Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ 55મી PRAGATI બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રીએ 55મી PRAGATI બેઠકની અધ્યક્ષતા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અગાઉ સેવા તીર્થ ખાતે સક્રિય શાસન અને સમયસર અમલીકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી ICT-સક્ષમ, મલ્ટી-મોડલ પ્લેટફોર્મ PRAGATI ની 55મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ પ્લેટફોર્મ અમલીકરણના અવરોધોને દૂર કરવા અને પ્રોજેક્ટ્સ તથા કલ્યાણકારી યોજનાઓના વિતરણમાં સુધારો કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને એકસાથે લાવે છે.

બેઠક દરમિયાન, પ્રધાનમંત્રીએ માર્ગ, ઊર્જા, કોલસા અને રેલવે ક્ષેત્રોમાં કુલ ₹78,000 કરોડથી વધુના ખર્ચના પાંચ મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી. તેમણે અપગ્રેડેડ ITI દ્વારા પ્રધાનમંત્રી કૌશલ્ય અને રોજગારક્ષમતા પરિવર્તન (PM-SETU) ના અમલીકરણ સહિત ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઇકોસિસ્ટમની પણ સમીક્ષા કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે માળખાકીય પ્રોજેક્ટ્સમાં વિલંબ ખર્ચમાં વધારા ઉપરાંતના પરિણામો લાવે છે, કારણ કે તે નાગરિકો, વ્યવસાયો અને અર્થતંત્ર માટે નિર્ધારિત લાભોને પાછળ ઠેલે છે. તેમણે સંબંધિત મંત્રાલયો અને રાજ્ય સરકારોને સ્પષ્ટ જવાબદારી અને વાસ્તવિક સમયમર્યાદા સાથે પડતર મુદ્દાઓ ઉકેલવા આહવાન કર્યું. તેમણે ભાર મૂક્યો કે સમયસર અમલીકરણની સાથે બાંધકામની ગુણવત્તાના ઉચ્ચ ધોરણો પણ હોવા જોઈએ.

માર્ગ પ્રોજેક્ટની સમીક્ષા કરતા, પ્રધાનમંત્રીએ ઝડપી અમલીકરણ માટે આહવાન કર્યું અને ખર્ચ કરતાં પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો. કોલસા પ્રોજેક્ટની સમીક્ષા કરતી વખતે, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે સમયસર પ્રોજેક્ટ અમલીકરણની સાથે પુનર્વસન અને પુનઃસ્થાપન સમયસર અને સન્માનજનક રીતે હાથ ધરવામાં આવવું જોઈએ.

ઊર્જા પ્રોજેક્ટની સમીક્ષા કરતી વખતે, પ્રધાનમંત્રીએ વિકેન્દ્રિત સૌર અને પવન ઊર્જા પ્રોજેક્ટ્સ માટે નવીન મોડેલો શોધવાનું સૂચન કર્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સ્થાનિક સંસાધનોની ઉપલબ્ધતા અને માંગને ધ્યાનમાં રાખીને જ્યાં પણ શક્ય હોય ત્યાં આવા પ્રોજેક્ટ્સ વપરાશ કેન્દ્રોની નજીક વિકસાવવા જોઈએ. આ પ્રયાસોનો ઉદ્દેશ્ય વિશ્વસનીય અને પરવડે તેવી ઊર્જાની ઉપલબ્ધતા સુધારવાનો અને ટ્રાન્સમિશન માળખાકીય સુવિધાઓ પરનું દબાણ ઘટાડવાનો હોવો જોઈએ.

ITI ઇકોસિસ્ટમ અને PM-SETU ના અમલીકરણની સમીક્ષા કરતા, પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓ અને મુખ્ય સચિવોને ITI ને મજબૂત બનાવવા અને PM-SETU હેઠળ ઉદ્યોગની ભાગીદારીને વધુ ગાઢ બનાવવામાં નેતૃત્વ પૂરું પાડવા આહવાન કર્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઉદ્યોગ માટે ITI સાથે ભાગીદારી કરવાનો, તેમના અપગ્રેડેશનમાં ફાળો આપવાનો અને તાલીમને વર્તમાન તથા ભવિષ્યની માનવબળ જરૂરિયાતો સાથે સંરેખિત કરવામાં મદદ કરવાનો આ યોગ્ય સમય છે. તેમણે આ ભાગીદારીઓને યુવાનો માટે વધુ સારી તાલીમ અને રોજગારીની તકોમાં રૂપાંતરિત કરવા માટે રાજ્યો, ITI અને ઉદ્યોગ વચ્ચે ગાઢ સહયોગ માટે આહવાન કર્યું.

પ્રધાનમંત્રીએ જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) ને તેમની ભવિષ્યની માનવબળ જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા અને સંબંધિત ટ્રેડ્સમાં તાલીમ તથા ભરતી માટે ITI સાથે જોડાણો મજબૂત કરવા આહવાન કર્યું. તેમણે PSUs ને પ્રેક્ટિકલ તાલીમ અને એપ્રેન્ટિસશીપને સમર્થન આપવા અને પ્રશિક્ષિત ITI સ્નાતકોની ભરતી પર વધુ ધ્યાન આપવા પ્રોત્સાહિત કર્યા. આવી સંલગ્નતા વિદ્યાર્થીઓને ઉદ્યોગનો અનુભવ પૂરો પાડશે અને PSUs ને તેમની કાર્યકારી જરૂરિયાતોને અનુરૂપ કુશળ માનવબળના તૈયાર સમૂહ સુધી પહોંચવામાં મદદ કરશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે કૌશલ્ય વિકાસ ઔદ્યોગિક ક્લસ્ટરો અને વ્યક્તિગત ક્ષેત્રોની જરૂરિયાતોની આસપાસ ગોઠવવો જોઈએ. તેમણે દરેક પ્રદેશમાં હાલના ઉદ્યોગો અને આગામી રોકાણો સાથે ITI ટ્રેડ્સ, અભ્યાસક્રમ અને તાલીમ ક્ષમતાને સંરેખિત કરવા આહવાન કર્યું.

પ્રધાનમંત્રીએ ઘરની નજીક રોજગારીની તકો સુધારવા માટે સ્થાનિક રીતે સુસંગત કૌશલ્ય વિકાસની સંભાવના પર પ્રકાશ પાડ્યો. તેમણે નોંધ્યું કે ITI અને સ્થાનિક એમ્પ્લોયરો વચ્ચે મજબૂત જોડાણો ઘરની નજીક રોજગારીની તકો વિસ્તૃત કરી શકે છે અને સંકટ-પ્રેરિત સ્થળાંતર ઘટાડવામાં મદદ કરી શકે છે, સાથોસાથ યુવાનોને પોતાના જ પ્રદેશોના આર્થિક વિકાસમાં યોગદાન આપવા સક્ષમ બનાવી શકે છે.

પ્રધાનમંત્રીએ ITI શિક્ષણ માટે ‘ક્લાસરૂમ–કંપની–કારકિર્દી’ (3C) અભિગમની હિમાયત કરી, જે વર્ગખંડના શિક્ષણને ઉદ્યોગમાં પ્રેક્ટિકલ અનુભવ સાથે જોડે છે, અને ત્યારબાદ રોજગાર અને કારકિર્દીની પ્રગતિ થાય છે. તેમણે ભાર મૂક્યો કે ITI અને ઉદ્યોગે વિદ્યાર્થીઓને સંબંધિત ટેકનિકલ જ્ઞાન, વાસ્તવિક કાર્યકારી પરિસ્થિતિઓનો અનુભવ અને તાલીમથી રોજગાર સુધીનો સ્પષ્ટ માર્ગ પૂરો પાડવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ.

SM/NP/JD