Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વોશિંગ્ટન ડીસીમાં ભારતીય સમુદાય સાથે આદાનપ્રદાન કર્યું

પ્રધાનમંત્રીએ વોશિંગ્ટન ડીસીમાં ભારતીય સમુદાય સાથે આદાનપ્રદાન કર્યું

પ્રધાનમંત્રીએ વોશિંગ્ટન ડીસીમાં ભારતીય સમુદાય સાથે આદાનપ્રદાન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વોશિંગ્ટન ડીસીમાં ભારતીય સમુદાય સાથે આદાનપ્રદાન કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, જ્યારે ભારતમાંથી સારાં સમાચારો મળે છે, ત્યારે ભારતીય સમુદાય આનંદિત થાય છે. આ સમુદાય ભારતને નવી ઊંચાઈ પર જોવા ઇચ્છે છે. તેમણે અમેરિકાનાં અર્થતંત્રમાં ભારતીય સમુદાયનાં પ્રદાનની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં લોકોને હવે તકો મળી રહી છે અને યોગ્ય વાતાવરણ પણ પ્રાપ્ત થઈ રહ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ટૂંક સમયમાં તેઓ દેશની કાયાપલટ કરશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકાર પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ મૂકવામાં આવ્યો નથી.

પ્રધાનમંત્રીએ ભ્રષ્ટાચાર ઘટાડવા ટેકનોલોજીની ભૂમિકા પર વાત કરી હતી. લાભનાં પ્રત્યક્ષ હસ્તાંતરણ (ડીબીટી)નાં ફાયદા સમજાવતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ડીબીટીથી સબસિડીને વધારે સારી રીતે લક્ષ્યાંક બનાવવામાં મદદ મળી છે અને મોટા પાયે લીકેજમાં ઘટાડો થયો છે. પ્રધાનમંત્રીએ એલપીજી સબસિડી સ્વેચ્છાપૂર્વક ત્યાગ કરનાર કુટુંબોની પ્રશંસા કરી હતી. તેમણે 5 કરોડ ગરીબ કુટુંબોને એલપીજી કનેક્શન પ્રદાન કરવાનું વિઝન પ્રસ્તુત કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, “જ્યારે હું ભારતનાં વિકાસ વિશે વિચારું છું, ત્યારે હું સ્વસ્થ ભારતનો વિચાર કરું છું, ખાસ કરીને આપણાં દેશની મહિલાઓ અને બાળકોનાં સારાં સ્વાસ્થ્યનો.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટેકનોલોજી સંચાલિત શાસન મારફતે આધુનિક ભારતનું સર્જન થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે યોગ્ય નીતિઓ અને શાસન સ્થાપિત થશે, ત્યારે ભારતનાં લોકોની આકાંક્ષાઓ પૂર્ણ થઈ શકશે.

પ્રધાનમંત્રીએ આતંકવાદ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, હવે દુનિયા આતંકવાદનાં જોખમને સમજી છે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ તાજેતરમાં ભારતની સેનાએ પાકિસ્તાનનાં કબજામાં રહેલા કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇક વિશે પણ વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ વિદેશ મંત્રાલયની ભૂમિકાની, ખાસ કરીને વિદેશ મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજની ભૂમિકાની પ્રશંસા કરી હતી, જેમણે સમગ્ર દુનિયામાં મુશ્કેલીમાં મૂકાયેલા લોકોને બચાવવા શ્રેષ્ઠ કામગીરી કરી છે.

J.KHUNT