Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગુજરાતના રાજકોટમાં સામાજિક અધિકારીતા શિબિર ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

s20170629110357


મારા પ્રિય પરિવારજન સમાન દિવ્યાંગજન, ભાઈઓ અને બહેનો

હમણાં અમારા મુખ્યમંત્રી વિજયભાઈ જણાવી રહ્યા હતા કે વહિવટી કાર્યક્રમ નિમિત્તે 40 વર્ષ પછી પ્રધાનમંત્રી તરીકે કોઈ પ્રધાનમંત્રીનું રાજકોટમાં આગમન થયું છે. મને કહેવામાં આવ્યું હતું કે છેલ્લા પ્રધાનમંત્રી તરીકે રાજકોટમાં શ્રીમાન મોરારજી દેસાઈ આવ્યા હતા. મારૂં એ સદ્દભાગ્ય છે કે મને આજે રાજકોટની જનતા જનાર્દનના દર્શન કરવાનો લ્હાવો મળ્યો છે. મારા જીવન માટે રાજકોટનું ખાસ મહત્વ છે. જો રાજકોટે મને ચૂંટીને ગાંધીનગર ન મોકલ્યો હોત તો આજે દેશ દ્વારા મને દિલ્હીમાં પહોંચાડાયો ન હોત.

મારી રાજનૈતિક યાત્રાનો પ્રારંભ રાજકોટના આશિર્વાદથી શરૂ થયો છે. રાજકોટે મને ભરપૂર પ્રેમ આપ્યો છે. હું ફરી એક વાર રાજકોટની જનતા જનાર્દનને માથું નમાવી નમન કરૂ છું. હું પ્રણામ કરૂ છું અને વારંવાર હું તમારા આશિર્વાદ માટેની ઈચ્છા વ્યક્ત કરૂ છું.

જે સમયે એનડીએના તમામ સાંસદોએ મને નેતા તરીકે પસંદ કર્યો, ત્યારે પ્રધાનમંત્રીપદની જવાબદારી નક્કી થઈ હતી અને એ દિવસે મેં મારા ભાષણમાં કહ્યું હતું કે મારી સરકાર આ દેશના ગરીબોને સમર્પિત છે. મારા આ દેશમાં કરોડોની સંખ્યામાં દિવ્યાંગજનો છે અને જે પરિવારોમાં વધુ સંખ્યામાં આવા બાળકો જન્મ લે છે તેવા પરિવારોની તેમના લાલન-પાલન અને ઉછેરની જવાબદારી રહેતી હોય છે. મેં એવા ઘણા પરિવારો જોયા છે કે જેમની ઉંમર 25 વર્ષ, 27 વર્ષ કે 30 વર્ષની ઉંમર હોય અને જીવનના ઘણા સપનાં બાકી હોય. લગ્ન પછી પહેલુ સંતાન થાય અને તે પણ દિવ્યાંગ જન્મે તો મા- બાપ તેમના જીવનનાં તમામ સપનાં આ બાળક માટે ન્યોચ્છાવર કરી દેતા હોય છે. જીવનમાં એક જ સપનું હોય છે કે પરિવારમાં પેદા થયેલા આ દિવ્યાંગજનોની જવાબદારી ઈશ્વરે આપણને સોંપી છે અને એ જવાબદારીને ઈશ્વરની ભક્તિની જેમ નિભાવવાની છે. આવા લાખો પરિવારો આપણા દેશમાં છે.

પરંતુ, મારા પ્રિય દેશવાસીઓ, ઈશ્વરે કદાચ એક પરિવાર પસંદ કર્યો હશે અને તેના ઘરમાં દિવ્યાંગજનનું આગમન થયું હશે. પરમાત્માને કદાચ ભરોસો હશે કે આ એક એવો પરિવાર છે કે જેનામાં સંવેદનશિલતા છે, જેનામાં સંસ્કાર છે અને તે જ કદાચ આ દિવ્યાંગજનનું લાલન-પાલન કરી શકશે. આટલા માટે જ કદાચ પરમાત્માએ એ પરિવારને પસંદ કર્યો હશે. પરંતુ, ભલે તે કોઈ એક પરિવારમાં જન્મ્યો હોય, પણ દિવ્યાંગજનની જવાબદારી સમગ્ર સમાજની હોય છે, પૂરા દેશની જવાબદારી હોય છે. આ જવાબદારી આપણે નિભાવવી જોઈએ. આપણી અંદર એ માટેની સંવેદનશીલતા હોવી જોઈએ.

હું જ્યારે ગુજરાતમાં હતો ત્યારે પણ આ પ્રકારના કામો ઉપર ભાર મૂકતો હતો. રાજકોટની અંદર જ અમારા ડોકટર પી. વી. દોશી, આવા જ પ્રકારની એક શાળા સાથે જોડાયેલા હતા અને એના કારણે જ મને લગાતાર આવા બાળકોને મળવાની તક પ્રાપ્ત થતી હતી. ડો. દોશી અને હું ભક્તિભાવ સાથે એ શાળાના દિવ્યાંગ બાળકો તરફ પ્રેમ ભર્યો નાતો દર્શાવતા રહેતા હતા. એમની એક પુત્રી હતી અને તે પણ આ કામ માટે સમર્પિત હતી. આ બાબતો જે મેં જોઈ હતી, તે વખતે તો હું રાજકારણમાં ન હતો. ખૂબ નાની ઉંમર હતી. હું ડો. દોશીના ઘરમાં ક્યારેક આવતો-જતો રહેતો હતો ત્યારે મનમાં એક ભાવના પેદા થતી હતી, એક સંવેદના પેદા થતી હતી. અને જ્યારે હું સરકારમાં આવ્યો ત્યારે મને જવાબદારી મળી. તમને યાદ હશે કે એક મોટો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે એક સ્વસ્થ સામાન્ય બાળકને પરીક્ષા પાસ કરવા માટે 100માંથી 35 માર્કની જરૂર પડતી હોય છે. અમે નિર્ણય કર્યો કે દિવ્યાંગજન બાળકને 25 માર્ક મળ્યા હોય તો પણ તેને પાસ થયેલો માની લેવો, કારણ કે એક સ્વસ્થ બાળકને પોતાની જગાએથી ઊભા થઈને કબાટમાંથી પુસ્તક લેવામાં જેટલો સમય લાગે છે તેની તુલનામાં દિવ્યાંગ બાળકને તે કામ માટે 3 ગણો સમય લાગે છે. 3 ગણી શક્તિનો ઉપયોગ કરવો પડે છે. આવા બાળકને વિશેષ વ્યવસ્થાનો લાભ મળવો જોઈએ. એ સમયે ગુજરાતમાં અમારી સરકાર હતી. હું જ્યારે અહીં કામ કરતો હતો ત્યારે મને આવા કેટલાક નિર્ણયો લેવાની તક મળી હતી.

એ પછી હું જ્યારે દિલ્હી ગયો ત્યારે ઝીણવટથી એક એક બાબત જોવા લાગ્યો કે તે બાબતે શું પરિસ્થિતિ છે. અમે માત્ર દિવ્યાંગો માટે દિવ્યાંગજન શબ્દ શોધીને અમારૂં કામ પૂરૂં કર્યુ ન હતું. તમે અહીં જોઈ રહ્યા છો કે એક બહેન કે જે દિવ્યાંગજનો સાંભળી શકતા નથી, બોલી શકતા નથી તેમને ઈશારા વડે મારૂં ભાષણ સંભળાવી રહ્યાં છે. તેમને સમજાવી રહ્યાં છે કે હું શું બોલી રહ્યો છું. તમે એ જાણીને કદાચ હેરાન થઈ જશો કે આઝાદીના 70 વર્ષ પછી પણ આ ઈશારા કરવા પડે છે અને અલગ અલગ ભાષા ઈશારાથી સમજાવવી પડે છે, ઈશારાથી ભાષા સમજાવવા માટે દરેક રાજ્યમાં ઈશારાની અલગ અલગ ભાષા છે. ભાષાઓ અલગ હોય તે બાબત તો હું સમજી શકું છું. પરંતુ દિવયાંગજનો માટે જે ઈશારા કરવામાં આવતા હતા તેમાં પણ ફેરફાર જણાતો હતો. આને કારણે તામિલનાડુનો કોઈ દિવ્યાંગજન હોય અને ગુજરાતની જો કોઈ શિક્ષિકા હોય તો તેમની વચ્ચે સંવાદ શક્ય બનતો નથી. તે જાણતા હતા કે દિવ્યાંગજન સાથે કેવી રીતે વાત કરવી પડે અને કેવા ઈશારા કરવા પડે, પરંતુ તામિલ ભાષામાં સમજાવવામાં કરવામાં આવેલી નિશાનીઓ અલગ હતી અને ગુજરાતીમાં ભણાવવામાં આવેલી નિશાનીઓ અલગ હતી. આથી પૂરા દેશમાં મારા દિવ્યાંગજન જ્યાં પણ જતા હતા તેમને કોઈ દુભાષિયો મળતો ન હતો. અમે સરકારમાં આવ્યા પછી કામ શરૂ કર્યું. કામ નાનું હોય કે મોટું હોય તે પછીની વાત છે. પરંતુ સરકાર સંવેદનશીલ હોય છે, તે કેવી રીતે વિચાર કરે છે. અમે કાયદો કર્યો કે દેશના દરેક બાળકને એક જ પ્રકારની નિશાનીઓ શિખવવામાં આવે. આથી ભારતના કોઈ પણ ખૂણામાંથી, એટલું જ નહીં અમે એ બાબત સ્વીકારી છે કે દિવ્યાંગ બાળકોને એક જ પ્રકારના ઈશારા શિખવવામાં આવે અને એક જ પ્રકારના શિક્ષકો તૈયાર કરવામાં આવે અને આપણે એવી પધ્ધતિ સ્વીકારી છે કે જેથી ભારતના કોઈ પણ ખૂણામાં, એટલુ જ નહીં પણ દુનિયાના કોઈપણ દેશમાં જાય તો પણ તેને એવા ઈશારા શિખવવામાં આવે કે જેથી તેને જે તે દેશની ભાષા ઉપલબ્ધ બને. કામ ભલે નાનું લાગતું હોય પણ એક સંવેદનશીલ સરકાર કેવી રીતે કામ કરે છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે.

1992ના વર્ષને યાદ કરો. એ વર્ષથી સામાજિક અધિકાર વિભાગ દ્વારા દિવ્યાંગજનોને સાધનો આપવા બાબતે વિચારણા શરૂ થઈ, બજેટ ફાળવવાનું શરૂ થયું. આ બધું આઝાદીના આટલા વર્ષ વિત્યા પછી થયું. તમે જાણીને હેરાન થઈ જશો કે 1992થી શરૂ કરીને વર્ષ 2013 સુધી એટલે કે જ્યારે અમારી સરકાર આવી ત્યાં સુધી આટલા બધા વર્ષોમાં દેશમાં માત્ર 55 એવા કાર્યક્રમો થયા હતા કે જેમાં દિવ્યાંગજનોને બોલાવીને કોઈ સાધનો આપવામાં આવ્યા હોય. 55! ભાઈઓ અને બહેનો, અમે 2014માં આવ્યા. આજે 2017 છે. 3 વર્ષની અંદર અમે 5500 કાર્યક્રમો કર્યા, એટલે કે પાંચ હજાર પાંચસો કાર્યક્રમો કર્યા. 25 થી 30 વર્ષમાં 55 કાર્યક્રમ અને 3 વર્ષમાં 5500 કાર્યક્રમ. આ બાબત એ દર્શાવે છે કે સરકારની સંવેદનશીલતા કેટલી છે. સબ કા સાથ સબ કા વિકાસ એ મંત્રને સાકાર કરતો અમારો માર્ગ કેવો છે.

ભાઈઓ અને બહેનો, એક એકથી ચડિયાતા નવા વિશ્વ વિક્રમો રચાયા છે. અમે દિવ્યાંગજનોની મદદ ઉપર ભાર મૂકી રહ્યા છીએ. આજે પણ રાજકોટમાં સાડા અઢાર હજાર (18,500) દિવ્યાંગજનોને એક સાથે એક જ છત્ર નીચે સાધન-સહાયતા આપીને એક વિશ્વ વિક્રમ સ્થાપિત કરી દીધો છે. હું ગુજરાત સરકારને, રાજકોટના અધિકારીઓને અને સહાય કરનારા તમામ ભાઈઓને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મારા દિવ્યાંગજનોની ચિંતા કરવા માટે તે આટલા આગળ આવ્યા.
હમણાં હું કેટલાંક સાધન ટોકન સ્વરૂપે દિવ્યાંગજનોને આપી રહ્યો હતો. હું તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેમના ચહેરા પર જે આત્મવિશ્વાસ દેખાતો હતો, જે ખુશી નજરે પડતી હતી તેનાથી વધુ જીવનનો કયો સંતોષ હોઈ શકે દોસ્તો! અને અમારા ગહેલોતજી જ્યારે પણ કોઈ કાર્યક્રમ તૈયાર કરે છે ત્યારે મને આગ્રહ કરે છે તેથી મારા કાર્યક્રમને આગળ પાછળ કરીને હું પણ દિવ્યાંગજનોનો કાર્યક્રમ થાય તેવું પસંદ કરતો રહ્યો છું. હું તેને અગ્રતા આપું છું, કારણ કે એક સમાજની અંદર ચેતના જગાવવી ખૂબ જ જરૂરી બની રહે છે.

આપણે ત્યાં રેલવેના ડબ્બામાં જવાનું હોય. સામાન્ય માનવીને તો આ બધું મુશ્કેલ લાગતું નથી, બસમાં ચડવાનું હોય ત્યારે પણ સામાન્ય માનવીને એવું લાગતું નથી. અમે આવીને સૌને લાભદાયી બને તેવી યોજના માટેનું અભિયાન શરૂ કર્યું. દેશભરમાં હજારો એવી સરકારી જગાઓ શોધીને પસંદ કરી છે કે જ્યાં સામાન્ય નાગરિકોએ જવું પડે છે, જેથી દિવ્યાંગજનોએ પણ જવું પડે છે. આથી તેમના માટે પ્લેટફોર્મ અલગ પ્રકારનું હોય, ટ્રેનની અંદર ચડવા માટે તેમના માટે અલગ વ્યવસ્થા વિકસાવવામાં આવી હોય. સરકારી કચેરી હોય અને ટ્રાઈસિકલ લઈને જવાનું હોય તો ટ્રાઈસિકલ સીધી અંદર જવી જોઈએ. ટોયલેટ હોય, તમે કલ્પના કરી શકો છો કે દિવ્યાંગજનને અનુકૂળ પ્રકારનું ટોયલેટ ન હોય તો તેની હાલત કેવી થાય? તેને કેવા પ્રકારની તકલીફ પડતી હશે? જ્યાં સુધી આપણે આવી બાબતોને જોતાં નથી, સમજતા નથી, વિચારતા નથી તેથી આપણને અંદાજ આવતો નથી કે તે લોકો જશે, એડજેસ્ટ કરી લેશે. જી નહીં ભાઈ, આપણે આપણા લોકોએ જાગૃત બનીને કામ કરવું પડશે. આપણે આપણા મકાન બનાવીશું, સોસાયટી બનાવીશું, ફ્લેટ બનાવીશું ત્યારે પણ એવો વિચાર કરીને બનાવીશું કે કોઈપણ દિવ્યાંગજન મહેમાન બનીને આવે તો તેણે પણ લિફ્ટમાં જવું પડે તો સરળતાથી જઈ શકે. ટોયલેટ જવું પડે તો તેના માટે અલગ વ્યવસ્થા હોય. સમાજમાં એક એવું ચારિત્ર્ય વિકસવું જોઈએ. અને અમે લોકોએ નિરંતર એક પ્રયાસ કર્યો છે, જેના ફળ સ્વરૂપ એવા સ્થળો પર સુલભ વ્યવસ્થા ઊભી થવા લાગી છે. તેમના કામો થવા લાગ્યા છે. મોડલ પાકા થઈ ગયા છે. હવે જેટલી પણ નવી ઈમારતો બને છે તે ઈમારતોમાં દિવ્યાંગજનો માટે વ્યવસ્થા કરવામાં આવે તેવું ભારત સરકારે ફરજીયાત બનાવ્યું છે.

હું ગુજરાત સરકારનો પણ આભારી છું કે તેમણે આ બાબતને અપનાવી લીધી છે. તેને આગળ વધારવાની બાબતનો તેમણે સ્વીકાર કર્યો છે. મારા કહેવાનો અર્થ એવો છે કે મોટા કાર્યક્રમોથી એક તો સરકારની જવાબદારી નક્કી થાય છે કે જાવ ભાઈ, વિસ્તારમાં શોધી લાવો કે કયો દિવ્યાંગજન મદદ આપવાને લાયક છે અને સરકારના દરવાજા સુધી પહોંચી શકતો નથી. સરકાર તેમના દરવાજા ઉપર જાય, તેમને શોધે અને તેમની શિબિરો કરીને તેમને મદદ આપવામાં આવે. અમે આવી એક દિશા પકડી છે અને તેના કારણે આજે 18,000થી વધુ દિવ્યાંગજનો અહિંયા ઉપસ્થિત છે અને, તેમને કારણે જે સમાજવાદી સંસ્થાઓ કામ કરે છે તેમને પણ પ્રોત્સાહન મળે છે. તેમને તાકાત મળે છે. ભારત સરકારની એક ઈનોવેશન ઈન્સ્ટીટ્યુટ છે, જે ઘણું કામ કરી રહી છે.

હમણાં મેં એવા બાળકોનો ડેમો જોયો, સંસદમાં મેં મારી ઓફિસમાં તેમને બોલાવ્યા હતા. બધાંને હાથ નહોતા, તેમને કૃત્રિમ હાથ આપવામાં આવ્યા હતા, પણ હું જોતો રહ્યો કે મારાથી પણ સુંદર અક્ષરોમાં તે લખાણ લખી શકતા હતા. તેમના હાથ પ્લાસ્ટીકના હતા, પરંતુ તેમાં ટેકનોલોજીની વ્યવસ્થા હતી. તે મારાથી પણ સુંદર અક્ષરોમાં લખી શકતા હતા. તે જાતે પાણી ભરી શકતા હતા, પાણી પી શકતા હતા. ચાનો કપ પકડીને ચા પણ પી શકતા હતા. હમણાં એક સજ્જન મારી પાસે આવ્યા અને તેમણે મને જણાવ્યું કે સાહેબ હું દોડી શકું છું. મારા પગને તમે નવી તાકાત આપી છે. હું દોડી શકું છું તેવું કહીને તે મને પૂછી રહ્યા હતા કે તમે કહો તો હું દોડું. મેં કહ્યું નહીં. ત્યાં દોડવાની જરૂર નહોતી.

કહેવાનો અર્થ એ થાય છે કે એક નવો વિશ્વાસ પેદા થઈ રહ્યો છે અને તેના માટે ઈનોવેશનનું પણ કામ થઈ રહ્યું છે. સરકારની પોતાની સંસ્થા આ બધું કામ કરી રહી છે. ઘણાં નવયુવાનો આગળ આવી રહ્યા છે અને દેશમાં સ્ટાર્ટઅપ્સની દુનિયામાં કામ કરતા આ નવયુવાનોને હું આગ્રહ કરૂં છું કે તમે થોડો તો અભ્યાસ કરો. દુનિયામાં દિવ્યાંગજનો માટે કેવા કેવા પ્રકારની નવી શોધો થઈ છે. કેવી નવી ચીજો વિકાસ પામી છે, કેવા નવા પ્રકારના ઈનોવેશન્સ થયા છે કે જેથી દિવ્યાંગજન સરળતાથી પોતાની જીંદગી ગુજારી શકે અને એક વધારાના સાધન વડે તે કામ કરી શકે. તે કેવું સાધન છે? તમે જો અભ્યાસ કરશો તો મારા નવયુવાનો તમને પણ મન થશે કે તમે પણ ઈનોવેશન કરો. તમે એન્જીનિયર હશો તો તમે પણ વિચારશો કે તમારી પાસે કૌશલ્ય છે અને તમે વિચારીને સ્ટાર્ટઅપના માધ્યમથી ઈનોવેશન દ્વારા આ નવી ચીજોને પ્રોડક્ટસનું સ્વરૂપ આપી શકશો. જેનું આજે ભારતમાં ખૂબ મોટું બજાર છે, ભારતમાં કરોડોની સંખ્યામાં દિવ્યાંગજન છે. તેમના માટે અલગ અલગ પ્રકારના સાધનો અને સંશોધનોની જરૂર છે. રોજગાર માટે આવી નવી તકો ઊભી છે.

હું સ્ટાર્ટઅપની દુનિયાના નવજુવાનોને આમંત્રણ આપું છું કે તમે દિવ્યાંગજનો માટે આ પ્રકારની ચીજો બનાવો અને આવી ચીજો માટે પ્રયોગ કરતા રહો. સરકાર જેટલી પણ મદદ કરી શકશે તેટલી મદદ કરવા માટે પ્રયાસ કરશે કે જેથી દિવ્યાંગજનોની જીંદગીમાં પરિવર્તન લાવવા માટે નવા સંશોધનો કામ આવી શકે.

ભાઈઓ અને બહેનો, અમે એવી વીમા યોજના લઈ આવ્યા છીએ કે જેમાં એક મહિનામાં એક રૂપિયો આપવો પડે. આજે એક રૂપિયામાં એક કપ ચા પણ મળતી નથી. એક મહિનામાં માત્ર એક રૂપિયો આપીને મારા દિવ્યાંગ ભાઈ માટે વીમો આપી શકાય છે. પરિવારમાં જો કોઈ આપત્તિ આવી પડે અને કોઈપણ વ્યક્તિના જીવનમાં આવી આપત્તિ આવે તો એક મહિનાનો એક રૂપિયો એટલે કે બાર મહિનાના બાર રૂપિયામાં તેનો વીમો થઈ જાય છે અને રૂ.2 લાખ તેના પરિવારને તરત જ મળી જાય છે. આવા સંકટના કેટલાંક દિવસો પસાર થઈ જાય છે. આવી જ રીતે એક દિવસના એક રૂપિયાની વીમા યોજના બહાર પાડવામાં આવી છે. 30 દિવસના રૂ.30 થાય, એક વર્ષના રૂ.360 થાય અને તે યોજના હેઠળ પણ તેમને મોટી રકમ કોઈ સંકટ આવે તો મળી શકે છે. આજ સુધીમાં 13 કરોડ પરિવારો, ભારતમાં કુલ પરિવારો 25 કરોડ છે. કુલ 25 કરોડ પરિવારમાંથી 13 કરોડ પરિવારો આ યોજના સાથે જોડાઈ ચૂક્યા છે. હું તમામ દિવ્યાંગજનોના પરિવારોને આગ્રહ કરૂં છું કે આ યોજનાનો લાભ સામાન્ય નાગરિકો માટે તો છે જ, પરંતુ મારા દિવ્યાંગ પરિવારો આ યોજનાનો સૌથી વધારે લાભ ઉઠાવે. જે પરિવારમાં એક વ્યક્તિ દિવ્યાંગ હોય, તે પરિવાર આ યોજનાનો લાભ લે. તમારા બાળકના ભવિષ્ય માટે સરકાર કટિબધ્ધ છે, તમે આગળ આવો. એક વર્ષના બાર રૂપિયા તો એક નિમિત્ત છે, તેમાંથી તો સ્ટેશનરીનો ખર્ચ પણ નિકળતો નથી, પરંતુ આ એક પ્રક્રિયા છે, જેનો લાભ લેવો જોઈએ.

ભાઈઓ અને બહેનો, આવી અનેક યોજનાઓ ભારત સરકાર દ્વારા બનાવવાનું અમારૂં સપનું છે. વર્ષ 2022માં ભારતની આઝાદીને 75 વર્ષ થશે. 70 વર્ષ પૂરા થયા. કરોડો લોકો એવા છે કે જેમના પાસે રહેવાનું ઘર નથી. ભાઈઓ અને બહેનો, વર્ષ 2022 સુધીમાં ભારતના દરેક પરિવારને તેમનું પોતાનું મકાન હોય તેવું સપનું સાકાર કરવા માટે અમે આગળ વધી રહ્યા છીએ. દરેક પરિવારને પોતાનું છાપરું હોય, રહેવા માટે ઘર હોય અને ઘર પણ એવું હોય કે જેમાં શૌચાલય હોય, વીજળી હોય, પાણીનો નળ હોય, નજીકમાં બાળકો માટે શાળા હોય, વૃધ્ધો માટે નજીકમાં દવાની વ્યવસ્થા હોય. 2022 સુધીમાં આ કામ કરવાનું છે. કામ ખૂબ મોટું છે અને હું જાણું છું કે જે કામ કરવામાં 70 વર્ષમાં અવરોધો નડ્યા તે કામ 5 વર્ષમાં પૂરૂં કરવાનું કેટલું કઠીન બની રહેશે તેનો મને અંદાજ છે. ભાઈઓ અને બહેનો, 30 વર્ષમાં 55 શિબિરો યોજાતી હોય અને 3 વર્ષમાં 5500 શિબિરો થઈ શકતી હોય તો જે 75 વર્ષમાં બન્યું નથી તે 5 વર્ષમાં પણ થઈ શકે તેમ છે. કામ કરવાનું જોમ જોઈએ, ઈરાદો જોઈએ, દેશના માટે જીવવાની તમન્ના હોવી જોઈએ, પરિણામ આપમેળે મળતું રહેશે. દોસ્તો, આ ભાવના સાથે કામ કરવાનો અમારો પ્રયાસ છે.

ગરીબ પરિવારને કેવી રીતે લાભ મળે. મધ્યમ વર્ગના પરિવારો મોટેભાગે પોતાની તાકાત પર જીવતા હોય છે, પરંતુ તેમને જેટલી તકો મળવી જોઈએ તે મળતી નહીં હોવાના કારણે આવા લોકો ગરીબી તરફ વળી જાય છે. જો મારા દેશમાં ગરીબ બહાર આવી શકતો હોય તો મારા દેશનો મધ્યમ વર્ગ હિંદુસ્તાનને ક્યાંથી ક્યાં પહોંચાડવાની તાકાત લઈને ઊભો હશે તેનો કદાચ કોઈને અંદાજ નહીં હોય. ભાઈઓ, દુનિયામાં આજે એ બાબતનું અચરજ છે કે ભારત એક તાકાત બનીને ઉભરતું જાય છે. વિકાસની નવી ઊંચાઈઓ પાર થવા લાગી છે અને એટલા માટે જ મારા વ્હાલા ભાઈઓ અને બહેનો રાજકોટે મને ઘણુ બધું શિખવ્યું છે, ઘણું બધુ આપ્યું છે, મારા જીવનનો રસ્તો નક્કી કરવાનું કામ આ રાજકોટના લોકોએ કર્યું છે. આવો ભાવ જીવનભર મનમાં રાખીને આજે મને નમન કરવા માટે અહીં આવવાની તક મળી છે. આપ સૌના આશિર્વાદ મેળવવાનો મોકો મળ્યો છે. મારા દિવ્યાંગજનોના આશિર્વાદ મેળવવાની પણ તક મળી છે. મારે મન આનાથી મોટું બીજું કોઈ સૌભાગ્ય હોઈ શકે નહીં.

હું વધુ એકવાર, શ્રીમાન ગેહલોતજી તેમનું આ ખાતું છે તે સાચા અર્થમાં ક્યારેય પણ કોઈ વિભાગે દાખવી ન હોય તેટલી સક્રિયતા આ વિભાગે દાખવી છે. આવી સક્રિયતા બતાવવાનું કામ ગેહલોતજીએ કરી બતાવ્યું છે અને તે આજે તમારી સામે છે કે જ્યારે 18,000 થી વધુ મારા દિવ્યાંગજનોને તેમની જે કાંઈ જરૂરિયાત હતી તે આજે પૂર્ણ થઈ રહી છે.

હું ફરી એકવાર આ ધરતીને નમન કરૂં છું. અહીંના લોકોને નમન કરૂં છું. આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું.

TR/GP