Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જર્મનીના ચાન્સેલરની ભારત યાત્રા દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય


 

ચાન્સેલર ડૉ. મર્કેલ,

જર્મન પ્રતિનિધિ મંડળના સન્માનિત સભ્યો,

મંત્રીમંડળમાં મારા સહયોગીઓ

મિત્રો,

નમસ્કાર

ગુટેન ટેગ,

ચાન્સેલર ડૉ મર્કેલ અને તેમના પ્રતિનિધિ મંડળનું ભારતમાં હાર્દિક સ્વાગત કરતા મને ખૂબ પ્રસન્નતા થઇ રહી છે. ચાન્સેલર મર્કેલની જર્મની અને યુરોપમાં જ નહીં, પરંતુ વિશ્વની ઘણા લાંબા સમય સુધી સેવા કરનારા પ્રમુખ નેતાઓમાં ગણના થાય છે. મને ગર્વ છે અને ખુશી પણ કે તેઓ ભારતના અને મારા મિત્ર છે. પાછલા લગભગ દોઢ દાયકાથી ચાન્સેલરના રૂપમાં તેમણે ભારત જર્મની સંબંધોને પ્રગાઢ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેની માટે હું તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. આજે અમારી વચ્ચે ઇન્ટર ગવર્મેન્ટલ કન્સલ્ટેશનની 5મી બેઠક યોજાઈ. દર બે વર્ષના અંતરાય પર થનારી આવી ત્રણ બેઠકોમાં ચાન્સેલર મર્કેલની સાથે ભાગ લેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ અનોખી વ્યવસ્થા વડે દરેક ક્ષેત્રમાં અમારો સહયોગ વધુ ઊંડો બન્યો છે. આજે જે સમજૂતીઓ વગેરે પર હસ્તાક્ષર થયા છે, તે આ વાતનું પ્રતિક છે. મને ઘણી ખુશી છે કે ભારત અને જર્મનીની વચ્ચે દરેક ક્ષેત્રમાં, ખાસ કરીને નવી અને આધુનિક ટેકનોલોજીમાં દૂરોગામી અને વ્યુહાત્મક સહયોગ આગળ વધી રહ્યો છે.

મિત્રો,

વર્ષ 2022માં સ્વતંત્ર ભારત 75 વર્ષનું થશે. ત્યાં સુધી અમે ન્યુ ઇન્ડિયાના નિર્માણનું લક્ષ્ય રાખ્યું છે. આ બહુઆયામી પ્રયાસમાં ભારતની પ્રાથમિકતાઓ અને જરૂરિયાતોની માટે જર્મની જેવા ટેકનોલોજીકલ અને ઇકોનોમિક પાવર હાઉસની ક્ષમતાઓ ઉપયોગી સાબિત થશે. એટલા માટે, અમે નવી અને આધુનિક ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા, કૌશલ્ય, શિક્ષણ, સાયબર સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર વિશેષ ભાર મૂક્યો છે. ઈ મોબીલીટી, ફ્યુઅલ સેલ ટેકનોલોજી, સ્માર્ટ સિટીઝ, ઇનલેન્ડ વોટર વેઝ, કોસ્ટલ મેનેજમેન્ટ, નદીઓની સફાઈ અને પર્યાવરણ સંરક્ષણમાં સહયોગની નવી સંભાવનાઓને વિકસિત કરવાનો અમે નિર્ણય લીધો છે. આ ક્ષેત્રોમાં અમારો સહયોગ જળવાયું પરિવર્તનની વિરુદ્ધ પારસ્પરિક પ્રયાસોમાં પણ મદદ કરશે. વેપાર અને રોકાણમાં અમારી વધતી ભાગીદારીને વધુ ગતિ આપવા માટે અમે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. ચાન્સેલર મર્કેલ અને હું બંને દેશોના કેટલાક મુખ્ય વ્યાપાર અને ઉદ્યોગ જગતના વડાઓ સાથે મુલાકાત કરીશું. અમે જર્મનીને આમંત્રિત કરીએ છીએ કે સંરક્ષણ ઉત્પાદનના ક્ષેત્રમાં ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં ડીફેન્સ કોરીડોરમાં અવસરોનો લાભ ઉઠાવે.

મિત્રો,

ભારત અને જર્મનીનો વિશ્વાસ અને મિત્રતાપૂર્ણ સંબંધ, લોકશાહી, કાયદાના નિયમો જેવા પારસ્પરિક મૂલ્યો પર આધારિત છે. એટલા માટે, વિશ્વના ગંભીર પડકારોના વિષયમાં અમારા દ્રષ્ટિકોણમાં સમાનતા છે. આ વિષયો પર અમારી વચ્ચે વિસ્તૃત ચર્ચા સાંજે ચાલુ રહેશે. આતંકવાદ અને ઉગ્રવાદ જેવા જોખમો સામે લડવા માટે અમે દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહયોગને વધુ ઘનિષ્ઠ બનાવીશું. એક્સ્પોર્ટ કંટ્રોલ રિજાઈમ અને જુદાજુદા આંતરરાષ્ટ્રીય મંચોમાં ભારતની સભ્યતાને જર્મનીના સશક્ત સમર્થન માટે અમે આભારી છીએ. બંને દેશ સુરક્ષા પરિષદ, સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં અન્ય જરૂરી સુધારા ઝડપથી કરાવવા માટે સહયોગ અને પ્રયાસ ચાલુ રાખશે.

મહાનુભાવ,

ભારત જર્મનીના સંબંધોનું ભવિષ્ય ઉજ્જવળ છે. તેની માટે હું એક વાર ફરી તમારા કુશળ નેતૃત્વ અને  આપણા તમામ સહયોગીઓના બહુમૂલ્ય સહકાર માટે આભાર વ્યક્ત કરું છું.

દેન્કે શોએન

ખૂબ ખૂબ આભાર

 

RP