પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે વર્ષ 2026 થી 2033-34 સુધીના સમયગાળા માટે રૂ. 1,856.67 કરોડના કુલ વિતરણ સાથે ‘ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ‘ને મંજૂરી આપી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય રોકાણ, ઉત્પાદન, નાવીન્ય (ઇનોવેશન) અને નિકાસને પ્રોત્સાહન આપવાનો તથા વૈશ્વિક રમતગમતના સાધનોના ક્ષેત્રમાં ભારતની સ્થિતિને મજબૂત કરવાનો છે.
કેન્દ્રીય બજેટ 2026-27 માં જાહેર કરાયેલી આ યોજના રોકાણ, ટેકનોલોજી અપનાવવા, સંશોધન અને નાવીન્ય, કૌશલ્ય વિકાસ, ગુણવત્તા પ્રમાણપત્ર અને બજાર વિકાસ માટે લક્ષ્યાંકિત સમર્થન દ્વારા ભારતના રમતગમતના સાધનોના ઉત્પાદન આધારને મજબૂત કરવાનો પ્રયાસ કરે છે. આ યોજના વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રમતગમતના સાધનોના ઉદ્યોગના વિકાસને ટેકો આપશે અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારતની સ્થિતિને મજબૂત કરશે.
‘ખેલો ભારત નીતિ 2025′, ‘મેક ઇન ઇન્ડિયા‘ અને ‘આત્મનિર્ભર ભારત‘ના વિઝન સાથે સુસંગત, આ યોજનાથી રોકાણ આકર્ષવાની, રોજગારીની તકો ઊભી કરવાની, સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત કરવાની અને ભારતીય રમતગમતના સાધનોની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવાની અપેક્ષા છે.
સંકલિત રમતગમતના સાધનોના ઉત્પાદન ઇકોસિસ્ટમનું નિર્માણ
આ યોજના ક્લસ્ટર-આધારિત ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને ઉત્પાદકો, પુરવઠાદારો, પરીક્ષણ સુવિધાઓ, ડિઝાઇન અને પ્રોટોટાઇપિંગ કેન્દ્રો તથા સહાયક સાહસોના સહ-સ્થાન (co-location) દ્વારા સંકલિત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનાવવા માટે સમર્પિત ‘સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ ઝોન્સ‘ (SGMZs) ના વિકાસની પરિકલ્પના કરે છે. આ ઝોન્સ ‘ભવ્ય‘ (BHAVYA) સ્કીમ અને NICDC ઔદ્યોગિક પાર્ક્સ હેઠળ હાલના ઔદ્યોગિક માળખા સાથેના સંકલન દ્વારા વિકસાવવામાં આવશે, જે રમતગમતના સાધનોની મૂલ્ય શ્રુંખલામાં કાર્યક્ષમ ઉત્પાદન, મજબૂત ઉદ્યોગ જોડાણો અને સુધારેલી સ્પર્ધાત્મકતાને સક્ષમ બનાવશે.
આ ઝોન્સ સંકલિત ઉત્પાદન સુવિધાઓના નિર્માણને ટેકો આપશે, ઉદ્યોગના જોડાણોને મજબૂત કરશે અને કામગીરીની કાર્યક્ષમતામાં સુધારો કરશે. આ હસ્તક્ષેપોથી રોકાણની પ્રક્રિયા સરળ બનવાની, ઉત્પાદન ક્ષમતાઓમાં વધારો થવાની અને દેશમાં મજબૂત રમતગમતના સાધનોના ઉત્પાદન આધારના વિકાસને ટેકો મળવાની અપેક્ષા છે.
રોકાણ આકર્ષવું અને સ્થાનિક ઉત્પાદનનો વિસ્તાર કરવો: આ યોજનાનું મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવાનો મુદ્દો રમતગમતના સાધનોના ક્ષેત્રમાં નવા રોકાણોને આકર્ષવા અને સ્થાનિક ઉત્પાદન ક્ષમતાને મજબૂત કરવાનો છે. ‘એન્કર ઇન્વેસ્ટમેન્ટ સપોર્ટ‘ ઘટક અગ્રણી સ્થાનિક અને વૈશ્વિક ઉત્પાદકો, બ્રાન્ડ્સ અને રિટેલ ચેઇન્સને નિયુક્ત સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ ઝોન્સમાં ઉત્પાદન સુવિધાઓ સ્થાપવા અને મજબૂત પુરવઠાદાર તથા સહાયક ઇકોસિસ્ટમના વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરશે. આને પૂરક બનાવતા, ‘ટર્નઓવર લિંક્ડ સપોર્ટ‘ ઘટક ઉચ્ચ ઉત્પાદન, ક્ષમતા વિસ્તાર અને સતત ઉત્પાદન વૃદ્ધિને પ્રોત્સાહન આપશે.
રૂ. 1,130 કરોડના સંયુક્ત વિતરણ દ્વારા સમર્થિત આ હસ્તક્ષેપોથી સ્થાનિક ઉત્પાદનને મજબૂત કરવાની, આયાત નિર્ભરતા ઘટાડવાની, સ્થાનિક મૂલ્યવર્ધન વધારવાની, ખાનગી રોકાણને પ્રોત્સાહિત કરવાની, મૂલ્ય શ્રુંખલામાં રોજગારીની તકો ઊભી કરવાની અને વૈશ્વિક બજારોમાં ભારતની સ્પર્ધાત્મકતા સુધારવાની અપેક્ષા છે.
MSMEs અને હાલના ઉત્પાદન ક્લસ્ટરોને મજબૂત બનાવવું:
રમતગમતના સાધનોના ક્ષેત્રમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસો (MSMEs) ની મહત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારીને, આ યોજના હાલના ઉત્પાદન ક્લસ્ટરોને મજબૂત કરવા અને નાના સાહસોના વિકાસને ટેકો આપવા પર ભાર મૂકે છે.
સામાન્ય સુવિધાઓ અને શેર કરેલ માળખાકીય સુવિધાઓના વિકાસ સહિત હાલના રમતગમતના સાધનોના ઉત્પાદન ક્લસ્ટરોના અપગ્રેડેશન માટે સહાય પૂરી પાડવામાં આવશે.
ગુણવત્તા અને આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રને પ્રોત્સાહન આપવું
આ યોજના ભારતીય રમતગમતના સાધનોની સ્પર્ધાત્મકતા વધારવામાં આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ગુણવત્તા અને કામગીરીના ધોરણોના મહત્વને સ્વીકારે છે.
રૂ. 105 કરોડના વિતરણ સાથે, આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરરેશન્સ પાસેથી પ્રમાણપત્રો પ્રાપ્ત કરવા અને નવીકરણ કરવા માટે ઉત્પાદકોને સમર્થન પૂરું પાડવામાં આવશે.
આ પગલાં ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો કરવા, આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચવામાં મદદ કરવા અને ભારતમાં બનેલા રમતગમતના સાધનોમાં વિશ્વાસ મજબૂત કરવામાં મદદ કરશે.
સંશોધન, ટેકનોલોજી અને નાવીન્ય (ઇનોવેશન) માં રોકાણ
આ યોજના રમતગમતના સાધનોના ક્ષેત્રમાં સંશોધન, ડિઝાઇન અને નાવીન્યને મજબૂત કરવા પર વિશેષ ભાર મૂકે છે.
રમતગમતના સાધનો, મટિરિયલ સાયન્સ, રક્ષણાત્મક ગિયર (protective gear) અને અદ્યતન ઉત્પાદન ટેકનોલોજીમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે અગ્રણી શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓમાં સેન્ટર્સ ઓફ એક્સેલન્સની સ્થાપના માટે સમર્થન પૂરું પાડવામાં આવશે.
અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન સાથેના સંકલન દ્વારા સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.
‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા‘ પહેલ સાથે સુસંગત રહીને સ્ટાર્ટ-અપ્સ માટે સમર્પિત સમર્થન નાવીન્યને પ્રોત્સાહન આપશે અને રમતગમતના સાધનોના ઉત્પાદન ઇકોસિસ્ટમમાં નવી ટેકનોલોજી, પ્રક્રિયાઓ અને ઉત્પાદનોના વિકાસ, પરીક્ષણ, માન્યતા અને વ્યાપારીકરણને સરળ બનાવશે.
ભવિષ્ય માટે કૌશલ્ય ધરાવતા કાર્યબળનો વિકાસ કરવો
રમતગમતના સાધનોના ક્ષેત્રની રોજગાર-લક્ષી પ્રકૃતિને સ્વીકારીને, આ યોજના ઉદ્યોગની જરૂરિયાતો અનુસાર કૌશલ્ય વિકાસ પહેલોને ટેકો આપશે.
વિકસતી ઉદ્યોગ જરૂરિયાતો સાથે સુસંગતતા સુનિશ્ચિત કરવા માટે કૌશલ્ય વિકાસ પહેલો કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય અને સંબંધિત ઉદ્યોગ ભાગીદારોના સહયોગથી અમલમાં મૂકવામાં આવશે.
આ પ્રયાસો કૌશલ્ય ધરાવતા માનવબળની વધતી માંગને પહોંચી વળવામાં અને રમતગમતના સાધનોના ઉત્પાદન ક્ષેત્રના લાંબા ગાળાના વિકાસને ટેકો આપવામાં મદદ કરશે.
ભારતીય રમતગમતના સાધનોને વૈશ્વિક બજારો સુધી લઈ જવા
આ યોજના સમર્પિત બ્રાન્ડિંગ, આઉટરીચ અને બજાર વિકાસ પહેલો દ્વારા આંતરરાષ્ટ્રીય રમતગમતના સાધનોના બજારોમાં ભારતની હાજરીને વિસ્તારવાનો પ્રયાસ કરે છે. ‘એક્સપોર્ટ પ્રમોશન મિશન‘નો ઉપયોગ કરીને, આ પ્રયાસો ભારતીય રમતગમતના સાધનોની દ્રશ્યતા (visibility) વધારશે, બજારની પહોંચ મજબૂત કરશે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેમના વધુ પ્રવેશને સમર્થન આપશે.
ભારતની વૈશ્વિક રમતગમતની આકાંક્ષાઓને સમર્થન આપવું
ઉચ્ચ ગુણવત્તાવાળા અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમાણિત રમતગમતના સાધનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપીને, આ યોજના ભારતના રમતગમત ક્ષેત્રની વિકસતી જરૂરિયાતો અને એથ્લેટ વિકાસ કાર્યક્રમોને ટેકો આપશે. આ યોજના હેઠળ સુધારેલ નાવીન્ય, ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ અને ઉત્પાદન ક્ષમતા ‘ખેલો ઇન્ડિયા‘ અને ‘ફિટ ઇન્ડિયા‘ જેવી પહેલોને પૂરક બનાવશે.
આ યોજનાથી ભારતને રમતગમતના સાધનોની ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન માટે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક હબ તરીકે સ્થાપિત કરવાની અપેક્ષા છે. ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત કરીને, નાવીન્યને પ્રોત્સાહન આપીને અને વૈશ્વિક બજારની પહોંચને વિસ્તારીને, તે વિકાસ, રોજગાર અને નિકાસ માટે નવી તકો ઊભી કરશે, જ્યારે અગ્રણી રમતગમતના રાષ્ટ્ર તરીકે ઉભરી આવવાની ભારતની આકાંક્ષાને ટેકો આપશે અને ‘આત્મનિર્ભર ભારત‘ તથા ‘વિકસિત ભારત@2047′ ના વિઝનને આગળ ધપાવશે.
SM/DK/JD
This is why the Khelo India Sports Goods Manufacturing Scheme cleared by the Cabinet will be a game changer: Dedicated manufacturing zones for sports goods-related manufacturing. Investment opportunities and MSME support. Research, innovation and skill development. Focus on quality. More jobs and export opportunities. It is a major push for Make in India, Aatmanirbhar Bharat and India's global sporting ambitions! https://t.co/31oUwTezkj
— Narendra Modi (@narendramodi) October 28, 2026