Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના ગઢચિરોલી ખાતે જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમમાં સહભાગી થયા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રના ગઢચિરોલી ખાતે જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમમાં સહભાગી થયા હતા, જ્યાં તેમણે આશરે ₹3,000 કરોડના મૂલ્યના 246 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે જનમેદનીને સંબોધિત કરતા, પ્રધાનમંત્રીએ ‘જોહાર’ કહીને દેશભરના નાગરિકોનું અભિવાદન કર્યું હતું, ભગવાન બિરસા મુંડાને આદરપૂર્વક નમન કર્યા હતા અને જણાવ્યું હતું કે દેશવ્યાપી ઉજવણી આદિવાસી સમુદાયોના ગૌરવ અને તેમની ચિરસ્થાયી પ્રેરણાને પ્રતિબિંબિત કરે છે કારણ કે દેશ તેના આદિવાસી નાયકો અને નાયિકાઓને યાદ કરે છે. રાઘોજી ભાંગરે, ભાગોજી નાઈક અને વીર બાબુરાવ શેડમાકેની વીરગાથાઓ સાથે સંકળાયેલી સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિની ભૂમિ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ભવ્ય ઉજવણી પર પ્રકાશ પાડતા, તેમણે તમામ આદિવાસી યોદ્ધાઓને નમન કર્યા હતા. “હું દેશભરમાંથી આ કાર્યક્રમમાં સહભાગી થઈ રહેલા તમામ રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ અને દરેક જનપ્રતિનિધિઓનું પણ અભિવાદન કરું છું,” તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.

15 નવેમ્બર, 2021 ના રોજ શરૂ કરાયેલ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી એક રાષ્ટ્રીય ઉત્સવ તરીકે વિકસી છે, જેમાં ગયા વર્ષે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી દરમિયાન બે લાખથી વધુ કાર્યક્રમો અને કરોડો નાગરિકોની સહભાગિતા જોવા મળી હતી તેની નોંધ લેતા, પ્રધાનમંત્રી મોદીએ અવલોકન કર્યું કે, “આજે ભારત સ્વદેશી સ્વાભિમાન સાથે તેના વારસા, તેના ઇતિહાસ અને તેના નાયકોને યાદ કરી રહ્યું છે, જે આપણી રાષ્ટ્રીય ચેતનામાં આવેલા મોટા પરિવર્તનનું પ્રતીક છે.”

ખાસી હિલ્સમાં તિરોત સિંહના સંઘર્ષ, છોટા નાગપુરના કોલ આંદોલન અને સિદો–કાન્હુના નેતૃત્વ હેઠળની સંથાલ ક્રાંતિથી લઈને માનગઢ ખાતે ગોવિંદ ગુરુના અનુયાયીઓના બલિદાન અને રાણી ગાઇદિનલ્યુ, ટંટ્યા ભીલ, અલ્લુરી સીતારામ રાજુ અને રાણી દુર્ગાવતીની હિંમત સુધી – આદિવાસી સમુદાયોએ વસાહતી અન્યાય સામે કેવી રીતે સતત અવાજ ઉઠાવ્યો તે યાદ કરતા, પ્રધાનમંત્રીએ આ સ્વતંત્રતા ચળવળોના વ્યાપક વારસા પર પ્રકાશ પાડ્યો હતો. “આ તમામ ગાથાઓની સાથે, ભગવાન બિરસા મુંડાનો ઉલગુલાન અને નાની ઉંમરે તેમનો સંઘર્ષ આજે પણ આપણા કરોડો દેશવાસીઓ માટે ખૂબ જ મોટી પ્રેરણા છે,” તેમ શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી.

જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે વિવિધ રાજ્યોમાં આશરે 3,000 કરોડ રૂપિયાના મૂલ્યના 170 થી વધુ આદિવાસી વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને 70 થી વધુ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય સંભાળ સેવાઓ, આદિવાસી ઉત્પાદન માર્કેટિંગ કેન્દ્રો અને ગ્રામીણ માળખાગત કાર્યોની સાથે મિઝોરમમાં સ્વતંત્રતા સેનાની રોપુઇલિયાનીને સમર્પિત સંગ્રહાલય અને અરુણાચલ પ્રદેશમાં આદિવાસી સંશોધન સંસ્થાના નવા ભવનના ઉદ્ઘાટનની નોંધ લીધી હતી. “હું આ તમામ પ્રોજેક્ટ્સ માટે દેશને હૃદયપૂર્વક અભિનંદન આપું છું,” તેમ પ્રધાનમંત્રી મોદીએ પુષ્ટિ કરી હતી.

આ વર્ષની ઉજવણી બે ઐતિહાસિક રાષ્ટ્રીય સીમાચિહ્નોની વ્યાપક ચર્ચા સાથે થઈ રહી છે – આશરે 50 કરોડ નાગરિકોએ અત્યંત ગરીબીને હરાવી છે અને ભારતે નક્સલવાદ તથા માઓવાદી આતંકથી મુક્તિ મેળવી છે, તેનું અવલોકન કરતા પ્રધાનમંત્રીએ આદિવાસી વિસ્તારો માટે બંને સિદ્ધિઓના મહત્વ પર ભાર મૂક્યો હતો. “આ બંને સિદ્ધિઓ આપણા આદિવાસી ભાઈઓ અને બહેનોના જીવન સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે,” તેમ શ્રી મોદીએ નોંધ્યું હતું.

છેલ્લા 12 થી 13 વર્ષોમાં આશરે 50 કરોડ ભારતીયો અત્યંત ગરીબીમાંથી બહાર આવ્યા હોવાનું જણાવતા તાજેતરના વિશ્વ બેંકના અહેવાલનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ આને સ્વતંત્રતા પછીની ભારતની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક ગણાવી હતી જે કોઈ એક સરકાર દ્વારા નહીં, પરંતુ સમાજની સામૂહિક શક્તિ, દરેક નાગરિકની સખત મહેનત અને કેન્દ્રની લક્ષિત આદિવાસી કલ્યાણ યોજનાઓ તથા નિર્ણયો દ્વારા સંચાલિત છે. “આ સિદ્ધિ બદલ, હું તમામ દેશવાસીઓને, ખાસ કરીને મારા આદિવાસી ભાઈઓ અને બહેનોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું,” તેમ પ્રધાનમંત્રી મોદીએ ટિપ્પણી કરી હતી.

લાખો લોકોના ગરીબીમાંથી બહાર આવવાને દાયકાઓથી વિકાસથી વંચિત રહેલા લોકોને પ્રાથમિકતા આપવાના દ્રઢ સંકલ્પની પૂર્તિ તરીકે વર્ણવતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સરકારે મૂળભૂત જરૂરિયાતોથી વંચિત સૌથી પછાત આદિવાસી વિસ્તારોમાં પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી દીધી છે, અને PM-JANMAN યોજના તથા ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન માટે એક લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરી છે. “અમારો પ્રયાસ એ હતો કે સ્વતંત્રતા પછી જે પરિવારો સુધી સુવિધાઓ સૌથી મોડી પહોંચી હતી, તેમના સુધી હવે સુવિધાઓ સૌથી ઝડપથી પહોંચે,” તેમ શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

ગરીબો માટે ચાર કરોડથી વધુ પાકા મકાનોનું નિર્માણ કરીને, સ્વતંત્રતા પછી દાયકાઓ સુધી અંધારામાં રહેલા 18,000 ગામડાઓમાં વીજળી પહોંચાડીને, આયુષ્માન ભારત હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીનું મફત તબીબી કવચ પૂરું પાડીને, અને દૂરના આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સંભાળ પહોંચાડનારા 1.75 લાખથી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરોની સ્થાપના કરીને વંચિતોને પ્રાથમિકતા આપવાની સરકારની પ્રતિબદ્ધતાની વિગતો આપતા, પ્રધાનમંત્રીએ ગ્રામીણ સ્વચ્છતાની અસર પર પણ પ્રકાશ પાડ્યો હતો. “જ્યારે ગરીબ પરિવારોને શૌચાલય મળ્યા અને સ્વચ્છતાની સુવિધાઓ વધી, ત્યારે અસંખ્ય રોગોનું જોખમ પણ ઘટ્યું,” તેમ પ્રધાનમંત્રી મોદીએ નોંધ્યું હતું.

ગરીબી નાબૂદ કરવા માટે ગરીબ પરિવારો માટે આવકની તકો વિસ્તારવી જરૂરી હોવા પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મુદ્રા યોજના હેઠળ લાખો કરોડ રૂપિયાની ગેરંટી વિનાની લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ ગરીબો, દલિતો, પછાત વર્ગો અને આદિવાસી સમુદાયોને એકસરખો મળ્યો છે. “આના દ્વારા, તેમનામાં આગળ વધવાનો એક નવો આત્મવિશ્વાસ જન્મ્યો છે,” તેમ શ્રી મોદીએ અવલોકન કર્યું હતું.

વિકાસમાં લાંબા સમયથી પાછળ રહી ગયેલા વિસ્તારોમાં લક્ષિત હસ્તક્ષેપો પર પ્રકાશ પાડતા, જેમાં મોટી આદિવાસી વસ્તી ધરાવતા 100 થી વધુ મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને 500 થી વધુ મહત્વાકાંક્ષી બ્લોક્સમાં વિશેષ અભિયાન તેમજ ખેડૂતો, ગરીબ પરિવારો અને આદિવાસી સમુદાયો માટે નવી તકો ઊભી કરવા માટે પ્રધાનમંત્રી કૃષિ ધન ધાન્ય યોજના હેઠળ 100 કૃષિની દ્રષ્ટિએ પછાત જિલ્લાઓમાં કેન્દ્રિત અભિયાનનો સમાવેશ થાય છે, પ્રધાનમંત્રીએ સામૂહિક પ્રયાસની પરિવર્તનકારી શક્તિને અધોરેખિત કરી હતી. “આ સામૂહિક પ્રયાસો અને ‘સબકા સાથ, સબકા વિકાસ‘ ના મંત્રે દેશના ગરીબોને એક નવો આત્મવિશ્વાસ આપ્યો, અને કરોડો ગરીબ લોકોએ ગરીબીને હરાવીને બતાવી દીધું,” તેમ પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

ગઢચિરોલી અને અન્ય આદિવાસી પટ્ટાઓમાં આદિવાસી સમુદાયોને સૌથી વધુ નુકસાન પહોંચાડનાર નક્સલવાદમાંથી મુક્તિના રાષ્ટ્રના બીજા મુખ્ય સીમાચિહ્ન તરફ વળતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આશરે 125 જિલ્લાઓ નક્સલવાદથી પ્રભાવિત હતા, જ્યારે દર વર્ષે સેંકડો હિંસક ઘટનાઓ બનતી હતી અને હજારો નિર્દોષ લોકો, જેમાં મોટાભાગે આદિવાસી ભાઈઓ અને બહેનો હતા, તેમના જીવ ગુમાવતા હતા. આજે નક્સલવાદના અંત સાથે, માતાઓ અને નવી સુરક્ષિત બનેલી બહેનો સરકારને આશીર્વાદ આપી રહી છે જ્યારે એક સમયે જેમના બાળપણ છીનવાઈ ગયા હતા તેવા યુવાનો શિક્ષણ અને રોજગાર મેળવી રહ્યા છે તેની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ થોડા દિવસો પહેલા છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કર્યાનું યાદ કર્યું હતું, જે એક એવો વિસ્તાર છે જ્યાં લોકો એક સમયે જતા ડરતા હતા. “ગઢચિરોલી સહિતના તમામ ભૂતપૂર્વ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં, આ વખતે દિવાળી પર માટીના દીવાઓની સાથે આશાનું કિરણ પણ લોકો સુધી પહોંચ્યું છે,” તેમ પ્રધાનમંત્રી મોદીએ અવલોકન કર્યું હતું.

ભારતની પ્રગતિમાં આદિવાસી સમુદાયોના ઉત્સાહપૂર્ણ યોગદાન પર પ્રકાશ પાડતા અને રાષ્ટ્રના સર્વોચ્ચ પદ પર આદિવાસી સમુદાયની એક દીકરી બિરાજમાન છે તેની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રનું સામૂહિક ગૌરવ વ્યક્ત કર્યું હતું. “આપણને સૌને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જી પર ગર્વ છે,” તેમ શ્રી મોદીએ પુષ્ટિ કરી હતી.

જનજાતીય ગૌરવ દિવસની શુભકામનાઓ સાથે તેમના સંબોધનનું સમાપન કરતા, પ્રધાનમંત્રીએ નાગરિકોને ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લેવા હાકલ કરી હતી. “આજે સમય આવી ગયો છે કે ભગવાન બિરસા મુંડા પાસેથી પ્રેરણા લઈને, આપણે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આપણી ઊર્જાનો વધુ ઉપયોગ કરીએ,” તેમ પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

SM/DK/JD