Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

અમેઝિંગ ઇન્ડિયન્સ એવોર્ડ્સ ઇવેન્ટ દરમિયાન વડાપ્રધાનશ્રીનું સંબોધન

અમેઝિંગ ઇન્ડિયન્સ એવોર્ડ્સ ઇવેન્ટ દરમિયાન વડાપ્રધાનશ્રીનું સંબોધન


ઉપસ્થિત સહુ મહાનુભાવ

અમેઝિંગ ઈન્ડિયા અને અમેઝિંગ ઈન્ડિયન્સ… હું ટાઈમ્સ નાઉને અભિનંદન આપું છું કે તેમણે સમાજના એ રત્નોની પરખ કરવાનો પ્રયાસ કર્યો છે કે જેઓ ક્યારેય પોતાના માટે ચમકતા નથી. આ એવા હીરા છે, જેવો હીરાનો સ્વભાવ હોય છે, ખાણથી નીકળીને કોઇના શરીર પર ધારણ કરવા સુધીની તેની યાત્રા ખૂબ જ પીડાદાયક રહેતી હોય છે, ખૂબ જ કષ્ટદાયક રહેતી હોય છે. તેને અનેક મુસીબતોથી પસાર થવાનું આવે છે અને ત્યારે જઇને તે કોઇકના શરીર પર ચમકે છે. આ સહુ એવા હીરા છે જ્યાં સંસાર, સંસાર ચમકને પ્રાપ્ત કરે તે માટે તેઓ ઝઝૂમે છે અને કંઇક કરીને જ સંતોષ મેળવે છે.

આપણા દેશનું દુર્ભાગ્ય રહ્યું છે કે આપણે ત્યાં જે પણ કંઇ લખવામાં આવે છે પાછલા બસ્સો, અઢીસો, ત્રણસો વર્ષ દરમ્યાન જોશો તો મોટાભાગના રાજ પરિવારની વાતો, રાજકર્તાઓની વાતો, રાજઘરાનાઓની વાતો, તેમની આદતો, તેમની દિનચર્યાઓ આ બધી જ વાતો સમાજની સામે આવતી રહેતી હતી. આ દેશને ગુલામ રાખવા માટે સમજી વિચારેલી રણનીતિનો પણ ભાગ હતો અને તેના કારણે ધ્યાન પણ આ ચમક-દમકની આસપાસ જ રહેતું હતું. અંધકારમાં સમાયેલી પણ એક દુનિયા હોય છે, મુસીબતોની વચ્ચે પણ મૂલ્યો માટે ઝઝૂમનારા લોકોની એક પરંપરા રહેલી હોય છે અને એ તરફ ખૂબ ઓછું ધ્યાન જતું હોય છે.

પ્રેમચંદ જેવા સાહિત્યકારોને વાચીએ તો ધ્યાનમાં આવે છે કે કેવા કેવા પ્રકારથી લોક જીવનને સંવારતા હતા, ફક્ત જીવન જીવતા હતા એવું જ નહોતું જીવનને આકાર પણ આપતા હતા. અને એટલા માટે જ આપણે પોતાની શક્તિઓનો પણ અનુભવ કરવાનો છે, આપણે પોતાની જાતને જો ઓળખવાની છે તો અંધકારની અંદર જે લોકો રહેલા છે તેમને જોવાથી ક્યારેક આપણે પોતાની સ્થિતિને ઓળખી શકીએ તેમ છીએ. કેટલાક લોકોની વિચારસરણી છે કે જો સુવિધાઓ છે, વ્યવસ્થાઓ છે, સાનુકૂળ વાતાવરણ છે ત્યારે જ કંઇક કરી શકાય તેમ છે. આવા વિચાર ધરાવનાર ખૂબ મોટો વર્ગ છે અને હું હંમેશાં તેમને કહું છું કે જો તમને ઉંઘ નથી આવતી તો ફાઇવ સ્ટાર હોટેલમાં તમારા માટે સારામાં સારો રુમ બુક કરાવી દેવામાં આવશે, ગમે તેવું વાતાવરણ હશે, તાપમાન હશે, ગમે તેવા ઓશિકા હશે, તમને પસંદ આવે તેવું સંગીત પણ હશે તેમ છતાં તમને ઉંઘ આવશે તેની કોઇ ખાતરી નથી.

મોટાભાગે, સુવિધાઓ, વ્યવસ્થાઓ હંમેશાં સમાધાન આપે છે એવું નથી. જો તમારી અંદર કોઇ આગ છે, અંદર કોઇ ચમકારો છે તો તેવી પરિસ્થિતિઓને પરાસ્ત કરવા માટેની શક્તિ તે ધરાવે છે અને દુનિયામાં જે જે લોકોએ કંઇક કર્યું છે તેમની તરફ જોશો તો મોટાભાગના લોકો એવા લોકો છે જેમણે જીવનમાં ખૂબ શક્તિ જીવનથી ઝઝૂમવા માટે વાપરી નાખી છે તે પછી પણ કંઇક આપીને ગયા છે. અને દુનિયાના કોઇ પણ ઇતિહાસની કોઇ પણ ગાથાના ક્રમને જોશો તો હરેક વાતમાં ક્યાંકને ક્યાંક સમાજ જેમને નાના લોકો માને છે મોટા લોકોની નજરમાં જેઓ નાના લોકો છે તેમનું ખૂબ મોટું યોગદાન રહેલું હોય છે. આખી રામાયણ આપણે જોઇ લઇએ, રામ, લક્ષ્મણ, સીતા બધુ જ વાચી લો પરંતુ આપણે એ નાનકડી ખિસકોલીને ક્યારેય નહીં ભૂલી શકીએ કે જેના વગર, જેના કામની પ્રશંસા રામને પણ કરવી પડી હતી જે રામ સેતુ બનાવવા માટે પોતાની રીતે પોતાનો પ્રયાસ કરી રહી હતી. આખી રામાયણને ભૂલી જઇએ પરંતુ શબરીને નહીં ભૂલી શકીએ. શ્રીકૃષ્ણના અનેક રુપ યાદ આવતા હશે પરંતુ સુદામાને નહીં ભૂલી શકતા. એ ગોવાળોને નથી ભૂલી શકતા. છત્રપતિ શિવાજી આટલી મોટી દુનિયા, પરંતુ નાના માલવા જેઓ ક્યારેક સિંહગઢ જીતવા માટે પોતાનું જીવન કુરબાન કરી દે છે તેમને નહીં ભૂલી શકીએ. પંજ-પ્યારે, ગુરુ પરંપરાને યાદ કરો, પંજ પ્યારે કોણ હતા, સામાન્ય લોકો હતા. એક મહાન પરંપરાને તેમણે જન્મ આપ્યો. નાના નાના લોકો ઇતિહાસ બદલી નાખે છે, સમાજની વિચારસરણી બદલી નાખે છે.

આપણા દેશનું એ દુર્ભાગ્ય રહ્યું છે કે આઝાદી પછી પણ આપણી નજરો રાજ વ્યવસ્થાઓ પર ટકેલી છે, રાજ નેતાઓ પર ટકેલી છે અને ક્યારેક ક્યારેક તો લાગે છે કે આવશ્યકતાથી વધારે તેમને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેટલું તેમને આપવું જોઇએ તે તો સમજમાં આવે છે પરંતુ આપણે જોઇએ છીએ કે આવશ્યકતાથી વધારે આપવામાં આવે છે. એક શિક્ષકે પોતાના જીવનકાળમાં બસ્સો સારા નાગરિક આપ્યા હોય, જેમાં ડોક્ટર હોય, એન્જીનીયર હોય, સાહિત્યકાર હોય એ શિક્ષકનું ક્યારેક કોઇ ચાર રસ્તે નામ જોવા નહીં મળે, તેમના નામથી કોઇ રસ્તાનું પણ નામ નથી હોતું. પરંતુ એક કોર્પોરેટર બની જાય તો જોત જોતામાં તેમના નામથી રસ્તા પણ બની જાય છે અને તેમના નામે માર્ગ બને છે, સર્કલ બને છે અને ક્યારેક ક્યારેક તો પ્રતિમાઓ પણ લાગી જાય છે.

સમાજ માટે જીવનારા લોકો રાજકીય તામઝામથી ખૂબ દૂર રહેતા હોય છે, તેમની સંખ્યા કરોડોમાં હોય છે. હવે આપણા આખા કૃષિ જગતને જોઇ લો. કૃષિ જગતને જે શક્તિ લેબોરેટરીથી મળી છે અથવા વૈજ્ઞાનિકો પાસેથી મળી છે તેનાથી વધારે ગામના કોઇ સામાન્ય ખેડૂતના નિત્ય નિરંતર પ્રયોગોથી બહાર આવી છે. પરંતુ તે તરફ આપણું ધ્યાન જતું નથી. સમાજની શક્તિને ઓખળવી, સમાજની શક્તિને જોડવી સમાજની શક્તિના આધારે રાષ્ટ્ર શક્તિને સામે લાવવાનો પ્રયાસ એ જ અંતિમ તાકતના રુપમાં સામે આવે છે. અને એટલા માટે જ જેમણે કંઇકને કંઇક કર્યું છે. વિપરીત પરિસ્થિતિઓમાં પણ જીવીને બતાવ્યું છે અથવા વિપરિત પરિસ્થિતિઓ પછી પણ અન્યો માટે જીવવાનું શિખવ્યું છે. જેમનું જીવન પોતે એક ઉદાહરણ બન્યું છે. એક દીપથી ઝળહળતા દીપ હજાર. આ જે તાકત ઉભી કરી છે એવા જ રત્નોના દર્શન કરવા માટેનું સૌભાગ્ય આજે મને મળી શક્યું છે. અને આવા અનેક લોકો છે, હિન્દુસ્તાનના ખૂણે ખૂણામાં અસંખ્ય આવા લોકો છે. તેમની શક્તિને આપણે કેવી રીતે ઓળખી શકીએ.

ભારતની જે મૂળ વિચારસરણી છે એ તેન ત્યક્તેન ભૂંજીથા, આ એનો મૂળ વિચાર છે. ત્યાગ એના મૂળભૂત ચિંતનનો એક ભાગ છે. અને તેમાં આ પ્રકારથી જ જીવન નિર્માણ થતું હોય છે. આ જીવન અન્યોને પ્રેરણા પૂરી પાડે છે. આ સહુની પોતાની એક એક કથા છે, પોત પોતાની એક વિશેષતા રહેલી છે. અને આજે આ કાર્યક્રમ પછી અનેકોનો ધ્યાન તેમની તરફ જવાનું છે. કંઇક વધારે કરવા માટેનો ઉત્સાહ વધારે બુલંદ થશે. એક કમી હંમેશાં લાગ્યા કરે છે કે આ પ્રકારનું જીવન જીવનારા લોકો પોતાના જીવનથી તો ખૂબ સંતુષ્ટ રહેતા હોય છે કારણ કે તેઓ સ્વાતઃ સુખાય કરતાં હોય છે. કોઇકે તુલસી દાસજીને પૂછ્યું હતું કે આપ આ બધુ કેમ શા માટે કરો છો. તુલસીદાસનો સીધો સાદો જવાબ હતો ભાઈ, મને આ બધામાં આનંદ આવે છે અને એટલા માટે હું આ બધુ કરું છું.

આ બધુ કર્યા પછી કદાચ દુનિયા તેમનો સ્વીકાર કરશે, જોશે આ મારો વિષય નથી. હું સ્વાતઃ સુખાય કરું છું, પોતાના સંતોષ માટે કરું છું. આ એવા લોકો છે જેઓ પોતાના સુખ માટે સંતોષ માટે આ બધુ કહ્યા વગર કર્યા વગર રહી નથી શકતા અને આ બધુ કરશે તો જ તેમના મનનું દુઃખ દૂર થશે, એ ઉંચાઈને હાંસલ કરે છે ત્યારે જઇને કરી શકે છે. અને એટલા માટે આ મહાન મૂલ્યોને આપણે કેટલા સામે લાવીએ છીએ, કેવી રીતે સામે લાવીએ છીએ, આ મૂલ્યોનું આપણે કેવી રીતે જતન કરી શકીએ. અને સામાન્યથી સામાન્ય માનવીને પણ તેનાથી કેવી રીતે પ્રેરણા પૂરી પાડી શકીએ. આવા અવસરોથી કોઇ તાકત સામે આવે છે. અને ફરી એક વખત હું આવા રત્નોને વંદન કરું છું, અભિનંદન કરું છું અને તેમણે જે ઉદાહરણ પૂરું પાડ્યું છે તે સાંભળીને, વાચનારાઓને પણ કદાચ પ્રેરણા આપવાનું એક કારણ બનશે. હું ટાઈમ્સ નાઉનો ખૂબ આભારી છું કે તેમણે મને આવા રત્નોની સાથે તેમના કાર્યો, તેમના સપનાંઓને, તેમના જીવનને જાણવાનો, તેમના દર્શનનો અવસર મળ્યો છે. ખૂબ ખૂબ આભાર.

UM/AP/J.Khunt/GP