પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ટેક્સટાઇલ મંત્રાલય અને ઓસ્ટ્રેલિયાના વિદેશી બાબતોના અને વેપાર મંત્રાલય વચ્ચે ટેક્સટાઇલ્સ, ક્લોથિંગ અને ફેશન ક્ષેત્રોમાં સહકાર પર થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે.
એમઓયુ ટેક્સટાઇલ્સ અને ફેશન ક્ષેત્રોની અંદરની બાબતોના સંબંધમાં સહકાર સુલભ કરશે, જે સહભાગીઓના પારસ્પરિક હિતમાં અને લાભદાયક હોઈ શકે છે. સહભાગીઓ ઓસ્ટ્રેલિયા અને ભારતના ટેક્સટાઇલ અને ફેશન ક્ષેત્રોને જોડવા યોગ્ય પગલાંઓની સંયુક્તપણે ઓળખ કરશે; એ ક્ષેત્રો વચ્ચે જોડાણ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીને પ્રોત્સાહન આપશે; એ ક્ષેત્રોમાં કુશળતાઓ અને પ્રતિભાઓનું પોષણ કરશે; આર્થિક તકોને પ્રોત્સાહન આપશે અને વ્યાવસાયિક જોડાણ, તાલીમ, કૌશલ્ય વિકાસ તથા બંને દેશોમાં આ ક્ષેત્રોના ઉત્પાદનોનું જાહેર પ્રદર્શન યોજશે. જોકે બંને પક્ષોના બૌદ્ધિક સંપત્તિ અધિકારો જળવાઈ રહેશે.
આ એમઓયુ હેઠળ હાથ ધરવામાં આવનારી પ્રવૃત્તિઓમાંથી આનુષંગિક કામદારો સહિત વણકરોને લાભ થશે. હાથવણાટના ક્ષેત્રના સંપૂર્ણ વિકાસ માટેની આ પહેલનો ઉદ્દેશ બજાર સાથે જોડાણ સ્થાપિત કરવાનો, ડિઝાઇન ક્ષમતામાં સુધારા માટે ટેકનિક અને ડિઝાઇનમાં નવીનતાને પ્રોત્સાહન આપવાનો, ઉત્પાદનોમાં વિવિધતા લાવવાનો અને મૂલ્ય સંવર્ધન કરવાનો, સ્થાનિક અને નિકાસ બજારોની વધારે સારી સુલભતા કરવાનો છે, જેથી વણકરોને સતત રોજગારી મળે અને તેમના જીવનના ધારાધોરણમાં સુધારો થાય.
પૃષ્ઠભૂમિ
ભારત સરકારનું ટેક્સટાઇલ મંત્રાલય હાથવણાટના ક્ષેત્રમાં વિવિધ નવીનતાનો અમલ કરી આ ક્ષેત્રના સંપૂર્ણ વિકાસ માટે જવાબદાર છે. મંત્રાલય યુવા પેઢી વચ્ચે હાથવણાટના ઉત્પાદનોને લોકપ્રિય બનાવવા પ્રયાસરત છે. ઓસ્ટ્રેલિયાના ફેશન ડિઝાઇનર્સે ભારત અને ઓસ્ટ્રેલિયાના બજાર માટે ભારતીય વણાટ અને અન્ય ટેક્સટાઇલ્સનો ઉપયોગ કરીને ગાર્મેન્ટનું ઉત્પાદન કરવા ભારતમાં વિવિધ પક્ષો સાથે કામ કરવામાં રસ દાખવ્યો છે, જેમાં ટેક્સટાઇલ્સ સાથે સહકાર સામેલ છે. વળી તેઓ ભારત અને આંતરરાષ્ટ્રીય બજારમાં ટેક્સટાઇલ્સ અને હાથવણાટના ઉત્પાદનોને અત્યાધુનિક ડિઝાઇનિંગ પ્રદાન કરવા અને તેમનું વેચાણ કરવામાં પણ રસ ધરાવે છે. વિદેશ મંત્રાલય અને વેપાર વિભાગ (ઓસ્ટ્રેલિયાની સરકારનો)એ આ સંબંધમાં ટેક્સટાઇલ મંત્રાલય સાથે એમઓયુ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી.
TR