પીએમઇન્ડિયા
આજે 24મી ઓગસ્ટ એટલે કે સંસ્થાના સ્થાપના દિવસને તમે ગર્વ દિવસ તરીકે ઉજવો છો.
બીએઆઇએફની રાષ્ટ્રના નિર્માણમાં જે ભૂમિકા રહી છે તેના માટે હું તમને અભિનંદન પાઠવું છું.
મારા માટે અંગત રીતે અત્યંત સુખદ બાબત હોત કે હું આજે તમારી વચ્ચે આવીને તમારી ઉજવણીમાં સામેલ થયો હોત, તમારા અનુભવો સાંભળતો અને તમારામાંથી કાંઇક શીખતો.
મને યાદ છે કે જ્યારે કેટલાક વર્ષ અગાઉ વાડી કાર્યક્રમની શરૂઆત થઈ હતી તો નવસારી અને વલસાડમાં તમારા કાર્યોને મેં નજીકથી નિહાળ્યા હતા. તેથી બીએઆઇએફ સાથે હું મારી જાતને ભાવનાત્મક રીતે સંકળાયેલો અનુભવી રહ્યો છું. જે મિશનથી દેશના ઘણા રાજ્યો સાથે તમારી સંસ્થા કામ કરી રહી છે તે એક સંસ્થા માટે સંતોષનો વિષય છે.
આજે અહીં આ કાર્યક્રમમાં ઘણા પુરસ્કાર આપવામાં આવ્યા. સન્માન હાંસલ કરનારામાં કેટલાક સેલ્ફ હેલ્પ ગ્રૂપ છે. કેટલાકને તો વ્યક્તિગત પ્રયાસ માટે પુરસ્કાર સાંપડ્યો છે. કોઈ કર્ણાટકનો છે, તો કોઈ ગુજરાતનો છે તો કોઈ મહારાષ્ટ્ર કે ઝારખંડનો છે. હું તમને અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા આપું છું કે આવી જ રીતે સમાજના હિતમાં કાર્ય કરતા રહેશો.
સાથીઓ, આ જ વર્ષે સાબરમતી આશ્રમની સ્થાપનાના 100 વર્ષ અને ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ પૂરા થયા. આ જ વર્ષે સાર્વજનિક ગણેશોત્સવના પણ 125 વર્ષ પૂરા થઈ રહ્યા છે. દેશના ઇતિહાસમાં આ ત્રણેય પડાવ સ્વતંત્રતા આંદોલનને નવી દિશા આપનારા રહ્યા છે. દરેક નાગરિકની ભાગીદારીથી કેવા સંકલ્પ સિદ્ધ થાય છે તેનું આ પ્રતિક છે.
પ્રત્યેક નાગરિકની ભાગીદારીથી જન કલ્યાણનું આ વિઝન ભારતીય એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશનનો પણ આધાર રહ્યું છે. તેના 50 વર્ષ ભલે અત્યારે પૂરા થઈ રહ્યા હોય પરંતુ તેનો પાયો ત્યારે રચાયો હતો જ્યારે1946માં મણીભાઈ, ગાંધીજીની સાથે ઉરુલીકંચન પહોંચ્યા હતા. ગાંધીજીની પ્રેરણાથી મણીભાઈએ આ આખા ક્ષેત્રમાં કાયાકલ્પનો સંકલ્પ લીધો હતો અને તેની શરૂઆત કરી હતી ગુજરાતમાંથી ગીરની ગાયોને અહીં લાવીને.
આપણા ગામડાઓમાં ઉપલબ્ધ પરંપરાગત જ્ઞાન અને વિજ્ઞાનને આધુનિક ટેકનિકથી સાંકળીને ખેડૂતની આવક કેવી રીતે વધારી શકાય છે તે તમારી સંસ્થાએ કરી દેખાડ્યું છે.
સાથીઓ, દેશના સંતુલિત વિકાસ માટે એ અત્યંત જરૂરી છે કે દેશના ગામડાઓમાં રહેનારો ખેડૂત સશક્ત હોય. એક સશક્ત ખેડૂત વિના ન્યૂ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થઈ શકે નહીં અને તેથી જ સરકાર 2022 સુધીમાં ખેડૂતની આવક બમણી કરવા માટે કાર્ય કરી રહી છે. તેથી જ હવે કૃષિ યોજના પ્રત્યેના વલણમાં ફેરફાર કરતા તેને ઉત્પાદક કેન્દ્રીત બનાવવાની સાથે સાથે આવક કેન્દ્રીત પણ બનાવવામાં આવી છે.
આજે સરકાર બીજથી માંડીને બજાર સુધી ખેડૂતને પડખે ઊભી છે. પાણીના એક એક ટીપાંના ઉપયોગ પર ભાર મુકાઈ રહ્યો છે. ઓર્ગેનિક ખેતી અને પાક-પેદાશમાં વિવિધતાને વેગ આપવામાં આવી રહ્યો છે. ખેડૂતોને માટીની તંદુરસ્તીની જાણકારી માટે અત્યાર સુધીમાં નવ કરોડથી વધુ સોઇલ હેલ્થ કાર્ડ અપાઈ ચૂક્યા છે.
e-NAM યોજના હેઠળ દેશભરમાં 500થી વધુ કૃષિ મંડળીઓને ઓનલાઇન જોડવામાં આવી રહી છે.તાજેતરમાં જ પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના શરૂ કરવામાં આવી છે. તેનો હેતુ દેશની સંગ્રહ કરવાની સમસ્યાનો સામનો કરવાનો અને ફૂડ પ્રોસેસિંગને વેગ આપવાનો છે.
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના માધ્યમથી એ ખાતરી કરાવવામાં આવી રહી છે કે જો કોઈ કારણસર પાકને નુકસાન થયું તો ખેડૂતોના જીવન પર આફત આવે નહીં. ખેડૂતોને વ્યાજખોરોની ચુંગાલમાંથી બહાર કાઢવા માટે ઓછા વ્યાજે ધીરાણ આપવામાં આવી રહ્યું છે.
તમો જોશો કે સરકારના આ પ્રયાસ એટલા માટે છે કે ખેડૂત તેની ખેતી સાથે સંકળાયેલી ચિંતામાંથી મુક્ત થઈ જાય, તેનો ખર્ચ ઘટે અને આવક વધે. જો દેશનો અન્નદાતા ચિંતામુક્ત હશે તો દેશ પણ વિકાસની નવી ઊંચાઈ પ્રાપ્ત કરી શકશે.
બીઆઇએએફ ખૂબ સેવાભાવથી વર્ષોથી આ કાર્યમાં લાગેલું છે પરંતુ આજે હું તમારી વચ્ચે નવા વિચારોનું બીજારોપણ કરવા માગું છું. આ કોઈ નિષ્ણાતને સૂચન કરવું કે જ્ઞાન આપવું નથી પરંતુ નિષ્ણાતને આગ્રહ કરવા જેવી વાત છે.
મને ખબર છે કે મહિલા સેલ્ફ હેલ્પ ગ્રૂપના માધ્યમથી બીએઆઇએફ કેવી રીતે લાખો મહિલાઓને સશક્ત કરી રહ્યું છે પરંતુ તેને વધુ ફોકસ કરી શકાય છે.
એક રિપોર્ટ મુજબ દેશના પશુપાલન ક્ષેત્રને લગભગ 70 ટકા મહિલાઓ મળીને સંભાળી રહી છે. પછી તે જાનવરો માટે ચારાની વ્યવસ્થાની વાત હોય, પાણીની વ્યવસ્થા હોય, દવા-દૂધ હોય તમામ કામ મહિલાઓ કરી રહી છે.
એટલે કે એક રીતે દેશનું પશુપાલન ક્ષેત્ર સંપૂર્ણપણે મહિલાઓની કુશળતા પર આધારિત છે. તેથી જ આજે અત્યંત જરૂરી છે કે મહિલાઓ સેલ્ફ હેલ્પ ગ્રૂપને પ્રાણીઓના ઉપચારનું પ્રશિક્ષણ, રિસર્ચ, સર્વિસ ડિલિવરી સિસ્ટમ વિશે તાલીમ આપવામાં આવે. આ ક્ષેત્રમાં મહિલાઓ જેટલી તાલીમબદ્ધ હશે તેટલું જ દેશનું પશુધન મજબૂત બનશે અને ખુદ મહિલાઓનું પણ ભલું થશે.
બીએઆઇએફ જેવી સંસ્થા વધુને વધુ મહિલાઓને આ માટે પ્રેરિત કરી શકે છે અને તેમને તાલીમ આપવા માટેના કાર્યક્રમોનો પ્રારંભ કરી શકે છે.
સાથીઓ, પશુઓને થતી બીમારીઓને કારણે આપણા દેશમાં દર વર્ષે લગભગ 40 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. તેને પહોંચી વળવા માટે કેટલાક રાજ્યમાં પશુ આરોગ્ય મેળા યોજવામાં આવે છે. તેમાં પશુઓના ચરિત્રને લગતા ઓપરેશનથી લઈને દાંતની સફાઇ સુધીના કામ થાય છે. પરંતુ આ પ્રકારના પશુ મેળાની સંખ્યા વધારવાની જરૂરિયાત છે. બીએઆઇએફ જેવી સંસ્થા દેશભરની રાજ્ય સરકારો સાથે મળીને પશુ આરોગ્ય મેળા યોજવા માટે મહત્વની ભૂમિકા અદા કરી શકે છે.
તમને મારો ખાસ આગ્રહ છે કેમ કે તમારી સંસ્થા પહેલેથી જ 15 રાજ્યોમાં કામ કરી રહી છે અને તમારી ક્ષમતા સમગ્ર દેશમાં વિસ્તરવાની છે. દેશના ઉત્તર-પૂર્વ રાજ્યો પણ બીએઆઇએફના પગલાં તેમના રાજ્યમાં પડે તેની રાહ જોઈ રહ્યા છે. દેશના ઉત્તર-પૂર્વ રાજ્ય જેમને હું અષ્ટલક્ષ્મી કહું છું ત્યાં ઓર્ગેનિક ખેતીની ઘણી સંભાવના છે. તેમને તમારા અનુભવનો ઘણો લાભ થઈ શકે તેમ છે.
આ જ રીતે ઔષધી અને સુગંધીદાર વાવણીની ખેતીને લઈને પણ ખેડૂતોમાં જાગૃતિ વધારવાની જરૂર છે. આપણા દેશમાં ઔષધી અને સુગંધીદાર છોડના હજારો પ્રકાર છે અને વિશ્વભરમાં તેની માગ છે. પરંતુ માગ અને પુરવઠાનું અંતર પણ ઘણું છે. સરકાર, પ્રગતિશીલ ખેડૂત અને બીએઆઇએફ જેવા સંગઠનો તેની ખેતીની સાથે સંપૂર્ણ પુરવઠાની ચેઇન અંગેની જાણકારી આપવાનું કામ મજબૂતી સાથે કરી શકે છે.
સાથીઓ, હરિયાળી ક્રાંતિ અને સફેદ ક્રાંતિથી દેશ સુપરિચિત છે. સમયની માગ એ છે કે બ્લૂ ક્રાંતિ દ્વારા આપણે માછીમાર ભાઈઓના જીવનમાં પરિવર્તન લાવ્યા, સ્વીટ ક્રાંતિ એટલે કે મધમાખી પાલન અને મધ ઉત્પાદન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવામાં આવે.
હરિયાળી ક્રાંતિ, સફેદ ક્રાંતિની સાથે સાથે અમે બ્લૂ ક્રાંતિ અને સ્વીટ ક્રાંતિ તથા જળ ક્રાંતિને જોડવા તરફ કાર્ય કરી રહ્યા છીએ.
ખેતી માત્ર ઘઉં-અનાજ અને સરસવ પેદા કરવા માટે જ નથી. પરંપરાગત ખેતીની સાથે સાથે ખેતી સાથે સંકળાયેલા ક્ષેત્ર પર જેટલું ધ્યાન આપવામાં આવશે તેટલું જ ખેડૂતોની આવક વધારવામાં મદદ મળશે.મધમાખી પાલનને જ લો. એક રિસર્ચ મુજબ પરંપરાગત ખેતી કરી રહેલો દરેક ખેડૂત 50 મધમાખી કોલોનીના એક નાનકડા યુનિટની સ્થાપના કરીને વર્ષે બે લાખ રૂપિયાની વધારાની કમાણી કરી શકે છે. મધમાખી મધના ઉત્પાદનની સાથે સાથે પર્યાવરણમાં પણ ઘણી મહત્વની ભૂમિકા અદા કરી શકે છે.
મધમાખી પાલન હોય. મત્સ્ય ઉદ્યોગ હોય, શેરડીની ખેતી હોય, ઇથોનોલનું ઉત્પાદન હોય, તેનાથી આજના સમાજની માગ પૂરી થાય છે અને તેથી પરંપરાગત ખેતી સાાથે સંકળાયેલા ખેડૂતોમાં એવા પેટા-ક્ષેત્ર પ્રત્યે જાગૃતિ આણવાનું કામ, તેમની મદદ કરવાનું કામ બીએઆઇએફ સારી રીતે કરી શકે છે.
સાથીઓ, મહારાષ્ટ્રમાં વિદર્ભ હોય, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગણા-આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તાર હોય,ઉત્તર પ્રદેશનું બુંદેલખંડ હોય આવા કેટલાક ક્ષેત્ર છે જ્યાં ખેડૂતોને પાણીની અછતનો સામનો કરવો પડે છે.
સરકાર દ્વારા પોતાની રીતે પાણીની અછત દૂર કરવાનો પ્રયાસ સતત થતો રહે છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત એવા 99 પ્રોજેક્ટ પૂરા કરવામાં આવી રહ્યા છે જે ઘણા સમયથી અધૂરા હતા. તેમાંથી 21 પ્રોજેક્ટ આ વર્ષે પૂરા થઈ ચૂક્યા છે. તેની સાથે સાથે એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે પાણીના એક એક ટીપાંનો આપણે સારામાં સારી રીતે ઉપયોગ કરીએ. ડ્રીપ સિંચાઈ, માઇક્રો સિંચાઈ અને પાકમાં વિવિધતા પણ તેના માધ્યમ છે. મનરેગાની પણ 60 ટકાથી વધુ રકમ સરકાર જળ સંરક્ષણ અને જળ પ્રબંધન પર ખર્ચ કરી રહી છે.
પરંતુ ભાઇઓ અને બહેનો, જ્યાં સુધી તમામ ખેડૂત આ પ્રયાસ સાથે જોડાશે નહીં ત્યાં સુધી આપણે સફળ નહીં થઇએ. મને કહેવામાં આવ્યું છે કે આજે આ કાર્યક્રમમાં હિવરા બજારથી શ્રી પોપટલાલ પવાર પણ આવ્યા છે. હિવરા બજાર એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે એક સાથે રહીને, એકબીજાના હિતોને ધ્યાનમાં રાખીને આપણે કેવી રીતે પાણીનો સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ જેથી આપણી પાણીના ઉપયોગની ક્ષમતા વધે અને આપણા ભૂગર્ભ જળ સંસાધનને ટકાવી રાખવામાં તેનો ઉપયોગ થઈ શકે. મને બીએઆઇએફથી અપેક્ષા છે કે જે ગામડાઓમાં તેઓ કામ કરી રહ્યા છે ત્યાં જન આંદોલન અને જળ આંદોલનનું ઉદાહરણ પૂરું પાડી શકે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને બેંકથી ધીરાણ લેવા માટે પ્રોત્સાહિત કરીને પણ આ વિસ્તારોના ખેડૂતોનું જીવન આસાન બનાવવામાં તમે મદદ કરી શકો છો.
ભાઈઓ અને બહેનો રાષ્ટ્રસંત તુકડોજી મહારાજે ગ્રામગીતામાં લખ્યું છે
“ग्रामसुधारणेचा मूलमंत्र, सज्जनांनी व्हावे एकत्र !
संघटन हेची शक्तिचे सूत्र, ग्रामराज्य निर्माण करी” !!
એટલે કે ગ્રામ સુધારાનો મૂળ મંત્ર છે બધા લોકો એક સાથે મળીને, સંગઠન શક્તિની સાથે કામ કરીએ. તો જ ગ્રામ રાજ્યનું નિર્માણ થશે. આ જ મંત્ર મહાત્મા ગાંધીજીએ આપ્યો હતો. તેનું જ પાલન મણીભાઈ દેસાઈએ કર્યું. આજે તમારી સંસ્થાની સંગઠન શક્તિથી ગામડાના વિકાસના નવા દ્વાર ખૂલી શકે છે. આજે જરૂરિયાત છે આપણે આપણા ગામડાઓ પર ગર્વ કરીએ, ગામડાના લોકો સ્થાપના દિવસ ઉજવે, એક વિઝન ઘડે અને તેને લઈને આગળ વધે. તમે જે 80 હજાર ગામડાઓમાં કામ કરો છો તેમાં ગામડાનું નેતૃત્વ એક વિઝન સાથે કરો. આ જ ન્યૂ ઇન્ડિયાના નિર્માણનું એક માધ્યમ હશે.
સાથીઓ, ખેતીમાં પડતર ઘટાડવા માટે સરકાર સતત કામ કરી રહી છે. આજે સોઇલ હેલ્થ મેનેજમેન્ટને કારણે, સોઇલ હેલ્થ કાર્ડને કારણે, યુરિયાના કોટિંગને કારણે, ડ્રીપ સિંચાઈને વેગ આપવાને કારણે ખેતી પર થનારો ખેડૂતોનો ખર્ચ ઘટ્યો છે. સોલર પંપનો મહત્તમ ઉપયોગ કરીને પણ ખેડૂત ડિઝલ પર થતો ખર્ચ બચાવી રહ્યા છે. આ આધુનિક ટેકનિકના ઉપયોગથી પાકનું ઉત્પાદન પણ વધી રહ્યું છે. આ વિષયમાં આ સંસ્થાનો પણ જૂનો અનુભવ રહ્યો છે અને તેથી જ ખેતીની પડતર ઘટાડવા અને બીજું શું શું કરી શકાય છે તે અંગે તમારા સૂચનો આવકાર્ય છે. તમે ખેડૂતોને જેટલા વધારે આ અભિયાનમાં સાંકળશો તેટલી જ ખેડૂતોની બચત થશે અને નફો વધશે.
સાથીઓ, વેસ્ટથી વેલ્થ પણ એવો જ વિષય છે જે આજની જરૂરિયાત અને ભવિષ્યના પડકારો સાથે સંકળાયેલો છે.
કૃષિ બગાડને રિસાઇક્લિંગ કરવાનું કામ હોય, છાણ બનાવવાનું કામ હોય તેનાથી પણ ખેડૂતોની આવક વધી શકે છે અને આખા ગામને તેનો લાભ થઈ શકે છે.
આજે ખેતરમાં કોઈ ચીજ નકામી નથી અને દરેક ચીજનો ઉપયોગ થઈ શકે છે જે સંપત્તિ બની શકે છે.
આ જ રીતે ગામડામાં સોલર ઊર્જાને ઉત્તેજન આપીને સમગ્ર ગામડાને વીજળીના મામલે પણ આત્મનિર્ભર બનાવી શકાય છે.
ખેતરોના કિનારે એટલી જગ્યા હોય છે જ્યાં સોલર પેનલ લગાવીને વીજળી બનાવવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી શકાય છે. જેવી રીતે દેશભરમાં દૂધ સહકારી મંડળી હોય છે એવી જ રીતે સોલર સહકારી મંડળી બનાવીને વીજળીનું ઉત્પાદન કરી શકાય છે, તેને વેચી પણ શકાય છે.
સાથીઓ, તમે લોકો જોતાં હશો, ગામડામાં લગભગ દરેક ઘરની ઉપર એક નાનકડી છત્રી જોવા મળે છે. આ ડિજિટલ ટેકનિક તો છે જેણે તમામ બાબતો આસાન બનાવી દીધી છે. પહેલા એક-બે ચેનલ આવતી હતી હવે 100-200 ચેનલ આવે છે. રિમોટ હવે તેના માટે ખાસ મુશ્કેલ યંત્ર રહ્યું નથી. બે-ત્રણ વર્ષનું બાળક પણ રિમોટ કન્ટ્રોલથી ચેનલ બદલી શકે છે.
ટેકનિકથી આવું જ પોતિકાપણું દેશમાં ડિજિટલ ગામડાની કલ્પનાને સાકાર કરશે. એવું ગામડું જ્યાં મોટાભાગની લેવડ-દેવડ ડિજિટલ રીતે થતી હોય, ધીરાણથી લઈને સ્કોલરશિપ સુધી, તમામ ફોર્મ ઓનલાઇન ભરાતા હોય, શાળાઓમાં ડિજિટલ ટેકનિકથી ભણાવવામાં આવતું હોય, આરોગ્ય સેવાઓ પણ ડિજિટલ ટેકનિક સાથે સંકળાયેલી હોય.
ડિજિટલ ગામડાની આ કલ્પનાને સાકાર કરવા માટે સરકાર દેશની તમામ પંચાયતને ઓપ્ટિકલ ફાઇબરથી જોડી રહી છે. પરંતુ સાધન કે સંસાધન આપવા જ પૂરતા નથી. તેનો ઉપયોગ કરવા માટે લોકોને સક્ષમ બનાવવાનું કામ પણ તમારા જેવી સંસ્થા જ કરી શકે છે. તેથી શું તમારી સંસ્થા એ સંકલ્પ કરી શકે છે કે દર વર્ષે કમસે કમ 500 ગામડાને કમકેશ ગામ બનાવીશું. તમે જોજો, તમે 500 ગામડાને કમકેશ બનાવશો તો આસપાસના એક-બે હજાર ગામડા આપમેળે જ આ વ્યવસ્થા અપનાવી લેશે. એક ચેઇનની માફક આ ગામડા બીજા ગામમાં ફેલાઈ જશે. સાથીઓ, ગાંધીજીનો મંત્ર ગામડાને મજબૂત કરીને દેશને મજબૂત કરવાનો હતો. આ મંત્ર પર આગળ ધપતાં બીએઆઇએફના સેવાભાવે લાખો ખેડૂતોના જીવન બદલ્યા છે તેમને સ્વરોજગાર શીખવ્યું છે. સંકલ્પ લઈને સિદ્ધિ કેવી રીતે હાંસલ કરી શકાય છે તેનો સાક્ષાત પુરાવો તમારી સંસ્થા છે.
મારો તમને આગ્રહ છે કે જે વિચાર તમારી સામે મેં રજૂ કર્યા છે તેની સાથે સંકળાયેલા નવા સંકલ્પોને તમારી સાથે સાંકળો. 2022માં દેશ જ્યારે સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા કરશે ત્યારે તમારા સંકલ્પોની સિદ્ધિથી દેશના કરોડો ખેડૂતોની સફળતા સિદ્ધ થશે.
ધન્યવાદ !!!
TR
Happening now- PM @narendramodi is addressing Bhartiya Agro Industries Foundation's Golden Jublee Celebrations. https://t.co/vbG9VFN31Q
— PMO India (@PMOIndia) August 24, 2017
For the development of the nation, prosperity of farmers is essential: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 24, 2017
The 'Anna Datas' of the nation should be free from worries: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 24, 2017
Women self help groups should get quality training in research, veterinary education. Animal husbandry sector will benefit due to this: PM
— PMO India (@PMOIndia) August 24, 2017
We saw the green & white revolution. Time has come for the blue revolution, for fishermen & sweet revolution, for more honey production: PM
— PMO India (@PMOIndia) August 24, 2017
Along with 'Jan Andolan', 'Jal Andolan' can help us for the future: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 24, 2017
We take immense pride in our villages and the culture of our villages: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 24, 2017
The way ahead lies in improving digital infrastructure in our villages: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 24, 2017