Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આવો, આપણે આ વિશ્વને શાંતિનો ઉદ્યાન બનાવીએઃ વિશ્વ સુફી ફોરમમાં નરેન્દ્ર મોદીનો અનુરોધ

આવો, આપણે આ વિશ્વને શાંતિનો ઉદ્યાન બનાવીએઃ વિશ્વ સુફી ફોરમમાં નરેન્દ્ર મોદીનો અનુરોધ


• ધર્મના નામે ત્રાસવાદ ફેલાવવો અધર્મ છેઃ વડાપ્રધાન મોદી

• આપણે ત્રાસવાદ અને ધર્મ વચ્ચેનો કોઈપણ સંબંધ નકારવો જોઈએઃ વડાપ્રધાન મોદી

• વિશ્વ સુફી ફોરમ એવા લોકોનું સંમેલન છે જેમનું જીવન ખુદ શાંતિ, સહિષ્ણુતા અને પ્રેમનો સંદેશો છેઃ વડાપ્રધાન

• સુફી સંતો માટે ઈશ્વરની સેવા એટલે માનવતાની સેવા છેઃ વડાપ્રધાન મોદી

• અલ્લાહના 99 નામમાંથી એકપણ નામ હિંસા નથી સૂચવતુઃ વડાપ્રધાન મોદી

• સુફીવાદ શાંતિ, સહ-અસ્તિત્ત્વ, કરૂણા અને સમાનતાનો અવાજ છે; વૈશ્વિક ભાઈચારાનો અનુરોધ છે, એવું વડાપ્રધાન મોદીએ કહ્યું છે

• આપણા સમયમાં ત્રાસવાદ અને અંતિમવાદ સૌથી વધુ વિધ્વંશક બળો બની રહ્યા છે ત્યારે સુફીવાદનો સંદેશો વૈશ્વિક સ્તરે પ્રસ્તુત બની રહે છેઃ વડાપ્રધાન

• સુફીવાદનો સંદેશો ફક્ત ત્રાસવાદના મુકાબલા પુરતો મર્યાદિત નથી, એ “સબ કા સાથ, સબ કા વિકાસ”ના સમુદાયને આવરી લે છેઃ વડાપ્રધાન

• ત્રાસવાદ સામેની લડત કોઈ ધર્મ વિરૂદ્ધનો સંઘર્ષ નથીઃ વડાપ્રધાન મોદી

• ત્રાસવાદ સામેનો જંગ આપણે આપણા મૂલ્યોની તાકાતથી અને ધર્મોના સાચા સંદેશાથી જીતવો રહ્યોઃ વડાપ્રધાન

ગુરૂવાર, 17મી માર્ચ 2016ની સાંજે વડાપ્રધાને નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં વિશ્વ સુફી ફોરમને સંબોધન કર્યું. અખિલ ભારતીય ઉલેમા અને મશૈખ બોર્ડે યોજેલા ચાર દિવસના આ કાર્યક્રમમાં 20 દેશોના સંખ્યાબંધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં ઈજીપ્ત, જોર્ડન, તુર્કી, બ્રિટન, અમેરિકા, કેનેડા, પાકિસ્તાન તેમજ અન્ય દેશોના ધર્મગુરૂઓ, વિદ્વાનો, શિક્ષણવિદો તથા ધર્મશાસ્ત્રીઓએ ભાગ લીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંમેલનને કરેલા લંબાણપૂર્વકના સંબોધનમાં સુફીવાદના સમૃદ્ધ અને ભવ્ય ઈતિહાસ, સહિષ્ણુતા અને કરૂણાના મહત્ત્વ તેમજ ત્રાસ અને ઘૃણાના બળોને પડકારવામાં તમામ માનવતાવાદી બળોએ એકતા સાધવાની જરૂર ઉપર ભાર મુક્યો હતો. વડાપ્રધાને ધર્મ અને ત્રાસવાદ વચ્ચે કોઈ સંબંધ હોવાની વાત દ્રઢતાપૂર્વક નકારી કાઢી હતી અને વધુમાં કહ્યું હતું કે, ધર્મના નામે ત્રાસ ફેલાવતા લોકો ફક્ત ધર્મ વિરોધીઓ છે, બીજું કઈં નથી. વડાપ્રધાનના આ સંબોધનની સંમેલનમાં ઉપસ્થિત સૌએ તેમજ અગ્રણી વિવેચકોએ વ્યાપક સરાહના કરી હતી.

વડાપ્રધાને વિશ્વ સુફી ફોરમને એવા લોકોનું સંમેલન ગણાવ્યું હતું “જેમનું જીવન ખુદ શાંતિ, સહિષ્ણુતા અને પ્રેમનો સંદેશો છે.” “હિંસાનો કાળો પડછાયો વધુ ને વધુ મોટો થઈ રહ્યો છે ત્યારે, તમે જ નૂર છો, આશારૂપી પ્રકાશ છો. ગલીઓમાં બંદૂકોના ભડાકાથી યુવા હાસ્ય વિલાઈ રહ્યું છે ત્યારે, આપનો અવાજ જખ્મોને રૂઝવનારો છે,” એવું વડાપ્રધાને સંમેલનમાં ઉપસ્થિત સુફી વિદ્વાનો તથા ધર્મગુરૂઓને કહ્યું હતું.

વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સુફીવાદે માનવતાના ઈતિહાસમાં એક દીર્ઘકાલિન પદાર્થપાઠ ઉપર ભાર મુક્યો છે – ખુલ્લાપણા અને જીજ્ઞાસા, ઓતપ્રોતપણા અને સમાધાનકારીપણા તેમજ વૈવિધ્ય માટેના આદર થકી જ માનવતાની પ્રગતિ થાય છે, રાષ્ટ્રોનો વિકાસ થાય છે અને વિશ્વ સમૃદ્ધ બને છે.

આ મુદ્દે વડાપ્રધાને પોતાનો અભિપ્રાય વધુ વિગતે વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સુફી સંતો માટે ઈશ્વરની સેવા એટલે માનવતાની સેવા જ છે. “ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તિના શબ્દોમાં કહીએ તો, તમામ બંદગીઓમાં સાવ અદના તથા પિડિત લોકોને રાહત આપતી સેવા જ એવી બંદગી છે જે અલ્લાહને સૌથી વધુ ખુશ કરે છે”.

વડાપ્રધાને એ વાત પણ વર્ણવી હતી કે, સુફીવાદના સંદેશામાં અને હિંદુ પરંપરાઓમાં ભક્તિ કરતા સંતોની શિખામણના હાર્દમાં એકરાગ છે, “એક વિશાળ મહાસાગરના સીનામાં સમાઈ જાય છે પર્વતોની તમામ તરફથી વહેતા ઝરણા.”

આ વાસ્તવિકતા આપણને એ વાતનું સ્મરણ કરાવે છે કે, આપણા અલ્લાહના બધા જ 99 નામો વિષે વિચારીએ ત્યારે એમાંનું એક પણ બળ તથા હિંસા નથી સૂચવતું અને પહેલા બે નામ તો કરૂણા અને દયાની લાગણીના પર્યાય છે. અલ્લાહ “રહેમાન અને રહીમ” છે, એમ વડાપ્રધાને કહ્યું હતું. સુફીવાદ શાંતિ, સહઅસ્તિત્ત્વ, કરૂણા અને સમાનતાનો અવાજ છે, વિશ્વ બંધુત્ત્વનો અનુરોધ છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.

શ્રી નરેન્દ્ર મોદીએ એ હકિકત વર્ણવી હતી કે સુફીવાદે ભારતની સર્વસમાવેશી સંસ્કૃતિને મજબૂત બનાવી છે અને વિશ્વના સાંસ્કૃતિક પોતમાં ભારતનું તે એક મહાન પ્રદાન છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, આપણા આ ખૂબજ વૈવિધ્યપૂર્ણ છતાં એકતા ધરાવતા દેશમાં તેના દરેક સભ્યના સંઘર્ષ, બલિદાન, હિમત, જ્ઞાન, કૌશલ્ય, કલા તથા ગૌરવની શક્તિના બળે ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યો છે.

ત્રાસવાદના વૈશ્વિક પડકારની વાત કરતાં, વડાપ્રધાને કહ્યું હતું કે, “અમીર ખુસરોએ જેની વાત કરી હતી એ આ વિસ્તાર પૃથ્વી પરનું સ્વર્ગ ત્યારે જ બની શકશે, જ્યારે સરહદ પાર સુફીવાદનો ધાર્મિક પ્રેમ વહેતો હશે, ત્રાસવાદની હિંસક તાકાત નહીં.” આપણા આજના યુગમાં ત્રાસવાદ અને અંતિમવાદ સૌથી વધુ વિધ્વંશક બળ બની રહ્યા છે ત્યારે, સુફીવાદનો સંદેશો વૈશ્વિક રીતે પ્રસ્તુત બની રહે છે, એવું તેમણે ઉમેર્યું હતું.

ત્રાસવાદીઓએ સમગ્ર વિશ્વમાં વર્તાવેલા કેરનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, ત્રાસવાદની અસર ફક્ત આંકડાઓથી માપી શકાય નહીં. “એવા બળો અને જૂથો છે, જે દેશોની નીતિ અને ઈરાદાઓનો હિસ્સો છે. એ ઉપરાંત એવા લોકો પણ છે જે ગેરમાર્ગે દોરાયેલી માન્યતાઓના પગલે નિમાય છે,” એમ વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું.

માનવતાએ ત્રાસવાદ સામે લડવાના જંગનું વર્ણન કરતાં તેમણે કહ્યું હતું કે, “આ કોઈ ધર્મ સામેનો સંઘર્ષ નથી. એવું હોઈ પણ શકે નહીં. આ તો માનવતાના મૂલ્યો અને અમાનવિયતાના બળો વચ્ચેનો સંઘર્ષ છે.” આ એવો જંગ છે જેમાં આપણે આપણા મૂલ્યોની તાકાતના જોરે તથા ધર્મોના સાચા સંદેશા થકી વિજય મેળવવાનો છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, સુફીવાદનો સંદેશો ફક્ત ત્રાસવાદના મુકાબલા પુરતો મર્યાદિત નથી, એ “સબ કા સાથ, સબ કા વિકાસ”ના સમુદાયને આવરી લે છે.

ધર્મગ્રંથો તથા આધ્યાત્મવાદીઓના સંદર્ભ વ્યાપક રીતે ટાંકીને વડાપ્રધાને “હિંસાના બળોને આપણા પ્રેમ તથા વૈશ્વિક માનવીય મૂલ્યો” દ્વારા પડકારવાની હાકલ કરી હતી.

વડાપ્રધાનના સંબોધન પહેલા સંમેલનનો આરંભ કરતાં અખિલ ભારતીય ઉલેમા અને મશૈખ બોર્ડના સંસ્થાપક અધ્યક્ષ, હઝરત સૈયદ મોહમદ અશરફે કહ્યું હતું કે, ભારતના મુસ્લિમોને આ દેશમાં પોતાના ભવિષ્ય વિષે ભારે આત્મવિશ્વાસ હોવો જોઈએ અને તેમણે આ દેશની એકતા, અખંડિતતા તથા પ્રાદેશિક સાર્વભૌમત્ત્વ પ્રત્યે સમર્પિત રહેવું જોઈએ. કેન્દ્રીય પ્રધાન નજમા હેપ્તુલ્લા આ પ્રસંગે ઉપસ્થિત હતા.

AP/J.Khunt/GP