પીએમઇન્ડિયા
મારી સાથે પૂરી તાકાતથી બોલો, જય જય કેદાર.
દેવભૂમિ ઉત્તરાખંડનાં તમામ ભાઈ-બહેનોને મારાં સાદર નમસ્કાર. બાબા કેદારનાં આશીર્વાદ સૌ પર વરસતાં રહે, એ જ કામના છે.
ગઈકાલે દેશ અને દુનિયામાં દિવાળીનાં પાવન પર્વની ઉજવણી થઈ હતી. આ દિવાળીનું પવિત્ર પર્વે દેશ અને દુનિયામાં ફેલાયેલા આપણાં તમામ ભાઇ-બહેનોને કેદારનાથની આ પવિત્ર ધરતીમાંથી ઘણી શુભકામનાઓ આપું છું.
ગુજરાત જેવા દેશનાં કેટલાંક રાજ્યોમાં આજે નૂતન વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. નૂતન વર્ષાભિનંદન, સાલ મુબારક. વિશ્વભરમાં ફેલાયેલા અને આજે નૂતન વર્ષની શરૂઆત કરનારા તમામ પરિવારોને મારા તરફથી નવા વર્ષની ખૂબખૂબ શુભકામનાઓ આપું છું. તમને બધાને નૂતન વર્ષાભિનંદન, સાલ મુબારક. બાબાએ ફરી મને બોલાવ્યો છે. બાબનાં ચરણોમાં નમન કરવા એકવાર ફરી હું આવ્યો છું. ફરી જૂનાં લોકો મને મળ્યાં છે. તેમણે મારાં વિષયમાં જે સાંભળ્યું હતું, તે આજે મને ફરી યાદ કરાવતાં હતાં.
આ ગરુડ ચટ્ટી, જ્યાં જીવનનાં મહત્ત્વપૂર્ણ વર્ષ પસાર કરવાનું મને સૌભાગ્ય મળ્યું હતું. એ દિવસોમાં હું આ માટીની સાથે હું એકાકાર થઈ ગયો હતો. પણ કદાચ બાબાની ઇચ્છા નહોતી કે હું એમનાં ચરણોમાં જીવન પસાર કરું એટલે બાબાએ મને પાછો મોકલી દીધો. કદાચ બાબાએ નક્કી કર્યું હશે કે, એક બાબા તો શું, દેશમાં સવા સો કરોડ બાબાઓ છે, એમની સેવા કરૂ. આપણે ત્યાં કહેવાય છે કે – જનસેવા એ જ પ્રભુસેવા. એટલે આજે મારાં માટે સવા સો કરોડ દેશવાસીઓની સેવા જ બાબાની સેવા છે, આ બદ્રી વિશાલની સેવા છે, આ મંદાકિનીની સેવા છે, આ ગંગા માતાની સેવા છે. એટલે આજે ફરી એક વાર અહીંથી સંકલ્પબદ્ધ થઈને, અહીં નવી ઊર્જા પ્રાપ્ત કરીને, ભોલે બાબાનાં આશીર્વાદ લઈને પૂર્ણ પવિત્ર મનથી, દ્રઢ સંકલ્પ સાથે 2022માં ભારતની આઝાદીનાં 75માં વર્ષે દરેક હિંદુસ્તાનીનો સંકલ્પ, દરેક હિંદુસ્તાનીનાં દિલમાં દુનિયામાં હિંદુસ્તાનને ટોચનાં સ્થાને પહોંચાડવાનો ઇરાદો, બાબાનાં આશીર્વાદથી દરેક હિંદુસ્તાનીમાં ચેતના જાગશે. દરેક હિંદુસ્તાની એ સંકલ્પને સાકાર કરવા તન-મનથી લાગી જશે.
આ સંકલ્પ સાથે હું સૌપ્રથમ આ પવિત્ર ધરતી પર જ્યાં કુદરતી આપત્તિમાં અનેક લોકો માર્યા ગયા હતાં, દેશનાં દરેક રાજ્યમાંથી એક યા બીજી વ્યક્તિએ પોતાનો દેહ છોડી દીધો હતો અને બાબાની ધરતીમાં સમાઈ ગયા હતાં, તેમને વંદન કરું છું. એ તમામ આત્માઓને હું આજે આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેઓ દેશનાં તમામ રાજ્યોનાં લોકો હતાં. એ સમયે હું સ્વાભાવિક રીતે સંવેદનશીલ થઈ ગયો હતો અને શક્ય તેટલી મદદ કરવાનો સંકલ્પ કર્યો હતો. તે સમયે હું એક રાજ્યનો મુખ્યમંત્રી હતો, બીજા રાજ્યમાં દખલગીરી કરવાનો ન મને અધિકાર છે, ન હું એવું વિચારી શકું છું. પણ હું મારી જાતને રોકી શક્યો નહોતો. મેં સારી કામગીરી કરી હતી કે ખરાબ કામગીરી કરી હતી – એ તો ઇતિહાસ જ નક્કી કરશે. પણ એ પીડિતો સુધી પહોંચવાનો મેં નિર્ધાર કર્યો હતો અને મારાં મનને હું રોકી શક્યો નહોતો. એટલે હું દોડી આવ્યો હતો.
તે સમયે મેં તત્કાલિન સરકારને પ્રાર્થના કરી હતી કે તમે ગુજરાત સરકારને કેદારનાથનું પુનનિર્માણ કરવાનું કામ સુપરત કરી દો. હું દેશવાસીઓનું સ્વપ્ન સાકાર કરીશ. જ્યારે અમે રૂમમાં બેઠા હતાં, ત્યારે એ સમયનાં મુખ્યમંત્રી સંમત થઈ ગયા હતાં, તમામ અધિકારી તૈયાર થઈ ગયાં હતાં. તેમણે કહ્યું હતું કે, સારૂ, મોદીજી, જો ગુજરાત જવાબદારી લે તો સારૂ અને મેં આનંદ સાથે બહાર નીકળીને મીડિયા સામે મારો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. અચાનક ટીવી પર સમાચાર આવ્યાં કે મોદી હવે કેદારનાથનાં પુનનિર્માણની જવાબદારી લઈ રહ્યાં છે. પછી ખબર નહીં કે દિલ્હીમાં તો તોફાન આવી ગયું. એક કલાકમાં તો રાજ્ય સરકાર પર એવું દબાણ કર્યું કે રાજ્ય સરકારને તાત્કાલિક જાહેરાત કરવી પડી હતી કે અમારે ગુજરાતની મદદની જરૂર નથી, અમે કામ પાર પાડી દઈશું. મને કોઈ વાંધો નહોતો. દિલ્હીમાં બેઠેલા લોકોને પરેશાની હોય, તો મારે શા માટે તેમને હેરાન કરવા? પણ કદાચ બાબાએ નક્કી કર્યું હતું કે આ કામ બાબાનાં પુત્રનાં હાથથી જ થશે.
જ્યારે ભારતીય જનતા પક્ષની સરકાર બની, ઉત્તરાખંડનાં લોકોએ ભરપૂર સમર્થન કર્યું, ત્યારે મને વિશ્વાસ બેસી ગયો હતો કે આ કામ બાબા મારા હાથે જ થાય એવું ઇચ્છે છે. એટલે કપાટ ખુલતાં જ હું આવ્યો હતો, મનમાં સંકલ્પ કરીને ગયો હતો અને કપાટ બંધ થાય એ અગાઉ પહોંચી ગયો હતો. હું બાબાનાં શ્રીચરણોમાં એક વખત ફરી નિવેદન કરૂ છું કે, કેદારનાથની ભૂમિને અનુકૂળ ભવ્ય પુનનિર્માણનું આજે ભૂમિપૂજન થઈ રહ્યું છે. અમે પુનનિર્માણની યોજના તૈયાર કરી દીધી છે, જેનાં કેન્દ્રમાં એક નિશ્ચિત સમયમર્યાદામાં તીર્થક્ષેત્ર કેવું ભવ્ય હોય, અહીંનાં પુરોહિતો માટે કેવી વ્યવસ્થા હોવી જોઈએ, પંડિતોની તમામ જરૂરિયાતોનું ધ્યાન કેવી રીતે રાખી શકાય, તેમણે જે મુશ્કેલીઓ વેઠી છે તેનાંથી પણ વધારે સારું જીવન તેમને મળે – વગેરે તમામ વ્યવસ્થાને કેન્દ્રમાં રાખવામાં આવી છે. મેં સતત બેઠકો કરી છે, મેં દરેક બાબતોને ઝીણવટપૂર્વક જોઈ છે, ડિઝાઇન કેવી હશે, શિલ્પકામ કેવું હશે? આપણે ત્યાં જે ધાર્મિક શિલ્પકામ હોય છે, મંદિરોનું શિલ્પકામ હોય છે, તે તમામ નીતિનિયમોનું પાલન કરીને પુનનિર્માણ કેવું થશે? આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તેનાં વિકાસનું ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે.
હવે પુરોહિતોને જે મકાન મળશે, એ એક રીતે થ્રી-ઇન-વન હશે. નીચે જે યાત્રાળુઓ આવશે તેમની સેવા માટે જે વ્યવસ્થા કરવી જોઈએ, તેનાં માટે તમામ સુવિધા ઊભી થશે. ઉપરનાં માળે તેઓ પોતે રહેશે, અને તેનાં અન્ય માળ પર જે પુરોહિત છે, તેમનાં જે યજમાન આવે છે, તેમને ત્યાં જે મહેમાન આવે છે, તેમનાં માટે પણ રહેવાની વ્યવસ્થા હશે. 24 કલાક વીજળી હશે, પાણી હશે, સ્વચ્છતાની સંપૂર્ણ વ્યવસ્થા હશે અને આ આખા રોડને પહોળો કરવામાં આવશે તથા ત્યારબાદ પુરોહિતો માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
બહુ મોટા પાયે યાત્રાળુઓનાં આગમન પછી તમને પૂજા કરવી હોય, પ્રસાદ લેવો હોય, કેટલાંકને તીર્થધામમાંથી ભેટની ચીજવસ્તુઓ લેવી હોય – તો આ તમામ માટે અહીં વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. પોસ્ટ ઓફિસ, બેંક, ટેલીફોન માટે વ્યવસ્થા, કમ્પ્યુટરનો ઉપયોગ કરવાની વ્યવસ્થા – આ તમામ જોગવાઈ ઊભી થશે.
અહીં આજે એક રીતે પાંચ યોજનાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. એક – આ આખા માર્ગને પહોળો કરવામાં આવશે, આરસીસીનો બનાવવામાં આવશે અને તે તમામ આધુનિક વ્યવસ્થાઓ ધરાવતો હશે. યાત્રાળુઓ આવશે, જ્યારે ચાલવાનું શરૂ કરશે, જે પ્રહરમાં આવશે, તે જ પ્રહરનો મંદ સ્વર મંદાકિનીનાં કિનારેથી તે સંગીતને સાંભળતો, ભક્તિમય થતો તે આ બાજુ ચાલવા લાગશે.
મંદાકિની ઘાટની રિટેઇનીંગ વૉલનું નિર્માણકાર્ય પણ થશે. અહીં બેસીને યાત્રાળુઓ ખળખળ વહેતી નદીનું સંગીત સાંભળી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. મેં કહ્યું તેમ અહીં ભવ્ય એપ્રોચ રોડ બનશે. અને તેના પર વિજળીની વ્યવસ્થા પણ એ મુજબ કરવામાં આવશે કેમ કે, મંદાકિની પાસે રિટેઇનીંગ વૉલ અને એક ઘાટ નિર્માણ થશે, કારણ કે બંને તરફ જળશક્તિનો અનુભવ થાય છે, જળસ્ત્રોતનો અનુભવ થાય છે. તો એક તરફ હશે માતા સરસ્વતી, તેની રિટેઇનીંગ વૉન અને તેનાં ઘાટનું નિર્માણ પણ કરવામાં આવશે. અને તેની પાછળ પણ રોકાણ કરવામાં આવશે.
એક અન્ય શ્રદ્ધાની વાત કરું. લગભગ અઢી હજાર વર્ષ અગાઉ કાગડીમાં જન્મેલ એક સાત વર્ષનો બાળક ગૃહત્યાગ કરીને નીકળી જાય છે. હિમાચલ, કાશ્મીરથી કન્યાકુમારી – એમ ભારતમાતાનું ભ્રમણ કરે છે. દરેક વિસ્તારની માટીનું તિલક કરીને કેદાર પહોંચે છે અને પોતાનાં જીવનની લીલા અહીં જ સમેટી લે છે. જે આદિ શંકરાચાર્યએ એક વિચારધારાને જન્મ આપ્યો, જે ચિંતનધારાએ સેંકડો વર્ષો સુધી ભારતીયોને પ્રેરણા આપી, તેમને પ્રભાવિત કર્યા, તેમનું સમાધિસ્થળ પણ આપત્તિમાં નાશ પામ્યું. તેની ડિઝાઇન પર કામ ચાલી રહ્યું છે. હું શ્રદ્ધા અને સ્થાપત્યનો સમન્વય કરવા ઇચ્છું છે કે, આદિશંકરનું ભવ્ય અને દિવ્ય સ્થાન બનશે, તેમનું સમાધિસ્થળ બનશે. તે કેદારથી અલગ હશે એવું જરાં પણ માનશો નહીં. પણ યાત્રાળુઓને આદિશંકર પાસે જતાં જ એ મહાન તપસ્યાની પરંપરાની આધ્યાત્મિક ચેતનાની અનુભૂતિ થશે. આ પ્રકારનાં સ્મારકની રચના કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. આજે તેનું ભૂમિપૂજન પણ થઈ રહ્યું છે.
હું જાણતો હતો કે ખર્ચ થશે, પણ મને પૂરી ખાતરી છે કે જો એક વખત હિંદુસ્તાનનાં યાત્રાળુ શ્રદ્ધા સાથે નક્કી કરે તો જે પ્રકારનું પુનર્નિર્માણ કરવું છે, એવું જ પુનર્નિર્માણ કરવામાં આ દેશમાં ધનની ખોટ નહીં પડે. મને વિશ્વાસ છે. હું દેશનાં વિવિધ રાજ્યોની સરકારોને પણ તેમાં સહભાગી થવા આમંત્રણ આપું છું. હું સીએસઆર અંતર્ગત ઉદ્યોગજગતનાં લોકોને પણ, વેપારજગતનાં લોકોને પણ સાથસહકાર આપવા અપીલ કરૂ છું.
હું જેએસડબ્લ્યુ નો આભારી છું. તેમણે પ્રારંભિક કામ માટે જવાબદારી સંભાળવાનું નક્કી કર્યું છે. પણ જે રીતે મારાં મનમાં નવા નવા વિચારો આવે છે, નવી નવી ચીજો જોડાતી જાય છે, એ માટે હું સીએસઆર અંતર્ગત લોકોને આગળ આવવા આગ્રહ કરીશ.
જ્યારે આટલા મોટા પાયે રોકાણ થશે, આટલા મોટા પાયે નિર્માણનું કામ થશે, તેમાં પર્યાવરણનાં તમામ નિયમોનું પાલન થશે. અહીંનો રસ, પ્રકૃત્તિ, પ્રવૃત્તિ અનુસાર જ તેનું પુનર્નિર્માણ કરવામાં આવશે. તેમાં આધુનિકતા આવશે, પણ તેનો આત્મા સદીઓની કેદારની ધરતીનો હશે. આ પ્રકારનું પુનનિર્માણ કરવાની દિશામાં કામ થશે.
જ્યારે હું અહીં કપાટ ખુલવાનાં સમયે આવ્યો હતો, ત્યારે તેની પાછળ મારો આશય દેશને એ સંદેશ આપવાનો હતો કે એ કુદરતી આફતમાંથી આપણે બહાર નીકળી ગયા છીએ. યાત્રાળુઓ ઘરેથી નીકળતાં અગાઉ વિચારતાં હતાં કે ત્યાં અત્યારે વ્યવસ્થા ઊભી થઈ હશે કે નહીં. જઈ શકીશું કે નહીં. એટલે યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો થઈ ગયો હતો. પણ મને આનંદ છે કે લગભગ સાડા ચાર લાખથી વધારે યાત્રાળુઓ આટલા ઓછા સમયમાં બાબાનાં ચરણોમાં આવ્યાં. એક વખત ફરી અહીં યાત્રામાં પુનઃપ્રાણનો સંચાર થઈ ગયો. એટલે આગામી વર્ષે ઓછામાં ઓછા 10 લાખ યાત્રાળુઓ આવશે, લખી રાખજો. લોકોને વિશ્વાસ બેસી ગયો છે, સંદેશ પહોંચી ગયો છે, ટીવી પર સમગ્ર દેશે જોયું છે અને આજ આ કાર્યક્રમથી એકવાર સંદેશ પહોંચી જશે કે જ્યારે કપાટ ખુલશે, યાત્રાનો પ્રારંભ થશે, ત્યારે એ જ તાકાત સાથે ફરી યાત્રાળુઓનું મોટી સંખ્યામાં આગમન થશે. એકવાર ફરી આપણી દેવભૂમિ ઉત્તરાખંડ, આપણી વીરભૂમિ ઉત્તરાખંડ જીવંત થઈ જશે, મારી વીર માતાઓની શ્રદ્ધા વ્યક્ત કરવા માટે આનાથી વિશેષ સ્થાન અન્ય કયું હોઈ શકે.
આપણા દેશમાં હિમાલય અતિ વિશિષ્ટ છે. વિકાસ માટે આટલી સંભાવનાઓ અને હિમાલયનાં દરેક વિસ્તારમાં તેની અલગ ચેતના છે. જો શ્રીનગરમાં જાવ, તો હિમાલયની અલગ અનુભૂતિ થાય છે. માતા વૈષ્ણોદેવી અને અમરનાથ જાવ તો અલગ આધ્યાત્મિક ચેતના અનુભવાય છે. હિમાચલપ્રદેશમાં એ જ હિમાલય, શિમલા, કુલ્લુ, મનાલીમાં તમને બીજો જ અનુભવ મળે છે. પણ હિમાલયની ગોદમાં વસેલા ઉત્તરાખંડની ધરતી પર આવો તો દિવ્ય ચેતનાનો અનુભવ થાય છે. આ જ હિમાલયનાં દાર્જિલિંગમાં જાવ તો અલગ અનુભવ મળે છે, સિક્કિમમાં જાવ તો બીજો અનુભવ મળે છે. તમે કલ્પના કરો કે હિમાલય એક, પર્વતમાળા પણ એક, એ જ બરફ, પણ અલગઅલગ વિસ્તારમાં જુદી જુદી ચેતનાનો અનુભવ થાય છે.
હું હિમાલયની ગિરિકંદરાઓમાં બહુ ફર્યો છું. મેં દરેક વિસ્તારમાં અલગ ચેતના અનુભવી છે. મને ખબર નથી કે વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં કયા માપદંડો પર કોને કેવી રીતે માપવામાં આવે છે, પણ મેં જે રીતે હિમાલયનો અનુભવ કર્યો છે, તે હિમાલય દુનિયાની દરેક વ્યક્તિને અલગ અનુભવ આપે છે. જો કોઈને વનસંપત્તિમાં રસ હોય, તો જીવન ખૂટી જાય એટલી વિવિધતા છે. કોઈને પર્વતારોહણમાં રસ હોય, તો હિમાલય આખી દુનિયાનાં પર્વતારોહિઓ ને આવકારે છે. કોઈને અહીંનાં જળપ્રવાહોમાં રસ પડે છે. હું દુનિયાનાં જળસ્ત્રોતોમાં રસ ધરાવતા તમામને આવકારું છું. જેમને જડીબુટ્ટીઓમાં રસ હોય તેમનાં માટે હિમાલયમાં નવી ચેતનાનો અનુભવ થાય છે. અહીંનાં ગામનાં લોકો જડીબુટ્ટીઓનો ઉપયોગ જાણે છે. મેં જોયું છે કે જો કોઈને વીંછી ડંખ મારે, તો ગામનો કોઈ માણસ તરત જ કોઈ જડીબુટ્ટી લગાવીને તેનું ઝેર ઉતારી દે છે. એટલે તેની અંદર જેટલાં ઉતરો તેટલી જ નવી દુનિયાનાં દર્શન તમને થાય છે. એટલે દેહરાદૂનની અંદર આપણી કુદરતી સંપત્તિનું સંશોધન કરવા ભારત સરકારે મોટુ કામ શરૂ કર્યું છે, જે આગળ જઈને મોટી સફળતા મેળવશે.
આપણી હિમાલયની પર્વતમાળાઓ ઓર્ગેનિક ફાર્મીંગ માટે આખાં વિશ્વ માટે એક બહુ મોટી સંભાવના ધરાવે છે. સિક્કિમ નાનું રાજ્ય છે. તેની કુલ વસતિ 6 થી 7 લાખ છે, પણ અહીં દર વર્ષે 12 થી 15 લાખ પ્રવાસીઓ આવે છે. અહીં આવવા-જવા માટેનાં માર્ગો પણ દુર્ગમ છે. એક પણ એરપોર્ટ નથી. હવે અમે ત્યાં એરપોર્ટ બનાવી રહ્યાં છીએ, જે થોડાં સમયમાં તૈયાર થઈ જશે. સિક્કિમ આખું રાજ્ય ઓર્ગેનિક કે જડીબુટ્ટીઓથી સભર છે
10થી 12 વર્ષ સુધી સતત આંતરરાષ્ટ્રીય માપદંડો સાથે કામ કરવામાં આવ્યું છે. હિમાલયની સંપૂર્ણ પર્વતમાળાને રાસાયણિક ખાતરથી મુક્ત કરાવવા હિમાલયની પર્વતમાળાઓમાં વસેલા તમામ રાજ્યોમાં કુદરતી ખાતરનો જ ઉપયોગ, રાસાયણિક ખાતરને છંટકાવ જ બંધ. જો 10 થી 12 વર્ષ ધૈર્ય સાથે કામ કરવામાં આવે, તો જે ઉત્પાદનમાંથી આપણને એક રૂપિયો મળે છે, તેનો જ દુનિયા એક ડોલર આપશે. આ ઓર્ગેનિક ફાર્મિંગની તાકાત છે.
હું ઉત્તરાખંડને આવકાર આપું છું. ઉત્તરાખંડની સરકારને આગ્રહ કરું છું, હું ઉત્તરાખંડનાં અધિકારીઓને આગ્રહ કરું છું કે બીડું ઝડપે. ઉત્તરાખંડને ઓર્ગેનિક સ્ટેટ બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા કામ કરે, વર્ષ 2022ને લક્ષ્યાંક બનાવે અને અત્યારથી જ કામે લાગી જાય. સર્ટિફાઈ કરવામાં કદાચ 10 વર્ષ લાગી જશે. તેનાં નિયમ હોય છે. પણ એક વાર નક્કી કરી લો કે જનજાગૃતિ લાવવામાં આવે, પછી જુઓ ચીજો બદલાશે. તમે કલ્પના કરી શકો છો કે અત્યારે આખી દુનિયા સંપૂર્ણ હેલ્થકેર તરફ વળી રહી છે. આપણે રસાયણોની દુનિયાથી દૂર આપણી ખેતપેદાશ પર કામ કરીશું તો આપણે માનવજાતિની કેટલી મોટી સેવા કરીશું. હિમાલયની આ તાકાતને આગળ વધારવાની છે.
પ્રવાસન માટે બહુ મોટી સંભાવના છે. તેની આધ્યાત્મિક તાકાતને જરાં પણ નુકસાન ન થવું જોઈએ. તેની સાથે સાથે પ્રવાસન ક્ષેત્રને વિકસાવી શકાશે. નવાનવા ક્ષેત્રો વિકસિત કરી શકાશે. કુદરતનું પણ રક્ષણ થાય, પર્યાવરણનું પણ રક્ષણ થાય અને પરમાત્મા પ્રત્યે શ્રદ્ધાનો ભાવ પણ બન્યો રહેશે.
આપણે ત્યાં પર્વતોમાં એક કહેવત છે. કહેવાય છે કે પહાડની આગવી પ્રકૃતિ હોય છે. પહાડની જવાની અને પહાડનું પાણી ક્યારેય પહાડને કામ આવતું નથી. અમે બીડું ઝડપ્યું છે – આ કહેવતને બદલી નાંખવાનું. પહાડની જવાની પહાડને કામ લાગવી જોઈએ, પર્વતનું પાણી પર્વતને કામ લાગવું જોઈએ. તે જ પાણીથી વીજળી પેદા થવી જોઈએ. તે જ પાણી પર adventure tourism વિકસવું જોઈએ. તે જ પાણી પર water sports ચાલવું જોઈએ. તે જ પાણી પર પ્રવાસનનાં નવા નવા ક્ષેત્રો વિકસવા જોઈએ અને દુનિયાભરનાં લોકોને આવકારવાનું સામર્થ્ય એ પાણીમાં હોવું જોઈએ અને જે પાણી પર્વતને ક્યારેય કામ આવતું નહોતું, એ જ પાણી પર્વત માટે ઉપયોગી થવું જોઈએ. જે યુવાનો પર્વતમાંથી ઉતરીને નીચે મેદાની વિસ્તારોમાં ભળી જાય છે. રોજીરોટી પેદા કરવા માટે આપણે પર્વતોમાં એ તાકાત પેદા કરીએ, જેથી આપણાં યુવાનોને ક્યારેય પર્વત છોડવાનો સમય જ ન આવે. પર્વતોની યુવાની પર્વતને કામ આવે, આ કામ કરવાની દિશામાં એક પછી એક પગલું ભારત સરકાર ઉઠાવી રહી છે.
ઉત્તરાખંડની સરકારે આટલા ઓછા સમયમાં, આટલા મહત્ત્વપૂર્ણ નિર્ણયો માટે, મોટા પાયે પહેલ કરી છે અને તેનું જ પરિણામ છે કે અત્યારે વિકાસ એક નવી ઊંચાઈ તરફ અગ્રેસર છે. એક નવો આત્મવિશ્વાસ પેદા થઈ રહ્યો છે.
ઉત્તરાખંડ પાસે બહુ સામર્થ્ય છે. આ શિસ્ત અહીંની રગોમાં છે. અહીં એક પણ કુટુંબ એવું નથી કે જેણે કોઈ સૈનિક ન આપ્યો હોય. કોઈ ગામ એવું નથી, જ્યાં 250થી 300 નિવૃત્તિ સૈનિકો ન હોય અને જ્યાં સૈનિકો આટલી મોટી સંખ્યામાં હોય ત્યાંની શિસ્ત કાબિલેદાદ હોય છે. યાત્રાળુઓ માટે આ શિસ્ત બહુ મોટો આધાર છે. પ્રવાસીઓ માટે આ શિસ્ત બહુ મોટી તાકાત છે. આપણે તેનો પરિચય કરાવવાનો છે. આ માટે આપણે યોજના બનાવી જોઈએ. આપણાં નિવૃત્ત સૈનિકોને તેના અનુભવનો ઉપયોગ કરવા, પ્રવાસીઓમાં એક નવો વિશ્વાસ પેદા કરવા એક એવી વ્યવસ્થા કરવી જોઈએ, જે બીજા માટે એક મોટો આધાર બની શકે છે. બહુ મોટી સંભાવના છે. આ સંભાવનાઓ સાથે ઉત્તરાખંડનો વિકાસ, ઉત્તરાખંડ દેશ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બને, સૌથી પ્રિય પ્રવાસન સ્થળ બને, પ્રવાસન માટે ઉત્તરાખંડ, પ્રવાસીઓ માટે ઉત્તરાખંડ, એડવેન્ચર માટે ઉત્તરાખંડ, ઉત્તમ પ્રકૃતિ માટે, પ્રકૃતિની ગોદમાં રહેવાની ઇચ્છા માટે ઉત્તરાખંડ, સંશોધન માટે ઉત્તરાખંડ.
આ ધરતીમાં આ તાકાત છે. હું તમને બધાને આવકાર આપું છું. આ દિવાળીનાં દિવસોમાં, નૂતન વર્ષનાં પ્રારંભમાં હિંદુસ્તાનનાં લોકો જૂનો હિસાબ પૂરો કરે છે અને નવી શરૂઆત કરે છે. આજે વિકાસની નવી શરૂઆત થઈ રહી છે. આજે વિકાસની ગાથા શરૂ થઈ રહી છે. મેં આજે પણ અનેક સૂચનો કર્યા છે. રાજ્ય સરકાર તેને ફરી જોશે. ફરી એકાદ મહિનામાં તમને મળવા આવીશ. જે ચીજવસ્તુઓ મારા મનમાં આ વિસ્તારને લઈને આકાર લઈ રહી છે તેને હું બળ આપીશ. પણ આપણા બધાની જવાબદારી છે – પર્યાવરણનું રક્ષણ કરવાની. જો આપણે પર્યાવરણનું રક્ષણ કરીશું, તો પર્યાવરણ આપણું રક્ષણ કરશે. હું ખાતરી આપું છું. જો આપણે પ્રકૃતિનું રક્ષણ કરીશું, તો પ્રકૃતિ આપણું રક્ષણ કરશે. હું તમને ખાતરી આપું છું.
સદીઓથી ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે જ્યારે જ્યારે પ્રકૃતિનું રક્ષણ થયું છે, ત્યારે ત્યારે પ્રકૃતિએ કોઈ મુશ્કેલી ઊભી કરી નથી. જ્યાં પર્યાવરણનું રક્ષણ થયું, ત્યાં કોઈ મુશ્કેલી પેદા થઈ નથી. આ એ જ ધરતી છે, જ્યાંથી આપણને એ શક્તિ મળી છે.
આપણે એક બીડું ઝડપ્યું છે, લાકડાનાં ચુલામાંથી લોકોને મુક્તિ અપાવવાનું. જંગલ કાપવાનું બંધ કરવા માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાથી અતિ ગરીબ પરિવારમાં ગેસનો ચુલો પહોંચાડવો, ગેસનો સિલિન્ડર પહોંચાડવો. પર્યાવરણનું રક્ષણ કરવા મોટું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ઉત્તરાખંડ અને ભારત સરકારે મળીને ઉત્તરાખંડમાં આ કામ બહુ મોટા પાયે આગળ વધાર્યું છે.
હવે બીજું બીડું ઝડપ્યું છે. હિંદુસ્તાનમાં અત્યારે ચાર કરોડ પરિવાર એવા છે, જેમનાં ઘરમાં વીજળી નથી. તેઓ આજે પણ 18મી, 19મી સદીમાં જીવવા માટે મજબૂર છે. આ 21મી સદી છે, ગરીબમાં ગરીબ પરિવારને પણ વીજળી મળવી જોઈએ. ગરીબ પરિવાર પણ રાત્રે બાળકોને ભણાવે છે તો તમે જ કહો કે વીજળી મળવી જોઈએ કે નહીં? ગરીબોને પણ ઘંટીમાં લોટ દળવો હોય તો તેમને 10 કિલોમીટર દૂર જવું પડે છે. તેનાં બદલે ગામમાં ઘંટી હોય, વીજળીથી ચાલતી ઘંટી હોય તો ઘઉં દળવાનું કામ, બાજરો દળવાનું કામ સરળ થઈ જશે. ગરીબોનાં જીવનમાં પરિવર્તન લાવવા માટે પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજનાથી ચાર કરોડ પરિવારોમાં ઘરની અંદર કનેક્શન આપવાનું બીડું મેં ઝડપ્યું છે. ઉત્તરાખંડમાં પણ અત્યારે હજારો પરિવારો છે, જેમને ત્યાં વીજળી પહોંચતી નથી.
હું ઉત્તરાખંડ સરકારને આવકાર આપું છું કે ભારત સરકારનાં આ અભિયાનને ઉપાડી લે. રાજ્યો વચ્ચે સ્પર્ધા થાય, કયું રાજ્ય સૌભાગ્ય યોજના પૂર્ણ કરશે એ દિશામાં દોટ મૂકવી જોઈએ. કયું રાજ્ય સૌપ્રથમ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને સફળ બનાવશે એ માટે રાજ્યો વચ્ચે સ્પર્ધા થવી જોઈએ. કયું રાજ્ય પ્રવાસનને આગળ વધારશે એ માટે સ્પર્ધા થવી જોઈએ. આગામી સમયમાં વિકાસનાં ક્ષેત્રમાં દરેક રાજ્યો વચ્ચે સ્વસ્થ સ્પર્ધા થવી જોઈએ. હું હિમાલયની પર્વતમાળામાં વસેલા તમામ રાજ્યોને સ્પર્ધા કરવા આવકારું છું. હું દેશનાં તમામ રાજ્યોને આવકારું છું. આવો, એક રાજ્ય બીજા રાજ્ય સાથે સ્વસ્થ સ્પર્ધા કરે અને વિકાસની નવી ઊંચાઈ સર કરે.
હું ઉત્તરાખંડને અભિનંદન આપું છું – શૌચાલય, ખુલ્લામાં શૌચમાંથી મુક્તિ અપનાવવા બદલ. થોડાં દિવસો અગાઉ મને જણાવવામાં આવ્યું કે ઉત્તરાખંડનાં ગ્રામીણ ક્ષેત્રોમાં શૌચાલયનું કામ પૂરું થઈ ગયું છે. હવે ગામમાં કોઈને ખુલ્લાંમાં શૌચક્રિયા કરવા જવું નહીં પડે. શહેરોમાં કામ ચાલી રહ્યું છે. થોડાં સમયમાં શહેરસહિત આખું ઉત્તરાખંડ ખુલ્લામાં શૌચાલયથી મુક્ત થઈ જશે અને તેની તૈયારી ચાલી રહી છે.
અત્યાર સુધી તમે કામને જે વેગ આપ્યો છે, એના માટે હું તમને અભિનંદન આપું છું. પણ મારો આગ્રહ છે કે તેને મિશન મોડમાં ચલાવો. નગરોમાં પણ કોઈને ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર ન થવું પડે.
થોડાં દિવસ અગાઉ હું ઉત્તરપ્રદેશ ગયો હતો. ઉત્તરપ્રદેશમાં યોગીજીની સરકારે મોટું બીડું ઝડપ્યું છે. તેમણે હવે શૌચાલયનું નામ જ બદલી નાંખ્યું છે. ત્યાં શૌચાલયને શૌચાલય કે સંડાસ કહેવામાં આવતું નથી. તેમણે શૌચાલયનું નામ ઇજ્જતઘર રાખ્યું છે. તેમણે શૌચાલયનું નામ બદલીને ઇજ્જતઘર કરી નાંખ્યું છે.
મારું માનવું છે કે જે માતા અને બહેનોને ખુલ્લામાં શૌચાલયે જવું પડે છે તેઓ સારી રીતે જાણે છે કે ઇજ્જતઘર એટલે શું. તેનો અર્થ શું છે. અમે પણ આ ઇજ્જતઘરનું અભિયાન ચલાવ્યું છે. માતાઓ અને બહેનોને ઇજ્જત આપવા માટે શૌચાલય એક બહુ મોટી સુવિધા છે. તેમનાં આરોગ્ય માટે પણ મોટી સુવિધા છે. યુનિસેફે તાજેતરમાં એક સર્વે કર્યે છે. હિંદુસ્તાનનાં 10,000 ગામડાઓનો સર્વે કર્યો છે. જે ઘરોમાં શૌચાલયો બન્યાં હતાં અને જે ઘરોમાં શૌચાલયો બન્યાં નહોતા એનો અભ્યાસ કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની આ સંસ્થાને અભ્યાસમાં જાણવા મળ્યું કે શૌચાલયો ન બનવાને કારણે વિવિધ પ્રકારની બિમારીઓ થાય છે અને બિમારીને કારણે બાળકોની તબિયત બગડે છે. મા-બાપ વ્યસ્ત હોય છે, બાળકો સ્કૂલે જઈ શકતાં નથી. રોજીરોટી કમાવવા માટે પિતા બહાર હોય છે અને ઘરે આવી શકતાં નથી. માતા બિમાર પડે તો આખાં કુટુંબની હાલત ખરાબ થઈ જાય છે. ઘરમાં પિતા બિમાર પડે તો આજીવિકા જ બંધ થઈ જાય છે. આ બધું જોઈને તેમણે સર્વે કર્યો કે જો શૌચાયલ નહીં બને તો બિમારીનો જે ખર્ચ થાય છે અને શૌચાલય બની જાય તો યુનિસેફે સર્વે કરીને અભ્યાસ કર્યો કે ગરીબ પરિવારની બિમારી પાછળ 50,000 રૂપિયાને ખર્ચ થાય છે. તમે વિચારો એક પરિવારમાં વર્ષે રૂ. 50,000ની બચત થાય, તો એ કુટુંબનાં જીવનને કેટલું મોટું પીઠબળ મળે.
એક શૌચાલય જીવન બદલી શકે છે અને આ માટે આખા દેશમાં જેટલી શ્રદ્ધા સાથે બાબા કેદારનાથનાં ધામનું નિર્માણ થાય છે, તેટલી શ્રદ્ધા સાથે મારે હિંદુસ્તાનનાં ગરીબો માટે શૌચાલય બનાવવાનું અભિયાન ચલાવવાનું છે. મારો દેશ ત્યારે જ આગળ વધશે. એ જ ભાવને લઈને આપણે આગળ વધવાનું છે.
હું એક વાર ફરી ઉત્તરાખંડની સરકારને અભિનંદન આપું છું, તેમનો આભાર માનું છું. દેશભરનાં ચાર ધામની યાત્રા પર આવતાં લોકો, જેમને ખબર છે કે અમે ચાર ધામને જોડનાર રૂ. 12,000 કરોડનો રોડનું નિર્માણ શરૂ કરી દીધું છે. આધુનિક જોડાણની વ્યવસ્થા શરૂ કરી દીધી છે.
હવે આ કેદારધામ આ રીતે બનશે. મારું કેદારનાથ ભવ્ય હશે, દિવ્ય હશે. પ્રેરણા માટે ઉત્તમ સ્થાન બનશે. આ 125 કરોડ દેશવાસીઓની શ્રદ્ધાનું કેન્દ્ર બનશે. દરેક બાળક માતાપિતાને ચાર ધામની યાત્રા કરાવવાનું સ્વપ્ન સેવે છે.
અત્યારે આ સરકાર કામ કરી રહી છે, જે 125 કરોડ દેશવાસીઓનું સ્વપ્ન છે. તેને સાકાર કરવા માટે કામ કરી રહી છે. કામ ઉત્તરાખંડની ધરતી પર થઈ રહ્યું છે, પણ કામ હિંદુસ્તાનનાં જનજન માટે થઈ રહ્યું છે. આ કામ તમારી સામે શરૂ થયું છે એ દિવ્ય સંતોષની અનુભૂતિ કરાવે છે.
મારી તમને બધાને શુભેચ્છા, એકવાર ફરી ભોલેબાબાને વંદન. હું તમને ફરી આગ્રહ કરું છું કે મારી સાથે મુઠ્ઠી વાળીને પૂરી તાકાત સાથે બોલો –
જય જય બાબા ભોલે, જય જય બાબા ભોલે,
જય જય બાબા ભોલે, જય જય બાબા ભોલે,
ખૂબ ખૂબ ધન્યવાદ.
RP
I am happy to be in Kedarnath, a day after Diwali. Today, Gujaratis are celebrating the start of a New Year. I convey my greetings to everyone around the world who mark the start of Nutan Varsh: PM @narendramodi in Kedarnath
— PMO India (@PMOIndia) October 20, 2017
Jan Seva is Prabhu Seva. From this holy land of Kedarnath, I seek the blessings of Bhole Baba and pledge to devote myself fully to realising the dream of a developed India by the time we mark 75 years of freedom in 2022: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 20, 2017
The floods of 2013 had made all of us extremely sad. That time I was not the Prime Minister, I was the Chief Minister of Gujarat. I came here to do all that I could for victims: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 20, 2017
Through the work we are doing in Kedarnath, we want to show how an ideal 'Tirth Kshetra' should be, how it should be pilgrim friendly and the wellbeing of the priests should be given importance: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 20, 2017
We are building quality infrastructure in Kedarnath. It will be modern but the traditional ethos will be preserved. We will ensure the environment is not damaged: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 20, 2017
The Himalayas have so much to offer- for spiritual pursuits, for the nature lover, for those interested in adventure, water sports. I invite everyone to come and explore the Himalayas: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 20, 2017
PM @narendramodi prayed at the Kedarnath Temple and addressed a gathering. pic.twitter.com/exHEARNDRP
— PMO India (@PMOIndia) October 20, 2017
Felt blessed after praying at Kedarnath. pic.twitter.com/n5NqMqDrzY
— Narendra Modi (@narendramodi) October 20, 2017
Projects whose foundation stones were laid will give a much needed boost to Kedarnath’s infrastructure. https://t.co/qdFSVq3OH2 pic.twitter.com/lQxGyToyBt
— Narendra Modi (@narendramodi) October 20, 2017
Kedarnath will become a model ‘Teertha Kshetra.’ We are creating proper facilities for pilgrims and ensuring welfare of the priests. pic.twitter.com/F9zYO2SFjm
— Narendra Modi (@narendramodi) October 20, 2017
Majestic, diverse and enchanting…the Himalayas are waiting for you. Come, experience the incredible Himalayas in #IncredibleIndia. pic.twitter.com/jmqnPVSHF3
— Narendra Modi (@narendramodi) October 20, 2017