પીએમઇન્ડિયા
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીશ્રી ચંદ્રબાબુ નાયડુ, હરિયાણાના મુખ્યમંત્રીશ્રી મનોહરલાલ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીશ્રી હરીશ રાવતે આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને તેમને સ્વચ્છ ભારત અભિયાન અંગેનો મુખ્યમંત્રીઓના પેટાજૂથ દ્વારા તૈયાર કરાયેલ અંતિમ અહેવાલ સોંપ્યો હતો.
પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓના આ પ્રયાસ અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે સ્વચ્છ ભારત એક મુશ્કેલીભર્યું કાર્ય છે પરંતુ અસંભવ નથી.
સ્વચ્છ ભારત અભિયાન અંગે મુખ્યમંત્રીઓના પેટાજૂથની રચના 24 માર્ચ, 2015ના રોજ કરવામાં આવી હતી. તેની રચનાનો નિર્ણય 8 ફેબ્રુઆરી, 2015ના રોજ થનાર નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની પ્રથમ બેઠકમાં કરવામાં આવ્યો હતો. પેટાજૂથમાં આંધ્રપ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, મિઝોરમ, સિક્કીમ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સદસ્ય છે તથા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તેના સંયોજક છે. આ પેટાજૂથની બેઠક નવી દિલ્હી, ચંદીગઢ અને બેંગલુરુમાં ચાર વખત યોજાઈ હતી, જેમાં આ વિષય અંગે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
પેટા જૂથની નિયમાવલીમાં જે મુદ્દાઓનો સમાવેશ કરાયો છે તેમાં, (1) સ્વચ્છ ભારત અભિયાનના અમલ માટે જરૂરી આર્થિક પ્રબંધની સમીક્ષા કરવી અને અંદાજપત્રીય આવશ્યકતાઓને પૂરી કરવા માટે સૂચન પૂરા પાડવા, (2) તેના અસરકારક અમલ માટે મજબૂત કાર્યપ્રણાલીની ભલામણ કરવી, (3) શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન સહિત સ્વચ્છ ભારત અભિયાનના વિભિન્ન ઘટકોને ટેકનોલોજીકલ સમર્થન આપવા માટે સૂચન કરવા, (4) સ્વચ્છ ભારત અભિયાનમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીના વિષયમાં વિચાર કરવો અને તેના અસરકારક અમલ સંદર્ભે ખાનગી ક્ષેત્ર અને સિવિલ સોસાયટી સંગઠનોની ભાગીદારીમાં સુધારો કરવા માટેના ઉપાય દર્શાવવા, (5) સ્વચ્છ ભારત અભિયાનને ગતિશીલ બનાવવા માટે ઉપાય સૂચવવા અને (6) અન્ય ઉપાય.
અહેવાલની મુખ્ય ભલામણોમાં વ્યવહારમાં ફેરફાર અને લોકોમાં સ્વચ્છતા અને સફાઈ અંગેની સકારાત્મક ટેવોને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. આ બદલાવ માટે પેટા-જૂથ દ્વારા ભલામણ કરવામાં આવી છે કે સૂચના, શિક્ષણ અને સંચારને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે એક સંચાર રણનીતિ તૈયાર કરવામાં આવે, જેથી વ્યવહારમાં ફેરફાર લાવી શકાય. સફાઈ અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે શાળાઓ એ કોલેજોમાં સ્વચ્છતા સેનાની નામની વિદ્યાર્થીઓની ટુકડી બનાવવા માટેની ભલામણ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત શાળાઓના પાઠ્યક્રમોમાં સ્વચ્છતા અને સફાઈનો સમાવેશ કરવા માટે પણ ભલામણ કરવામાં આવી છે.
કાર્યક્રમના ફેલાવા અને મહત્વને ધ્યાનમાં રાખીને ભલામણ કરવામાં આવી છે કે આ કાર્યક્રમના આર્થિક ફાળવણી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે 75:22ના આધારે થાય, જ્યારે પર્વતીય રાજ્યોના સંદર્ભે આ ફાળવણીનો દર 90:10 રાખવામાં આવે. કાર્યક્રમના સંસાધનો માટે સ્વચ્છ ભારત બોન્ડ પણ બહાર પાડી શકાય તેમ છે અને કેન્દ્ર સરકાર પેટ્રોલ, ડીઝલ, દૂરસંચાર સેવાઓ તથા કોલસા, એલ્યુમિનિયમ અને આયર્ન ઓર જેવો ખનિજ કચરો પેદા કરનારા પ્લાન્ટો પર સ્વચ્છ ભારત ઉપકર (સેસ) લગાવી શકે તેમ છે.
કાર્યક્રમની દિશા-નિર્દેશ, સમર્થન અને નિરીક્ષણ સંદર્ભે અહેવાલમાં ભલામણ કરવામાં આવી છે કે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે સ્વચ્છ ભારત અભિયાન માટે એક સમર્પિત અભિયાનની રચના કરવામાં આવે. એક રાષ્ટ્રીય ટેકનિકલ બોર્ડના રચના માટેની પણ ભલામણ કરવામાં આવી છે જેથી તેના દ્વારા રાજ્ય અને સ્થાનિક એકમોના ટેકનોલોજીની ઓળખ, મૂલ્યાંકન, પસંદગી અને ખરીદી કરી શકાય. એક ભલામણ એ પણ કરવામાં આવી છે કે રાસાયણિક ખાતર પર સબસિડી ઓછી કરવામાં આવે અને કમ્પોસ્ટ ખાતરને પ્રોત્સાહિત કરવા માટે તેના પર સબસિડી વધારવામાં આવે. વેસ્ટ મેનેજમેન્ટની ગતિવિધિઓમાં સુધાર લાવવા માટે અહેવાલમાં પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે કે ખાનગી ક્ષેત્રને કેન્દ્ર અને રાજ્ય સરકારો છૂટ આપે.
અહેવાલમાં એ પણ સૂચન કરવામાં આવ્યું છે કે ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને સાર્વજનિક-ખાનગી ભાગીદારી (પીપીપી)ને આકર્ષિત કરવા માટે ઉપાય પણ કરવામાં આવે. સૂચન આપવામાં આવ્યું છે કે મોટી નગરપાલિકાઓમાં વીજપ્લાન્ટોના કચરાને પીપીપી પ્રણાલી પર આધારિત કરવામાં આવે અને નાના વિસ્તારો અને ગામોમાં કમ્પોસ્ટ પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવે.
સામુદાયિક અને જન-શૌચાલયોના સંચાલન અને સારસંભાળ માટે ઉપાય કરવામાં આવે, જેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં અમલમાં મુકવા માટેના વિભિન્ન ઉપાયનો સમાવેશ થાય છે. આંતરક્ષેત્રીય અને આંતરવિભાગીય મુદ્દાને ઉકેલવા માટે નીતિ આયોગ એક સંયુક્ત મંચ પુરું પાડી શકે તેમ છે. પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે કે નીતિ આયોગ જાહેરમાં કુદરતી હાજતે જવાથી મુક્તિ (ઓડીએફ) અને ઓડીએફ પ્લસ માટે પદ્ધતિ વિકસાવી શકાય.
દરેક ગ્રામ પંચાયત, નગરપાલિકા, ઉપ-ખંડો, જિલ્લા અને રાજ્યો વચ્ચે દર વર્ષે પરસ્પર પ્રતિસ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે સ્વચ્છ ભારત વર્ગીકરણ- રેટીંગ જેવા પ્રોત્સાહક ઉપાય અંગેનો પ્રસ્તાવ પણ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત એક સૂચન એ પણ કરવામાં આવ્યો છે કે દર મહિને એક દિવસ અને વર્ષમાં એક સપ્તાહ (બીજી ઓક્ટોબરને અનુકૂળ) સ્વચ્છ ભારત અભિયાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે તથા જે ગ્રામ પંચાયતો, ઉપ-ખંડ, શહેરી એકમ, જિલ્લા અને રાજ્ય રેટીંગના આધારે શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેમને પુરસ્કારથી સન્માનવામાં આવે. અહેવાલમાં પ્રસ્તાવ મુકાયો છે કે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં દરેક પારિવારિક એકમમાં શૌચાલય બનાવવા માટેની આર્થિક સહાયતા 15 હજાર રૂપિયા કરવામાં આવે.
અહેવાલમાં સૂચન કરવામાં આવ્યું છે કે કચરો ઉપાડનારી વ્યક્તિઓને વેસ્ટ મેનેજમેન્ટ પ્રણાલીમાં સમાવવામાં આવે જેથી તેમની આજીવિકા પર કોઇ અવળી અસર ના પડે. અહેવાલમાં જણાવાયું છે કે કેન્દ્ર અને રાજ્ય માથે મેલું ઉપાડવાની પ્રવૃત્તિ પર સંપૂર્ણ અંકુશ લગાવે, જેથી માથે મેલું ઉપાડવા સંદર્ભે ગતિવિધિ નાબૂદી અને પુર્નવાસ અધિનિયમ 2013નો કડક અમલ કરાવી શકાય. તે માટે વેસ્ટ મેનેજમેન્ટ અંગેના તમામ કાયદાઓ અને નિયમોની સમીક્ષા કરવામાં આવે.
AP/J.Khunt/GP
Niti Aayog CM's Sub Group on Swachh Bharat shared their report. My congratulations to CMs for their effort. http://t.co/QXiWEFJbWj
— Narendra Modi (@narendramodi) October 14, 2015
The report by CMs on Swachh Bharat contains insightful material on creating a Clean India. #MyCleanIndia http://t.co/uGr61oIFU4
— Narendra Modi (@narendramodi) October 14, 2015