Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે આદાનપ્રદાન કર્યું

પ્રધાનમંત્રીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે આદાનપ્રદાન કર્યું

પ્રધાનમંત્રીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે આદાનપ્રદાન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓ અને અધિકારીઓ સાથે આદાનપ્રદાન કર્યું હતું, જેમણે તાજેતરમાં સંપન્ન થયેલ વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો.

 

ખેલાડીઓએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ વખત વિમેન્સ ક્રિકેટ ટીમ માટે પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું હોય તેવું જોવા મળ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી તેમની પ્રગતિ પર નજર રાખી રહ્યા હતા એ જાણીને તેમને ગર્વ, ખુશીની લાગણી થઈ હતી તથા તેમને પ્રેરણા મળી હતી. ખેલાડીઓએ કટોકટીના સમયે કે દબાણ સમયે શું કરવું જોઈએ તેવો પ્રશ્ર પૂછ્યો હતો, જેના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, યોગથી મન, શરીર અને કાર્ય વચ્ચે સારું સંતુલન સ્થાપિત કરવામાં મદદ મળે છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, નિયમિત યોગ કરવાથી તટસ્થપણું કે સંતુલનપણું વિકસાવવામાં મદદ મળે છે.

 

ભારતની મહિલા ક્રિકેટ ટીમનો વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં પરાજય થયો હતો. આ અંગે મહિલા ખેલાડીઓને હકારાત્મક અભિગમ વિકસાવવાની સલાહ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “તેમનો પરાજય થયો નથી. 125 કરોડ ભારતીયોને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓના દેખાવ પર ગર્વ છે. તેઓ ભારતીય ક્રિકેટ ટીમના પરાજયને પોતાનો પરાજય માને છે અને હકીકતમાં આ જ મહાન વિજય છે.”

 

ભારતની દિકરીઓએ ઘણાં આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં દેશને ગર્વ થાય તેવું પ્રદર્શન કર્યું છે એની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહી છે, જેનો લાભ સમાજને મળી રહ્યો છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, રમતગમત ઉપરાંત ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામોમાં છોકરીઓ સારું પરિણામ લાવી રહી છે તથા ઇસરોના પ્રતિષ્ઠિત અભિયાનોમાં મહિલા અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

 

આ પ્રસંગે ભારતીય મહિલા ક્રિકેટરોએ પ્રધાનમંત્રીને સહી કરેલું બેટ ભેટ ધર્યું હતું.

 

AP/J.Khunt/TR/GP