Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

અટલ જળ યોજનાના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


મંત્રીમંડળના મારા સહયોગી શ્રી રાજનાથ સિંહજી, શ્રી ગજેન્દ્ર શેખાવતજી, અન્ય મહાનુભવ અને અહીં ઉપસ્થિત દેવીઓ અને સજ્જનો!!

દેશભરના અનેક કોમન સર્વિસ સેન્ટરોમાંથી આવેલા હજારો લોકો, ખાસ કરીને ગામડાઓના પંચ-સરપંચ પણ અત્યારે આપણી સાથે જોડાયેલા છે.

આ સિવાય હિમાચલ પ્રદેશના મનાલીથી ત્યાના મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુરજી, વન મંત્રી શ્રી ગોવિંદ સિંહ ઠાકુરજી, સાંસદ રામ સ્વરૂપ શર્માજી પણ ટેકનોલોજીના માધ્યમથી આ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયેલા છે.
તેમની સાથે અટલજીના પ્રિય ગામમાંથી પણ કેટલાક લોકો જોડાયેલા છે.

હું આપ સૌનું પણ સ્વાગત કરું છું, અભિનંદન આપું છું.

આજે આ મંચ પરથી સૌથી પહેલા હું દેશના લોકોને, દુનિયાને, નાતાલની ખૂબ-ખૂબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવું છું.

મેરી ક્રિસમસ!!!

આજે ભારતના બે-બે રત્નો, આપણા સૌના શ્રદ્ધેય અટલજી અને મહામના મદન મોહન માલવિયજીનો જન્મદિવસ પણ છે.હું તેમને નમન કરું છું, દેશ તરફથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.મને જણાવવામાં આવ્યું છે કે પ્રીણીમાં આજે અટલજીની સ્મૃતિમાં હવન થયો છે, કેટલાક અન્ય કાર્યક્રમો પણ થયા છે.

સાથીઓ,

આજે દેશની માટે ખૂબ મહત્વપૂર્ણ એક મોટી પરિયોજનાનું નામ અટલજીને સમર્પિત કરવામાં આવ્યું છે.હિમાચલ પ્રદેશને લદ્દાખ અને જમ્મુ કાશ્મીર સાથે જોડનારી, મનાલીને લેહ સાથે જોડનારી, રોહતાંગ ટનલ, હવે અટલ ટનલના નામે ઓળખવામાં આવશે.

હિમાચલના લોકોને, પ્રીણીના લોકોને આ સરકાર તરફથી અટલજીના જન્મદિવસ પર એક નાનકડી ભેટ છે.તે અટલજી જ હતા, જેમણે આ ટનલના મહત્વને સમજ્યું અને તેના નિર્માણનો માર્ગ બનાવ્યો હતો.અટલજીના નામ પર આ ટનલનું નામકરણ થવું, હિમાચલ પ્રત્યે તેમના લગાવ અને અટલજી પ્રત્યે આપ સૌના આદર અને અસીમ પ્રેમનું પણ પ્રતિક છે.

સાથીઓ,

પાણીનો વિષય અટલજી માટે ખૂબ મહત્વનો હતો, તેમના હૃદયની ખૂબ નજીક હતો.પાણીને લઈને તેમનું વિઝન, આપણને આજે પણ પ્રેરણા આપે છે.અટલ જળ યોજના હોય કે પછી જળ જીવન મિશન સાથે જોડાયેલ માર્ગદર્શિકાઓ, તે 2024 સુધીમાં દેશના પ્રત્યેક ઘર સુધી જળ પહોંચાડવાના સંકલ્પને સિદ્ધ કરવામાટેનું એક મોટુ પગલું છે.

સાથીઓ,

આ પાણી જ તો છે જે ઘર, ખેતર અને ઉદ્યોગ, સૌને પ્રભાવિત કરે છે અને આપણે ત્યાં પાણીના સ્રોતોની શું સ્થિતિ છે તે કોઈનાથી છુપાયેલી નથી.પાણીનું આ સંકટ એક પરિવારના રૂપમાં, એક નાગરિકના રૂપમાં આપણા માટે ચિંતાજનક તો છે જ, પરંતુ એક દેશના રૂપમાં પણ તે વિકાસને પ્રભાવિત કરે છે.ન્યુ ઇન્ડિયાને આપણે જળ સંકટની દરેક પરિસ્થિતિ સામે લડવા માટે તૈયાર કરવાનું છે.તેના માટે અમે પાંચ સ્તર પર એક સાથે કામ કરી રહ્યા છીએ.

પહેલું- પાણી સાથે સંકળાયેલા જે વિભાગો છે અમે તેના માટે રહેલીમાન્યતાઓને તોડી.

બીજું- ભારત જેવા વિવિધતાથી ભરેલા દેશમાં અમે દરેક ક્ષેત્રની પાયાની સ્થિતિને જોઈએ યોજનાઓનું સ્વરૂપ નક્કી કરવા પર ભાર મૂક્યો.

ત્રીજું- જે પાણી ઉપલબ્ધ થાય છે, તેના યોગ્ય સંગ્રહ અને વિતરણ પર ધ્યાન આપ્યું.

ચોથું- પાણીના એક એક ટીપાનો ઉપયોગ થાય, પાણીનું રિસાયકલીંગ થાય, તેને યોજનાઓમાં પ્રાથમિકતા આપી.

અને

પાંચમું- સૌથી મહત્વપૂર્ણ- જાગૃતિ અને જનભાગીદારી.

સાથીઓ,

ચૂંટણી પહેલા જ્યારે અમે પાણી માટે સમર્પિત એક જળશક્તિ મંત્રાલયની વાત કરી હતી, તો કેટલાક લોકોને લાગ્યું કે આ કયા પ્રકારનો વાયદો છે.પરંતુ બહુ ઓછા લોકોએ એ વાત નોંધી કે શા માટે તેની જરૂર હતી.
સાથીઓ,વર્ષોથી આપણે ત્યાં પાણી સાથે જોડાયેલ વિષય, પછી તે સંસાધન હોય, સંરક્ષણ હોય, વ્યવસ્થાપન હોય, બધા જ અમલીકરણ અને કામ જુદા-જુદા વિભાગો અને મંત્રાલયોમાં રહ્યા.એટલે એક રીતે કહીએ તો જે સીલોની હું વાત કરું છું, તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ હતું.આ કારણે ક્યાંક રાજ્ય અને કેન્દ્ર સરકારમાં, ક્યાંક કેન્દ્ર સરકારના જુદા જુદા મંત્રાલયોમાં, ક્યાંક જુદા-જુદા વિભાગો અને મંત્રાલયોની વચ્ચે અવાર-નવાર વિવાદ થતો રહેતો હતો, કંઈક ને કંઈક સમસ્યાઓ આવતી રહેતી હતી.તેનું નુકસાન એ થયું કે પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે જે સમગ્રતયા પહોંચ હોવી જોઈતી હતી, તે પહેલાની સરકારોના સમયમાં અપનાવી શકાઈ નહી.જળ શક્તિ મંત્રાલયે આ વિભાગીય પહોંચમાંથી પાણીને બહાર કાઢ્યું અને વ્યાપક પહોંચ પર ભાર મૂક્યો.આ વખતના ચોમાસામાં જ આપણે જોયું છે કે સમાજ તરફથી, જળ શક્તિ મંત્રાલય તરફથી જળ સંરક્ષણ માટે કેવા વ્યાપક પ્રયાસો થયા છે.

સાથીઓ,જે ક્ષેત્રીય વિવિધતાની મેં વાત કરી હતી, તે પાણી સાથે જોડાયેલ યોજનાઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે.આપણે ત્યાં તો કહેવાય છે કે દર કોશે પાણી બદલાઈ જાય છે.હવે જે દેશ આટલો વૈવિધ્યપૂર્ણ હોય, આટલો વિસ્તૃત હોય, ત્યાં પાણી જેવા વિષય માટે આપણે દરેક ક્ષેત્રની જરૂરિયાતોને જોતા આગળ વધવું પડશે.આ જ વિચારધારાએ અટલ જળ યોજનાનો આધાર નક્કી કર્યો છે.એટલે કે એક બાજુ જળ જીવન મિશન છે, જે દરેક ઘર સુધી પાઈપ વડે પાણી પહોંચાડવાનું કામ કરશે અને બીજી બાજુ અટલ જળ યોજના છે, જે તે ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપશે જ્યાં ભૂગર્ભ જળ ખૂબ ઊંડા ઉતરી ગયા છે.આ યોજના વડે મહારાષ્ટ્ર, હરિયાણા, કર્ણાટક, રાજસ્થાન, યુપી, એમપી અને ગુજરાત, આ સાત રાજ્યોના ભૂગર્ભજળને ઉપર ઉઠાવવામાં ઘણી મદદ મળશે.આ સાત રાજ્યોના 78જિલ્લાઓમાં, 83૦૦થી વધુ ગ્રામ પંચાયતોમાં ભૂજળનું સ્તર ચિંતાજનક સ્થિતિમાં છે.તેનું શું નુકસાન ત્યાંના લોકોને ઉઠાવવું પડે છે, તે અત્યારે આપણી સાથે લાઈવ જોડાયેલા સાથીઓ ખૂબ સારી રીતે જાણે છે.આ ક્ષેત્રોના ખેડૂતોની, પશુપાલકોની, નાના ઉદ્યમીઓની, ત્યાંની મહિલાઓની સમસ્યાઓ કોઈનાથી છુપાયેલી નથી.

સાથીઓ,

લોકોને આ સમસ્યાઓમાંથી મુક્તિ મળે, જળ સ્તરમાં સુધારો થાય, તેની માટે આપણે જાગૃતતા અભિયાન ચલાવવા પડશે, કૃત્રિમ બુદ્ધિમત્તા, ઈન્ટરનેટ ઑફ થિંગ્સ અને જરૂરી માહિતીને જોડવી પડશેઅને સૌથી મુખ્ય વાત, આપણે જળ સંરક્ષણ અને સંવર્ધન પર ભાર મુકવો પડશે જેથી પાણીના એક એક ટીપાનો યોગ્ય ઉપયોગ થાય.

આખરે આ થશે કઈ રીતે?

આ ટીમનું નેતૃત્વ કોણ કરશે?

અધિકારી, કર્મચારી, બ્યુરોક્રેટ્સ?

ના.

તેના માટે આપણે તે લોકો સુધી જવું પડશે, તે લોકોને જોડવા પડશે જેઓ પાણીનો ઉપયોગ કરે છે, જેઓ પાણીના સંકટથી પ્રભાવિત છે.તેના માટે આપણે આપણી તે માતાઓ બહેનોની પાસે જવું પડશે જેઓ ઘરોની અસલી મુખિયા હોય છે. ઘરોમાં પાણીનો ઉપયોગ જરૂરિયાત અનુસાર જ થાય, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી રિસાયકલ કરેલા પાણીથી કામ ચલાવવામાં આવે, આ શિસ્ત ઘરોમાં લાવવી જ પડશે.તેના માટે આપણે ખેડૂતોની પાસે પણ જવું પડશે.આપણી ખેતી ભૂજળ સિંચાઈ પર ઘણી વધારે નિર્ભર છે.પરંતુ એ પણ સત્ય છે કે આપણી સિંચાઈના જૂના રીત-રીવાજોથી ઘણું બધું પાણી બરબાદ થઇ જાય છે. તે સિવાય શેરડી હોય, અનાજ હોય, ઘણા બધા એવા પાકો પણ છે જેમને બહુ વધારે પાણીની જરૂર પડે છે.આ પ્રકારના પાકો, જ્યાં થાય છે, ત્યાં ઘણીવાર એવું જોવા મળ્યું છે કે આ જગ્યાઓ પર ભૂગર્ભ જળનું સ્તર ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે.આ સ્થિતિને બદલવા માટે આપણે ખેડૂતોને વરસાદના પાણીના સંગ્રહ માટે, વૈકલ્પિક પાકોની માટે જાગૃત કરવા પડશે, વધુમાં વધુ સુક્ષ્મ સિંચાઈ તરફ આગળ વધવું પડશે, આપણે ટીપા દીઠ વધુ પાકને પ્રોત્સાહન આપવું પડશે.

સાથીઓ,

જ્યારે આપણે ઘરની માટે કઈક ખર્ચ કરીએ છીએ, તો આપણી આવક અને બેંક બેલેન્સ પણ જોઈએ છીએ, આપણું બજેટ બનાવીએ છીએ. એ જ રીતે જ્યાં પાણી ઓછું છે, ત્યાં ગામના લોકોને પાણીનું બજેટ બનાવવા માટે, તે આધાર પર પાક ઉગાડવા માટે આપણે પ્રોત્સાહિત કરવા પડશે અને અહીં અત્યારે જે ગામડાઓમાંથી લોકો આવ્યા છે, જેઓ આપણી સાથે લાઈવ જોડાયેલા છે, તેમને હું જણાવવા માગું છું કે અટલ જળ યોજનામાં સૌથી મોટી જવાબદારી તમારી છે.તમે જેટલું સારું કામ કરશો, તેનાથી ગામનું તો ભલું થશે જ, ગ્રામ પંચાયતોનું પણ ભલું થશે.અટલ જળ યોજનામાં એટલા માટે એ જોગવાઈ પણ કરવામાં આવી છે કે જે ગ્રામ પંચાયતો પાણી માટે વધુ સારું કામ કરશે, તેમને વધુ રકમ આપવામાં આવશે જેથી તેઓ વધારે સારું કામ કરી શકે.

મારા સરપંચ ભાઈઓ અને બહેનો,તમારી મહેનત, તમારો પરિશ્રમ, તમારી ભાગીદારી, દેશના પ્રત્યેક ઘર સુધી જળ પહોંચાડવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે.હું અટલ જળ યોજના સાથે જોડાયેલ તમામ 83૦૦ સરપંચોને કહેવા માંગું છું કે તમારી સફળતા માત્ર અટલ જળ યોજનાને જ સફળ નહી બનાવે પરંતુ જળ જીવન મિશનને પણ મજબૂતી આપશે.

કેવી રીતે?

આ બાબત પણ તમારે જાણવી ખૂબ જરૂરી છે, આ દેશના પ્રત્યેક નાગરિકે પણ જાણવું જરૂરી છે.
સાથીઓ,આઝાદીના આટલા વર્ષો પછી પણ આજે દેશના ૩ કરોડ ઘરોમાં જ નળથી પાણી પહોંચે છે.જરા વિચારો,18 કરોડ ગ્રામિણ ઘરોમાંથી માત્ર ૩ કરોડ ઘરોમાં.70 વર્ષોમાં આટલું જ થઇ શક્યું હતું.હવે આપણે આગામી પાંચ વર્ષોમાં 15 કરોડ ઘરો સુધી પીવાનું સ્વચ્છ પાણી, પાઈપ વડે પહોંચાડવાનું છે.તેના માટે આગામી પાંચ વર્ષોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવા જઈ રહી છે.નિશ્ચિતપણે આ સંકલ્પ વિરાટ છે, પરંતુ આપણી પાસે સફળ થયા સિવાય કોઈ અન્ય વિકલ્પ છે જ નહીં, આપણે સફળ થવાનું જ છે.એવામાં આપણી પ્રતિબદ્ધતા પાયાના સ્તરે, દેશના ગામડે-ગામડે જોવા મળવી ખૂબ જરૂરી છે.આજે જે જળ જીવન મિશનની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, તે આમાં આપણી મદદ કરવાની છે.

સાથીઓ,

જળ જીવન મિશનનું આ અભિયાન માત્ર દરેક ઘર સુધી સ્વચ્છ જળ પહોંચાડવા સુધી જ નથી જોડાયેલું.આપણી માઁ બહેનોને ઘરથી દૂર જઈ પાણી ન લાવવું પડે, તેમની ગરિમાનું સન્માન થાય, તેમની જિંદગી સરળ બને, આ મિશનનું તે પણ એક લક્ષ્ય છે.આજે પણ હું જ્યારે કોઈ વૃદ્ધ માઁને પાણી માટે ભટકતી જોઉં છું, જ્યારે કોઈ બહેનને માથા પર માટલું મૂકીને માઈલો સુધી પગે ચાલીને જતા જોઉં છું તો બાળપણની ઘણી બધી યાદો તાજી થઇ ઉઠે છે.દેશભરની કરોડો આવી બહેનોને પાણી એકઠું કરવાની તકલીફમાંથી મુક્તિ અપાવવાનો સમય આવી ગયો છે.જે રીતે અમે દરેક ઘરમાં શૌચાલય પહોંચાડ્યા, એ જ રીતે દરેક ઘરમાં પાણી પણ પહોંચાડીશું, આ પ્રણ લઈને અમે નીકળી પડ્યા છીએ.જ્યારે સંકલ્પ લઇ લીધો છે, તો તેને પણ સિદ્ધ કરીને બતાવીશું.

સાથીઓ,

ગામની ભાગીદારીવાળી અને સહિયારી આ યોજનામાં ગાંધીજીના ગ્રામ સ્વરાજની પણ એક ઝલક છે.પાણી સાથે જોડાયેલી યોજનાઓ દરેક ગામના સ્તર પર ત્યાંની સ્થિતિ-પરિસ્થિતિ અનુસાર તૈયાર થાય, તે બાબત જળ જીવન મિશનની માર્ગદર્શિકા તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવી છે.એટલું જ નહી,ગ્રામ પંચાયત કે પંચાયત દ્વારા બનાવવામાં આવેલી સમિતિ જ પોતાના સ્તર પર પાણી સાથે જોડાયેલ યોજનાઓ બનાવશે, તેને લાગુ કરશે, તેની દેખરેખ રાખશે અને એટલા માટે,આપણે, પાણીની લાઈનનું આયોજનથી લઈને તેના વ્યવસ્થાપન સુધી ગામને જોડવાનું કામ આપણે કરવાનું છે.આપણે હંમેશા યાદ રાખવાનું છે કે ગામના મારા ભાઈ-બહેનોની પાસે, વડીલોની પાસે પાણીના સ્રોતોને લઈને, પાણીના સંગ્રહ સાથે જોડાયેલ વાતોનો ખજાનો છે.આપણને ગામના લોકોથી વધુ મોટા નિષ્ણાતો બીજા કોણ મળશે?એટલા માટે ગામના લોકોના અનુભવનો આપણે પુરેપુરો ઉપયોગ કરવાનો છે.

સાથીઓ,

આપણી સરકારનો પ્રયાસ, જળ જીવન મિશનમાં વધુમાં વધુ ગામના લોકોને અધિકાર આપવા, તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.આ મિશન માટે દરેક ગામમાં એક વિશેષ કમિટી બનાવવામાં આવશે, ગામના સ્તરે જ એક્શન પ્લાન બનાવવામાં આવશે. મારો એ આગ્રહ રહેશે કે આ કમિટીમાં ઓછામાં ઓછા 50 ટકા ગામની જ બહેનો દીકરીઓ હોય.એટલું જ નહીં, સ્વચ્છ પાણી આવી રહ્યું છે કે નહીં, તેની તપાસ માટે ગામના જ નિવાસીઓ, ત્યાંના દીકરા-દીકરીઓને તાલીમ આપવામાં આવશે.એ જ રીતે, કૌશલ્ય વિકાસ યોજનાના માધ્યમથી મોટા પાયે ગામના યુવાનોને ફીટર, પ્લમ્બર, ઈલેક્ટ્રીશિયન, મિસ્ત્રી, એવા અનેક કામોની તાલીમ આપવામાં આવશે.

હા, આ બધા જ પ્રયાસોની વચ્ચે,કેટલાક દુર્ગમ વિસ્તારોમાં, કેટલાક અંતરિયાળ પહાડી ક્ષેત્રોમાં, હવામાન અને ભૌગોલિક સ્થિતિના કારણે પાઈપલાઈન પહોંચાડવામાં થોડીક મુશ્કેલી જરૂરથી આવશે.આવી જગ્યાઓને શું છોડી દઈશું?ના.આવા સ્થાનો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.ત્યાં પણ એ બાબતની ખાતરી કરવામાં આવશે કે તે ગામના લોકોને શુદ્ધ પાણી મળે.

સાથીઓ,

જળ જીવન મિશન દરમિયાન એક બીજી નવી વસ્તુ કરવામાં આવી રહી છે. આ યોજનાની દેખરેખ માટે અવકાશ ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તા, બંનેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.દરેક ગામડામાં પાણીનો કેટલો સંગ્રહ થઇ રહ્યો છે, કેટલો વપરાશ થઈ રહ્યો છે, પાણીની સ્થિતિ અંગે બધી જ જાણકારી પર સતત નજર રાખવામાં આવશે.

સાથીઓ,

જળ જીવન મિશનમાં સરકારે એ પણ જોગવાઈ કરી છે કે તમારા ગામમાં યોજના પૂરી થઇ ગયા બાદ સરકાર પાણી સમિતિના ખાતામાં સીધા પૈસા મોકલશે. જેથી પાણી સાથે જોડાયેલ વ્યવસ્થાઓની દેખરેખ અને સંચાલન ગામના લોકો જ કરે.મારો અન્ય પણ એક આગ્રહ છે કે દરેક ગામના લોકો પાણી એક્શન પ્લાન બનાવે, પાણી ભંડોળ બનાવે. તમારા ગામમાં પાણી સાથે જોડાયેલ યોજનાઓમાં અનેક યોજનાઓ અંતર્ગત પૈસા આવે છે. ધારાસભ્ય અને સાંસદના ભંડોળમાંથી આવે છે, કેન્દ્ર અને રાજ્યની યોજનાઓમાંથી આવે છે.આપણે એવી વ્યવસ્થા બનાવવી પડશે કે આ બધા પૈસા એક જ જગ્યા પર આવે અને એક જ રીતે ખર્ચ થાય. તેનાથી ટુકડા-ટુકડાઓમાં થોડા-થોડા પૈસા લાગવાને બદલે વધુ પૈસા એકસાથે લગાવી શકાશે.

સાથીઓ,

હું આજે અવસર પર વિશ્વભરમાં વસેલા ભારતીયોને પણ આગ્રહ કરીશ કે તેઓ આ પાવન અભિયાનમાં પોતાનું યોગદાન આપે.હું આજે આ મંચ પરથી, ગામમાં રહેનારા મારા ભાઈ-બહેનોને પણ વિનંતી કરું છું કે તેઓ પાણીના સંગ્રહ માટે, પાણીના વિતરણની વ્યવસ્થાને સંભાળવા માટે, પાણીના રિસાયકલીંગ માટે આગળ આવે.તમે તમારો સમય આપો, તમારો શ્રમ આપો. તમે એક પગલું ચાલશો તો સરકાર 9 પગલા ચાલશે.
આવો, એકસાથે મળીને, કદમથી કદમ મિલાવીને, દેશના સામાન્ય માનવીને સ્વચ્છ પાણીન અધિકાર સાથે જોડાવાની આપણી ફરજ અદા કરીએ.

તમારા પ્રયાસ, તમારી સફળતા, દેશની જળ સુરક્ષા અને ખાદ્ય સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.એક વાર ફરી અટલ જળ યોજના માટે, જળ જીવન મિશન માટે સંપૂર્ણ દેશને શુભકામનાઓ.

ખૂબ-ખૂબ આભાર!!!

NP/DS/RP