પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત મંત્રીમંડળની બેઠકમાં આંકડાકીય સંગ્રહ કાયદા, 2008ના અધિકારક્ષેત્રની અંદર જમ્મુ અને કાશ્મીરને લાવવા સંસદમાં ખરડો રજૂ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે, જે અંતર્ગત બંધારણીય (જમ્મુ અને કાશ્મીરને લાગુ) આદેશ, 1954 હેઠળ જમ્મુ અને કાશ્મીરને લાગુ થયા મુજબ, બંધારણની યાદી-1 (કેન્દ્રની યાદી) અને સાતમા પરિશિષ્ટમાં યાદી-3 (સમકાલીન યાદી)માં કોઈ પણ એન્ટ્રી હેઠળ કોઈ પણ બાબત સાથે સંબંધિત આંકડાકીય માહિતી મળશે.
આ સુધારો:
(a) બંધારણીય (જમ્મુ અને કાશ્મીરને લાગુ) આદેશ 1954 મુજબ, રાજ્ય માટે અનામત ન હોય તેવી બાબતોના સંબંધમાં જમ્મુ અને કાશ્મીરને કાયદાના અધિકારક્ષેત્રમાં લાવશે;
(b) ડેટા કલેક્શન પ્રવૃત્તિઓ અસરકારક રીતે હાથ ધરવા અને બિનજરૂરી ડુપ્લિકેશન વગેરે ટાળવા સરકારી વિભાગોને સલાહ આપવા કેન્દ્ર અને દરેક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં નોડલ ઓફિસરની નિમણૂક કરશે.
પૃષ્ઠભૂમિ
આંકડાકીય સંગ્રહ કાયદો, 2008 અર્થશાસ્ત્ર, વસતિ, સામાજિક, વૈજ્ઞાનિક અને પર્યાવરણ સંબંધિત પાસા વગેરે પર આંકડાઓ એકત્ર કરવાની સુવિધા માટે બનાવવામાં આવ્યો હતો. આ કાયદો જમ્મુ અને કાશ્મીર સિવાય ભારતના તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યની વિધાનસભાએ જમ્મુ અને કાશ્મીર આંકડાકીય સંગ્રહ કાયદો, 2010 બનાવ્યો હતો, જે સંપૂર્ણ રાજ્યમાં લાગુ કરવામાં આવ્યો છે અને મોટા ભાગે કેન્દ્ર સરકારના કાયદા જેવો છે. પણ બંધારણીય (જમ્મુ અને કાશ્મીરને લાગુ) આદેશ, 1954 હેઠળ આંકડાકીય સંગ્રહ કાયદો, 2008 અને જમ્મુ અને કાશ્મીર આંકડાકીય સંગ્રહ કાયદો, 2010 કેન્દ્રની યાદીમાં લાગુ વિષયોની આંકડાકીય બાબતોને લાગુ પડતો નથી. તેના પરિણામે કાયદાકીય શૂન્યાવકાશ પેદા થયો છે. ઉપરાંત જમ્મુ અને કાશ્મીરમાં કેન્દ્ર દ્વારા સમકાલીન અધિકારક્ષેત્ર આંકડાકીય સંગ્રહ કાયદા, 2008માં પૂરું પાડવામાં આવ્યું નથી. આ શૂન્યાવકાશ દૂર કરવા સુધારો કરવામાં આવ્યો છે.