પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ન્યુ યોર્ક સિટી ખાતે યોજાયેલા યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ (ઈકોસોક)ના 70મા વાર્ષિક સમારંભ નિમિત્તે યોજાયેલા ખાસ સમારંભમાં વિડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રી કરેલા સંબોધનનું લખાણ આ મુજબ છે
ઈકોસોકના પ્રમુખ, મહામહિમ્ન, મહિલાઓ અને સજ્જનો,
ઈકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલની 70મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે આજની ખાસ બેઠકને સંબોધન કરવા માટે મને નિમંત્રણ આપવા બદલ ઈકોસોકના પ્રમુખનો હું આભારી છું.
આ પ્રસંગે, હું યુનાઈટેડ નેશન્સના તમામ સભ્યોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું.
પ્રમુખ શ્રી, મહામહિમ્ન,
સંયુક્ત રાષ્ટ્રો – યુનાઈટેડ નેશન્સના માળખામાં ઈકોસોક, એ એક મહત્ત્વનો સ્તંભ છે.
યુનાઈટેડ નેશન્સના વિશિષ્ટ ભાગ તરીકે ઈકોસોકની રચના, એ યુનાઈટેડ નેશન્સના સ્થાપકોના વિઝનમાં વિકાસ કેન્દ્રસ્થાને હોવાનો પુરાવો છે.
શાંતિપૂર્ણ અને સમૃદ્ધ વિશ્વનું લક્ષ્ય સર કરવા માટે આપણે સૌથી પહેલાં, ઝડપી સામાજિક – આર્થિક વિકાસ માટેની શરતોને પ્રાધાન્ય આપવું પડશે, માનવ સ્થિતિમાં સુધારો લાવવો પડશે અને ભૂખમરા અને અછત દૂર કરવાં પડશે.
મહામહિમ્ન,
આ માળખાની રચનામાં ભાગીદાર બનવાનું ગૌરવ ભારતને મળ્યું હતું.
ભારતના વિખ્યાત નાગરિક આરકોટ રામાસ્વામી મુદલિયાર, ઈકોસોકના મહત્ત્વના શિલ્પી હતા.
ઈકોસોકના પ્રથમ સત્રના ઉદ્ઘાટન પ્રવચનમાં રામાસ્વામીએ ઈકોસોક માટે એમણે જે સ્વપ્ન જોયું હતું તે મુજબની વ્યાખ્યા અને આગામી વર્ષોમાં ઈકોસોકે શું ભૂમિકા ભજવવાની છે તે વિશે જણાવ્યું હતું.
તેમણે જે જણાવ્યું હતું તે હું અહીં પ્રસ્તુત કરું છું : “ભવિષ્યમાં વિશ્વ સાચા અર્થમાં સુરક્ષા અને શાંતિ મેળવી શકે એની શક્યતા, કાઉન્સિલનાં કાર્ય અને ગૂંચવણા ભર્યા જટિલ આર્થિક પ્રશ્નો ઉકેલવાની તેની ક્ષમતા પર આધારિત છે.”
એટલે, ઈકોસોકનાં કાર્ય, ખાસ કરીને તે માનવ સ્થિતિ સુધારવામાં કેવી રીતે પ્રગતિ સાધે અને સહુને ગૌરવપૂર્ણ જીવનની ખાતરી મળે, એ છે. અને, તે યુનાઈટેડ નેશન્સના એકંદર એજન્ડાનું કેન્દ્રબિંદુ છે.
આ કાઉન્સિલની રચનાને 70 વર્ષ પસાર થઈ ગયાં. અત્યારે આપણે 21મી સદીના 15મા વર્ષમાં છીએ. પરંતુ શું ઈકોસોક આપણા સ્થાપકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરી શકી છે…?
આપણે આ 70 વર્ષો દરમિયાન નોંધપાત્ર પ્રગતિ સાધી છે, 20મી સદીમાં ગરીબી ઉન્મૂલન સૌથી મહત્ત્વનું પૂરું નહીં કરી શકાયેલું કામ રહ્યું છે. યુનાઈટેડ નેશન્સ માટે પણ તે સૌથી મહત્ત્વનું આંબી નહીં શકાયેલું ધ્યેય છે.
મહામહિમ્ન,
ઈકોસોકની 70મી વર્ષગાંઠની ઉજવણી માટે આનાથી વધારે યોગ્ય સમય નહીં આવી શકે.
આંતરરાષ્ટ્રીય સમુદાયે તેને તાજેતરમાં જ વિકાસનું નવું વિસ્તૃત વિઝન આપ્યું છે.
‘સાતત્યપૂર્ણ વિકાસ માટે એજન્ડા 2030’, યુનાઈટેડ નેશન્સના તંત્રને તેની ભૂમિકા અને હેતુ વિશે ફેરવિચારણા કરવાની કિંમતી તક આપે છે તેમજ તેને વધુ અસરકારક બનાવવાની તક પૂરી પાડે છે.
હવે ઈકોસોકની જવાબદારી છે કે આ પડકારને ઝીલી લે અને આ એજન્ડાને સફળ બનાવવા માટે યોગદાન આપે.
એજન્ડા 2030 ગરીબ દેશો જે પડકારોનો સામનો કરી રહ્યા છે, તેનું પ્રતિબિંબ છે.
આપણે વિશ્વના વિકાસ સાથે માત્ર ગરીબી અને ભૂખમરાનો અંત લાવીને આપણા લોકોની વધુ સારા જીવનની વાજબી આકાંક્ષાઓને સંતોષવાની છે એટલું જ નહીં, પરંતુ આ કામ આપણે પૃથ્વી અને પર્યાવરણને અનુકૂળ રીતે રહીને કરવાનું છે.
બીજી તરફ, વિકસિત દેશો પર અસાધારણ જવાબાદારીઓ છે, તેમણે પોતાની અર્થવ્યવસ્થા ઝડપભેર સ્થિર કરવાની છે, સાતત્યપૂર્ણ જીવનશૈલીને અનુસરવાનું છે અને વિકાસશીલ દેશોને નાણાં તેમજ ટેકનોલોજી માટે સહાય કરવાની છે.
સમયના આ તબક્કે, આપણી પાસે અસાધારણ સંસાધનો છે. અને આજે ટેકનોલોજી ક્ષેત્રે અગાઉ ક્યારેય વિચારી શકાય એમ ન હતું એવાં ઉકેલો સાથે આપણે ઊભા છીએ.
પડકાર એ છે કે ઉપલબ્ધ સંસાધનોને યોગ્ય રીતે ઉપયોગમાં લઈને તેમજ ટેકનોલોજી વાપરીને આપણે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, તેમાંથી સૌથી તાકીદની સમસ્યાઓનો હલ લાવીએ.
હું તમને સહુને આ સમયને એક તક તરીકે જોવા વિનંતી કરું છું. કાઉન્સિલમાં શક્તિનો પુનઃસંચાર કરવા માટે, તેને વધુ ક્રિયાલક્ષી બનાવવા માટે, તેને નીતિ સાથે વધુ સંબંધિત તેમજ જરૂરિયાતો અને આપણા લોકોની આકાંક્ષાઓને વધુ સંતોષી શકે તેવી બનાવવા માટે આ શ્રેષ્ઠ તક છે.
આમ કરવા માટે, ઈકોસોકની માર્ગદર્શક ફિલસૂફી હંમેશા ગરીબમાં ગરીબ વ્યક્તિનું કલ્યાણ અથવા તો ભારતીય વિચારધારા મુજબ ‘અંત્યોદય’ જ રહેશે.
જ્યાં સુધી વિશ્વમાં ગરીબી છે, ત્યાં સુધી આપણા લોકો, પછી ભલે તે ગમે તે દેશના હોય, મૂળભૂત માનવ સુવિધાઓ, સ્વતંત્રતાઓ, અધિકારો અને તકોથી વંચિત જ રહેશે, ઈકોસોકનું કાર્ય પૂરું થશે નહીં.
મને વિશ્વાસ છે કે ઈકોસોક, યુનાઈટેડ નેશન્સના સ્થાપક જનકોએ જોએલાં સ્વપ્નાં પૂરાં કરશે.
આભાર.
AP/J.Khunt/GP
Happening now: PM @narendramodi addressing ECOSOC. Watch. https://t.co/Sakjbw8j25
— PMO India (@PMOIndia) January 22, 2016
Highlighted ECOSOC's importance in @UN structure, its role today & India's association with it during my address. https://t.co/IDGIowmvkt
— Narendra Modi (@narendramodi) January 23, 2016