પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે અંતરિક્ષ વિભાગ / ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ડીઓએસ / ઈસરો) અને કુવૈત ઈન્સ્ટીટ્યુટ ઑફ સાયન્ટિફિક રિસર્ચ (કેઆઈએસઆર) વચ્ચે બાહ્ય અવકાશના સંશોધન અને તેના શાંતિપૂર્ણ હેતુઓ માટેના ઉપયોગમાં સહકાર અંગે સમજૂતી કરારની માહિતી આપી હતી.
આ સમજૂતી કરારને પગલે સહકારી અને વાણિજ્યિક બંને રીતે સંભવિત હિતના વિસ્તારોમાં સંશોધનો આગળ વધારી શકાશે. જેમકે, (1) ઈન્ડિયન રિમોટ સેન્સિંગ (આઈઆરએસ)ના સેટેલાઈટનો ડેટા કેઆઈએસઆર કેટલાક સંશોધન અને એપ્લિકેશન પ્રોજેક્ટો શરૂ કરવા માટે વાપરી શકશે ; (2) તાલીમ ; અને (3) વાણિજ્યિક શરતોએ રિમોટ સેન્સિંગ અને કોમ્યુનિકેશન સેટેલાઈટોનાં નિર્માણ અને લૉન્ચ કરી શકાશે.
આ સમજૂતી કરારને પગલે ઈસરો અને કેઆઈએસઆરના સભ્યોનો સમાવેશ કરતું એક સંયુક્ત કાર્યકારી જૂથ રચવામાં આવશે, જે સમયગાળો અને આ સમજૂતીના અમલીકરણનાં સાધનો નક્કી કરવા સહિત કાર્યયોજના ઘડશે.
આ સમજૂતી દ્વારા કેઆઈએસઆર સાથેના સહયોગને કારણે માનવજાતના ભલા માટે અંતરિક્ષ તકનિકીના ઉપયોગના ક્ષેત્રે સંયુક્ત પ્રવૃત્તિ હાથ ધરાશે. આમ, દેશના તમામ વર્ગો અને ક્ષેત્રોને આ સમજૂતી કરારનો લાભ થશે.
આ સમજૂતી કરાર પૃથ્વીના રિમોટ સેન્સિંગ, સેટેલાઈટ કોમ્યુનિકેશન, સેટેલાઈટ નેવિગેશન, અંતરિક્ષ વિજ્ઞાન અને બાહ્ય અવકાશમાં સંશોધનના ક્ષેત્રે નવી સંશોધન પ્રવૃત્તિઓને તેમજ ઉપયોગની સંભાવનાઓની શોધને પ્રોત્સાહિત કરશે.
AP/J.Khunt