Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

‘મન કી બાત’ના 138મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (27.09.2026)


મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.

‘મન કી બાત’ના સપ્ટેમ્બર મહીનામાં ફરીથી એક વાર આપને મળવાનો અવસર મળી રહ્યો છે. હું દેશના તમામ નાગરિકોનું સ્વાગત કરું છું. ‘મન કી બાત’માં આપણે દેશવાસીઓના સકારાત્મક પ્રયાસોને મંચ આપીએ છીએ. દેશની ઉપલબ્ધિઓની વાત કરીએ છીએ. ભારતની આવી જ એક મોટી ઐતિહાસિક ઉપલબ્ધિને એક દિવસ પછી 10 વર્ષ થવાં જઈ રહ્યાં છે. આ ઉપલબ્ધિ છે, ‘Surgical Strike’ની. દસ વર્ષ પહેલાં, 28-29 સપ્ટેમ્બર 2016એ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ત્રાસવાદી સ્થાનો પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. LOCની પેલે પાર જઈને આપણા વીર જવાનોએ જે રીતે ત્રાસવાદ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી, તે જોઈને વિશ્વ ચોંકી ગયું હતું.

સર્જિકલ સ્ટ્રાઈકે નગારાના ઘા પર સમગ્ર દુનિયાની સામે ભારતની આતંકવાદ વિરોધી નીતિનું એક નવું ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. આતંકવાદી આક્રમણોના કારણે ભારતે લાંબા સમય સુધી, જે પીડા સહી હતી, Surgical Strike તે કષ્ટ વિરુદ્ધ આપણી નિર્ણાયક પ્રતિક્રિયા હતી. વિતેલા એક દશકમાં, બાલાકોટની એર સ્ટ્રાઈકથી લઈને ‘Operation સિંદૂર’ સુધી ભારતે વારંવાર એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો આતંકવાદી ભારત સામે આંખ ઉઠાવશે તો તેનો જડબાતોડ ઉત્તર અપાશે.

સાથીઓ, 

ત્રાસવાદી આક્રમણોએ ભારતને લાંબા સમય સુધી ઘાવ આપ્યા છે. એક સમય હતો જ્યારે ભારતમાં સીરિયલ બ્લાસ્ટ થવા એ બહુ સામાન્ય વાત થઈ ગઈ હતી. સપ્ટેમ્બરના આ મહિનામાં એટલે કે 13 સપ્ટેમ્બર 2008એ દિલ્લીમાં થયેલા Serial Blastમાં અનેક નિર્દોષ લોકો માર્યા ગયા હતા.
તેનાં કેટલાંક સપ્તાહ પછી જ મુંબઈમાં 26/11નું આટલું મોટું આક્રમણ થયું હતું. સાથીઓ, પહેલાં પણ, દરેક આતંકવાદી આક્રમણ પછી પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની માગણી થતી હતી, પરંતુ તેના પર એટલું ધ્યાન અપાતું નહોતું. સમય વિતવાની પ્રતીક્ષા કરવામાં આવતી હતી. હવે આજનું ભારત ત્રાસવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ પોલિસી અપનાવે છે અને આપણે તેનાં પરિણામો પણ જોઈ રહ્યા છીએ.

સાથીઓ, 

આ વર્ષે 9/11ના ત્રાસવાદી આક્રમણને પણ 25 વર્ષ પૂરાં થયાં છે. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં જે નિર્દોષ લોકોએ પોતાનું જીવન ખોયું હતું, તેમાં અમેરિકા પછી સૌથી વધુ લોકો ભારતના હતા. મને સ્મરણ છે, 2014માં પ્રધાનમંત્રી બન્યા પછી જ્યારે હું અમેરિકા ગયો હતો, તો ન્યૂયોર્કમાં હું તે નિર્દોષ નાગરિકોને પોતાની શ્રદ્ધાંજલિ આપવા ગયો હતો. અને આજે ફરી એક વાર હું ભારતના કરોડો નાગરિકો તરફથી પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

મારા પ્રિય દેશવાસીઓ, 

આ દિવસોમાં દેશની એક ખૂબ જ મોટી તસ્વીર તૈયાર થઈ રહી છે. આ તસ્વીરમાં તમે પણ છો, તમારો પરિવાર પણ છે, તમારા અડોશ-પડોશના લોકો પણ છે. હું વાત કરું છું, ભારતની જનગણનાની. દેશનાં બધાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તેનું પહેલું ચરણ લગભગ પૂરું થઈ ચૂક્યું છે.

32 કરોડથી વધુ પરિવારોની જાણકારી અંકિત થઈ ચૂકી છે. આ દિવસોમાં લદ્દાખ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડના દુર્ગમ અને હિમાચ્છાદિત વિસ્તારોમાં પણ આ કામ ચાલી રહ્યું છે. ત્યાંના અનેક પ્રેરક અનુભવ આપણી સામે આવ્યા છે. ઉત્તરાખંડમાં જનગણનાની શરૂઆત ચમોલીના માણા ગાંવથી થઈ. માણાને દેશનું પ્રથમ ગામ કહેવાય છે. માણામાં  સૌથી પહેલાં 83 વર્ષની પૂર્ણિમા રાવતજીથી તેની શરૂઆત થઈ. ઉત્તર કાશીના બગોરી ગામમાં હોમસ્ટે ચલાવનારા હરદેવસિંહ રાણાજીએ ડિજિટલ માધ્યમથી પોતાની જાણકારી સ્વયં અંકિત કરી.

સાથીઓ, 

જનગણના આપણા બધાનું રાષ્ટ્રીય દાયિત્વ છે. મેં 15 ઑગસ્ટે પણ દેશવાસીઓને અનુરોધ કર્યો હતો કે તેના માટે પોતાનો સમય અવશ્ય કાઢે. જનગણના માટે પોતાની જાણકારી જાતે અંકિત કરાવવા માટેની આ સુવિધા ખૂબ જ સરળ છે. તમે તમારા મોબાઇલથી જ પોતાની અને પોતાના પરિવારની જાણકારી અંકિત કરાવી શકો છો. આ સુવિધા હિન્દી સહિત 16 ભાષાઓમાં ઉપલબ્ધ છે. સાથીઓ, તેના માટે તમારે જનગણનાના ઓનલાઈન પોર્ટલ પર જવાનું હોય છે. આ પોર્ટલ છે se.census.gov.in. આ પોર્ટલ પર જઈને તમે તમારા મોબાઈલ નંબરથી લોગિન કરો, પોતાનું સ્થાન અંકિત કરો, પોતાના પરિવાર સાથે જોડાયેલી જાણકારી ભરો અને તેને સબમિટ કરી દો. આ પૂરી પ્રક્રિયામાં લગભગ 15થી 20 મિનિટનો જ સમય લાગે છે. તેના માટે તમારે કોઈ ડૉક્યુમેન્ટ પણ અપલોડ નથી કરવાનો. જાણકારી સબમિટ કર્યા પછી તમને એક વિશેષ આઈડી મળશે. જ્યારે ગણના કર્મચારી તમારા ઘરે આવે તો તમે તેમને આ આઈડી બતાવી શકો છો. તમારા દ્વારા આપવામાં આવેલી જાણકારીની પુષ્ટિ થયા પછી તે જનગણનાનો હિસ્સો બની જશે. સાથીઓ, અત્યાર સુધી મોબાઈલથી 2 કરોડ 60 લાખથી વધુ લોકો જનગણનાના પૉર્ટલ પર પોતાની જાણકારી ભરી ચૂક્યા છે, સ્વગણના કરી ચૂક્યા છે. તમારો તેમાં થોડો જ સમય જશે, પરંતુ દેશ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણકે તમારી સાચી જાણકારી, તમારા પરિવારની સાચી જાણકારી, દેશના ભવિષ્યની સાચી છબિ તૈયાર કરવામાં સહાય કરે છે.

મારા પ્રિય દેશવાસીઓ, 

આજે 27 સપ્ટેમ્બરની આ તારીખ એક વિશેષ કારણથી વધુ વિશેષ થઈ ગઈ છે. આજે એક એવા મહાનુભાવની સો-મી જયંતી છે, જેમણે સંસ્કૃતિ, સમાજ અને રાષ્ટ્ર માટે પોતાનું પૂરું જીવન સમર્પિત કરી દીધું. હું વાત કરી રહ્યો છું, ‘વિશ્વ હિન્દુ પરિષદ’ના પૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રદ્ધેય સ્વર્ગીય અશોક સિંહલજીની. 27 સપ્ટેમ્બર 1926ના આજના દિવસે જ આગરામાં તેમનો જન્મ થયો હતો. તેમણે સમાજમાં રહીને તપસ્વીઓ જેવું જીવન જીવ્યું. તેમણે રામજન્મભૂમિ આંદોલનને જે દિશા આપી, જે ઊર્જા આપી, આજે તેનું જ પરિણામ છે કે આપણે અયોધ્યામાં ભવ્ય મંદિરને સાક્ષાત જોઈ રહ્યા છીએ. મારું તો ખૂબ જ મોટું સૌભાગ્ય રહ્યું છે. મેં, ન માત્ર તેમના જીવનને નજીકથી જોયું, પરંતુ, મને તેમની સાથે આ મિશનમાં જોડાવાનો પણ અવસર મળ્યો. જ્યારે હું શ્રી રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાનમાં સહભાગી થઈ રહ્યો હતો ત્યારે પણ મને વારંવાર અશોકજીનું સ્મરણ સ્વાભાવિક રીતે જ થતું હતું..

સાથીઓ, 

અશોકજી વિશે એવી અનેક વાતો છે જેની એટલી ચર્ચા નથી થતી. રામમંદિર આંદોલન સાથે તેમણે સામાજિક ભેદભાવ અને વિષમતા વિરુદ્ધ પણ એક મોટી લડાઈ લડી હતી. તેમનો જન્મ એક ખૂબ જ સમૃદ્ધ પરિવારમાં થયો હતો. તેમના પિતા એક પ્રશાસનિક સેવા અધિકારી હતા. તેમનાં ભાઈ-બહેનોમાં પણ અધિકાંશ લોકો મોટાં-મોટાં પદો પર રહ્યાં. તેઓ પોતે પણ IIT BHUમાંથી સ્નાતક થયા હતા. પરંતુ આ બધા છતાં, તેમણે સમાજ અને સંસ્કૃતિ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આ જ મહાન લોકોની ઓળખ હોય છે. આજે હું તેમની જન્મ શતાબ્દિના અવસર પર તેમના કરોડો પ્રશંસકોની તરફથી તેમને નમન કરું છું. મારી તરફથી શ્રદ્ધાંજલિ આપું છું. 

મારા પ્રિય દેશવાસીઓ, 

આ વર્ષની શરૂઆત આપણે સ્વાભિમાનના એક મહા પર્વ સાથે કરી હતી. આ પર્વ હતું ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’. આજથી એક હજાર વર્ષ પહેલાં, 1026માં મહેમૂદ ગઝનીએ પહેલી વાર સોમનાથ મંદિરનો વિધ્વંસ કર્યો હતો. પરંતુ જે લોકો સોમનાથને તોડીને ભારતની ઓળખ ભૂંસવા આવ્યા હતા, આજે તેમનું કોઈ અસ્તિત્વ નથી અને સોમનાથ મંદિર, પૂરી ભવ્યતા સાથે વિશાળ સમુદ્રના કિનારે ભારતને અમરતાના આશીર્વાદ આપી રહ્યું છે. આથી આપણે પૂરા ગર્વની સાથે આ વર્ષે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ મનાવ્યું. 

સાથીઓ, 

આ ચર્ચા, હું આજે ‘મન કી બાત’માં ફરીથી કેમ કરી રહ્યો છું- તેનું પણ એક વિશેષ કારણ છે. ઇસવી સન 1026માં જ્યારે ગઝનીએ સોમનાથ વિધ્વંસ કર્યો હતો તે જ વર્ષે ગુજરાતમાં જ, મોઢેરાના પ્રસિદ્ધ સૂર્ય મંદિર પર પણ આક્રમણ થયું હતું, તેને તોડવામાં આવ્યું હતું. એટલે કે મોઢેરા સૂર્ય મંદિર વિધ્વંસને પણ આ વર્ષે એક હજાર વર્ષ પૂરાં થયાં છે, જ્યારે તે સમયે આ મંદિરને બન્યાને એક જ વર્ષ થયું હતું. 1025માં આ મંદિરનું નિર્માણ રાજા ભીમદેવે કરાવ્યું હતું. 

સાથીઓ, 

તમે આ કાળખંડ વિશે વિચારો, જ્યારે આટલું મોટું આક્રમણ થયું હોય, સોમનાથ મંદિર જેવું આસ્થાનું આટલું મોટું કેન્દ્ર ખંડિત કરવામાં આવ્યું હોય અને અનેક જગ્યાએ પણ આક્રમણો પણ થયાં હોય તો કોઈ પણ સમાજ કે શાસનનું મનોબળ તૂટી શકે. પરંતુ રાજા ભીમદેવે ગઝનીની સામે લડાઈ તો લડી જ, થોડા જ સમયમાં મોઢેરા સૂર્ય મંદિરનું પુનર્નિર્માણ પણ કરાવી દીધું. આ જીજિવિષાના કારણે જ સોમનાથ મંદિરનો પણ વારંવાર વિધ્વંસ છતાં જીર્ણોદ્ધાર થતો રહ્યો.

સાથીઓ, 

મોઢેરા સૂર્ય મંદિર પર પણ બાદના કાળખંડમાં આક્રમણો રોકાયાં નહોતાં. પછી અલાઉદ્દીન ખિલજીએ પણ એક વાર ફરી વાસ્તુકળાના આ ભવ્ય મંદિરને તોડી નાખ્યું હતું, પરંતુ આપણે ભારતના લોકો સૂર્યની ઉપાસના કેવળ વાસ્તુ અને મંદિરો દ્વારા જ નથી કરતા, આપણી સૂર્ય ઉપાસનાનો એક અર્થ એ પણ થાય છે કે, પ્રકાશ, ઊર્જા, વિજ્ઞાન અને નિરંતરતાની પ્રેરણા. આથી, મોઢેરા પણ આજે ન માત્ર સૂર્ય મંદિર માટે જાણીતું છે, પરંતુ ગુજરાતનું આ ગામ દેશનું પ્રથમ સૂર્ય ગ્રામ, સોલાર વિલેજ બની ચૂક્યું છે. મોઢેરા આજે પૂરી રીતે સૌર ઊર્જાથી ચાલે છે. અને તેણે દેશ સામે સસ્ટેનબિલિટીનું એક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. મોઢેરામાં પર્યટકો માટે અનેક આકર્ષણ અને સુવિધાઓની શરૂઆત પણ થઈ છે. જાન્યુઆરીમાં મકર સંક્રાંતિ પછી ત્યાં મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન પણ થાય છે. તેમાં ભારતના સાંસ્કૃતિક અને શાસ્ત્રીય નૃત્યોની અદ્ભુત પ્રસ્તુતિ થાય છે. હું ઇચ્છીશ કે તમે પણ એક વાર મોઢેરા અવશ્ય જાવ અને ભારતના આ ગૌરવશાળી વારસાના દર્શન કરો.

સાથીઓ, 

ભૂતકાળ સાથે આપણું જોડાણ આજે પણ ખૂબ જ જીવંત છે. તેની પાછળ તે લોકોનું સમર્પણ અને પરિશ્રમ છે, જે તેને વધુ ગાઢ બનાવી રહ્યા છે. તમિળ નાડુના તિરુચિરાપલ્લીના મનપ્પારઈમાં આવો જ એક અનોખો પ્રયાસ થઈ રહ્યો છે. એક કોલેજમાં ડિપાર્ટમેન્ટ ઓફ તમિલ સ્ટડિઝથી જોડાયેલા એ. સેલ્વારાજૂ જી તેને આગળ વધારી રહ્યા છે. એક લેક્ચર દરમિયાન તેમને પોતાના એક સ્ટૂડન્ટ પાસેથી કેટલીક પ્રાચીન પ્રતીમાઓની જાણકારી મળી હતી. આ વિષય પર ચર્ચા પછી તેમણે ફિલ્ડ વિઝિટનો પ્લાન બનાવ્યો. આ વિઝિટ દરમિયાન તેમને અલગ-અલગ જગ્યાઓ પર અનેક પ્રતિમા મળી અને પ્રાચીન મંદિર મળ્યાં. ભૂતકાળ સાથે જોડાવાનો આ એક રોચક પ્રયાસ છે. આ પ્રકારે આપણે આપણા વારસાને ખૂબ જ સારી રીતે જાણી શકીએ છીએ. દેશના બીજા હિસ્સાઓમાં પણ આવા પ્રયાસો કરી શકાય છે. તે આપણને આપણા ઇતિહાસને નજીકથી જોવા અને સમજવાનો અવસર આપે છે.

મારા પ્રિય દેશવાસીઓ, 

કેટલાક જ દિવસ પછી બે ઑક્ટોબર છે- પૂજ્ય બાપુની જયંતિનો દિવસ. બાપુએ આપણને જીવનના અનેક મંત્ર આપ્યા છે. સ્વચ્છતા પણ તેમાંથી એક છે. આપણે ઘણી વાર આપણી આસપાસ સ્વચ્છતાની સાથે જોડાયેલા અનેક પ્રયાસને જોઈએ છીએ. આ પ્રયાસ ખૂબ જ પ્રેરક અને ઉત્સાહ વધારનારા છે. સોશિયલ મીડિયા પર પણ આવી છબિઓ, આવા વિડિયો, આવાં રીલ વારંવાર આપણું ધ્યાન આકર્ષે છે. તાજેતરના દિવસોમાં મેં આવા અનેક પ્રયાસ જોયા છે. ક્યાંક મધ્ય પ્રદેશમાં કેટલાક નવયુવાનો નદીની સ્વચ્છતાનું કામ કરે છે. તેમના નાનકડા પ્રયાસમાં સમગ્ર સમાજ જોડાઈ રહ્યો છે. આ જ રીતે, આંધ્ર પ્રદેશમાં, યુવાનો જૂની વાવ અને કુવાની સફાઈ કરી રહ્યા છે. તેનાથી આપણા પ્રાચીન વારસાને પુનર્જીવિત કરવાનું કામ થઈ રહ્યું છે. મુંબઈમાં કેટલાક યુવાનો સમુદ્ર તટોને સ્વચ્છ રાખવાની પહેલ કરી રહ્યા છે. દરેક સપ્તાહે, કોઈ ને કોઈ સમુદ્ર કાંઠા પર સેંકડો યુવા-સાથીઓ એકત્ર થઈ રહ્યા છે, સ્વચ્છતાથી સેવા કરી રહ્યા છે. અહીં દિલ્લીમાં બાળકો અને યુવાનો, લોકોને કચરો અલગ-અલગ રાખવા અને પોતાની આસપાસ સ્વચ્છતા રાખવા માટે જાગૃત કરી રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં યુવાન વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો મળીને પિકનિક સ્થળો પર બજારોની સફાઈ કરી રહ્યા છે. 

સાથીઓ, 

આ બધા પ્રયાસોમાં એક વાત બહુ જ સહજતાથી જોવા મળે છે. ક્યાંક શરૂઆત એક વ્યક્તિએ કરી, પછી તેની સાથે કેટલાક વધુ લોકો આવી ગયા- સમૂહ વધતો ગયો- આ જ તો જનભાગીદારી છે. બાપુ પ્રત્યે આપણી સૌથી સુંદર શ્રદ્ધાંજલિ પણ સ્વચ્છતા જ છે.

મારા પ્રિય દેશવાસીઓ, 

આપણે પર્યાવરણની રક્ષા કરીએ છીએ તો આપણે કેવળ છોડ-ઝાડ કે જીવજંતુઓને જ નથી બચાવતાં, આપણે તે પૂરી જીવન વ્યવસ્થાને મજબૂત કરીએ છીએ. દેશના અલગ-અલગ હિસ્સામાં થઈ રહેલા કેટલાક પ્રયાસો આ ભાવનાને ખૂબ જ સુંદર રીતે સામે લાવી રહ્યા છે.  સાથીઓ, અસમમાં સોનાઈ રૂપાઈ વાઈલ્ડ લાઈફ સેન્ચુરી છે. એક સમય હતો, જ્યારે ત્યાં હાથીઓનું રહેણાંક રહેતું હતું, પરંતુ ધીરે-ધીરે જંગલની ભૂમિ પર માનવનો હસ્તક્ષેપ વધતો ગયો, જેના લીધે હાથીઓ આ વિસ્તારથી દૂર થઈ ગયા. ત્રણ વર્ષ પહેલાં આ ભૂમિને અતિક્રમણથી મુક્ત કરવામાં આવી, અને હવે, તેનાં અદ્ભુત પરિણામો સામે આવ્યાં છે. હાથી અહીં ફરી પાછા ફર્યા છે. જે ક્ષેત્રમાં વર્ષોથી તેમની ચહલપહલ નહોતી, આજે ત્યાં ફરી હાથીઓના ઝૂંડ દેખાઈ રહ્યાં છે. 

સાથીઓ, 

આસામમાં જ એક બીજો સુંદર પ્રયાસ થયો છે. આ પ્રયાસ એક બહુ જ નાના જીવ, પિગ્મી હોગને બચાવવાનો છે. એક સમયે તેના અસ્તિત્વ પર સંકટ ઝળુંબવા લાગ્યું હતું, પરંતુ માત્ર છ પિગ્મી હોગ સાથે એક સંરક્ષણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. તેને ફરી જંગલમાં વસાવવામાં આવ્યાં. તેમને રહેવા માટે ઘાસના મેદાન પણ તૈયાર કરવામાં આવ્યા. આજે આ કાર્યક્રમના કારણે પિગ્મી હોગની સંખ્યા 190થી વધુ થઈ ચૂકી છે.

સાથીઓ, 

પ્રકૃતિ સાથે આપણો સંબંધ માત્ર તેમને સંભાળવા પૂરતો સીમિત નથી. અનેક વાર આપણે પ્રકૃતિને સંભાળીએ છીએ તો આ જ પ્રકૃતિ આપણા જીવનનો ટેકો બની જાય છે. પશ્ચિમ બંગાળના સુંદરવનમાં કેટલીક મહિલાઓ આ જ સંબંધનું પ્રેરક ઉદાહરણ છે. ઝારખાલીની આ મહિલાઓ મેનગ્રુવનાં જંગલ તૈયાર કરી રહી છે. તેમાંથી મોટાભાગે એવી મહિલાઓ છે જેમના પતિના પ્રાણ વાઘના આક્રમણમાં ચાલ્યા ગયા હતા. પતિ ગુમાવ્યા પછી તેમને સુંદરવનથી જ આજીવિકાનો આશ્રય મળ્યો. તેમના દ્વારા રોપવામાં આવેલા મેનગ્રુવ આજે ગામો માટે એક પ્રાકૃતિક સુરક્ષા કવચ બની રહ્યાં છે અને તેમને લગાવીને, આ મહિલાઓની કમાણી પણ થઈ રહી છે. સાથીઓ, આપણે પર્યાવરણને સાચવીએ, પ્રકૃતિના સંતુલનનું સન્માન કરીએ અને તેની વિવિધતાને સુરક્ષિત રાખીએ. આપણો આવો દરેક પ્રયાસ ભવિષ્યની પેઢીઓ પ્રત્યે આપણું દાયિત્વ છે.

મારા પ્રિય દેશવાસીઓ, 

તાજેતરમાં જ દેશના લાખો યુવાનોએ નશાની વિરુદ્ધ, ડ્રગ્સની વિરુદ્ધ, એક મહત્ત્વપૂર્ણ સંકલ્પ કર્યો છે. યુવાનોએ પોતે પણ નશાથી દૂર રહેવાની પ્રતિજ્ઞા કરી છે અને આ સંદેશને બીજા સુધી પહોંચાડવાની જવાબદારી પણ લીધી છે – આ બધું થઈ રહ્યું છે ‘નશા મુક્ત યુવા અભિયાન’ હેઠળ. આ અભિયાન 100 અઠવાડિયાં સુધી ચાલશે. તેમાં માય ભારતના વોલન્ટીયર્સ પણ જોડાયેલા છે. NSS સાથે જોડાયેલા આપણા યુવાનો પણ તેનો હિસ્સો છે. શાળા-કૉલેજો અને વિશ્વ વિદ્યાલયો પણ સાથે આવ્યાં છે અને, અનેક સામાજિક અને આધ્યાત્મિક સંસ્થાઓ પણ તેની સાથે જોડાઈ છે. ગત દિવસોમાં જ દેશભરમાં હજારો સંકલ્પ સમારોહ અને જાગૃતિના કાર્યક્રમો થયા છે. સાથીઓ, આ અભિયાનમાં એક વાત મને વિશેષ રૂપે સારી લાગી , ‘નશા મુક્તિનો સંદેશ’. આપણા યુવાનો, પોતે પોતાની ભાષામાં, પોતાની રીતે આ સંદેશને આગળ વધારી રહ્યા છે. મેં ‘મન કી બાત’માં પણ યુવા સાથીઓને અનુરોધ કર્યો હતો કે તેઓ પોતાની ક્રિયેટિવિટીના માધ્યમથી આ અભિયાન સાથે જોડાય અને મને પ્રસન્નતા છે કે હજારો યુવાનો આ આહ્વાન પર આગળ આવ્યા છે. માય ભારત પર એન્થમ, સ્લોગન રાઈટિંગ અને નુક્કડ નાટક જેવી અલગ-અલગ સ્પર્ધાઓ થઈ છે. આ જ રીતે, સોશિયલ મીડિયા પર આપણા યુવાનો  ‘#नशामुक्त युवा’ સાથે પોતાનું ક્રિએટિવ કન્ટેવિટી મૂકી રહ્યા છે, અર્થાત સંદેશ પણ યુવાનોનો છે, માધ્યમ પણ યુવાનોનું છે અને તેને આગળ લઈ જવાની ઊર્જા પણ યુવાનોની છે. આવનારા દિવસોમાં આ અભિયાન હેઠળ હેલ્થ ચેકઅપ અને ધ્યાન શિબિર જેવી ગતિવિધિઓ પણ થશે.

સાથીઓ, 

ટૂંક જ સમયમાં, આપણા અનેક પર્વ અને તહેવારો પણ આવશે. આ વખતે, તહેવારોની પ્રસન્નતા વચ્ચે આપણે આપણી આસપાસ પણ દૃષ્ટિ કરીએ. જો કોઈ યુવાન કોઈ ખરાબ ટેવની તરફ આગળ વધી રહ્યો હોય તો તેની સાથે વાત કરીએ. જો કોઈ યુવાન નશાની ટેવમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હોય તો તેનો સાથ આપીએ. નશા મુક્ત યુવાન- વિકસિત ભારતના આ સંકલ્પને આપણે બધા મળીને આગળ વધારીએ.

મારા પ્રિય દેશવાસીઓ, 

લાલ કિલ્લા પરથી મેં આ વખતે સ્પોર્ટ્સ માટે ટેલેન્ટ હન્ટ અભિયાનની ઘોષણા કરી છે. ભારત સતત વધુ સારું પ્રદર્શન કરતું રહે તે માટે ગામ અને નાનાં નગર સુધી પહોંચીને સ્પોર્ટિંગ ટેલેન્ટને શોધવી આવશ્યક છે. તો, એવા અનેક લોકો છે જેમણે આ કામ માટે પોતાને સમર્પિત કરી દીધા છે. તેમનું એક જ પેશન હોય છે ટેલેન્ટને શોધવી અને તેમને ઘડવી. આપણા પંજાબમાં આ કામ રાજિન્દરસિંહજી કરી રહ્યા છે. રાજિન્દરસિંહજી એવા એક વ્યક્તિ છે જેમના નામમાં સિનિયર પણ જોડાયેલું છે. તેઓ 1980ના ઓલિમ્પિક હોકીમાં ગોલ્ડ મેડલ જીતનારી ટીમનો હિસ્સો હતા. 1982ના વર્લ્ડકપમાં છવાઈ ગયા હતા. 2001માં ભારતે પહેલી વાર મેઇન્સ જૂનિયર વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. તો 2003માં દેશે સિનિયર એશિયલા કપ ટાઈટલ પ્રાપ્ત કર્યું હતું. આ બંને ટૂર્નામેન્ટમાં તેઓ કોચની ભૂમિકામાં હતા. હવે તેઓ રાઉન્ડ ગ્લાસ હોકી એકેડમી દ્વારા પોતાના જુસ્સાને આગળ લઈ જઈ રહ્યા છે. તેમના પ્રયાસોથી ગામડાંઓમાં નવી હોકી એસ્ટ્રોટર્ફ બિછાવવામાં આવી રહી છે. રાજિન્દરજીનું ફોકસ એકદમ ક્લીયર છે. એવાં ગામોમાં બાળકોની ઓળખ કરવી, જ્યાં વધુ સારી કોચિંગની સુવિધાઓ ઓછી છે. આવા પ્રયાસોથી અનેક ખેલાડીઓ ભારતના જૂનિયર અને સિનિયક સ્તર પર પોતાની જગ્યા બનાવી રહ્યાં છે. રાજિન્દરસિંહજીની તેમના આ સમર્પણ માટે જેટલી પણ પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે.

મારા પ્રિય દેશવાસીઓ, 

આમળાં આપણા બધા માટે જાણીતાં છે. મોટાભાગના ઘરોમાં તેનાથી બનતાં અથાણાં અને મુરબ્બાનો પ્રયોગ થાય છે. ઘણા લોકો આમળાંના રસનો આનંદ માણે છે અને શિયાળા દરમિયાન ચ્યવનપ્રાશ આપણી દિનચર્યાનો એક મહત્વપૂર્ણ ભાગ બની જાય છે. આપણા વડીલો લાંબા સમયથી આમળાંના લાભ વિશે વાત કરતા આવ્યા છે અને આ જ્ઞાન પ્રત્યેક પેઢીએ આગળ વધારતા રહ્યા છે. સાથીઓ, આ જ આમળાં હવે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં નવી સંભાવનાઓનું માધ્યમ બની રહ્યાં છે. પ્રતાપગઢ અને આમળાં વચ્ચેનો સંબંધ ઘણો જૂનો છે. અહીંના ખેડૂતો પેઢીઓથી તેની ખેતી કરતા આવ્યા છે. આમળાંએ પ્રતાપગઢને એક મજબૂત ઓળખ આપી છે અને હવે આ દીર્ઘકાલીન ઓળખ સ્થાનિક ખેડૂતો તથા મહિલાઓ માટે નવા અવસરો લાવી રહી છે. ‘One District One Product’  પહેલ દ્વારા આમળાં સાથે સંકળાયેલા સ્થાનિક ઉદ્યોગોને નોંધપાત્ર વેગ મળ્યો છે. આજે પ્રતાપગઢમાં આમળાંની પ્રક્રિયા કરતા લગભગ 100 એકમો કાર્યરત છે, જેમાં સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આવું જ એક જૂથ દેવગઢ કમાસી ગામનું છે; ‘સાવિત્રી ફૂલે સ્વ-સહાય જૂથ’ની મહિલાઓ આમળાંની કેન્ડી, મુરબ્બો અને જ્યુસનું ઉત્પાદન કરી રહી છે. ODOP હેઠળ નવાં બજારો સુધી પહોંચ મળવાથી તેમની આવકમાં વધારો થયો છે. તેવી જ રીતે, એક ગામમાં ‘વિંધ્યવાસિની સ્વ-સહાય જૂથ’ કાર્યરત છે; આ જૂથની મહિલાઓ આમળાંનું અથાણું અને પાચક ચૂર્ણ જેવી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. આ મહિલાઓને પ્રૉસેસિંગ માટે મશીનરી તેમજ લૉનની સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. તેમને સ્થાનિક વ્યાપાર મેળા સાથે જોડાવાની તક પણ મળી અને ટૂંક સમયમાં જ તેમની આવકમાં નોંધપાત્ર વધારો થયો. 

સાથીઓ, 

આપણા દેશના દરેક પ્રદેશની કોઈ ને કોઈ વિશેષતા અવશ્ય હોય છે—ક્યાંક કોઈ વિશેષ ફળ છે, ક્યાંક કોઈ પરંપરાગત કલા છે કે ક્યાંક કોઈ અનોખું કૌશલ્ય છે. ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ એ આ જ વિશેષતાઓને આગળ વધારવાનું અભિયાન છે. આપણો પ્રયાસ એ જ હોવો જોઈએ કે આપણાં ગામો અને નાનાં શહેરોની આ ઓળખ માત્ર સ્થાનિક બજારો સુધી સીમિત ન રહે. તે દેશ અને બીજા હિસ્સા સુધી પહોંચે અને દુનિયાનાં બજારો સુધી પણ પહોંચે. તેનાથી વોકલ ફોર લોકલ અભિયાનને પણ બળ મળે છે. તે દેશને આત્મનિર્ભર બનવાની પણ પ્રેરણા આપે છે. આવનારા તહેવારોમાં આપણે વોકલ ફોર લોકલ વાળા મંત્રને તો ક્યારેય પણ ભૂલવાનો નથી.

મારા પ્રિય દેશવાસીઓ, 

સપ્ટેમ્બરનો આ મહિનો કુપોષણ સામે લડાઈને સમર્પિત છે. પોષણ માહમાં અલગ-અલગ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો અને સંસ્થાઓ આ ભલાઈના કામ માટે એક સાથે આવે છે. કુપોષણની સામે લડવા માટે આ વર્ષે અનેક પ્રશંસનીય પહેલો કરવામાં આવી છે. છત્તીસગઢે ‘હર ઘર મુનગા-ઘર ઘર મુનગા’ આવું અભિયાન શરૂ કર્યું છે. તેમાં લોકોને પૌષ્ટિક મુનગા અર્થાત્ સરગવાને પોતાની ખાણીપીણીમાં સંમિલિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ગુજરાતે પણ વાનગી સ્પર્ધા અર્થાત્ જાડા ધાનથી બનેલાં વ્યંજનોની સ્પર્ધા ચાલુ કરી છે. આ પહેલ દ્વારા સસ્તી અને પૌષ્ટિક સ્થાનિક ખાણીપીણીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી બે લાખથી વધુ લોકો આ સ્પર્ધામાં હિસ્સો લઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં પણ આ દિશામાં પ્રશંસનીય પ્રયાસ ચાલી રહ્યો છે. ત્યાં શિક્ષકો, આંગણવાડી કાર્યકર્તાઓ અને બાળકોનાં માતાપિતા જાગૃતિ અભિયાન સાથે જોડાઈ રહ્યાં છે. મિઝોરમમાં પણ, આ વર્ષે લોકો સાથે મળીને પોષણ વાટિકાઓની દેખભાળ કરવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. તે મિઝો સમાજના ‘તલો-મડ-યના’ની પરંપરાને અનુરૂપ છે. તેનો અર્થ છે ‘નિસ્વાર્થ સેવા અને બીજાની સહાયમાં સદા આગળ રહેવું’. આ પ્રયાસ ખૂબ જ પ્રશંસાપાત્ર છે. મને આંગણવાડી કેન્દ્રો સાથે જોડાયેલા તે બધા લોકો પર ગર્વ છે જે આ પ્રકારની પહેલમાં ભાગ લઈ રહ્યા છે. આ આંગણવાડી કેન્દ્રો હવે ‘પોષણ Tracker’ સાથે Digitally જોડાઈ ગયાં છે. લગભગ નવ કરોડ લાભાર્થી તેમાં નોંધાઈ ગયા છે. તેનાથી બાળકો, ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવનારી મહિલાઓની વધુ સારી દેખભાળ સંભવ છે. આપણે કુપોષણ વિરુદ્ધ આ લડાઈને આ રીતે આગળ વધારવાની છે. આપણે આપણા સમાજને કુપોષણથી પૂરી રીતે મુક્ત કરવાનો છે.

સાથીઓ, 

આપણે બધાએ આ મહિને પૂરી શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ગણેશ ઉત્સવ મનાવ્યો છે. દેશભરમાં પૂરા ભક્તિભાવથી ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું. આ પાવન અવસર પૂરા વાતાવરણને ઉમંગ અને ઉલ્લાસથી ભરી દે છે. સાથીઓ, વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશ જ્ઞાન, બુદ્ધિ અને શુભ કાર્યોના આરંભનું પ્રતીક છે. તેમના પ્રત્યે અગાધ શ્રદ્ધા માત્ર ભારતમાં જ નથી. જેમ કે શ્રીમાન પંથૌન થીરખાનોન જીની જ વાત કરીએ. તેઓ આમ તો થાઇલેન્ડના છે. ત્યાં ભગવાન શ્રી ગણેશની પૂજા ‘ફ્રા ફિકાનેત’ના રૂપમાં કરવામાં આવે છે. અને જ્યારે તેઓ 19 વર્ષના હતા, ત્યારે તેમના પિતાએ તેમને ભગવાન શ્રી ગણેશની એક છબિ ભેટ આપી હતી. ત્યારથી જ તેમનામાં અદ્ભુત ભક્તિ જાગૃત થઈ. તેઓ ભગવાન શ્રી ગણેશ સાથે જોડાયેલી પરંપરાઓના અધ્યયનમાં ચાર દશકથી વધુ સમય વિતાવી ચૂક્યા છે. તેમણે ભારત અને નેપાળ સહિત એશિયાના અનેક દેશોની યાત્રા કરી છે. મહારાષ્ટ્ર સાથે તેમનો વિશેષ લગાવ રહ્યો છે. અષ્ટવિનાયક પરંપરા વિશે જાણ્યા પછી તેઓ અનેક વાર અહીં આવી ચૂક્યા છે. તેમના પ્રયાસોથી થાઇલેન્ડમાં શ્રદ્ધાળુઓ વચ્ચે પણ અષ્ટવિનાયક યાત્રા લોકપ્રિય થઈ ચૂકી છે. વર્ષ 2002માં તેમણે ઉત્તર થાઇલેન્ડના ચિયાંગ માઈમાં ગણેશ હિમાલ મ્યૂઝિયમની સ્થાપના કરી. આજે તેમાં દસ હજારથી વધુ ગણેશ પ્રતિમાઓ છે. સંગ્રહાલયમાં એ ભક્તો માટે અષ્ટ વિનાયકની પ્રતિમાઓ પણ છે જે ભારત આવી શકે તેમ નથી. તેઓ અહીં દર રવિવારે સવારે લગભગ દસ વાગે ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ગણપતિ સાથે જોડાયેલા વિશેષ અવસરો પર પણ અનુષ્ઠાન થાય છે. આ દર્શાવે છે કે ભારતની આસ્થા, કળા અને સાંસ્કૃતિક પરંપરાઓ બીજા દેશોમાં પણ કેવી લોકપ્રિય થઈ રહી છે. મારી કામના છે કે ગણપતિ બાપ્પાના આશીર્વાદ બધા પર સદા રહે.

સાથીઓ, 

‘મન કી બાત’ના પ્રત્યેક પ્રકરણ પછી મને અનેક વિષયો પર તમારા સંદેશ મળતા રહે છે. તમે આ જ રીતે, પ્રેરણાથી ભરેલી ગાથાઓ મોકલતા રહેજો. જ્યારે તમે તમારી આસપાસ થઈ રહેલા આવા પ્રયાસોની પ્રશંસા કરો છો તો તેમનો ઉત્સાહ વધુ વધે છે. ‘મન કી બાત’ના માધ્યમથી તેમના વિશે જાણીને દેશના બીજા હિસ્સાના લોકો પણ પ્રેરિત થાય છે. આ યાત્રા આ રીતે તમારા સહયોગથી નિરંતર વધતી રહે. આવનારા તહેવારોને તમે, તમારા પરિજનો અને મિત્રો સાથે પૂરા આનંદ અને ઉલ્સાસથી મનાવો. હું તમને સહુને ફરી એક વાર શુભકામનાઓ આપું છું. ખૂબ-ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad