ બહુ મોટું પરિવર્તન કરે છે. મારો આપ સહુને આગ્રહ છે કે પોતાના પરિવારમાં આ યોજનાઓની જાણકારી જરૂર આપજો.
મારા પ્રિય દેશવાસીઓ,
‘મન કી બાત‘માં હવે વાત એક એવા વિષયની જે હજારો વર્ષ જૂનો છે, હજારો વર્ષથી માનવ સમાજમાં ઘર કરીને બેસી ગયો છે. આ વિષય છે – અંધવિશ્વાસનો. અંધવિશ્વાસ ઘણી વાર કેવળ એક ખોટી ધારણા નથી હોતો. તે ડર જન્માવે છે અને જ્યારે ડર મન પર હાવી થઈ જાય છે તો માણસ સત્યને જોવાનું જ બંધ કરી દે છે. અંધવિશ્વાસમાં ડૂબેલા લોકો, પછી તર્ક વિના, સત્ય જાણ્યા વિના, એવા નિર્ણય લેવા લાગે છે,જેનાથી મોટું નુકસાન થાય છે. તો સમાજમાં એવા લોકો પણ હોય છે, જે વિજ્ઞાન, અનુભવ અને તર્કના આધાર પર એ ધારણાઓને પડકાર આપે છે. અંધવિશ્વાસથી વિશ્વાસ સુધીની આ યાત્રા સરળ નથી હોતી અને આજે હું એવી જ એક સફળ યાત્રા વિશે તમને જરૂર બતાવવા ઇચ્છું છું.
સાથીઓ,
અસમમાં એક પક્ષી મળી આવે છે. આ પક્ષીનું નામ છે ‘હરગિલા‘. ‘હરગિલા‘ એક દુર્લભ પક્ષી છે. તે પ્રકૃતિને સ્વચ્છ રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પરંતુ આસામના કેટલાક વિસ્તારોમાં લાંબા સમય સુધી તેને અશુભ માનવામાં આવતું હતું. લોકો તેને પોતાની આસપાસ જોવાનું પસંદ કરતા નહોતા. અનેક વાર તો એ ઝાડને કાપી નાખવામાં આવતાં હતાં, જેના પર હરગિલાએ માળો બનાવેલો હોય. વિચાર કરો, એક એવું પક્ષી જે પર્યાવરણની સફાઈમાં મદદ કરે છે, તે ‘હરગિલા‘ લોકોના ડરનો શિકાર બની ગયું હતું. તે દરમિયાન જીવ વૈજ્ઞાનિક પૂર્ણિમા દેવી બર્મને આ બધું જોયું. તેમણે લોકોના મનમાં બેસેલી ખોટી ધારણાને બદલવાનો સંકલ્પ કર્યો. તેમણે મહિલાઓ સાથે વાત કરી. તેમણે લોકોને વિજ્ઞાનના આધાર પર સમજાવ્યું, ધીરે-ધીરે મહિલાઓ આ અભિયાન સાથે જોડાવા લાગી. પછી એક મોટું પરિવર્તન શરૂ થયું. જે પક્ષીને ક્યારેક અશુભ માનીને ભગાવવામાં આવતું હતું તે ગામડાંઓની ઓળખ બનવા લાગ્યું.
હજારો ગ્રામીણ મહિલાઓ ‘હરગિલા‘ને બચાવવા માટે આગળ આવી – આજે તેમને ‘હરગિલા આર્મી‘ના નામથી ઓળખવામાં આવે છે. આ મહિલાઓએ સમાજની સાથે સંઘર્ષ પણ કર્યો. સમાજને સમજાવવા માટે દિવસ-રાત કામ કર્યું અને અંધવિશ્વાસનો પીછો છોડીને રહ્યાં. તેમણે દેખાડ્યું છે કે જ્યારે સાચી જાણકારી પહોંચાડવામાં આવે છે તો વર્ષો જૂની વિચારધારા પણ બદલી શકાય છે.
સાથીઓ,
હું ઘણી વાર કહું છું કે જે રમે છે, તે ખિલે છે. આજે દેશમાં એવા યુવાનોની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે, જે રમી પણ રહ્યા છે અને ખિલી પણ રહ્યા છે. પહેલાંની તુલનામાં હવે અનેક વધુ યુવાનો રમતને કારકિર્દીના રૂપમાં અપનાવી રહ્યા છે. મને નાગાલેણ્ડના બે એવા પ્રયાસો વિશે જાણકારી મળી છે, જે બહુ જ રસપ્રદ છે. પહેલો પ્રયાસ છે ‘નાગાલેન્ડ બેબી લીગ‘. નામ સાંભળીને તમને જરૂર લાગતું હશે કે તે બહુ નાના છોકરાઓની સાધારણ લીગ હશે, પરંતુ એવું નથી. તે પાંચથી દસ-બાર વર્ષની વયના નાના-નાનાં બાળકો, ફૂલ જેવાં બાળકોની એક અસાધારણ લીગ છે અને આ બાળ ફૂટબૉલ ખેલાડીઓની એક એવી લીગ છે જે તેમની ઝડપ અને પ્રતિભા માટે તેમને પ્રેરિત પણ કરે છે અને તેમની ઓળખ પણ બનાવે છે. તેની શરૂઆત નાગાલેન્ડના વધુમાં વધુ બાળકોને ફૂટબૉલ સાથે જોડવા માટે થઈ હતી. પાંચથી બાર વર્ષ સુધીનાં છોકરા અને છોકરીઓ તેમાં ભાગ લઈ શકે છે. આ લીગ હવે પોતાનાં ત્રણ વર્ષ પૂરાં કરી ચૂકી છે. આ લીગનો બાળકોના મન પર ખૂબ સારો પ્રભાવ પડ્યો છે.
સાથીઓ,
નાગાલેન્ડમાં એક બીજો પણ સારો પ્રયાસ થઈ રહ્યો છે. તેનું નામ છે ‘નાગાલેન્ડ વૂમેન ફૂટસલ લીગ‘. બની શકે કે તમારા માટે આ ‘ફૂટસલ‘ એક નવું નામ હશે, હું તમને કહીશ કે ફૂટસલને ઇન્ડૉર ફૂટબૉલ પણ કહેવાય છે. તેમાં એક ટીમમાં માત્ર પાંચ ખેલાડીઓ હોય છે.
રમતનું મેદાન પણ ફૂટબૉલના મેદાનથી બહુ નાનું હોય છે. આ કારણે ખેલાડીઓએ ઝડપથી નિર્ણય લેવા પડે છે. તેમને પોતાની ટૅક્નિક અને કૌશલ્યનો વધુ સારો ઉપયોગ કરવો પડે છે. નાગાલેણન્ડની વીમેન ફૂટસલ લીગ આપણી દીકરીઓને પોતાની પ્રતિભા દેખાડવાનો સારો અવસર આપી રહી છે. હું આવી પહેલો માટે નાગાલેણ્ડના લોકોની સરાહના કરું છું. આવા પ્રયાસો દેશના બીજા ભાગોને પણ પ્રેરણા આપે છે.
સાથીઓ,
આ ટૅક્નૉલૉજીનો યુગ છે. દરેક દિવસે નવું સંશોધન થઈ રહ્યું છે. નવાં-નવાં એઆઈ ઇનૉવેશન સામે આવી રહ્યાં છે. આ સમયમાં એક પ્રશ્ન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે – લોકોની સર્જનાત્મકતાને કેવી રીતે બચાવેલી રાખવી? નવી ટૅક્નૉલૉજીની સાથે આગળ વધતાં આપણે આપણાં મૂળ સાથે કેવી રીતે જોડાયેલા રહીએ? આ પ્રશ્નોનું સમાધાન શોધ્યું છે ‘નાલંદા વિશ્વ વિદ્યાલયે‘. હજારો વર્ષ જૂનું આપણું નાલંદા વિશ્વ વિદ્યાલય હવે નવા અવતારના રૂપમાં ભારતનું ભાગ્ય ઘડી રહ્યું છે. બે વર્ષ પહેલાં મને નાલંદા વિશ્વ વિદ્યાલયના નવા પરિસરના લોકાર્પણનો અવસર મળ્યો હતો. નાલંદા વિશ્વ વિદ્યાલયે શાસ્ત્રાર્થની આપણી પ્રાચીન પરંપરાને ફરીથી જીવંત કરી છે. શાસ્ત્રાર્થ માત્ર પોતાની વાત રાખવાનું માધ્યમ જ નથી, તે વાદ-સંવાદ અને મંથનની એક અનુશાસિત પ્રક્રિયા છે. તેમાં તર્કની સાથે, તથ્યની સાથે, પોતાની વાત કહેવી ખૂબ જ આવશ્યક હોય છે અને તેમાં તમારી નિપુણતા હોવી જોઈએ. બીજાના વિચારોને ધૈર્ય સાથે સાંભળવા અને સમજવાની શિખામણ પણ આ શાસ્ત્રાર્થની પ્રક્રિયામાંથી મળે છે. મને આનંદ છે કે નાલંદા વિશ્વ વિદ્યાલયે તેને પોતાના દીક્ષાંત સમારોહનો હિસ્સો બનાવ્યો. તેમાં ભાગ લેનારા લગભગ અડધા વિદ્યાર્થીઓ અન્ય દેશોમાંથી આવ્યા હતા. એક પ્રાચીન પરંપરાને આજના સમય સાથે જોડવાનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે.
આ માટે હું નાલંદા વિશ્વ વિદ્યાલયને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. હું દેશના બીજા વિશ્વ વિદ્યાલયોને પણ અનુરોધ કરીશ કે તેઓ આવી પહેલ પર વિચાર કરે.
સાથીઓ,
મૂળથી જોડાયેલા રહીને યુવાનોને નવી ટૅક્નૉલૉજી માટે તૈયાર કરવાનો એક બીજો પણ સારો પ્રયાસ થઈ રહ્યો છે. દિલ્લી સ્થિત સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સમાં બી. ટૅક. પ્રૉગ્રામ શરૂ કરવા જઈ રહી છે. આ આધુનિક ટૅક્નૉલૉજીને ભારતના પારંપરિક જ્ઞાન સાથે જોડવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. તેમાં ભારતીય ભાષાઓ માટે નવાં એઆઈ ટૂલ તૈયાર કરવામાં મદદ મળશે. આપણા પ્રાચીન ગ્રંથો અને પાંડુલિપિઓને ડિજિટલ રૂપમાં સંરક્ષિત કરવાના કામને પણ નવી ગતિ મળશે. હું સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીને આ પ્રયાસ માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું.
સાથીઓ,
આજે ભારતીય સંસ્કૃતિ દુનિયાના અલગ-અલગ હિસ્સાઓ સુધી પહોંચી રહી છે. આપણાં ગીત, સંગીત અને અધ્યાત્મને દુનિયાભરના લોકો જાણી રહ્યા છે અને અપનાવી રહ્યા છે. ભારતથી હજારો કિમી દૂર કેરિબિયન સાગરમાં ડૉમિનિકલ રિપબ્લિક નામનો એક દેશ છે. ત્યાં ભારતીયોની સંખ્યા લગભગ 100 છે, કદાચ તેનાથી પણ ઓછી હશે. તેમ છતાં ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મ સાથે જોડાયેલો એક બહુ સારો પ્રયાસ ત્યાં થઈ રહ્યો છે. ત્યાં સ્પેનિશ બોલનારા કેટલાક લોકોએ એક ટીમ બનાવી છે. આ ટીમનું નામ છે – ‘બ્રહ્મકમલ ડૉમિનિકાના‘. ટીમના સભ્યો મળીને વૈદિક સાહિત્યનું અધ્યયન કરે છે. તેઓ વૈદિક મંત્રોનું ઉચ્ચારણ પણ શીખી રહ્યા છે. તેમને તેનું કોઈ વિધિવત્ પ્રશિક્ષણ મળ્યું નથી. પરંતુ તેમણે ઑડિયો રેકૉર્ડિંગ સાંભળીને વૈદિક મંત્રોનું સાચું ઉચ્ચારણ શીખ્યુ છે. આજે તેઓ અનેક મંત્રોનો બહુ સારી રીતે જાપ કરી લે છે.
તેમાં પુરુષ સૂક્તમ્, શ્રી સૂક્તમ્, શ્રી રુદ્રમ્, દુર્ગા સૂક્તમ્ અને દેવી મહાત્મ્ય સમાવિષ્ટ છે. ભારતથી આટલા દૂર રહીને આપણી પરંપરાઓને શીખવાનો તેમનો આ પ્રયાસ ઘણો પ્રેરક છે. હું ‘બ્રહ્મકમલ ડૉમિનિકાના‘ ત્યાંના બધા સભ્યોને આ પ્રયાસો માટે શુભકામનાઓ આપું છું. હું એવા બધા લોકોની હૃદયથી પ્રશંસા કરું છું જે ભારતીય સંસ્કૃતિને દુનિયા ભરમાં લોકપ્રિય બનાવવા માટે નિરંતર પ્રયાસો કરી રહ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ,
મેઘાલયની ઓળખ વાદળોથી છે, સુંદર દૃશ્યોથી છે. જે મેઘાલય જાય છે તેને ત્યાંના લોકોની આત્મીયતા પણ લાંબા સમય સુધી યાદ રહે છે. પરંતુ મેઘાલયની એક બીજી વિશેષતા છે જેને હું આજે મન કી બાતમાં તમારી સાથે ચર્ચા કરવા માંગુ છું – મેઘાલયના રૂટ બ્રિજ. રસ્તાવાળો રૂટ નહીં, મૂળ વાળો રૂટ. આ રૂટ બ્રિજોની વાત ઘણી રોચક છે. આ બ્રિજ કેટલાક દિવસો અથવા કેટલાંક વર્ષોમાં નથી બનતા. તેને તૈયાર થવામાં અનેક દશક લાગે છે. રબરનાં ઝાડનાં મૂળને ધીરે-ધીરે દિશા આપવામાં આવે છે. આ મૂળને જળ ધારાઓની પાર લઈ જવામાં આવે છે. સમયની સાથે આ મૂળ એક મજબૂત સેતુનું રૂપ લઈ લે છે. આ પૂલની એક બીજી વિશેષતા છે. તે જીવિત બ્રિજ છે. સમય વિતવાની સાથે તે વધુ મજબૂત થઈ જાય છે. તેમાં મેઘાલયના લોકોની સર્જનશીલતા દેખાય છે. તેની પાછળ વર્ષોનું ધૈર્ય અને પ્રકૃતિ પ્રત્યે ગાઢ સન્માન છે. આ સેતુ બતાવે છે કે મનુષ્ય પ્રકૃતિની સાથે મળીને કેટલી અદ્ભુત ચીજો બનાવી શકે છે. તે આપણા દેશનો, આ ધરતીનો વારસો છે. હવે ભારતે મેઘાલયના રૂટ બ્રિજોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નેટવર્કમાં સમાવિષ્ટ કરાવવા માટે આવેદન કર્યું છે.
સાથીઓ,
હવામાન પરિવર્તનના કારણે આ રૂટ બ્રિજોની સામે અનેક પડકારો પણ આવે છે. આવા સમયમાં મેઘાલયના લોકોએ આ પ્રાકૃતિક વારસાના સંરક્ષણની જવાબદારી પણ કુશળતાપૂર્વક ઉપાડી છે. પહેલાં તો એ જાણવું પણ સરળ નહોતું કે આવા સેતુઓની સંખ્યા કેટલી છે. સ્થાનિક લોકોએ પોતે તેની ગણતરી શરૂ કરી. તે પછી સમુદાયોએ આ પૂલની દેખભાળની જવાબદારી પણ સંભાળી. આજે સ્થાનિક લોકો 120થી વધુ રૂટ બ્રિજોની દેખરેખ કરી રહ્યા છે. કેટલીક ટીમો દર વર્ષે આ પુલોની સ્થિતિની તપાસ કરે છે. કેટલાક લોકોએ આસપાસના ક્ષેત્રને મજબૂત કરવા માટે નર્સરી પણ તૈયાર કરી છે. આ રીતના તેના સંરક્ષણ માટે એક પૂરી ઇકૉ સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. તમે જોયું હશે, આ વર્ષે હેલી વાર જીને પદ્મ એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે પોતાના જીવનનાં 50થી વધુ વર્ષ આ રૂટ બ્રિજોની દેખભાળમાં લગાવ્યાં છે. તેમનું સમર્પણ આપણા બધા માટે પ્રેરણાદાયક છે. સાથીઓ, તમે ક્યારેય આ રૂટ બ્રિજોની યાત્રા કરી હોય તો તેમની તસવીરો સૉશિયલ મીડિયા પર જરૂર મૂકજો. તમારી તસવીરો બીજા લોકોને પણ મેઘાલયના આ અનોખા વારસા વિશે જાણવા માટે પ્રેરિત કરશે.
મારા પ્રિય દેશવાસીઓ,
આપણે બધા ઇચ્છીએ છીએ કે આપણું ગામડું ચોખ્ખુંચણાંક હોય, આપણું શહેર સુંદર દેખાય. પરંતુ ભાગ્યે જ થંભીને એ વિચાર કરવામાં આવે છે કે આપણી આસપાસ જે કચરો જમા થાય છે, તેને કોણ સાફ કરે છે? મોટા ભાગના લોકો તો એમ માનીને ચાલે છે કે તે કોઈ બીજાની જવાબદારી છે અને તે જ સાફ કરશે. પરંતુ આપણી વચ્ચે અનેક લોકો એવા પણ હોય છે જે પોતાના વિચારથી આપણને ઘણા પ્રેરિત કરે છે. મને મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવરાની કેટલીક બહેનો વિશે જાણવાનો અવસર મળ્યો.
તેમણે પોતાની આસપાસ ફેલાયેલા પ્લાસ્ટિકના કચરનાને હટાવવાનો સંકલ્પ લીધો. એવું ન વિચાર્યું કે કોઈ આવીને પરિવર્તન કરશે. તેમણે પોતે આખા શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો અને ખાલી બૉટલો એકત્ર કરવાનું શરૂ કર્યું. ધીરેધીરે આ પ્રયાસ આગળ વધતો ગયો અને પછી તે પ્લાસ્ટિકને ઇકૉ બ્રિક્સમાં રૂપાંતરિત કરવામાં આવવા લાગ્યું. આજે તે ઇકૉ બ્રિક્સનો ઉપયોગ સાર્વજનિક સ્થાનોને સુંદર બનાવવામાં કરવામાં આવી રહ્યો છે. રાજઘડમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં સેંકડો કિલો પ્લાસ્ટિકને પુન:ચક્રિત (રિસાઇકલ) કરીને તેનો વધુ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. અર્થાત્ જે પ્લાસ્ટિક અગાઉ શહેરમાં પ્રદૂષણ ફેલાવતું હતું, આજે તે એ બહેનોના પ્રયાસથી શહેરમાં સુંદરતા વધારવામાં યોગદાન આપી રહ્યું છે. હું બ્યાવરાની બધી બહેનો અને આ અભિયાન સાથે જોડાયેલા સાથીઓને અભિનંદન આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ,
મને અનેક લોકોએ પત્ર લખીને એક ખાસ વિષય પર વાત કરવાનું સૂચન મોકલ્યું છે. આ વિષય ‘ગણેશ ઉત્સવ‘ સાથે જોડાયેલો છે. આમ તો, ‘ગણેશ ઉત્સવ‘માં હજુ ઘણો સમય બાકી છે, પરંતુ લોકોએ એવો અનુરોધ કર્યો છે કે આ વિષય પર અત્યારે જ આ વાત થવી જોઈએ. યથાર્થમાં, ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કામ ઘણા સમય પહેલાં શરૂ થઈ જાય છે. મૂર્તિ બનાવનારાઓ, મૂર્તિના વેપાર સાથે જોડાયેલા લોકો અત્યારથી સક્રિય થઈ જાય છે. આથી મારો આપ સહુને એક અનુરોધ છે. તમે પ્રયાસ કરો કે તમારા ઘર, સૉસાયટી અથવા આસપાસની જગ્યાઓ પર ગણપતિ બાપાની જે મૂર્તિ સ્થાપિત થાય, તે આપણા દેશની માટીમાંથી બનાવેલી હોય, તે આપણા પોતાના કુંભાર અને સ્થાનિક કલાકારોના હાથે તૈયાર થયેલી હોય. જે લોકો ગણેશજીની મૂર્તિઓ બનાવે છે, તેમને પણ મારો આગ્રહ છે કે તેઓ માટીની મૂર્તિઓને પ્રાથમિકતા આપે અને જે લોકો મૂર્તિઓ ખરીદે છે, તેઓ પણ એ જરૂર જુએ કે ગણપતિ બાપાની મૂર્તિ શેનાથી બનેલી છે અને કયા દેશમાં તૈયાર થઈ છે.
પ્લાસ્ટર ઑફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિઓ બિલકુલ ન ખરીદશો. સાથીઓ, માટીની મૂર્તિઓ પૂજા પછી સહજ રૂપમાં પાણીમાં વિલીન થઈ જાય છે. તેનાથી આપણી નદીઓ, તળાવો અને પર્યાવરણની રક્ષા થાય છે. આપણી આસ્થા પણ જળવાઈ રહે છે અને પ્રકૃતિ પ્રત્યે આપણું દાયિત્વ પણ પૂરું થાય છે. જ્યારે આપણે સ્થાનિક કારીગરો પાસેથી મૂર્તિ ખરીદીએ છીએ તો, આપણે ‘વૉકલ ફૉર લૉકલ‘ના સંકલ્પને મજબૂત કરીએ છીએ. મને વિશ્વાસ છે કે આ વખતે ગણેશ ઉત્સવમાં અને આવા દરેક ઉત્સવમાં આપણે આવી બધી બાબતો પર જરૂર ગંભીરતાથી વિચારીશું અને દેશહિતમાં પગલાં લઈશું.
સાથીઓ,
આપણા દેશની સૌથી મોટી શક્તિ આપણા દેશના લોકો છે. દેશના અલગ-અલગ હિસ્સાઓમાં થઈ રહેલા નાના-મોટા પ્રયાસો આપણને ઘણું બધું શીખવાડે છે. આ પ્રયાસો બતાવે છે કે જ્યારે મનમાં સંકલ્પ હોય અને સમાજનો સાથ મળે તો કોઈ પણ મોટું પરિવર્તન લાવી શકાય છે. તમે તમારી આસપાસ થઈ રહેલા આવા પ્રયાસો વિશે મને જરૂર લખતા રહેજો. પોતાના વિચાર અને પોતાનાં સૂચનો મોકલતા રહેજો, બની શકે કે તમારી આસપાસની કોઈ નાની એવી પહેલ પૂરા દેશ માટે પ્રેરણા બની જાય. આગામી મહિને આપણે ફરી મળીશું. દેશવાસીઓના કેટલાક નવા પ્રયાસોની ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો, અને હા, જળસંચય તો કરવાનો જ છે. વરસાદના પાણીનું એક-એક ટીપું આપણે બચાવવાનું છે. ‘કેચ ધ રેઇન‘ આ અભિયાન જરા પણ ઢીલું નથી પડવા દેવાનું. તો મારો આગ્રહ છે કે વરસાદનું ટીપે-ટીપું પાણી, આપણે મળીને બચાવીએ.
ખૂબ-ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
SM/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
#MannKiBaat has begun. Do hear! https://t.co/KxXEVbfnmI
— PMO India (@PMOIndia) June 28, 2026
This month, India has witnessed several achievements that make every citizen proud. These achievements have further strengthened India's journey towards self-reliance.#MannKiBaat pic.twitter.com/CkEa0CiFJP
— PMO India (@PMOIndia) June 28, 2026
International Day of Yoga once again united people across the world.
— PMO India (@PMOIndia) June 28, 2026
India's outstanding performance at the World Yogasana Championship made the occasion even more special.#MannKiBaat pic.twitter.com/mXUX9W5Bv4
A thoughtful gesture by a family in Maharashtra...#MannKiBaat pic.twitter.com/1uZiS2eOrC
— PMO India (@PMOIndia) June 28, 2026
Affordable social security schemes are providing families across India with financial protection and support during times of need.#MannKiBaat pic.twitter.com/2KXB40ITwN
— PMO India (@PMOIndia) June 28, 2026
An inspiring community-led movement in Assam has shown how awareness and collective effort can transform mindsets and protect nature.#MannKiBaat pic.twitter.com/6aIkb7Clpu
— PMO India (@PMOIndia) June 28, 2026
Grassroots sporting initiatives are empowering young talent... Here are two commendable efforts from Nagaland.#MannKiBaat pic.twitter.com/2F25YC5sQW
— PMO India (@PMOIndia) June 28, 2026
Nalanda University is making a commendable effort to connect India's ancient tradition of 'Shaastraarth' with the needs of the modern world.#MannKiBaat pic.twitter.com/1Sibd2DDSI
— PMO India (@PMOIndia) June 28, 2026
A noteworthy initiative by the Central Sanskrit University...#MannKiBaat pic.twitter.com/fzcMD7sOiL
— PMO India (@PMOIndia) June 28, 2026
A remarkable initiative in the Dominican Republic reflects the growing global appeal of India's culture and traditions.#MannKiBaat pic.twitter.com/if4tZ3YWkX
— PMO India (@PMOIndia) June 28, 2026
Meghalaya's root bridges are a remarkable example of harmony between people and nature. #MannKiBaat pic.twitter.com/bpvT4lR3rG
— PMO India (@PMOIndia) June 28, 2026
An inspiring initiative by women in Madhya Pradesh is transforming plastic waste into eco-bricks. #MannKiBaat pic.twitter.com/w7RmFnq4Xe
— PMO India (@PMOIndia) June 28, 2026
This Ganesh Utsav, let us choose eco-friendly clay idols crafted by local artisans.#MannKiBaat pic.twitter.com/ct7pYNrER6
— PMO India (@PMOIndia) June 28, 2026