Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

તેલંગાણામાં ગજવેલ ખાતે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

તેલંગાણામાં ગજવેલ ખાતે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

તેલંગાણામાં ગજવેલ ખાતે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

તેલંગાણામાં ગજવેલ ખાતે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ


વિશાળ સંખ્યામાં પધારેલા મારા ભાઈઓ અને બહેનો

મારા વ્હાલા ભાઈઓ બહેનો, તેલંગાણા બન્યા પછી આ મારી પહેલી મુલાકાત છે અને હિન્દુસ્તાનમાં તેલંગાણાં સૌથી ઓછી વયનું રાજ્ય છે. માત્ર બે વર્ષ થયા છે. પરંતુ બે વર્ષની આટલી નાની વયમાં તેલંગાણાએ લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે આમ જનતાની જરૂરિયાતો માટે જે રીતે પગલા લીધા છે, તેનાથી મને વિશ્વાસ છે કે જે ઉદ્દેશ સાથે તેલંગાણાની રચના કરાઈ, તેલંગાણાના લોકો તેલંગાણાની સરકાર એ તમામ સ્વપ્નો પૂરા કરીને જ રહેશે. આવો મારો વિશ્વાસ છે.

આજે મને પંચશક્તિના દર્શન થયા. આ પંચશક્તિમાં ભાગ લેવાનો અવસર મળ્યો, જેમાં પાણી પણ છે, પ્રકાશ પણ છે, પરિવહન પણ છે, એકસાથે પાંચ પ્રોજેક્ટ અને તે પણ ભારત સરકાર અને તેલંગાણા સરકાર સાથે મળીને અને આ જ તો સહકારી સમવાયતંત્ર છે. એક સમય હતો, જ્યારે ભારતમાં હંમેશા કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તણાવની ભાષાનો ઉપયોગ થતો હતો. આજે એવો સમય આવ્યો છે કે કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને ભારતને નવી ઊંચાઈઓએ લઈ જવા માટે ખભેખભા મિલાવીને કામ કરી રહ્યા છે. હમણા સંસદમાં આઝાદી પછી સૌથી મોટા આર્થિક સુધારાનું કામ થયું. તેમાં શ્રી ચંદ્રશેખર રાવ અને તેમના પક્ષે ભરપૂર સમર્થન આપ્યું. એ માટે હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું.

આજે હું અહીં જોઈ રહ્યો છું કે ભારત સરકાર અને તેલંગાણા સાથે મળીને વીજળીના કામ હોય, ફર્ટિલાઈઝરનું કામ હોય, રેલવેને લગતું કામ હોય, પાણીને લગતા કામ હોય, સાથે મળીને વિકાસની દિશામાં કદમ ઉઠાવી રહ્યા છે. આ જ માર્ગ છે, જે દેશને આગળ વધારશે. અને હું એક વાત કહીશ. ચંદ્રશેખર રાવ મુખ્યમંત્રી બન્યા પછી મને જેટલી વાર મળ્યા છે, દરેક વખતે તેમણે તેલંગાણાના વિકાસની વાત કરી છે. દરેક વખતે તેઓ પાણી અંગે એટલા લાગણીશીલ બનીને વાત કરતા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે પાણી તેમના જીવનનું ઘણું મોટું મિશન બની ગયું હોય. એકવાર મારી પાસે આવીને કહે, “મોદી જી, મેં મારી ટીમ ગુજરાત મોકલી હતી. અને કચ્છમાં તમે જે રીતે પાણી પહોંચાડ્યું, તેનો અભ્યાસ કરવા માટે ગયા હતા. અને જ્યાં જ્યાં પાણી અંગે સારું કામ થયું છે, હું એનો અભ્યાસ કરી રહ્યો છું. અને હું સમગ્ર તેલંગાણામાં પીવાના પાણી માટે એક લાંબા ગાળાની યોજના ઘડીશ અને ઘેરઘેર પાણી પહોંચાડીશ.”

કેટલાક લોકો એવું માને છે કે સંસાધનો વડે તમામ યોજનાઓ સફળ થાય છે. એ સાચી વાત છે કે સંસાધન તો જોઈએ જ જોઈએ. પરંતુ માત્ર સંસાધનોથી સફળતા નથી મળતી, સંકલ્પ પણ હોવો જોઈએ અને જ્યારે સંકલ્પ હોય છે, ત્યારે લોકો જોડાઈ જાય છે અને ત્યારે સફળતા પ્રાપ્ત થાય છે. આજે કામનો શુભારંભ થયો છે. પરંતુ મને વિશ્વાસ છે કે કામ આગળ વધશે.

ભારત સરકારે પણ એક સપનું જોયું છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. આપણા દેશના ખેડૂતને જો પાણી મળી જાય, તો માટીમાંથી સોનું ઉગાડવાની તાકાત એમનામાં છે. અને એટલે જ સમગ્ર દેશમાં પાણી પહોંચાડવા એક વિશાળ કાર્ય હાથ ધરાયું છે. જ્યાં જ્યાં પાણીના સ્ત્રોતો છે, જ્યાં જ્યાં કાંઠાળો પ્રદેશ છે, જ્યાં જ્યાં સિંચાઈ વિસ્તાર છે અને વર્ષોથી અટવાઈ પડેલી યોજનાઓ છે, ત્યાં આ વિરાટ કાર્ય હાથ ધરાયું છે. થોડા દિવસો અગાઉ અમે કેન્દ્રીય મંત્રીમંડળમાં આ યોજનાઓનો નિર્ણય લીધો છે, જે આવનારા દિવસોમાં દેશના ખેડૂતોને પાણી પહોંચાડવાની દિશામાં એક મહત્ત્વની ભૂમિકા નિભાવશે. ભારતના ગામડા, ભારતનું કૃષિ ક્ષેત્ર, આ આપણી આર્થિક તાકાત છે. આ તાકાત વધારવા માટે આપણે તેના પર પ્રાથમિકતાના ધોરણે ધ્યાન આપવું પડશે. પરંતુ હું તેલંગાણાની ધરતી પરથી દેશવાસીઓને એ પણ કહેવા માગું છું કે જ્યારે પાણી હોય છે, ત્યારે આપણને ક્યારેય પાણીનું મૂલ્ય સમજાતું નથી. ખૂબ તરસ લાગી હોય અને દૂર સુધી ક્યાંયે પાણી નજરે ચઢે નહીં, ત્યારે માણસના શા હાલ થાય છે. જ્યારે પાણી નથી હોતું, ત્યારે ખબર પડે છે. પરંતુ જ્યારે પાણી હોય છે, ત્યારે એના પ્રત્યે સૌથી વધુ દુર્લક્ષ સેવાય છે. અને એટલે જ આપણો નાગરિક ધર્મ છે કે આપણે પાણીની બચત કરીએ. જો પાણી બચશે, તો પાણી પહોંચશે અને પાણી પહોંચશે તો એક નવી જિંદગી મળશે. અને એટલે જ વરસાદનું એક-એક ટીપું પાણી કેવી રીતે બચાવી શકાય તે જોવું જોઈએ.

તમારામાંથી કોઈને જો પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મ સ્થાન પર જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય, અથવા ક્યારેય જવાની તક મળે, તો મારી તમને વિનંતી છે કે એકવાર જરૂર જુઓ કે મહાત્મા ગાંધી ક્યાં જન્મ્યા હતા, ત્યાં તો તમે નમન કરશો અને ફૂલ પણ ચઢાવશો. પરંતુ ત્યાં આજથી 200 વર્ષ પહેલાં વરસાદનું પાણી બચાવવા માટે દરેક ઘરમાં કેવી વ્યવસ્થા રહેતી હતી તે પણ જોજો. જમીનમાં કેવી પાણીની ટાંકી રહેતી હતી. સમગ્ર વર્ષ પાણી ખરાબ ન થાય એ માટે કેવી ટેકનોલોજી હતી. 200 વર્ષ જૂની એ વ્યવસ્થા આજે પણ મહાત્મા ગાંધીના જન્મ સ્થાનને જોવા જઈએ, તો જોવા મળે છે. 200 વર્ષ પહેલા પાણીનું સંકટ ન હતું. એ સમયે પણ આપણા લોકો પાણીનું મહત્ત્વ સમજતા હતા અને આજે તો સમગ્ર દુનિયા પાણીના સંકટનો સામનો કરી રહી છે. ત્યારે આપણી જવાબદારી વધી જાય છે અને એટલે જ આ યોજના હેઠળ માત્ર પાણી પીવાનો આનંદ ન હોવો જોઈએ. પાણીને પ્રસાદની જેમ સાચવવાનો જવાબદારી ભાવ પણ વધતો જતો હોવો જોઈએ. ત્યારે જ લાભ થશે.

આજે અહીં એક વીજળીના કારખાનાનો શિલાન્યાસ થયો. વીજળીના એક કારખાનાનું લોકાર્પણ થયું. જે રાજ્યો ક્યારેક વીજળીના અભાવથી પિડાતા હતા. અછત હતી. આજે હું ગર્વ સાથે કહી શકું છું કે ભારત સરકાર અને અમારા પીયૂષ ગોયલજી અને તેમના મંત્રાલયે બે વર્ષમાં એવી સ્થિતિ સર્જી આપી છે કે જે રાજ્યો વીજળીના અભાવથી પરેશાન હતા, તેવા રાજ્યોને વીજળીથી સમૃદ્ધ રાજ્યો બનાવી દીધા છે. જો ઈરાદો સારો હોય, સામાન્ય માનવીની જરૂરિયાતો પૂરી પાડવાનો ઈરાદો હોય, તો સમસ્યાઓમાંથી ઉકેલ પણ જડી આવે છે. અને હમણા પીયૂષજી મને જણાવી રહ્યા હતા કે અગાઉ તેલંગાણાએ જો વીજળી ખરીદવી હોય તો એક યુનિટનો ખર્ચ લગલગ અગિયાર -સાડા અગિયાર રૂપિયા થતો હતો. યુનિટદીઠ અગિયાર – સાડા અગિયાર રૂપિયા, ભાઈઓ-બહેનો. આજે ભારત સરકારે જે રીતે વીજળી ક્ષેત્રે સુધારા કર્યા છે, વીજળીનું ઉત્પાદન વધ્યું છે.

ટ્રાન્ઝિશન લાઈન માટે ખર્ચ કર્યો. સમગ્ર કારોબારને સંતુલિત કર્યો. એનું પરિણામ એ છે કે આજે થોડા સમય પહેલાં જે વીજળી યુનિટ દીઠ અગિયાર – સાડા અગિયાર રૂપિયામાં મળતી હતી, આજની તારીખમાં અત્યારે એ એક રૂપિયો અને દસ પૈસામાં મળે છે. રાજ્યની તિજોરીમાં કેટલા પૈસાની બચત થશે. રાજ્યની તિજોરીમાં પૈસા આવશે, તો રાજ્યના લોકોની ભલાઈ માટે કેટલા કામ થઈ શકશે. આ બધા વિશે તમે સારી રીતે અનુમાન બાંધી શકો છો. એટલા માટે ભાઈઓ બહેનો, વીજળી ક્ષેત્રે આપણે ન્યુક્લિયર પાવર પર વધુ ભાર આપી રહ્યા છીએ. હાઈડ્રો પર ભાર મૂકીએ છીએ. કારણ કે પાણી, પ્રકાશ આ જીવનની સૌથી મોટી અનિવાર્યતા હોય છે. અને બંને ચીજો પરમાત્મા પાસેથી મળે છે. પાણી પણ પરમાત્માની કૃપાથી આવે છે અને પ્રકાશ પણ સૂરજ દેવતાની કૃપાથી આવે છે અને એટલા માટે સોલર એનર્જી – સૌર ઊર્જા પર ભાર મૂકવામાં આવ્યો છે.

હું હમણા મુખ્યમંત્રીજી સાથે વાત કરતા જણાવી રહ્યો હતો કે તમારો જે પાણી પહોંચાડવાનો પ્રયોગ છે તેને સોલર એનર્જી સાથે સાંકળી દો. એટલે પાણી પહોંચાડવાનો સમગ્ર પ્રયોગ વીજ ખર્ચમાંથી સંપૂર્ણ મુક્ત થઈ જશે. એટલે તેને નાણાંકીય રીતે પરવડે તેવો બનાવવામાં સરળતા રહેશે. એક જમાનો હતો, જ્યારે દેશમાં એક હજાર મેગાવોટથી પણ ઓછી સોલર એનર્જી હતી. એક હજારથી પણ ઓછી. આજે બે વર્ષની અંદર તો એ ત્રણ હજાર મેગાવોટ કરતા પણ વધુ થઈ છે. કામની ગતિ કેટલી ઝડપી છે. કામની માત્રા કેટલી વિશાળ છે. તમે તેનો અંદાજ બાંધી શકો છો.

તમે જે રેલવે લાઈનની કેટલાયે વર્ષોથી માગણી કરી રહ્યા હતા, તે રેલવે લાઈનનો આજે અહીં શિલાન્યાસ થઈ રહ્યો છે. કેટલાયે પ્રધાનમંત્રી આવીને ગયા. આપણા પણ આવ્યા, બહારના પણ આવ્યા. દરેક વખતે દરેક સાંસદે આ રેલવે લાઈન માટે દરેક સરકાર પાસે માગણી ઉઠાવી. પરંતુ દૂર-દૂર સુધી ક્યાંયે રેલવે લાઈન નજરે ચઢી ન હતી. આજના યુગમાં વિકાસ માટે કનેક્ટિવિટી ખૂબ જરૂરી છે. માળખાકીય સેવાઓનું આર્થિક સ્વરૂપ છે. અને એટલે અમે સમગ્ર દેશમાં આર્થિક વિકાસ અને રેલવે જોડાણોને સાથે લઈને આગળ વધવાની યોજના ઘડી રહ્યા છીએ. પહેલા તો રેલવેની સ્થિતિ એવી હતી કે ચાર સાંસદ એકઠા થઈને થોડો અવાજ કરે તો રેલવે મંત્રી કહે દે કે સારું, ઠીક છે, ચાલો એક ડબ્બો તમને આપીશું. ચાર સાંસદ બીજા જોડાય તો કહી દે કે ઠીક છે, અહીં તમને સ્ટોપેજ આપી દઈશું. રેલવે આવી રીતે જ ચાલતી હતી. અમે દેશના આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને, આમ જનતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ધરમૂળથી ફેરફારો કર્યા. રેલવેનું રાષ્ટ્રીયકરણ કરીને અમે રેલવેનો વિકાસ સાધવા ઈચ્છીએ છીએ. અને આજે આ યોજના હેઠળ, તેલંગાણાની લાંબા સમયની માગણી – રેલવે પ્રોજેક્ટ અમે પૂરી કરી રહ્યા છીએ. અને મને વિશ્વાસ છે કે જો કોઈ અડચણ નહીં આવે તો નિર્ધારિત સમય મર્યાદામાં આ રેલવે પ્રોજેક્ટ પણ પૂરો કરી દઈશું. આમ જનતાની આવશ્યકતા મુજબ આજે તેલંગાણાના ઈતિહાસમાં સૌપ્રથમ વાર અને સૌ પહેલા ફર્ટિલાઈઝર કારખાનાનો શિલાન્યાસ થયો છે.

તેલંગાણા નજીક ફર્ટિલાઈઝરનું કોઈ કારખાનું નથી. ખેડૂતને યુરિયા જોઈએ. ખેડૂતને ખાતર જોઈએ. જો ખાતરનું ઉત્પાદન નહીં થાય, તો ખાતરની માંગ વધતી જાય છે, ફર્ટિલાઈઝરની માંગ વધતી જાય છે, તેને આપણે પૂરી નહીં કરી શકીએ. પહેલા ખેડૂતોને ખુશ કરવા માટે ફર્ટિલાઈઝરમાં આટલી સબસીડી આપીશું તેવી જાહેરાતો કરવામાં આવતી હતી. અખબારોમાં છાપવામાં આવતી હતી. ચૂંટણીઓ પૂરી થાય ત્યાં સુધી કામ ચાલી જતું હતું. રાજકીય નેતાઓનું કામ નીકળી જતું હતું. પરંતુ મારો ખેડૂત ત્યાંનો ત્યાં જ રહી જતો હતો. કેમકે સબસીડીની જાહેરાત તો થતી હતી, પરંતુ ફર્ટિલાઈઝર જ નહોતું મળતું, તો સબસીડી ક્યાંથી મળે. આ જ ધંધો હતો. ભાઈઓ બહેનો, અમે ખેડૂતોને ફર્ટિલાઈઝર પહોંચાડવાની બાબત પર ભાર મૂક્યો છે. અગાઉ ખેડૂત કાળા બજારમાંથી ફર્ટિલાઈઝર ખરીદવા મજબૂર થઈ જતો. યુરિયા ખરીદવા માટે મજબૂર થઈ જતો હતો. કેટલાક પ્રદેશોમાં તો ફર્ટિલાઈઝર ખરીદવા માટે લોકોને રાતભર હરોળબંધ ઊભા રહેવું પડતું હતું. ક્યારેક ક્યારેક પોલીસના ડંડા પણ ખાવા પડતા હતા. અને એમ છતાં પણ ફર્ટિલાઈઝર મળતું ન હતું. અને જ્યારે હું પ્રધાનમંત્રી બન્યો ત્યારે મોટા ભાગના મુખ્યમંત્રીઓની ચિટ્ઠીઓ મને મળી, તેમાંથી પહેલી જે ચિટ્ઠી મળી, તેમાં લખ્યું હતું કે સાહેબ, સીઝન છે અને યુરિયાની ખેંચ પડી રહી છે. અમારા રાજ્યને આટલું યુરિયા આપો. લગભગ બધા રાજ્યો પ્રધાનમંત્રીને યુરિયા માટે પત્ર લખતા હતા. આજે હું ઘણા સંતોષ સાથે કહી શકું છું. આજે મારા ખેડૂત ભાઈઓ બહેનો સામે માથું નમાવીને કહી શકું છું કે છેલ્લા એક બે વર્ષથી કોઈ પણ મુખ્યમંત્રીએ યુરિયા માટે પત્ર લખવો પડ્યો નથી.

શ્રી અનંતકુમારજીના નેતૃત્ત્વ હેઠળ ફર્ટિલાઈઝર ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ લઈને આવ્યા છીએ. લીમડાનો ઢોળ ચઢાવેલું યુરિયા, જેના કારણે યુરિયા વધુ અસરકારક બન્યું છે. તેનાથી જમીનને ફાયદો થાય છે અને જમીન વધુ સારી બને છે. લીમડાના ઢોળને કારણે યુરિયામાં એ તાકાત આવી છે. જેના કારણે યુરિયાની ચોરી થતી હતી અને ચોરાયેલું યુરિયા કેમિકલ ફેક્ટરીઓમાં પગ કરી જતું હતું. સબસીડીનો લાભ મેળવાતો હતો, ખેડૂતોને નામે, પરંતુ કેટલાક લોકોના ખિસ્સામાં સબસીડીની રકમ સરકી જતી હતી. અને કેમિકલના કારખાનાંઓમાં સસ્તા ભાવે ફર્ટિલાઈઝર પહોંચી જતું હતું. એ લોકો પોતાના કેમિકલ બનાવીને દુનિયામાં વેચતા હતા. ખેડૂત બિચારો ત્યાંનો ત્યાં જ રહી જતો હતો. લીમડાનો ઢોળ ચઢાવવાને કારણે હવે કોઈ કેમિકલ ફેક્ટરી માટે એક ગ્રામ યુરિયા પણ કામ નહીં આવી શકે. ભ્રષ્ટાચાર પણ ગયો, ચોરી પણ અટકી ગઈ, સરકારી તિજોરી લૂંટાતી હતી તે પણ બંધ થયું. અને ખેડૂતને એ યુરિયા સહેલાઈથી મળવા લાગ્યું. આઝાદી મળ્યા પછી પહેલી જ વાર ફર્ટિલાઈઝરના ભાવ ઘટ્યા. એક – એક બોરી દીઠ બસો રૂપિયા, અઢીસો રૂપિયાનો ભાવ ઘટાડો પહેલી વાર ઘટાડો શક્ય બન્યો.

ભાઈઓ બહેનો, જો સમાજના ભલા માટે કામ કરે છે, ખેડૂતોના અને ગામના ભલા માટે કામ કરે છે, તો કેવી રીતે પરિવર્તન લાવી શકાય છે. જો યુરિયાને જ અભ્યાસ માટે ધ્યાન પર લેવાય, તો જોવા મળશે કે જે રીતે હમણા ચંદ્રશેખર રાવ ભારત સરકારની ઈમાનદારીની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે, એવી એક સારી સરકાર હોય છે. તેઓ પોતે ભારત સરકારમાં કામ કરી ચૂક્યા છે. તેમણે ભારત સરકારને નજીકથી જોઈ છે. ભારતીય જનતા પક્ષના નથી. તેઓ કહી રહ્યા છે કે વર્ષો પછી દિલ્હીમાં એક ઈમાનદાર સરકાર બેઠી છે, તેનું પરિણામ આ આવે છે. તેનું પરિણામ આ આવે છે. પરંતુ ભાઈઓ બહેનો, આપણે કૃષિ ક્ષેત્રે અનેક પરિવર્તનો કરવાની જરૂર છે. આ ફર્ટિલાઈઝર વગેરે એક માર્ગ છે, પરંતુ આપણી આ ધરતી માતાની તબિયતનો પણ ખ્યાલ રાખવો પડશે. જો આ ધરતી માતા બીમાર થાય તો પછી ગમે તેટલા નવા નવા સંશોધન થાય, પરંતુ ક્યારેક ને ક્યારેક તો આ માતા આપણાથી રિસાઈ જશે. અને ખેડૂતો માટે તો ધરતી માતાથી ઊંચા સ્થાને કોઈ માતા નથી હોતી. અને એટલે જ અમે સોઈલ હેલ્થ કાર્ડ દ્વારા આ ધરતી માતા પ્રત્યે ધ્યાન આપ્યું છે. જમીનમાં ખામી હોય તો કેવી રીતે એ દૂર કરી શકાય. તેની શક્તિ હોય તો તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય. એની પર ભાર મૂકવાનો પ્રયાસ કર્યો છે.

હમણા હમણા ગાયને નામે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ હિમાચલના અમારા ગવર્નર સાહેબ છે. તેઓ પોતે કૃષિ ક્ષેત્રમાં અનેક પ્રયોગો કરનારા વ્યક્તિ છે. તેમણે એક મોટું અભિયાન શરૂ કર્યું છે. હિમાચલમાં જે ગાયો લોકોએ ત્યજી દીધી છે, તેવી ગાયોને તેઓ પકડી પકડીને ખેડૂતોને આપી રહ્યા છે. દૂધ નહીં આપતી ગાયો ખેડૂતોને આપે છે અને ખેડૂતોને કહે છે કે તમે તમારી ખેતી સાથે ગાયને જોડી દો. ગાયનાં મળમૂત્ર તમારી ખેતીમાં એક નવી શક્તિ આપશે. તેમણે પોતે આ પ્રયોગ કર્યાં છે. સફળ પ્રયોગ કર્યાં છે. અને એટલે જ જે લોકો ગાયની ભક્તિમાં વિશ્વાસ ધરાવે છે, જે લોકો પણ ગાયની સેવામાં વિશ્વાસ ધરાવે છે, તે બધાને મારો આગ્રહ છે કે આપણે ગાયને કૃષિ સાથે જોડી દઈએ. ખેતી સાથે ગાયને જોડો. ગાય ક્યારેય બોજ નહીં બને. અને મહાત્મા ગાંધી ગાય માટે એક સુંદર વાત કહેતા હતા. મહાત્મા ગાંધી કહેતા હતા કે આપણી માતા બાળપણથી અમુક સમય સુધી આપણને દૂધ પિવડાવે છે. આપણું પોષણ કરે છે. પરંતુ ગાય માતા આપણને જીવનભર દૂધ પિવડાવે છે અને આપણું પાલનપોષણ કરે છે. ગાય માતા તો મૃત્યુ પછી પણ મનુષ્યના કામમાં આવે છે. જે રીતે વૃક્ષ અને છોડ એક સંપત્તિ છે, વેલ્થ છે, તે જ રીતે આપણા પશુઓ પણ આપણું ધન, વેલ્થ, સંપત્તિ છે. તેનું એક યોગ્ય રીતે આયોજન કરીને રાષ્ટ્રના આર્થિક વિકાસ સાથે તેને જોડવાની જરૂર છે. અને ક્યારેક ક્યારેક ચિંતા પણ સતાવે છે. જે લોકો સમાજના તાણાંવાણાંને તોડવામાં પ્રવૃત્ત બન્યા છે, જે લોકો સમાજને અસ્ત વ્યસ્ત કરવા તૈયાર થઈ ગયા છે, જે લોકો હિન્દુસ્તાનની એકતાની વાત સાંભળીને પરેશાન થઈ જાય છે, એવા કેટલાક ગણ્યાંગાંઠ્યા લોકો ગૌરક્ષાને નામે સમાજમાં ઘર્ષણ પેદા કરવાના પ્રયાસો કરી રહ્યા છે.

હું તમામ દેશવાસીઓને કહેવા ઈચ્છું છું કે આવા બનાવટી, આવા નકલી ગૌ રક્ષકોથી સાવધાન થાઓ. હું રાજ્ય સરકારોને પણ કહું છું કે આપણી કૃષિને બચાવવા માટે, આપણા ખેડૂતોને બચાવવા માટે આપણા ગામડાઓને બચાવવા માટે અને જે વાત વિનોબા ભાવે કહેતા હતા, જે વાત મહાત્મા ગાંધી કહેતા હતા, જે ગૌ રક્ષા માટે વિનોબાજીએ આમરણ અનશન કર્યાં હતા, જે ગૌ રક્ષા માટે ભારતના બંધારણમાં નિર્દેશ છે તે ગૌ રક્ષા માટેની આ વાત છે. જે વાતને ગાંધીજીએ સ્વીકારી, તે ખોટી ન હોઈ શકે. પરંતુ આ જે બનાવટી ગૌ રક્ષક છે, જેમને ગાય સાથે કોઈ લેવાદેવા નથી, તેઓ સમાજમાં તણાવ ઊભો કરવા માંગે છે અને એટલે જ હું આપણી સરકારોને કહેવા ઈચ્છું છું, એટલે જ તમે પણ આવા બનાવટી ગૌ રક્ષકોની ચકાસણી કરો. તેમની સામે કડક કાર્યવાહી કરો. અને સાથે સાથે હું સાચા ગૌ ભક્તોને પ્રાર્થના કરવા ઈચ્છું છું, સારા ગૌ પૂજકોને પ્રાર્થના કરવા માંગું છું. તમે પણ સજાગ રહો. ક્યાંક તમારું આ ઉમદા કાર્ય ગણ્યાં ગાંઠ્યા લોકો પોતાના અંગત સ્વાર્થ માટે ઉજાડી ન નાંખે. આવા લોકોને શોધી કાઢવા તમે પણ આગળ આવો. આવા લોકોની આવા પ્રકારની પ્રવૃત્તિઓને સમાજ સામે ઉઘાડી પાડી દો, જેથી આવા લોકો પોતાના ઈરાદામાં સફળ ન થાય.

ભારત વિવિધતા ભર્યો દેશ છે, વિવિધ માન્યાતાઓ ધરાવતો દેશ છે. અનેક સાંપ્રદાયિક માન્યતાઓ સાથે ચાલનારો દેશ છે. દેશની એકતા અખંડિતતા, આપણી પ્રાથમિક જવાબદારી છે. અને એટલે જ તેને પરિપૂર્ણ કરવા માટે આપણે બધા દેશવાસીઓ સકારાત્મક રૂપે ગૌ સેવા કરીએ, ગૌ ભક્તિ કરીએ, ગૌ પૂજા કરીએ, ગૌ સમર્થન કરીએ, એ તો રાષ્ટ્રની સંપત્તિ વધારવા જેવું છે. એનાથી રાજ્ય રાજ્ય માટે મુશ્કેલી ઊભી નથી થતી, પરંતુ બનાવટી લોકો દેશને અને સમાજને નષ્ટ કરી નાંખે છે. તેમની સામે જાગૃત થવાની જરૂર છે. આવા લોકોને અળગા કરવાની જરૂર છે. આવા લોકોને ખુલ્લા પાડવાની જરૂર છે. આવા લોકોને દંડ ફટકારવાની જરૂર છે. ત્યારે જ આપણે સહુ ગૌરવભેર દેશને નવી ઊંચાઈઓએ લઈ જઈ શકીશું.

ભાઈઓ બહેનો, દરેક સમસ્યાનું સમાધાન એક જ વાતમાં છે. આપણી તમામ આવશ્યકતાઓ માત્ર અને માત્ર વિકાસને માર્ગે જ પૂરી થશે. આજે મને ખુશી છે કે રાજ્યો-રાજ્યો વચ્ચે વિકાસની સ્પર્ધા થઈ રહી છે. દરેક રાજ્યને લાગે છે કે હું આ રાજ્યથી આગળ નીકળી જાઉં. આ તંદુરસ્ત સ્પર્ધા દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે. અને એટલે જ હું તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આહ્વાન આપું છું. આવો, રાજ્યો-રાજ્યો વચ્ચે વિકાસની સ્પર્ધા કરો. રાજ્યો અને કેન્દ્ર વચ્ચે વિકાસની સ્પર્ધા યોજાય. દરેક ગામ, ગલી, મોહલ્લામાં વિકાસની સ્પર્ધા થાય.

આણે આટલું કર્યું, તો હું આટલું કરીને બતાવું. એણે આટલામાં કર્યું તો હું તેનાથી ઓછામાં કરીને બતાવું. તેણે આટલું સુંદર બનાવ્યું, તો હું તેનાથી પણ વધુ સારું બનાવીશ. આ માહોલ સર્જવાના પ્રયાસ કરવાની જરૂર છે. દેશ જોતજોતામાં નવી ઊંચાઈઓ આંબી જશે. હું ફરી એકવાર આદરણીય મુખ્યમંત્રીઓનો આભારી છું. જેટલા વિષય તેમણે રાખ્યા છે, હું તેલંગાણા વાસીઓઓને વિશ્વાસ આપું છું, દિલ્હી સરકાર વિકાસના દરેક કાર્યમાં ખભેખભા મિલાવીને તમારી સાથે ચાલશે. આપણે સાથે મળીને વિકાસની ઊંચાઈઓ સર કરીશું. હવે દિલ્હી તમારા માટે દૂર નથી. તમારું હૈદરાબાદ જેટલું તમારું છે, દિલ્હી પણ એટલું જ તમારું છે. આ વિશ્વાસ સાથે આગળ વધો. ખૂબ ખૂબ આભાર.

J.Khunt/TR/GP