Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કમ્યુનિકેશન્સ એસોસિએશન (GSMA) બોર્ડના સભ્યો સાથે વાર્તાલાપ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ પહેલાં આજે વહેલી સવારે સેવા તીર્થ ખાતે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કમ્યુનિકેશન્સ એસોસિએશન (GSMA) બોર્ડના સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો. GSMA એ એક વૈશ્વિક સંસ્થા છે જે મોબાઈલ ઇકોસિસ્ટમને એકીકૃત કરે છે, જે મોબાઈલ ઓપરેટરો અને સમગ્ર મોબાઈલ ઇકોસિસ્ટમ તથા સંબંધિત ઉદ્યોગોમાં સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ટેકનોલોજી સમાવેશી અને સસ્ટેનેબલ વિકાસ માટેનું સાધન બનવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સમાજનો કોઈ પણ વર્ગ પાછળ રહી ન જાય તે સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનું લોકશાહીકરણ આવશ્યક છે. તેમણે ખાસ કરીને ગ્લોબલ સાઉથ માટે ટેકનોલોજી અને ડિજિટલ સેવાઓને પરવડે તેવી અને સુલભ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, અને ડિજિટલ વિભાજનને વ્યાપક બનતું રોકવા માટે ટેકનોલોજીને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

પ્રધાનમંત્રીએ ખાસ કરીને વિકાસશીલ દેશો માટે પરિવર્તનકારી બળ તરીકે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) ની ક્ષમતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે અનેક વૈશ્વિક નેતાઓ સાથે DPI પરની ચર્ચાએ તેની વધતી જતી વૈશ્વિક સુસંગતતા દર્શાવી છે અને કહ્યું હતું કે આવા મંચ ગ્લોબલ સાઉથના દેશો માટે સ્પ્રિંગબોર્ડ તરીકે કામ કરી શકે છે.

ડિજિટલ અને સાઇબર ફ્રોડના વધતા પડકારને સંબોધતા, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ સમસ્યા માટે ટેકનોલોજી-સંચાલિત ઉકેલોની જરૂર છે. તેમણે લોકોને સંભવિત ફ્રોડ કોલ્સ વિશે ચેતવણી આપવા માટે વપરાશકર્તાઓ માટે સતત જાગરૂકતા સંદેશાઓ આપવાનું સૂચન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ઉભરતી ટેકનોલોજી માટે વૈશ્વિક ધોરણો અને સામાન્ય નિયમોની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. ડીપફેક્સ અને AI-જનરેટેડ કન્ટેન્ટના વધતા જતા ખતરા અંગે, તેમણે વપરાશકર્તાઓને તેનું મૂળ ઉદ્ગમ સ્થાન તાત્કાલિક ઓળખવાની મંજૂરી આપતી પદ્ધતિઓ શોધવાનું સૂચન કર્યું હતું.

GSMA બોર્ડના સભ્યોએ ડિજિટલ અને મોબાઈલ કનેક્ટિવિટીમાં વૈશ્વિક લીડર તરીકે ભારતના ઉદ્ભવ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે 4G અને 5G નો ઝડપી વિસ્તાર, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સ્કેલ અને ટેલિકોમ તથા મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિકાસની નોંધ લીધી હતી. તેમણે ભારતના રોકાણ-અનુકૂળ નીતિગત માળખાની પ્રશંસા કરી હતી અને સતત ડિજિટલ ગ્રોથને સપોર્ટ કરવામાં સુરક્ષિત, લવચીક અને વિશ્વસનીય ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

બોર્ડના સભ્યોએ 5G, 6G, AI, સાઇબર સુરક્ષા, ડિજિટલ સમાવેશ અને સેટેલાઇટ કનેક્ટિવિટી સહિતના ક્ષેત્રોમાં ભારત સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ માટેની વધતી જતી તકો પર પણ પ્રકાશ પાડ્યો હતો.

આ બેઠકમાં સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, સંચાર રાજ્ય મંત્રી ડો. પેમ્માસાની ચંદ્ર શેખર, GSMA બોર્ડના સભ્યો અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.

SM/NP/JD