Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઇથોપિયાની સંસદના સંયુક્ત સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ઇથોપિયાની સંસદના સંયુક્ત સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


તમારા મહામહિમ, ઇથોપિયાના પ્રધાનમંત્રી, સંસદના બંને ગૃહોના માનનીય અધ્યક્ષો, માનનીય સભ્યો, મહામહિમશ્રીઓ, અને મારા પ્રિય ઇથોપિયાના ભાઈઓ અને બહેનો,

આજે તમારી સમક્ષ ઉભા રહેવું એ મારા માટે ભારે સૌભાગ્યની ક્ષણ છે. સિંહોની ભૂમિ, ઇથોપિયામાં આવીને ઘણું અદભૂત લાગે છે. હું અહીં ઘણું ઘર જેવું અનુભવું છું. કારણ કે મારું ગૃહ રાજ્ય ગુજરાત, જે ભારતમાં છે, તે પણ સિંહોનું ઘર છે.

પ્રાચીન જ્ઞાન અને આધુનિક આકાંક્ષાઓ ધરાવતા રાષ્ટ્રના હૃદય સમાન, લોકશાહીના આ મંદિરમાં ઉપસ્થિત રહીને હું સન્માનિત અનુભવું છું. અને, હું તમારી સંસદ, તમારા લોકો અને તમારી લોકશાહી યાત્રા પ્રત્યે ઊંડા આદર સાથે તમારી પાસે આવ્યો છું. ભારતના 1.4 અબજ લોકો વતી, હું મિત્રતા, સદ્ભાવના અને ભાઈચારાની શુભેચ્છાઓ લાવ્યો છું.

તેના ઇસ્તીલીન (Tena Istillin)

 સલામ (Selam)

માનનીય સભ્યો,

આ ભવ્ય ઇમારતમાં, તમારા કાયદાઓ ઘડાય છે. અહીં, લોકોની ઈચ્છા એ રાજ્યની ઈચ્છા બને છે. અને જ્યારે રાજ્યની ઈચ્છા લોકોની ઈચ્છા સાથે સુમેળમાં હોય છે, ત્યારે પ્રગતિનું ચક્ર આશા અને ઉદ્દેશ્ય સાથે આગળ વધે છે.

તમારા દ્વારા, હું ખેતરોમાં કામ કરતા તમારા ખેડૂતો, નવા વિચારો રજૂ કરતા સાહસિકો, સમુદાયો અને સંસ્થાઓનું નેતૃત્વ કરતી ગૌરવશાળી મહિલાઓ અને ભવિષ્યને આકાર આપી રહેલા ઇથોપિયાના યુવાનો સાથે પણ વાત કરી રહ્યો છું. આ અપાર સૌભાગ્ય બદલ હું તમારો આભાર માનું છું.

ગઈકાલે, મારા પ્રિય મિત્ર પ્રધાનમંત્રી ડૉ. આબી અહેમદ પાસેથી ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન, ‘ગ્રાન્ડ ઓનર – નિશાન ઓફ ઇથોપિયામેળવીને હું સન્માનિત થયો હતો. હું ભારતની જનતા વતી, નમ્રતાપૂર્વક અને બે હાથ જોડીને આ પુરસ્કાર સ્વીકારું છું.

આમ સજ્ઞાલો (Ameseginalehu)

માનનીય સભ્યો,

ઇથોપિયા માનવ ઇતિહાસની સૌથી જૂની સભ્યતાઓમાંની એક છે. અહીં, ઇતિહાસ પર્વતોમાં, ખીણોમાં અને ઇથોપિયાના લોકોના હૃદયમાં જીવંત છે. આજે, ઇથોપિયા અડીખમ ઉભું છે કારણ કે તેના મૂળિયાં ઊંડા છે. ઇથોપિયામાં ઉભા રહેવું એટલે ત્યાં ઉભા રહેવું જ્યાં ભૂતકાળનું સન્માન થાય છે, વર્તમાન ઉદ્દેશ્યથી ભરેલો છે અને ભવિષ્યને ખુલ્લા હૃદયથી આવકારવામાં આવે છે.

જૂના અને નવાનું આ મિશ્રણ… પ્રાચીન જ્ઞાન અને આધુનિક મહત્વકાંક્ષા વચ્ચેનું આ સંતુલન… આ જ ઇથોપિયાની સાચી શક્તિ છે.

મેડેમર‘ (Medemer) અથવા સમન્વયની આ ભાવના અમને ભારતમાં ખૂબ પરિચિત છે. લાલીબેલાના એકપાષાણ ચર્ચોની જેમ, ભારતમાં તમિલનાડુના પ્રાચીન પથ્થરના મંદિરો પણ પથ્થરમાં કંડારેલી પ્રાર્થનાઓ સમાન છે. અમે પણ એક પ્રાચીન સભ્યતા છીએ, જે આત્મવિશ્વાસ સાથે ભવિષ્ય તરફ ડગ માંડી રહ્યા છીએ.

સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસના આહવાન સાથે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયત્ન સાથે મળીને. આપણી માતૃભૂમિ પ્રત્યેની આપણી લાગણીઓ પણ આપણા સહિયારા દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.

ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમઅને ઇથોપિયાનું રાષ્ટ્રીય ગાન, બંને આપણી ભૂમિને માતાતરીકે સંબોધે છે. તેઓ આપણને વારસા, સંસ્કૃતિ, પ્રાકૃતિક સૌંદર્ય પર ગર્વ કરવા અને માતૃભૂમિનું રક્ષણ કરવા માટે પ્રેરણા આપે છે.

માનનીય સભ્યો,

વિજ્ઞાને આપણી પ્રજાતિના કેટલાક પ્રારંભિક પદચિહ્નો ઇથોપિયામાં શોધી કાઢ્યા છે. જ્યારે વિશ્વ લ્યુસીઅથવા દિનકીનેશ‘ (Dinkinesh) ની વાત કરે છે, ત્યારે તેઓ માત્ર અશ્મિ વિશે વાત નથી કરતા. તેઓ એક શરૂઆત વિશે વાત કરે છે. એવી શરૂઆત જે આપણા બધાની છે, પછી ભલે આપણે એડિસ અબાબામાં રહેતા હોઈએ કે અયોધ્યામાં.

ભારતમાં, અમે કહીએ છીએ કે વસુધૈવ કુટુંબકમ‘, વિશ્વ એક પરિવાર છે. તે આપણને યાદ અપાવે છે કે રાજકારણથી પર, સરહદોથી પર, મતભેદોથી પર, આપણું મૂળ એક સમાન છે. અને જો આપણી શરૂઆત સહિયારી હતી, તો આપણું ભાગ્ય પણ સહિયારું જ હોવું જોઈએ.

માનનીય સભ્યો,

ભારત અને ઇથોપિયા આબોહવામાં તેમજ ભાવનામાં સમાન ઉષ્મા ધરાવે છે. લગભગ બે હજાર વર્ષ પહેલાં, આપણા પૂર્વજોએ વિશાળ સમુદ્રોની પેલે પાર જોડાણો બનાવ્યા હતા. હિંદ મહાસાગર પાર કરીને વેપારીઓ મસાલા, કપાસ, કોફી અને સોના સાથે સફર કરતા હતા. પરંતુ, તેઓ માત્ર માલસામાનનો વેપાર નહોતા કરતા. તેઓ વિચારો, વાર્તાઓ અને જીવનશૈલીની આપ-લે કરતા હતા. અદુલિસ (Adulis) અને ધોલેરા જેવા બંદરો માત્ર વેપારના કેન્દ્રો નહોતા. તેઓ સભ્યતાઓ વચ્ચેના સેતુ હતા.

આધુનિક સમયમાં, આપણા સંબંધોએ નવા યુગમાં પ્રવેશ કર્યો. 1941માં ઇથોપિયાની મુક્તિ માટે ભારતીય સૈનિકો ઇથોપિયનોની સાથે મળીને લડ્યા હતા. ભારત આઝાદ થયા પછી તરત જ આપણા ઔપચારિક રાજદ્વારી સંબંધો શરૂ થયા.

પરંતુ દૂતાવાસો સ્થપાય તે પહેલાં જ, આપણા લોકોએ સાથે મળીને એક નવો અધ્યાય લખવાનું શરૂ કરી દીધું હતું. હજારો ભારતીય શિક્ષકો ઇથોપિયા આવ્યા. તેમણે એડિસ અબાબામાં, દિરે દાવા (Dire Dawa) માં, બાહિર દાર (Bahir Dar) થી મેકેલે (Mekelle) સુધીના બાળકોને ભણાવ્યા. તેઓ ઇથોપિયાની શાળાઓ સુધી પહોંચ્યા અને ઇથોપિયનોના હૃદયમાં પ્રવેશ્યા. આજે પણ, ઘણા ઇથોપિયન માતાપિતા તે ભારતીય શિક્ષકો વિશે ઉષ્માપૂર્વક વાત કરે છે જેમણે તેમના બાળકોના ભવિષ્યને આકાર આપ્યો હતો.

અને જેમ ભારતીય શિક્ષકો અહીં આવ્યા, તેમ ઇથોપિયન વિદ્યાર્થીઓએ પણ જ્ઞાન અને મિત્રતાની શોધમાં ભારતની મુસાફરી કરી. તેઓ વિદ્યાર્થીઓ તરીકે ભારત ગયા અને આધુનિક ઇથોપિયાના ઘડવૈયા તરીકે ઘરે પાછા ફર્યા. મને કહેવામાં આવ્યું છે કે તેમાંથી કેટલાક અત્યારે આ સંસદમાં હાજર છે! જેમાં માનનીય અધ્યક્ષ તાગેસે ચાફો (Tagesse Chafo) નો પણ સમાવેશ થાય છે.

તેમણે આપણા લોકો વચ્ચેના સંબંધો બાંધવામાં પણ વિશેષ ભૂમિકા ભજવી છે. કારણ કે તેમણે ભારતમાં ઇથોપિયન વાનગીઓનો પરિચય કરાવ્યો હતો. ભારતમાં, અમે રાગી અને બાજરી જેવા શ્રી અન્ન‘ (મિલેટ્સ) ખાવાનો પણ આનંદ લઈએ છીએ. તેથી, ઇથોપિયન ટેફ‘ (Teff) નો સ્વાદ અમારા માટે ઘણો આશ્વાસનદાયક છે. અને, કારણ કે અમે ભારતીય થાળી જમવાનો આનંદ માણીએ છીએ, ઇથોપિયન બેયા-નૈતૂ‘ (Beyaynetu) પણ અમને ઘણું પરિચિત લાગે છે.

માનનીય સભ્યો,

આજે, ભારતીય કંપનીઓ ઇથોપિયામાં સૌથી મોટા વિદેશી રોકાણકારોમાંની એક છે. તેમણે ટેક્સટાઇલ, મેન્યુફેક્ચરિંગ, કૃષિ, આરોગ્ય અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં પાંચ અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. અને, તેમણે પંચોતેર હજારથી વધુ સ્થાનિક નોકરીઓનું સર્જન કર્યું છે.

પરંતુ, મને ખાતરી છે કે આપણે બધા સંમત થઈશું કે આપણી ભાગીદારીમાં ઘણી વધુ સંભાવનાઓ છે. તેથી જ, પ્રધાનમંત્રી ડૉ. આબી અહેમદ અને મેં ગઈકાલે એક મોટું પગલું ભર્યું હતું. અમે અમારા દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી‘ (Strategic Partnership) ના સ્તરે લઈ જવાનું નક્કી કર્યું છે.

આ ટેકનોલોજી, ઇનોવેશન, માઇનિંગ, ટકાઉપણું અને સ્વચ્છ ઉર્જામાં સહયોગ દ્વારા આપણી અર્થવ્યવસ્થાની સંભાવનાઓને મુક્ત કરશે. તે ખાદ્ય સુરક્ષા, આરોગ્ય સુરક્ષા અને ક્ષમતા નિર્માણમાં સહયોગ દ્વારા આપણા લોકોના ભવિષ્યને સુરક્ષિત કરવામાં પણ મદદ કરશે. આ ઉપરાંત, આપણે આપણા વેપાર અને રોકાણ સહયોગ તેમજ સંરક્ષણ અને સુરક્ષા બાબતોમાં પણ વધારો કરીશું.

માનનીય સભ્યો,

વિકસશીલ દેશો તરીકે, આપણી પાસે એકબીજા પાસેથી શીખવા માટે અને એકબીજાને આપવા માટે ઘણું બધું છે. કૃષિ આપણા બંને રાષ્ટ્રોની કરોડરજ્જુ સમાન છે. તે આપણા લોકોને ખવડાવે છે. તે આપણા ખેડૂતોને ટકાવી રાખે છે. તે પરંપરાને ઇનોવેશન સાથે જોડે છે. આપણે વધુ સારા બિયારણ, સિંચાઈ પ્રણાલી અને જમીન-આરોગ્ય ટેકનોલોજી વિકસાવવા માટે સાથે મળીને કામ કરી શકીએ છીએ.

જેમ કે આબોહવા પરિવર્તન વરસાદ અને પાક ચક્રને અસર કરે છે, આપણે આબોહવા-સ્થિતિસ્થાપક ખેતીમાં જ્ઞાન શેર કરી શકીએ છીએ. ડેરી ફાર્મિંગથી લઈને ફાર્મ મિકેનાઇઝેશન સુધી, મિલેટ સંશોધનથી લઈને ફૂડ પ્રોસેસિંગ સુધી, આપણે સાથે મળીને આપણા ખેડૂતોને સમૃદ્ધ બનાવવામાં મદદ કરી શકીએ છીએ.

માનનીય સભ્યો,

ભારતમાં, અમે એક મજબૂત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. તેણે અમે સેવાઓ પહોંચાડવાની રીત અને લોકો તે સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરે છે તેમાં પરિવર્તન લાવ્યું છે. આજે, ભારતનો દરેક નાગરિક પેમેન્ટ માટે, ઓળખ માટે અને સરકારી સેવાઓ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે. વિશ્વના વાસ્તવિક સમયના અડધાથી વધુ ડિજિટલ પેમેન્ટ્સ હવે ભારતમાં થાય છે.

500 અબજ ડોલરથી વધુના કલ્યાણકારી લાભો કોઈ પણ ગળતર કે ભ્રષ્ટાચાર વગર સીધા કરોડો લાભાર્થીઓના બેંક ખાતામાં પહોંચ્યા છે. દર વર્ષે ત્રણ વખત, લગભગ 100 મિલિયન ખેડૂતો એક બટન ક્લિક કરવા પર નાણાકીય સહાય મેળવે છે.

જેમ તમે તમારી ડિજિટલ ઇથોપિયા 2025 વ્યૂહરચના અમલમાં મૂકી રહ્યા છો, અમે અમારી કુશળતા અને અનુભવ ઇથોપિયા સાથે શેર કરવા તૈયાર છીએ. અને, અમને ગૌરવ છે કે તમે તમારા વિદેશ મંત્રાલય માટે ડેટા સેન્ટર વિકસાવવા માટે ભારતને વિશ્વસનીય ભાગીદાર તરીકે પસંદ કર્યું છે.

માનનીય સભ્યો,

ભારત વિશ્વની ફાર્મસી તરીકે ઓળખાય છે. કોવિડ મહામારી દરમિયાન આખું વિશ્વ ચિંતિત હતું. તે ખૂબ જ મુશ્કેલ સમય હતો. મર્યાદિત સંસાધનો હોવા છતાં, અમે બીજાને મદદ કરવા માટે શક્ય તેટલું બધું કરવું એ માનવતા પ્રત્યેની અમારી પવિત્ર ફરજ માનતા હતા.

ભારતે 150 થી વધુ દેશોમાં દવાઓ અને રસી મોકલી છે. ઇથોપિયાને 4 મિલિયનથી વધુ રસીના ડોઝ પૂરા પાડવા એ ભારતનું ગૌરવશાળી સૌભાગ્ય હતું. અને, ડૉક્ટર ટેડ્રોસ (WHOના વડા)ના નેતૃત્વમાં WHO સાથે ભાગીદારીમાં આમ કરવું એ અમારું નસીબ હતું, જેઓ ઇથોપિયાના ગૌરવશાળી પુત્ર છે અને ભારતમાં તુલસી ભાઈતરીકે ઓળખાય છે.

મને આનંદ છે કે અમારો આરોગ્ય સંભાળ સહયોગ ફાર્માસ્યુટિકલ્સથી લઈને હોસ્પિટલો સુધી અને પરંપરાગત દવાઓથી લઈને ટેલિમેડિસિન સુધી વધી રહ્યો છે. અમે અમારી આરોગ્ય સુરક્ષા સહકારને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ – હોસ્પિટલોમાં નવા સાધનોની જોગવાઈથી લઈને આરોગ્યસંભાળ વ્યવસાયિકોના ક્ષમતા નિર્માણ સુધી.

માનનીય સભ્યો,

ઇથોપિયા આફ્રિકાના ચાર રસ્તા (crossroads) પર સ્થિત છે. ભારત હિંદ મહાસાગરના હૃદયમાં છે. આપણે પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને કનેક્ટિવિટીમાં કુદરતી ભાગીદારો છીએ.

આ વર્ષની શરૂઆતમાં સંરક્ષણ સહકાર કરાર પર હસ્તાક્ષર સાથે પરસ્પર સુરક્ષા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા મજબૂત બની છે. આ કરાર ગાઢ લશ્કરી સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં સાયબર સુરક્ષામાં, સંરક્ષણ ઉદ્યોગોમાં, સંયુક્ત સંશોધનમાં અને ક્ષમતા નિર્માણમાં સહયોગનો સમાવેશ થાય છે.

હું આ તકનો ઉપયોગ એપ્રિલમાં ભારતમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી તમારી એકતા માટે ઇથોપિયાનો આભાર માનવા માટે કરું છું. અમારા સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળનું આટલું ઉષ્માભર્યું સ્વાગત કરવા અને આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા (Zero Tolerance) ની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરવા બદલ પણ હું તમારો આભાર માનું છું.

માનનીય સભ્યો,

જીવંત અને વૈવિધ્યસભર લોકશાહી તરીકે, આપણે બંને સમજીએ છીએ કે લોકશાહી એ જીવન જીવવાની એક રીત છે અને તે એક યાત્રા છે. તે ક્યારેક ચર્ચાઓ દ્વારા, ક્યારેક અસંમતિ દ્વારા આકાર લે છે, પરંતુ હંમેશા કાયદાના શાસન અને લોકોની ઈચ્છામાં વિશ્વાસ દ્વારા ચાલે છે.

આપણા બંને બંધારણો પણ આ ભાવનાને પ્રતિબિંબિત કરે છે. ભારતનું બંધારણ શબ્દોથી શરૂ થાય છે:અમે, ભારતના લોકો.ઇથોપિયાનું બંધારણ શરૂ થાય છે:અમે, ઇથોપિયાના રાષ્ટ્રો, રાષ્ટ્રીયતાઓ અને લોકો.તેમનો સંદેશ એક જ છે: આપણું ભાગ્ય આપણા હાથમાં છે.

આજે સવારે, મને આડવા (Adwa) વિજય સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવાનું સન્માન મળ્યું. આ સ્મારક એક કાલાતીત સ્મૃતિ છે કે કેવી રીતે ઇથોપિયાના વિજયે સમગ્ર સંસ્થાનવાદી વિશ્વને તેની ગૌરવ અને સ્વતંત્રતાની શોધમાં પ્રેરણા આપી હતી. અને સંઘર્ષ અને અનિશ્ચિતતાના આ સમયમાં, તે એક સ્મૃતિ છે કે ગ્લોબલ સાઉથના લોકો પોતાના માટે અવાજ ઉઠાવી શકે છે.

માનનીય સભ્યો,

મહાત્મા ગાંધીએ આપણને ટ્રસ્ટીશિપ (Trusteeship) નો ખ્યાલ આપ્યો હતો. આપણે આ સુંદર ગ્રહ અને તેના સંસાધનોના માલિક નથી. તેના બદલે, આપણે ટ્રસ્ટી છીએ જેમણે તેમની સંભાળ લેવી જોઈએ અને તે આપણા બાળકોને સોંપવા જોઈએ. ટ્રસ્ટીશિપની આ ભાવના જે ભારતના “એક પેડ મા કે નામ” – “A Tree for Mother” પહેલને માર્ગદર્શન આપે છે – તે ઇથોપિયાના ગ્રીન લેગસી ઇનિશિયેટિવમાં પણ પ્રતિબિંબિત થાય છે.

આપણા બંને રાષ્ટ્રો ધરતી માતાની સંભાળ રાખવામાં માને છે. બંને પ્રકૃતિને પાછું આપવામાં માને છે. ચાલો આપણે સાથે મળીને અક્ષય ઉર્જા અને ગ્રીન જોબ્સ પર કામ કરીએ. ચાલો આપણે આપત્તિ-સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાયો-ફ્યુઅલ પર કામ કરીએ. અને આપણે આબોહવા ન્યાય માટે મજબૂત અવાજ ઉઠાવીએ. 2027 માં COP-32 માં ગ્લોબલ સાઉથને શક્તિશાળી અવાજ આપવાના ઇથોપિયાના પ્રયાસોને સમર્થન આપતા ભારતને આનંદ થશે.

માનનીય સભ્યો,

મને કહેવામાં આવ્યું છે કે ઇથોપિયામાં એક કહેવત છે, “જ્યારે કરોડિયાના જાળાં એક થાય છે, ત્યારે તેઓ સિંહને પણ બાંધી શકે છે.અમે પણ ભારતમાં માનીએ છીએ કે, ‘મન મળે તો પર્વત પણ રસ્તો આપી દે છે‘ (Man mile toh parvat bhi raasta de dete hain) – જ્યારે હૃદય એક થાય છે, ત્યારે પર્વતો પણ માર્ગ આપે છે.

ખરેખર, એકતા એ શક્તિ છે, અને સહકાર એ સામર્થ્ય છે. અને આજે, ગ્લોબલ સાઉથના રાષ્ટ્રો તરીકે, પ્રાચીન સભ્યતાઓ તરીકે, મિત્રો તરીકે, ભારત અને ઇથોપિયા સાથે ઉભા છે. આપણે એક પરિવારના સભ્યો તરીકે સાથે ઉભા છીએ. અને આપણે એવા વિશ્વ માટે કામ કરીએ છીએ જે વધુ ન્યાયી, વધુ સમાન અને વધુ શાંતિપૂર્ણ હોય.

અહીં જ, એડિસ અબાબામાં આફ્રિકન એકતાના સપનાઓને ઘર મળ્યું હતું. મને કહેવામાં આવ્યું છે કે આ અદ્ભુત શહેરની ઘણી શેરીઓના નામ આફ્રિકન દેશોના નામ પરથી રાખવામાં આવ્યા છે!

હિંદ મહાસાગરની બીજી બાજુ, નવી દિલ્હીમાં જ ભારતને G20ના કાયમી સભ્ય તરીકે આફ્રિકન યુનિયનનું સ્વાગત કરવાનું સન્માન મળ્યું હતું. ગયા વર્ષે, અમે BRICS ના પૂર્ણ સભ્ય તરીકે ઇથોપિયાના સમાવેશ સાથે અન્ય એક ઐતિહાસિક પગલું ભર્યું હતું.

હકીકતમાં, મારી સરકારના 11 વર્ષો દરમિયાન, ભારત અને આફ્રિકા વચ્ચેનું જોડાણ અનેકગણું વધ્યું છે. આ સમયગાળા દરમિયાન, અમે રાજ્ય અને સરકારના વડાઓના સ્તરે 100 થી વધુ મુલાકાતોની આપ-લે કરી છે.

માનનીય સભ્યો,

ગ્લોબલ સાઉથ પોતાનું નસીબ જાતે લખી રહ્યું છે. અને, ભારત અને ઇથોપિયા આ માટે એક વિઝન શેર કરે છે. આપણું વિઝન એવા વિશ્વનું છે જ્યાં ગ્લોબલ સાઉથ કોઈની વિરુદ્ધ નહીં, પણ દરેક માટે ઉભરી આવે.

એવું વિશ્વ જ્યાં વિકાસ ન્યાયી હોય, જ્યાં ટેકનોલોજી સુલભ હોય અને જ્યાં સાર્વભૌમત્વનું સન્માન કરવામાં આવે. એવું વિશ્વ જ્યાં સમૃદ્ધિ સહિયારી હોય અને શાંતિનો બચાવ કરવામાં આવે. અને, એવું વિશ્વ જ્યાં નિર્ણય લેવાની પ્રક્રિયા આજના વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરે, નહીં કે 1945 ના વિશ્વને. કારણ કે જો તેની પ્રણાલીઓ ભૂતકાળમાં જ કેદ રહેશે તો વિશ્વ આગળ વધી શકશે નહીં.

તેથી જ, ભારતે ગ્લોબલ ડેવલપમેન્ટ કોમ્પેક્ટપર ભાર મૂક્યો છે. તે ટેકનોલોજી શેરિંગ, સસ્તું ધિરાણ, ક્ષમતા નિર્માણ અને ટકાઉ વિકાસ માટે વેપારને પ્રાથમિકતા આપશે. તેથી જ, નવેમ્બરમાં G-20 સમિટમાં, મેં એક મિલિયન ટ્રેનર્સને તાલીમ આપવા માટે “આફ્રિકા સ્કિલ્સ મલ્ટિપ્લાયર ઇનિશિયેટિવ” માટે આહવાન કર્યું હતું. તે સ્થાનિક ક્ષમતાઓ બનાવશે, અને સર્વસમાવેશક અને ટકાઉ વિકાસ તરફના તમારા પ્રયત્નોમાં મદદ કરશે.

માનનીય સભ્યો,

ચા સાથેનો મારો અંગત નાતો જાણીતો છે. પરંતુ, ઇથોપિયામાં આવીને કોફીનો ઉલ્લેખ ન કરવો એ અશક્ય છે! તે વિશ્વને આપેલી તમારી સૌથી મોટી ભેટોમાંની એક છે!

ઇથોપિયન કોફી સેરેમનીમાં, લોકો સાથે બેસે છે, સમય ઓછો પડી જાય છે અને મિત્રતા ગાઢ બને છે. ભારતમાં પણ, એક કપ ચા એ વાતચીત કરવા, શેર કરવા અને જોડાવા માટેનું આમંત્રણ છે. અને, ઇથોપિયન કોફી અને ભારતીય ચાની જેમ જ, આપણી મિત્રતા વધુ મજબૂત બની રહી છે!

આજે હું તમારી સમક્ષ, ભાઈઓ અને બહેનોની વચ્ચે, કૃતજ્ઞતાની ઊંડી લાગણી અને ભવિષ્ય માટે ઉજ્જવળ આશાઓ સાથે ઉભો છું. ભવિષ્ય પોકારી રહ્યું છે. અને, ભારત અને ઇથોપિયા જવાબ આપવા માટે તૈયાર છે.

માનનીય સભ્યો,

જ્યારે હું સમાપન કરું છું, ત્યારે હું તમને વચન આપું છું કે આપણે સમાન ગણીને સાથે ચાલીશું. આપણે ભાગીદારો તરીકે સાથે મળીને નિર્માણ કરીશું. અને, આપણે મિત્રો તરીકે સાથે મળીને સફળ થઈશું.

આ સંસદને સંબોધિત કરવાના સન્માન બદલ આભાર. તમારી મિત્રતા બદલ આભાર. તમારા વિશ્વાસ બદલ આભાર.

તબ્બારકુ

દેના હુન્નુ

આમ સજ્ઞાલો

આભાર.