પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે પરંપરાગત ઔષધિ પદ્ધતિઓના ક્ષેત્રે સહયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ભારત સરકારના આયુષ મંત્રાલય અને જીનિવા ખાતેની વિશ્વ આરોગ્ય સંસ્થા વચ્ચેની સમજૂતીને મંજૂરી આપી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે લાંબા ગાળાની સમજૂતી, આયુષની પદ્ધતિઓને આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ મેળવવામાં અને તેના બ્રાન્ડિંગમાં મદદરૂપ થશે, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, કાર્યશિબિરો, પબ્લિકેશન્સ અને આયુષ અને ડબલ્યુએચઓ વચ્ચે ક્ષમતા નિર્માણ માટે એક્સચેન્જ કાર્યક્રમો દ્વારા આયુષની ઔષધિ પદ્ધતિઓ સંદર્ભે જાગૃતિ ઊભી કરવામાં સહાયરૂપ થશે, સભ્ય રાજ્યોમાં આયુષની પદ્ધતિઓની હિમાયત કરવામાં અને એના વિશેની માહિતી પ્રસરાવવામાં મદદગાર નીવડશે, ડબલ્યુએચઓની ટ્રેડિશનલ મેડિસીન સ્ટ્રેટેજી 2014-2023ના ખાસ કરીને આયુષની પદ્ધતિઓના સંદર્ભમાં અમલીકરણ માટે એકરૂપતા સાધવા માટે ત્રીજા પક્ષોનો સહયોગ લેવામાં આવશે.
સહયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટેનો ખર્ચ આયુષ મંત્રાલયની હાલની યોજનાઓ હેઠળ ફાળવવામાં આવેલા બજેટમાંથી પૂરો કરાશે.
પ્રવૃત્તિઓની શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે પરસ્પર સહમતિ હોય તેવી શરતો નક્કી કરીને સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવશે. લાંબા ગાળના સહયોગના પ્રથમ પગલા તરીકે નીચે મુજબની ડબલ્યુએચઓની પ્રવૃત્તિઓ ડબલ્યુએચઓના ટેકનિકલ ડોક્યુમેન્ટ્સ – પબ્લિકેશન્સને અનુસરીને હાથ ધરવા માટે ભારતને જણાવવા માટે આવશે, જેનાથી ભારતીય પદ્ધતિઓને વધુ સારી આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ મેળવવામાં મદદ મળશે.
i. યોગમાં તાલીમ માટેનાં બેન્ચમાર્કસ;
ii. આયુર્વેદમાં પ્રેક્ટિસ માટેનાં બેન્ચમાર્કસ;
iii. યુનાની ઓષધિ પદ્ધતિઓમાં પ્રેક્ટિસ માટેનાં બેન્ચમાર્કસ; અને
iv. પંચકર્મમાં પ્રેક્ટિસ માટેનાં બેન્ચમાર્કસ
લાંબા ગાળાના સહયોગ હેઠળ, આયુષ અને ડબલ્યુએચઓ આના પછી પરસ્પર સંમતિ સાથે અન્ય પ્રવૃત્તિઓ હાથ ધરશે અને એવાં પગલાં પણ લેશે, જેમાં પરંપરાગત અને પૂરક ચિકિત્સા પદ્ધતિઓ માટે મૂળભૂત પરિભાષા પર ડબલ્યુએચઓનું પબ્લિકેશન વિકસાવવા સહિત પરંપરાગત અને પૂરક ઔષધિઓ કે ચિકિત્સા પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા બહુપક્ષીય સહયોગ, વિશ્વભરના પરંપરાગત અને પૂરક ચિકિત્સા પદ્ધતિઓના વ્યવસાયીઓ માટે ડેટાબેઝ તૈયાર કરવો, પરંપરાગત અને પૂરક ચિકિત્સા પદ્ધતિઓના વ્યવસાય માટે આંતરરાષ્ટ્રીય નિયમનકારી સહયોગનું નેટવર્ક સ્થાપવાને પણ આવરી લેવાશે.
ડબલ્યુએચઓ અને આયુષ વચ્ચેની સમજૂતીને કારણે આયુષ પદ્ધતિઓના વ્યવસાયીઓને લાભ થશે તેવું અનુમાન છે.
પશ્ચાદ્ભૂમિકાઃ
આયુર્વેદ, યોગ, નેચરોપથી, યુનાની, સિદ્ધ, સોવા રિગ્પા અને હોમિયોપેથી સહિત માન્યતા પ્રાપ્ત પરંપરાગત અને પૂરક ઔષધિઓની ચિકિત્સા પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા, તેનો પ્રચાર કરવા તેમજ તેને વૈશ્વિક બનાવવાની ફરજ બજાવી રહેલા આયુષ મંત્રાલયે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે સહયોગ અને સહકારની દરખાસ્ત મૂકી છે. સંયુક્ત રાષ્ટ્રોના માળખામાં વિશ્વ આરોગ્ય સંસ્થા આરોગ્ય માટેની માર્ગદર્શક અને સહયોગી સત્તા છે. તે સ્વાસ્થ્યને લગતી વૈશ્વિક બાબતો માટે નેતૃત્વ પૂરું પાડે છે, સ્વાસ્થ્ય ક્ષેત્રે સંશોધનનો એજન્ડા ઘડે છે, નિયમો અને ધોરણો નક્કી કરે છે, પુરાવા આધારિત નીતિ વિકલ્પો સ્પષ્ટ કરે છે, દેશોને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડે છે અને આરોગ્યને લગતા પ્રવાહો પર દેખરેખ રાખે છે તેમજ તેનું મૂલ્યાંકન કરે છે.
આયુષ મંત્રાલયે ત્રીજી જુલાઈ, 2014ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી સમક્ષ રજૂ કરેલા પ્રેઝન્ટેશન દરમિયાન માનનીય પ્રધાનમંત્રી શ્રીએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે જ્યારે સમગ્રલક્ષી સ્વાસ્થ્ય સંભાળ કરન્સી મેળવી આપે છે, ત્યારે મંત્રાલયે વિશ્વમાં નેતૃત્વ કરવા માટેની તકો શોધવી જોઈએ. હર્બલ મેડિસીનની નિકાસો બાબતે ભારતે ચીન સાથે સ્પર્ધા કરવા ભારે પ્રયાસો કરવા જોઈએ. એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે અધિકૃત અને વિશ્વસનીય સાહિત્ય તૈયાર કરવા સહિત સમગ્રલક્ષી સ્વાસ્થ્ય-સંભાળમાં ભારતની વિશ્વસનીયતા સ્થાપિત કરવા માટેની યોજના ઘડવામાં આવે.
ભારતમાં માન્યતા ધરાવતી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને ઔષધિઓ (આયુર્વેદ, યુનાની, સિદ્ધ, યોગ અને નેચરોપથી, સોવા-રિગ્પા અને હોમિયોપેથી સહિતની)ને વૈશ્વિક સ્થાન તેમજ સ્વીકૃતિ વધારવા માટે ભારત અને ડબલ્યુએચઓ વચ્ચેના જોડાણનું વ્યૂહાત્મક મહત્ત્વ હોવાથી આયુષ મંત્રાલય અને ડબલ્યુએચઓ વચ્ચે લાંબા ગાળાનું જોડાણ હોવું જોઈએ.
UM/ J.Khunt