Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વર્ષ 2016ની એનસીસી રેલીને પ્રધાનમંત્રીના સંબોધનનું લખાણ

વર્ષ 2016ની એનસીસી રેલીને પ્રધાનમંત્રીના સંબોધનનું લખાણ


દેશના ખૂણે-ખૂણેથી આવેલા એનસીસીના તમામ કેડેટ્સ અને વિશાળ સંખ્યામાં પધારેલા અતિથિઓ,

26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ આપણએ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવ્યું અને લોકશાહી પ્રત્યે આપણી શ્રદ્ધા અને નિષ્ઠાને ભારતના બંધારણ પ્રત્યે આપણી આસ્થાને આપણે ફરી એકવાર સંકલ્પબદ્ધ કરી છે.

આ વર્ષ બાબા સાહેબ આંબેડકરની 125મી જયંતિનું પણ વર્ષ છે. જે મહાપુરુષે દેશને આવું ઉત્તમ બંધારણ આપ્યું. જે મહાપુરુષે જીવનભર સમસ્યાઓ સામે લડતા રહીને, ત્રાસ વેઠતા રહીને, ઉપેક્ષાઓનો ભોગ બનીને પણ કદી પણ પોતાની જાતને માર્ગ પરથી ચલિત થવા દીધી નહીં. અવરોધો આવ્યા, મુશ્કેલીઓ આવી અને ક્યારેક ક્યારેક સામાજિક ઉપેક્ષા, એ એટલા મોટા ઘા કર્યા છે કે જીવનભર સામાન્ય માણસ તેને ભુલાવી ન શકે. પરંતુ બાબા સાહેબ આંબેડકર આપણા જેવા સામાન્ય માણસ ન હતા. જીવનભર ઉપેક્ષાઓ સહન કર્યા પછી પણ જ્યારે દેશ માટે બંધારણ ઘડવાનો સમય આવ્યો, એ બંધારણના એક પણ ખૂણે, કોઈના પણ પ્રત્યે દુર્ભાવ નથી, બદલો લેવાનો ભાવ નથી. ઉલ્ટાનું જીવનભર જે પરિસ્થિતિઓનો સામનો કર્યો છે, તેના કારણે જે મનોમંથન થયું હતું. એ મનોમંથનમાંથી બંધારણ રૂપી અમૃત નીકળ્યું હતું, જે આજે આપણને પ્રજાસત્તાક પર્વના આટલાં વર્ષો પછી પણ, આઝાદીના આટલાં વર્ષો પછી પણ આપણને જોડેલા રાખવામાં, ખભેખભા મિલાવીને ચાલવામાં, દેશ માટે પોત-પોતાની જવાબદારીઓ નિભાવવા માટે આપણને પ્રેરણા આપે છે, આપણું માર્ગદર્શક છે.

તમે હિન્દુસ્તાનના ખૂણે-ખૂણેથી આવ્યા છો, એ કઈ વાત છે, જે આપણને ખેંચીને લાવે છે, એ કઈ વાત છે, જે આપણને ભાષાની મુશ્કેલી હોય તો પણ, પહેરવેશ અલગ હોય તો પણ, રહેણી-કરણી અલગ હોય તો પણ, આ બધા છતાં પણ સાથે મળીને રહેવાની તાકાત આપે છે, એ છે આપણી ભારત માતા, આપણો તિરંગો ઝંડો, આ આપણું બંધારણ. અને સવા સો કરોડ દેશવાસીઓનાં સપનાં, તેમની આશા-આકાંક્ષા, ઈચ્છા આપણને કંઈક કરવાની પ્રેરણા આપે છે.

એનસીસીના કેડેટ તરીકે પરેડમાં સામેલ થવાનો અવસર મળે. પોતાના સ્થાને એનસીસીમાં યુનિફોર્મ પહેરીને, છાતી પહોળી કરીને, સાથે-સાથે ચાલવાનો મોકો મળે. ક્યારેક કેમ્પ લાઈફ જીવવાનો અવસર મળે, ક્યારેક શસ્ત્ર-સરંજામને નજીકથી જોવાની તક મળે. આ ઉંમર એવી હોય છે કે આ બધી વાતોમાં થ્રિલ હોય છે, કંઈક એડવેન્ચરનો ભાવ પણ હોય છે અને નસોમાં દેશભક્તિ સતત ઉર્જા બનીને આપણાં નવાં સ્વપ્નો માટે જીવન માટે સંકલ્પબદ્ધ કરતી રહે છે.

જ્યારે તમે 26મી જાન્યુઆરીની આ પરેડ માટે એક મહિનાથી એક સમૂહજીવનનો અનુભવ કરી રહ્યા હતા. એ તો મુશ્કેલી રહેતી હશે કે સવારે ત્રણ – સાડા ત્રણ વાગે ઉઠવાનું, ના પાડતા હોઈએ છીએ કે આટલી બધી ઠંડીમાં થોડું વધારે ઊંઘી લઈએ, પણ બ્યુગલ વાગે છે, વ્હિસલ વાગે છે, જવું પડતું હોય છે. શરૂઆતમાં પાચ-દસ મિનિટ તો એવી જતી હોય છે કે અરે આખો દિવસ કેમનો જશે ? પરંતુ જેવા રિધમમાં આવી જઈએ પછી મન થાય છે કે આ રસ્તો છોડવો નથી અને આ જ આ જ જિંદગીની તાકાત હોય છે. કેટલીક પળો ભલે મૂંઝવણ રહે, પરંતુ પળભરમાં જે પોતાની જાતને સંભાળી લે છે, ઉદ્દેશ માટે, મંજિલ માટે પોતાની જાતને સમર્પિત કરી દે છે, તેને જિંદગી જીવવાનો એક અલગ આનંદ આવે છે.

તમે સહુ કેડેટે એક સમૂહ જીવનની અનુભૂતિ કરી છે. મેદાનમાં જે શીખ્યા છો, તે પામ્યા છો.આદેશ પ્રમાણે હાથ-પગ ચાલતા હશે. એ ડિસિપ્લિનની દુનિયા એક છે, પરંતુ તેના પછી પોતાના નવા – નવા મિત્રો સાથે, નવા નવા સાથીદારો સાથે મહિનો વીતાવ્યો હશે. જ્યારે તમે એમની પાસેથી નાના – નાના વિષયોની જાણકારી લેતા હશો. ખાણી-પીણી વિશે પૂછતા હશે, રહેણી-કરણી વિશે પૂછતા હશો. ત્યારે તમે તમારી અંદર ધીમે – ધીમે માતા ભારતીને આત્મસાત કરો છો. કાશ્મીરનો બાળક જ્યારે કેરળના બાળક સાથે વાતો કરે છે, તો મનથી કાશ્મીર અને કેરળને જોડે છે. પોતિકાપણાનો અહેસાસ કરે છે. પોતાનો વિસ્તાર હોય છે. સામુહિક જીવન અહમને વયમ્ તરફ લઈ જાય છે. સહુને સન્મતિથી જોડવાની તક ઊભી કરે છે. સામુહિક જીવન એક નવી ઉર્જાને જન્મ આપે છે. એકલા-એકલા જે અનુભવ કરીએ છીએ, સામુહિક જીવનમાં એક નવી અનુભૂતિ થાય છે અને આવા જ કાર્યક્રમોના માધ્યમથી એક સામુહિક જીવન જીવવાનો અવસર મળે છે. મેદાનમાં જે શીખીએ છીએ, તેનાથી વધુ મેદાન સિવાયના સમયમાં સામુહિક જીવનથી શીખીએ છીએ અને હું જાણું છું કે જ્યારે તમે અહીંથી વિદાય લેશો, એ પળ કેવી હશે. કેટલાય હશે, જેમની આંખોમાં આંસું હશે, દરેકને લાગતું હશે હવે ફરી ક્યારે મળીશું, આ પોતિકાપણું ક્યાંથી આવ્યું ? જ્યારે તમે તમારા ગામથી અહીં આવવા નીકળ્યા હતા, એક મહિના માટે. ત્યારે કોઈ મૂકવા પણ આવ્યું નહીં હોય, કે કોઈનાં આંસું પણ નહીં વહ્યા હોય અને તમારા દિલને પણ કોઈ ઠેસ નહીં પહોંચી હોય કે તમે તમારા ગામથી દિલ્હી જઈ રહ્યા છો. પરંતુ આજે દિલ્હીથી તમારા ગામ જઈ રહ્યા છો, પોતાના લોકોની વચ્ચે જઈ રહ્યા છો, પરંતુ કંઈ ખોવાયેલા – ખોવાયેલા હો તેવો અનુભવ થઈ રહ્યો છે. આ જે પોતિકાપણું છે, તે જ દેશની સૌથી મોટી તાકાત હોય છે. આ જ તાકાતને એક સંસ્કારના રૂપે જીવંત રાખજો, દેશ માટે મરવાનો અવસર દરેકના નસીબમાં નથી હોતો, પરંતુ દેશ માટે જીવવાનો અવસર માણસને જીવનમાં મળે છે.

જો આપણે જાગરુકતાપૂર્વક પ્રયાસ કરીએ, આપણે જીવીશું તો પણ દેશ માટે. કંઈક કરી છૂટીશું તો પણ દેશવાસીઓ માટે, જીવનને સંકલ્પોથી પરિશ્રમની પરાકાષ્ઠા સુધી પહોંચીને એવું જીવન હાંસલ કરીશું, જે જીવન દેશને કામ આવે. અને ત્યારે જઈને જીવનનો સંતોષ કંઈક ઓર જ હશે. અને એટલે જ આજે સહુ કેડેટ જ્યારે દેશના ખૂણે – ખૂણે પરત ફરવાના છે, હું તેમને ખૂબ – ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને જે અહીં માહોલ જોયો છે, આ માહોલને પોતાના વિસ્તારમાં કેવી રીતે વિકસાવીએ તે જોઈશું. જો અહીં આપણે સ્વચ્છતા જોઈ છે, તો સ્વચ્છતાનો ભાવ પોતાના ગામમાં કેવી રીતે પહોંચાડીએ. જો અહીં આપણે દેશભક્તિનો માહોલ જોયો છે, તો પોતાના ગામમાં દેશભક્તિનો માહોલ કેવી રીતે બનાવીએ. અહીં આપણે જે અનુભવ કર્યો છે, એનો વિસ્તાર આપણે કેવી રીતે કરીએ, એ સંકલ્પો સાથે જઈએ. હું ફરી એકવાર સહુ કેડેટને એનસીસીને, એનસીસીની પરંપરાને હૃદયથી ખૂબ – ખૂબ વંદન કરું છું અને તમને સહુને ખૂબ – ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

ભારત માતાની જય, ભારત માતાની જય, ભારત માતાની જય. ખૂબ – ખૂબ આભાર.

J.khunt/GP