પીએમઇન્ડિયા
લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને દુનિયાભરમાં શુભેચ્છા સંદેશાઓનો પ્રવાહ મળવાનું ચાલુ છે. પ્રધાનમંત્રીને આજે સાઉદી અરેબિયાનાં ક્રાઉન પ્રિન્સ મહામહિમ મોહમ્મદ બિન સલમાન, કતારનાં અમીર મહામહિમ શેખ તામિમ બિન હામદ અલ-થાની, જર્મનીનાં ચાન્સેલર શ્રીમતી એન્જેલા મેર્કેલ, બ્રિટનનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી થેરેસા મે અને શ્રીલંકાનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી મહિન્દ્રા રાજપક્સાએ ફોન કર્યા હતા.
પ્રધાનમંત્રીએ ક્રાઉન પ્રિન્સે આપેલા અભિનંદન પર આભાર વ્યક્ત કર્યો હતો અને ભારતનાં લોકો સાથે એમનાં મૈત્રીપૂર્ણ સંબંધો તેમજ બંને દેશો વચ્ચે સંબંધોને વધારે ગાઢ બનાવવા તેમનાં અંગત રસ પર પ્રશંસા વ્યક્ત કરી હતી.
કતારનાં અમીરે પ્રધાનમંત્રીને શુભેચ્છા પાઠવી હતી તથા ભારત અને કતાર વચ્ચે ગાઢ સંબંધોની નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ અમીરનો આભાર માન્યો હતો અને બંને દેશો વચ્ચેનાં સંબંધોને મજબૂત બનાવવામાં તેમનાં માર્ગદર્શન બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીને અભિનંદન આપીને જર્મીનાનાં ચાન્સેલર મેર્કેલે બંને દેશો વધી રહેલાં મૈત્રીપૂર્ણ સંબંધોની નોંધ લીધી હતી અને પારસ્પરિક હિતનાં ક્ષેત્રોમાં સાથસહકારને વધુ વધારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ તેમનો આભાર માન્યો હતો તથા બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવા તેમજ વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે મર્કેલે ભજવેલી ઉત્કૃષ્ટ ભૂમિકાની પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ જાપાનનાં ઓસાકામાં જી20નાં આગામા શિખર સંમેલનમાં એકબીજાને મળવાની આતુરતા વ્યક્ત કરી હતી તથા ભારતમાં ચાલુ વર્ષનાં અંતે બંને દેશો વચ્ચે આંતર સરકારી મંત્રણાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
બ્રિટનનાં પ્રધાનમંત્રી મેએ મજબૂત જનાદેશ મળવા બદલ પ્રધાનમંત્રી અભિનંદન આપ્યાં હતાં. લોકશાહી વ્યવસ્થાનાં આધાર સમાન લોકસભાની ચૂંટણીઓમાં મજબૂત જનાદેશ આપવા બદલ પ્રધાનમંત્રી મેએ ભારતની જનતાને એક મહત્ત્વપૂર્ણ કવાયત સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલ પણ શુભેચ્છા પાઠવી હતી. પ્રધઆનમંત્રી મોદીએ ભારતની જનતા તરફથી તેમનો આભાર માન્યો હતો અને તમામ ક્ષેત્રોમાં બ્રિટન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવવા કામ કરવાનું જાળવી રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ શ્રીલંકાનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રાજપક્સાનો તેમની શુભેચ્છા બદલ આભાર માન્યો હતો. ભારત અને શ્રીલંકા સદીઓથી પડોશી દેશ તરીકે મૈત્રીપૂર્ણ અને ગાઢ સંબંધો ધરાવે છે તેવું જણાવીને પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સંબંધ બંને દેશોનાં લોકોનાં લાભ માટે તેમજ શાંતિ અને સંવાદિતા માટે વધતા રહેશે.
RP