Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

23મી આસિયાન-ભારત સમિટમાં પ્રધાનમંત્રીના પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ

23મી આસિયાન-ભારત સમિટમાં પ્રધાનમંત્રીના પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ


મહામહિમ રાષ્ટ્રપતિ માર્કોસ,

મહામહિમ,

અન્ય મહામહિમગણ,

નમસ્કાર.

મારા આસિયાન (ASEAN) પરિવારની વચ્ચે ફરી એકવાર ઉપસ્થિત રહીને મને ખૂબ જ આનંદ થાય છે. આસિયાનના અધ્યક્ષપદને સફળતાપૂર્વક સંભાળવા બદલ અને ભારત માટે કન્ટ્રી કોઓર્ડિનેટર તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ હું રાષ્ટ્રપતિ માર્કોસને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને તેમનો આભાર માનું છું.

આ સ્વરૂપમાં આસિયાન નેતાઓ સાથેનો મારો આ તેરમો સંવાદ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, આપણી ‘એક્ટ ઈસ્ટ પોલિસી‘ એ ભારત-આસિયાન સંબંધોને નવી ગતિ અને ઊંડાણ પ્રદાન કર્યું છે. આપણી ભાગીદારી હવે માત્ર સમાન સંસ્કૃતિ અને વારસા પૂરતી સીમિત નથી રહી, પરંતુ ડિજિટલ, સંરક્ષણ અને અવકાશ જેવા ક્ષેત્રોમાં નવા આયામો સર કરી રહી છે.

વર્ષ 2014થી, અમે લોકો-લોકો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે 100થી વધુ પહેલ હાથ ધરી છે, લગભગ 250 ‘ઝડપી અસર કરતા પ્રોજેક્ટ્સ’ શરૂ કર્યા છે અને કૌશલ્ય વિકાસ માટે 10,000થી વધુ Skill Building Scholarships પ્રદાન કરી છે.

આજે, ભારત અને આસિયાનના નવ દેશો વચ્ચેની ડાયરેક્ટસ ફ્લાઈટ્સ  તેમજ વધતું જતું પ્રવાસન, આપણા ગાઢ સંબંધોનો વધુ એક પુરાવો છે.

મિત્રો,

છેલ્લાં કેટલાંક વર્ષોમાં, વિશ્વ એક પછી એક અનેક સંકટોમાંથી પસાર થયું છે. આજે, વિશ્વને સૌથી વધુ શાંતિ, સ્થિરતા અને Predictabilityની (એટલે ​​કે ભવિષ્ય અંગે સ્પષ્ટતાની) જરૂર છે. આ સંદર્ભમાં, આ વર્ષ માટેની આપણી થીમ — “આપણા ભવિષ્યની દિશા નક્કી કરવી, સાથે મળીને” — વિશેષ મહત્વ ધરાવે છે.

 

ભારત અને આસિયાન મળીને વિશ્વની લગભગ એક ચતુર્થાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી, એ સુનિશ્ચિત કરવું આવશ્યક છે કે આપણું ભવિષ્ય સ્પર્ધાને બદલે સહયોગ દ્વારા ઘડાય. આપણી પાસે ક્ષમતા પણ છે અને દ્રઢ સંકલ્પ પણ છે. આપણે સાથે મળીને આ ક્ષેત્રને શાંતિ અને સ્થિરતાના કેન્દ્રબિંદુ તરીકે વિકસાવી શકીએ છીએ.

મિત્રો,

આ વર્ષે આસિયાન દેશોની આ મારી ત્રીજી મુલાકાત છે, જે દર્શાવે છે કે ભારત આસિયાનને કેટલું વિશેષ મહત્વ આપે છે. અમારું માનવું છે કે ભારતનો વિકાસ અને આસિયાનની સમૃદ્ધિ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલાં છે.

આગામી વર્ષોમાં, ‘આસિયાન કોમ્યુનિટી વિઝન 2045‘ અને ‘વિકસિત ભારત 2047‘ આપણી સહિયારી આકાંક્ષાઓને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

છેલ્લાં બાર વર્ષોમાં, આપણે આપણી ભાગીદારીને નવી ગતિ આપી છે. હવે, આપણે સાથે મળીને આપણા ક્ષેત્રના ભવિષ્ય માટે એક નવી દિશા નક્કી કરવાની છે. આ ભાગીદારીમાં આસિયાનની એકતા અને તેની કેન્દ્રીય ભૂમિકા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા અટલ રહી છે અને હંમેશા અટલ રહેશે.

મને વિશ્વાસ છે કે આજની બેઠક આપણી ‘વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી‘ ને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને એક સુરક્ષિત, સર્વસમાવેશી તથા સમૃદ્ધ ‘ઇન્ડો-પેસિફિક‘ ક્ષેત્રના નિર્માણમાં યોગદાન આપશે.

હું તમારા વિચારો અને સૂચનો સાંભળવા માટે ઉત્સુક છું.

ખૂબ ખૂબ આભાર.

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]