Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

અમદાવાદમાં નવી સિવિલ, કેન્સર અને આંખની હોસ્પિટલના ઉદઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

અમદાવાદમાં નવી સિવિલ, કેન્સર અને આંખની હોસ્પિટલના ઉદઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

અમદાવાદમાં નવી સિવિલ, કેન્સર અને આંખની હોસ્પિટલના ઉદઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

અમદાવાદમાં નવી સિવિલ, કેન્સર અને આંખની હોસ્પિટલના ઉદઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


સૌથી પહેલા આપ આપણા દેશના વીર જવાનોના નામે પોતાના મોબાઈલ ફોન કાઢીને, તેની બેટરીની ફ્લેશ ચાલુ કરીને આપણે વીરોનું સન્માન કરીશું. દરેકના મોબાઈલ ફોનની ટોર્ચને ચાલુ રાખો. હું ત્રણ જયકાર બોલાવીશ. તમારે સૌએ પણ ત્રણ જયકાર બોલવાના છે. આ ભારત માતાનો જયકાર છે –

પરાક્રમી ભારત માટે – ભારત માતાની – જય

વિજયી ભારત માટે – ભારત માતાની – જય

દેશના વીર જવાનો માટે – ભારત માતાની – જય

આપ સૌનો ખૂબ-ખૂબ આભાર

અહીં પધારેલા સૌ ઉત્સાહી પ્રિય ભાઈઓ અને બહેનો

મન કરે છે કે આજે ઘણું બધુ જણાવી દઉં. આજે અમદાવાદના વિકાસ માટે અહીંના જન-જન માટે ઐતિહાસિક દિવસ છે. થોડી વાર પહેલા અમદાવાદ મેટ્રોના પહેલા તબક્કાનું લોકાર્પણ થયું છે અને સાથે-સાથે બીજા તબક્કાનો શિલાન્યાસ પણ થયો છે અને હવે અહીં અમદાવાદની જ નહીં, પણ ગુજરાતની, દેશની એક ખૂબજ મોટી આરોગ્ય સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અમદાવાદના જીવનને પરિવર્તીત કરનારી આ પરિયોજના માટે હું આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ, આપ સૌની જેમ જ આજે મારું પણ વર્ષો જૂનું સપનું પૂરું થયું છે. અહીં આવતા પહેલા મેં અમદાવાદ મેટ્રોની સવારી કરી. એ દરમિયાન લોકોનો ઉત્સાહ અને તેમની ખુશીનો અનુભવ કર્યો, સાચે જ મન આનંદથી ભરાઈ ગયું. ઉત્તરાયણમાં જે રીતે લોકો ધાબા પરથી પતંગ ઊડાડે છે, એ જ રીતે આજે ધાબા પર ઊભા રહીને લોકો પોતાની મેટ્રોનું સ્વાગત કરી રહ્યા હતા. સમગ્ર રસ્તામાં કદાચ જ કોઈ ધાબું એવું હશે, જેના પર લોકો ભેગા ન થયા હોય. મેટ્રો અમદાવાદવાસીઓનું બહુ મોટું સપનું હતું, જે આજે હકીકતમાં બદલાઈ ગયું છે.

સાથીઓ, પહેલા તબક્કા પર તો મેટ્રો ચાલી ગઈ છે, બીજા તબક્કાનો શિલાન્યાસ પણ આજે થઈ ગયો છે, એક કામ પૂરું અને બીજા પર કામ શરૂ, એ પણ અમારી સરકારની એક વિશેષતા છે. એક થઈ જાય તો અમે સૂતા નથી, બીજા માટે તૈયારી કરીએ છીએ.

આપ શું સમજ્યા, હું શું કહી રહ્યો હતો? પોત-પોતાના હિસાબે અર્થ કાઢતા માત્ર કોંગ્રેસને જ આવડે છે, આપ એવું ન કરો. દસ હજાર કરોડ રૂપિયાથી વધુના રોકાણથી બની રહેલી મેટ્રોથી અમદાવાદના લોકોના જીવનમાં મોટું પરિવર્તન આવવાનું છે. લાખો અમદાવાદીઓને તેનાથી લાભ થવાનો છે. કલ્પના કરો ઓફિસ જનારા સાથીઓને, અહીંના ઉદ્યમીઓને, શાળા-કોલેજ જનારા વિદ્યાર્થીઓને કેટલી રાહત મળવાની છે, સમયની કેટલી બચત થવાની છે અને આનાથી અમદાવાદમાં ટ્રાફિક સાથે જોડાયેલી સમસ્યાઓ તો ઓછી થશે જ, પર્યાવરણનું નુકસાન પણ ઓછું થશે અને આપ અમારો જૂનો મંત્ર જાણો જ છો – જેનો શિલાન્યાસ અમે કરીએ છીએ તેનું ઉદઘાટન પણ અમે જ કરીએ છીએ. આનો અર્થ શું થયો? નહીં આનો અર્થ શું થયો? આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે આજે જે મેટ્રોનો શિલાન્યાસ કર્યો છે, ત્રણ-ચાર-પાંચ વર્ષ, જ્યારે પણ પુરું થશે, અમે જ હોઈશું અને આ બધુ કેવી રીતે થઈ રહ્યું છે – આપના આશીર્વાદથી થઈ રહ્યું છે.

સાથીઓ, દેશને આ પરિવહનની સુવિધા આપવા માટે અમારી સરકાર કેટલી ગંભીરતાથી કાર્ય કરી રહી છે, તેનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે વર્ષ 2014 સુધી… આ આંકડા યાદ રાખજો… કેટલાક બુદ્ધિમાન લોકો આંકડા ભૂલી જાય છે. મારા જેવી સીધી-સાદી વ્યક્તિની જેમ આપ પણ યાદ રાખો. 2014ની પહેલા જ્યારે રિમોટ કંટ્રોલથી સરકાર ચાલતી હતી, 2014 સુધી દેશમાં મેટ્રોની કામગીરીનું માળખું માત્ર 250 કિલોમીટર હતું. અને અત્યારે સ્થિતિ એવી છે કે.. 55 મહિનાનો હિસાબ આપી રહ્યો છું… આજે આ માળખું આશરે 650 કિલોમીટર સુધી પહોંચ્યું છે. ક્યાં 250, રિમોટ કંટ્રોલ વાળી સરકાર અને ક્યાં 650, 55 મહિનામાં અને એટલું જ નહીં, દેશના અલગ-અલગ ભાગોમાં આશરે 800 કિલોમીટર મેટ્રો રૂટ પર આજે કામ ચાલી રહ્યું છે. વિચારો, આવનારા સમયમાં શહેરી પરિવહન કેટલું વધુ પરિવર્તીત થઈ રહ્યું છે.

સાથીઓ, અત્યારથી થોડી વાર પહેલા જ મેં એક કોમન મોબિલિટી કાર્ડનો પણ શુભારંભ કર્યો છે, તેનું લોકાર્પણ કર્યું છે અને મારી દ્રષ્ટિએ આજે અમદાવાદને તો જે મળ્યું એ મળ્યું, ગુજરાતને જે મળ્યું એ મળ્યું, પરંતુ આ કાર્યક્રમથી હું સમગ્ર હિંદુસ્તાનને એક નવી ભેટ આપી રહ્યો છું અને આપને પણ તેની બારીકાઈ જાણીને ખુશી થશે અને આ જે રૂપે કાર્ડ છે, તેનાથી જ ચાલનારું કામ છે. આ કાર્ડ યાત્રા દરમિયાન તમારી તમામ સમસ્યાઓને દૂર કરવા જઈ રહ્યું છે. દેશભરમાં લોકો મેટ્રોથી જાય છે, બસથી જાય છે, લોકલ ટ્રેનથી જાય છે, ટોલના પૈસા તમે છે, પાર્કિગના પૈસા તમે છે, જુદી-જુદી જગ્યાએ પૈસા આપવા પડે છે અને તેમાં આપ મોટા ભાગે પાકિટમાંથી કાઢીને પૈસા આપતા હો છો. કેટલીક વાર છૂટા પૈસા હોય છે, કેટલીક વખત નથી હોતા. એમાં અનેક પ્રકારની સમસ્યાઓ પણ આવે છે, સમય જાય છે, એ પણ આપને બરાબર ખબર છે.

આ સમસ્યાઓને દૂર કરવા માટે જ ઑટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમની વ્યવસ્થા વિકસિત કરાઈ છે. પરંતુ તેમાં પણ એક પડકાર એ હતો કે આ પ્રણાલી ભારતે વિદેશથી જ મગાંવવી પડે એમ હતી. અલગ-અલગ કંપનીઓ દ્વારા બનાવાયેલી સિસ્ટમને લીધે દેશમાં એક સંકલિત વ્યવસ્થા વિકસિત થઈ શકતી નહોતી. એટલે કે, એક શહેરનું કાર્ડ બીજા શહેરમાં ચાલતું નહોતું, નકામું થઈ જતું હતું. આ પડકારને દૂર કરવા માટે અમારી સરકારે એક વ્યાપક સ્તરે એક ટાસ્ક ફોર્સ બનાવીને ટેક્નોલોજીની દ્રષ્ટિએ એક નવી સિદ્ધિ હાંસલ કરવાનું કામ શરૂ કર્યું. અનેક મંત્રાલયો, અનેક વિભાગોને આ કામમાં લગાવવામાં આવ્યા. બેન્કોને પણ જોડવામાં આવી. સરકારે તેમને એક જ કામ સોંપ્યું હતું, એક એવી વ્યવસ્થા વિકસિત કરે જે અલગ-અલગ કાર્ડ બનાવવાની સમસ્યાઓને દૂર કરે અને ડિજિટલ લેવડ-દેવડને સરળ બનાવે.

સાથીઓ, તમામ પ્રયાસો બાદ હવે દેશમાં… હવે આપને ખુશી થવી જોઈએ, હવે દેશમાં એક રાષ્ટ્ર, એક કાર્ડનું સપનું સાકાર થઈ ગયું છે. કોમન મોબિલિટી કાર્ડથી આપ પૈસા પણ કાઢી શકશો, શોપિંગ પણ કરી શકશો અને દેશભરમાં… માત્ર અમદાવાદ જ નહીં… દેશના કોઈ પણ મેટ્રો કે પરિવહનના અન્ય સાધનોમાં પણ આપને એ જ રૂપે કાર્ડ કામમાં આવશે. જો હું વધુ સરળ શબ્દોમાં સમજાવું – તો હવે આપના રૂપે ડેબિટ કાર્ડ અને મોબિલિટી કાર્ડને ભેળવીને એક કરવામાં આવ્યા છે.

સાથીઓ, આ વ્યવસ્થાની સાથે જ હવે વિદેશી ટેકનોલોજી પરની ભારતની નિર્ભરતા દૂર થઈ છે, હવે જે કંઈ પણ છે એ મેડ ઈન ઈન્ડિયા છે. હવે ભારત વિશ્વના કેટલાક એવા ગણ્યાં-ગાંઠ્યા દેશોની યાદીમાં સામેલ થયો છે જેની પાસે આ પ્રકારની ટેકનોલોજી છે અને તે આપને પરિવહન પ્રણાલીમાં એક રાષ્ટ્ર, એક કાર્ડની વ્યવસ્થા લાગુ કરવા જઈ રહ્યો છે. દેશના દરેક યુવાનને ગર્વ થશે કે આપણા નવયુવાનોએ પોતાના જ દેશમાં બનેલી આ ટેકનોલોજી આજે દેશને સમર્પિત કરી છે. હું દેશને અને આપ સૌને તેના માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. આમ તો ગુજરાત માટે પણ આ ગર્વની વાત છે કે, અહીં વડોદરાના સાવલીમાં જે મેટ્રો કોચ બની રહ્યા છે તેની હવે નિકાસ પણ થઈ રહી છે.

સાથીઓ, પરિવહન ક્ષેત્રને મજબૂત કરવા માટે આજે… અત્યારે તમે જોયું હશે હું લીલી ઝંડી આપીને ટ્રેનને વિદાય કરી રહ્યો હતો. આજે પાટણ-ભીલડી નવી રેલવે લાઈનનું ઉદઘાટન અને આણંદ-ગોધરાની રેલવે લાઈનને બે ગણી કરવાનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. હું નાનો હતો, દરેક સાંસદ પાટણ-ભીલડી રેલવે લાઈનની વાત કરતા, હું બાળપણથી સાંભળતો આવતો હતો, પહેલી વખત આ કામ થયું છે. તમે જણાવો પહેલા કેવી રીતે ચાલ્યું હશે?

સાથીઓ, આજથી બે દાયકા પહેલા ગુજરાત જે સ્થિતિમાં હતું, તે આજની નવી પેઢીને કદાચ જ ખબર હશે. સ્થિતિ એ હતી કે રાજ્યના અનેક વિસ્તારો પાણી માટે ટળવળતા હતા, સારવાર માટે લોકોએ શહેર-શહેર ભટકવું પડતું હતું, 24 કલાક વીજળી એક સપનાની વાત હતી. મોટા ભાગના વિસ્તારોમાં જીવવું એટલું મુશ્કેલ હતું કે લોકો પલાયન થવા માટે મજબૂર હતા. વિશેષ કરીને મારા આદિવાસી ભાઈ-બહેનોને તો કોઈ પૂછવાવાળું જ નહોતુ. હવે આજે ગુજરાત જ્યાં છે, એ ગુજરાતમાં રહેતી પ્રત્યેક વ્યક્તિના પરિશ્રમનું પરિણામ છે. થોડા જ વર્ષોમાં ગુજરાતના લોકોએ પોતાના ગુજરાતની તસવીર બદલી નાખી છે.

ભાઈઓ અને બહેનો, ગુજરાતના વિકાસને વધુ ઊંચાઈ આપનારા, ગુજરાતના સંતુલિત વિકાસ માટે અમારી સરકાર ભલે કેન્દ્રમાં હોય કે રાજ્યમાં હોય, અમે ચારેબાજુ વિકાસના કામ કરીને આગળ વધી રહ્યા છીએ. વિતેલા 55 મહિનાઓમાં સરકારે ઉમરગાંવથી અંબાજી સુધી એટલે કે રાજ્યના પૂર્વીય પટ્ટા, આદિવાસીની વધુ વસતી ધરાવતા વિસ્તાર ઉમરગાંવથી જાખોર, એટલે કે આપણા સમુદ્ર કિનારાનાં વિસ્તાર અને આબુથી દહાણું સુધી, રાજસ્થાનથી મહારાષ્ટ્ર સુધી આ આપણા ગુજરાતના મધ્યનો આખો પટ્ટો, એટલે કે કેન્દ્રીય ગુજરાતની જરૂરાયાતોને ધ્યાનમાં રાખીને વિકાસના અનેક કાર્ય શરૂ કર્યા છે અને તેનું એક મોટું પ્લાનિંગ કર્યું છે.

પૂર્વમાં આદિવાસી પટ્ટો, પશ્ચિમમાં આદિવાસી લોકો અને વચમાં આપણા અમદાવાદ-વડોદરા-પાલનપુર, વાપ્તી-તાપ્તી બધા. જો હું પહેલા ઉમરગામથી અંબાજીની વાત કરૂં તો સરકારે આ ક્ષેત્રમાં આદિવાસી ભાઈ-બહેનોના જીવનને સરળ બનાવવા પર વિશેષ ભાર આપ્યો છે. આ ક્ષેત્રના તમામ ગામને દરેક ઋતુમાં કનેક્ટિવિટીની સુવિધા અપાઈ ચૂકી છે. અહીં પાણીની સમસ્યાને દૂર કરવા માટે 2800 કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજના પર કામ ચાલી રહ્યું છે. નર્મદાનાં પાણી પર આધારિત દાહોદ-છોટાઉદયપુર પાણી પુરવઠા યોજના હોય, નર્મદા અને તાપી જિલ્લાની પેયજળ પરિયોજના હોય, મહિસાગર જિલ્લાના કડાના બંધ પર આધારિત પાણી પુરવઠા યોજના હોય કે પછી સંખેડા-પાવીજીતપુર ક્ષેત્રીય પાણી પુરવઠા યોજના હોય તેનો લાભ ઉમરગામથી અંબાજી પટ્ટાના લાખો લોકોને મળ્યો છે. આ ક્ષેત્રમાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ પણ કરાઈ રહ્યો છે. સાબરકાંઠામાં ઇઝરાયેલની સાથે મળીને આધુનિક કૃષિ કેન્દ્ર પર પણ કામ થઈ રહ્યું છે.

સાથીઓ, સરકારના પ્રયાસોને લીધે આજે ગુજરાતના સમગ્ર આદિવાસી વિસ્તાર સિકલ સેલ એનીમિયાની તપાસ માટે સ્ક્રિનિંગ કરાઈ ચૂક્યો છે. તેનાથી આદિવાસી લોકોને તમામ પડકારોનો સામનો કરવામાં મદદ મળી રહી છે. સરકારે આદિવાસી બાળકોના શિક્ષણ પર પણ વિશેષ ધ્યાન આપ્યું છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે આટલી મોટી મોટી વાતો કરનારા લોકો, મોટા-મોટા વાયદા કરનારા લોકો ગુજરાતના આદિવાસી ક્ષેત્રમાં, એક પણ પ્રાંતમાં જ્યાં સુધી હું મુખ્યમંત્રી નહતો બન્યો, ત્યાં સુધી એક પણ વિજ્ઞાન પ્રવાહની શાળા નહોતી બોલો. 2001 સુધી આદિવાસી પટ્ટીમાં એક પણ આદિવાસી બાળકો માટે બારમા ધોરણ માટે વિજ્ઞાન પ્રવાહની શાળા નહોતી. આજે ત્યાં મેડિકલ કોલેજ બની રહી છે, યુનિવર્સિટીઓ બની રહી છે. વિકાસ કેવી રીતે થાય છે, સપના કેટલાં મોટા હોય છે અને સંકલ્પ કરીને કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે, ગુજરાત એક કેસ સ્ટડીનો વિષય છે મિત્રો.

દીનબંધુ કલ્યાણ યોજનાના અંતર્ગત સેંકડો આદર્શ આવાસ શાળા, આશ્રમ શાળા, એકલવ્ય શાળા બનાવાઇ છે. 1100થી વધુ છાત્રાલયોનું પણ નિર્માણ થયું છે, જેનો લાભ બે લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. એટલું જ નહીં, નર્મદા જિલ્લામાં 300 કરોડ રૂપિયાના રોકાણથી બિરસા મુંડા આદિવાસી વિશ્વવિદ્યાલયની પણ સ્થાપના કરવામાં આવી છે. સરકાર દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ કોચિંગ ક્લાસિસ પણ ચલાવવામાં આવી રહ્યા છે. પહેલા આદિવાસી વિદ્યાર્થીઓ માટે મેડિકલની અનામત બેઠકો ખાલી જતી રહેતી હતી, હવે લગભગ તમામ બેઠકો ભરાઈ જાય છે.

દાહોદ અને પાલનપુરમાં બનાવાયેલી મેડિકલ કોલેજથી આ વિસ્તારમાં સ્વાસ્થ્ય સુવિધા પણ ખૂબ જ મજબૂત થઈ છે. સરકાર દાહોદના રેલવે વર્કશોપના વિસ્તૃતીકરણ પર પણ કામ કરી રહી છે. અત્યારે તમે ટીવી પર જોયું હશે કે, આપણા જસવંત સિંહજી ભાભોર ત્યાં રેલવેના યાર્ડમાં હતા અને હું અહીંથી રિમોટથી ચાલુ કરી રહ્યો હતો. દાહોદ રેલવે વર્કશોપની ક્ષમતા દાહોદમાં એક પરેલ નામની જગ્યા છે, હું ક્યારેક એ જંગલોમાં કામ કરતો હતો, આ ઘણાં 30-40 વર્ષ પહેલાની વાત છે, એકદમ વેરાન પડ્યો હતો રેલવેનો આખો વિસ્તાર.

અમે તેને ફરીથી જીવિત કરી દીધો અને તેની વર્કશોપ ક્ષમતામાં ચારગણી વૃદ્ધિ કરવામાં આવી છે, જેથી અહીંના લોકોને રોજગાર મળે. અત્યાર સુધી ત્યાં માલગાડીના માત્ર 450 વેગનોના જીર્ણોદ્ધારનું કામ કરી શકાતુ હતું, હવે આ ક્ષમતાને વર્ષમાં 1800 વેગન સુધી પહોંચાડી દેવામાં આવી છે. હવે તમે કલ્પના કરી શકો છો કે એક દિવસમાં 6 વેગનનું કામ એટલે કેટલા લોકોને રોજગારી મળશે.

આ ઉપરાંત સરકાર પર્યટન સાથે જોડાયેલી સુવિધાઓને પણ વિકસિત કરી રહી છે. કેવડિયામાં સ્ટેચ્યૂ ઑફ યૂનિટી સરદાર વલ્લભભાઈ પટેલનું આ સ્મારક, દુનિયાનું સૌથી ઊંચુ સ્ટેચ્યૂ છે. સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીથી તેની ઊંચાઈ બમણી છે. આ પણ ગુજરાત કરી શકે છે અને એ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના દર્શન માટે દેશભરમાં કેટલો ઉત્સાહ છે, એ તમે બરાબર જાણો છો. અંબાજીમાં પણ વિકાસ સાથે જોડાયેલી અનેક પરિયોજનાઓ ચાલુ છે. એ જ રીતે સરકાર રાજપીપળામાં આદિવાસી સંગ્રહાલય પર પણ ઝડપથી કામ કરાવી રહી છે.

ભાઈઓ અને બહેનો, સ્વતંત્રતાના આંદોલનમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપનારા આદિવાસી સમૂહને એ સન્માન નહોતું મળ્યું, જેના તેઓ હકદાર હતા. આદિવાસી સંગ્રહાલય બનાવીને સરકાર આદિવાસીઓએ આઝાદીની લડાઈમાં જે યોગદાન આપ્યું, તેના પ્રત્યે લોકોને જાગૃત કરવાનું કામ કરી રહી છે.

સાથીઓ, ગુજરાતના દરિયાની તાકાતથી દુનિયા સારી રીતે પરિચિત છે. ઉમરગાંવથી લઈને જાખોર કચ્છ સુધી સમગ્ર વિસ્તાર હિન્દુસ્તાનનો સૌથી લાંબો દરિયાકિનારો ગુજરાત પાસે છે, આજે પણ આપણી દરિયાઈ શક્તિ વધારે છે. આ વિસ્તારના વિકાસ માટે અનેક પરિયોજનાઓ પર કામ થઈ રહ્યું છે. ઘોઘાથી દહેજની વચ્ચે રો-રો ફેરી ચાલવાથી લોકો માટે અવર-જવર સરળ થઈ છે અને તેમના સમય અને પૈસાની પણ બચત થઈ રહી છે.

‘સૌની’ યોજના પર આધારિત સિંચાઈ અને પેયજળ પરિયોજનાઓએ આ વિસ્તારમાં પાણીનું સંકટ ઘણી હદ સુધી ઓછું કરી નાખ્યું છે. હવે સરકારે સમુદ્રી જળથી સ્વચ્છ પાણી કાઢવાની યોજનાઓને પણ ગતિ આપી છે. જોડિયા સહિત છ વધુ જગ્યાઓ પર નિસ્યંદન (distillation) પ્રકિયાનું કામ શરૂ થઈ રહ્યું છે. આ સમગ્ર દરિયાઈ પટ્ટાના વિકાસ માટે અહીંની કનેક્ટિવિટી સુધારવા માટે સરકારે સાગરમાળા કાર્યક્રમના અંતર્ગત 75 હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાની મંજૂરી આપી છે. એકલા ગુજરાતના દરિયા કિનારે રૂ. 75000 કરોડ. સરકારે દ્વારકામાં દરિયાઈ પોલીસ અકાદમીની પણ સ્થાપના કરી છે.

ભાઈઓ અને બહેનો, અમે દેશને 21મી સદીમાં નવી ઊંચાઈઓ પર લઈ જવાની સાથે-સાથે આપણી જૂના વારસાને જાળવવાનું કામ પણ કરી રહ્યા છીએ. ગાંધીજીના મીઠાના સત્યાગ્રહને સમર્પિત દાંડી સ્મારકનું પણ હાલમાં થોડા સપ્તાહ પહેલા જ લોકાર્પણ કરવાનું મને સૌભાગ્ય મળ્યું હતું અને આજે એક એવી વસ્તુનો શિલાન્યાસ થઈ રહ્યો છે, જેનો સમગ્ર વિશ્વમાં ડંકો વાગવાનો છે. આ નાની વાત નથી જણાવી રહ્યો. સમગ્ર વિશ્વમાં સૌથી પહેલું, હજારો વર્ષ જૂનું સૌથી પહેલું બંદર આ ગુજરાતનું લોથલ બંદર છે. પાંચ હજાર વર્ષ જૂનું બંદર, જો વિશ્વમાં કોઈની પાસે આવું કોઈ સ્થળ હોય તો સમગ્ર વિશ્વને ગાંડુ કરી મૂક્યું હોત મિત્રો.

પરંતુ, હવે, જ્યારે મને ભારત સરકારમાં બેસીને સેવા કરવાની તક મળી છે તો આજે લોથલમાં રાષ્ટ્રીય દરિયાઈ પરંપરા સંકુલનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. હિન્દુસ્તાનની દરિયાઈ શક્તિ, વિશ્વના સંદર્ભમાં પાંચ હજાર વર્ષના આપણા દરિયાઈ જીવનને લઈને આ ઐતિહાસિક સંગ્રહાલય બનવાનું છે. તમે કલ્પના કરી શકો છો, સમગ્ર વિશ્વનું કેટલું મોટું પર્યટન આપણા લોથલમાં આવવા મજબૂર થશે. ગુજરાતને રોજી-રોટી માટે કેટલી મોટી સુવિધાઓ થઈ જશે.

સાથીઓ, લોથલ આપણી સામુદ્રિક શક્તિનું પ્રતિક રહ્યું છે. વિશ્વના અનેક દેશોના લોકો ત્યાં નજીકમાં વલ્લભી વિશ્વવિદ્યાલયથી ત્યાં લોકો આવતા રહેતા હતા, અધ્યયન કરવા માટે પહોંચતા હતા કે કેવી રીતે આ બંદર કામ કરી રહ્યું છે અને આ ક્ષેત્રના વ્યાપારને વધારવામાં મદદ કરી રહ્યું છે. કહેવાય છે કે એક સમય હતો કે જ્યારે સેંકડોની સંખ્યામાં ત્યાં ઝંડા લહેરાતા હતા અને વિશ્વના અનેક દેશોના ઝંડા લહેરાતા રહેતા હતા. નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્સ આપણને એ જ ગૌરવનો અનુભવ કરાવશે અને હું એ પણ જણાવી દઉં કે આજે મેં જેનો શિલાન્યાસ કર્યો છે, ઉદઘાટન કોણ કરશે? કોણ કરશે? મને વિશ્વાસ છે કે દેશના આશીર્વાદ મારી સાથે છે, તેનું ઉદઘાટન પણ અમે જ કરીશું.

આ સંકુલમાં સંગ્રહાલય પણ હશે, થિમ પાર્ક પણ હશે, રિસર્ચ સેન્ટર પણ હશે, હોટલ અને રિસોર્ટ પણ હશે, એટલે કે ભારતના સમૃદ્ધ સામુદ્રિક વારસાથી વિશ્વને પરિચિત કરાવવાનું માધ્યમ તો બનશે જ સાથે જ પર્યટનને પ્રોત્સાહન આપવાનું માધ્યમ પણ બનશે. આ પરિસરને લીધે ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને એક નવો વારસો મળવા જઈ રહ્યો છે.

સાથીઓ, અમારી સરકાર દ્વારા જે, હું મધ્ય ગુજરાતમાં કહેતો હતો, એક પૂર્વિય પટ્ટો, એક પશ્ચિમી પટ્ટો અને એક સમગ્ર રાજસ્થાન અને મહારાષ્ટ્રને જોડનારો અમારો વચ્ચેનો વિસ્તાર જેને આપણે સેન્ટ્રલ વિસ્ટા કહી શકીએ છીએ. આ મધ્ય ભાગના વિકાસની આવશ્યકતાઓને જોતા વિકાસની અનેક પરિયોજનાઓ પર કામ કરાઈ રહ્યું છે. અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલુ છે. આ ટ્રેન ગુજરાતને એક નવી ઓળખ આપશે અને હિન્દુસ્તાનનું ગૌરવ વધારશે. અહીંના ઉદ્યમીઓને માટે મુંબઈની કનેક્ટિવિટી વધુ સરળ બનાવશે.

આજે અમદાવાદને મેટ્રોની ભેટ તો મળી ચૂકી છે, એ સિવાય વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેથી પણ સેન્ટર ગુજરાતના લોકો અને અહીંના ઉદ્યોગોને ખૂબજ ફાયદો થશે, સાથે જ સરકાર સાણંદને ઑટોમોબાઈલ હબની જેમ વિકસિત કરવા પર કામ કરી રહી છે, તો વળી ધોલેરાને પણ વિશ્વ કક્ષાના ઔદ્યોગિક કેન્દ્રની જેમ વિકસિત કરાઈ રહ્યું છે. તેમાં ધોલેરા હવાઈ મથકોનો પણ સમાવેશ થાય છે. રોજકોટમાં ગ્રિન ફિલ્ડ હવાઈ મથક માટે કામ કરાઈ રહ્યું છે.

ભાઈઓ અને બહેનો, મધ્ય ગુજરાતની પાણીની સમસ્યાને દૂર કરવા માટે સરકારે તમામ પ્રયાસો કરીને નર્મદા બંધનું કામ પૂરું કરાવ્યું અને તેની સાથે જોડાયેલી સિંચાઈ પરિયોજનાઓ પર ભાર આપ્યો છે. સુજલામ-સુફલામ યોજના અંતર્ગત પણ અનેક યોજનાઓ શરૂ કરાઈ રહી છે. તેના લીધે ઉત્તર અને મધ્ય ગુજરાતને નર્મદાના પાણીનો લાભ મળી રહ્યો છે.

સાથીઓ, આજનો દિવસ મારા માટે એક વધુ કારણે વિશેષ છે. આજે મેડી-સિટીના વિસ્તારનું સપનું, અમદાવાદના લોકોને સારી આરોગ્ય સેવાઓ એક જ છતની નીચે આપવાનું સપનું પણ પૂરું થયું છે. એક સાથે ચાર હોસ્પિટલોનું અહીં લોકાર્પણ કરવામાં આવ્યું છે. મહિલાઓ અને બાળકો માટે એક વિશેષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, આંખની હોસ્પિટલ અને દાંતની હોસ્પિટલ એક જ સ્થળે તમારી સેવા માટે, ગુજરાતવાસીઓની સેવા માટે તૈયાર છે.

સાથીઓ, અમદાવાદની દાયકાઓ જૂની સિવિલ હોસ્પિટલને મેડી-સિટીના રૂપે વિકસિત કરવા માટે 2008માં કામ શરૂ કરવામાં આવ્યું હતું. મને ખુશી છે કે એક દાયકાની અંદર દેશની સૌથી મોટી આરોગ્ય સુવિધા મેડી-સિટીના રૂપે આજે અહીં બનીને તૈયાર છે. તેનો વ્યાપ જુઓ, જે લોકો આ ટીવી પર સાંભળતા હશે, દેશમાં, તેમને પણ સાંભળીને આશ્ચર્ય થશે, આ એવું સંકુલ છે જેમાં લગભગ 10 હજાર ડૉક્ટર, મેડિકલ સ્ટૂડન્ટ, પેરા મેડિકલ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ મળીને દર દિવસે લગભગ 10 હજાર દર્દીઓને અહીં સેવા આપવાના છે.

આપ કલ્પના કરી શકો છો કે, એટલે કે એક પ્રકારે 20 હજારની જનસંખ્યા વાળું ગામ બની ગયું છે આ. આજે લોકાર્પણ બાદ મેડી-સિટીમાં બેડની સંખ્યા વધીને 5,500 થઈ ગઈ છે અને વાત અહીં સુધી જ અટકવાની નથી, એમાં વધુ વિસ્તરણ પણ થવાનું છે. મને વિશ્વાસ છે કે જે બાકીની હોસ્પિટલ્સનું કામ ચાલી રહ્યું છે, એ પણ ખૂબજ જલદી બનીને તૈયાર થશે.

સાથીઓ, લોકોનું સ્વાસ્થ્ય હંમેશાથી અમારી સરકારની પ્રાથમિકતા રહી છે. આજે સવારે હું જામનગરમાં હતો, ત્યાં પણ 700 પથારીની હોસ્પિટલનું ઉદઘાટન કર્યું છે. ઉત્તર હોય, દક્ષિણ હોય, પૂર્વ હોય કે પશ્ચિમ હોય, સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા ઈન્ફ્રાસ્ટ્રકચર અને આરોગ્યલક્ષી શિક્ષણ સંસ્થાઓમાં અભૂતપૂર્વ વિકાસ આજે દેશ અનુભવી રહ્યો છે. આજે દેશભરમાં 22 એઈમ્સ કાર્યરત છે અથવા તો તેનું નિર્માણકાર્ય ચાલુ છે.

એમાંથી 15 એઈમ્સ પર વિતેલા પાંચ વર્ષોમાં જ કામ થયું છે. 22માંથી 15 આ 55 મહિનામાં. અમારો પ્રયાસ છે કે દેશના નાનામાં નાના નગર સુધી વધુ સારી આરોગ્ય સુવિધાઓને પહોંચાડવામાં આવે. તેના માટે વેલનેસ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ સુધીની એક ક્રમબદ્ધતા ચાલી રહી છે, એક સાંકળ તૈયાર થઈ રહી છે.

સાથીઓ, એક એ પણ સમય હતો કે જ્યારે ગરીબ અને નિમ્ન-મધ્ય વર્ગને ભાગ્યના ભરોસે છોડી દેવાયો હતો. ન તો પૂરતી હોસ્પિટલો હતી કે ન તો સારવારમાં સહયોગ આપવા માટે કોઈ સારી યોજનાઓ હતી. સારવારના ખર્ચને લીધે દેશના કરોડો ગરીબ હોસ્પિટલમાં જતા નહોતા. સમગ્ર દેશમાં આયુષ્યમાન ભારત PM-JAY, આPM-JAY યોજના, લોકો તેને મોદી કેર પણ કહે છે. એવા અનેક લાભાર્થીઓ, એમને હું મળતો રહું છું. આજે પણ અહીં આવતા પહેલા હું મળ્યો છું. આજકાલ દેશભરમાં જ્યારે પણ આવા લાભાર્થીઓને મળું છું, તેમની સાથે વાત કરૂં છું. આયુષ્યમાન ભારત યોજના તેમના માટે જીવતદાન બનીને આવી છે.

સાથીઓ, આ યોજનાને પાંચ મહિના કરતા કંઈક જ વધુ સમય થયો છે, પરંતુ અત્યાર સુધીમાં 14 લાખથી વધુ ગરીબ દર્દીઓને સારવાર મળી ચૂકી છે. આજે ગરીમાં ગરીબને પણ સારી સારવારનો વિશ્વાસ મળ્યો છે, તો એ કેવી રીતે શક્ય બન્યું? આ આજે ગરીબને આટલી સુવિધા મળી શકી, એની પાછળ કોની તાકાત છે, જણાવો કોને લીધે આ થયું છે? કોના લીધે આ થયું છે? અરે દોસ્તો, આ મોદીને લીધે નથી થઈ શક્યું, આ એટલે થઈ શક્યું છે કે તમે 2014માં યોગ્ય નિર્ણય કર્યો હતો, યોગ્ય મત આપ્યો હતો. 2014માં તમે યોગ્ય નિયત વાળી એક મજબૂત સરકારના પક્ષમાં મત આપ્યો હતો, આ તેનું જ પરિણામ છે, આજે દેશનો આપણો ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર તેનો ફાયદો ઊઠાવી રહ્યો છે, તેના જીવનમાં નવી આશા પેદા થઈ છે.

ભાઈઓ અને બહેનો, અમારી સરકારે દેશના રાજકારણમાં એક મૂળભૂત પરિવર્તન કરવાનો પ્રયાસ કર્યો છે. જે પણ કરવું હોય, સાફ-સાફ અને સૌની સામે કરવાનું છે. રાષ્ટ્રહિતમાં, જનહીંતમાં મોટામાં મોટા નિર્ણય લેવાના હોય અને કડકમાં કડક નિર્ણયો લેવાના હોય અમે પાછળ નથી રહેતા. આપ જોઈ રહ્યા છો, વાત પછી ભ્રષ્ટાચાર સામે લડવાની હોય કે પછી આતંકવાદ સામે, અમારી નીતિ અને નિયત, બન્ને મારા દેશવાસીઓ તમારી સામે છે.

યાદ કરો દોસ્તો, આ સિવિલ હોસ્પિટલમાં શું થયું હતું. આ હોસ્પિટલ માણસને જીવન તમે છે અને રાક્ષસોએ… હું ત્યારે અહીં મુખ્યમંત્રી હતો, આ જ સિવિલ હોસ્પિટલમાં બોમ્બ ધડાકા કર્યા હતા અને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઊતરી દેવાયા હતા. યાદ છે કે નહીં? સરહદ પારથી આતંક થતો હતો. શું એ સમયે દિલ્હીમાં બેઠેલા લોકોની જવાબદારી નહોતી કે હિસાબ ચૂકતે કરે?

ભાઈઓ અને બહેનો, એવી-એવી વસ્તુઓ મારા દિલમાં પડેલી છે અને મેં એ દિવસે પણ કહ્યું હતું, પુલવામા બાદ મેં લોકોની વચ્ચે કહ્યું હતું કે જે આગ દેશવાસીઓના દિલમાં છે, એ આગ મારા દિલમાં પણ છે. જો એ સમયે સરકારમાં દમ હોત તો અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં નિર્દોષનો જીવ લેનારાનો ત્યાં જઈને પણ હિસાબ ચૂકતે કરી દેવાયો હોત ત્યાં જ.

મુંબઈમાં 26/11 થયું, નિર્દોષ લોકોને મોતને ઘાટ ઊતારી દેવામાં આવ્યા અને આપણે થોડા દિવસો પછી.. ચાલો હવે બધુ બરાબર થઈ ગયું છે, બધા લોકો કામે લાગી ગયા. તમે મને જણાવો મિત્રો, આતંકવાદ સામે લડવું જોઈએ કે ન લડવું જોઈએ? આતંકવાદને જળમૂળથી ઊખાડી ફેકવું જોઈએ કે ન જોઈએ? તમે મને જણાવશો કઈ પાર્ટી છે કે જે આ કામ કરી શકે છે? ઈમાનદારીથી બતાવો, કોણ કરી શકે છે? અમે એક તરફ ખોટું કરનારાઓને સજા આપી રહ્યા છીએ તો બીજી બાજુ ઈમાનદારીથી કામ કરનારાઓનું સન્માન પણ કરી રહ્યા છીએ અને ભાઈઓ-બહેનો હું આજે અમદાવાદની ધરતી પર આવ્યો છું અને સિવિલ હોસ્પિટલમાં આવ્યો છું, એ દ્રશ્ય હું ભૂલી નથી શકતો અને તેથી હું આપને કહેવા માગીશ… સાતમા પાતાળમાં હશે, તો પણ હું તેમને છોડવાનો નથી અને દેશનું દુર્ભાગ્ય જુઓ, કેટલાક લોકોને તો ખબર નથી શું થઈ ગયું છે. આજે પાકિસ્તાનના અખબારની હેડલાઈન જોઈ લો, ભારતના નેતા જે પણ નિવેદન બાજી કરે છે એ પાકિસ્તાનના છાપાની હેડલાઈન બની જાય છે. એવા નેતા, એવી વાતો કરે છે જે પાકિસ્તાનના ટીવી પર દર્શાવાઈ રહી છે, પાકિસ્તાનની સંસદમાં ચર્ચા થઈ રહી છે.

શું આ દેશ હિતનું કામ છે કે શું? તમે એવી વાતો બોલશો, જેમાં પાકિસ્તાન તાળીઓ વગાડે? અરે દેશની સેનાએ પરાક્રમ કર્યું છે, દેશની સેનાએ હિંમત દેખાડી છે અને હું લાંબો સમય રાહ જોઈ શકતો નથી, મિત્રો. વીણી-વીણીને હિસાબ લેવો એ મારો સ્વભાવ છે. ક્યાં સુધી નિર્દોષ લોકોને મરવા દઈશું? મિત્રો, તમે મને જણાવો, તમને આપણા દેશની સેના પર વિશ્વાસ છે? તેમની વાતો પર ભરોસો છે? તેઓ જે કહે છે તેના પર આપ વિશ્વાસ કરો છો? સેના જે કહે, તેના પર મારે વિશ્વાસ કરવો જોઈએ? સેના જે કહે, તેને મારે માનવું જોઈએ? પરંતુ કેટલાક લોકો છે જેમને સેનાની વાત પણ પસંદ નહોતી.

અરે મોદીની વાત ન માનો ભાઈ, હું નથી કહેતો કે મારી વાત માનો, કંઈ નહીં તો સેના પર તો અવિશ્વાસ ન કરો. તેમના પરાક્રમ પર તો દાગ ન લગાવો. તેઓ જીવની બાજી લગાડીને રમે છે, તે દેશ માટે મરી-મીટવા માટે નીકળે છે અને સફળ થઈને આવે છે તો તમારી ઊંઘ હરામ થઈ રહી છે અને માની લો, આ આપણી સેનાના લોકો ગયા હોત અને માની લો ત્યાં કંઈક અમારી યોજનાના હિસાબે ન થયું હોત અને કંઈ ઊંધું થઈ ગયું હોત, તો આ લોકો શું કરે? મને જણાવો. કોનું રાજીનામું માગે? કેમ ભાઈ? એટલે કે રાજનીતિ તમે કરી રહ્યા છો, હવે સફળ થઈ રહ્યા છીએ તો બૂમરાણ મચાવી રહ્યા છો કે મોદીએ તો સેનાનું નામ જ ન આપવું જોઈએ, જય જવાન-જય કિસાન પણ ન બોલવું જોઈએ. શું દેશની સેનાના જવાનોનું ગૌરવ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? તેમનું સન્માન કરવું જઈએ કે ન કરવું જોઈએ? પરંતુ તેમના પેટમાં દુઃખે છે.

હવે તેઓ કહે છે કે આ તો ચૂંટણીવાળી રમત છે. જ્યારે અમે પહેલી વખત સર્જિકલ સ્ટ્રાઈક કરી, ત્યારે ક્યાં ચૂંટણી હતી ભાઈ? આ અમારો સિદ્ધાંત છે, અમે ઘરમાં ઘૂસીને મારીશું. કોઈ દેશ એવી આવી અસહાય અવસ્થામાં ન રહી શકે. 40 વર્ષથી આતંકવાદ હિન્દુસ્તાનની છાતીમાં ગોળીઓ ધરબી રહ્યો છે. ભારત માતાની છાતીમાં ગોળીઓ મારવામાં આવી રહી છે, બોમ્બ ધડકા કરાઈ રહ્યા છે, નિર્દોષોને મારવામાં આવી રહ્યા છે, પરંતુ વોટ બેન્કના રાજકારણમાં ડૂબેલા લોકો પગલાં લેવાથી ડરે છે. મને સત્તાની, ખુરશીની ચિંતા નથી, મને ચિંતા મારા દેશની છે. મને ચિંતા મારા દેશના લોકોની સુરક્ષાની છે અને તેથી મહેરબાની કરીને આ તમામ બાબતો પર રાજનીતિ ન કરો. અરે મોદી કહે છે કે આટલા ઘર બનાવ્યા તેના પર વિવાદ કરોને, મોદી સાચું બોલી રહ્યા છે, ખોટું બોલી રહ્યા છે, સાચું કહી રહ્યા છે, નથી કહી રહ્યા, કરોને વિવાદ. નથી કરતા, સેનાને લઈને વિવાદ કરી રહ્યા છે.

હું કહું છું કે મેટ્રો રેલ લાવ્યો, આપનું કહેવું હશે ભઈ ચાલો નથી લાવ્યો, મોદી ખોટું બોલી રહ્યા છે. કરો વિવાદ કોણ ના પાડે છે ભાઈ. હું કહું છું મેડી-સિટી બનાવ્યું, આપ કહો- મોદી ખોટું બોલે છે, મેડી-સિટી નથી બનાવ્યું. બોલોને, કોણ ના પાડે છે તમને. મોદીને ગાળો આપવા માટે કંઈ ઓછી જગ્યા છે, આખું મેદાન ખાલી પડ્યું છે. અને મોદીને કોઈ વાંધો નથી. સેનાને શા માટે ગાળો આપો છો? દેશના વીર જવાનોને કેમ બદનામ કરો છો? તેમનું મનોબળ શા માટે તોડો છો? અને તેથી જ ભાઈઓ-બહેનો, મેં પહેલા પણ કહ્યું હતું કે હું એવી ધરતી પરઆવ્યો છું જ્યાં આપણે એ દિવસે લોકોની લાશો જોઈ છે જી. ઘાયલ થયેલા ડૉક્ટરોને જોયા છે, લોહીથી લથપથ નર્સોને જોઈ છે. તેથી મેં કહ્યું હતું, હું અહીં આવ્યો છું ખૂલીને બોલીશ.

મિત્રો, જે રીતે આપણે દેશની સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધ છીએ અને આ લડાઈ આપણે છેડી છે જી. આ આપ માનીને ચાલો આપણે દેશ હિતમાં જે પણ આવશ્યક હશે, તેને કરવું આપણી પ્રાથમિકતા રહેશે, હું દેશને વિશ્વાસ અપાવવા માગું છું. તમે જોયું હશે, આ વખત અમારૂં બજેટ- અંતરિમ (વચગાળાનું) બજેટ છે, હજુ પૂરું બજેટ તો, જ્યારે આપ મને ફરી પ્રધાનમંત્રી બનાવશો, ફરીથી આવવાનું છે. પરંતુ આ અંતરિમ બજેટમાં પણ અમે મિડલ ક્લાસ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. પાંચ લાખ રૂપિયા સુધીની ટેક્સેબલ ઈન્કમને ટેક્સના દાયરાથી અમે બહાર કરી છે. ત્રણ કરોડથી વધુ લોકોને સીધી રાહત આપનારું કામ કર્યું છે.

સાથીઓ, વિતેલા પાંચ વર્ષોમાં અમે નવા ભારતનો પાયો મૂક્યો છે, નવા ભારતના નવા સંસ્કારોને રોપવાનો પ્રયાસ કર્યો છે. રાષ્ટ્રહિતમાં ઈમાનદારી અને નિષ્ઠા સાથે દરેક વ્યક્તિ કામ મેળવે, કામકાજનું એવું કલ્ચર વિકસિત કરવાનો પ્રયાસ કર્યો છે. આવનારા પાંચ વર્ષો હવે નવા ભારતના આ પાયા પર વૈભવશાળી ભારત બનાવવાનું, એક મજબૂત ઈમારત બનાવવાનું, મજબૂત ઈરાદા સાથે આગળ વધી રહ્યા છીએ. આપણે બધા આ દિશામાં સાથે મળીને આગળ વધીશું. આ વિશ્વાસ સાથે તમને બધાને આજે જેટલી-જેટલી સુવિધાઓ-યોજનાઓ મળી છે, તેના માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું અને તમે લોકોએ જે પ્રેમ દર્શાવ્યો છે, એ પ્રેમને મારા સર-આંખો પર લેતા મારી સાથે બોલો-

ભારત માતાની – જય

ભારત માતાની – જય

ભારત માતાની – જય

વંદે માતરમ

વંદે માતરમ

વંદે માતરમ

આભાર.

NP/J.Khunt/GP/RP