Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે અસમના કામરુપમાં નવી એમ્સ સ્થાપિત કરવાની મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કામરુપ (ઉત્તર ગૌહાટી મહેસૂલ વર્તુળ)માં નવી એમ્સ સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 1123 કરોડ છે અને તે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય) હેઠળ સ્થાપિત થશે.

નવી એમ્સ ઝીરો ડેટ (ભારત સરકારે મંજૂર કરેલી તારીખ)થી 48 મહિનાના ગાળામાં પૂર્ણ થશે, જે 15 મહિનાનો નિર્માણ પૂર્વેનો તબક્કો, 30 મહિનાનો નિર્માણનો તબક્કો અને ત્રણ મહિનાનો સ્ટેબિલાઇઝેશન/કાર્યરત કરવાનો તબક્કો ધરાવે છે.


વિગતઃ

નવી દિલ્હીની એમ્સની પેટર્ન મુજબ આ સંસ્થા 750 પથારીની હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર, દર વર્ષે 100 એમબીબીએસ વિદ્યાર્થીઓ માટેની મેડિકલ કોલેજ, દર વર્ષે 60 બી.એસસી (નર્સિંગ) વિદ્યાર્થીઓ માટેની નર્સિંગ કોલેજ, રહેણાક સંકુલ અને આનુષંગિક સુવિધાઓ/સેવાઓની ક્ષમતા ધરાવશે. હોસ્પિટલ 22 સ્પેશ્યાલિટી/સુપર-સ્પેશ્યાલિટી વિભાગ ધરાવશે, જેમાં 16 ઓપરેશન થિયેટર સામેલ છે. તે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિમાં સારવાર સુવિધાઓ પ્રદાન કરવા માટે 30 પથારી સાથે આયુષ વિભાગ પણ ધરાવશે.


અસર:


નવી એમ્સની સ્થાપના નાગરિકોને સુપર સ્પેશ્યાલિટી હેલ્થકેર પ્રદાન કરવાનો બેવડો હેતુ પાર પાડશે, ત્યારે આ વિસ્તારમાં ડૉક્ટર્સ અને અન્ય હેલ્થ વર્કર્સની ફોજ ઊભી કરવામાં પણ મદદ કરશે, જે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાન (એનએચએમ) હેઠળ પ્રાથમિક અને ગૌણ સ્તરની સંસ્થાઓ/સુવિધાઓ માટે ઉપલબ્ધ થઈ શકશે.


પૃષ્ઠભૂમિ:

આ યોજના હેઠળ એમ્સની ભુવનેશ્વર, ભોપાલ, રાયપુર, જોધપુર, ઋષિકેશ અને પટણામાં સ્થાપના થઈ છે, ત્યારે રાયબરેલીમાં એમ્સની કામગીરી ચાલુ છે. ઉપરાંત નાગપુર (મહારાષ્ટ્ર), કલ્યાણી (પશ્ચિમ બંગાળ) અને ગુંતુરમાં મંગલગિરી (આંધ્રપ્રદેશ)માં ત્રણ એમ્સને વર્ષ 2015માં મંજૂરી આપવામાં આવી છે તથા 2016માં ભટિન્ડા અને ગોરખપુરમાં બે એમ્સને મંજૂરી આપવામાં આવી છે.

TR