Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આયર્લેન્ડ અને અમેરિકાની આઠ દિવસની મુલાકાતે જઈ રહેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 થી 30 સપ્ટેમ્બર સુધી આયર્લેન્ડ અને અમેરિકાની મુલાકાત લેશે. આ વિશે ફેસબૂક ઉપર પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હું 23મી સપ્ટેમ્બરે આયર્લેન્ડની મુલાકાત લઈશ. લગભગ 60 વર્ષ પછી ભારતના પ્રધાનમંત્રીની આયર્લેન્ડની પ્રથમ મુલાકાત બની રહેશે. હું આયર્લેન્ડમાં એના ટાઓઈએસ શ્રી એન્ડા કેન્ની સાથે મંત્રણા કરીશ. આપણે આગામી વર્ષોમાં બંને દેશોની પ્રજા વચ્ચે તેમજ આર્થિક ક્ષેત્રે સંબંધો વિક્સાવવાની આશા રાખીએ છીએ. આયર્લેન્ડમાં હું ત્યાં વસતાં ભારતીય સમાજના લોકોને પણ મળીશ.

હું 24 સપ્ટેમ્બરે મારી અમેરિકાની મુલાકાતનો આરંભ કરીશ, જેનો ઉદ્દેશ, મારી અમેરિકાની ગયા વર્ષની મુલાકાત તથા આ વર્ષના આરંભમાં પ્રમુખ ઓબામાની ભારતની મુલાકાત દરમિયાન આવરી લેવાયેલી ઘણી બધી બાબતોને આગળ ધપાવવાનો છે. વિશ્વ સંસ્થા યુનો જ્યારે એની 70મી વર્ષગાંઠ ઉજવી રહી છે. એવી ઐતિહાસિક ઘડીએ હું અમેરિકા જઈ રહ્યો છું. ભારત યુનોને ઘણું મહત્વ આપે છે. મેં દુનિયાના 193 દેશોની સરકારના વડાને, યુનોના એજન્ડા અને એમાં સુધારા અંગેના ભારતના દ્રષ્ટિબિંદુની રૂપરેખા આપતો પત્ર લખ્યો હતો અને મને આનંદ છે કે કેટલાક દેશોના નેતાઓએ આપણાં દ્રષ્ટિબિંદુને બિરદાવતાં પત્રો લખ્યા છે.

ન્યૂયોર્કમાં હું, 2015 પછીના સમયગાળા અંગેના, ટકી શકે એવા વિકાસ એજન્ડાને વિધિવત અપનાવવા અંગે યોજાનારી યુનોની સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ સમિટને સંબોધન કરીશ. જે સંસ્કૃતિ, શાંતિ – સુમેળને સૌથી વધુ મહત્વ આપે છે. એના એક પ્રતિનિધિ તરીકે આ ફોરમને સંબોધવાની મને મળેલી તક બદલ હું આનંદ અનુભવું છું. યુનોના નવા ધ્યેય એકધારા વિકાસ માટેના ભારતનાં દ્રષ્ટિબિંદુ અને આ માટેના આપણા શિરમોર સમા કાર્યક્રમ સાથે ગાઢ સામ્ય ધરાવે છે.

પ્રથમ ઓબામાએ વિશ્વમાં શાંતિની જાળવણી માટે યોજેલી શિખર પરિષદમાં પણ હું ભાગ લઈશ. યુનોના શાંતિની સ્થાપના માટેનાં દળોમાં સૌથી મોટો ફાળો આપનારા રાષ્ટ્રોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. યુનોના શાંતિની સ્થાપનાના વિવિધ મિશનોમાં ભારતના 1.80 લાખથી વધુ સૈનિકોએ ભાગ લીધો છે. જેની સંખ્યા વિશ્વના અન્ય કોઈપણ દેશથી વધુ છે. વિશ્વભરમાં મુશ્કેલ સંજોગોમાં શાંતિની સ્થાપના માટે ફરજ બજાવતાં આપણાં શાંતિ દળોનું આપણને ગૌરવ છે. શાંતિની સ્થાપના માટે પોતાના જાન ન્યોછાવર કરનારા આપણા તમામ બહાદૂર સૈનિકો વગેરેને હું શ્રદ્ધાંજલિ અર્પીશ. શાંતિની સ્થાપનાના કાર્યને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એ વિશે મારા વિચારો વ્યક્ત કરવા હું ઉત્સુક છું. આ વર્ષે ભારત ન્યુયોર્કમાં જી-4 નેતાઓની એક શિખર પરિષદનું યજમાન બનશે., જેમાં યુનોની સલામતી સમિતિમાં સુધારણા મુખ્ય એજન્ડા હશે. યુનોની 7૦મી વર્ષગાંઠ, આ સુધારણા અંગેની ચર્ચાને વેગીલી બનાવવા માટે યોગ્ય તક પૂરી પાડે છે. તાજેતરમાં યુનોની સામાન્ય સભાએ લગભગ 20 વર્ષ પછી આ અંગે પસાર કરેલો દસ્તાવેજ આ બાબતમાં વિધિસરની ચર્ચા વિચારણા માટે આધારરૂપ બનશે.

આ મુલાકાત દરમિયાન હું વિશ્વના કેટલાક નેતાઓને મળીશ. હું અગ્રણી મૂડીરોકાણકારો તથા નાણાકીય ક્ષેત્રની પેઢીઓના અગ્રણીઓને સાથે પણ વિચારવિમર્શ કરીશ. એક રાત્રી ભોજન વર્કીંગ ડિનરનું પણ આયોજન થયું છે, જેમાં વિશ્વની મોટી ‘ફોર્ચ્યુન – 500’ કંપનીઓના પ્રતિનિધિઓ ભારતમાં મૂડીરોકાણની તકો અંગે ચર્ચા કરશે. આ સંબંધમાં છેલ્લા એક વર્ષથી અમેરિકાના વ્યાપાર જગતના કેટલાક અગ્રણીઓ સાથે આપણા વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે, જેના પરિણામો ઉત્સાહજનક છે.

મારી અમેરિકાની મુલાકાત દરમિયાન હું 26 અને 27મી સપ્ટેમ્બરે પશ્ચિમ કાંઠાની મુલાકાત લઈશ, જ્યારે હું કેટલાક કાર્યક્રમોમાં ભાગ લઈશ. નવતર ઔદ્યોગિક સાહસો, શોધખોળ અને ટેકનોલોજીનું ઉદગમ સ્થાન એવા પશ્ચિમ કાંઠાની આ મુલાકાત, ભારતના પ્રધાનમંત્રીની 33 વર્ષ પછીની પ્રથમ મુલાકાત બની રહેશે.

ફેસબુકના વડામથકમાં ટાઉનહોલ ખાતે યોજાયેલા સવાલ – જવાબના એક કાર્યક્રમમાં માર્ક ઝુકરબર્ગની સાથે હું પણ ભાગ લઈશ. અને કેટલાક વૈશ્વિક બાબતો તેમજ ભારતને લગતી બાબતો, ખાસ કરીને અર્થથંત્ર અને સમાજને લગતી બાબતો અંગે ચર્ચા કરીશું. ટાઉનહોલનો આ કાર્યક્રમ જોવાનું – એમાં ભાગ લેવાનું તમે ચૂકશો નહિં. મેં તમને ‘ફેસબુક’ અથવા તો ‘નરેન્દ્ર મોદી મોબાઈલ એપ’ મારફત તમારા સવાલો મોકલવાનું નિમંત્રણ આપ્યું છે. હું ગુગલના સંકુલમાં તથા ટેસલા મોટર્સ ખાતે કેટલીક અદ્યતન ટેકનોલોજી શોધખોળો નિહાળીશ. હું યુએસડીઓસી તથા સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા પુનઃ પ્રાપ્ય ઉર્જા વિશે યોજાયેલી એક રાઉન્ડટેબલ કોન્ફરન્સને પણ સંબોધન કરીશ.

હું ‘ભારત – અમેરિકા સ્ટાર્ટ – અપ કનેક્ટ’ અંગે ઉત્સાહ ધરાવું છું. ભારત ઘણા વ્યાપક વિશાળ ક્ષેત્રોમાં નવાં ઉદ્યોગ સાહસો – સ્ટાર્ટ અપ્સનાં મહત્વનાં કેન્દ્ર તરીકે વિક્સી રહ્યું છે અને અમે એને વધુ વિસ્તારવા ઈચ્છીએ છીએ. સમગ્ર વિશ્વ સ્ટાર્ટઅપના ક્ષેત્રે આપણી શોધખોળ કરવાની શક્તિ નિહાળે એવી આપણી ઈચ્છા છે. આ અંગેના અમેરિકા ખાતેના કાર્યક્રમમાં ભારતીય સ્ટાર્ટ અપ્સનું એક જૂથ એની શોધખોળો રજૂ કરશે અને અમેરિકાના ગતિશીલ સ્ટાર્ટઅપ ઉદ્યોગ સાથે ભાગીદારી કેળવશે.

સાનજોસમાં હું 27મી સપ્ટેમ્બરે ભારતીય સમાજના લોકો સાથે વિચાર-વિમર્શ કરીશ. અમેરિકામાં વસતાં મૂળ ભારતના લોકોએ બંને દેશો વચ્ચેના સંબંધોને સુદ્રઢ કરવાના તમામ પ્રયાસો કર્યા છે. આ આપણા આ દેશ બાંધવોની સિદ્ધિઓનું આપણને ઘણું ગોરવ છે,જેણે આપણા બંને સમાજમાં ઘણો મોટો ફાળો આપ્યો છે. મને ખાત્રી છે કે મારી અમેરિકાની મુલાકાત ફળદાયી બનશે અને વિશ્વની સૌથી જૂની અને મોટી લોકશાહી વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે.

AP/J.Khunt/GP