Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આસામમાં સિબસાગર ખાતે શ્રીમંત શંકરદેવ સંઘના 85મા વાર્ષિક સંમેલનમાં પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળ પાઠ

s2016020576729


મંચ પર બિરાજેલા મંત્રી પરિષદના મારા સાથીઓ, સહુ વરિષ્ઠ મહાનુભાવો અને મોટી સંખ્યામાં આવેલા સહુ મહાનુભાવો,

હું સૌ પહેલાં તો તમને સહુને પ્રણામ કરું છું. આ કાર્યક્રમના સહુ આયોજકોને પ્રણામ કરું છું કે આવા પવિત્ર પ્રસંગે મને આપ સહુની વચ્ચે આવવાનું સૌભાગ્ય પ્રદાન કર્યું. કોઈ કલ્પના કરી શકે છે કે પાંચ શતાબ્દિથી પણ પહેલાં કોઈ વ્યક્તિને, જ્યારે એ દિવસોમાં કેમેરા ન હતા, કોઈ અખબાર ન હતા, ટીવી ન હતાં, ટેલીફોન ન હતાં, છતાં પણ પાંચ શતાબ્દિઓ વીતવા છતાં પણ આપણે એ મહાપુરુષને યાદ કરીએ છીએ. એમણે દર્શાવેલા માર્ગે ચાલવાનો પ્રયાસ કરીએ છીએ. એ કેવી વિલક્ષણ પ્રતિભા ધરાવતા હશે કે જેમણે સદીઓ સુધી સમાજ પર આવો ઊંડો પ્રભાવ સ્થાપ્યો છે. આવા શ્રીમંત શંકરદેવ ગુરુજનનાં ચરણોમાં હું પ્રણામ કરું છું. એમની વિશેષતા જુઓ. અહીં સહુ લોકો બેઠા છે, તેઓ એમની દરેક વાત જાણે છે, એમની દરેક વાતને જીવવાનો પ્રયાસ કરે છે. સદીઓ જૂની તેમની વાતોને આજે પણ જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરે છે. અને એટલે જ હું તેમના માટે કશું કહું, એનાથી વધુ તમે સહુ તેમને ઘણી સારી રીતે જાણો છો.

જ્યારે હિન્દુસ્તાનના અન્ય હિસ્સાઓમાં એમના વિશે લોકોને જાણકારી મળે છે તો ભારે આશ્ચર્ય થાય છે. તેમણે આધ્યાત્મને જીવનના રંગમાં રંગી દીધું હતું. સામાન્ય રીતે આપણી આધ્યાત્મની વિચારધારા એવી રહી છે, જે ક્યારેક-ક્યારેક સહજ જીવનનો પ્રતિકાર કરે. પરંતુ શ્રીમંત શંકરદેવ જીવનનાં રંગોમાં જ આધ્યાત્મિકતા ભરનારા એક નવા માર્ગદર્શક બન્યા. કોઈ આધ્યાત્મ અને નાટકનો સંબંધ વિચારી શકે ? કોઈ આધ્યાત્મ અને કળાનો સંબંધ વિચારી શકે ? કોઈ આધ્યાત્મ અને નૃત્યનો સંબંધ વિચારી શકે ? કોઈ આધ્યાત્મ અને ગીતનો સંબંધ વિચારી શકે ? તેમણે કળાને, નૃત્યને, નાટ્યને, સંગીતને, જે સમાજ જીવનની સહજ વૃત્તિ-પ્રવૃત્તિ હતી, તેને જ આધ્યત્મના રંગમાં રંગી દીધી અને એને કારણે શ્રીમંત શંકરદેવ આજે પણ આપણા માટે એટલા જ રિલેવન્ટ છે, જેટલા તેઓ એમના જીવનકાળ દરમિયાન હતા.

દૂર-સુદૂર આસામમાં રહેનારા આ સંત, આ આધ્યાત્મિક મહામાનવ પાંચ શતાબ્દિ અગાઉ એમ કહે છે કે આપણે એવા આસામી બનીએ, એવા આસામિયા બનીએ કે આપણે ઉત્તમ ભારતીય બન્યા રહીએ. રાષ્ટ્રવાદનો સંદેશ આ મહાપુરુષે આટલો અગાઉથી, સદીઓ પહેલાં આપી દીધો હતો. તેમણે એમ પણ કહ્યું કે આપણે રાષ્ટ્ર નિર્માણ કરવાનું છે, પરંતુ રાષ્ટ્ર નિર્માણ કરવા માટે પણ વ્યક્તિ નિર્માણ, એ જ આપણો માર્ગ હશે અને એટલે માણસ-માણસને જોડવો, સમાજના તાણા-વાણા એવી રીતે જોડવા કે સમાજ એક એવી શક્તિ તરીકે ઉભરી આવે, જે પોતાના આપબળે વિકાસ પણ કરે, આધ્યાત્મિક ચેતના પણ જગાવે અને મુસીબતોમાંથી પણ પાર નીકળે. તેઓ એવા આધ્યાત્મિક પુરુષ હતા, જે શાસ્ત્રમાં પણ સમર્પિત હતા, શસ્ત્રમાં પણ સમર્પિત હતા. તેમણે પોતાના જ ભક્તોને અત્યાચારીઓ વિરુદ્ધ લડવા માટે તૈયાર કર્યા, બલિદાન આપવા માટે તૈયાર કર્યા. શા માટે ? માતૃભૂમિની રક્ષા કરવાની છે. આધ્યાત્મિકતાની રક્ષા કરવાની છે, મહાન ઉજ્જવળ પરંપરાઓની રક્ષા કરવાની છે.

આજે પણ આપણા સમાજમાં જે દૂષણો છે, ભલે ઓછા થયા હોય, પરંતુ ક્યાંક – ક્યાંક જ્યારે એ દૂષણો નજરે ચઢે છે, ત્યારે કેટલી પીડા થાય છે ? હિન્દુ સમાજની એક વિશેષતા રહી છે. હજારો વર્ષ જૂનો આ સમાજ છે. સમય-સમય પર તેમાં કેટલીક વિકૃતિઓ પણ આવી, દૂષણો પણ આવ્યાં, પરંતુ આ સમાજની વિશેષતા હતી કે પોતાનામાંથી જે તેણે એવા મહાપુરુષો સર્જ્યા કે, જે પોતે જ સમાજના દૂષણો સામે લડવા માટે મેદાનમાં આવે. આ નાની વાત નથી. આજે પણ ક્યાંક અસ્પૃશ્યતા વિરુદ્ધ બોલવાનું હોય, આભડછેટ વિરુદ્ધ બોલવાનું હોય તો ક્યારેક ક્યારેક લોકોને લાગે છે કે હવે જરૂર શું છે ? શ્રીમંત શંકરદેવે પાંચ સદીઓ પહેલાં અસ્પૃશ્યતા વિરુદ્ધ, ઊંચ-નીચના ભેદભાવ વિરુદ્ધ, સામાજિક એકતા માટે જ્યાં ગયા ત્યાં, તેમણે એ જમાનામાં સમગ્ર ભારતનું ભ્રમણ કર્યું હતું, કેટલા કષ્ટ વેઠ્યાં હશે અને આ સંદેશો પહોંચાડ્યો કે સમાજમાં આ જે વિકૃતિઓ છે, એ વિકૃતિઓ નાબૂદ થવી જોઈએ. સમાજમાં જે દૂષણો છે, એ દૂષણો નષ્ટ થવાં જોઈએ. યુગો સાથે સાથે ક્યારેક – ક્યારેક દૂષણો બદલાઈ જાય છે.

પ્રવર્તમાન સમયમાં શ્રીમંત શંકરદેવના માર્ગે આટલા સમર્પિત સેવકોની તમારા લોકોની ટીમ છે. સરકારે આટલો મોટો કાર્યક્રમ કરવો હોય તો 50 વાર વિચારવું પડે છે અને હું હેલિકોપ્ટરમાંથી જોઈ રહ્યો હતો. જ્યાં જોઈ રહ્યો હતો, માણસો જ માણસો નજરે પડતા હતા – લાખોની સંખ્યામાં. આ કેવી આધ્યાત્મિક તાકાત છે, આ કેવી સાત્વિક તાકાત છે ? આપણા રાષ્ટ્રને વિકાસની દિશામાં અગ્રેસર કરવા માટે અમારો “સબકા સાથ, સબકા વિકાસ” નો જે મંત્ર છે, તેમાં આ આધ્યાત્મક ચેતના, આધ્યાત્મિક શક્તિ, સાત્વિક શક્તિ, એ ખૂબ કિમતી છે અને એની શક્તિને જોડવાથી રાષ્ટ્ર ઝડપી વિકાસ સાધી શકે છે.

આજે પણ સંશોધનનાં કામ, સાહિત્યનાં કામ, શિક્ષણનાં કામ, લોક-સંસ્કારનાં કામ, સમાજનું કલ્યાણ થાય તેવાં કામ, શ્રીમંત શંકરદેવ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યાં છે.

એ વાત સાચી છે કે આટલાં વર્ષો વીતી ગયાં, તો ક્યારેક નાના-મોટા ઉતાર-ચઢાવ આવી જાય છે. પરંતુ સારી બાબત એ છે કે સહુ સાથે મળીને કામ કરી રહ્યા છે. ખભે ખભા મિલાવીને કામ કરીએ તો આ તાકાત વધુ નિખરે અને સમાજને એક નવી શક્તિ બની રહે. એવો મારો વિશ્વાસ છે. એક સાત્વિક પ્રવૃત્તિ ચાલી રહી છે, શિક્ષણની પ્રવૃત્તિ ચાલી રહી છે અને ઘણી બધી વાતો સંસ્થાના મોવડીઓએ મારી સમક્ષ રજૂ કરી છે. હું આ તમામ વાતોનો વિગતવાર અભ્યાસ કરીશ અને તેમાં જે કંઈ પણ કરી શકાતું હોય, તે કરવામાં અમે પીછેહઠ નહીં કરીએ, કારણ કે આ કામ તમે કરી રહ્યા છો. હવે માની લો કે મારે આસામમાં જ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવું છે. જો તમે મનમાં નક્કી કરી લો. તો સરકારની જરૂર પડશે ખરી આસામ ક્યારેય ગંદું થશે ખરું જો તમે લોકો નક્કી કરી લો શ્રીમંત શંકરદેવના નામથી જય ગુરુ શંકર બોલીને નીકળી પડો, હું નથી માનતો કે આસામમાં કોઈ ગંદકી રહી શકે. સ્વચ્છ ભારતના અભિયાનમાં આસામ ઉદાહરણીય બની શકે છે. આપણે ત્યાં બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવે છે, બાળકોની રસી, આ સરકારનું ઘણું મોટું અભિયાન છે. એક પણ બાળક રસીકરણ વિના રહેવું ન જોઈએ. એક પણ બાળક પોલિયોના ખોરાક વિના રહી ન જાય. આ મોટું કામ છે જો આપણે આપણા આ સંસ્થાના લોકો તેની સાથે જોડાઈ જાય, તો હું નથી માનતો કે સરકાર ભલે ઓછી પડે, પરંતુ તમે લોકો ઓછા નહીં પડો, અને સમાજની તાકાત બનશો એ મારો વિશ્વાસ છે.

સરકાર અને સમાજની શક્તિ જોડાવી જોઈએ. સરકાર અને સમાજની શક્તિ સાથે મળીને નિર્ધારિત લક્ષ્ય તરફ આગળ વધવા જોઈએ. ત્યારે આપણે શ્રીમંત શંકરદેવ જી જેવું ભારત ઈચ્છતા હતા, તેવા ભારતનું નિર્માણ કરી શકીશું. શંકરદેવનાં સ્વપ્નને આપણે પૂરું કરી શકીએ છીએ. અને આ આધ્યાત્મિક પ્રસંગે હું ગુરુદેવને પ્રણામ કરું છું. ફરી એકવાર તમારા સહુને આભાર વ્યક્ત કરું છું અને હું તમને વિશ્વાસ આપું છું કે તમે એટલાં ઉત્તમ કામો કરી રહ્યા છો, એટલા સાત્વિક કામ કરી રહ્યા છો. દિલ્હીની સરકાર તમારી સાથે ઊભા રહેવામાં ક્યારેય પીછેહઠ નહીં કરે. હું તમને એનો ભરોસો આપું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ

જય ગુરુશંકર.

AP/J.Khunt