Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

દ્વારકામાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પૂલની શિલારોપણ વિધિ વખતે પ્રધાન મંત્રીશ્રીનુ પ્રવચન


મોટી સંખ્યામાં પધારેલા મારા પ્રિય ભાઈઓ અને બહેનો,

આજે મને દ્વારકાનો મૂડ કંઈક અલગ જણાય છે. ચારેબાજુ ઉત્સાહ, ઉમંગ જેવી એક નવી ચેતનાનો હું દ્વારકામાં અનુભવ કરી રહ્યો છું. હું દ્વારકાવાસીઓને હૃદયથી અભિનંદન આપું છું અને તેમને ધન્યવાદ પાઠવું છું. આજે દ્વારકા નગરીમાં જે કામનો પ્રારંભ થઈ રહ્યો છે તે બેટ દ્વારકા સુધી પહોંચવા માટેનો માત્ર માર્ગ નથી. ઈંટ, પત્થર અને લોખંડથી તૈયાર થયેલી એક સ્ટ્રક્ચરલ વ્યવસ્થા છે એવું પણ નથી. આ બ્રીજ બેટ દ્વારકાના સાંસ્કૃતિક વારસાની સાથે હજારો વર્ષ જૂના સંબંધોને જોડવાની કડી તરીકે જોડશે તે માટેનું કાર્ય થઈ રહ્યુ છે.

જ્યારે પણ હું બેટ દ્વારકા આવતો હતો અને ત્યાંના બીજા પૂલને જોતો હતો. તેના સ્વચ્છ પાણીને જોતો હતો ત્યારે પ્રવાસનની અપાર સંભાવનાઓ દેખાતી હતી. ભારત સરકાર તરફથી, ભૂતકાળમાં ભારત સરકારનો ગુજરાત તરફ કેવો પ્રેમ હતો. કેટલી મુશ્કેલીઓ સાથે આપણે સમય પસાર કરતા હતા તે મને બરાબર યાદ છે. જ્યારે બેટના લોકોની સ્થિતિ હું જોતો હતો, સૂરજ આથમે એ પહેલાં બધા કામ પૂરાં કરવા પડતા હતા. રાતનું આવવા-જવાનું બંધ થઈ જતું હતું અને એ પણ જળ માર્ગે જ આવવું-જવું પડતું હતું. મજબૂરીમા જીંદગી ગુજારવી પડતી હતી. જો કોઈ અચાનક બિમાર પડે તો તેને હોસ્પિટલ પહોચાડવા અને જો રાતનો સમય હોય તો તેમને કેટલી તકલીફ પડતી હતી!! તે બેટના આમારા ભાઈઓ-બહેનો સારી રીતે જાણે છે. દેશભરમાંથી આવતા મુસાફરો માટે પણ આ એક બહુ મોટી ભેટ છે. એક એવી વ્યવસ્થા છે કે જે બેટના નાગરિકો માટેની સામાન્ય જરૂરિયાતને પૂરી કરશે. એક એવી વ્યવસ્થા કે જે બેટ સાથે જોડાયેલા સમુદ્રી તટના બીચને એક મોટા પ્રવાસન ક્ષેત્ર રૂપે વિકસીત કરવાની સંભાવનાને વેગ આપે છે. અને જો એક વખત યાત્રાળુ આવે તો ઠાકોરજીના ચરણોમાં માથુ નમાવીને જતા રહે, જેનાથી દ્વારકાની આર્થિક પરિસ્થિતિમાં કોઈ ફાયદો નથી થતો, પરંતુ જો તે એક રાત્રિ રોકાણ કરે, બે દિવસ રોકાય તો હજાર, બે હજાર રૂપિયા ખર્ચ કરે છે અને દ્વારકાની આર્થિક વ્યવસ્થામાં ગરીબમાં ગરીબ વ્યક્તિને રોજગાર મળે છે. લોકો દ્વારકા આવે છે તો તે ભગવાન દ્વારકાધીશની કૃપાથી આવે છે, પરંતુ તે દ્વારકામાં ત્યારે રોકાશે, જ્યારે આપણે તે માટેની વ્યવસ્થા ઉભી કરીશું. આપણે એટલા માટે જ વિકાસને પ્રાથમિકતા આપી છે. જ્યાં યાત્રાળુઓ આવે અને તેમને રોકાવાની ઈચ્છા થાય, એક-બે દિવસ ગુજારવાની ઈચ્છા થાય, સમુદ્રની લહેરો સામે સાંજ વિતાવવાનું મન કરે. ઢળતા સૂરજને જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય એવું વાતાવરણ ઉભુ કરવા માટે આ સરકાર સતત પ્રયત્ન કરી રહી છે.

આજથી આઠ-દસ વર્ષ પહેલાંના દ્વારકાની કલ્પના કરો અને આજના દ્વારકાની કલ્પના કરો. કેટલો બદલાવ આવ્યો છે. એક જ ખૂણામાં વિકાસ થવાથી પ્રવાસનનો વિકાસ નથી થતો. તેને કનેક્ટિવિટી જોઈએ. એક થી બીજો, બીજાથી ત્રીજા, ત્રીજાથી ચોથા જોડાયેલા હોવા જોઈએ. સમગ્ર દુનિયા ગીરના સિંહને જોવા માટે આવે છે, પરંતુ ગીરના સિંહને જોયા પછી પોરબંદર અને દ્વારકા જવા માટે જો 6 લાઈન, 4 લાઈનના બે મોટા રોડ મળે તો યાત્રાળુઓને સગવડ મળે છે. તેનું મન લલચાય છે અને જો ગીરના સિંહ જોવા આવશે તો તે દ્વારકાધીશના ચરણોમાં પણ આવશે. આવી સ્થિત ઉભી થવી જોઈએ અને જે દ્વારકાધીશના ચરણોમાં આવશે તેને પણ ગીરના સિંહ જોવાનું મન થઈ જાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ. એટલા માટે જ ભારત સરકારે નેશનલ હાઈવેના નેટવર્કને એ પ્રકારનું બનાવવાની દિશામાં ફેરફારો કર્યા છે કે જેથી રોડ તો બને, પણ સાથે સાથે સુવિધાઓ પણ ઉભી થાય. ગતિ તો આવે, પણ સાથે સાથે આર્થિક ગતિવિધિની સાથે તેનો સીધો સંબંધ પણ હોય. આવી વ્યવસ્થાથી આર્થિક ગતિવિધિને તાકાત મળવી જોઈએ. આજે જે નેશનલ હાઈવેને 4 લેનનો કરવાનું કામ હાથ ધરાયું છે, ગડુ સુધી, હું જ્યારે ગડુને યાદ કરૂ ત્યારે મને મારા બચુભાઇની યાદ આવે છે, અમારાખૂબ જૂના કાર્યકર્તા, તે ખેડૂત હતા,પરંતુ આવી બધી જ બાબતોનો વિચાર એમના મનમાં આવ્યા કરે છે કે આવું કરવામાં આવે તો સારૂ થાય,આવુ કરવામાં આવે તો સારુ થાય. આવું બધુ તે સતત વિચારતા રહેતા. આજે એ ગડુ સુધી આ રોડની પહોળાઈ વધારીને નેશનલ હાઈવે માટે અમે મોટાપાયે ખર્ચ કરી રહ્યા છીએ. આજે આ પ્રોજક્ટ એક જીલ્લામાં મુખ્યત્વે જામનગર-જૂનાગઢ જીલ્લાને જોડતા પોરબંદર જીલ્લાને જોડતા અંદાજે રૂપિયા છ હજારકરોડનો ખર્ચ સાથે સાકાર થશે,તમે આ પ્રોજેક્ટની કલ્પના કરી શકો છો. એ દિવસ યાદ કરો કે જ્યારે માધવસિંહ સોલંકી મુખ્ય પ્રધાન હતા,એ સમયે છાપામાં પહેલા પાને એક ફોટો છપાયો હતો. એ ફોટો મને આજે પણ યાદ છે. તે સમયે હું રાજનીતિ માં ન હતો, સામાજીક ક્ષેત્રે કામ કરતો હતો. જામનગરમાં અથવા જામનગર જીલ્લામાં એક પાણીની ટાંકીનું ઉદ્દઘાટન કરવા માટે તે સમયના મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકી આવ્યા હતા. હવે એ સમયની સરકારની કલ્પના કરો અને આજના વર્તમાન સમયની સરકારની કલ્પના કરીને જુઓ કે કેવા બ્રીજ બનાવે છે, કેવા રોડ બનાવે છે. એક પાણીની ટાંકીનું ઉદ્દઘાટન કરીને એક પૂરા પાનાની જાહેરાત આપીને પહેલા પાના પર ફોટો છપાવવો,એ તેમના માટે વિકાસ અંગે વિચારવાની સીમા પણ એટલી જ મર્યાદિત હતી.

દુનિયા બદલાઈ ગઇ છે અને બદલાયેલા દુનિયામાં આપણે વિકાસને એવી ઉંચાઈએ લઈ જવાનો છે કે જેથી ભારતનાં લોકો દુનિયાની સામે છાતી કાઢીને ઉભા રહી શકે એવુ ભારત બનાવવાનું સપનું દરેક ભારતવાસીનું છે. આ સપનું માત્ર નરેન્દ્ર મોદીનું સપનું નથી, સવા સો કરોડ દેશવાસીઓનું સપનું છે, હું તો ફક્ત તમને આ સપનામાં રંગ ભરવા માટે અને તેને સાકાર કરવા માટે પ્રયાસ કરી રહ્યો છું, મહેનત કરી રહ્યો છું. હમણાં નિતીનજી બ્લુ ઈકોનોમીના સંબંધમાં કહેતા હતા કે આ એક એવું ક્ષેત્ર છે કે જેની સામુદ્રિક સંપત્તિ ગુજરાત તરફથી દેશની અર્થ વ્યવસ્થાને એક મોટી અને વ્યાપક તાકાત આપવાનું સામર્થ્ય ધરાવે છે. 1600 કી.મી.નો સાગરકાંઠો ગુજરાતની પાસે છે. આપણા માછીમાર ભાઈઓ-બહેનો સાગરકાંઠે વસે છે. બ્લુ ઈકોનોમીની પૂરી સંભાવના આપણા સમુદ્ર તટ પર છે. આપણે બંદરોનો વિકાસ કરવા માંગીએ છીએ. પરંતુ જો આપણે બંદર આધારિત વિકાસ કરવા ઈચ્છતા હોઈએ તો એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવું જોઈએ કે જે બંદરોને રોડથી જોડે, રેલવેથી જોડે, હવાઈ પટ્ટીથી જોડે, વેર હાઉસિંગ, કોલ્ડ સ્ટોરેજ વગેરેથી જોડે અને દુનિયાના બજારમાં ભારતના ખેડૂતો દ્વારા પેદા કરાયેલી વસ્તુઓ વિશ્વના બજારમાં ઓછામાં ઓછા સમયમાં પહોંચે અને દેશના ખેડૂતને વધુમાં વધુ કિંમત મળે. એમના માટે આ વ્યવસ્થાઓને વિકસીત કરવા માટે એક પછી એક પગલાં લેવામાં આવી રહ્યા છે. અમે એક યોજના બનાવી છે અને તે પણ મારા માછીમાર ભાઈઓ અને બહેનો માટે અને એ પણ બ્લુ ઈકોનોમી હેઠળ બનાવવામાં આવી છે,એ યોજના એવી છે કે જેમાં આજે આપણાં માછીમારો કે જેમની પાસે નાની નાની હોડીઓ છે, તેને લઈને તે દરિયામાં માછીમારી માટે જાય છે. તે બધા દસ બાર નોટિકલ માઈલ્સથી આગળ જઈ શકતાં નથી અને એટલા વિસ્તારમાં તેમને જોઈએ તેટલી માત્રામાં માછલીઓ મળી શકતી નથી. તે ઘણાં કલાકો સુધી મહેનત કરે છે અને છેલ્લે અડધી હોડી ભરીને પાછા આવે છે. શું હું મારા માછીમાર ભાઈ બહેનોને આવી જીંદગી જીવવા માટે મજબૂર કરી શકું? કે પછી એમને એમના નસીબ પર છોડી દઉં!શું મારા માછીમાર ભાઈ બહેનોને જીંદગીમાં આગળ વધવાની ઈચ્છા નહીં થતી હોય? શું મારા માછીમાર ભાઈ બહેનોને તેમના બાળકો માટે સારી શિક્ષા- દિક્ષા આપવાની ઈચ્છા નહીં થતી હોય? શું હું મારા માછીમાર ભાઈ બહેનોને ઝૂંપડપટ્ટીઓમાં રહેવાની જીંદગીમાંથી બહાર આવીને સારી જીંદગી જીવવાનું મન નહીં થતું હોય? જો આવુ કરવુ હોય તો તેમની આર્થિક તાકાત વધારવી પડશે. તેમનું સશક્તિકરણ કરવું પડશે. તેમનામાં શક્તિ પૂરવી પડશે અને આટલા માટે જ આપણે એક એવી યોજના લાવીશું કે થોડાકા માછીમાર ભાઈ બહેનો સાથે મળીને સંગઠીત થાય તો સરકાર તેમને લોન આપશે. ઓછા વ્યાજથી લોન આપશે અને રૂ.દોઢ કરોડ, બે કરોડની મોટી બોટ પણ તે લાવી શકશે. આ અંગેની વ્યવસ્થા કરવામાં આવશે અને તે જો દોઢ કરોડ, બે કરોડની મોટી બોટ રાખશે તો 10-12 નોટિકલ માઈલસપી દરિયામાં વધુ અંદર જઈ શકે, ત્યાં તો,દરિયાની અંદરતો માછલીઓનો પણ સાગર હોય છે, તે ઊંડા સમુદ્રમાં અંદર જશે તો જે કામ તે ત્રણ દિવસમાં કરી શકતા હતા તે કામ અડધા કે એક દિવસમાં પૂરૂ કરીને ત્રણ ગણી, ચાર ગણી કમાણી કરવાની વ્યવસ્થા કરીને પોતાના કાંઠે પાછા ફરી શકશે અને એમાં કોલ્ડ સ્ટોરેજ સહિતની તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ પ્રકારે આપણે વ્યવસ્થા કરીને આપણાં માછીમારોને આવી વ્યવસ્થા આપવા માંગીએ છીએ કે જેથી દરેક માછીમાર ભાઈ આવી વ્યવસ્થાનો ફાયદો ઉઠાવી શકે તેવી વ્યવસ્થા અમે આપવા માંગીએ છીએ. દરેક માછીમાર ભાઈ આવો ફાયદો મેળવીને આગળ વધી શકે છે. આવી વ્યવસ્થા માછીમારોની જીંદગી બદલી નાંખશે.

કંડલા પોર્ટની વાત કરીએ તો જે પ્રકારે તેનો વિકાસ થયો છે તેની વાત કરીશું. જ્યારે હું ગુજરાતનો મુખ્ય પ્રધાન હતો ત્યારે પણ કંડલા પોર્ટ હતું અને હાલત કેવી હતી તેની મને પૂરતી જાણકારી છે. અમે ભારત સરકારને જણાવતા હતા કે તેને પ્રાથમિકતા આપો, આ એક તક છે, પરંતુ તેમની યાદીમાં કંડલા બંદર નહોતું. જ્યારથી અમને ભારત સરકારમાં કામ કરવાની તક મળી છે ત્યારથી અમે ગુજરાતના બંદરોના વિકાસ અંગે એટલું જ ધ્યાન આપ્યું છે અને તેના કારણે આજે કંડલાનો વિકાસ જે પાછલા 25 વર્ષમાં થયો નથી તેટલો થયો છે. કંડલાનો આજે એટલી ગતિથી વિકાસ થઈ રહ્યો છે કે જેના કારણે લોકોને રોજી રોટી મળતી થઈ છે. આપણાં અલંગની વાત કરીએ તો કેટલા વર્ષોથી અલંગ અંગે ફરિયાદો રહેતી હતી. અલંગના વિકાસની ચર્ચાઓ થતી રહેતી હતી. અલંગમાં આરોગ્ય અંગે પણ ચર્ચા થતી હતી. એક રીતે કહીએ તો ભાવનગરનું અલંગ એ દુનિયામાં આપણી ઓળખ સમાન છે, પરંતુ સાથે સાથે પર્યાવરણના નામે ત્યાં ઘણાં પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સંસ્થાઓ નવા નવા સવાલો ઉભા કરતી રહેતી હતી. ભારત સરકારની એ જવાબદારી હતી એ આ બાબતે ચિંતા કરે અને મદદ કરે. અલંગમાં કામ કરતા મજૂરોની જીંદગીમાં થોડુ પરિવર્તન લાવે, એમના માટે કશુંક કરે. સતત પ્રયત્નો કર્યા પછી તે સમયની ભારત સરકારની ઊંઘ પણ હું ઉડાડી શક્યો ન હતો, પરંતુ આજે જ્યારે આપણને સેવા કરવાની તક મળી છે ત્યારે અમે પણ જાપાનની સાથે, લોકો જાપાનને માત્ર બુલેટ ટ્રેન માટે યાદ કરે છે. આ લોકો ભૂલી જાય છે કે જાપાનની સાથે આપણે પણ અલંગના વિકાસ માટે મોટી યોજનાઓ બનાવીને આગળ વધવાનું રહે છે અને તેને કારણે અલંગના મારા મજૂર ભાઈઓ-બહેનોની જીંદગીમાં ઘણું મોટું પરિવર્તન આવવાનું છે.

જે પરિવર્તનની દિશા અમે પકડી છે અને વિકાસના નવા નવા ક્ષેત્રો દ્વારા સામાન્ય માનવીના જીવનમાં પરિવર્તન લાવવાની અમે કોશિષ કરી રહ્યા છીએ તેનાથી એવું પરિણામ આવવાનું છે, માંગરોળ અને વેરાવળ આપણાં પરંપરાગત માછીમારીના મથક તરીકે ઓળખાય છે. હમણાં ભારતના આપણા રાષ્ટ્રપતિજી આવ્યા હતા. હું તેમનો ખૂબ જ આભારી છું કે તેમણે માંગરોળમાં આ કામને ગતિ આપવા માટે એક ખૂબ મોટી યોજનાની શિલારોપણ વિધિ કરી છે અને ઘણી મોટી યોજનાને આકાર આપ્યો છે. આ ફીશીંગ હબ આવનારા દિવસોમાં આ પૂરાએ બેટના આપણાં માછીમારીનાં ઉદ્યોગ માટે એક ખૂબ મોટી નવી તાકાત રૂપે ઉભરી આવશે. આપણાં સમગ્ર સાગરકાંઠાની બ્લુ ઈકોનોમી માટે, પ્રવાસનની ઈકોનોમી માટે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આપણે તેને આગળ વધારવાની છે અને સાથે સાથે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એટલે કે માનવ સંસાધનનો વિકાસ કરવાનો છે.
હું આજે ગુજરાતવાસીઓને એક ભેટ સોગાદ આપવાની જાહેરાત કરવા માંગુ છું. આ ભેટ માત્ર ગુજરાતની નથી, ભારતને પણ કામમાં આવે તેવી બાબત છે. પરંતુ એ આપણાં સાગરકાંઠે થશે અને દેવભૂમિ દ્વારકામાં થશે. આપણા સાગરકાંઠાની સુરક્ષા માટે મરીન પોલિસ એક એવુ ક્ષેત્ર છે કે જેને ભારત ખૂબ જ આધુનિક બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. સામાન્ય પોલિસની તુલનામાં ત્યાંની તાલિમ અલગ હોય છે, કારણ કે દરિયામાં, કાંઠાનાં5 કી.મી.ની સુધીનીસમગ્ર સુરક્ષા વ્યવસ્થા સાથે તે જોડયેલા હોય. આ રીતે દેશભરના મરીન પોલિસ ટ્રેનિંગની સંસ્થા, સંશોધન સંસ્થા બનશે જે દેશની સૌથી મોટી અને સૌથી પહેલી ઈન્સ્ટીટ્યુટ, આ દેવભૂમિ દ્વારકામાં મોજપની પાસે બનાવવામાં આવશે. દેશભરમાં જે રીતે જામનગરના હવાઈ મથક પર આપણી એક તાલિમ સંસ્થા છે. એરફોર્સ માટે આખાએ દેશના લોકો તેનો લાભ લઈ રહ્યા છે તે રીતે દેવ ભૂમિ દ્વારકાની આ મરીન પોલિસ ઈન્સ્ટીટ્યુટ પણ પૂરાએ ભારતના પોલિસોને ટ્રેનિંગ મળશે અને સાથે સાથે આ એક એવી ઈન્સ્ટીટ્યુટ હશે કે જયાં હજારો લોકો રહેતા હશે. આવન-જાવન ચાલુ રહેશે એટલી મોટી આર્થિક વ્યવસ્થા તેની સાથે તમે જોડાશે તેનો તમે સારી રીતે અંદાજ મૂકી શકો છો.

ભાઈઓ- બહેનો તમે સૌ દિવાળીની તૈયારીમાં લાગી ગયા છો અને ગુજરાતમાં દિવાળીનું પર્વ ઘણું વિશેષ ગણાય છે. વેપારીઓ માટે તેનું વિશેષ મહત્વ હોય છે. આજે મેં સમગ્ર દેશના છાપાઓમાં જોયું, એમાં હેડલાઈન હતી કે દિવાળી 15 દિવસ પહેલાં આવી પહોંચી છે. ચારે બાજુ દિવાળીનું વાતાવરણ ઉભુ થયું છે. કાલે અમે જીએસટી અંગે અત્યંત મહત્વના નિર્ણયો લીધા. અમે પહેલા દિવસે પણ કહ્યું હતું કે એકવાર લાગુ કર્યા પછી ત્રણ મહિના તેનો અભ્યાસ કરવામાં આવશે અને ત્રણ મહિનામાં જ્યાં જ્યાં તકલીફો પડતી હોય, વ્યવસ્થામાં ખામીઓ હોય, ટેકનોલોજીમાં ક્ષતિ હોય, નિયમોને કારણે કઠણાઈ ઉભી થતી હોય, દરો બાબતે ફરિયાદ હોય, વેપારી આલમને પ્રેક્ટીકલી કોઇ તકલીફ પડતી હોય તે બધા અંગે વિચારણા થશે, કારણ કે અમે નથી ઈચ્છતા કે દેશનો વેપારી આલમ રેડટીપીઝમમાં ફસાઈ જાય, ફાઈલોમાં ફસાઈ જાય. બાબુઓ અને સાહેબલોગગીરીમાં ફસાઈ જાય. આવું બધુ અમે ભારતમાં થાય તેમ ઈચ્છતા નથી અને એટલા માટે જ ત્રણ માસમાં જે કંઈ જાણકારી મળી તેના આધારે ગઈ કાલે અમારા નાણાં મંત્રીએ જીએસટી કાઉન્સિલમાં બધાંને મનાવીને ખૂબ મોટા અને મહત્વના નિર્ણયો લીધા છે. મને આનંદ છે કે એક સ્વરથી ભારતના દરેક ખૂણે તેનું સ્વાગત થયું છે. આ તો દેશની તાકાત છે. જ્યારે એક સરકાર પર વિશ્વાસ હોય છે. નિર્ણયોની પાછળ પ્રામાણિકતા નજરે પડતી હોય છે. કઠણાઈઓ પડવા છતાં પણ દેશ તન-મનથી તેની સાથે જોડાઈ જાય છે તેનો હું અનુભવ કરી રહ્યો છું અને એટલા માટે જ હું દેશવાસીઓનો આભારી છું કે જીએસટી સિમ્પલ ટેક્સને વધુ સરળ કરવેરો કરવાનો પ્રયાસ કર્યો છે. એનું જે સ્વાગત થયું છે તેને માટે હું તેમનો આભાર અને અભિનંદન વ્યક્ત કરૂં છું.

દ્વારકાના ભાઈઓ અને બહેનો. ભૂગર્ભમાં શ્રી કૃષ્ણની દ્વારકા, દેશવાસીઓ અને દુનિયાના લોકોની ઈચ્છા હતી કે મહાસાગરની અંદર જઈને મૂળ દ્વારકાથી તેનો સ્પર્શ કરીને પવિત્ર થવાય. મેં કેટલાંક નિષ્ણાંત વિદ્વાનોને આ કાર્યને શક્ય બનાવવા માટે કામગીરી સોંપી છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં રહ્યા, જ્યાંથી તેમણે શાસન કર્યું તે અતિ પ્રાચીન નગરના પત્થરોને સ્પર્શ કરીને આપણે પાછા ફરી શકીએ. પછી જોઈશું કે પૂરૂ ભારત આ દ્વારકામાં લાઇન લગાવીને ઉભેલુ જોવા મળી શકે છે.

વિકાસ માત્ર વાતોથી થતો નથી. એના માટે દ્રષ્ટી જોઈએ. દીર્ઘ દ્રષ્ટી જોઈએ. એના માટે સંકલ્પ કરવો પડે. સંકલ્પને સાકાર કરવા માટે ચરિતાર્થ કરવા માટે, જી જાનની બાજી લગાવવી પડે. અને આજે દેશના કોઈ પણ ખૂણામાંથી સામાન્ય નાગરિકને અમારી સરકારમાં આસ્થા છે. અમારી તરફ અપેક્ષા છે કે વિકાસ થાય. વિકાસનો લાભ તેમના સુધી પહોંચે. એમની ઈચ્છા છે કે એમની ભાવિ પેઢીઓ ગરીબીના વિષચક્રમાં ફસાઈ જાય નહીં. ગરીબીમાં જીંદગી પસાર કરવી પડે નહીં. અમારો પ્રયાસ છે કે ભલે વર્તમાન પેઢી ગરીબીમાં જીંદગી જીવવા માટે મજબૂર હોય, પણ તેમના સંતાનોને ગરીબીમાં જીંદગી પસાર કરવી ન પડે. આ પ્રકારની વિકાસ યાત્રા આજે ચાલી રહી છે અને અમે વિકાસના નવા માપદંડ બનાવી રહ્યા છીએ. આ પ્રકારે વિકાસ યાત્રા આગળ ચાલી રહી છે અને વિકાસના નવા માપદંડ બનતા જાય છે. એ પ્રકારની વિકાસ યાત્રા ચાલી રહી છે કે આજે સમગ્ર વિશ્વનું ધ્યાન ભારતે આકર્ષિત કર્યું છે. દુનિયાના લોકો મૂડી રોકાણ કરવા માટે આગળ આવ્યા છે અને તેના પરિણામે દેશના નવયુવાનો માટે રોજગારીની નવી નવી તકો ઉભી થશે. તેનાથી દેશના ખેડૂતોના જીવનમાં પરિવર્તનની સંભાવના ઉભી થઈ છે. ગુજરાતના ગામડાં સક્ષમ બને તેના માટે અલગ અલગ પ્રકારની પહેલ હાથ ધરવામાં આવી રહી છે. વિકાસની આ સફરમાં ગુજરાત આજે મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે. દેશના વિકાસમાં ગુજરાત આજે મોટી જવાબદારી નિભાવી રહ્યું છે. અને એટલા માટે હું ગુજરાતના લોકોને કોટી કોટી વંદન કરૂં છું. એમનો આભાર માનું છુ અને ગુજરાત સરકારને પણ આ વિકાસ પ્રક્રિયાને વધુ આગળ ધપાવવા માટે સહૃદય શુભેચ્છા પાઠવું છું.

જય દ્વારકાધીશ.

જય દ્વારકાધીશ.

જય દ્વારકાધીશ.

NP/J.Khunt/GP/RJ/RP