Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) અને જાપાનીઝ એરોસ્પેસ એક્સ્પ્લોરેશન એજન્સી (જાક્સા) વચ્ચેના અંતરિક્ષ ક્ષેત્રે સહકાર માટેના એમઓયુ અંગે જાણકારી મેળવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળને 11મી નવેમ્બર, 2016ના રોજ ટોક્યોમાં હસ્તાક્ષર કરાયેલા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) અને જાપાનીઝ એરોસ્પેસ એક્સ્પ્લોરેશન એજન્સી (જાક્સા) વચ્ચેના અંતરિક્ષ ક્ષેત્રના સહકાર અંગેના સમજૂતી કરાર અંગે જાણકારી આપવામાં આવી હતી.

આ સમજૂતી કરારનો હેતુ સંશોધનમાં ભાવિ સહકારી પ્રવૃત્તિઓને આગળ ધપાવવાનો અને અંતરિક્ષનો ઉપયોગ પ્રત્યેક દેશ અને તેની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને ધ્યાનમાં રાખીને કાયદા અને નિયમનો અનુસાર ફક્ત શાંતિપૂર્ણ હેતુઓ માટે કરવાનો છે.

આ સમજૂતી કરારને પગલે અર્થ ઓબ્ઝર્વેશન, સેટેલાઈટ કોમ્યુનિકેશન અને નેવિગેશન, એક્સ્પ્લોરેશન અને સ્પેસ સાયન્સીઝ, સ્પેસ સિસ્ટમ્સ અને સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રે સંશોધન અને વિકાસ તેમજ અંતરિક્ષ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સહિત અંતરિક્ષ વિજ્ઞાન ટેકનોલોજી અને એપ્લિકેશન્સના વિવિધ ક્ષેત્રોમાં સહકાર આગળ વધારવામાં આવશે.

આ સમજૂતી હેઠળ ઈસરો અને જાક્સા, કોઈ લેખિત નિર્ણય ન લે ત્યાં સુધી પોતપોતાની પ્રવૃત્તિઓના ખર્ચ ભોગવશે. સમજૂતી કરાર હેઠળ પોતપોતાની ભૂમિકા અને પ્રવૃત્તિઓને નિભાવવાની ક્ષમતા તેમજ તેને સંબંધિત સ્વતંત્ર વ્યવસ્થા બંનેની પોતપોતાની ભંડોળની પ્રક્રિયાઓ, યોગ્ય ભંડોળની ઉપલબ્ધિ અને પોતાના દેશના કાયદાઓ પર નિર્ભર રહેશે.

સમજૂતી કરારનું માળખું માનવતાના લાભ માટે અંતરિક્ષ ટેકનોલોજીના ઉપયોગના ક્ષેત્રે સંયુક્ત પ્રવૃત્તિ આધારિત રહેશે. આમ, દેશના તમામ વર્ગો અને પ્રદેશોને તેનો લાભ મળશે.

પશ્ચાદ્ભૂમિકાઃ

ભારત અને જાપાન પાંચ દાયકાથી પણ વધુ ગાળાથી અંતરિક્ષ ક્ષેત્રે સહકાર ધરાવે છે અને બંને દેશોએ એટમોસ્ફેરિક સ્ટડી, ઓબ્ઝર્વેશન ઑફ યુનિવર્સ અને રિમોટ સેન્સિંગમાં વૈજ્ઞાનિક સંશોધન અંગે અભ્યાસો હાથ ધર્યા હતા. વર્ષ 2003માં જાક્સાની રચનાને પગલે અંતરિક્ષ અવકાશના ક્ષેત્રે વધુ સહકારની સંભાવનાઓ ધ્યાન પર લેવા માટેની ગોઠવણ અંગે ઈસરો / અંતરિક્ષ વિભાગ (ડીઓએસ) અને જાક્સા વચ્ચે ઓક્ટોબર, 2005માં હસ્તાક્ષર થયા હતા. એને પગલે, બંને સંસ્થાઓ ચંદ્ર પર સંશોધન, સેટેલાઈટ નેવિગેશન, એક્સ-રે એસ્ટ્રોનોમી અને એશિયા પેસિફિક રિજિયોનલ સ્પેસ એજન્સી ફોરમ (એપીઆરએસએએફ) સંબંધિત સહકાર અંગેના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યાં હતાં.

5મી એપ્રિલ, 2016ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલી ઈસરો-જાક્સાની દ્વિપક્ષીય બેઠક દરમિયાન બંને પક્ષો ઈસરો અને જાક્સા વચ્ચે અંતરિક્ષ ક્ષેત્રમાં સહકાર અંગે નવા સમજૂતી કરારના મુસદ્દો તૈયાર કર્યો હતો અને 11મી નવેમ્બર, 2016ના રોજ ટોક્યો ખાતે પ્રધાનમંત્રી શ્રીની જાપાનની મુલાકાત દરમિયાન તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.