Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નવી દિલ્હીમાં ‘બાંધકામ પ્રૌદ્યોગિકી ભારત 2019’ના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળપાઠ


અહીં એકત્રિત થયેલા તમામ લોકોને નમસ્કાર. દરેક ભારતીયને ઘર પૂરું પાડવાના ઐતિહાસિક પ્રયત્નમાં આપ સર્વ મહત્ત્વપૂર્ણ હિતધારકો છો.

એક મહિનામાં બીજી વખત મને આવાસ ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. અને આ બાબત અમારી તે કટિબદ્ધતાને દર્શાવે છે કે મધ્યમ વર્ગના ઘરના સપનાઓ પૂર્ણ કરવા માટે અમે કેટલા ગંભીર છીએ અને અહીં હું જોઇ શકું છું કે અનેક સાથીઓ જે ક્રેડાઇના કાર્યક્રમમાં પણ હાજર હતા.

સાથીઓ, તાલકટોરા સ્ટેડિયમમાં મારા દેશના આવાસ ક્ષેત્ર સાથે જોડાયેલા યુવાન સાથીઓને કહ્યું હતું કે તે આવાસ ક્ષેત્રને નવા ભારતની ઉર્જા અને આવશ્યકતા અનુસાર ગતિ આપે. તેના માટે દેશ અને દુનિયામાં બાંધકામ સાથે જોડાયેલી આવાસ સાથે સંકળાયેલી આધુનિક તકનિકો છે તેનો ઉપયોગ કરે. આપની મદદ માટે અમારી સરકાર દરેક પગલે તમારી સાથે ઊભા રહેવા માટે તૈયાર છે, તમારી સાથે ચાલવા માટે તૈયાર છે, બે પગલાં આગળ વધવા માટે પણ તૈયાર છે અને તેનો સૌથી મોટો પુરાવો બાંધકામ પ્રૌદ્યોગિકી સાથે જોડાયેલી આ પરિષદ છે.

આ બીજી વખત છે જ્યારે હું આવાસ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સાથે વાર્તાલાપ કરી રહ્યો છું. આ બાબત સરકારની આપ સરવે સાથે જોડાવા, તમારા સારા કાર્ય વિશે વધુ જાણવાની, તમારા સૂચનો સમજવાની અને ગતિશીલ આવાસ ક્ષેત્રે કાર્ય કરવાની ઇચ્છા દર્શાવે છે. તે મજબૂત આવાસ ક્ષેત્ર પ્રત્યે તમારી ધગશ અને પ્રતિબદ્ધતા પણ પ્રદર્શિત કરે છે, જે આપણાં દેશમાં ગરીબમાં ગરીબ વર્ગને લાભદાયક નીવડે છે. હું સમજું છું કે આ પરિષદમાં ભાગ લઇ રહેલા સભ્યો નવીન આવાસ ટેક્નોલોજીને પ્રદર્શિત કરશે અથવા નવા સંશોધનોમાંથી શીખશે જે પ્રદર્શિત કરાઇ રહ્યાં છે. આ પણ, ખૂબ જ મૂલ્યવાન છે.

સાથીઓ, આજની આ પરિષદ અથવા તો વૈશ્વિક આવાસ ટેક્નોલોજી પડકારની જરૂરિયાત એટલા માટે અનુભવાઇ છે કારણ કે દેશમાં શહેરોનો ઝડપી વિસ્તાર અને વિકાસ થઇ રહ્યો છે. ભારત તે દેશોમાં છે જ્યાં ખૂબ ઝડપથી શહેરીકરણ થઇ રહ્યું છે. ઝડપથી વધી રહેલા શહેરીકરણના કારણે નવા ઘરોની જરૂરિયાત પણ તેટલી જ ઝડપથી અનુભવાઇ રહી છે.

સાથીઓ, અમારી સરકારે આવાસ ક્ષેત્રનું સ્વરૂપ બદલવા માટે સાત ફ્લેગશિપ મિશન પર એક સાથે કામ કર્યુ છે. સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, દિનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન, હૃદય અને અમૃત જેવા મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોને લાગુ કર્યા છે. તેની સાથે શહેરોમાં પરિવહન ક્ષેત્રે પરિવર્તન અને સ્માર્ટ સિટી જેવી યોજનાઓ પણ ચાલી રહી છે. આ બાબત ધ્યાનમાં રાખતાં આજે આપણી સમક્ષ અલગ-અલગ ભૌગોલિક પરિસ્થિતિઓ અનુસાર આવાસ નિર્માણ કરવાનો પડકાર છે.

સાથીઓ, આ પરિસ્થિતિઓને નજર સમક્ષ રાખીને અમારી સરકારે બાંધકામ ક્ષેત્ર માટે એક સર્વગ્રાહી અભિગમ સાથે કાર્ય કર્યુ છે. ઘર બનાવનારા અને ઘર ખરીદનારા બન્નેને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે, તેને ધ્યાનમાં રાખીને અમે નિર્ણયો લીધા. અમે પોષાય તેવા આવાસ પર સૌથી વધુ ભાર આપ્યો, અમે રિઅલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા કાયદાઓમાં પણ સુધારો કર્યો. ત્રીજું, અમે કૌશલ્ય વિકાસ પર કામ કર્યુ અને ચોથું તે બધાની સાથે-સાથે અમે આવાસ ક્ષેત્રમાં તકનિકોમાં પણ સુધારો કરવા પર ધ્યાન આપ્યું. આજનો આ કાર્યક્રમ પણ તેનો જ એક ભાગ છે. અને મને યાદ છે કે પ્રગતિની એક બેઠકમાં, કદાચ તમને ખબર હશે કે મારી પ્રગતિની બેઠક શું હોય છે, આથી હું તેની વિગતોમાં જતો નથી. અને પ્રગતિની એક બેઠકમાં મે મંત્રાલયોને વૈશ્વિક પડકાર પ્રક્રિયા અપનાવવાની સલાહ આપી હતી. આજે મને આનંદ થાય છે કે આજે વૈશ્વિક આવાસ પ્રૌદ્યોગિકી પડકાર, ભારત થકી આપ સરવે અહીં છો.

મિત્રો,

એક ઘર માત્ર ચાર દિવાલો નથી. તે એવું સ્થાન છે જ્યાં સપનાઓ અને આકાંક્ષાઓની શક્તિ પરિપૂર્ણ થાય છે. ઘર કરતાં વધારે તે સન્માન અને સુરક્ષા છે, કારણ કે તે આશ્રય પુરો પાડે છે. તે બાબત હંમેશા મને આઘાત અને નિરાશા પહોચાડતી હતી કે આપણા જેવા રાષ્ટ્રમાં, અનેક લોકો પોતાનું ઘર ધરાવતા નથી. આ પરિસ્થિતિ ઉકેલવા માટે અમે પ્રધાનમંત્રી આવાસ યોજનાના સ્વરૂપમાં કાર્યરત છીએ. દરેક ભારતીય 2022 સુધીમાં પાકું મકાન ધરાવે તે મારું સ્વપ્ન છે. અને, અમે આ સંબંધિત કામગીરી કરી રહ્યાં છીએ. અમારા કાર્યકાળ દરમિયાન, 1.3 કરોડથી વધારે આવાસો બની ચૂક્યાં છે. આ વ્યાપનો તમને ખ્યાલ આપવા માટે જણાવું છું કે, અગાઉની સરકારે માત્ર 25 લાખ આવાસો બનાવ્યાં હતા! અમે સુનિશ્ચિત કરી રહ્યાં છીએ કે આવાસો પાણીનું જોડાણ, વીજ જોડાણ, ઉજ્જવલા જોડાણ અને અન્ય આ પ્રકારની સુવિધાઓ ધરાવતા હોય છેલ્લા સાડા ચાર વર્ષોમાં આવાસોની ગુણવત્તા અને પ્રતિ આવાસ જગ્યામાં પણ સુધારો થયો છે. પરંતુ, તે ક્ષેત્રે બીજુ ઘણું કરવાનું બાકી છે અને તેના માટે હું ખાનગી ક્ષેત્રની સહાયતા માંગુ છે. અને તે માટે વૈશ્વિક આવાસ પડકાર કરતાં વધુ સારો માર્ગ બીજો શું હોઇ શકે. ચાલો આપણે સાથે મળીને કામ કરીએ, આપણી ક્ષમતાઓ વધારીએ અને કંઇક એવું કરીએ જે ગરીબમાં ગરીબ વર્ગને મદદરૂપ થાય.

સાથીઓ, આપણે દેશમાં જે રીતે ગરીબો અને નિમ્ન મધ્યમ વર્ગ માટે પોતાના ઘરનું સપનું દૂર થતું જઇ રહ્યું હતું, તે સ્થિતિ યોગ્ય નહોતી. આ સ્થિતિને બદલવા માટે અનેક સ્તરે એક સાથે કામ કર્યુ. અમે પ્રયત્ન કર્યો કે ગરીબ અને સામાન્ય મધ્યમ વર્ગને ઘર ખરીદવા માટે જેટલી પણ મુશ્કેલીઓ પડી રહી છે, જે પણ તેમની ચિંતાઓ છે, તેનો એક-એક કરીને ઉકેલ લાવવામાં આવે. આજે અમારી સરકારના પ્રયત્નોના જ પરિણામે હોમ લોન પર વ્યાજનો દર અગાઉની સરખામણીમાં ઓછો થયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર જેટલી રાહત આપી રહી છે, ત્યારબાદ લોકોને 5થી 6 લાખ રૂપિયા સુધીની બચત થવાનો અંદાજ છે. એટલે કે જો કોઇ વ્યક્તિએ 19-20 લાખ રૂપિયાની લોન 20 વર્ષો માટે લીધી છે તો સરકારની યોજનાઓના કારણે તેમને 5-6 લાખ રૂપિયાની સીધે-સીધી બચત નક્કી છે.

સાથીઓ, અમારી સરકારે આવકવેરા અને અપ્રત્યક્ષ કર સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર કર્યો છે અને આ એટલા માટે કર્યુ છે કે ગરીબ અને મધ્યમ વર્ગ પાસે એક તો ઘર ખરીદવા માટે વધારે પૈસા બચે અને ઘરની કિંમતોમાં પણ ઘટાડો થાય. હાલમાં આ બે મોટા મહત્ત્વપૂર્ણ નિર્ણય સરકાર અને GST કાઉન્સિલે લીધા. આવકવેરાની વાત કરીએ તો 5 લાખ સુધીની કરપાત્ર આવક પર શુન્ય કર કરી દેવાયો છે. આ સિવાય બે ઘરોના અનુમાનિત ભાડા પર હવે કોઇ આવકવેરો આપવો નહીં પડે. આ રીતે મૂડી કરમાંથી મુક્તિ હવે એકના બદલે બે ઘર પણ મળવાની છે. આ તમામ પ્રયત્નો મધ્યમ વર્ગને નવા ઘર ખરીદવા માટે પ્રોત્સાહિત કરનારા છે. જેનો સીધો લાભ તમારા વ્યવસાયને પણ થવાનો નિશ્ચિત છે. તેમાં તો તાલી વગાડી શકો છો.

સાથીઓ, GSTએ પણ રિઅલ એસ્ટેટના વ્યવસાયને ડેવલપર્સ અને ગ્રાહક, બન્ને માટે ખૂબ જ સરળ કર્યો છે. તાજેતરમાં જ બાંધકામ ક્ષેત્ર પર GSTને ખૂબ જ ઘટાડી દેવાયો છે. પોસાય તેવા આવાસ પર GST 8 ટકાથી ઘટાડીને 1 ટકા કરી દેવાયો છે, જ્યારે બાંધકામ હેઠળના આવાસ પ્રોજેક્ટ્સ પર GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવાયો છે. મધ્યમ વર્ગ માટે બની રહેલા ઘરોના પ્રોજેક્ટ્સમાં ભંડોળની સમસ્યા ન સર્જાય તે માટે પોસાય તેવા આવાસનું ભંડોળ પણ બનાવવામાં આવ્યું છે.

મિત્રો, આપણે સમજીએ છીએ વધારે ઘરો અને સારા ઘરો બનાવવા માટે, આપણે આવાસ ક્ષેત્રમાં રહેલા લોકોના સૂચનો પ્રત્યે પણ સંવેદનશીલ રહેવું પડશે. અને, અમે તે કરી રહ્યાં છીએ. અમે આવાસ ક્ષેત્રને મજબૂત કરવા અને પુનઃનિર્માણ કરવા કામગીરી કરી રહ્યાં છીએ. RERA કાયદાએ ડેવલપર્સમાં ગ્રાહકોનો વિશ્વાસ વધાર્યો છે અને રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા લાવી છે. બાંધકામ પરવાનગીમાં સુધારા દ્વારા સંચાલિત વિશ્વ બેન્કના “ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ ઇન્ડેક્ષ”માં આપણા ક્રમમાં નોંધપાત્ર સુધારો થયો છે, જેમાં ભારતનો ક્રમ 181મા ક્રમેથી 52મા ક્રમે પહોચી ગયો છે – અમે સાતત્યપૂર્ણ રીતે સુઆયોજિત સુધારા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ.

સાથીઓ, સરકારની નીતિઓના કારણે આપને વધુ એક મદદ મળવાની છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં માનવ સંશાધનનો એક મોટો સમૂહ વિકસિત થયો છે જે ઘર બનાવવાની તકનિક અંગે જાણકારી ધરાવે છે, તાલીમબદ્ધ છે. અમારી સરકારે આ ક્ષેત્રમાં મહિલાઓની તાલીમ માટે પણ એક ઝૂંબેશ ચલાવેલી છે. તેના પ્રશિક્ષણ અભિયાન પછી હજારો મહિલાઓ રાણી મિસ્ત્રી તરીકે કામ કરી રહી છે.

અમારો પ્રયત્ન છે કે આ ક્ષેત્રમાં યુવાનોનું તકનિકી કૌશલ્ય વધારીને તેમને બજાર માટે તૈયાર કરવામાં આવે, જેથી તમારા જેવા ઉદ્યમીઓને પણ ફાયદો થાય અને યુવા સાથીઓને પણ વધારે રોજગારીની તકો ઉપલબ્ધ બને. આ સિવાય ઝડપથી બદલાઇ રહેલી તકનીકોના આધારે આપણા એન્જિનિયરિંગ અને તકનિકો સાથે જોડાયેલા અભ્યાસક્રમોમાં પણ ફેરફાર થાય, આ દિશામાં પણ કામ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય સ્ટાર્ટ અપ્સ અને યુવા ઉદ્યમીઓ માટે પણ આ સેક્ટર એક નવો વિકલ્પ બનીને ઉભરી રહ્યું છે.

સાથીઓ, ભારતમાં બાંધકામના અભિગમમાં અમે વધુ એક ફેરફાર કર્યો છે. હવે ભલે રસ્તાઓ હોય, રહેણાંક એપાર્ટમેન્ટ હોય કે પછી વાણિજ્યક ઇમારતો હોય, ઇકો ફ્રેન્ડલી, આપતિ-પ્રતિરોધક અને ઉર્જા-સક્ષમ નિર્માણને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. આ માટે સ્થાનિક સંશોધનની જરૂર છે, જેમાં અમારા યુવાન સાથીઓ સંકળાયેલા છે.

સાથીઓ, તમને જાણીને આનંદ થશે કે આશા ઇન્ડિયા એટલે કે એફોર્ડેબલ સસ્ટેનેબલ હાઉસિંગ એક્સિલેટર આ પ્રકારના સંશોધનોને બજાર અનુરૂપ ઢાળવામાં વ્યસ્ત છે. આશા GHTC-ઇન્ડિયાનો હિસ્સો છે. તેમાં મુંબઇ, મદ્રાસ, ખડકપુર અને રૂડકી IITમાં કામ કરી રહેલા ચાર ઇન્ક્યુબેટર કેન્દ્ર પર યુવા ઉદ્યમીઓ અને સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમના ખ્યાલોને બજારને અનુરૂપ બનાવવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે.

સાથીઓ, મને આનંદ થાય છે કે આ પ્રકારના સંશોધન, તકનિક અને એન્જિનિયરિંગ પર કામગીરી કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓ અહીં પણ ઉપસ્થિત છે. અહી થનારી ચર્ચાને નેશનલ નોલેજ નેટવર્ક (NKN) પર પણ મુકવામાં આવશે, જેથી દેશની શૈક્ષણિક સંસ્થાઓ તેનો લાભ ઉઠાવી શકે. અહીં જે પડકારો ઉપર ચર્ચા થશે તેને ઉકેલવા માટે આ નેટવર્ક દ્વારા શૈક્ષણિક સસ્થાઓને પણ તક આપવામાં આવશે.

આપ સર્વે આવાસ તકનિક સંબંધિત ભારતમાં ચાલી રહેલા આ અદભૂત પ્રયોગનો હિસ્સો બની શકો તે માટે લાઇટ હાઉસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ત્રિપુરા અને ઉત્તરપ્રદેશમાં શરૂ થઇ રહેલા આ પ્રોજેક્ટ્સમાં બાંધકામની નવી તકનિકનું પ્રદર્શન કરી શકો છો. આ તમારા માટે જીવંત પ્રયોગશાળાઓ છે. અહી તમે વેબકાસ્ટ ડેમો જેવી તકનિકના માધ્યમથી દેશના યુવાન વ્યાવસાયિકો સાથે વાર્તાલાપ કરી શકો છો.

સાથીઓ, GHTC-ઇન્ડિયા એક એવું પ્લેટફોર્મ છે જેના દ્વારા ભારતના બાંધકામ ક્ષેત્રની ઇકો-સિસ્ટમ આંતરરાષ્ટ્રીય સ્તરની બની શકે છે. તેના માધ્યમથી આપણે આ પડકારોનું વૈશ્વિક સમાધાન મેળવી શકીશું.

તમારા ઉત્સાહને જોતા હું કહી શકુ છું કે આ બાંધકામ ક્રાંતિની શરૂઆત છે અને હવે આપણે આપણાં શહેરોના બાંધકામ ક્ષેત્રને વૈશ્વિક માપદંડો અનુસાર તૈયાર કરવાની દિશામાં આગળ વધવાના છીએ.

સાથીઓ, આ પરિષદથી ભારતને તો લાભ થશે જ, સાથે સાથે વિશ્વભરના બિલ્ડર, આર્કિટેક્ટ, પ્લાનર્સ અને વૈશ્વિક સિવિલ એન્જિનિયરિંગ ફર્મને પણ ફાયદો પહોચવાનો છે. આપણે પરસ્પર ઘણું બધુ શીખવાના છીએ.

સાથીઓ, નવા ભારતના નવા વ્યાવસાયિક વાતાવરણમાં, તમારા ક્ષેત્ર માટે અનેક સંભાવનાઓ છે. દેશમાં નવા મધ્યમ વર્ગનો ઝડપથી ફેલાવો થઇ રહ્યો છે. ભારત વિશ્વમાં તેવા પસંદગીના દેશોમાં છે જ્યાં આવાસોની માગ સૌથી ઝડપથી વધી રહી છે.

આપણે આ માગને પૂર્ણ કરી શકીએ, બાંધકામમાં આધુનિક તકનિકનો મહત્તમ ઉપયોગ થાય, તે માટે હું એપ્રિલ 2019થી માર્ચ 2020ના વર્ષને બાંધકામ તકનિક વર્ષ તરીકે જાહેર પણ કરું છું.

સાથીઓ, અહીં આજે મને એક નકશાનું લોકાર્પણ કરવાની તક મળી છે. પરિસ્થિતિઓ કેવી રીતે બદલાય છે, તમને આશ્ચર્ય થશે કે આપણા દેશમાં આપતિ સંબંધિત વિષય કૃષિ વિભાગમાં જોવા મળતો હતો. અને વર્ષો સુધી તે કૃષિ વિભાગનો ભાગ હતો, કારણ કે આપણાં ત્યાં આપત્તિનો મતલબ પૂર અથવા દુકાળ પૂરતો મર્યાદિત ખ્યાલ હતો અને કૃષિ ક્ષેત્રના લોકો તેનું સંચાલન કરતા હતા. ગુજરાતમાં 2001માં ભૂકંપ આવ્યા બાદ ધ્યાન પર આવ્યું કે આ એક ખૂબ જ મોટો પડકાર છે અને તેના મહત્ત્વપૂર્ણ એકમો તેમાંથી દૂર કરીને ગૃહ મંત્રાલયને આપવામાં આવ્યાં જે રાજ્યનું સંકલન કરે છે. એટલે કે આ એક ખૂબ જ મોટું વૈચારિક પરિવર્તન હતું જે અટલજીની સરકારના સમયમાં કરાયું હતું. ત્યારબાદ ગુજરાતમાં 2001માં ભૂકંપ આવ્યો તો ખબર પડી કે આ બાબતો વિશે ઘટના સર્જાયા બાદ કશું કરીએ તે પહેલા આપણે હવે દેશને તે માટે તૈયાર કરવો જોઇએ. ગુજરાતમાં પહેલા જિલ્લા સ્તરે આ પ્રકારના આપતિની સંભાવના ધરાવતા વિસ્તારો તેમના ભિન્ન-ભિન પદ્ધતિઓથી આવા અલગ-અલગ મેપ જિલ્લા સ્તરે અને ગ્રામ્ય નકશાઓ બનાવવાનો પ્રયાસ થયો હતો. મને ખુશી છે કે આજે ભારત સરકારે આ વિષયના ક્ષેત્રો તૈયાર કરીને હિંદુસ્તાનના દરેક ક્ષેત્રમાં અને હું ઇચ્છુ છું કે બાંધકામની દુનિયા સાથે જોડાયેલા કોઇપણ એકમ, માત્ર બિલ્ડિંગ નહીં, કોઇ પણ પાઇપ લાઇન નાખનારા, ગેસની પાઇપલાઇન નાખનારા પણ આ નુકશાનને ધ્યાનમાં રાખીને જ પોતાની યોજના તૈયાર કરે. અને હું તો સરકારને પણ જણાવીશ કે પોતાની ટેન્ડર વ્યવસ્થામાં પણ તેનો સંદર્ભ લેવામાં આવે કે તમે આ નકશાનો અભ્યાસ કર્યો છે. જ્યાં તમે કામ કરવાના છો તો આ નકશામાં જે ચીજોને દર્શાવવામાં આવી છે તેનો તમે કેવી રીતે સામનો કરવાના છો. હિંદુસ્તાનના કોઇપણ વિભાગ, રાજ્ય સરકારોનું પણ, ત્યારે જઇને સંસ્થાગત થશે.

આજ રીતે આ આધાર પર જે-જે વિસ્તારોમાં જે વિશ્વવિદ્યાલયો હોય ભલે તે પ્લાનિંગની હોય કે એન્જિનિયરિંગની હોય, આર્કિટેક્ચરની હોય કે સ્ટ્રક્ચરની હોય તેમના અભ્યાસક્રમો પણ તે વિસ્તારની નબળાઇઓને ધ્યાનમાં રાખીને બનાવવા જોઇએ, જેથી ત્યાં જે માનવ સંશાધનનો વિકાસ થશે, કારણ કે તે મોટાભાગે તો તે વિસ્તારમાં કામ કરવાના છે તો તેમને ખ્યાલ આવશે કે મારા ત્યાં આ પડકારો છે તો મારા ત્યાં બાંધકામની દુનિયાના કામ આ પ્રકારે થશે.

અને આથી હું ઇચ્છુ છું કે તમારા બધાના ત્યાં પોત-પોતાની કંપનીમાં તમે બધા નિષ્ણાત લોકોએ નકશા પર બે-બે દિવસના વર્કશોપ કરવા જોઇએ. નકશો સમજવો, તેને સંબંધિત શું ચીજો છે તેને જોવી, કારણ કે આ ચીજોને આપણે આગળ લઇ જવી પડશે અને જૂઓ ભારતની તાકાત શું છે. અનેક ચીજો હોય છે, જેના ઉપર આપણાં દેશોનું ધ્યાન ઓછું જાય છે. તમે જેટલા પણ આ બાંધકામના લોકો છો ભારતમાં લાંબા સમય માટે સારું બાંધકામ કેવી રીતે કરવું તેમાં તમારી નિપૂણતા છે, આ વખતનો કુંભ મેળો જોયો હશે તેમને ખ્યાલ હશે કે કામચલાઉ વ્યવસ્થા કેટલી ઉત્તમ કરી શકાય છે, કેટલી તકનિક સંચાલિત બનાવી શકાય છે, તે દેશે કરી બતાવ્યું છે.

ગંગાના કિનારા પર 40 દિવસની અંદર 22 કરોડથી વધારે લોકો એકત્રિત થતા હશે. દરરોજ ગંગાના કિનારા પર યુરોપનો એક દેશ એક રીતે એકત્રિત થઇ જાય છે, ત્યાં સ્વચ્છતા આટલી શ્રેષ્ઠ હોઇ શકે છે, તે દેશે દર્શાવ્યું છે. એટલું જ નહીં આપણો જે સ્માર્ટ સિટીનો ખ્યાલ છે, સ્માર્ટ સિટી દ્વારા તકનિક દ્વારા મધ્યસ્થ સંચાલન વ્યવસ્થા કેવી રીતે કામ કરી શકે છે તે સમગ્ર કુંભ મેળામાં આપણાં સૈનિકોએ તેને કરીને બતાવ્યું છે. એટલે કે આપણો દેશ તે સામર્થ્ય ધરાવે છે. આપણે જો તે તરફ નજર કરીએ તો જોવા મળશે કે કેવા પ્રકારની વ્યવસ્થાઓ આપણાં માટે લોકો વિકસિત કરી શકે છે. જો આપણી કામચલાઉ વ્યવસ્થા આટલી શ્રેષ્ઠ હોઇ શકે છે તો આપણી કાયમી વ્યવસ્થાઓ કદાચ સમગ્ર વિશ્વમાં એક આદર્શરૂપ બની શકે છે. અને મને વિશ્વાસ છે કે આ બે દિવસનું આપણું મંથન તે ચીજોને સાકાર કરશે, જે તમારી કંપનીની સ્થિતિ સુધારે, મને ખુશી થશે. પરંતુ આ ક્ષેત્ર સ્થિતિ પણ સુધારે, તેમાં નવી તાકાત લાવે, નવી ગતિ લાવે, નવીનતા લાવે, આ ખૂબ જ જરૂરી છે. અને તમે વિશ્વાસ રાખો, હિંદુસ્તાન જે પણ કરશે, વિશ્વ તેને ધ્યાનપૂર્વક જોશે. આ દેશની તાકાત છે જે શબ્દકોશના શબ્દોના અર્થ બદલી દે છે. ક્યારેક અભિનંદનનું અંગ્રેજી કોન્ગ્રેચ્યુલેશન થતું હતું અને હવે અભિનંદનનો અર્થ બદલાઇ જશે. આ તાકાત આ દેશમાં છે.

આવો આ હાથ પર વિશ્વાસ લઇને ચાલીએ, એક પરાક્રમી રાષ્ટ્રના સ્વરૂપમાં આગળ વધવાનું છે અને સપનાઓને પૂર્ણ કરવા માટે સમયબદ્ધ, સમય મર્યાદામાં એક પછી એક પગલાં ભરવાના છે, સરકાર તમારી સાથે છે.

ફરી એક વખત તમને બધાને આ પરિષદ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

ખૂબ-ખૂબ આભાર!!!

NP/J.Khunt/GP