Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

લખનઉમાં ઉત્તરપ્રદેશ રોકાણકાર શિખર સંમેલનનાં ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ


ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રીમાન રામનાઇકજી, મુખ્યમંત્રી શ્રીમાન યોગીજી, મારાં સાથીદારો, અમારા વરિષ્ઠ મંત્રી અને લખનઉ નગરીનાં પ્રતિનિધિ, દેશનાં ગૃહમંત્રી શ્રીમાન રાજનાથ સિંહજી, આપણી વચ્ચે ઉપસ્થિત એક વરિષ્ઠ રાજનેતા મોરેશિયસનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમાન અનિરૂદ્ધ જગન્નાથજી, વિદેશમાંથી આવેલા વિશિષ્ટ મંત્રીગણ, દેશભરમાંથી મોટી સંખ્યામાં આવેલા તમામ રોકાણકારો, ઉદ્યોગસાહસિકો અને અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવો.

જ્યારે પરિવર્તન થાય છે, ત્યારે પ્રત્યક્ષ દેખાય છે. ઉત્તરપ્રદેશમાં આટલાં વ્યાપક સ્તરે રોકાણકાર શિખર સંમેલનનું આયોજન થવું, તેમાં આટલી મોટી સંખ્યામાં રોકાણકારો અને ઉદ્યોગસાહસિકોનું એકત્ર થવું – ખરેખર એક બહુ મોટું પરિવર્તન છે. હું ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી શ્રીમાન યોગીજીને, મંત્રીમંડળનાં તેમનાં તમામ સાથીદારોને, અહીંનાં પ્રશાસનને, અહીંનાં પોલીસ વિભાગને અને ઉત્તરપ્રદેશની જનતા જનાર્દનને અભિનંદન આપવા ઇચ્છું છું કે, તેઓ પોતાનાં ઉત્તરપ્રદેશને આટલા ઓછાં સમયમાં સમૃદ્ધિ અને વિકાસનાં માર્ગે લઈ જવામાં સફળ થયાં છે.

અગાઉની સ્થિતિ શું હતી, કયા કારણોસર એ સ્થિતિ હતી – તેને ઉત્તરપ્રદેશનાં લોકોથી વધારે કોઈ જાણતું નથી. જ્યારે ભય અને અસુરક્ષાનાં વાતાવરણમાં સામાન્ય મનુષ્યનું જીવન મુશ્કેલ બની ગયું હતું. પછી ઉદ્યોગો માટે તો વિચારી જ કેવી રીતે શકાય! વિકાસની વાતો કરવી, નવયુવાનોને નવી તકોની વાત કરવી, મધ્યમ વર્ગની આંકાક્ષાની વાત કરવી, મને નથી લાગતું કે અગાઉ આવું શક્ય હતું. નકારાત્મક વાતાવરણમાં રાજ્યને સકારાત્મકતા તરફ લાવવા – હતાશા, નિરાશાથી અલગ થઈને આશાનું કિરણ પ્રકટાવવાનું કામ યોગી સરકારે કર્યું છે. તેઓ આ માટે ખરેખર અભિનંદનને પાત્ર છે.

ઉત્તરપ્રદેશમાં હવે તો પાયો પણ તૈયાર થઈ ગયો છે. જેનાં પર નવા ઉત્તરપ્રદેશની ભવ્ય અને દિવ્ય ઇમારતનું નિર્માણ થશે અને એટલે આ પવિત્ર કાર્યમાં, આ પવિત્ર યજ્ઞમાં સામેલ થવા માટે ખભેખભો મિલાવીને ચાલવા માટે હું તમને સૌને ફરી એક વાર શુભકામનાઓ પાઠવું છું.

સાથીદારો, આપણાં દેશમાં જૂની કહેવત છે કે ‘કોસ-કોસ પર બદલે પાણી, ચાર કોસે વાણી.’ ઉત્તરપ્રદેશમાં સંસાધન અને સામર્થ્ય પણ એટલું જ છે. અહીં સેંકડો વર્ષોથી લગભગ દરેક વિસ્તારની પોતાની આગવી ઓળખ જળવાઈ રહી છે.

લખનઉનાં ચિકનનું કામ પ્રસિદ્ધ છે, તો મલિહાબાદની કેરીની નિકાસ આખી દુનિયામાં થાય છે. બદોહીની જાજમ છે, તો બનારસની જરી-જરદોજીની કળા અને સાડીઓની ધૂમ છે. મુરાદાબાદમાં બનેલા પિત્તળનાં વાસણો દેશવિદેશમાં જાય છે, તો ફિરોઝાબાદનો કાચ ચમક દેખાડીને જ રહે છે. આપણાં આગ્રાનાં પેઠા છે, તો કન્નોજનું અત્તર પણ છે. અહીં બનારસની સવાર અને અવધની સાંજ પ્રસિદ્ધ છે. અહીં તાજમહેલ, સારનાથ છે, તો અયોધ્યા, મથુરા, કાશી પણ છે. અહીં રામની લીલા છે, કૃષ્ણની રાસલીલા પણ છે. અહીં ગંગા છે, જમુના છે, તો પુણ્યપાવન સરયુજીનાં આશીર્વાદ પણ છે.

અહીં આઇઆઇટી કાનપુર છે, આઇઆઇએમ લખનઉ છે, તો બનારસ હિંદુ યુનિવર્સિટી જેવી મહાન સંસ્થાઓ પણ છે. આ ઉત્તરપ્રદેશનો ગૌરવશાળી ઇતિહાસ હોવાની સાથે તેનું વર્તમાન પણ છે. આ ઝાંખી ઉત્તરપ્રદેશનાં ટેક્સટાઇલ ક્ષેત્રની છે, પ્રવાસન ક્ષેત્રની છે. આ ઝાંખી અહીની સંસ્કૃતિની છે, કૃષિની પણ છે. આ ઝાંખી અહીનાં શિક્ષણની છે, આ ઝાંખી ઉત્તરપ્રદેશની શક્તિ છે, યુપીની ભક્તિની છે. અહીં જે સામર્થ્ય અને તાકાત છે, તેનાં દમ પર ઉત્તરપ્રદેશ પૂર્વ ભારતનું જ નહીં, પણ સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન બની શકે છે.

ભાઈઓ અને બહેનો, અત્યારે ઉત્તરપ્રદેશ અનાજનાં ઉત્પાદનમાં, ઘઉંનાં ઉત્પાદનમાં, શેરડીનાં ઉત્પાદનમાં, દૂધનાં ઉત્પાદનમાં, બટાટાનાં ઉત્પાદનમાં આખા દેશમાં પ્રથમ ક્રમે છે. દેશમાં શાકભાજીનાં સૌથી વધુ ઉત્પાદનમાં બીજું સ્થાન અને ફળફળાદિનાં ઉત્પાદનમાં ત્રીજું સ્થાન ઉત્તરપ્રદેશનું જ છે. લઘુ ઉદ્યોગોની બાબતે પણ ઉત્તરપ્રદેશ દેશમાં બીજા ક્રમ પર છે.

છેલ્લાં ઘણાં વર્ષોમાં તમામ વિપરીત સ્થિતિ-સંજોગો હોવા છતાં પોતાનાં રાજ્યને આ રીતે સંભાળનાર ઉત્તરપ્રદેશનાં કરોડો ભાઈ-બહેનોની હું જેટલી પ્રશંસા કરૂ છું એ ઓછી છે. પણ નંબર વન અને નંબર ટૂની આ સ્પર્ધા વચ્ચે કેટલાંક મહત્ત્વપૂર્ણ વિષયો પર મનોમંથન કરવું જરૂરી છે.

સવાલ એ છે કે હવે આગળ શું થશે? શું ઉત્તરપ્રદેશની ક્ષમતા આટલી જ છે? શું ઉત્તરપ્રદેશ પોતાનાં સામર્થ્ય સાથે ન્યાય કરી શકશે?

સાથીદારો, ઉત્તરપ્રદેશમાં મૂલ્યો છે, નૈતિકતા છે, પણ હવે બદલાતાં સમયમાં મૂલ્ય સંવર્ધનની પણ વધારે જરૂર છે. કાર્યશૈલીમાં નહીં, વ્યાવસાયિક શૈલીમાં નહીં, પણ દરેક ક્ષેત્રમાં ઉત્તરપ્રદેશની જે સહ-તાકાત છે, જેમાં મૂલ્ય સંવર્ધનની અત્યારે બહુ જરૂર છે. મને આનંદ છે કે યોગીજીની સરકાર આ વાતને ધ્યાનમાં રાખીને પોતાનાં નિર્ણયો લઈ રહી છે. નીતિઓ બનાવી રહી છે.

ઉત્તરપ્રદેશમાં ઔદ્યોગિક રોકાણને રોજગારીનાં સર્જન સાથે જોડીને અહીં નીતિઓ બનાવવામાં આવી છે. નીતિગત નિર્ણય લેવામાં આવે છે. યોગીજીની સરકાર દ્વારા અલગ-અલગ ક્ષેત્રોનાં હિસાબે, અલગ-અલગ નીતિઓ બનાવીને કામ કરવામાં આવે છે.

ટેક્સટાઇલ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પ્રવાસન, અક્ષય ઊર્જા, સ્વરોજગારી જેવા અનેક ક્ષેત્રો માટે અનેક લાંબા ગાળાનાં પ્રભાવ પેદા કરનારી નીતિઓ બનાવવામાં આવી છે. હવે ઉત્તરપ્રદેશમાં ઉદ્યોગસાહસિકો માટે બાબુશાહી આડે નહીં આવે, પણ તેમનાં માટે લાલ જાજમ પાથરવામાં આવશે.

આજે ઉદ્યોગ માટે જે ડિજિટલ ક્લીઅરન્સ સિસ્ટમને શરૂ કરવામાં આવી છે એ પણ એનું જ ઉદાહરણ છે. આ એક સિંગલ વિન્ડો પોર્ટલ હશે, જેનાં માધ્યમથી ઉદ્યોગસાહસિકોને એક નિશ્ચિત મર્યાદામાં ઓનલાઇન મંજૂરી મળી જશે. તેમાં માનવીય હસ્તક્ષેપ પણ ઓછામાં ઓછો હશે. ચોક્કસ, ઉત્તરપ્રદેશ માટે વેપાર-વાણિજ્ય સરળ કરવાની દ્રષ્ટિએ આ મહત્ત્વપૂર્ણ પગલું છે. યોગી સરકાર સંપૂર્ણ ગંભીરતા સાથે ખેડૂતો, મહિલાઓ અને નવયુવાનોને આપેલા વચનો પૂર્ણ કરી રહી છે.

મને જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે અનાજની ખરીદીમાં ચાર ગણો વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીમાં શેરડીની ચુકવણી લગભગ 40 ટકા વધી છે. ઉત્તરપ્રદેશની સરકાર હવે ઘેરઘેર વીજળી પહોંચાડવાનાં અભિયાનમાં જોડાઈ ગઈ છે. તેનો સ્થાનિક ઉદ્યોગોને પણ ઘણો ફાયદો મળવાનો છે.

સાથીદારો, ઉત્તરપ્રદેશને ગંગા મૈયાનાં મેદાની વિસ્તારોનાં બહુ આશીર્વાદ મળ્યાં છે. અહીંની 60 ટકા વસતિ યુવાન અને કામ કરવા માટેનાં શ્રેષ્ઠ વયજૂથની છે. જો આ આર્થિક અને જનસંખ્યાગત લાભનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે, તો મને ખાતરી છે કે ઉત્તરપ્રદેશને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે નવી ઊર્જા મળશે, તાકત મળશે અને એ પહોંચીને રહેશે.

મેં અગાઉ પણ કહ્યું છે કે, ઉત્તરપ્રદેશમાં પ્રચુર સંભવિતતા છે. સંભવિતતા, નીતિ, આયોજન સાથે પ્રદર્શનનો સમન્વય થાય ત્યારે જ પ્રગતિ થાય છે. હવે ઉત્તરપ્રદેશમાં સુપરહિટ કામગીરી કરવા માટે યોગીજીની ટીમ તૈયાર છે. અહીનાં નાગરિકો તૈયાર છે. અહીંનું માનસ તૈયાર છે. અત્યારનાં આ સમયગાળામાં ઇન્ડસ્ટ્રી 4.0 ટેકનોલોજી સંપૂર્ણપણે મૂલ્ય સાંકળને વધારે અનુકૂળ, વધારે કાર્યદક્ષ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને ઉત્પાદનને બજાર સુધી પહોંચાડનારી બની રહી છે.

હમણાં જ મેં પ્રદર્શનમાં આવી તકનિકને જોઈ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે અહીં બહુ મોટો અવકાશ છે. આખા દેશમાં જે રાજ્યમાં સ્માર્ટ સિટી અને અમૃત સિટીની સૌથી વધુ સંખ્યા જે પ્રદેશમાં છે એનું નામ ઉત્તરપ્રદેશ છે.

ભાઈઓ અને બહેનો, હું હજુ બે દિવસ અગાઉ મહારાષ્ટ્રનાં મુંબઈમાં આવા જ એક રોકાણકાર શિખર સંમેલનમાં ગયો હતો. મહારાષ્ટ્રની સરકારે પોતાનાં રાજ્યની અર્થવ્યવસ્થાને ટ્રિલિયન ડોલર અર્થતંત્રમાં બદલવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. હું આજે તમારી વચ્ચે એક વધુ વિચાર રજૂ કરૂ છું. મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ વચ્ચે આ અંગે સ્પર્ધા શરૂ થઈ શકે? બંનેમાંથી કયું રાજ્ય ટ્રિલિયન ડોલર અર્થતંત્રનાં લક્ષ્યાંકને પ્રાપ્ત કરી શકે છે? ઉત્તરપ્રદેશની સરકાર દેશનાં અન્ય રાજ્યો સાથે અલગ-અલગ સ્તરે સ્પર્ધા કરી શકે? જેટલી આ સ્પર્ધા જામશે, એટલું જ રાજ્યમાં રોકાણ વધશે. રાજ્યોનો વિકાસ થશે, રાજ્યમાં રોજગારીની નવી તકો પેદા થશે. રાજ્યમાં આ પ્રકારની સ્વસ્થ સ્પર્ધા, સ્પર્ધાત્મક સહકારી સંઘની ભાવના પણ મજબૂત થશે.

સાથીદારો, ઉત્તરપ્રદેશનાં અર્થતંત્રમાં અતિ નાનાં, નાનાં અને મધ્યમ ઉદ્યોગો છે, જેને આપણે એમએસએમઇ સ્વરૂપે જાણીએ છીએ. તેનું બહુ મોટું પ્રદાન છે, બહુ મોટું નેટવર્ક છે. કૃષિ પછી એમએસએમઇ સેક્ટરમાં જ રોજગારીની સૌથી વધુ તકો ઊભી થાય છે.

અત્યારે મને જણાવવામાં આવ્યું છે કે, ઉત્તરપ્રદેશમાં લગભગ 50 લાખ એમએસએમઇ એકમો છે. તેમાં લાખો લોકો પરિશ્રમ કરે છે, જે ઉત્તરપ્રદેશનાં હસ્તશિલ્પ, ખાદ્ય પ્રસંસ્કરણ, કાર્પેટ, રેડીમેઇડ ગાર્મેન્ટ્સ, ચામડાનાં ઉત્પાદનનો નિકાસમાં સતત અગ્રણી રહ્યાં છે. દેશનાં વિવિધ ક્ષેત્રોમાં આ પ્રકારનાં વિશેષ ઉત્પાદનો છે, જે એમએસએમઇ ક્ષેત્રનાં કારણે પોતાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓળખ બનાવી રહ્યાં છે. રોજગારીનાં સર્જન માટે, નવી તકો માટે આ ક્ષેત્રમાં અગાઉથી કામ કરી રહ્યાં છે એ લોકોની આવક વધારવા માટે આપણે નવા પ્રકારે વિચારવાની જરૂર છે.

મને એ જાણીને આનંદ થયો છે કે ઉત્તરપ્રદેશ સરકારે આ મહત્ત્વપૂર્ણ તથ્યને ધ્યાનમાં રાખીને એક જિલ્લો, એક ઉત્પાદન યોજના શરૂ કરી છે. મારૂ માનવું છે કે, આ યોજના એક પ્રકારે પરિવર્તનકારી છે. આપણે સામુહિક અભિગમથી પરિચિત હતાં, પણ એક જિલ્લો, એક ઉત્પાદન એક સંપૂર્ણ પ્રણાલીને પ્રભાવિત કરે છે. આ યોજનાનાં માધ્યમથી સ્થાનિક સ્તરે કૌશલ્ય વિકાસ, ઉત્પાદનનું માર્કેટિંગ, પેકેજિંગ, બ્રાન્ડિંગ જેવા કાર્યો પણ સરળતાથી થઈ શકે છે.

ભાઈઓ અને બહેનો, ઉત્તરપ્રદેશમાં ચૂંટણીનાં પ્રચાર સમયે હું હંમેશા કહેતો હતો કે જ્યારે રાજ્યને ડબલ એન્જિનનો પાવર મળશે, તો વિકાસ વધુ ઝડપથી થશે. ‘એક જિલ્લો, એક ઉત્પાદન’ યોજનાને બેકઅપ પાવર મળશે. કેન્દ્ર સરકારનાં સ્કિલ ઇન્ડિયા અભિયાનથી, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા, સ્ટાર્ટ-અપ ઇન્ડિયા અભિયાન સુધી, પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજનાથી વધુ લાભ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનાં માધ્યમથી મળશે.

આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારે અત્યાર સુધી 10 કરોડથી વધુ મુદ્રા લોન આપી છે. લોકોને બેંક ગેરન્ટી વિના સ્વ-રોજગારી માટે ચાર લાખ કરોડ રૂપિયાથી વધારેની લોન આપવામાં આવી છે.

આ બજેટમાં અમારી સરકારે ત્રણ લાખ કરોડ રૂપિયા મુદ્રા લોન સ્વરૂપે આપવાનો નિર્ણય કર્યો છે. મને આશા છે કે, એક જિલ્લો, એક ઉત્પાદન દરેક મુદ્રાનો તાલમેળ ઉત્તરપ્રદેશમાં એમએસએમઇ ક્ષેત્રના પરિવર્તન માટે અતિ સરળ માર્ગ હું સમજુ છું.

સાથીદારો, આપણે કુશળતા અને કાર્યદક્ષતાનાં આંતરજોડાણ વિશે પણ વિચારવું પડશે. જો મેરઠમાં કોઈ વૈશ્વિક કક્ષાનાં ઘડાનું ઉત્પાદન કરી રહ્યું છે, તો તેની સાથે આપણે વૈશ્વિક કક્ષાનું બ્રાન્ડિંગ કે માર્કેટિંગ કરનારી કંપનીને પણ આગળ વધારવી પડશે. વૈશ્વિક કક્ષાની વિતરણ વ્યવસ્થા ઊભી કરવી પડશે, વૈશ્વિક કક્ષાની સેવા આપવી પડશે, તો જ વૈશ્વિક કક્ષાની પ્રતિભા પણ આપણાં ઉત્પાદનની સાથે સાથે જોડાવા માટે આપમેળે આવશે.

સાથીદારો, કૃષિ ક્ષેત્ર સાથે એક મોટો પડકાર સંકળાયેલો છે. ખેતરથી લઈને બજાર સુધી પહોંચવામાં પાક અને ફળ, શાકભાજીનો બહુ મોટા પાયે બગાડ થાય છે. એક અંદાજ મુજબ, દેશમાં દર વર્ષે આ કારણે ખેડૂત ભાઈઓને 90 હજારથી 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે.

ઉદાહરણ તરીકે બટાટાની વાત કરૂ. ઉત્તરપ્રદેશ બટાટાનાં ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે છે. અગાઉ બટાટાની કાતરી ઘેરઘેર બનતી હતી. હવે સમયની સાથે તેનું પ્રમાણ ઘટી ગયું છે. તમે વિચારો, જો બટાટાની ચિપ્સ બનાવવાનાં ઉદ્યોગ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થાય, તેમનાં સુધી ખેડૂતોની પહોંચ સરળ થાય, તો અનેક હજારો કરોડ રૂપિયાનું બજાર ખેડૂતોને અતિ સરળતાપૂર્વક મળશે. અહીંની દશહરી કેરી તો પ્રસિદ્ધ છે. પણ સાથે સાથે આ વાત પણ સાચી છે કે માર્કેટિંગ કે સંગ્રહની સુવિધા ઓછી ઉપલબ્ધ હોવાથી મોટા પાયે કેરીનો બગાડ થાય છે. સામાન્ય ઉત્પાદકોની પહોંચ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પાકને લઈ જવા માટે માર્કેટિંગની માળખાગત સુવિધા કે સાચવણીની એક પ્રણાલી બનાવવા પર વિચારવાની જરૂર છે. કેરીનાં ગરમાંથી અનેક પ્રકારનાં પૌષ્ટિક ઉત્પાદન બને જ છે. ફક્ત આપણે ખેડૂત અને ઉદ્યોગ વચ્ચેનું જોડાણ મજબૂત કરવાનું છે. હવે દૂધ ઉત્પાદનમાં ઉત્તરપ્રદેશ દેશમાં ટોચનાં સ્થાને છે. પણ હવે તેમાં કેવી રીતે મહત્તમ મૂલ્ય સંવર્ધન કરી શકાય છે એ વિચારવાની જરૂર છે. ખેતરથી ઘર સુધી કેવી રીતે સંપૂર્ણ સાંકળ, સંપૂર્ણ માળખાને આધુનિક બનાવી શકાય એનાં પર યોજનાઓ બનાવવાની જરૂર છે. આ અંગે આપણે કોઈને કોઈ પગલું લેવું જ પડશે.

ખેડૂતનાં ઉત્પાદન અને ઉદ્યોગની માગ વચ્ચે જોડાણ મજબૂત કરવા, પાક, અનાજ, ફળ, શાકભાજી – તેનો બગાડ ઓછો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ખેડૂત સંપદા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત સંપૂર્ણ વિતરણ અને માળખાગત સુવિધાનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોની આવક વધારવા અને તેમનું નુકસાન ઓછું કરવાની દિશામાં આ યોજના અતિ મહત્ત્વપૂર્ણ છે. આ નુકસાનને ઓછું કરવા માટે દેશનાં ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને મજબૂત કરવા માટે સરકારે ખાદ્ય પ્રસંસ્કરણમાં 100 ટકા એફડીઆઈ (પ્રત્યક્ષ વિદેશી રોકાણ)ને પણ મંજૂરી આપી છે.

સાથીદારો, ઉત્તરપ્રદેશમાં કૃષિ આડ-પેદાશો, કૃષિ કચરામાંથી સંપત્તિનું સર્જન કરવાની પ્રચુર સંભાવનાઓ છે. ખાસ કરીને શેરડીનાં ઉત્પાદનમાં ઉત્તરપ્રદેશ સૌથી આગળ રહેવાનું કારણ અહીં ઇથેનોલનાં ઉત્પાદનની મોટી સંભવિતતા છે. ઉત્તરપ્રદેશમાં જૈવિક ઇંધણનાં ક્ષેત્રમાં જેટલો વિકાસ થશે, તેની અસર દિલ્હી એનસીઆર સુધી દેખાશે.

પર્યાવરણની સાથે સાથે આ સ્વચ્છ ઊર્જા તરફ એક મોટું પગલું હશે અને મને ખુશી છે કે, રાજ્યમાં એક નવી જૈવિક ઇંધણ નીતિ બનાવવામાં આવી છે. આ નીતિથી પાક બળી જવા જેવી સમસ્યાઓનું સમાધાન કરવામાં મદદ મળશે. આ તમામ પ્રયાસો વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવા અમારાં લક્ષ્યાંકની પ્રાપ્તિમાં મદદરૂપ થશે.

સાથીદારો, આજે આ પ્રસંગે હું એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવા પણ ઇચ્છું છું. આ જાહેરાત ફક્ત ઉત્તરપ્રદેશ માટે નથી, પણ સપૂર્ણ હિંદુસ્તાન માટે અતિ અગત્યની ઘોષણા છે. આ વર્ષે બજેટમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો કે, દેશમાં બે સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે. તેમાંથી એક કોરિડોર ઉત્તરપ્રદેશમાં બનશે. બુંદેલખંડનાં વિકાસને ખાસ ધ્યાનમાં રાખીને હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ઉત્તરપ્રદેશમાં સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરનો વિસ્તાર આગ્રા, અલીગઢ, લખનઉ, કાનપુર, ઝાંસી અને ચિત્રકૂટ સુધીનાં સંપૂર્ણ પટ્ટામાં થશે. આ કોરિડોરમાં 20 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થવાની શક્યતા છે અને તેમાં લગભગ અઢી લાખ લોકો માટે રોજગારીની નવી તકોનું નિર્માણ થશે.

યોગીજીની સરકારમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે અને બુંદેલખંડ એક્સપ્રેસ વેનું નિર્માણ થવાનું છે, જેનો પૂર્વાંચલ અને બુંદેલખંડનાં ઔદ્યોગિકીકરણને સવિશેષ લાભ મળશે. મારૂ માનવું છે કે, તેનું કામ ઝડપથી આગળ વધશે.

ભાઈઓ અને બહેનો, ઉત્તરપ્રદેશમાં સૌપ્રથમ લખનઉ, વારાણસી અને ગોરખપુર ફક્ત ત્રણ હવાઇ મથક હતાં. હવે કુશીનગર અને જેવરમાં બે નવા આંતરરાષ્ટ્રીય હવાઇ મથક બનાવવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ઉડાન યોજના અંતર્ગત આગ્રા, કાનપુર, અલાહાબાદ, બરેલી, ઝાંસી, ચિત્રકૂટ, મુરાદાબાદ, અલીગઢ, આઝમગઢ જેવા 11 શહેરોમાં હવાઇ મથકનો વિકાસ થઈ રહ્યો છે. ઝડપથી આ શહેરોમાં હવાઇ મથકમાં ઉડાનની સુવિધા ઉપલબ્ધ થશે. મારૂ સ્વપ્ન હવાઈ ચપ્પલ પહેરનાર વિમાનમાં સફર કરે એવું છે.

તમે વિચારો કે, જ્યારે ઉત્તરપ્રદેશમાં આટલાં હવાઇ મથક કાર્યરત નથી, ત્યારે પણ અહીં હવાઇ ટ્રાફિકમાં ગયા વર્ષે 30 ટકાની વૃદ્ધિ થઈ હતી. આ ટ્રાફિક સરેરાશ રાષ્ટ્રીય ટ્રાફિકની વૃદ્ધિથી પણ ઘણો વધુ છે અને જ્યારે નવા હવાઇ મથક કાર્યરત થશે ત્યારે તેમાં કેટલો મોટો ફેરફાર થશે તેની તમે કલ્પના કરી શકો છો.

ઉત્તરપ્રદેશમાં દેશનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. લગભગ નવ હજાર કિલોમીટરની લંબાઈનું રેલવે નેટવર્ક, રાષ્ટ્રીય ઘોરીમાર્ગનાં નેટવર્કમાં પણ ઉત્તરપ્રદેશ અતિ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. જ્યારે પૂર્વ અને પશ્ચિમનાં ખાસ માલભાડાનાં કોરિડોરનું કામ પૂર્ણ થઈ જશે, ત્યારે ઉત્તરપ્રદેશનાં અર્થતંત્રને એક નવી તાકાત મળશે, એક નવું બળ મળશે. મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે આ બંને કોરિડોર ઉત્તરપ્રદેશનાં દાદરીમાં જ મળે છે. આ કોરિડોરની સાથે દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર અને અમૃતસર દિલ્હી કોલકાતા ઔદ્યોગિક કોરિડોરની ત્રિસ્તરીય શક્તિ ઉત્તરપ્રદેશનાં વિકાસમાં જબરદસ્ત વધારો કરવા માટે મદદ કરશે.

વારાણસીથી હલ્દિયા વચ્ચે બની રહેલો રાષ્ટ્રીય જળમાર્ગ પણ ઉત્તરપ્રદેશનાં ઔદ્યોગિક વિકાસમાં મદદ કરશે. આ ઉપરાંત લખનઉ, ગાઝિયાબાદ, નોઇડામાં મેટ્રોનો વિસ્તાર, મેરઠ, કાનપુર, વારાણસીમાં નવી મેટ્રો, યુપીમાં વૈશ્વિક કક્ષાનું પરિવહન માળખું બનાવવામાં મદદ કરશે.

સાથે સાથે ભારત નેટ યોજના અંતર્ગત ઉત્તરપ્રદેશની પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટીની સુવિધા પ્રદાન કરવામાં આવશે, જે તેનાં ગ્રામીણ વિસ્તારોને પૂરી દુનિયા સાથે જોડી દેશે. આધુનિક ધોરીમાર્ગો, રેલવે, સબવે કે મેટ્રો, હવાઇમાર્ગો, જળમાર્ગો અને  ઇન્ફોર્મેશન વે આ બધું મળીને એક એવું માળખું તૈયાર કરશે, જે ઉત્તરપ્રદેશને 21મી સદીમાં નવી ઊંચાઈઓ પર પહોંચાડીને રહેશે. શ્રેષ્ઠ જોડાણ, ઉદ્યોગો અને ઉત્પાદન એકમ પરિવહનનાં એક માધ્યમથી બીજા માધ્યમ સાથે સાતત્યપૂર્ણ રીતે પરિવર્તિત કરવામાં બહુ મદદ કરશે. જ્યારે પરિવહનનાં અવરોધો ઓછા થશે, ત્યારે વેપાર પણ સરળતાથી થશે, પ્રવાસનને પ્રોત્સાહન મળશે અને આ તમામની અસર રોજગારીની વૃદ્ધિ પર પડશે.

સાથીદારો, પ્રવાસનને ઘણી વાર અનેક ગણી વૃદ્ધિ માટેનાં ક્ષેત્ર તરીકે પણ જોવામાં આવે છે. ઉત્તરપ્રદેશમાં ચારે તરફ ઐતિહાસિક, સાંસ્કૃતિક વારસો છે. કળાનાં અનેક સ્વરૂપો ઉત્તરપ્રદેશમાં વિદ્યમાન છે. પ્રવાસન ક્ષેત્રની ઇકોસિસ્ટમને મજબૂત કરવાની જરૂર છે. ઉત્તરપ્રદેશમાં હેરિટેજ ટૂરિઝમ, હેન્ડિક્રાફ્ટ ટૂરિઝમ, ઇકો ટૂરિઝમ, વાઇલ્ડલાઇફ ટૂરિઝમ, વિલેજ ટૂરિઝમની પ્રચૂર સંભાવનાઓ રહેલી છે, જેને વધારે શ્રેષ્ઠ રીતે વાસ્તવિક બનાવી શકાય છે.

દેશવિદેશનાં પ્રવાસીઓની સંખ્યા બાબતે ઉત્તરપ્રદેશ દેશનાં ટોચનાં રાજ્યોમાંનું એક છે. તેને નંબર વન બનાવી શકાય છે. આ શિખર સંમેલનમાં નવી પર્યટન નીતિની જાહેરાત થઈ છે. મને વિશ્વાસ છે કે તેનાથી આ લક્ષ્યાંક પ્રાપ્ત થઈ શકે છે. ઉત્તરપ્રદેશમાં હવે પ્રવાસન ક્ષેત્રને પણ ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો છે.

ભાઈઓ અને બહેનો, આગામી વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી, 2019માં પ્રયાગમાં મહાકુંભનું પણ આયોજન કરવામાં આવશે. સંપૂર્ણ વિશ્વમાં આ પ્રકારનું સૌથી મોટું આયોજન હશે. ગયા વર્ષે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યુએનઓ તરફથી કુંભને માનવતાનાં અમૂલ્ય વારસા સ્વરૂપે માન્યતા મળી છે. આ આપણાં બધા માટે અને સવિશેષ ઉત્તરપ્રદેશની સરકાર માટે એક મોટી તક છે. કુંભ દરમિયાન કલ્પવાસીઓથી લઈને દેશવિદેશમાંથી આવનારા લાખો – કરોડો લોકો માટે 2019નો આપણો કુંભ અવિશ્વસનિય બને, તેમનાં જીવનની સૌથી મોટી યાદગાર ઘટના બને, અહીનાં નવયુવાનો માટે રોજગારની નવી તકોનું નિર્માણ થાય, આ લક્ષ્યાંક સાથે આપણે બધા મળીને ભારતમાંથી જ નહીં, પણ દુનિયાનાં તમામ દેશોમાથી કોઈને કોઈ આ કુંભમેળામાં આવે એવું સુનિશ્ચિત કરીએ. એક પ્રકારે વૈશ્વિક સ્તરનો ઉત્તરપ્રદેશનો કુંભ મેળો ભારતની ઓળખ બને એ સંભવ છે.

સાથીદારો, આ પ્રકારના રોકણકાર શિખર સંમેલનની શરૂઆત વર્ષો અગાઉ ગુજરાતમાં થઈ હતી. ત્યારબાદ મધ્યપ્રદેશ, છત્તિસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, આસામ જેવા રાજ્યોમાંથી હવે ઉત્તરપ્રદેશમાં પણ તેની શરૂઆત થઈ ગઈ છે. અમારાં માટે મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે રોકાણકાર શિખર સંમેલનમાં થયેલી સમજુતીઓ ઝડપથી વાસ્તવિક સ્વરૂપ સાકાર કરે, જેથી અહીનાં લોકોને મહત્તમ રોજગારી મળે.

હું યોગીજીનો સવિશેષ ઉલ્લેખ કરવા માંગું છું, જેમણે વચન આપ્યું છે કે તમામ સમજુતીઓ પર તેઓ પોતે નજર રાખશે. તેઓ પોતે તેનું ફોલોઅપ કરશે. એટલે અહીં જે સમજુતીઓ થઇ છે, તેઓ પણ ધ્યાનમાં રાખે કે હવે ઉત્તરપ્રદેશની સરકાર તેમની પાછળ પડવાની છે.

અમારી સરકાર, કેન્દ્રમાં હોય કે રાજ્યમાં હોય, અમે રોજગારલક્ષી હોવાની સાથે જન કેન્દ્રીત વૃદ્ધિ પર પણ ભાર મૂક્યો છે. અમે એક એવાં અર્થતંત્રનું નિર્માણ કરવા ઇચ્છીએ છીએ, જેમાં દેશનાં ગરીબોને નાણાકીય સર્વસમાવશકતાનો લાભ મળે, જે ગરીબોને સાથે લઈને ચાલે. એટલે વેપાર-વાણિજ્ય સરળ કરવાની સાથેસાથે અમે જીવનને સરળ બનાવવા પણ પ્રાથમિકતા આપી રહ્યાં છીએ. આ સરકારી નીતિઓ અને યોજનાઓની અસર છે કે જનધન યોજના અંતર્ગત 31 કરોડ ગરીબોનાં બેંક ખાતા ખુલી ગયા છે. 18 કરોડથી વધારે ગરીબોને દરરોજ નેવું પૈસા અને મહિને એક રૂપિયાનાં પ્રીમિયમ પર વીમા કવચ આપવામાં આવ્યું છે.

છેલ્લાં ત્રણ વર્ષમાં ગરીબો અને નિમ્ન મધ્યમ વર્ગનાં નાગરિકો માટે સરકાર દ્વારા લગભગ 1 કરોડ ઘર બનાવવામાં આવ્યાં છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત છ કરોડથી વધારે શૌચાલયો બનાવવામાં આવ્યાં છે. ઉજ્જવલા યોજના અંતર્ગત સરકાર 3 કરોડ 30 લાખથી વધારે ગરીબ મહિલાઓને ગેસ જોડાણ મફત આપી ચુકી છે.

આ બજેટમાં અમે ઉજ્જવલા યોજનાનો લક્ષ્યાંક 8 કરોડ કરી દીધો છે. દેશનાં દરેક ગરીબનું ઘર રોશન થાય એ માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના પણ શરૂ કરવામાં આવી છે. આ માધ્યમ વડે 4 કરોડ ગરીબોને વીજળીનું મફત જોડાણ આપવામાં આવશે.

આ બજેટમાં અમે આયુષ્યમાન ભારત યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત દેશનાં 10 કરોડ ગરીબ કુટુંબોને સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે. જે અંતર્ગત એક ગરીબ પરિવારમાં બિમારી આવે, એક વર્ષમાં ગરીબ પરિવારને દવાઓનો ખર્ચ પાંચ લાખ સુધી થાય, તો પાંચ લાખ રૂપિયા સરકાર વીમા કંપનીનાં માધ્યમથી એ ગરીબ પરિવારને આપશે.

આ પ્રકારનાં અનેક કાર્યો અને યોજનાઓ સાથે અમારી સરકાર ગરીબોનું જીવન સરળ બનાવવાનું કામ કરી રહી છે. અમારી સરકાર સુનિશ્ચિત કરી રહી છે કે દેશમાં જે માળખાગત પરિવર્તન કરવામાં આવી રહ્યું છે, જે નીતિગત ફેરફારો થઈ રહ્યાં છે, તેનો લાભ દેશનાં ખેડૂતોને, ગરીબોને, દલિતોને, પછાત વર્ગોને અને સમાજનાં વંચિત વર્ગો સુધી પહોંચે.

સાથીદારો, નવા ભારતનું નિર્માણ કરવા, નવા ઉત્તરપ્રદેશનું નિર્માણ કરવા નવો જોશ, નવી આશાની સાથે નવું રોકાણ પણ જરૂરી છે. મને આશા છે કે, રોકાણકાર શિખર સંમેલન ઉત્તરપ્રદેશમાં નવા રોકાણની સંભાવનાઓનાં નવા દ્વાર ખોલવામાં સફળ રહેશે. આ આશા સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ફરી એક વખત હું આપ સૌનો આભાર માનું છું. શ્રીમાન અનિરૂદ્ધ જગન્નાથજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત છું. મને વિશ્વાસ છે કે, ઉત્તરપ્રદેશ વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા ઝડપથી આગળ વધવા જે પ્રયાસ કરે છે તેમાં યોગીજીનાં નેતૃત્વમાં ગતિ આવશે. તેમને આ સૌનાં આશીર્વાદ મળશે, તમારા બધાનો સહયોગ મળશે. ભારતનાં નિર્માણમાં ઉત્તરપ્રદેશનું નિર્માણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. તેને આપણે બધા મળીને પૂર્ણ કરીશું. આ જ એક આશા-અપેક્ષા સાથે તમને બધાને ખૂબ-ખૂબ શુભેચ્છા.

ખૂબ-ખૂબ ધન્યવાદ, નમસ્તે.

 

NP/J.Khunt/GP/RP