Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

યુકેના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ વક્તવ્યમાં પ્રધાનમંત્રીનું નિવેદન

યુકેના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ વક્તવ્યમાં પ્રધાનમંત્રીનું નિવેદન

યુકેના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ વક્તવ્યમાં પ્રધાનમંત્રીનું નિવેદન


પ્રધાનમંત્રી શ્રી કેમરુન,

મીડિયાના દરેક સાથી,

પ્રધાનમંત્રી કેમરુન, તમે સંબંધો પ્રત્યે જે લાગણી અને દ્રષ્ટિ દેખાડી છે તે બદલ હું આપના પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. આપે ભારત બ્રિટનના સંબંધોને સશક્ત કરવા માટે મોટું યોગદાન આપ્યું છે.

હું આપના ઉષ્માભર્યાં સ્વાગત અને ભારત યુકેના સંબંધોને સશક્ત બનાવવા માટેના આપના યોગદાન માટે પણ આપને ધન્યવાદ કરું છું.

આપના નિમંત્રણ બદલ, આપના ઉષ્મા ભરેલા આદર સત્કાર માટે જે પ્રકારથી આપે મારા માટે સમય આપ્યો છે તે માટે પણ હું આભારી છું.

યુકેની યાત્રા પર આવવા બદલ હું ખૂબ પ્રસન્નતા અનુભવી રહ્યો છું. આ સંબંધ ભારત માટે મહત્વપૂર્ણ છે. ઐતિહાસિક રીતે આપણે એકબીજા સાથે ખૂબ સારી રીતે પરિચિત છીએ. આપણી વચ્ચેના સંબંધ અતુલનીય છે. આપણા મૂલ્યો એકસમાન છે. અને તેને કારણે આપણા સંબંધોને વિશેષ સ્વરૂપ મળ્યું છે. દરેક ક્ષેત્રમાં આપણી ભાગીદારી વાયબ્રન્ટ છે. અને આપણા સંબંધોમાં નિરંતર વિસ્તાર થઇ રહ્યો છે – જેમ કે વેપાર અને મૂડીરોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, શિક્ષણ અને વિજ્ઞાન, સ્વચ્છ ઉર્જા અને સ્વાસ્થ્ય, ટેકનોલોજી અને ઇનોવેશન, કલા અને સંસ્કૃતિ.

આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા સંયુક્ત હિત છે જે આપણા બન્ને દેશો માટે મહત્વપૂર્ણ છે.

આજે અમે નિર્ણય કર્યો છે કે અમે પોતાના રાજકીય સંવાદને વધારે ઘનિષ્ઠ બનાવશું અને નિયમિત રૂપથી દ્વિપક્ષીય સમિટ કરીશું. આપણા સંયુક્ત મૂલ્યોના આધાર પર વિશ્વના અન્ય ક્ષેત્રોમાં પણ વિકાસ માટે ભાગીદારી શરુ કરીશું. અને સાથે સાથે દરેક ક્ષેત્રમાં પોતાના દ્વિપક્ષીય સહયોગને વધારે ઘનિષ્ઠ બનાવીશું.

આજે અમે સિવિલ ન્યુક્લિયર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ અમારા એકબીજા પ્રત્યેના વિશ્વાસનું પ્રતીક છે. અને અમારા ક્લાયમેન્ટ ચેન્જનો સામનો કરવા માટે અમારા દૃઢ સંકલ્પનો પણ પરિચય આપ્યો છે. ભારતના ગ્લોબલ સેન્ટર ફોર ક્લિન એનર્જી પાર્ટનરશિપમાં ભાગીદારી અંગે સમજૂતિ થઇ છે. તેનાથી વૈશ્વિક ન્યુક્લિયર ઈન્ડસ્ટ્રીમાં સુરક્ષા અને સલામતી વધારે મજબૂત બનશે.

યુકે સાથે રક્ષા અને સુરક્ષા સહયોગને અમે ખૂબ મૂલ્યવાન માનીએ છીએ, જેમાં સંરક્ષણ વેપાર અને નિયમિત સંયુક્ત કવાયત પણ સામેલ છે. આ ભાગીદારી હંમેશાં વધતી રહેશે.

મને ખૂબ પ્રસન્નતા થઇ રહી છે કે ફેબ્રુઆરી 2016માં ભારતમાં યોજાનારી ઇન્ટરનલ ફ્લિટ રીવ્યૂમાં યુકે પણ જોડાશે. ભારત સંરક્ષણના આધુનિકીકરણ પર ભાર મુકી રહ્યું છે. અને તે માટે અમે ડિફેન્સ મેન્યુફેકચરિંગમાં ‘મેક ઇન ઇન્ડિયા’ના મિશનને પ્રાથમિકતા આપી રહ્યાં છીએ. મારો વિશ્વાસ છે કે યુકે તેમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર રહેશે.

આર્થિક ભાગીદારી આપણા સંબંધોમાં એક ખાસ અને મજબૂત સ્તંભ છે. મારો વિશ્વાસ છે કે આ સંબંધ આવનારા સમયમાં વધારે ઝડપથી આગળ વધશે. કારણ કે ભારતમાં અપાર સંભાવનાઓ રહેલી છે અને બ્રિટનમાં આર્થિક ક્ષમતા અને સામર્થ્ય છે. યુકે ભારતમાં ત્રીજાક્રમનું સૌથી મોટું રોકાણકાર છે. ભારત યુકેમાં જેટલું રોકાણ કરે છે તે બાકીના યુરોપિયન યુનિયન દેશોમાં થઇ રહેલા રોકાણથી વધારે છે. ભારતમાં યુકેના મૂડીરોકાણના પ્રસ્તાવ માટે અમે ભારતમાં એક ફાસ્ટ ટ્રેક મિકેનિઝમની વ્યવસ્થા બનાવવા માટેનો નિર્ણય કર્યો છે. અમે ઇન્ડિયા યુકે સીઈઓ ફોર્મના પુનર્ગઠનનું સ્વાગત કરીએ છીએ.

લંડનના ફાયનાન્સિયલ માર્કેટમાં અમે ફંડ વધારવા માટે હજુ વધારે પ્રયોગ કરીશું. મારા માટે પ્રસન્નતાનો વિષય છે કે અમે ભારતીય રેલવે માટે લંડનમાં રેલવે રુપી બોન્ડ રજૂ કરવાના છીએ. આ એક પ્રકારથી સ્વભાવિક છે કે ભારતીય રેલવેની યાત્રા અહીંથી જ શરુ થઇ હતી.

આવનારા બે દિવસમાં આપણા બીઝનેસ સેક્ટર સાથે થનાર મુલાકાત માટે હું ઉત્સુકતા સાથે રાહ જોઇ રહ્યો છું. અને અમે વેપાર ક્ષેત્ર તરફથી અનેક મહત્વપૂર્ણ જાહેરાતોની અપેક્ષા રાખીએ છીએ.

મને ખુશી છે કે અમારી સરકાર અને ખાનગી ક્ષેત્ર બન્ને વચ્ચે અમારી ક્લિન એનર્જી અને ક્લાયમેન્ટ સહયોગમાં પ્રગતિ થઇ છે. આ ક્ષેત્ર મહત્વપૂર્ણ પણ છે અને તેમાં અપરંપાર સંભાવનાઓ પણ રહેલી છે. ભારતે ક્લાયમેન્ટ ચેન્જ અંગે જે એક વ્યાપક મહત્વાકાંક્ષી રાષ્ટ્રીય યોજના બનાવી છે તેમાં આપણા દ્વિપક્ષીય સહયોગથી લાભ થઇ રહેશે. અમે આશા રાખીએ છીએ કે પેરિસમાં થનાર સંમેલનમાં યુએન કન્વેન્શન ઓન ક્લાયમેન્ટ ચેન્જના ફ્રેમવર્ક હેઠળ નક્કર પરિણામ મળી રહેશે અને વિશ્વ એક સસ્ટેનેબલ અને લૉ કાર્બન ભવિષ્ય માટે એક નિર્ણાયક માર્ગ નક્કી થશે.

આજે અમે વધુ અનેક ક્ષેત્રોમાં નક્કર પરિણામ લાવ્યા છીએ જેનું ભારતની રાષ્ટ્રીય પ્રાથમિકતા સાથે સંબંધ છે. જેમાં સ્માર્ટ સિટીઝ, આરોગ્ય, નદીઓની સફાઈ, કૌશલ્ય અને શિક્ષણનો સમાવેશ થાય છે. અમે એ વાતે સંમત છીએ કે દરેક ક્ષેત્રોમાં આપણી ભાગીદારી માટે ટેકનોલોજી, સંશોધન અને ઇનોવેશનમાં મજબૂત પાયો આપી શકશું.

આપણે બન્ને દેશો આપણી આ ભાગીદારીથી જનતા માટે એક નવો અવસર પેદા કરીશું અને તેની સમૃદ્ધિ વધારીશું. સાથે સાથે એકબીજાના હિતને પણ પ્રાપ્ત કરી શકીશું અને પોતાના પડકારોનો સારી રીતે સામનો કરી શકીશું. જેમ કે એશિયામાં શાંતિ અને સ્થિરતા, વિશેષ કરીને દક્ષિણ અને પશ્ચિમ એશિયામાં, દરિયાઈ સુરક્ષા, સાયબર સુરક્ષા અને આતંકવાદ તથા અતિવાદ.

આ દરેક વિષય પર હું અને પ્રધાનમંત્રી કેમરુન આજે અને કાલે ચૈકરસમાં અમારી વાત ચાલુ રાખીશું.

અંતમાં, યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતની સ્થાયી સદસ્યતા અને આંતરરાષ્ટ્રીય એક્સપોર્ટ કંટ્રોલ રીજીમ્સમાં ભારતની સદસ્યતા માટે બ્રિટનના મહત્વપૂર્ણ સમર્થન માટે પ્રધાનમંત્રી કેમરુનજીનો આભાર વ્યક્ત કરવા ઇચ્છું છું.

આજે પાર્લામેન્ટમાં સંબોધન કરવાનું સન્માન મળ્યું છે. ત્યાર પછી હું ઇન્ડિયા યુકે બીઝનેસ સમિટને સંબોધિત કરીશ. આ બન્ને અવસરોએ ભારત અને ભારત-બ્રિટન સંબંધો અંગે વિસ્તારથી પોતાના વિચાર રજૂ કરીશ.

અમારી વ્યૂહાત્મક ભાગીદારી માટે આજે અમે એક બોલ્ડ અને મહત્વાકાંક્ષી વિઝન રેખાકિંત કર્યું છે. અને જે નિર્ણય આજે અમે કર્યો છે તે આ વિઝનને હાંસલ કરવા માટેના અમારા દૃઢનિશ્ચય અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આજના પરિણામોથી આ સ્પષ્ટ થાય છે કે અમારા સંબંધ વધુ નવી ઉંચાઈએ આજે પહોંચી ચૂક્યા છે.

આભાર.

J.Khunt/PIB Ahmedabad