Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મધ્યપ્રદેશના મહૂમાં “ગ્રામોદયથી ભારત ઉદય”, ના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

મધ્યપ્રદેશના મહૂમાં “ગ્રામોદયથી ભારત ઉદય”,  ના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

મધ્યપ્રદેશના મહૂમાં “ગ્રામોદયથી ભારત ઉદય”,  ના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ


વિશાળ સંખ્યામાં પધારેલા મારા ભાઈઓ અને બહેનો.

આ મારૂં સૌભાગ્ય છે કે આજે ડો. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ નિમિત્તે, જે ભૂમિ પર આ મહાપુરૂષે જન્મ લીધો હતો, જે ધરતી પર સૌ પહેલાં જેમના ચરણ-કમળ પડ્યા હતાં, એ જ ધરતીને નમન કરવાની મને તક મળી છે.

હું આ સ્થળે અગાઉ પણ આવ્યો હતો. પરંતુ તે સમયની પરિસ્થિતિમાં અને આજની પરિસ્થિતિમાં ધરતી – આકાશનું અંતર છે, અને હું મધ્યપ્રદેશ સરકારને, શ્રીમાન સુંદરલાલજી પટવાએ આનો આરંભ કર્યો , ત્યારબાદ શ્રીમાન શિવરાજની સરકારે આને આગળ વધાર્યું, પરિપૂર્ણ કર્યું એના માટે હૂં એમને ખુબ ખુબ અભિનંદન આપું છું.

બાબાસાહેબ આંબેડકર એક વ્યક્તિ ન હતા, તેઓ એક સંકલ્પનું બીજું નામ હતાં. બાબા સાહેબ આંબેડકર જીવન જીવતા ન હતા તેઓ જીવનને સંઘર્ષમાં જોડી દેતા હતાં. બાબા સાહેબ આંબેડકર પોતાના માન સન્માન, મર્યાદાઓ માટે નહીં પરંતુ સમાજના દુષણો વિરૂદ્ધ જંગે ચઢીને છેવાડે બેઠેલા દલિત હોય, પીડિત હોય તેમને સમાનતા મળે, તેમને સન્માન મળે, તે માટે અપમાનિત થઈને પણ પોતાના માર્ગથી ડગ્યા નહીં. જે મહાપુરૂષ પાસે આટલી વિશાળ જ્ઞાન સંપદા હોય, જે મહાપુરૂષના યુગમાં વિશ્વની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની ડિગ્રી હોય, એ મહાપુરૂષ માટે એ સમયમાં પોતાના અંગત જીવનમાં મેળવવા, પામવા, બનવા માટેની તક એમના માટે દુનિયાભરમાં ખુલ્લી પડી હતી. પરંતુ આ દેશના દલિતો, પીડિતો, શોષિતો, વંચિતો માટે એમના દિલમાં જે આગ હતી, તે એમના દિલમાં કંઈક કરી છૂટવાનો જે ઈરાદો હતો, સંકલ્પ હતો. તેમણે આ તમામ તકોને છોડી દીધી અને એ તકને છોડીને, ફરી એકવાર ભારતની માટી સાથે પોતાનો નાતો જોડીને સ્વયંને સમર્પિત કરી દીધા.

આજે 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે અને મને આપણા અખિલ ભારતીય ભિક્ષુક સંઘના સંઘ નાયક ડો. ધમ્મવીરયો જી નું સન્માન કરવાનો અવસર મળ્યો. એ પણ આ પવિત્ર ધરતી પર મળ્યો. ઘણાં ઓછા લોકોને ખબર હશે કે કેવી મોટી વિભૂતિઓ આજે આપણી વચ્ચે છે.

કહેવાય છે કે 100 ભાષાના તેઓ જાણકાર છે, 100 ભાષાઓ, હન્ડ્રેડ લેંગ્વેજીસ. અને બર્મામાં જન્મ્યા. બાબા સાહેબ આંબેડકર તેમને બર્મામાં મળ્યા હતાં અને બાબા સાહેબના કહેવાથી તેમણે ભારતને પોતાની કર્મભૂમિ બનાવી અને તેમણે ભારતમાં બુદ્ધ સત્વથી દુનિયાને જોડવાનો અવિરત પ્રયાસ કર્યો.

મારો તો વ્યક્તિગત સંબંધ તેમની એટલી નજીક રહ્યો છે કે, તેમના આશીર્વાદ મને મળતા રહે છે. મારા માટે તેઓ એક પ્રેરણાનું સ્થાન રહ્યા છે. પરંતુ આજે મને આનંદ છે કે મને તેમનું સન્માન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. બાબા સાહેબ આંબેડકર સાથે તેમનો એ સંબંધ અને બાબા સાહેબ આંબેડકરે કહ્યું તો સંપૂર્ણ જીવન ભારત માટે સમર્પિત કરી દીધું. અને તેમના જ્ઞાનની કોઈ સરખામણી ના કરી શકે તેટલા વિદ્યમાન છે. તેઓ આજે અમારા મંચ પર આવ્યા આ કાર્યના શોભા વધારી તે માટે હું ડો. ધમ્મવીરયો જી નો, સંઘ નાયક જી નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરૂં છું. હું ફરી એકવાર પ્રણામ કરૂં છું.

આજે 14 એપ્રિલથી આવનારી 24 એપ્રિલ સુધી ભારત સરકાર દ્વારા તમામ રાજ્યોની સરકારોના સહયોગ સાથે “ગ્રામ ઉદયથી ભારત ઉદય”, એક વ્યાપક અભિયાન પ્રારંભ થઈ રહ્યું છે અને મને આનંદ છે કે બાબા સાહેબ આંબેડકરે આપણને જે બંધારણ આપ્યું, મહાત્મા ગાંધીએ ગ્રામ સ્વરાજની જે ભાવના આપણને આપી, આ બધું હજુ પુરૂં થવાનું હજુ બાકી છે. આઝાદીના આટલા વર્ષો પછી જે રીતે આપણા ગામડાના જીવનમાં જે પરિવર્તન આવવું જોઈતું હતું. બદલાયેલા યુગની સાથે ગ્રામીણ જીવનને પણ આગળ લઈ જવું જરૂરી હતું. પરંતુ આ દુખની વાત છે કે હજુ પણ ઘણુંબધું કરવાનું બાકી છે. ભારતનો આર્થિક વિકાસ 5-50 મોટા શહોરોથી થવાનો નથી. ભારતનો વિકાસ 5-50 મોટા ઉદ્યોગકારોથી થવાનો નથી. ભારતનો વિકાસ જો આપણે સાચા અર્થમાં કરવો છે અને લાંબા સમય સુધી ટકાઉ વિકાસ કરવો છે તો ગામડાના પાયાને મજબૂત કરવા પડશે. ત્યારબાદ એના પર આપણે વિકાસની ઈમારત પરમેનન્ટ બનાવી શકીએ છીએ.

અને એટલા માટે આ વખતે તમે બજેટમાં પણ જોયું હશે કે બજેટ સંપૂર્ણપણે ગામડાને સમર્પિત છે, ખેડૂતોને સમર્પિત છે. અને એક લાંબા સમય સુધી દેશના ગ્રામીણ અર્થતંત્રને નવી ઉર્જા મળે, નવી ગતિ મળે, નવી શક્તિ મળે એના પર ભાર મુકવામાં આવ્યો છે. અને હું સ્પષ્ટ જોઈ રહ્યો છું, જે ભાવના મહાત્મા ગાંધીની અભિવ્યક્તિમાં આવતી હતી, જે અપેક્ષા બાબાસાહેબ આંબેડકરના બંધારણમાં વ્યક્ત થઈ છે, તેને ચરિતાર્થ કરવા માટે, ટૂકડાઓમાં કામ કરવાથી ચાલી શકે તેમ નથી. આપણે જેટલા પણ વિકાસના સ્રોત છે, એ બધા વિકાસના સ્રોતને ગામડા તરફ વાળવાના છે.

હું સરકારમાં આવ્યા બાદ જુદા જુદા કામોની સમીક્ષા કરતો રહું છું, ખુબ જ ઝીણવટથી પૂછતો રહું છું. હમણાં કેટલાક મહિના અગાઉ હું ભારતમાં ઉર્જાની સ્થિતિનો રિવ્યુ કરી રહ્યો હતો. મેં અધિકારીઓને પૂછ્યું કે આઝાદીના હવે 70 વર્ષ થનાર છે થોડા જ સમય બાદ. કેટલાય ગામડાઓ એવા છે જ્યાં આઝાદીના 70 વર્ષ થવા આવ્યા, હજુ સુધી વીજળી નથી પહોંચી, વીજળીનો તાર નથી પહોંચ્યો. આજે પણ એ ગામડાના લોકો 18 મી શતાબ્દીનું જીવન જીવી રહ્યા છે, એવા કેટલા ગામો છે. હું વિચારતો હતો 200-500 કદાચ, દૂર દૂર ક્યાંક એવા સ્થળે હશે જ્યાં સંભવ નહીં હોય. પરંતુ જ્યારે મને જણાવવામાં આવ્યું કે આઝાદીના 70 વર્ષ થવા આવ્યા છે પરંતુ 18,000 ગામડાઓ એવા છે જ્યાં વીજળીનો થાંભલો પણ નથી પહોંચ્યો. હજુ સુધી એ 18, 000 ગામડાના લોકોએ અજવાળું જોયું નથી.

20મી સદી જતી રહી, 19મી શતાબ્દી જતી રહી, 21મી શતાબ્દીના 15-16 વર્ષ વીતી ગયા, પરંતુ તેમના નસીબમાં એક બલ્બ પણ ન હતો. મારૂં બેચેન થવું સ્વાભાવિક હતું. જે બાબા સાહેબ આંબેડકરે વંચિતો માટે જીવન પસાર કરવાનો સંદેશ આપ્યો હોય, તે શાસનમાં 18, 000 ગામડાઓ અંધકારમાં નિર્વાહ કરતા હોય, એ કેવી રીતે મંજુર થઈ શકે.

મેં અધિકારીઓને કહ્યું કેટલા દિવસમાં પુરૂં કરશો, તેમણે જવાબ મને ના તો દિવસમાં આપ્યો કે ના તો મહિનાઓમાં આપ્યો, તેમણે જવાબ મને વર્ષોમાં આપ્યો. બોલ્યા સાહેબ સાત વર્ષ તો ઓછામાં ઓછા લાગશે. મેં સાંભળી લીધું મેં કહ્યું ભાઈ જુઓ સાત વર્ષ સુધી તો દેશ રાહ નહીં જોઈ શકે, સમય બદલાઈ ચુક્યો છે. આપણે આપણી ઝડપ વધારવી પડશે. ઠીક છે એમની મુશ્કેલીઓ હતી તેઓ મુંઝવણમાં હતાં કે પ્રધાનમંત્રી કહી રહ્યા છે કે સાત વર્ષ તો બહુ થશે ઓછું કરો. તો ઘણી ખેચતાણ કરીને કહ્યું સાહેબ બહુ જોર લગાવીએ તો 6 વર્ષમાં થઈ શકે છે.

ઠીક છે મેં બધી માહિતી લીધી અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને લાલ કિલ્લા પરથી 15 ઓગસ્ટના રોજ જ્યારે ભાષણ કરવાનું હતું, વગર પૂછ્યે મેં કહી દીધું કે અમે 1000 દિવસોમાં 18,000 ગામડાઓમાં વીજળી પહોંચાડી દઈશું. મેં દેશની સામે ત્રિરંગા ઝંડાની સાક્ષીએ લાલ કિલ્લા પરથી દેશને આ વચન આપ્યું. હવે સરકાર દોડવા લાગી અને આજે મારે આનંદ સાથે કહેવું છે કે કદાચ હવે આ સપનું હું 1000 દિવસથી પણ ઓછા સમયમાં પુરૂં કરી દઈશ. જે કામ માટે 70 વર્ષ લાગ્યા, 7 વર્ષનો વધુ ઈંતેજાર મને મંજૂર નથી. મેં હજાર દિવસમાં કામ પુરૂં કરવાનું બીડું ઝડપી આખી સરકારને કામે લગાડી છે. રાજ્ય સરકારોને પણ સાથ આપવાનો આગ્રહ કર્યો છે અને ખુબ જ ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે.

અને વ્યવસ્થા પણ એટલી પારદર્શક છે કે તમે તમારા મોબાઈલ પર ‘ગર્વ’ GARV –આ Appજો લોંચ કરશો તો તમને દરરોજ ક્યા ગામમાં થાંભલો પહોંચ્યો, ક્યા ગામમાં તાર પહોંચ્યા. ક્યાં વીજળી પહોંચી તેનો રીપોર્ટ તમારી હથેળીમાં મોબાઈલ ફોન પર અહીં કોઈપણ જોઈ શકે છે. આ દેશના જનતાને હિસાબ આપનારી સરકાર છે, પળ પળનો હિસાબ આપનારી સરકાર છે, પાઈ પાઈનો હિસાબ આપનારી સરકાર છે અને હિન્દુસ્તાનના સામાન્ય માનવીના સપના પુરા કરવા માટે ઝડપી ગતિએ કદમ આગળ વધારનારી સરકાર છે. અને તેનું જ પરિણામ છે કે આજે જે ગામડામાં આટલા વર્ષો બાદ વીજળી પહોંચી છે તે ગામડાઓમા ઉર્જા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, અઠવાડિયાઓ સુધી નાચ ગાન ચાલી રહ્યું છે. લોકો આનંદ માણી રહ્યા છે કે ચાલો ગામમા વીજળી આવી, હવે ઘરમાં પણ આવી જશે એ મૂડ બન્યો છે.

આપણી દુનિયા વીજળીની વાત તો દુનિયા માટે 18મી, 19મી શતાબ્દીની વાત છે. આજે વિશ્વને ઓપ્ટીકલ ફાયબર જોઈએ, આજે વિશ્વને ડિજીટલ નેટવર્ક સાથે જોડાવું છે. જો દુનિયામાં છે તે બધું તેની હથેળીમાં જોઈએ. આ આજે સામાન્યમાં સામાન્ય નાગરિક પણ ઈચ્છે છે. જો દુનિયાના દરેક નાગરિકના હાથમાં તેના મોબાઈલ ફોનમાં સંપૂર્ણ વિશ્વ ઉપલબ્ધ છે તો મારા હિન્દુસ્તાનના ગામડાના લોકોના હાથમાં કેમ ન હોવું જોઈએ. અઢી લાખ ગામડાઓ જેને ડિજીટલ કનેક્ટિવિટી આપવાની છે, ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક લગાડવાના છે. ઘણાં વર્ષોથી સપનાં જોવામાં આવ્યા, કામ વિચાર્યું પણ ક્યાંય કોઈ કામ નજરે ના ચડ્યું. હું જાણું છું અઢી લાખ ગામડાઓમાં ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક કરવું કેટલું અઘરૂં છે, પરંતુ અઘરૂં છે તો હાથ પર હાથ ધરીને થોડું બેસી રહેવાય. ક્યાંકથી તો શરૂઆત કરવી જોઈએ અને એકવાર શરૂ કરશો તો ગતિ પણ આવશે. અને સપના પણ પુરા થશે. છેવટે બાબા સાહેબ આંબેડકર જેવા સંકલ્પ માટે જીવનારા મહાપુરૂષ આપણી પ્રેરણા હોય તો ગામડાઓનું ભલું કેમ ના થઈ શકે.

આપણા દેશનો ખેડૂત, ખેડૂત કશું જ માગી રહ્યો નથી. ખેડૂતને જો પાણી મળી જાય તો માટી માંથી સોનું પેદા કરી શકે છે. બાકી બધું એ કરી શકે છે. તેની પાસે એ હુન્નર છે, એની પાસે એ સામર્થ્ય છે, એ મહેનતુ છે એ ક્યારેય પાછું વળીને જોતો નથી. અને ખેડૂત, પોતાનું ખીસ્સું ભરાય ત્યારે સંતુષ્ટ થાય તેવા સ્વભાવનો નથી, સામેવાળાનું પેટ ભરાઈ જાય તો ખેડૂત સંતુષ્ટ થઈ જાય છે આ તેનું ચારિત્ર્ય હોય છે. અને જેને બીજાનું પેટ ભરવાથી સંતોષ મળે છે એ પરિશ્રમમાં ક્યારેય ઘટાડો નથી કરતો, ક્યારેય કાપ નથી મુકતો.

અને તેથી જ અમે દેશના ખેડૂતો માટે એક સંકલ્પ રાખ્યો છે. ગામડાના અર્થતંત્રને બદલવું છે. 2022માં ખેડૂતોની ઈન્કમ ડબલ કરવી. મોટા મોટા બુદ્ધિશાળી લોકો, મોટા મોટા અનુભવી લોકોએ, મોટા મોટા અર્થશાસ્ત્રીઓ એ કહ્યું છે કે મોદીજી આ ખુબ જ મુશ્કેલ કામ છે. મુશ્કેલ છે એ તો હું પણ જાણું છું જો સરળ હોત તો દેશની જનતા મને કામ ના સોંપતી, દેશની જનતાએ કામ મને એટલા માટે આપ્યું છે કે મુશ્કેલ કામ જ મારા નસીબમાં આવે. કામ મુશ્કેલ હશે પરંતુ ઈરાદો એટલો જ સંકલ્પબદ્ધ હોય તો પછી રસ્તો પણ નીકળે છે અને રસ્તાઓ મળી રહ્યા છે.

હું શિવરાજજીને અભિનંદન આપું છું તેમણે પુરી ડિઝાઈન બનાવી છે. મધ્યપ્રદેશમાં 2022 સુધી ખેડૂતોની આવક ડબલ કરવાનો રસ્તો ક્યા ક્યા હોઈ છે, ઈનીશિએટિવ શું થઈ શકે છે, રીત કઈ હોઈ શકે છે, બધું ડિજીટલમાં તેમણે બતાવ્યું. મેં દરેક રાજ્ય સરકારોને આગ્રહ કર્યો કે તમે પણ તમારી રીતે વિચારો. તમારી પાસે જે ઉપલબ્ધ રિસોર્સ છે તેના આધારે જુઓ.

પરંતુ ગ્રામીણ અર્થતંત્ર ભારતની અર્થનીતિને બળ પુરૂં પાડનાર છે. જ્યાં સુધી ગામડાના વ્યક્તિની ખરીદ શક્તિ વધશે નહીં અને આપણે વિચારીએ કે નગરની અંદર કોઈ માલ ખરીદવા આવશે અને નગરીની ઈકોનોમી ચાલશે, તો ચાલવાની નથી. ઈંદોરનું બજાર પણ તેજ ત્યારે થશે, જ્યારે મહુના ગામડાઓમાં લોકોની ખરીદ શક્તિ વધી હશે, ત્યારે તે ઈંદોર જઈને ખરીદી કરશે અને તેથી જ ગ્રામીણ અર્થકારણની મજબૂતી આ ભારતમાં આર્થિક ચક્રને ઝડપી ગતી આપનાર સૌથી મોટું પાવરફુલ એન્જિન છે. અને અમારી તમામ વિકાસની જે દિશા છે એ દિશા આ જ છે.

બાબા સાહેબ આંબેડકર જે રીતે કહેતા હતા કે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. સાથે સાથે તેમનું એક સપનું એ પણ હતું કે ભારત આર્થિક રાતે સમૃદ્ધ હોય સામાજિક રીતે એમ્પાવર્ડ હોય અને ટેકનોલોજીકલી માટે અપગ્રેડેડ હોય, તેઓ સામાજિક સમતા, સામાજિક ન્યાયના પક્ષકાર હતાં અને તેઓ આધુનિક વિજ્ઞાનના પક્ષકાર હતા, આધુનિક ટેકનોલોજીના પક્ષકાર હતા. અને તેથી જ સરકારે પણ 14 એપ્રિલ થી 24 એપ્રિલ, 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકર સાહેબની 125મી જન્મ જયંતિ અને 24 એપ્રિલ પંચાયતી રાજ દિવસ આ બંને દિવસોનો મેળ કરીને બાબા સાહેબ આંબેડકર પાસેથી સામાજિક-આર્થિક કલ્યાણનો સંદેશ લેતાં ગામે ગામ જઈને ગામડાઓની એક તાકતનો નિર્ણય કર્યો છે.

આજે સરકારી તિજોરીમાંથી, ભારત સરકારની તિજોરીમાંથી એક ગામડાને લગભગ 75 લાખ રૂપિયાથી વધુ રકમ તે ગામડાના હાથમાં આવે છે. જો યોજનાબદ્ધ દીર્ઘ દ્રષ્ટિ સાથે અમારા ગામડાનો વ્યક્તિ કામ કરે તો કેટલું મોટું પરિણામ આવી શકે છે તે આપણે બધા જાણીએ છીએ.

આપણી ગ્રામ પંચાયતની સંસ્થા છે. દેશ બંધારણની મર્યાદાઓથી ચાલે છે, કાયદો – વ્યવસ્થા, નિયમોથી ચાલે છે. ગ્રામ પંચાયતમાં એ ભાવનાને પ્રજ્જવલિત રાખવી જરૂરી છે, જે નિરંતર ચેતના જગાડી રાખવી જરૂરી છે અને એટલા માટે ગામમાં પંચાયત વ્યવસ્થા વધુ સક્રિય કઈ રીતે થાય, વધુ મજબૂત કઈ રીતે થાય, દીર્ઘ દ્રષ્ટિ વાળી કેવી રીતે બને, એ દિશામાં પ્રયત્ન કરવાની જરૂરિયાત, ગામે ગામ ચેતના જગાવીને થઈ શકે છે. બાબા સાહેબ આંબેડકરનું વ્યક્તિત્વ એવું છે કે ગામડાની અંદર તે ચેતના જગાવી શકાય છે. ગામડાને બંધારણની મર્યાદામાં આગળ લઈ જવાના માર્ગે ઉપલબ્ધ છે. તેનો સંપૂર્ણ ઉપયોગ કરવાનો માર્ગ એને બતાવી શકે છે. જો એકવાર આપણે નિર્ણય કરીએ.

હું આજે ઈન્દોર જિલ્લાને પણ હૃદયથી અભિનંદન આપવા ઈચ્છું છું અને હું માનું છું કે ઈન્દોર જિલ્લાએ જે કાર્ય કર્યું છે. સમસ્ત જિલ્લાને ખુલ્લામાં સંડાસ કરવામાંથી મુક્ત કરાવી દીધું છે. આ ખુબ જ ઉત્તમ કાર્ય. . . જો 21 મી સદીમાં પણ મારી મા-બહેનોને ખુલ્લામાં સંડાસ માટે જવું પડે, તો આનાથી મોટી શરમ આપણા માટે ના હોઈ શકે. પરંતુ ઈન્દોર જિલ્લાએ અહીંની સરકારી ટીમે, અહીંના રાજકીય નેતાઓએ અહીંના સામાજિક આગેવાનોએ, અહીંના નાગરિકોએ આ જે એક સપનું પુરૂં કર્યું છે હું માનું છું કે બાબા સાહેબ આંબેડકરને એક ઉત્તમ શ્રદ્ધાંજલિ ઈન્દોર જિલ્લાએ આપી છે. હું ઈન્દોર જિલ્લાને અભિનંદન આપું છું. અને દેશભરમાં એક વાતાવરણ ઉભું થયું છે. દરેક જિલ્લાને લાગે છે ખુલ્લામાં મળોત્સર્જન-મુક્ત થવા માટે દરેક જિલ્લામાં આ સ્પર્ધા શરૂ થઈ છે. ભારતને સ્વચ્છ બનાવવું છે તો આપણે સૌથી પહેલાં આપણી મા- બહેનોને સંડાસ માટે ખુલ્લામાં જવું પડે છે તેમાંથી મુક્તિ અપાવવી પડશે. તેના માટે ખુબ જ મોટી સંખ્યામાં દરેક જણે મળીને કામ કરવું પડશે. આ કરે, પેલો ન કરે, આ ક્રેડિટ લે, પેલો ના લે, એના માટે કામ નથી, આ તો એક સેવાભાવથી કરવાનું કામ છે, જવાબદારીથી કરવાનું કામ છે. આ “ગ્રામ ઉદયથી ભારત ઉદય” નો જે મંત્ર છે , તેમાં આ વાત પર પણ ભાર મુકાયો છે.

મારા વ્હાલા ભાઈઓ-બહેનો, આપણા દેશમાં આપણે ક્યારેક ક્યારેક સાંભળીએ તો છીએ ઘણું બધું. ઘણા લોકો છ છ દાયકાઓથી પોતાને ગરીબોના મસીહા તરીકે પ્રસ્તુત કરે છે. જેમની મોઢે રાત દિવસ ગરીબ-ગરીબ-ગરીબ હોય છે. તેઓ ગરીબો માટે શુ કરી શક્યા, તેનો હિસાબ કિતાબ આશ્ચર્યચકિત કરી દે તેવો છે. હું મારો સમય બરબાદ નથી કરતો. પરંતુ શું કરી રહ્યો છું જે ગરીબોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. હમણાં તમે જોયું કે મધ્યપ્રદેશના ગરીબો માટે, દલિતો માટે, પછાતો માટે જે યોજનાઓ હતી, તેના લોકાર્પણનું કાર્ય થયું. ઘણા લાભાર્થીઓને તેમની વસ્તુઓ આપવામાં આવી. એ બધામાં એ વાતનો સંદેશ છે કે લોકોનું સશક્તીકરણ. એમને આગળ વધવાનું સામર્થ્ય આપવામાં આવી રહ્યું છે. જે મારા દિવ્યાંગ ભાઈ-બહેનો છે, કોઈ ને કોઈ કારણે શરીરનું એક અંગ તેમને સાથ નથી આપી રહ્યું. તેમને જયપુર ફુટનો ફાયદો મળ્યો અને આ ચળવળ ચાલતી રહેવાની છે. અહીં તો એક ટોકન કાર્યક્રમ થયો છે અને બાબા સાહેબ આંબેડકરની જન્મભૂમિ પર આ કાર્યક્રમ જાતે એક ઉકેલ આપે છે.

ભાઈઓ અને બહેનો તમને એ જાણીને આશ્ચર્ય થશે. આજે પણ આપણાં કરોડો-કરોડો ગરીબ ભાઈ-બહેન, જેઓ ઝુંપડપટ્ટીમાં, નાના ઘરોમાં, કાચા ઘરોમાં રહે છે, તેઓ લાકડાનો ચૂલો બાળીને રસોઈ કરે છે, વિજ્ઞાન કહે છે કે જ્યારે મા લાકડીનો ચૂલો બનાવીને રસોઈ કરે છે ત્યારે એક દિવસમાં 400 સિગારેટ જેટલો ધૂમાડો એ માના શરીરમાં જાય છે. તમે કલ્પના કરી શકો છો, જે માના શરીરમાં 400 સિગારેટ જેટલો ધૂમાડો જશે, તે માબિમાર થશે કે નહીં થાય? તેના બાળકો માંદા થશે કે નહીં અને સમાજના આવા કોટિ કોટિ પરિવાર માંદગીથી ગ્રસ્ત થઈ જાય, તો ભારત સ્વસ્થ બનાવવાનું સ્વપ્ન કઈ રીતે પુરૂં થશે. ?

પાછલા એક વર્ષમાં અમે ટ્રાયલ બેસીસ પર કામ શરુ કર્યું. મેં સમાજને કહ્યું કે ભાઈ, તમે તમારા ગેસ સિલિન્ડરની સબસિડી છોડી દો અને આજે મને સંતોષ સાથે કહેવુ પડે છે કે મેં તો બસ એમ જ ચાલતા – ચાલતા કહી દીધું હતું. પરંતુ લગભગ 90 લાખ પરિવાર અને જે અધિકતર મધ્યમ વર્ગીય છે, કોઈ સ્કૂલ ટીચર છે, કોઈ ટીચર રિટાયર્ડ માં છે, પેન્શન પર ગુજરાન કરે છે પરંતુ મોદીજીએ કહ્યું છોડી દો તો છોડી દીધી. લગભગ 90 લાખ લોકોએ તેમના ગેસ સિલિન્ડરની સબસિડી છોડી દીધી અને પાછલા એક વર્ષમાં આઝાદી પછી, એક વર્ષમાં આટલા ગેસ સિલિન્ડરના કનેક્શન ક્યારેય નથી અપાયા. પાછલા એક વર્ષમાં કરોડ ગરીબ પરિવારોને ગેસ સિલિન્ડરનું કનેક્શન આપી દેવાયા અને ચુલાના ધુમાડાથી મુક્તિ અપાવવાનું કામ થઈ ગયું. જ્યારે મારો આ ‘પાયલોટ પ્રોજેક્ટ’ સફળતાપૂર્વક થયો અને મેં કોઈ જાહેરાત કરી ન હતી, કરી રહ્યો હતો, ચુપચાપ તેને કરી રહ્યો હતો. જ્યારે સફળતા મળી તો આ બજેટમાં અમે જાહેર કર્યું છે કે આવનારા ત્રણ વર્ષમાં અમે ભારતના પાંચ કરોડ પરિવાર, આજે દેશમાં કુલ પરિવાર છે 25 કરોડ અને થોડા વધારે. કુલ પરિવાર 25 કરોડ. સંખ્યા છે સવા કરોડ, પરિવાર છે 25 કરોડથી વધુ. પાંચ કરોડ પરિવાર, જેમને ગેસ સિલિન્ડરનું કનેક્શન આપવાનું છે, ગેસ સિલિન્ડર આપવાના છે. અને તે પાંચ કરોડ પરિવારમાં લાકડાના ચુલાથી, ધૂમાડામાં ગુજરાન કરી રહેલી મારી ગરીબ માતાઓને મુક્તિ અપાવવાનું અભિયાન શરૂ કર્યું છે.

ગરીબનું ભલું કેવી રીતે થાય છે? પ્રધાનમંત્રી જનધન યોજના. આપણે જાણીએ છીએ, સમાચારપત્રોમાં વાંચીએ છીએ. ક્યારેક કોઈ શારદા ચીટ ફંડની વાત આવે છે તો ક્યારેક બીજા ચીટ ફંડની વાત આવે છે. લોકોની આંખોમાં ધૂળ નાંખીને મોટી મોટી કંપનીઓ બનાવીને, લોકો પાસેથી પૈસા લેનારા લોકો પછી છૂમંતર થઈ જાય છે. બિચારા ગરીબે દિકરીના લગ્ન માટે પૈસા રાખેલા, વધુ વ્યાજ મળશે એ સપના એ. . .. પરંતુ દિકરી કુંવારી રહી જાય છે, કારણ કે પૈસા જ્યાં રાખ્યા હતાં એ ભાગી જાય છે. આમ શા માટે થયું? ગરીબને આ ચીડ ફંડ વાળાઓ પાસે કેમ જવું પડ્યું? કારણ કે બેંકના દરવાજા ગરીબો માટે ખુલ્યા ન હતા. અમે પ્રધાનમંત્રી જન-ધન યોજના દ્વારા હિન્દુસ્તાનના દરેક ગરીબ માટે બેકમા ખાતાં ખોલી આપ્યા અને આજે ગરીબ માણસને શાહૂકાર પાસે જઈને વ્યાજના ચક્કરમાં પડવું નથી પડતું. ગરીબને પોતાના પૈસા રાખવા માટે કોઈ ચીટ ફંડ પાસે જવું નથી પડતું. અને ગરીબને એક આર્થિક સુરક્ષા આપવાનુ કામ થયું. અને તેની સાથે એક રૂપે કાર્ડ આપવામાં આવ્યું. તેના પરિવારમાં કોઈ આપત્તિ આવી જાય તો બે લાખ રૂપિયાનો વીમો આપી દીધો અને મારી પાસે માહિતી છે કે, ઘણાં પરિવાર મને મળ્યા કે હજુ હમણાં તો જન-ધન એકાઉન્ટ ખોલ્યું હતું અને 15 દિવસની અંદર તેમના ઘરમાં કોઈ નુકસાન થઈ ગયું તો તેમની પાસે બે લાખ રૂપિયા આવી ગયા. પરિવારે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે બે લાખ રૂપિયા સીધે સીધા તેમના ઘરમાં પહોંચી જશે.

ગરીબ માટે કામ કેવી રીતે થાય છે? પ્રધાનમંત્રી જન-ધન યોજના દ્વારા માત્ર બેકમાં ખાતું ખુલ્યું એટલું જ નહીં એ ભારતની આર્થિક વ્યવસ્થાની મુખ્યધારામાં હિન્દુસ્તાનના ગરીબને સ્થાન મળ્યું છે, જે પાછલા 70 વર્ષમાં આપણે નથી કરી શક્યા. તેને પુરૂં કરવાથી ભારતની આર્થિક શક્તિને વેગ મળશે. આજે દુનિયામાં હિન્દુસ્તાનના આર્થિક વિકાસની જય જયકાર થઈ રહી છે. વિશ્વની તમામ સંસ્થાઓ કહી રહી છે કે ભારત ખુબ જ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. એનું મૂળ કારણ દેશના ગરીબથી ગરીબ વ્યકિતને સાથે લઈને ચાલવાનો અમે એક સંકલ્પ કર્યો, યોજના બનાવી અને ચાલી રહી છે. જેનું પરિણામ છે કે આર્થિક સંકટો હોવા છતાંય ભારત આર્થિક ઉંચાઈઓ પર જઈ રહ્યું છે. દુનિયા આર્થિક સંકટો સહન કરી રહી છે, આપણે નવી નવી તકો શોધી રહ્યા છીએ.

હમણાં હું મુંબઈથી આવી રહ્યો હતો. આજે મુંબઈમાં એક ખુબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ હતો. ઘણાં ઓછા લોકોને આંબેડકર સાહેબને સંપૂર્ણ રીતે સમજવાનો અવસર મળ્યો છે. અધિકતર લોકોને તો એ જ લાગે છે કે બાબા સાહેબ આંબેડકર એટલે દલિતોના દેવતા. પરંતુ ઘણાં ઓછા લોકો જાણે છે કે બાબા સાહેબ આંબેડકર દીર્ઘદ્રષ્ટા હતાં. તેમની પાસે ભારત કેવું બને તેનું વિઝન હતું. આજે મંા મુંબઈમાં એક મેરીટાઈમ અગેના, દરિયાઈ શક્તિને અંગેના એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું ઉદઘાટન કર્યું. એ 14 એપ્રિલે એટલા માટે રાખવામાં આવેલ કે ભારતમાં બાબા સાહેબ આંબેડકર પ્રથમ વ્યક્તિ હતાં જેમણે મેરીટાઈમ નેવીગેશન યુઝ ઓફ વોટર પર દીર્ઘદ્રષ્ટિથી તેમણે વિઝન રાખ્યું હતું. તેમણે એવી સંસ્થાઓનું નિર્માણ કર્યું હતું એ સમયે જ્યારે સરકારમાં હતાં, જેના આધારે આજે પણ હિન્દુસ્તાનમાં પાણી વાળી, મેરીટાઈમ વાળી, નેવિગેશન વાળી સંસ્થાઓ કામ કરી રહી છે. પરંતુ બાબા સાહેબ આંબેડકરને ભૂલાવી દીધા. અમે આજે જાણી જોઈને 14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકરે જે વિઝન આપ્યું હતું, તેમના જન્મ દિન 14 એપ્રિલે તેને સાકાર કરવાની દિશામાં હું આજે મુંબઈમાં એક સમારંભ કરીને આવી રહ્યો છું, આજે મેં તેનો પ્રારંભ કર્યો. લાખો કરોડા દરિયાઈ કિનારે રહેતા લોકો, આપણા માછીમાર ભાઈઓ, અમારા નવયુવાનો, તેમને રોજગારીની તક મળવાની છે જે બાબા સાહેબ આંબેડકરનું વિઝન હતું આટલા વર્ષો સુધી તેને આંખોથી ઓઝલ કરી દેવામાં આવેલ. તેને આજે ચરિતાર્થ કરવાની દિશામાં, એક ઝડપી ગતિએ આગળ વધવાનો પ્રયાસ હમણાં જ મુંબઈ જઈને હું કરીને આવ્યો છું.

હમણાં અમારા બંને પૂર્વ વક્તાઓએ પંચતીર્થની વાત કહી છે. કેટલાક લોકો એ માટે હેરાન છે કે મોદી આ બધું કેમ કરી રહ્યા છે? આ અમારી શ્રદ્ધાનો વિષય છે, અમે શ્રદ્ધા અને કોન્વીક્શનથી માનીએ છીએ કે બાબા સાહેબ આંબેડકરે સામાજિક એકતા માટે ખુબ જ ઉચ્ચ મુલ્યોનું પ્રસ્થાપન કર્યું છે. સામાજિક એકતા, સામાજિક ન્યાય, સામાજિક સમરસતા, બાબા સાહેબ આંબેડકરે જે માર્ગ બતાવ્યો છે તેનાથી જ પ્રાપ્ત થઈ શકે છે તેથી જ અમે બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં બેસીને કામ કરવામાં ગર્વ અનુભવીએ છીએ.

સરકારો ઘણી આવી… આ 26-અલીપુર, બાબા સાહેબ આંબેડકરના અવસાનના 60 વર્ષો બાદ તેમનું સ્મારક બનાવવાનું સૌભાગ્ય અમને મળ્યું. શું 60 વર્ષો સુધી અમે રોક્યા હતા કોઈને શું? અને આજે અમે કરી રહ્યા છીએ તો તમને હેરાનગતિ થઈ રહી છે. પશ્ચાતાપ થવો જોઈએ કે તમે કર્યું કેમ નહીં? હેરાન થવાની જરૂર નથી, આવનારી પેઢીઓને પ્રેરણા આપવા માટે આ જ તો સામાજિક આંદોલન કામ આવશે. અને તેથી જ મારા ભાઈઓ બહેનો એક શ્રદ્ધા સાથે અને હું ખુબ જ ગર્વ સાથે કહું છું કે એક એવો વ્યક્તિ જેની માં ઘરોમાં વાસણ સાફ કરતી હોય, પાણી ભરતી હોય, એનો દિકરો આજે પ્રધાનમંત્રી બની શક્યો, એની ક્રેડિટ જો કોઈને જતી હોય તો બાબા સાહેબ આંબેડકરને જાય છે. અને આ જ શ્રદ્ધા સાથે, એક અપાર, અતૂટ શ્રદ્ધા સાથે આ કામ અમે કરવા લાગ્યા છીએ. અને આજથી કરી રહ્યા છીએ એવું નથી. અમે તો જીવન આ ચીજો માટે જ ખપાવ્યું છે. પરંતુ વોટ બેંકની રાજનીતિ કરનારાઓએ સમાજને ટુકડાઓમાં વહેંચવા સિવાય કશું જ વિચાર્યું નથી.

બાબા સાહેબ આંબેડકર પર જે વીતતી હતી, અભ્યાસમાં એમની સાથે અપમાન, જીવનના દરેક પગલે અપમાન, કેટલું ઝેર પીધું હશે આ મહાપુરૂષે, કેટલું ઝેર પીધું હશે જીવનભર અને જ્યારે બંધારણ લખવાની ઘટના આવી, જો તે સામાન્ય માનવ હોત, આપણા જેવા માનવ હોત તો તેમના કલમથી બંધારણની અંદર ક્યાંક ને ક્યાંક તો એ ઝેરનું એકાદ ટીપું તો પડી જ જતું, પરંતુ તે એક એવા મહાપુરૂષ હતાં જેમણે ઝેર પચાવી દીધું. અપમાનો સહન કર્યા બાદ પણ જ્યારે બંધારણ બનાવ્યું તો કોઈના પ્રત્યે વેર ભાવ ન હતો, એનાથી મોટી મહાનતા કઈ હોઈ શકે? પરંતુ દુર્ભાગ્યથી દેશની સામેથી આ મહાપુરૂષની મહાનતાઓને ઓઝલ કરી દેવાઈ છે. ત્યારે આવા મહાપુરૂષોના ચરણોમાં બેસીને કંઈ સારું કરવાનો જે ઈરાદો રાખે છે, તેમના માટે આ જ એક માર્ગ છે. એ માર્ગે જવા માટે અમે આવ્યા છીએ. મને ગર્વ છે કે આજ 14 એપ્રિલના રોજ દેશભરમાં “ગ્રામોદયથી ભારત ઉદય”ના આંદોલનનો પ્રારંભ આ ધરતી પરથી થઈ રહ્યો છે. સામાજિક ન્યાય માટે થઈ રહ્યો છે, સામાજિક સમરસતા માટે થઈ રહ્યો છે.

હું દરેક ગામને કહીશ કે તમે પણ આ પવિત્રતા સાથે તમે તમારા ગામનું ભવિષ્ય બદલવાનો સંકલ્પ કરો. બાબા સાહેબની 125મી જયંતિની સારી શ્રદ્ધાંજલિ એ જ હશે કે આપણે આપણા ગામમાં કોઈ પરિવર્તન લાવીએ. સરકારી યોજનાઓનો વ્યય ન કરતાં, પાઈ પાઈનો સદઉપયોગ કરતાં એ કરીશું તો એની મેળે પરિવર્તન આવવાનું શરૂ થઈ જશે.

હું ફરી એક વાર મધ્યપ્રદેશ સરકારને, આટલી વિશાળ સંખ્યામાં આવીને તમે અમને આશીર્વાદ આપ્યા તે માટે જનતા જનાર્દનને હૃદયથી ખુબ ખુબ અભિનંદન આપું છું.

જય ભીમ, જય ભીમ. બંને મુઠ્ઠીઓ ઉપર કરીને બોલો જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ.

J.Khunt