પીએમઇન્ડિયા
મારા વ્હાલા ભાઈઓ બહેનો, આજે સવારે હું નયા રાયપુરમાં હતો. નયા રાયપુરમાં હું જ્યારે પણ આવું ત્યારે ઘણી નવી ચીજો જોવા મળે છે. એવું લાગે છે કે નયા રાયપુર દિવસે વધે છે, તેના કરતાં વધુ રાત્રે વધે છે. આજે મેં નયા રાયપુરમાં શહેરોમાં જે ગરીબ હોય છે, એ ગરીબો માટે આવાસની યોજનાનો શિલાન્યાસ કર્યો. અને હવે હું તમારી પાસે આવ્યો છું. કાર્યક્રમ તો મારા આ આદિવાસી ભાઈ-બહેનો સાથે છે, જે દિલ્હીથી ઘણા દૂર છે. રાજનંદ ગાંવના એક વિસ્તારની નાનકડી જગ્યાએ છે. પરંતુ કાર્યક્રમ ઘણો મોટો છે અને સમગ્ર હિન્દુસ્તાન માટે છે.
પહેલા સરકારને ટેવ હતી, કે જે કંઈ પણ કરવું છે, એ દિલ્હીમાં જ કરવું છે. વિજ્ઞાન ભવનમાં બસો-ચારસો લોકો આવે, દીપ પ્રજ્વલિત કરાય, મીડિયાના લોકો સાથેની મિત્રતા કામ આવે, ટીવી પર 24 કલાકમાં ખબર પડી જાય કે આટલું મોટું કામ થઈ ગયું છે. મેં સરકારને દિલ્હીમાંથી બહાર કાઢીને જન-જન વચ્ચે લોકો વચ્ચે લાવીને ઊભી રાખી દીધી છે. આદિવાસીઓની વચ્ચે લાવ્યો છું, ખેડૂતોની વચ્ચે લાવ્યો છું, ગામડાની વચ્ચે લાવ્યો છું.
સરકારના અધિકારીઓની ફોજ ગામની વચ્ચે જવા લાગી છે અને વિકાસની એક નવી દિશા ખૂલી ગઈ છે. અને એટલે જ આજે આ નાનકડી જગ્યાએ પણ આટલા લાખો લોકોનો જનસાગર, મને આશ્ચર્ય થાય છે કે આટલી મોટી સંખ્યામાં લોકો, જ્યાં પણ મારી નજર પહોંચે છે, લોકો જ લોકો નજરે પડે છે. હું પેલી તરફ પહાડી પર નજર કરું છું, પહાડીમાં જાણે જીવ આવી ગયો છે, પત્થર નહીં, લોકો નજરે પડી રહ્યા છે. કેવું અદ્ભુત દૃશ્ય જોઈ રહ્યો છું હું. મારા વ્હાલા ભાઈઓ-બહેનો, આ જનતા-જનાર્દનના આશીર્વાદ આ દેશને નવી ઊંચાઈઓ પર પહોંચાડશે. આ મારો વિશ્વાસ દરરોજ વધુને વધુ મજબૂત થતો જાય છે. દરેક દિવસ નવો વિશ્વાસ જન્માવે છે. આવો પ્રેમ, જે તમે લોકો આપી રહ્યા છો, એનાથી મને તમારા માટે વધુ દોડવાની તાકાત મળે છે, વધુ મહેનત કરવાની શક્તિ મળે છે, પરસેવો પાડવાની પ્રેરણા મળે છે.
આજે મને અહીં 104 વર્ષની વયનાં માં કુંવરબાઈના આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય સાંપડ્યું. જે લોકો પોતાની જાતને નવયુવાન સમજે છે, એ લોકો નક્કી કરે કે શું એમના વિચારો પણ યુવાન છે ખરા ? હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે 104 વર્ષનાં માં કુંવરબાઈ ન ટીવી જુએ છે, ન છાપું વાચે છે, ન તો એ ભણેલા-ગણેલા છે, અંતરિયાળ ગામડામાં રહે છે અને તો પણ એમને ખબર પડી કે દેશના પ્રધાનમંત્રી કહે છે કે શૌચાલય બનાવો.
બસ. આ માના કાનમાં આ વાત પડી ગઈ, તેમણે પોતાની બકરીઓ વેચી નાખી અને શૌચાલય બનાવી દીધું. 104 વર્ષની માના મનમાં વિચાર, આ જ હિન્દુસ્તાનમાં પરિવર્તનનો સંકેત આપી રહ્યો છે. દેશ બદલાઈ રહ્યો છે, એનો પુરાવો અંતરિયાળ ગામડામાં બેઠેલી મારી એક આદિવાસી 104 વર્ષની મા જ્યારે શૌચાલય બનાવવાનો સંકલ્પ કરે, અને સંકલ્પ કરે એટલું જ નહીં, સમગ્ર ગામના લોકોને શૌચાલય બનાવવા માટે મજબૂર કરે, એટલું જ નહીં, ગામમાં હવે એક પણ વ્યક્તિ ખુલ્લામાં શૌચાલય નહીં જાય એની ખાતરી કરાવી લે, એનાથી મોટી પ્રેરણા કઈ હોઈ શકે છે. હું આજે દેશવાસીઓને કહું છું, હું મીડિયાના લોકોને પણ વિનંતી કરું છું કે મારું આ ભાષણ નહીં દેખાડો તો ચાલશે, પરંતુ મારી મા કુંવરબાઈની વાત દેશને જરૂરથી દેખાડજો. આ જ વાતો છે, જે સમાજની શક્તિ બને છે. અને આજે મને કુંવરબાઈનું સ્વાગત કરવાનો, સન્માન કરવાનો અવસર મળ્યો છે.
મને આજે અહીંના આદિવાસી ક્ષેત્રના બે વિકાસ ખંડોના સેવાભાવી નવયુવાન માતાઓ, બહેનો અને ભાઈઓનું સન્માન કરવાનો અવસર મળ્યો. અમ્બાગઢ ચોકી અને છુરિયા – આ બે બ્લૉક, સામાજિક જાગૃતિને પરિણામે, આ જાગૃત નાગરિકોના અથાક પ્રયાસોથી આ બે બ્લૉક ઓપન ડીફેક્શન ફ્રી (ખુલ્લામાં મળોત્સર્જનથી મુક્ત) બની ગયા છે. આ બે બ્લૉકમાં જાહેરમાં શૌચાલય જવાનું બંધ થઈ ગયું અને દરેકે શૌચાલય બનાવી લીધું. સ્વચ્છતા, નાની વાત નથી. હિન્દુસ્તાનના ખૂણે-ખૂણે, પ્રત્યેક વ્યક્તિના મનમાં શૌચાલય સ્વભાવ બનાવવો છે, શૌચાલય, સ્વચ્છતા, બીમારીથી મુક્તિ, સ્વસ્થ ભારત, સશક્ત ભારત, આ સપનાં પૂરા કરવા માટે જો કોઈ સૌપ્રથમ, કૌઈ મહત્ત્વપૂર્ણ પગલું છે, તો એ છે, સ્વચ્છતા. આજે મને એનું સન્માન કરવાની તક મળી છે. અમ્બાગઢ ચોકી બ્લૉકના ગ્રામીણ લોકોને હું ખાસ અભિનંદન આપું છું. ક્યારેક ક્યારેક દેશના પ્રધાનમંત્રી પણ કરવેરા લાદતા ડરે છે, તેમને ચિંતા રહે છેકે અરે આ વેરો નાંખીશ તો શું થશે. પરંતુ અમ્બાગઢ ચોકીના નાગરિકોને હું સલામ કરું છું કે તેમણે જાહેરમાં કોઈ કુદરતી હાજત જાય તો દંડ કરવાની જોગવાઈ કરી છે અને દંડ વસૂલે છે. આ ઘણી મોટી હિંમતની વાત છે. સમાજ માટે નિર્ણય કડવો હોય, તો પણ કરવાની તાકાત આ અમ્બાગઢ ચોકીના મારા આદિવાસી ભાઈઓએ આજે આપણને શીખવી છે.
તેમણે ઓપન ડીફેક્શન ફ્રી, જાહેરમાં કુદરતી હાજત જવાની સદીઓ જૂની આદતથી લોકોને મુક્તિ અપાવી છે અને તમે જ્યારે આમ ખુલ્લામાં – જાહેરમાં કુદરતી હાજત જવાનું બંધ કરાવો છો, તો સૌથી પહેલા માતાઓ-બહેનોને સન્માનનું કામ થાય છે. આજે એમને મજબૂરીમાં ખુલ્લામાં, જંગલોમાં કુદરતી હાજત માટે જવું પડે છે. જો આપણે આપણી માતાઓ-બહેનોને આ મુસીબતથી મુક્ત કરાવી દઈએ તો દેશની કરોડો માતાઓ-બહેનોના આશીર્વાદ ભારતને એક મહાન શક્તિશાળી દેશ બનાવી દેશે અને આ કામ અહીં આપણા આદિવાસી ભાઈઓ-બહેનોએ કરી બતાવ્યું છે, 104 વર્ષની માએ કરી બતાવ્યું છે. આનાથી મોટો સફળતાનો માર્ગ કયો હોઈ શકે. હું આ સહુને જાહેરમાં માથું નમાવીને નમન કરું છું, હું તેમને ખૂબ-ખૂબ વંદન કરું છું, તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું.
આજે અહીં વધુ એક યોજનાનો પણ આરંભ થયો – જન ઔષધિ ભંડાર. ગરીબ વ્યક્તિનો પરિવાર કઠોર પરિશ્રમ કરીને જીવન નિર્વાહ ચલાવે છે, વિચારે છે કે પાંચ વર્ષ પછી આમ કરીશું, 10 વર્ષ પછી આમ કરીશું. ક્યારેક વિચારે છે કે સાયકલ લાવીશું, ક્યારેક વિચારે છે કે બાળકો માટે કોઈ સારા કપડાં લાવીશું, પરંતુ પરિવારમાં જો એક વ્યક્તિ બીમાર પડી જાય તો ગરીબ માટે તો 10 વર્ષનું પ્લાનિંગ ખોરવાઈ જાય છે, આર્થિક બોજો બની જાય છે, દેવાદાર થઈ જાય છે. ગરીબને સસ્તી દવા મળે, ગરીબ દવા વિના મૃત્યુ પામે તેવી નોબત ન આવે એટલે સમગ્ર દેશમાં જન ઔષધિ ભંડારો ખોલવાનું અભિયાન શરૂ કર્યું છે. આજે હું છત્તીસગઢના મુખ્યમંત્રી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું કે આ જન ઔષધિ ભંડાર આજે અહીં મારા હાથે ખોલવાનો મને તેમણે અવસર આપ્યો, તેના માટે હું તેમનો ખૂબ આભારી છું.
આજે રુર્બન મિશન આપણે શરૂ કરી રહ્યા છીએ. કેટલાક લોકો કહે છે સ્માર્ટ સીટી તો સ્માર્ટ વિલેજ કેમ નહીં, આ જે રુર્બન મિશન છે ને, તે સ્માર્ટ વિલેજ છે. આપણા ચૌધરી સાહેબ, આપણા મંત્રી છે એ વિભાગના, તેઓ હમણાં વિસ્તારપૂર્વક કહી રહ્યા હતા. આ વાત સાચી છે કે આપણી શહેરો તરફની દોટે વેગ પકડ્યો છે. લોકો પોતાના દીકરાઓને શહેરોમાં મોકલી રહ્યા છે, વૃદ્ધ મા-બાપ ગામમાં રહે છે, નવયુવાન શહેરોમાં જતા રહે છે, તેમને એક વધુ સારી જિંદગી જીવવી છે, એક ક્વોલિટી ઑફ લાઈફ. જ્યાં સારું શિક્ષણ હોય, સારી હોસ્પિટલ હોય, વીજળી મળી રહે, ઈન્ટરનેટ ચાલે, સાંજે પરિવાર સાથે ક્યાંય બહાર ફરવા જવું હોય તો સારી જગ્યા હોય, આ તેના મનમાં રહે છે અને એટલે તે શહેરની તરફ ચાલી નીકળે છે. પરંતુ શહેરોની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ કે અહીં ઝૂંપડપટ્ટી વિસ્તાર વધતો જાય છે.
શહેરોના વિકાસમાં, છેલ્લાં કેટલાંયે વર્ષોથી લોકો આવતા ગયા અને શહેરો વિસ્તરતા ગયા. શહેરમાં બેઠેલા લોકોએ કે રાજ્ય સરકાર ચલાવતા લોકોએ આ લોકો આવશે તો ક્યાં રહેશે, તેમને પાણી ક્યાંથી પહોંચશે, વીજળી ક્યાંથી મળશે, તેમના ડ્રેનેજનું શું થશે, એમને રોજિંદા જીવનની ક્રિયાઓ કરવી હોય, તો ક્યાં કરશે, કોઈ વિચારતું નથી અને લોકો આવે છે. ક્યારેક એક લાખ વસતી હશે તો થોડા જ સમયમાં દોઢ લાખ થઈ જશે, પછી બે લાખ થશે, પછી ત્રણ લાખ થઈ જશે અને વ્યવસ્થાઓ એમન જ એમ જ રહેશે. પાણીની ટાંકી એની એ જ રહેશે, જે પહેલા એક લાખ લોકો માટે હતી. હવે પાંચ લાખ લોકોને પાણી ક્યાંથી પહોંચે અને એટલે છેલ્લા કેટલાંયે વર્ષોનો અંદાજ બાંધીને વિકાસનો નકશો તૈયાર કરીને જ જો શહેર વિકાસ પામે તો આ તરફ વિસ્તારીશું, નવાં મકાનો બનાવવાં છે, તો આ તરફ બનાવીશું, પ્લાનિંગથી આમ કરીશું, એમ વિચારવામાં આવ્યું નહીં. અને વિચારાયું તો ઘણી ઓછી જગ્યાઓએ વિચારવામાં આવ્યું અને તેને કારણે શહેરોમાં જવું પણ લોકો માટે મુશ્કેલ થઈ ગયું છે. તેનો ઉપાય શું છે, શું લોકોને તેમના નસીબ પર છોડી દેવા, ઝૂંપડપટ્ટીઓમાં જીવવા માટે મજબૂર કરવા.. ના. તેનો ઉપાય વિચારવો જોઈએ અને આ સરકારે વિચાર્યો છે અને એમાંથી જ આ રુર્બન મિશન આકાર પામ્યું છે.
રુર્બનનો સીધો અર્થ છે – રુરલ – અર્બન, બંનેને ભેગા કરો એટલે રુર્બન. ગ્રામીણ અને શહેરી બંનેને એકસાથે ભેગા કરો એ છે રુર્બન. જેનો અર્થ એ છે કે એવો વિકાસ હોય, જેની આત્મા ગામડાની હોય અને સુવિધા શહેરની હોય, તેવું ગામ. જો આપણે જોઈએ છીએ, કેટલાક પાંચ-સાત ગામમાં વચ્ચે એકાદ ગામ હોય છે. જ્યાં લોકો કંઈક ખરીદવા આવે છે, કેટલીક નાની-મોટી ચીજવસ્તુઓ ખરીદવા આવે છે, પરંતુ હોય છે તો એ ગામ જ. આ સરકારે વિચાર્યું કે દેશમાં જે ગામડાં છે, જેની આસપાસ પાંચ-સાત ગામ હોય છે અને એ ગામ ધીમે ધીમે વિસ્તરી રહ્યા છે, તો શું તે શહેર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે, આપોઆપ વધી રહ્યા છે, લોકો ધીરે-ધીરે ત્યાં આવવા માંડ્યા છે. ભણવા માટે આવીને વસ્યા, વેપાર માટે આવીને વસ્યા, નોકરી માટે આવીને વસ્યા છે. અગાઉ 10 હજારની વસતી હતી, જોતજોતામાં 20 હજારની વસતી થઈ ગઈ, જોતજોતામાં 25 હજારની વસતી થઈ ગઈ. શું અત્યારથી જ, જે ગામડાં અત્યારથી જ આ ઝડપે વિસ્તરી રહ્યા છે, એવાં ગામો પર ધ્યાન કેન્દ્રિત કરીને, આજુબાજુનાં પાંચ-સાત ગામ જોડીને 25, 30, 40 હજારની વસતીની સુવિધા માટે એક ક્લસ્ટર એપ્રોચથી આ રુર્બન મિશન અમલી બનાવી શકાય છે. સમગ્ર દેશમાં આવાં 300 રુર્બન સેન્ટર સ્થાપવાના લક્ષ્ય સાથે હમણાં આ કામ શરૂ કર્યું છે. આ વર્ષે આવાં 100 રુર્બન ક્લસ્ટર સ્થાપવાની ધારણા છે. જેનો વિકાસ, ભવિષ્યમાં તે શહેર બનવાનું છે, તે ધ્યાનમાં રાખીને કરવામાં આવશે, પરંતુ એની અંદરનાં જે ગામડાં છે, દિલમાં જે ગામડાંનો ભાવ છે, તેને જીવંત રાખવા માટે તમામ પ્રયાસ કરાશે. એક એવી રચના, જે ભારતના સ્વભાવ સાથે જોડે છે, ભારતની પ્રકૃતિ સાથે જોડે છે.
બીજી વાત, ભારતનો આર્થિક વિકાસ પણ 5-50 મોટાં શહેરો પર આધારિત ન રાખી શકાય. સવા સો કરોડની વસતી ધરાવતો દેશ, કાશ્મીરથી કન્યાકુમારી, કચ્છથી કામરોપ, આટલો વિશાળ દેશ, જો લોકોને રોજગાર આપવો હોય, આર્થિક પ્રગતિ કરવી હોય તો આપણે વિસ્તાર નીચેની તરફ લઈ જવો પડશે, સામાન્યમાં સામાન્ય માનવી સુધી વિકાસ પહોંચાડવો પડશે. આ રુર્બન મિશનની જે કલ્પના છે, તેમાં તેને ગ્રોથ સેન્ટર બનાવવાનું સપનું છે. આર્થિક વિકાસની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બિંદુ બનાવવાનું ધ્યેય છે. નાનાં-નાનાં બજારો હશે, વેપાર આસપાસનાં 5-10 ગામડાંઓ માટે ચાલતા હશે તો ધીરે-ધીરે તે રુર્બન બની જશે. આપણે ત્યાં જે ટ્રાયબલ બેલ્ટ – આદિવાસી વિસ્તાર છે, એ ટ્રાયબલ બેલ્ટમાં આદિવાસી વિસ્તારોમાં જો આપણે વિચારપૂર્વક ગ્રોથ સેન્ટર ડેવલપ કર્યા હોત, એક-એક બ્લૉકમાં જો ગ્રોથ સેન્ટર ડેવલપ કર્યા હોત તો આપણાં આદિવાસી ક્ષેત્રોના આર્થિક વિકાસ માટે જે આટલાં વર્ષો વીત્યાં, એટલાં વર્ષો ન લાગ્યાં હોત અને એટલે જ સવલતો મળે, શિક્ષણ મળે, આધુનિકતા મળે, સાથે-સાથે આર્થિક પ્રવૃત્તિ પણ મળે. આ તમામ વાતોને સાથે રાખીને આ રુર્બન યોજના બનાવી છે. આજે નાના ગામમાં ડોક્ટર જતા નથી, નાના ગામમાં શિક્ષક જતા નથી, પરંતુ જો રુર્બન બનાવી દેવાય, તો લોકો ત્યાં જશે અને નજીકમાં 5, 10, 15 કિલોમીટરના અંતરે તબીબી સેવાઓ માટે જવું છે કે અભ્યાસ માટે જવું છે તો સહેલાઈથી જશે – આવશે અને એટલે જ આસપાસનાં અનેક ગામડાંઓનાં ક્વૉલિટી ઑફ લાઈફ – જીવન ધોરણમાં ઘણું મોટું પરિવર્તન આવશે.
આ વિઝન સાથે આજે છત્તીસગઢમાં ચાર એવાં પરિસર સાથે શરૂઆત થઈ રહી છે. હું છત્તીસગઢ સરકારને અભિનંદન આપું છું કે એક મહત્ત્વપૂર્ણ કાર્ય માટેની યોજના એ પણ આદિવાસીઓની વચ્ચે બેસીને દેશ માટે શરૂ થઈ રહી છે, જેનો લાભ હિન્દુસ્તાનના દરેક ખૂણે મળવાનો છે. અને જોતજોતામાં શહેરો પરનું દબાણ ઘટશે. ગામડામાંથી બહાર જનાર લોકો માટે એક સારી જગ્યા ઉપલબ્ધ બનશે, નવાં શહેરોનું નિર્માણ થઈ જશે. આ નવાં શહેરો વ્યવસ્થિત હશે, આયોજિત હશે, આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હશે. આ સ્વપન્ન સાથે આ રુર્બન કાર્યક્રમનો આજે આરંભ કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે સમગ્ર દેશમાં એકસાથે જ્યારે યોજના કાર્યરત બનશે, કરોડો-કરોડો લોકોને તેનો લાભ થવાનો છે.
ભાઈઓ, બહેનો, અહીં ઘણી મોટી સંખ્યામાં મારા ખેડૂત ભાઈ-બહેન છે. હું બે મહિના પહેલા કોઈ પત્રકારે લખેલો લેખ વાંચી રહ્યો હતો, તેણે લખ્યું હતું કે કેટલાંયે વર્ષો પછી ખેડૂતો માટે ભરોસાપાત્ર, વિશ્વાસ જગાવે તેવી યોજના પહેલીવાર આવી છે, જે ખેડૂતોમાં એક નવો વિશ્વાસ સંપાદિત કરશે. આ યોજના છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. આપણા દેશમાં મોટાભાગની ખેતી ઈશ્વર પર આધીન હોય છે. જો વરસાદ થયો તો ઠીક, વરસાદ ન થયો તો દુકાળ, વધુ થઈ ગયો તો પાણીમાં ડૂબી જાય. પ્રકૃતિ જો કોપાયમાન થાય તો સૌથી પહેલું નુકસાન ખેડૂતને થાય છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતને સુરક્ષા મળવી જરૂરી છે. એક નવો વિશ્વાસ મળવો જરૂરી છે. અને આ વાતને ધ્યાનમાં રાખીને પહેલી વાર દેશમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અમલમાં મૂકાઈ છે, જે અગાઉની યોજનાઓ કરતાં તદ્દન જુદી છે. અગાઉ ખેડૂત પ્રિમિયમ લેવા તૈયાર જ થતા ન હતા.
એને લાગતું હતું કે આટલા રૂપિયા જો હું પ્રિમિયમ આપીશ તો પછી બીજ ક્યાંથી લાવીશ, ખાતર ક્યાંથી લાવીશ, ખેતરને પાણી ક્યાંથી પીવડાવીશ, પશુઓને ઘાસચારો ક્યાંથી ખવડાવીશ, ખેડૂત પ્રિમિયમ આપતો જ ન હતો અને એકવાર જો આપી દીધું, તો ખબર પડે કે બે-બે વરસ સુધી વીમાના નાણાં જ આવતા ન હતા, ક્યારેક ખબર પડતી હતી કે વીમા તો 30 હજારનો લીધો હતો, પરંતુ છ હજાર રૂપિયા જ મળ્યા. અને વીમો તો એમને મળ્યો, જેમને બેન્કની લોન મળતી હતી, તો સીધો બેન્કવાળાને જતો રહ્યો, ખેડૂત પાસે તો કંઈ આવ્યું જ નહીં. આ જેટલી બીમારીઓ હતી, બધી બીમારીઓ અમે નાબુદ કરી દીધી. એક નવી તાકાતવર પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના લાવ્યા, જેમાં હવે તેણે પ્રિમિયમ પણ વધારે નથી આપવું પડતું. દોઢ ટકા, બે ટકા પ્રિમિયમ છે. નહીં તો અગાઉ કેટલાક વિસ્તારોમાં 52-52 ટકા પ્રિમિયમ ચૂકવવું પડતું હતું. 8, 10, 14, 15 ટકા પ્રિમિયમ તો સામાન્ય ગણાતું હતું. અમે સુનિશ્ચિત કર્યું કે બે ટકાથી વધારે નહીં, દોઢ ટકાથી વધુ નહીં. આની ખાતરી આપી અને એટલે હવે ખેડૂતોએ વધુ પ્રિમિયમ નહીં ચૂકવવું પડે.
બીજું, પાક ખેતરમાં તૈયાર થઈ ગયો, સારો વરસાદ થયો, સારી ઉપજ થઈ ગઈ, અને ઊભા પાકની કાપણી થઈ ગઈ છે અને ખેતરમાં ઢગલો પડ્યો છે. ટ્રેક્ટર મળી જાય, લઈ જવા માટે, તેની રાહ જોવાય છે. એટલામાં અચાનક વરસાદ પડ્યો, તો એ બિચારાને એક રૂપિયો ય મળતો ન હતો. વરસાદ આવ્યો તો એ તો બરબાદ થઈ ગયો. ઢગલો કોઈ કામનો ન રહ્યો. આ સરકારે નક્કી કર્યું કે પાક ઉતારી લેવાય તે પછી ખેતરમાં જો ઢગલો પડ્યો છે, અને 14 દિવસની અંદર-અંદર જો કોઈ આપત્તિ આવી જાય અને નુકસાન થઈ જાય, તો તેને પણ ફસલ બીમાનો લાભ મળશે.
આ ઘણો મોટો નિર્ણય લેવાયો છે. પહેલા ઘણા મોટા વિસ્તારમાં નક્કી થતું હતું કે અહીં વરસાદ પડ્યો તો તેનો હિસાબ કરવામાં આવતો હતો. એના કારણે શું થતું હતું કે પાંચ ગામમાં સારો વરસાદ થયો છે, દસ ગામ બિચારા દુકાળગ્રસ્ત છે, તો તેમને વીમાનો લાભ મળતો ન હતો. અમે કહ્યું કે નાનાં એકમોને પણ જો તેમને નુકસાન થયું છે, તો એ પણ ભરપાઈ થઈ જશે, તેને ફસલ બીમાનો લાભ મળી જશે. એટલું જ નહીં, બે-બે વરસ સુધી રાહ પણ નહીં જોવી પડે. તેને ટેકનોલોજીના માધ્યમથી તાત્કાલિક નાણાં મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
ક્યારેક ક્યારેક ખેડૂત નક્કી કરે છે કે જૂન મહિનામાં વરસાદ આવવાનો છે, બધું તૈયાર કરીને રાખું, પરંતુ જ્યાં સુધી વરસાદ નથી આવતો, એ વાવેતર નથી કરી શકતો, જૂન મહિનો ચાલ્યો જાય, એ બિચારો વરસાદની રાહ જોતો રહે, જુલાઈ મહિનો ચાલ્યો જાય, એ રાહ જોતો રહે છે, ઓગસ્ટ મહિનો ચાલ્યો જાય, એ રાહ જોતો રહે છે, વરસાદ નથી આવતો. તો આવો ખેડૂત શું કરશે ? જે ખેડૂતને બિચારાને વરસાદ પડ્યો જ નથી, તેને વાવેતરની તક જ મળી નથી. તો સરકારે કહ્યું કે આ ફસલ બીમા યોજના હેઠળ જો તે વાવેતર પણ નથી કરી શક્યો અને તેને નુકસાન થયું, તો તે પણ એને એને વાર્ષિક ખાધાખોરાકી માટે 25 ટકા નાણાં તરત આપવામાં આવશે.
ભાઈઓ, બહેનો, હિન્દુસ્તાનના ઈતિહાસમાં ખેડૂતો માટે આટલું મોટું સુરક્ષા કવચ કોઈએ આપ્યું છે, તો પહેલી વાર દિલ્હીમાં તમે અમને સત્તાનાં સૂત્રો સોંપ્યાં અને અમને તમારી સેવામાં રાખ્યા છે. ભાઈઓ, બહેનો, આ સરકાર ગરીબો માટે છે. આ સરકાર દલિતો માટે છે. આ સરકાર આદિવાસીઓ માટે છે. આ સરકાર પીડિતો માટે છે. આ સરકાર વંચિતો માટે છે. સમાજમાં છેવાડાના માનવીઓ જે છે, તેમના કલ્યાણ માટે એક સંકલ્પ સાથે આ સરકારે સત્તાનાં સૂત્રો સંભાળ્યા છે અને એટલે જ ઘર બનાવવાની યોજના હોય, કે જન ઔષધિ ભંડાર ખોલવાનો હોય, રુર્બન મિશન હોય કે ફસલ બીમા યોજના છે, સ્વચ્છતાનું અભિયાન હોય, કે જાહેરમાં કુદરતી હાજતે જવાનું બંધ કરવાના પ્રયાસો હોય, આ તમામ વાતો માત્ર અને માત્ર ગરીબો માટે છે. ગરીબની જિંદગીમાં પરિવર્તન લાવવા માટે છે.
ભાઈઓ, બહેનો આ જ વાતો છે, જે આવનારા દિવસોમાં પરિણામો આપનારી છે. અને જ્યારે 104 વરસનાં મા કુંવરબાઈના આશીર્વાદ મળે ત્યારે મારો વિશ્વાસ અનેક ગણો વધી જાય છે, અનેક ગણો વધી જાય છે. આ જ માર્ગ છે, આ જ માર્ગે દેશનું કલ્યાણ થવાનું છે અને આ માર્ગે આપણે ચાલી નીકળ્યા છીએ. ફરી એકવાર હું તમારો ખૂબ-ખૂબ આભાર માનું છું, તમને સહુને નમન કરું છું, તમને સહુને અભિનંદન આપું છું. ભારત માતાની જય.
UM/J.Khunt
Elderly lady of 104 years...she does not watch TV or read papers. But message of building toilets reached her & she went on to do that: PM
— PMO India (@PMOIndia) February 21, 2016
Want to make Shauchalaya a Swabhav across India: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) February 21, 2016
Yes, it is true that people are moving to the cities in search of a better life. And we need to plan the growth of our cites accordingly: PM
— PMO India (@PMOIndia) February 21, 2016
Through Rurban we have combined the best of villages & cities. The spirit of a village & facilities associated with cities: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 21, 2016
India's economic progress can't only depend on a few cities. Ours is a big nation. This initiative makes villages centres of growth: PM
— PMO India (@PMOIndia) February 21, 2016
There should be proper facilities, healthcare and education in our villages: PM @narendramodi in Chhattisgarh https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) February 21, 2016
Our crop insurance scheme seeks to solve a lot of problems being faced by the farmers: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 21, 2016
Launched Shyama Prasad Mukherji National Rurban Mission. https://t.co/1dtaDFvX1i
— Narendra Modi (@narendramodi) February 21, 2016
Rurban combines best of villages & cities. Soul of a village will be preserved & villages will get best facilities associated with cities.
— Narendra Modi (@narendramodi) February 21, 2016
104-year old Maa Kunwar Bai is an inspiration for all of us. Her contribution to #MyCleanIndia is invaluable.https://t.co/b1nOdI5n8d
— Narendra Modi (@narendramodi) February 21, 2016