Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

26 જૂન, 2019ના રોજ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવના પ્રત્યુત્તરમાં પ્રધાનમંત્રીના સંબોધનનો પ્રાથમિક મૂળપાઠ


આદરણીય સભાપતિજી, નવા જનાદેશ બાદ આજે પહેલી વાર રાજ્યસભાના તમામ આદરણીય સભ્યોની વચ્ચે મને વાત કરવાનો મને અવસર મળ્યો છે. પહેલા કરતા વધુ જન સમર્થનની સાથે અને વધુ વિશ્વાસની સાથે અમને બીજીવાર દેશની સેવા કરવાનો અવસર દેશવાસીઓએ આપ્યો છે. હું સૌનો આભાર પ્રગટ કરું છું. પરંતુ આજે બીજા કાર્યકાળના પ્રારંભમાં જ આપણા આ સદનના આદરણીય સભ્ય મદનલાલજી આપણી વચ્ચે નથી રહ્યા. હું તેમને મારી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.

રાજ્યસભાના દરેક સત્રમાં અરુણજીની વાક્પટુતા.. તેને સાંભળવા માટે દરેક સભ્ય ખૂબ જ ઉત્સુક રહેતા હોય છે. પરંતુ હાલના દિવસોમાં તેઓ સ્વાસ્થ્ય લાભ લઇ રહ્યા છે અને ખૂબ જ ટૂંક સમયમાં તેઓ સ્વસ્થ થઈને ફરીથી આપણને એ સૌભાગ્ય પ્રાપ્ત થશે એવો મને વિશ્વાસ છે. નેતાના રૂપમાં શ્રીમાન થાવરચંદજી ગેહલોત સદનમાં આપણા સૌનું માર્ગદર્શન કરશે. હું તેમને પણ અભિનંદન આપું છું. છેલ્લા બે દિવસથી જે ચર્ચા ચાલી રહી છે, તે ચર્ચામાં શ્રીમાન ગુલામનબી આઝાદજી, શ્રીમાન દિગ્વિજયસિંહજી, અમારા મિત્ર શ્રી ડી. રાજાજી, શ્રી ડેરેક ઓબ્રાયનજી, શ્રી રામગોપાલ યાદવજી, શ્રી માજિદ મેમણજી, શ્રી રામદાસ આઠવલેજી, શ્રી ટી. કે. રંગરાજનજી, શ્રી જે. પી. નડ્ડાજી, સ્વપનદાસ ગુપ્તાજી, આશરે 50 આદરણીય સભ્યોએ આ ચર્ચાને સમૃદ્ધ બનાવી છે.

સૌએ પોત પોતાની રીતે પોતાની વાત કહી છે- ક્યાંક ખટાશ પણ હતી, ક્યાંક તીખાશ પણ હતી, ક્યાંક વ્યંગ પણ હતો, ક્યાંક આક્રોશ પણ હતો, ક્યાંક રચનાત્મક સૂચનો પણ હતા, ક્યાંક જનતા જનાર્દનનું અભિવાદન પણ હતું. દરેક પ્રકારના ભાવ અહિં પ્રગટ થયા છે. અને કેટલાક એવા પણ છે જેમને મેદાનમાં જવાનો મોકો ન મળ્યો, તો ત્યાં જે ગુસ્સો નીકળવો જોઈતો હતો તે કદાચ અહિં કાઢ્યો, તો તે પણ જોયું.

આદરણીય સભાપતિજી, આ ચૂંટણી ખૂબ વિશેષ રહી છે. અનેક દાયકાઓ બાદ બીજીવાર એક પૂર્ણ બહુમતવાળી સરકાર બનવી… ભારતના મતદાતાઓના મનમાં રાજનૈતિક સ્થિરતાનું મહાત્મ્ય શું છે… એક પરિપક્વ મતદાતાની આમાં સુગંધ અનુભવાય છે અને આ માત્ર આ જ ચૂંટણીમાં થયું છે એવું નથી. સતત છેલ્લી કેટલીય ચૂંટણીઓ જે થઇ છે તેમાં આપણા દેશના મતદાતાઓએ કોઇપણ પક્ષને સ્થાન આપ્યું પરંતુ ઘણે અંશે એક સ્થિરતાને બળ આપ્યું છે. તે પોતાનામાં જ લોકશાહીની ખૂબ સુખદ નિશાની છે.

સંગઠનનું કામ કરતો હતો ત્યારે પણ ઘણા બધા ચૂંટણી અભિયાનોને જોયા છે, ચૂંટણી સંચાલનો કર્યા છે. પ્રત્યક્ષ જનપ્રતિનિધિ ક્ષેત્રમાં આવ્યા પછી ચૂંટણી લડવી… લડવાનો પણ અવસર મળ્યો છે. પરંતુ બહુ ઓછા એવા અવસરો આવે છે જ્યારે ચૂંટણી જનતા જનાર્દન પોતે લડે છે. 2019ની ચૂંટણી એક રીતે પક્ષોથી પર દેશની જનતા લડી રહી હતી. દેશની જનતાએ સમગ્ર ચૂંટણીને પોતાના માથે ઉપાડી લીધી હતી અને જનતા પોતે સરકારના કામોની વાત લોકો સુધી પહોંચાડતી હતી. જેને લાભ નથી મળ્યો તે પણ એ વિશ્વાસની સાથે વાત કરતા હતા કે જાણે તેમને મળ્યો છે મને પણ મળવાનો છે. આ જે વિશ્વાસ છે આ ચૂંટણીના પરિણામોમાં એક ખૂબ મોટી મહત્વની વિશેષતા છે અને મારુ સૌભાગ્ય છે કે મને દેશના ખૂણે ખૂણામાં જનતા જનાર્દનના દર્શન કરવાનો અવસર મળ્યો છે…. મને પોતાને જઈને આશીર્વાદ લેવાનો અવસર મળ્યો છે.

પરંતુ આદરણીય સભાપતિજી, ભારતની એક પરિપક્વ લોકશાહી હોય, દુનિયાની સૌથી મોટી લોકશાહી હોય, ચૂંટણી પોતાનામાં જ લોકશાહી વિશ્વ માટે ઘણું બધું મહત્વ ધરાવે છે. તેનું વૈશ્વિક મુલ્ય હોય છે. તે વખતે પોતાની વિચારધારાની મર્યાદાઓના લીધે, વિચારોમાં ઉછરેલી વિકૃતિઓના લીધે આટલા મોટા જનાદેશમાં આપણે એવું કહી દઈએ કે તમે તો ચૂંટણી જીતી ગયા છો પરંતુ દેશ ચૂંટણી હારી ગયો છે… હું સમજુ છું કે આનાથી મોટુ ભારતની લોકશાહીનું અપમાન ન હોઈ શકે. આનાથી મોટુ જનતા જનાર્દનનું અપમાન બીજું ન હોઈ શકે.

આ એક સામાન્ય વાક્ય નથી તે એક ગંભીર રૂપે દેશના લોકોને વિચારવા માટે મજબૂર કરવા માટેની વાત છે અને જ્યારે આ વાત કહેવામાં આવે છે… કે લોકશાહી હારી ગઈ, દેશ હારી ગયો તો હું જરૂરથી પૂછવા માંગીશ કે શું વાયનાડમાં હિન્દુસ્તાન હારી ગયું શું? શું રાયબરેલીમાં હિન્દુસ્તાન હારી ગયું શું? શું બહેરામપુરમાં, તિરુવનંતપુરમાં હિન્દુસ્તાન હારી ગયું શું? અને અમેઠીમાં શું હિન્દુસ્તાન હારી ગયું શું? આ કયો તર્ક છે એટલે કોંગ્રેસ હારી તો દેશ હારી ગયો. મતલબ દેશ એટલે કોંગ્રેસ… કોંગ્રેસ એટલે દેશ… અહંકારની એક સીમા હોય છે. અહંકાર હોવો જ ન જોઈએ, સીમાનો તો પ્રશ્ન જ ક્યાં છે. હું જરા જાણવા માગું છું કે 17 રાજ્યો 55-60 વર્ષ સુધી દેશમાં સરકાર ચલાવનારો પક્ષ 17 રાજ્યોમાં એક પણ સીટ ન જીતી શક્યો… શું આપણે સરળતાથી કહી દઈશું. દેશ હારી ગયો?

હું માનું છું કે આ પ્રકારની ભાષા બોલીને આપણે મતદાતાઓના વિવેકને ઠેસ પહોંચાડી છે. દેશના મતદાતાઓને આપણે કઠેડામાં ઉભા કરી દીધા છે. અમારી ટીકા હું સમજી શકું છું અને લોકશાહીમાં તે સ્વીકાર્ય પણ છે. એટલું જ નહિં ટીકા સમ્માનિત છે, પરંતુ દેશના મતદાતાઓનું આ રીતે અપમાન ખૂબ જ પીડા આપે છે અને ત્યારે જઈને બની શકે કે મારી વાણીમાં કોઈ આક્રોશ ભરેલા શબ્દો પણ હોય પરંતુ તે મારા પક્ષ માટે નથી… આ દેશની પરિપક્વ લોકશાહી માટે છે. ભારતના બંધારણ નિર્માતાઓની સમજદારી માટે છે.

આપણે આ ચૂંટણીને જોઈ છે 40-45 ડીગ્રી તાપમાન અને લોકો આખો આખો દિવસ લાઈનમાં ઉભા હતા. 80-90 વર્ષના વડીલો હાથમાં લાકડી લઈને મત આપવા જઈ રહ્યા હતા. અનેક આવી ચૂંટણીઓના કામની જવાબદારી સંભાળનારા અધિકારી, બે દિવસ પહેલા માતાનું મૃત્યુ થયું હતું પરંતુ, કારણ કે ચૂંટણીના અધિકારીની તેમની જવાબદારી છે, તેઓ ઈવીએમ મશીનનો થેલો ઉપાડીને કોઈ ગામમાં ગયા છે ફરજ નિભાવવા માટે. કેટ-કેટલા લોકોની તપસ્યા પછી આ ચૂંટણી થતી હોય છે અને આપણે આમ જ દેશના મતદાતાઓનું અપમાન કરીએ છીએ.

આપણે તેનાથી આગળ વધી ગયા છીએ, ખબર નહિં આપણા મગજને શું થઇ ગયું કે આપણે એવું પણ કહી દીધું દેશના ખેડૂતોનું અપમાન કરી નાખ્યું. આપણે ત્યાં સુધી કહી દીધું દેશનો ખેડૂત વેચાઈ ગયો છે, બે બે હજાર રૂપિયાની યોજનાના લીધે ખેડૂતોના વોટ ખરીદી લેવામાં આવ્યા છે. હું માનું છું આ દેશના ખેડૂતને આ રીતે અપમાનિત ન કરવા જોઈએ. મારા દેશનો ખેડૂત… આપણા દેશના ખેડૂતો વેચાયેલો નથી. આપણા દેશનો ખેડૂત તો તે છે જે અન્ન ઉત્પન્ન કરે છે, માત્ર મજૂરી કરીને અન્ન પેદા કરે છે તે ક્યારેય વિચારતો નથી કે મેં મહેનત કરીને જે અનાજ ઉગાડ્યું છે તે કોના પેટમાં જશે… ગરીબના પેટમાં જશે કે શ્રીમંતના પેટમાં જશે, તે ક્યારેય નથી વિચારતો. તે ખેડૂત માટે આપણે આવું કહી દઈએ હું સમજુ છે કે 15 કરોડ ખેડૂત પરિવારોને તમે અપમાનિત કર્યા છે આ રીતે ખરાબ ભાષાનો પ્રયોગ કરીને કે બે-બે હજારની યોજનાઓના લીધે તે વેચાઈ ગયો…

મને આશ્ચર્ય થાય છે કે મીડિયાને પણ ગાળો આપવામાં આવી હતી. મીડિયાના કારણે ચૂંટણીઓ જીતવામાં આવે છે. આપણે ક્યાં ઉભા છીએ.. મીડિયાના લીધે ચૂંટણીઓ જીતાય છે… મીડિયા વેચાઈ ગયેલ છે શું? મીડિયાને કોઈ ખરીદી લે છે શું? અને ખરીદીને શું કરે છે? અને એ રાજ્યોમાં શું તમિલનાડુમાં પણ આ લાગુ થાય છે ખરું? શું કેરળમાં પણ આ જ લાગુ પડે છે ખરું? સદનમાં બોલવામાં આવેલી વાતોનું પોતાનું એક મહત્વ હોય છે… આપણે કઈ પણ કહેતા રહીએ છીએ અને સારું છાપાઓમાં હેડલાઈન મળી જશે પરંતુ ભારતની લોકશાહી જેમાં દુનિયામાં તેની એક પ્રતિષ્ઠા છે, આપણને ગર્વ હોવો જોઈએ. ભારતની ચૂંટણી પ્રક્રિયા વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠાને વધારવાનો એક બહુ મોટો અવસર હોય છે અને આ અવસરને આપણે ન ગુમાવવો જોઈએ. જ્યારે ચૂંટણી પંચ સાથે જોડાયેલા લોકો મને મળતા હતા ત્યારે મેં તેમને કહ્યું હતું કે આપણા માટે આ ખૂબ મોટી અમાનત છે.. ચૂંટણી પ્રક્રિયા અને વ્યવસ્થાઓ વિશ્વની સમક્ષ આવવી જોઈએ.

તમે કલ્પના કરી શકો છો કેટલી વિશાળતા અને વ્યાપકતા 10 લાખ મતદાન મથકો 40 લાખથી વધુ ઈવીએમ મશીન, 650 રાજનૈતિક પક્ષો, 8 હજારથી વધુ ઉમેદવારો… કેટલું મોટુ સ્વરૂપ, વ્યાપકતા, આપણે આ વાતને વિશ્વ સમક્ષ મુકીએ કેટલો ગર્વ થઇ શકે છે.. દુનિયાને આશ્ચર્ય થશે. હું સમજુ છું કે આપણે આપણા અંગત રાજનૈતિક કારણોથી આપણે આ રીતે કહીએ કે આ ચૂંટણીમાં એક બહુ મોટી વાત જોવા મળી છે.. આપણી બહેન દીકરીઓએ જે કમાલ કરી બતાવી છે, આપણા દેશમાં ચૂંટણી પહેલાથી જ થતી રહી છે, મહિલાઓને મતદાન શરૂઆતથી જ મળેલું છે. પરંતુ આપણે જોયું છે કે હંમેશા પુરુષ અને સ્ત્રી મતદાનમાં લગભગ લગભગ 9-10 ટકાનું માર્જિન રહેતું હતું. પુરુષનું મતદાન લગભગ 9 ટકા વધુ રહેતું હતું. પહેલી વાર તે આશરે ઝીરો થઇ ગયું છે. તે પોતાનામાં જ ભારતની લોકશાહીની એક ઉજ્જવળ નિશાની છે. આપણે તેમાંથી એ વસ્તુઓને જોઈએ અને આ વખતે ખુશી છે કે આશરે 78 મહિલા સાંસદ બહેનો ચૂંટાઈને આવી છે.

આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએના લોકો જીતીને આવ્યા છે એટલું જ નહિં… આ ચૂંટણીની વિશેષતા છે કે ઉત્તર હોય, દક્ષિણ હોય, પૂર્વ હોય, પશ્ચિમ હોય બધા જ ખૂણેથી બહુમત સાથે ભાજપ અને એનડીએ જીતીને આવી છે. એવું નથી કે એક જ ખૂણામાંથી આવી છે… બધે દૂર-દૂરથી અમને સ્વિકૃતિ મળી છે.

જે લોકો હારી ગયા છે જેમના સપનાઓ ચૂર-ચૂર થઇ ગયા છે, જેમના અહંકારને ઠેસ પહોંચી છે. તે દેશના મતદાતાઓનું અભિવાદન નહિં કરી શકતા હોય પરંતુ હું માથું નમાવીને ભારતના કોટી-કોટી મતદાતાઓનું અભિવાદન કરું છું, અભિનંદન કરું છું તેમનો આભાર વ્યક્ત કરું છું અને ભારતની લોકશાહી પ્રક્રિયાને જાળવનાર તે વ્યવસ્થાની સાથે જોડાયેલ નાના મોટા બધા જ અધિકારીઓ, સુરક્ષા કર્મી લોકો, ચૂંટણી પંચ, આ બધા જ અભિનંદનના અધિકારી છે, હું તેમને અભિનંદન આપું છું.

આદરણીય સભાપતિજી, અહિં આગળ ઈવીએમની ચર્ચા ઘણી થઇ રહી છે અને એક નવી બીમારી શરુ થઇ છે. મને માફ કરજો, ઈવીએમને લઈને સવાલ ઉઠાવવામાં આવે છે, બહાના બનાવવામાં આવે છે. સભાપતિજી ક્યારેક અમે પણ સદનમાં બે રહી ગયા હતા અને અમને પણ વારંવાર એ કહેવામાં આવતું હતું બે કે ત્રણ બસ, બે કે ત્રણ બસ કહી કહીને અમારી મજાક ઉડાવવામાં આવતી હતી. એટલા ખરાબ દિવસો અમે જોયા હતા, પરંતુ અમને કાર્યકતાઓ પર ભરોસો હતો. અમને વિચાર પર ભરોસો હતો, દેશની જનતા પર ભરોસો હતો અને પરિશ્રમ કરવાની, ત્યાગ કરવાની પરાકાષ્ઠા કરવાની અમારી તૈયારી હતી, તે નિરાશાજનક વાતાવરણમાં વિશ્વાસ પેદા કરી કરીને અમે પક્ષને ફરીથી ઉભો કર્યો છે. અમારાથી અમારી આગળની પેઢીએ કામ કર્યું, પરંતુ કરીને દેખાડ્યું અને એ જ તો નેતૃત્વની કસોટી હોય છે.

અમે તે વખતે મતદાન મથક કેમ્પમાં આ થયું હતું, ફલાણું થયું હતું, ઢીંકણું થયું હતું… એટલા માટે અમે હારી ગયા, એવું રોવા-ધોવાનું નહોતું કર્યું… હારી ગયા તો ફરીથી કામ કરીશું, ફરીથી અમે નીકળી પડીશું અને અમે પરિણામ પણ લઈને આવતા ગયા છીએ. પરંતુ જ્યારે પોતાના પર જ ભરોસો નથી હોતો, સામર્થ્યનો અભાવ હોય છે ત્યારે પછી બહાનાઓ શોધવામાં આવે છે અને એટલા માટે આત્મચિંતન કરવાની જેની તૈયારી નથી, દોષ સ્વીકારવાની જેની તૈયારી નથી, પોતાની ભૂલોને સ્વિકાર કરવાની તૈયારી નથી. તે પછી ઈવીએમને શોધે છે, ઠીકરું ઈવીએમ પર ફોડવામાં આવે… જેથી કરીને ફરીથી પોતાના સાથીઓની સામે તો ઓછામાં ઓછુ આપણે કહી શકીએ કે જુઓ-જુઓ અમે બહુ સારું કામ કર્યું છે!! આપણે હાર્યા નથી એ તો ઈવીએમના લીધે હાર્યા છીએ.

હું સમજુ છું આ રીતે ન તો આપણે રાજનૈતિક કેડરની ભલાઈ કરીએ છીએ, રાજનૈતિક કેડરને નિરાશ કરવાથી કોઈ ફાયદો નથી. હિંમત છે તો આગળ આવો આખી કેડરને તૈયાર કરો પછી અને ચૂંટણી કઈ પૂરી થોડી થઇ ગઈ છે અને ચૂંટણી આવવાની છે. આ પ્રકારની નિરાશાનો શું અર્થ છે અને એટલા માટે માનનીય સભાપતિજી… પહેલા એક સમય હતો ચૂંટણીની પ્રક્રિયા આપણે બધા જ પ્રકારની જોઈ છે, ચૂંટણી પ્રક્રિયાઓમાં સુધારા થતા ગયા છે. શરૂઆતની ચૂંટણી જે થઇ છે 1952 પછીથી… આ શરૂઆતના કાળખંડના મહિનાઓના મહિનાઓ સુધી ચાલતી હતી ખોખા લઈને ગામડે-ગામડે જતા હતા. જૂના લોકો જે આપણે તો એ વખતે બહુ નાના બાળકો હતા પરંતુ જે સાંભળ્યું છે તેમાંથી સુધારો કરતા કરતા અહિયાં સુધી પહોંચ્યા છીએ.

એક સતત ચાલતી પ્રક્રિયા છે સુધારાની અને એટલા માટે તે સુધારાની પ્રક્રિયાને અને પહેલાનો જમાનો જોઈ લો કેવો હતો. ચૂંટણી પછી છાપાઓમાં મુખ્ય સમાચાર શું આવતા હતા… છાપાઓની હેડલાઈન એ રહેતી હતી કે આટલી હિંસા થઇ, આટલા લોકો માર્યા ગયા, આટલા મથકો જપ્ત કરવામાં આવ્યા, આ ત્રણ મુખ્ય સમાચારો રહેતા હતા. આજે ઈવીએમના કારણે… સમાચાર એક જ હોય છે કે પહેલાની સરખામણીમાં મતદાન કેટલા ટકા વધ્યું છે. તે પોતાનામાં જ એક બહુ મોટી વાત હોય છે. અને અમે જાણીએ છીએ પહેલા કેવું થતું હતું.. મથક જપ્ત કરવું, લૂંટ કરવી, જે દબંગ લોકો હતા તેમના જ હાથમાં હતું અને જ્યારથી સાચા અર્થમાં લોકશાહીની પ્રક્રિયા આવી છે. આવા લોકોના હારવાનું કામ પણ ત્યારથી જ શરુ થયું છે. એટલા માટે તેમને તે જગ્યાએ પાછું જવું છે. દેશ લોકશાહીને આ રીતે દબાવવાની પ્રક્રિયામાં મદદ નહિં કરી શકે.

માનનીય સભાપતિજી, આજે આ સદનના માધ્યમથી હું દેશની સામે પણ એક વાત કહેવા માંગું છું કે ઈવીએમ પર સૌથી પહેલા 1977માં તેની ચર્ચા શરુ થઇ હતી અને ત્યારે તો અમે રાજનીતિમાં ક્યાંય જોવા નહોતા મળતા, અમે તો બહુ દૂર બેઠા હતા. 1977માં ચર્ચા શરુ થઇ હતી. 1982માં પહેલી વાર તેનો પ્રયોગ કરવામાં આવ્યો, 1988માં અમે નહોતા. આ જ સદનમાં બેઠેલા તે સમયના મહાનુભવોએ કાયદાકીય આ વ્યવસ્થાને સ્વિકૃતિ આપી, કાયદો બનાવ્યો. એટલું જ નહિં 1992માં કોંગ્રેસના જ નેતૃત્વમાં આ ઈવીએમને લઈને બધા જ નિયમો બનાવવામાં આવ્યા. એટલે કે આ આ રીતે જે લોકો કહે છે કે આ અમે કર્યું, અમે કર્યું, અમે કર્યું તો આ પણ તો તમે જ કર્યું હતું, હવે તમે હારી ગયા એટલે હવે રોઈ રહ્યા છો.

આ કેવી વાત થઇ અને એટલા માટે હું સમજુ છું અને ઈવીએમ વડે આ દેશમાં અત્યાર સુધી વિધાનસભાઓની જે ચૂંટણીઓ થઇ છે, રાજ્ય વિધાનસભાઓની 113 ચૂંટણીઓ થઇ છે ઈવીએમ મશીનથી અને અહિયાં ઉપસ્થિત લગભગ બધા જ પક્ષોને તે જ ઈવીએમથી ચૂંટણી જીતીને સત્તામાં આવવાનો અથવા સત્તામાં ભાગીદાર બનવાનો અવસર મળ્યો છે. 113 વિધાનસભાની ચૂંટણીઓ થઇ છે. ચાર લોકસભાની સામાન્ય ચૂંટણીઓ થઇ છે તેમાં પણ પક્ષો બદલાયા, જુદા જુદા લોકો જીતીને આવ્યા છે અને આજે પરાજય માટે આપણે આ પ્રકારની વાતો કરીએ છીએ.

2001 પછી જુદી જુદી ઉચ્ચ અદાલતો અને સર્વોચ્ચ અદાલતમાં પણ ઈવીએમને લઈને મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. બધા જ પરીક્ષણો પછી ઈવીએમ પર બધી જ વસ્તુઓમાં બધી જ દેશની ન્યાયપાલિકાઓએ પોતાનો હકારાત્મક ચૂકાદો આપ્યો છે.

2017માં જ્યારે આટલો મોટો હલ્લો થયો હતો કારણ કે પરાજિત લોકોની ઇકો સિસ્ટમ હજી કામ કરી રહી છે. ચારેય બાજુ હલ્લો મચી ગયો અને ચૂંટણી કમિશને પોતે પડકારના રૂપમાં કહ્યું કે હું એક મુકું છું તમે આવો ખોટું છે તો અમને સાબિત કરીને બતાવો. જે લોકો આજે ઈવીએમના ગીત ગઈ રહ્યા છે, રોઈ રહ્યા છે, એક પણ દળ ત્યાં નહોતું ગયું. બે જ પક્ષો ગયા છે એનસીપી અને સીપીઆઈ, પરંતુ તેમણે પણ સવાલ નથી કર્યો તેમણે કહ્યું અમને જરા સમજાવો કે કઈ રીતે ઈવીએમ કામ કરે છે માત્ર સમજવાનો પ્રયાસ કર્યો પરંતુ ઓછામાં ઓછું એનસીપી અને સીપીઆઈના લોકો ગયા બાકી લોકો તો ચૂંટણી પંચના નિમંત્રણ બાદ પણ નહોતા ગયા. જેના પર તેઓ શંકા કરી રહ્યા છે.

અને આ અપપ્રચાર અને એક રીતે એક નિશ્ચિત પ્રકારનું નિહિત હિતધારક જૂથ આટલું મોટુ તોફાન ઉભું કર્યું તો તે હવામાં અમારા લોકો પણ આવી ગયા હતા. અમે પણ માનવા લાગ્યા હતા કે ઈવીએમમાં કંઈક ગરબડ છે. અમારા પક્ષમાંથી પણ એ અવાજ ઉઠવા લાગ્યો હતો, પરંતુ અમે ઈમાનદારીથી તેના સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ પણ કર્યો. ટેકનોલોજીને સમજવાનો પ્રયાસ પણ કર્યો અને અમે પોતે પણ ઈવીએમના વિષયમાં શંકા કરી હતી, જ્યારે બધી વસ્તુઓ સમજાઈ ગઈ તો અમારા પક્ષમાં પણ તે વિચારને માનનારાઓને સમજાવવામાં આવ્યા જે ખોટા રસ્તા પર હતા, અને અમે સાચા રસ્તા પર ચાલ્યા. ટેકનોલોજી છે સમજવી જોઈએ. સમજીને તેને આગળ વધારવી જોઈએ.

આદરણીય સભાપતિજી, ફરીથી વીવીપેટની વાત આવી હતી….વારંવાર સર્વોચ્ચ અદાલતમાં ગયા, સમગ્ર ચૂંટણીના વાતાવરણને પાટા પરથી ઉતારવા માટે તેને સાધન બનાવવામાં આવ્યું. દરરોજ સાંજે ચૂંટણી પંચમાં જાઓ, હોબાળો મચાવો, અખબારોમાં સ્થાન મેળવો. સામાન્ય મતદારોના મનમાં વિશ્વાસ પેદા કર્યા બાદ અવિશ્વાસ ઉભો કરવાનું વાતાવરણ બનાવવામાં આવ્યું. વીવીપેટનું શું થયું…. જેટલી અપેક્ષાઓ લઇને ગયા, આપણે સૌ સાક્ષી છીએ કે વીવીપેટ એ વધુ એકવાર ઇવીએમની તાકાતને વધારી દીધી. પરિણામ સામે છે.

હું હેરાન છું કોંગ્રેસ પક્ષ માટે. એટલે મારે કહેવું પડે છે કે તમે આટલા વર્ષો સુધી શાસન કર્યુ છે. દેશની એક મુખ્યધારાની રાજનીતિની (લગામ) તમારી પાસે રહી છે, લાંબા સમય સુધી…. અનુભવથી આજે મારે કહેવું પડશે કે તમને કોઇને કોઇ એવી મુશ્કેલી છે કે તમે વિજયને પણ નથી પચાવી શકતા. આઝાદીના આટલા વર્ષો આટલો વિજય મેળવ્યો તમે વિજય પચાવી શકતા નથી. અને 2014થી હું સતત જોઇ રહ્યો છું તમે પરાજયનો પણ સ્વીકાર નથી કરી શકતા. હું નથી માનતો કે આ કોઇ તંદુરસ્ત વૃદ્ધિ થઇ રહી છે અને ભારતમાં, લોકતંત્રમાં દરેક પક્ષનું પોતાનું સ્થાન છે. મહત્વ છે. તેનું આદારપૂર્વક સન્માન થવું જોઇએ. એના પ્રત્યે આપણી શુભકામનાઓ હોવી જોઇએ, દરેક પક્ષ પ્રત્યે, ત્યારે જ લોકતંત્ર ચાલે છે. પરંતુ ન આપણે પરાજયનો સ્વીકાર કરવા તૈયાર છીએ, કે ન આપણે વિજયને પચાવવાનું સામર્થ્ય રાખીએ છીએ. અને એ પણ હમણા મધ્યપ્રદેશમાં શું થયું હમણા તો વિજય થયો અને થોડા સમયમાં એવા સમાચાર આવવા લાગ્યા કે હેરાન થઇ જવાય છે અને માટે કૃપા કરી ચૂંટણીમાં સુધારાની પણ ઘણી વાતો થઇ છે. આપણે ત્યાં 1952થી લઇ આજ સુધી સતત ચૂંટણીઓમાં સુધારા થતા રહ્યા છે અને થતાં જ રહેશે.

અને હું માનું છું આની ચર્ચા પણ સતત થતી રહેવી જોઇએ અને એમાં ખુલ્લા મને ચર્ચા થવી જોઇએ. સંકુચિત મન રાખવાની કોઇ જરૂર નથી. પરંતુ સીધું એમ કહી દેવું કે અમે એક દેશ, એક ચૂંટણીના પક્ષમાં નથી…. અરે, ચર્ચા તો કરો ભાઇ! તમારા વિચાર હશે હું માનું છું, કે જેટલા મોટા મોટા નેતા છે, વ્યક્તિગત રીતે જ્યારે મળું છું, સૌએ કહ્યું છે યાર આ બિમારીથી તો મુક્ત થવું જ જોઇએ. પાંચ વર્ષોમાં એક વાર ચૂંટણી આવે, મહિના – બે મહિના સુધી ચૂંટણીનો ઉત્સવ ચાલે, પછી સૌ પોતાના કામમાં લાગી જઇએ. આ વાત સૌએ કહી છે. સાર્વજનિક રૂપે પક્ષ લેવામાં મુશ્કેલી થતી હશે. શું આ સમયની માંગ નથી કે આપણા દેશમાં ઓછામાં ઓછું મતદારની યાદી તો એક હોય. પહેલાં 18 અને 21 – બે મતદાન અલગ અલગ હોવાના લીધે- હવે મતદાન માટે 18 વર્ષ છે. આજે દેશનું દુર્ભાગ્ય છે જેટલી ચૂંટણી તેટલી મતદાર યાદી. દેશનો કેટલો ખર્ચ થાય છે. કેટલું માનવબળ આ મતદાર યાદી માટે લાગે છે.

રાજ્ય અને કેન્દ્ર મળીને કાયદો બનાવે અને નક્કી કરે ભાઇ, એક જ મતદાર…. અને હું જણાવી દઉં પંચાયતોની ચૂંટણીની મતદાર યાદી હોય છે એમાં એક પણ મતદાર રહી જતો નથી. કારણ કે ત્યાં એક-એક મતની કિંમત હોય છે કારણ કે 30-40 મતોથી હારજીત થતી હોય છે. જો એ મતદાર યાદી હોય તો આપણી મતદાર યાદીમાં કોઇ સમસ્યા જ ન આવે તેવી જ રીતે મતદાન મથકો, મતદારોએ હંમેશા યાદ કરવા પડે છે. એમણે ખબર હોવી જોઇએ કે ભાઇ તમારી આ શાળાનો પેલો ઓરડો તમારો છે…. આ વ્યવસ્થા કેમ વાજબી ન થઇ શકે અને તેની માટે ચૂંટણીમાં સુધારા અનિવાર્ય છે, થતાં રહેવા જોઇએ.

અચ્છા, આપણા દેશમાં પહેલાં એક દેશ, એક ચૂંટણી થતી હતી. જે પછીથી ગડબડ થતા પાટા પરથી ઉતરી ગઈ અને એનો સૌથી વધુ લાભ તમને લોકોને મળ્યો છે અને એનો વિરોધ. કેટલાક લોકો એવી દલીલ આપે છે જે દલીલમાં કોઇ દમ નથી. કહેવાય છે મતદાર એક નિર્ણય કેવી રીતે કરશે? હમણા ઓરિસ્સા સૌથી મોટુ ઉદાહરણ છે. ઓરિસ્સામાં ગ્રામીણ વિસ્તાર વધુ છે. ઓરિસ્સા એકદમ ખૂબ જ વિકસીત કે એવું રાજય તો નથી. ભારતના જે રાજ્યોને હજુ પણ વિકાસના પથ પર લાવવા માટે મહેનત કરવી પડે- એવા રાજયોમાંનુ છે. ત્યાંના મતદારોએ લોકસભા માટે એક મતદાન કર્યુ, વિધાનસભા માટે બીજું મતદાન કર્યું. એનો અર્થ આપણા મતદારો પાસે એક જ સમયે વિવેકબુદ્ધિનું પુર્ણ જ્ઞાન છે. હું તો…. કેટલીક બેઠકો તો એવી છે કે જ્યાં નીચેની બધી વિધાનસભા બેઠકો વિધાનસભામાં બીજેડીને મળી, લોકસભામાં તેમણે ભાજપને આપી. આ પરિપક્વતા છે આપણા દેશમાં. આપણે તેનો અનાદર કરી રહ્યા છીએ.

કેટલાક લોકો કહે છે…. આ કેવો ભ્રમ ફેલાવાયો છે કે જો સાથે ચૂંટણી થશે તો પ્રાદેશિક પક્ષો ખતમ થઇ જશે. જ્યાં જયાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે થઇ છે. તે તમામ જગ્યાઓ પર પ્રાદેશિક પક્ષો જીત્યા છે, જોઇ લો સંપુર્ણ ઇતિહાસ. હમણા આંધ્રપ્રદેશમાં ચૂંટણી થઇ પ્રાદેશિક પક્ષો જીતી ગયા, ઓરિસ્સાની ચૂંટણી થઇ.. જીતી ગયા. દેશના મતદારોમાં સમજણ છે, તેમની સમજણ પર શંકા ન કરો અને માટે આ રીતે જે આપણે ચર્ચા…. ચર્ચા બાદ થાય, ન થાય, પરંતુ આપણે પહેલાંથી કહીએ- બિલકુલ નહિં, અમે ઘુસવા નહિં દઇએ, આ રીત લોકતંત્રમાં નથી હોતું. ખુલ્લા મને વાત થવી જોઇએ, દરેક પ્રયાસનું સ્વાગત થવું જોઇએ, આ પ્રયાસમાં આપણે પોતાની ભૂમિકા ભજવવી જોઇએ. પરંતુ આપણે પહેલેથી જ દરવાજા બંધ કરી દઇએ તો કયારેય પરિવર્તન નહિં આવે અને ભારતના મતદારોના નિર-ક્ષીર વિવેક પર આપણે કયારેય શંકા ન કરીએ, એ મારો મત છે.

કયારેક હું વિચારું છું શું માત્ર ઇવીએમનો વિરોધ કરીએ છીએ આપણે? જી ના, આપણે વિરોધ પક્ષનો મતલબ મને લાગે છે કે અક્ષરો અને ભાવનાઓમાં પકડી લીધો છે. વિરોધી એટલે વિરોધ જ કરવો, વિરોધ પક્ષ એટલે વિરોધ જ કરવો. મને યાદ છે હું આ જ સદનમાં બેઠો હતો અને વિદ્વાન લોકો એવા ભાષણ કરી રહ્યા હતા, મોટા-મોટા પોતાને એવા માની રહયા હતા, જ્યારે ભગવાન બુદ્ધિ વહેંચવા નીકળ્યા હતા ત્યારે તેઓ હરોળમાં સૌથી પહેલાં ઉભા હતા. એવા એવા લોકો અહિં બેઠા છે. અને એમણે કહ્યું કે આપણા દેશમાં ડિજિટલ વ્યવહાર સંભવ નથી, ગરીબ માણસને ડિજિટલ કેવું, મોબાઇલ કેવો, ફોન કેવી રીતે પકડશે? એવા એવા ભાષણ થયા હતા. હું હેરાન છું, એનો પણ આપણે વિરોધ કર્યો.

આપણે આધારનો વિરોધ કર્યો. તમે જ્યારે હતા- આધાર મહાન! અમે જ્યારે આધારથી ભ્રષ્ટાચાર ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો આધાર સમસ્યા થઇ ગઇ. આપણે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવીએ, આધારને રોકવાનો પ્રયાસ કરીએ. આપણે જો આધુનિક ભારતનું નિર્માણ કરવા માગીએ નવું ભારત બનાવવા માગીએ, શું આપણે ટેકનોલોજીથી કેટલું દુર ભાગીશું? સલામતી માટે સચેત પ્રયાસ કરવા ટેકનોલોજીની આવશ્યકતા છે. અને તેમાં ટેકનોલોજી યોગદાન આપે છે. સમયસર પ્રદાન કરે છે. પરંતુ આપણે વસ્તુઓથી ભાગતા રહીશું.

જીએસટી- એનો વિરોધ, ઇવીએમ-એનો વિરોધ, ડિજિટલ-એનો વિરોધ, વી-મેપ-એનો વિરોધ. દરેક વસ્તુમાં આ નકારાત્મકતા અને એના પર આજે ઘણાં કારણોની ચર્ચા થાય છે. મને માફ કરશો- આ સદનમાં જેટલા પક્ષોનો વ્યવહાર છેલ્લા પાંચ વર્ષ…. હું રાજ્યસભાની વાત કરૂં છું- વિક્ષેપ નાંખવાનો રહ્યો છે, અડચણો નાંખવાનો રહ્યો છે- સામાન્ય લોકોના નિર્ણયથી બેઠેલી સરકારને કામ ન કરવાનો રહ્યો છે, તે સૌને દેશવાસીઓએ સજા આપી છે. એટલે કે રાજ્યસભામાં જે ગતિવિધિઓ થાય છે, આજે દેશનો મતદાર એટલો સમજદાર છે, તે પણ આ બાબતોને ધ્યાને લઇ રહ્યો છે. અને પોતાનું પરિણામ આપતા સમયે ફક્ત લોકસભામાં કોણે શું કર્યુ-એના પર નહિં, રાજ્યસભામાં કોણે શું કર્યું- તેના આધારે પણ મત આપી રહ્યો છે, જે આ ચૂંટણીમાં પ્રતિપાદિત થયું છે. અને આનાથી આગળના પાંચ વર્ષ માટે પાઠ શીખવાનો અવસર છે. સૌ માટે છે કે આપણે રાજ્યસભામાં ચુંટેલી સરકારની વાતોને કયાં કયાં રોકીએ છીએ, તેનો જવાબ આપવો પડશે.

હું હેરાન છું, હવે નવા ભારતનો વિરોધ થવા લાગ્યો છે. શું કારણ છે? હું એ તો સમજી શકું છું ભાઇ, નવા ભારતમાં તમારી જે દસ વાતો છે- પાંચ બરાબર છે, પાંચ બેકાર છે. હું એ તો સમજી શકું છું કોઇ એમ કહે કે નવા ભારતનો ખ્યાલ દેશને આગળ વધારવાનો છે. પરંતુ અમેરિકાએ આ નથી કર્યુ, ઢીંકણાએ આ નથી કર્યુ તો આપણે પણ આ ન કરવું જોઇએ. અરે! કોણ શું કરે છે છોડો યાર, આપણે પાંચ હજાર વર્ષ જુનો દેશ છીએ, દુનિયાની એક મહાન પરંપરા લઇને આવેલા લોકો છીએ. બીજાએ શું કર્યુ -શું ન કર્યુ- છોડી દો, આપણે આગળ વધવાનું છે અને દુનિયામાં આપણે આપણું નામ ઊંચું કરવાનું છે, આ કામ કરવાનું છે.

સવાસો કરોડનો આપણો દેશ છે, કેમ સ્વપ્ન ન જોઇએ. આપણે એમ કહી શકીએ ભાઇ આ દસ બરાબર નથી, અમારી આ પાંચ બરાબર છે, તેના માટે પ્રયાસ કરો, પરંતુ દેશના લોકોને નિરાશા તરફ ધકેલવાનું પાપ ન કરો. આપણે તેમાં સુધારા કરીએ, આપણે તેમાં ફેરફાર કરીએ, આપણે તેમાં કહીએ આ ચાર બરાબર છે, આ ચાર બરાબર નથી- આ બધુ એક લોકતંત્રની પરંપરામાં આવકાર્ય છે. પરંતુ સીધેસીધુ આ પ્રકારે કહેવું કે અમને તો ઓલ્ડ ઇન્ડિયા જોઇએ, કેમ ભાઇ? એની માટે એવું ઓલ્ડ ઇન્ડિયા જયાં મંત્રીમંડળના નિર્ણયને પત્રકાર પરિષદમાં ફાડી નંખાય, એ ઓલ્ડ ઇન્ડિયા જોઇએ આપણને? આપણને એ ઓલ્ડ ઇન્ડિયા જોઇએ કે જેમાં સેરસપાટા માટે આખું નૌકાદળ મદદમાં આવી જાય, તેવું ઓલ્ડ ઇન્ડિયા જોઇએ આપણને? આપણને એવું ઓલ્ડ ઇન્ડિયા જોઇએ જ્યાં જળ, આકાશ, જમીન- કૌભાંડ જ કૌભાંડની ખબરોથી દેશ પરેશાન રહે? કેમ એવું કેમ, આપણને એ ઓલ્ડ ઇન્ડિયા જોઇએ કે જે ટુકડે ટુકડે ગેંગને સમર્થન આપવા માટે પહોંચી જાય? એવા ઓલ્ડ ઇન્ડિયાની શું જરૂર છે?

રેલવેમાં રીર્ઝવેશન માટે કલાકો ઉભું રહેવું પડે, જ્યાં સુધી વચેટિયા ન આવે રેલવે રીઝર્વેશન ન મળે, શું એવું ઓલ્ડ ઇન્ડિયા જોઇએ આપણને? શું આપણને એવું ઓલ્ડ ઇન્ડિયા જોઇએ કે ગેસ કનેકશન માટે સસંદ સભ્યના ઘરની બહાર લાઇનમાં ઉભા રહેવું પડે? સંસદ સભ્ય 25 કુપન લઇ આમ તેમ ફરતો રહે, શું એવું ઓલ્ડ ઇન્ડિયા જોઇએ આપણને? આપણને કેવું ઓલ્ડ ઇન્ડિયા જોઇએ- પાસપોર્ટ માટે મહિનાઓ સુધી રાહ જોવી પડે, શું એવુ ઓલ્ડ ઇન્ડિયા જોઇએ? શું એવું ઓલ્ડ ઇન્ડિયા જોઇએ કે જેમાં ઇન્સ્પેકટર રાજ હોય, શું એવું ઓલ્ડ ઇન્ડિયા જોઇએ જ્યાં અંદર ઇન્ટરવ્યુ ચાલતા રહે, પટ્ટાવાળાના પણ ઇન્ટરવ્યુ, ડ્રાઇવરનો પણ ઇન્ટરવ્યુ, ચોકીદારનો પણ ઇન્ટરવ્યુ અને પછી ઇન્ટરવ્યુના નામે ભ્રષ્ટાચાર. શું એ ઓલ્ડ ઇન્ડિયા જોઇએ?

હું હેરાન છું જી, આપણા દેશની જનતા, હિન્દુસ્તાનને જુના યુગમાં લઇ જવા જરાય તૈયાર નથી. દેશની જનતા પોતાના સપનોના અનુરૂપ નવા ભારતની પ્રતિક્ષા કરી રહી છે અને આપણે સહુએ સામુહિક પ્રયાસોથી સામાન્ય માણસોના આ સપનાંઓ પુરા કરવાના પ્રયાસ કરવા જોઇએ અને મને વિશ્વાસ છે કે એ પ્રયાસ આપણે કરી શકીએ છીએ અને લાવી શકીએ છીએ.

અમે પ્રયત્નો કર્યા છે! પહેલાં કાંતો દીવા પ્રગટાવો, રિબીન કાપો અથવા નીતિ જાહેર કરો- એજ સરકારનું કામ ગણાતું હતું. છેવાડા સુધીનું વિતરણ એ જાણે આપણી જવાબદારી ન હતી એ સમગ્ર સંસ્કૃતિ અમે બદલી છે અમે નીતિ પણ બદલી, રણનીતિ બદલી, અમે વૃત્તિ અને પ્રવૃત્તિને બદલી. એનું પરિણામ છે…. હવે અહિં કહેવાય છે અમે કર્યુ. પરંતુ ગરીબોના ઘર પહેલાં પણ બનતા હતા- શું યુપીએના સમયમાં નહોતા બનતા, બનતા હતા. અમે પણ બનાવ્યા, તમે કહેશો- શું નવું કર્યુ? નવું એ કર્યુ કે તમે પાંચ વર્ષમાં 25 લાખ બનાવતા હતા અમે પાંચ વર્ષમાં દોઢ કરોડ બનાવીએ છીએ- આ પરિવર્તન છે. અને એટલે હું સમજું છું અમે જે નવા પ્રકારનું વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, સરકારીકરણથી બહાર નીકળી અમે સરળીકરણને બળ આપ્યું છે. અને એ જ છો તમે…. અમે જોયું છે કે તમે આઝાદીના આટલા વર્ષો પછી આઝાદ ભારતનું જે સ્વપ્ન હતું- એ સ્વપ્નમાં વિક્ષેપો કયા હતા-અભાવ, પ્રભાવ અને દબાવ. સરકારે એવી વ્યવસ્થા કરી કે કેટલાક લોકોને અભાવમાં જીવવું પડયું, કેટલાક લોકો પ્રભાવના કારણે હડપ કરતા ગયા અને કેટલાક લોકો દબાવના કારણે એ માર્ગે જવા મજબૂર થયા.

દેશના તંદુરસ્ત વિકાસ માટે અભાવની ચિંતા સરકાર જરૂર કરે પરંતુ પ્રભાવ અને દબાવ વચ્ચે દેશના સામાન્ય માણસને કચડવા ન દેવાય અને એટલે અમે એ રણનીતિને અપનાવી છે. અને એ રણનીતિને આગળ લઇ જવાનો અમારો પ્રયાસ રહ્યો છે. અમે સામાન્ય માણસના સશક્તીકરણની દિશામાં કામ કરી રહ્યા છીએ. પાંચ વર્ષ પહેલાં કરોડો ઘરોમાં વીજળી ન હતી. ગેસના ચુલા નહતા, શૌચાલય નહતા. આ નાની-નાની વસ્તુઓ- હું હેરાન છું કેટલાક લોકોને લાગે છે આ કોઇ ભારત સરકાર છે એને તો બહુ મોટા મોટા કામ કરવા જોઇએ, મોટા સુધારા, એવી વાતો થતી હતી. દેશ નાની-નાની વસ્તુઓથી બદલાય છે. આપણને નાની વસ્તુઓ માટે શરમ ન આવવી જોઇએ. આપણે મોટા થઇ ગયા નથી. અમે નાનાઓની વચ્ચેથી આવ્યા છીએ એ નાનાઓની નાની નાની મુશ્કેલીઓનું સમાધાન મોટા પરિણામ લાવી શકે છે. અને એટલે અમે કામ કરવાનું શરૂ કર્યુ છે.

એ વાત નક્કી છે કે અમે પાંચ વર્ષ સામાન્ય માણસની આવશ્યકતાઓ પુર્ણ કરવાની દિશામાં સરકારી તંત્રને ઢાળવાના ભરપુર પ્રયાસ કર્યા છે. બહુ માત્રામાં આના પરિણામ પણ નજર આવ્યા છે. પરંતુ દેશનો મિજાજ-આ પાંચ વર્ષ આવશ્યકતાઓથી વધુ આકાંક્ષાઓની પુર્તિનો છે. અને હું માનું છું અમે ભાગ્યશાળી છીએ- કે અમે રાજનીતિક જીવનમાં હોય, સાર્વજનિક જીવનમાં હોય, વ્યાપાર ઉદ્યોગમાં હોય, શિક્ષણમાં હોય કયાંય પણ હોય; અમે એક ભાગ્યશાળી સમયગાળામાં છીએ, હવે હિન્દુસ્તાનનો સામાન્ય માણસ આકાંક્ષાઓ સાથે જીવી રહ્યો છે. અને જ્યારે સામાન્ય લોકોમાં આકાંક્ષા હોય છે ત્યારે કામની ગતિ ખૂબ વધી જાય છે, વિકાસ ખૂબ તેજ ગતિએ થાય છે; આ સૌભાગ્યની પળો આવી છે અને એટલે આપણા સૌનું દાયિત્વ બને છે કે આપણે કોઇપણ નિર્ણય કરીએ-સામાન્ય માણસની આકાંક્ષાઓને વેગ મળે તેના અનુરૂપ આપણે આપણને વધુ ઊંચા કરી શકીએ છીએ. આ સમયની માંગ છે અને હું માનું છું કે એ દિશામાં જવા માટે આપણે પ્રયાસ કરવા જોઇએ.

હું હેરાન છું, નકારાત્મકતા-વિરોધવાદ એ હદે ગયો-શૌચાલયની વાત- એની મજાક ઉડાઓ; સ્વચ્છતાની વાત- એની મજાક ઉડાઓ; જનધન એકાઉન્ટ- એની મજાક ઉડાઓ; યોગના કાર્યક્રમ- એની મજાક ઉડાઓ; મેઇક ઇન ઇન્ડિયા- એની મજાક ઉડાઓ; એટલે દેશે દરેક વસ્તુમાં એક પ્રકારની નકારાત્મકતા જોઇ. અને સદહેતુ આ દેશનું… જે અમે તો ન આપી શકયા. કારણ કે હજુ પણ રાજ્યસભામાં અમને તો કોણ બોલશે એના માટે પણ હાથ પગ જોડવા પડે છે કે ભાઇ આજે મારે વિદેશ જવાનું છે, મને સમય આપો, એમા પણ હાથ પગ જોડવા પડે છે. કેટલો અહંકાર છે આપણો, કેટલો અહંકાર છે. જ્યાં થયો છે ત્યાં એમને ખબર છે- સૌનો દોષ નથી જેમનો, સૌનો દોષ છે માટે આ સ્થિતિમાં આપણે લોકતંત્રમાં એકબીજાનું સન્માન કરીએ.

અમે જાણીએ છીએ, અહિં અમારી બહુમતિ નથી; અમે જાણીએ છીએ અમારી બહુમતિ નથી, અમે જાણીએ છીએ બહુમતિ અમારી નથી અને એટલે જનતા જર્નાદને જે નિર્ણય કર્યો છે તેનું ગળું દબાવવાનો પ્રયાસ ન હોવો જોઇએ, માનનીય સભાપતિજી. પાંચ વર્ષ અમે સતત સહન કર્યુ છે. દેશનું નુકશાન થયું, અમને દુઃખ થયું છે. દેશનું નુકશાન થયું, અમને દુઃખ થયું છે. અમે સહન કર્યુ છે અને એટલે સભાપતિજી અમે આપની પાસેથી રક્ષણ ઇચ્છીએ છીએ કારણ કે દેશની જનતાએ પોતાની આકાંક્ષાઓ પુર્ણ કરવા માટે લોકસભામાં અમને બહુ મોટી જવાબદારી આપી છે. રાજ્યસભાનો સંઘીય ક્ષેત્ર પણ કહે છે અમને આ આકાંક્ષાઓને અનુકુળ સહાય મળવી જોઇએ અને હું ઇચ્છીશ આપ આ બાબતે અમારી સાથે ન્યાય કરશો, આ મારી અપેક્ષા રહેશે.

અમે નવા ભારતનું જે સ્વપ્ન લઇને ચાલી રહ્યા છીએ, પાંચ ટ્રીલીયન ડોલરનું અર્થતંત્રની વાત. અહિં કહેવાયું છે કે 2014 સુધી બે ટ્રીલીયન ડોલરનુ અર્થતંત્ર હતું, હમણા જણાવાયું કે અર્થતંત્ર 2.80 ટ્રીલીયન ડોલરનું થઇ ગયું છે. એનો અર્થ કે આઝાદીના આટલા વર્ષોમાં 2 ટ્રીલીયન ડોલર થયું, પરંતુ પાંચ વર્ષની અંદર લગભગ અડધું વધી ગયું. જો પાંચ વર્ષમાં અડધુ વધી શકતું હોય તો આવનારા પાંચ વર્ષોમાં હજી વધશે જી. અને બીજું- અમારા મનમાં એ ભાવ ન હોવો જોઇએ કે પાંચ ટ્રીલીયન ડોલરનો લક્ષ્યાંક કેમ રાખો છો, અમારા મનમા એ હોવું જોઇએ કે આ પાંચ ટ્રીલીયન ડોલર માટે ચલો ભાઇ આપણે મળીને દોડીએ. 10 કામ અમારી જ્યાં રાજ્ય સરકારો છે, ત્યાં અમે જરા જોર લગાવીશું. ત્યાં અમે અર્થતંત્રને વધારવાનો પ્રયત્ન કરીશું. જ્યાં તમારી રાજ્ય સરકાર છે ત્યાં તમે કરો, આપણે સૌ સાથે મળીને કરીએ. હિન્દુસ્તાન પાંચ ટ્રીલીયન કલબમાં પ્રવેશે, અહિં કોઇ એવું નહિં હોય જેને દુઃખ થશે. દરેકને આનંદ થશે. અને એટલે સકારાત્મક વિચારોને લાવો, અમે સ્વીકારવા તૈયાર છીએ, અમે સાંભળવા તૈયાર છીએ. કારણ કે અમે એ લોકો નથી જે એવું માને છે કે બુદ્ધિની વહેંચણી સમયે અમે એકલા જ હતા. જી ના, અમે તો તમારા પાસેથી શીખવા માટે પણ તૈયાર છીએ, કેમ કે દેશ ચલાવવાનો છે, દેશનું ભલું કરવાનું છે જી. અને એ માટે હું ઇચ્છું છું કે આપણે આ બાબતોને લઇ એક નવા ભારત માટે પ્રયાણ કરીએ.

અહિં બીજા કેટલાક વિષયો પણ આવ્યા છે જેનો હું જરૂર ઉલ્લેખ કરવા ઇચ્છું છું. સદનમાં કહેવામાં આવ્યું કે ઝારખંડ ભીડ દ્વારા કરાતી હિંસાનો અડ્ડો બની ગયું છે. માનનીય સભાપતિજી, યુવકની હત્યાનું દુઃખ અહિં બધાને છે મને પણ અને હોવું પણ જોઇએ. દોષિતોને સખતમાં સખત સજા થવી જોઇએ. પરંતુ એક ઝારખંડ રાજ્યને દોષી બતાવી દેવું, એ શોભનીય છે શું? પછી તો આપણને ત્યાં સારૂં કામ કરવાવાળા લોકો મળશે જ નહિં જી. જે ખોટું થયું છે, ખોટું કરે છે તેમને અલગ તારવીએ અને તેમને ન્યાયિક પ્રક્રિયા દ્વારા જે પણ થઇ શકે તે કરીએ. પરંતુ બધાને શંકાની નજરે જોઇને રાજનીતિ તો કરી લેશે, પરંતુ સ્થિતિને સુધારી નહિં શકે.

અને એટલે સમગ્ર ઝારખંડને બદનામ કરવાનો આપણામાંથી કોઇને હક્ક નથી જી. તે પણ આપણા દેશના નાગરિક છે, ત્યાં પણ સજ્જનોની ભરમાર છે જી. અને એટલે વધુ અપરાધ થવા પર ઉચિત રસ્તા કાયદો અને ન્યાયથી, બંધારણ કાયદો અને વ્યવસ્થા તેના માટે સંપુર્ણ રીતે સક્ષમ છે. અને તેનો ઉપાય પણ કાયદીય વ્યવસ્થા છે, ન્યાયિક પ્રક્રિયા છે. અને તે માટે આપણે જેટલું કરી શકીએ, તેટલું કરવું જોઇએ, પાછા ન પડવું જોઇએ.

હિંસામાં દુનિયામાં આતંકવાદનું જો સૌથી વધુ નુકશાન કર્યુ હોય તો સારા આતંકવાદ અને ખરાબ આતંકવાદ એ કર્યુ છે, મારો આતંકવાદ તારો આતંકવાદ એણે કર્યુ છે. આમ પણ આ હિંસાની ઘટનાઓને પણ આપણે- એ ઝારખંડમાં હોય કે પશ્ચિમ બંગાળમાં હોય કે કેરળમાં હોય- આપણા એક જ માપદંડ હોવા જોઇએ, તો જ હિંસાને આપણે રોકી શકીશું. તો જ હિંસા કરવાવાળાને સબક મળશે કે આ મુદ્દે દેશ એક છે. બધા રાજનૈતિક પક્ષો છે, સૌની વિચારધારા છે, હવે આ દેશમાં આવું કશું નહિં ચાલે. અને હું માનું છું આપણે આ જવાબદારી નિભાવીએ.

રાજનૈતિક આંક માટે ઘણાં ક્ષેત્રો છે એનો આપણે ઉપયોગ કરીએ. અને માટે હું માનું છું દેશના દરેક નાગરિકની સુરક્ષાની ખાતરી- એ આપણી બંધારણીય જવાબદારી છે. સાથે સાથે માનવતા પ્રતિ આપણી સંવેદનશીલ જવાબદારી પણ છે, એને પણ કયારેય નકારી ન શકાય. અને આ ભાવનાને લઇને અમે આગળ વધી રહ્યા છીએ. અને હું જાણ કરું છું, સૌનો સાથ, સૌનો વિકાસ- એ મંત્ર લઇને અમે આગળ વધ્યા હતા, પરંતુ પાંચ વર્ષના અખંડ એકનિષ્ઠ પુરૂષાર્થમાં જનતા જર્નાદને એક અમૃત ભરી દીધું- એ અમૃત છે સૌનો વિશ્વાસ.

સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ- એ અમૃત, પાંચ વર્ષના અમારા કાર્યકાળથી દેશની જનતાએ એને અમૃતરૂપે જોયું છે. પરંતુ અમારા આઝાદ સાહેબને કંઇક ધુંધળું નજર આવી રહ્યું છે. જ્યાં સુધી રાજનૈતિક ચશ્માથી વસ્તુઓને જોવાશે ત્યાં સુધી ધુંધળું જ નજર આવશે અને એટલે હું માનું છું કે આ રાજનૈતિક ચશ્મા ઉતારીને જોવાનું શરૂ કરીએ તો ધુંધળું નહિં નજર આવે, ઉજ્જવળ ભવિષ્ય નજર આવશે.

અહિં અમને ઘણો ઉપદેશ આપવામાં આવ્યો. ક્યારેક ક્યારેક તો સમાચારપત્રોમાં ચીજો આવે છે, પરંતુ જ્યારે મારા સાંસદોની મંગળવારે મિટિંગ થાય છે, તેમાં જાહેરમાં બોલચાલમાં જે પણ કરતા જોઉં છું, તેનાથી આક્રોશ વ્યક્ત કરું છું. સુધારવાનો પ્રયાસ કરું છું. અહિંયા અમને સજાવવામાં આવ્યું કે, ફલાણાએ આમ કર્યું હતું, ઢીંકણાએ આમ કર્યું હતું, અધિકૃત ઉમેદવારને હરાવી દીધા, તો એક અપક્ષને ઉમેદવાર બનાવીને જીતાડી દીધા હતા. હવે એ તો કેટલાક પક્ષોનો ઇતિહાસ છે કે, રાષ્ટ્રપતિના ઉમેદવારને પણ હરાવી દે છે. તો આ તો પોત પોતાની રાજનીતિ છે અને તેઓ તો બાબા સાહેબ આંબેડકરને હરાવવા માટે એડી ચોટીનું જોર એક કરી નાખે છે. આથી આવા ઉદાહરણોથી… અને એ માટે આવા ઉદાહરણોના માધ્યમથી ઉપદેશ આપતા પહેલાં જરાંક પોતાના જ કોલરમાં નજર કરે.

જ્યારે દિલ્હીના માર્ગો પર ગળામાં તાર લટકાવીને શીખોને જીવતા સળગાવવામાં આવી રહ્યાં હતાં, અને જે લોકોના નામ આગળ આવ્યા, દરેક પ્રકારે ચર્ચા થઇ, તે લોકો આજે પણ તે પક્ષમાં છે, આજે પણ તે પક્ષમાં છે, સન્માનિત પદો પર છે, બંધારણીય પદો પર છે. જો આ જ તમારા આદર્શ અને નીતિઓ રહેતા હતા તો ઉપદેશ આપતા પહેલાં પોતાના કોલરમાં ડોકિયું કરવાની જરૂર છે. ત્યારે અમે આ બધી જ વાતો ભુલી જઇએ છીએ, ત્યારે અમે આ ભુલી જઇએ છીએ અને આથી … અને આવા તો ઘણા ઉદાહરણો મળી જશે. રાજકીય જય– પરાજયનું સંકટ હોય એટલે – દસ દિવસ પક્ષમાંથી કાઢી મૂકવામાં આવે છે અને પછી ગળે ભેટીને ફરી લઇ લેવામાં આવે છે, આવા તો ઘણાં ઉદાહરણ મળશે. મોટા મોટા લોકોના નામ છે અને આથી કૃપા કરીને ઉપદેશ આપતા પહેલાં…

પરંતુ મને લાગે છે કે જાહેર જીવનમાં અમે કોઇ એવા મોટા તીસમાર ખાં નથી કે અમને કંઇપણ બોલવાનો અધિકાર મળી જાય. મારા પક્ષના સભ્યોને પણ હું એ જ કહું છું કે, આપણને એવો કોઇ જ અધિકાર નથી કે કોઇના માટે કંઇ પણ બોલી નાંખીએ. આપણે મર્યાદાઓનું પાલન કરવું પડશે. જાહેર જીવનના નિયમોનું પાલન કરવું પડશે. કોઇપણ પક્ષના હોય, મારા પક્ષના લોકોને ખાસ હક સાથે કહેવા માંગું છું. આ શોભનીય નથી, આ મારું મંતવ્ય છે અને હું જાહેરમાં તે કહું છું. પરંતુ કોશિશ કરીશું કે ક્યારેકને ક્યારેક તો સુધારો આવશે, અને અમે કોશિશ કરતા રહીએ છીએ.

અહિં એક જ ચિંતાનો વિષય છે ક્રેડિટનો, બહુ ભારે છે. અમે તો બધી જ ક્રેડિટ તમને જ આપીએ છીએ, એટલે તો આવ્યા છીએ. તમારા પરાક્રમના કારણે તો આવ્યા, બાકી કોણ આટલા ઓળખતા હતા. પરંતુ હું પૂછવા માંગુ છું કે અહિં NRCની ચર્ચા થઇ છે, શું તેની ક્રેડિટ તમે નહિં લો? શા માટે છટકી રહ્યા છો ભાઇ? તમે પણ, તેની ક્રેડિટ પણ લો ને.

રાજીવ ગાંધી – તે સરકારે આસામ એકોર્ડમાં NRCનો સ્વીકાર કર્યો હતો. NRC તે સમયનું છે. બાદમાં સુપ્રીમ કોર્ટને હસ્તક્ષેપ કરવો પડ્યો અને અમને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો, અમે લાગુ કરી રહ્યા છીએ. એકોર્ડ… ક્રેડિટ લો ને. મત પણ લેવા છે અને ક્રેડિટ પણ લેવી છે તો પછી અડધુ બોલો અને અડધુ છોડી દો, આવું તો ના ચાલે. કંઇક તો જરાક, કંઇક તો ખુલીને વાત કરો. અને અમે જણાવીએ છીએ કે, દેશ હિતમાં NRC જે તે સમયનો નિર્ણય થયો હતો, તેને લાગુ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ અને અમે પૂરી મહેનત કરીશું. અમારા માટે વોટ બેંકની રાજનીતિ નથી, દેશની એકતા, અખંડિતા અને ઉજ્જવળ ભવિષ્ય જોડાયેલો મુદ્દો છે અને અમે કરીશું.

અહિં સરદાર સાહેબને યાદ કરવામાં આવ્યા છે, મને સારું લાગ્યું અને આ વાત અમે સૌ માનીએ છીએ. શક્ય છે કે, આપણા કોંગ્રેસના લોકો આ વાત નહિં માને. અમે હજું પણ માનીએ છીએ કે સરદાર સાહેબ જો દેશના પહેલા પ્રધાનમંત્રી હોત તો જમ્મુ- કાશ્મીરની સમસ્યા જ ના હોત. અમે હજુ પણ માનીએ છીએ કે, સરદાર સાહેબ દેશના પહેલા પ્રધાનમંત્રી હોત તો હિન્દુસ્તાનના ગામડાઓમાં આજે જે મુશ્કેલીઓ પડી રહી છે, તે ચિત્ર અલગ હોત. આ અમારી વિચારધારા છે, ખોટી હોઇ શકે છે, અમારી વિચારધારા છે. પરંતુ એ વાતમાં કોઇ જ મતભેદ ન થઇ શકે કે, સરદાર સાહેબે 500થી વધુ રજવાડાંઓને એક કર્યા હતા, તેમાં કોઇ જ મતભેદ ના હોઇ શકે. અને સરદાર સાહેબ જ હતા જેને કોંગ્રેસ પક્ષે દેશના પહેલા ગૃહમંત્રી બનાવ્યા હતા. સરદાર સાહેબ જ હતા, જેઓ જીવનભર કોંગ્રેસ માટે, કોંગ્રેસ માટે ઝઝુમતા રહ્યા, કોંગ્રેસ માટે જ તેમણે પોતાનું જીવન ખતમ કરી નાખ્યું. તેઓ શુદ્ધ કોંગ્રેસી હતા પરંતુ, હું વ્યથિત છું કે…

સારું, જ્યારે ગુજરાતમાં ચૂંટણીઓ હોય તો સરદાર સાહેબ પોસ્ટરમાં જોવા મળે પરંતુ દેશમાં ક્યાંય પણ દેખાતા નથી. તમારા જ પક્ષના હતા ભાઇ, શું તકલીફ છે તમને? પરંતુ હું આજે એક વાત કહેવા માંગું છું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સરદાર વલ્લભભાઇ પટેલ, કોંગ્રસ પક્ષે જેમને ગૃહમંત્રી બનાવ્યા, તેમનું દુનિયાનું સૌથી ઊંચુ સ્ટેચ્યૂ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, હું કોંગ્રેસના વરિષ્ઠ નેતાને આગ્રહપૂર્વક કહેવા માંગુ છું કે કમસેકમ એક વખત જઇને જરા તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરીને આવો. સરદાર સાહેબ કોંગ્રેસના હતા. તમે ઑન કરો ને, તમે ઑન કરો, અને હું ઇચ્છુ છું કે ગુલામ નબીજી, ‘કુછ દિન તો ગુજારીયે ગુજરાત મેં’.

જુઓ, ક્યારેક એવું થાય છે કે, પહેલાં એક મોટો રસપ્રદ કિસ્સો કહું છું. અમારે ત્યાં જુના ડીએમ કેવી રીતે ચાલે છે. ક્યાંક ડેમ હોય, એરપોર્ટ હોય તો કહે છે કે ફોટા પાડવાની મનાઇ છે. અને આજે ટેકનોલોજી એવી આવી ગઇ છે કે, સ્પેસમાંથી કોઇ ગલીમાં ઉભેલા સ્કૂટરના નંબરનો ફોટો પણ ખેંચી શકાય છે. પરંતુ જુના કાયદા લટકેલા પડ્યા છે. તો જે સરદાર સરોવર ડેમ જ્યારે ઓવરફ્લો થતો હતો, ત્યાં સુધીમાં બન્યો નહોતો એટલે ઓવરફ્લો થતો હતો. ત્યાં દિગ્વિજયસિંહની સરકાર ચાલતી હતી. તો આ લોકોને ત્યાં જવા દેતા નહોતા. આવામાં હું મુખ્યમંત્રી બન્યો, હવે મેં કહ્યું કે આ નિયમ બંધ કરો ભાઇ. અને લોકોને આવવા દો અને ફોટા પાડવા દો. શરૂઆત કરી… પછી એવું નક્કી કર્યું કે, સારું ચાલો થોડી ટિકિટ રાખીએ જેથી થોડો હિસાબ કિતાબ રહે અને આ લોકોને પાર્કિંગ આપવાની વ્યવસ્થા થાય. પછી એવું કહ્યું કે જ્યારે ત્યાં પાંચ લાખની સંખ્યા થશે, પાંચ લાખ મુલાકાતીઓ થશે, તેને સન્માનિત કરવામાં આવશે. અને મારે ખુશીથી કહેવું છે કે, 5 લાખમા મુલાકાતી તરીકેનું ઇનામ પ્રાપ્ત કરનાર વ્યક્તિ બારામુલ્લાનું એક કપલ હતું, જે લગ્ન પછી ફરવા નીકળ્યું હતું અને ત્યાં તેમણે ફોટા પાડ્યા હતા. જુઓ, ચીજોને કેવી રીતે બદલી શકાય છે. અને આથી જ હું કહું છું કે, તમે પણ ક્યારેક સરદાર સાહેબના સ્ટેચ્યૂ પર, ત્યાં કોંગ્રેસ વર્કિંગ કમિટિનું આયોજન કરો. જી હાં. સારું લાગશે, કોંગ્રેસ વાળા હતા. અમે તો દેશના મહાપુરુષ હોવાના નાતે તેમને જે શ્રદ્ધાંજલી આપવી હશે તે આપતા રહીશું.

હું વ્યથિત છું કે, આઝાદ સાહેબ તમે તો સ્વાસ્થ્ય મંત્રી રહી ચુક્યા છો. ક્યારેક ક્યારેક આપણે જાહેરખબર અને જાગૃતિ અભિયાન બંને વચ્ચે થોડું અંતર રાખવું જોઇએ. જો વર્તણૂકમાં પરિવર્તનનો વિષય હોય ને, તો તેના માટેની જાહેરખબરને સરકારની જાહેરખબર માનવામાં આવતી નથી. તમે બાળકોને કહો કે, ભાઇ હાથ ધોઇને ભોજન કરવું, તેના માટે એક જાહેરખબર અભિયાન કરવું પડે છે. ખર્ચો તો સરકારે આપવો પડે છે, પરંતુ તે સરકારની જાહેરખબર નથી હોતી. તમારે પણ જ્યારે મહામારી થઇ, ત્યારે તમે સ્વાસ્થ્ય મંત્રી હતા, એટલે તમારે પણ ઘણી બધી જાહેરખબરો આપવી પડી હતી ભાઇ. આ મહામારીમાં ગરમ પાણી ઉકાળીને પીવો, ઢીંકણું કરો, ફલાણું કરો, આપવું પડતું હતું. જો તેને તમે જાહેરખબર કહો તો, બેટી પઢાઓ, બેટી બચાઓને તેની સાથે જોડી દો, સારું નથી કરી રહ્યા. તમે તો કમસેકમ આવું ના કરશો, આટલા વર્ષ સુધી તમે સરકારમાં જ રહ્યા છો.

પરંતુ દુઃખ તો ત્યારે થાય છે જ્યારે મનરેગાના નામે કોઇપણ માણસ માટી ઉપાડીને ફેંકવા જતા હોય. ત્રણ વર્ષ સુધી દેશમાં જાહેરખબર કરી, મનરેગા કોઇ વર્તણૂક પરિવર્તનનું કામ નહોતું, પરંતુ એક નેતાને પ્રસ્થાપિત કરવા માટે સરકારી ખજાનામાંથી જાહેરખબર કરવામાં આવી હતી. આને દેશ ભુલી શકે તેમ નથી. લોકોને હાથ ધોઇને ભોજન કરવાનું કહેવું એ વર્તણૂક પરિવર્તન છે, તેમાં આપણે જાગૃતિ અભિયાન અને પ્રચાર અભિયાનમાં તફાવત જોવો જોઇએ, બાકી તો દેશમાં પરિવર્તન લાવવાનું કામ કેવી રીતે કરશો જી, કેવી રીતે કરશો?

અહિં આયુષ્યમાન ભારત યોજના પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા. છેલ્લા પાંચ વર્ષમાં તમામ રાજકીય પક્ષોના સાંસદો એક વાત અંગે મને લોકસભા અને રાજ્યસભામાં જ્યારે પણ મળે ત્યારે, મને અભિનંદન આપ્યા છે, મને શુભેચ્છા આપી છે, કઇ વાત માટે. પોતાના વિસ્તારની કોઇ બીમાર વ્યક્તિ માટે તેમણે પત્ર લખ્યો હોય અને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી તેમને મદદ મળી હોય તેના માટે. મેં નિયમ બનાવ્યો હતો કે સો ટકા … ભાઇ ગરીબો માટે કંઇ જ જોશો નહિં. અને લગભગ તમામ પક્ષોના તમામ સાંસદ મારી પાસે આવતા હતા.

આયુષ્યમાન ભારત યોજનાની તાકાત શું છે તે એવા સાંસદોને ખબર છે જેમણે પોતાના વિસ્તારના તે ગરીબને મદદ કરવા માટે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો. આજે લગભગ ઝીરો પત્ર થઇ ગયા છે. કોઇપણ સાંસદનો પત્ર નથી, કારણ કે તેમને ખબર છે કે, તેમને આયુષ્યમાન ભારતથી ફાયદો થઇ રહ્યો છે આથી હવે પ્રધાનમંત્રી કાર્યાલયમાં જવાની જરૂર નથી. આ મોટુ પરિવર્તન હવે તે આયુષ્યમાન ભારત – 30 લાખ લોકોએ તેનો લાભ ઉઠાવ્યો છે.

હા – આપણે લોક પ્રતિનિધિઓ છીએ, લોકોની વચ્ચે જઇએ છીએ, કોઇ નેગેટિવ ચીજ આપણા ધ્યાનમાં આવે અથવા કોઇ ઉણપ ધ્યાનમાં આવે તો, હું કહેવા માંગુ છું કે, આપણે સૌએ સાથે મળીને તેને સુધારવી જોઇએ. તમે મારા ધ્યાન પર લાવો. આયુષ્યમાન ભારત યોજનાને આપણે જેટલી વધુ સશક્ત બનાવીશું, સાચા અર્થમાં આ દેશના ગરીબોને આપણે વધુ ગરીબ થતા અટકાવી શકીએ છીએ. બાકી તો, ગરીબ જો ન્યૂ મીડલ ક્લાસની દિશામાં જઇ રહ્યો હોય, ડગલું માંડી રહ્યો હોય, તેમના ઘરમાં એક બીમારી આવે, એટલે પૂરા 20 વર્ષની મહેનત પાણીમાં જતી રહેશે. આપણા થકી આ બહુ મોટુ માનવતાનું કામ થશે, આથી આયુષ્યમાન ભારતની ટીકા કરવાના બદલે, અને તેની ક્રેડિટ મોદી લઇ જશે તેવું વિચારવાના બદલે, હવે એક થઇ જાવ ભાઇ… ચૂંટણીનું પરિણામ આવી ગયું છે … હવે કામ કરો. 2024 માટે નવા કામ લઇને આવવાનો છું, તમે ચિંતા ના કરશો. અને આથી જ હું કહેવા માંગું છું કે આને જરા અમે કરીએ.

અહિં બિહારના ચમકી તાવની ચર્ચા થઇ છે. આપણા સૌના માટે દુઃખની વાત છે અને શરમની વાત છે કે આધુનિક યુગમાં… અને હું માનું છું કે છેલ્લા સાત દાયકામાં સરકારોના રૂપમાં અને સમાજના રૂપમાં આપણી જે કેટલીક નિષ્ફળતાઓ રહી છે, તેમાં આ એક સૌથી મોટી નિષ્ફળતા છે; તે નિષ્ફળતાઓમાંથી એક નિષ્ફળતા છે અને આપણે સૌએ ગંભીરતાથી લેવી પડશે. હું માનું છું કે, કેટલીક જગ્યાએ જેમકે ઇસ્ટર્ન યુપીમાં હાલમાં સ્થિતિ સારી જોવા મળી રહી છે, છતાં પણ દાવો ના કરી શકાય, પરંતુ સ્થિતિ સારી દેખાઇ રહી છે.

જે વાતોને પકડી છે – રસીકરણનું કામ હોય, વેક્સિનેશનનું કામ હોય, સુરક્ષિત માતૃત્વનું હોય … આ તમામ બાબતો પર અમે ભાર મૂકી રહ્યાં છીએ. મને વિશ્વાસ છે કે, હાલમાં જે દુઃખદ સ્થિતિ છે, હું રાજ્ય સરકારોના સંપર્કમાં નિરંતર રહું છું. મેં આપણા દેશના આરોગ્ય મંત્રીને પણ તાબડતોબ ત્યાં દોડાવ્યા હતા. જેથી સાથે મળીને મદદ કરી કરીને જેટલું પણ શક્ય હોય એટલું જલદી આ સંકટમાંથી સૌને બહાર કાઢી શકીએ. પોષણ હોય, રસીકરણ હોય, સુરક્ષિત માતૃત્વ હોય, આયુષ્યમાન ભારત યોજનાનો લાભ હોય; આ તમામ ચીજોનો આપણે જેટલો વધારે પ્રચાર કરી કરીશું એટલા વધુ સારી રીતે આ સંકટોથી આપણે બચી શકીશું. અને આજે એક રાજ્યમાં છે તો કાલે બીજા રાજ્યમાં થઇ શકે છે. આપણે જ સક્રિય થઇને આવી સમસ્યાઓથી લોકોને બચાવવાનું કામ કરવું પડશે.

સૌનો સાથ – સૌનો વિકાસ, હું જ્યારે આ વાત કરું છું, આ કોઇ રાજકીય સ્લોગન નથી. આપણા દેશમાં અમુક હિસ્સો એવો પણ છે, જે વિકાસમાં પછાત રહી ગયો છે. અમે 112 મહત્વાકાંક્ષી જિલ્લા ઓળખ્યા, માપદંડોના આધાર નક્કી કર્યા છે. રાજનીતિના દબાણમાં જીવતા કેટલાક રાજ્યોએ તેમાં પણ પોતાના હાથ અદ્ધર કરી નાખ્યા છે. હું વ્યથિત છું કે, શા માટે આવું કરે છે. આમાં વળી કઇ રાજનીતિ છે. પરંતુ તેના કારણે શું થયું … બાકી આ રાજ્ય… ભાઇ મને જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે, અમારે ત્યાં કચ્છ જિલ્લામાં કોઇને પણ નિયુક્ત કરો ત્યારે તેને લાગતું કે કાળાપાણીની સજા થઇ ગઇ, કોઇ અધિકારી ત્યાં જવા તૈયાર નહોતો. ખેર, હવે તો કચ્છ જિલ્લો દેશમાં સૌથી ઝડપથી આગળ વધી રહેલા જિલ્લાઓમાં આવી ગયો છે, આજની સ્થિતિ એવી નથી રહી… જે એક સમયે હતી. આમ તો હિન્દુસ્તાનમાં દરેક રાજ્યમાં એકાદ-બે, એક-બે જિલ્લા તો હોય જ છે. તો ત્યાં પોસ્ટિંગનો મતલબ કે અધિકારી બેકાર, ઢીંકણું… આવું જ… તે સાઇકોલોજી બદલવા માટે યુવા અધિકારીઓને નિયુક્ત કરો, રાજ્યો સાથે મારી વાત થઇ. યુવા અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે અને આ 112 જિલ્લાનું દૈનિક મોનિટરિંગ કરવામાં આવે છે. ઘણા માપદંડોમાં સુધારો આવી રહ્યો છે. સૌનો સાથ – સૌનો વિકાસનો મારો મતલબ એ જ છે કે ભાઇ, જે લોકો પાછળ રહી જાય છે તેમને એક વખત સામાન્ય સ્થિતિમાં આપણે લાવીએ. એક વખત સામાન્ય સ્થિતિમાં લઇ આવીશું પછી તેમને વિશ્વાસ વધશે તો પછી તેઓ પણ આગળ આવવાનો પ્રયાસ કરશે.

નોર્થ- ઇસ્ટ, નોર્થ-ઇસ્ટ પર આપણે જેટલું ધ્યાન આપવાની જરૂર હતી, કોઇને કોઇ કારણે તે… પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું છે. એક માહોલ ઉભો થયો છે. આપણે હજુ પણ તેના પર વધુ ભાર મૂકવાની જરૂર છે. રાજકીય કોઇ ગેમ… બાકી તો ત્યાંના એક એક એમપી અથવા કોઇપણ આટલા મોટા દેશની સરકારોના એક એક એમપી હોય, મારા માટે એમપીનો મુદ્દો નહોતો; મારા મતે નોર્થ –ઇસ્ટ આ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ભાગ છે. અને આથી જ છેલ્લા પાંચ વર્ષમાં ખૂબ … એટલે કે મંત્રીઓને ફરજિયાત કહેવાયું હતું કે ત્યાં જવાનું. અને માત્ર રાજ્યના પાટનગરમાં નહિં, એક રાત રોકાઇને કોઇને કોઇ જિલ્લામાં જવાનું. આની પાછળ મારો વિચાર એવો હતો કે, સૌનો સાથ – સૌનો વિકાસનો મતલબ એવો છે કે, ભૌગોલિક રીતે દેશમાં તમામ ક્ષેત્રોનો વિકાસ થવો જોઇએ.

તાજેતરમાં મેં એક સર્વે કર્યો, પાણીનો. અંદાજે બસોને છવ્વીસ જિલ્લા એવા ધ્યાનમાં આવ્યા છે જ્યાં પાણી માટે ખૂબ જ પરેશાની વેઠવી પડે છે. કયા રાજ્યમાં છે એ મારું મિશન નથી, માપદંડના આધારે છે. હવે હું સૌને મોબિલાઇઝ કરી રહ્યો છું, પાણીના કામ પર આપણે કેવી રીતે ભાર મૂકી શકીએ તેમાં તમારી મદદ જોઇએ છે. MPLED ભંડોળમાં પણ પાણીને કેવી રીતે પ્રાથમિકતા આપવી. તે કામો કેવી રીતે કરવા. એકવાર આપણે દેશને આ સમસ્યામાંથી બહાર લાવીએ, કારણ કે પાણીની સમસ્યાથી દેશને બહાર લાવવો જોઇએ અને પાણી બાબતે સમાજને જાગૃત કરવો પણ એટલો જ જરૂરી છે જેથી ભવિષ્યમાં પણ આવનારી પેઢીઓને પાણીના સંકટથી બચાવી શકાય. અને આથી જળશક્તિ મંત્રાલય પણ અલગથી બનાવવામાં આવ્યું છે, તે દિશામાં પણ કામ થઇ રહ્યું છે.

 આપણે અહિં, પહેલાં જ મેં કહ્યું હતું કે, પાંચ ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાનું છે. અહિં દેવાળિયા કાયદા અંગે ખૂબ જ ચર્ચા થઇ. ભાગેડુ આર્થિક ગુનેગાર કાયદાના વિષયમાં દેવાળિયા અને નાદાર આ કાયદાનો પ્રભાવ એવો છે કે, ત્રણ લાખ કરોડ રૂપિયા માત્ર કાયદો બનાવવાના કારણે જ બેંકોમાં પાછા જમા થઇ ગયા છે, ત્રણ લાખ કરોડ રૂપિયા. બાકી તો લઇને જતા રહેતા અને કોઇ પરવા કરતા નહોતા, કોઇ પૂછનારા નથી. હવે ખબર પડી કે આપણું મેનેજમેન્ટ પણ જતુ રહે છે, આપણી ગાડીઓ અને બિઝનેસ કૉલની ટૂર પણ જતી રહે છે, કોઇને કોઇ ત્યાં રાખીને બેસી જાય છે. એક માહોલ ઉભો થયો છે, આપણે તેમાંથી સકારાત્મકતા જોઇએ અને તેમાંથી રસ્તો કાઢવાનો અમારો પ્રયાસ છે. આપણે સૌ સાથે મળીને આ કરીએ અને મને વિશ્વાસ છે કે, આ જે પ્રયાસ કરવામાં આવ્યો છે, તેનું પરિણામ મળશે. અહિં સહકારી સંઘવાદની વાત થઇ છે. મને લાગે છે કે, ભારતના બંધારણના ઘડવૈયાઓ ખૂબ જ દીર્ઘ દૃષ્ટિ સાથે આપણને એક એવો દસ્તાવેજ આપ્યો છે કે આપણે દેશમાં એકતા રાખીને તેને આગળ વધારી શકીએ છીએ.

સહકારી સ્પર્ધાત્મક સંઘવાદની હરીફાઇ રાજ્યોમાં બનાવવી જરૂરી છે. પરંતુ હું સમજુ છું કે, આપણે જે મંત્ર લઇને ચાલીએ અને મેં હાલમાં તેને વ્યાખ્યાયિત કર્યો હતો એક NARA – નેશનલ એમ્બિશન વિથ રિજનલ એસ્પાઇરેશન એટલે કે પ્રાદેશિક મહત્વાકાંક્ષા સાથે રાષ્ટ્રીય મહેચ્છા. આ NARA ના મંત્ર સાથે મેં કહ્યું હતું કે, આપણે દેશને આગળ વધારવો જોઇએ. પરંતુ સવાલ એ છે કે, આ દેશમાં કેટલાક એવા મુદ્દા ના થઇ શકે જેમાં આપણી સહમતિ હોય? એવું ના થઇ શકે જી? શું આપણે તે સહમતિ મુદ્દાઓને સાથે રાખીને દેશમાં એક માહોલ બનાવી શકીએ?

ગાંધી –150 અને આઝાદી-75 એક તક છે. આપણે તેને તકના રૂપમાં કેવી રીતે લઇ શકીએ, તે આપણે કરવું જોઇએ. પરંતુ આ રાજ્યસભા પણ શું તે સંઘીય માળખાનો હિસ્સો છે? શું અમે એક સ્વતંત્ર એકમ છીએ? જી ના, અમે પણ તે વ્યવસ્થાનો એક હિસ્સો છીએ. અને લોકસભામાં દેશની જનતાએ ચૂંટીને મોકલ્યા છે. પરંતુ અહિં સંખ્યા પૂરતી નથી માટે દરેક કામને આવી રીતે રોકીને બેસીશું… તે યોગ્ય છે? અમને નીચા જોવડાવવામાં આનંદ આવે છે, તે ખુશીની વાત છે. પરંતુ દેશનું .. હું કોઇની પણ ટીકા નથી કરતો, હું માત્ર વિશ્લેષણ કરી રહ્યો છું.

છેલ્લા પાંચ વર્ષમાં સંખ્યાબંધ થઇ શકે તેવા કામ અટકાવી દીધા છે. તમે મને જણાવો કે, જે બિલ રાજ્યસભામાં પસાર ના થયા તે લોકસભામાં પડતા મૂકાયા … હવે તે બિલ લોકસભામાં ફરી આવશે, ફરી લોકસભાનો ખર્ચ થશે, દેશના કરદાતાઓના પૈસા ખર્ચાશે, કલાકોનો સમય વેડફાશે, ત્યારે બધુ ફરી થશે. આ જ કામ આપણી રાજ્યસભા કરી શકે છે અને એ પણ મજબૂત સંઘીય માળખાનો હિસ્સો જ છે. સંઘીય માળખાની ભાવના તરીકે રાજ્યસભાનું દાયીત્વ પણ બને છે અને મને લાગે છે કે આપણે તે દાયીત્વ તરફ આગળ વધવું પડશે.

અને અમારી વાત માનો કે ના માનો, તમારી મરજી, તેના માટે મારે કંઇ કહેવું નથી. પરંતુ હું માનું છું કે, આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ દાની વાત તો આપણે સૌએ માનવી જોઇએ. મારે પણ માનવી જોઇએ, આપણે સૌએ માનવી જોઇએ. તમારે પણ. પ્રણવ દાએ બહુ મોટી સ્પષ્ટ વાત કરી હતી કે, બહુમતિએ શાસન કરવા માટે જનાદેશ મેળવ્યો છે અને લઘુમતિએ વિરોધ કરવા માટે જનાદેશ મેળવ્યો છે. હું નથી માનતો કે તેમાં કોઇ મતભેદ છે. પરંતુ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિજીએ આગળ કહ્યું હતું કે- ખલેલ પહોંચાડવા માટે કોઇને જનાદેશ મળ્યો નથી. હું માનું છું કે આપણે આ મંત્રને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઇએ. તો જ સાચા અર્થમાં સંઘીય માળખુ… અને તમે તો રાજ્યોના જીવતા- જાગતા પ્રતિનિધિઓ છો. રાજ્યોની મહત્વાકાંક્ષાઓ અભિવ્યક્ત કરવાની તમને તક મળે છે. અહિં પક્ષથી આગળ વધીને પોતાના રાજ્યના હિતમાં તમારો અવાજ ઉઠાવવો જોઇએ.

એ વાત સાચી છે કે, ભારત એવો દેશ છે – જ્યાં તમામ ચીજો બધા રાજ્યોને એક સાથે મળી જાય તેવું થતું નથી. કોઇને પહેલાં મળે, તો કોઇને પછી મળશે. કોઇને કદાચ ના પણ મળી શકે. આવું થતું રહે છે, પહેલાં પણ આવું થયું છે. પરંતુ તેના માટે આપણે સંખ્યાના બળથી, આપણે દેશના બધા જ કામ રોકી દઇએ, અને મને ખબર છે કે ગઇ વખતે ગૃહ પૂર્ણ થયું ત્યારે આનંદજી અને ગુલામ નબીજી, બંને મને કહી રહ્યા હતા કે, સાહેબ કંઇક કરવું પડશે. એકાદ રાજ્યનો મુદ્દો કે પછી એક એમપી ઉભા થઇને બધુ જ અટકાવી દે, તેવું કેમ ચાલશે? આ બંને મને કહી રહ્યા હતા, તે સાચી વાત છે.

મને લાગે છે કે, આપણે સૌએ સાથે મળીને ગૃહ ચલાવવાનું છે, ગૃહને આગળ વધારવાનું છે, દેશને આગળ વધારવાનો છે, આ કામ લઇને આગળ વધવાનું છે. હું એ પણ કહેવા માંગુ છું કે, અમારું એવું પણ કહેવું છે કે, ગાંધી –150 અને આઝાદી –75 એક પ્રેરણાના કેન્દ્રબિંદુ આપણી પાસે છે, એવી તારીખ છે, એવી તવારીખ છે – કે આપણે સૌ સાથે મળીને એવું નેતૃત્વ આપી શકીએ છીએ, જે દેશને અને તમામ સામાન્ય લોકોને કંઇક ને કંઇક કરવા માટે આગળ લાવે, સૌનામાં કર્તવ્ય ભાવના જગાડે, દરેક કંઇક ને કંઇક ત્યાગ કરવા માટે તૈયાર થાય, તે શક્ય છે. જો આપણે શાળાઓમાં માત્ર એટલું શીખવીએ કે ભાઇ, હાથ ધોઈને જ ભોજન કરીશું. નિયમ બનાવો – ચાલો ગાંધી –150 નિમિત્તે હું મારા જીવનમાં નિયમ લઉં છું અને હું તેનું તેનું પાલન કરીશ. કોઇ કહેશે કે ભાઇ હું નાનું બાળક છું, પરંતુ એઠું નહિં છોડુ, હું ભોજનનો બગાડ નહિં કરું.

આપણા ખેડૂતોના મનમાં ભાવના જાગે કે ભાઇ, હું પહેલાં જેટલા યુરિયાનો ઉપયોગ કરતો હતો, તેના બદલે મારા ભારતની જમીનના સ્વાસ્થ્ય માટે હું દસ ટકા યુરિયાનો વપરાશ ઓછો કરી દઇશ. નાની, નાની, નાની ચીજો … 1942- 1947નો સમયગાળો જુઓ, ગાંધીજીએ નાની-નાની-નાની ચીજોથી દરેક વ્યક્તિને જવાબદાર બનાવ્યા હતા. તે જ ચીજોને આપણે… આપણે કંઇ નવું કરવાની જરૂર નથી, તે મોડેલને ધ્યાનમાં રાખીને આજના જમાનામાં આપણે કેવી રીતે આગળ વધી શકીએ? આપણે નક્કી કરીએ કે, આપણે કંઇક ને કંઇક ત્યાગ કરવો છે, દેશ માટે ત્યાગ કરવો છે, કર્તવ્ય ભાવના જગાડવી છે. જો આપણે સૌ સાથે મળીને નેતૃત્વ કરીએ, ભારતને આગળ લઇ જવાના જે સપનાં છે, નવ ભારતનું નિર્માણ કરવાના જે સપનાં છે, તે મોડેલ દરેકનું પોતાનું અલગ હોઇ શકે છે પરંતુ, દેશને જુની અવસ્થામાં ના રાખી શકાય. દેશને યુવા પેઢીના સપનાં પ્રમાણે અનુકૂળ બનાવવો પડશે.

મને વિશ્વાસ છે કે, જે ચર્ચા થઇ તેમાંથી જે શ્રેષ્ઠ છે, તે અમૃત લઇને આપણે આગળ ચાલીશું, દેશના કલ્યાણ માટે કોઇ ને કોઇ પગલાં ઉઠાવો.

હું ફરી એક વખત આ ચર્ચામાં સૌએ જે ભાગ લીધો, તેમનો આભાર માનું છું. રાષ્ટ્રપતિજીના અભિભાષણ માટે તેમનો આભાર માનું છું અને આપ સૌનો આભાર વ્યક્ત કરીને હું મારી વાણીને અહિં વિરામ આપું છું.

ખૂબ – ખૂબ આભાર.

 

DK/NP/J.Khunt/RP