Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઉત્તરપ્રદેશ, નોઈડામાં ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ

ઉત્તરપ્રદેશ,  નોઈડામાં ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ


વિશાળ સંખ્યામાં પધારેલા મારા ભાઈઓ અને બહેનો,

આજે બાબુ જગજીવનરામ જી ની જન્મજયંતિ છે. ઘણાં વર્ષો સુધી રાષ્ટ્રની સેવામાં તેમણે પોતાનું જીવન વાપરી નાંખ્યું. તેમના જન્મ દિવસને સમતા દિવસ તરીકે પણ યાદ કરવામાં આવે છે. દલિત કુટુંબમાં જન્મ લઈને રાષ્ટ્રનું ગૌરવ વધારવામાં તેમણે અથાગ પુરૂષાર્થ કર્યો, પરિશ્રમ કર્યો. તેમણે સામાજિક સ્થિતિને ક્યારેય આડે આવવા દીધી નહીં. એવા જગજીવનરામ જી ની જન્મજયંતિએ આજે ભારત સરકાર સ્ટેન્ડ અપ કાર્યક્રમ લોન્ચ કરી રહી છે.

બાબુ જગજીવનરામ જીની એક વિશેષતા એ પણ રહી છે કે તેઓ હંમેશા મેરિટના આગ્રહી રહ્યા. સ્કોલરશીપ પણ તેઓ મેરિટ પર લેવાનો આગ્રહ રાખતા હતાં. મેરિટ પર જે ના મળે, તેને લેવાનો ઈન્કાર કરતા હતા અને ઘણાં ઓછા લોકોને ખબર હશે કે ભારતે જે પ્રથમ કૃષિ ક્રાંતિ agriculture revolution કરી હતી ત્યારે આપણા દેશના કૃષિ પ્રધાન બાબુ જગજીવનરામ જી હતાં. ઘણાં ઓછા લોકોને ખબર હશે કે 1971ના યુદ્ધમાં ભારતે જે વિજય પ્રાપ્ત કર્યો હતો, તે સમયે ભારતના સંરક્ષણ પ્રધાન બાબુ જગજીવનરામ જી હતાં. પરંતુ એવું કોઈ કારણ રહ્યું દેશમાં કે આવા પ્રકારની સેવાઓને, આવા મહાપુરુષોના યોગદાનને લગભગ ઈતિહાસમાં ભૂલાવી દેવામાં આવ્યા છે. અમે એવા મતના છીએ કે રાજકીય વિચારધારા જે કંઈ હોય, પરંતુ દેશ માટે જીવનારા-મરનારા આપણા સૌ માટે આદરણીય હોય છે, આપણા સૌના માટે પ્રેરક હોય છે.

કદાચ બાબુ જગજીવનરામ જીની જન્મજયંતિએ અગાઉ ક્યારેય ભારત સરકારે કોઈ કાર્યક્રમ લોન્ચ કર્યો હોય, એ લગભગ મારી સમૃતિમાં નથી પરંતુ મને આજે ગૌરવ થાય છે અને તેનું એક બહુ મોટું કારણ પણ છે, કેમ કે અમે એક યોજના બનાવી. યોજના એ બનાવી કે આપણા જે આદિવાસી ભાઈ-બહેન છે, આપણા જે દલિત ભાઈ-બહેન છે, તેઓ ક્યાં સુધી નોકરીની રાહ જોયા કરશે અને સરકાર પણ કેટલાને નોકરી આપી શકશે અને જો આ જો આવી જ પરિસ્થિતિ રહેશે તો સમાજના દલિતો, પીડિતો, શોષિતો, વંચિતો, આ મારા ભાઈઓનું શું થશે , એ નવયુવાનોનું શું થશે? મારો એ વિશ્વાસ છે કે પરમાત્માએ જે શક્તિ અને સામર્થ્ય, જે સમજ અને કૌશલ્ય આપણને આપ્યું છે એવું જ મારા આ દલિત પરિવારોને પણ આપ્યું છે અને મારા આ આદિવાસી પરિવારોને પણ આપ્યું છે. પરંતુ આપણે એ લોકો છીએ જેમને તક મળી છે અને તેઓ એવા લોકો છે જેમને તક મળી નથી. જો તક મળવાને લીધે આપણે કંઈ કરી શકીએ છીએ, તો તક મળે ત્યારે મારા દલિત અને આદિવાસી ભાઈ-બહેન પણ એટલું જ ઉત્તમ કામ કરી શકે છે અને દેશને ઘણું યોગદાન આપી શકે છે.

અને તેથી જ, જીવનના દરેક ક્ષેત્રે સમાજના છેવાડે બેઠેલો જે વ્યક્તિ છે, તેને આગળ આવવાની તક મળવી જોઈએ. તેણે કોઈની દયા પર જીવવા માટે લાચાર નહીં બનવું જોઈએ. જો તે પોતાના પુરૂષાર્થથી, પોતાના પરિશ્રમથી, સાહસ કરવા તૈયાર હોય, તેની પાસે બુદ્ધિ છે, ક્ષમતા છે ત્યારે થોડી પણ સુવિધા મળી જાય તો તે એક નવીન, ભવ્ય, સ્વપ્નોને સાકાર કરનાર પોતાના જીવનને આગળ લઈ જઈ શકે છે અને એવા જ એક વિચારમાંથી આ સ્ટેન્ડ અપ ઇન્ડિયાની કલ્પના આવી.
15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી મેં જાહેરાત કરી હતી – ‘Start Up India, Stand Up India’. ‘Stand Up India’યોજના હેઠળ 15 ઓગસ્ટના રોજ લાલકિલ્લા પરથી જાહેરાત કરી હતી કે ભારતની દરેક બેંકની શાખા પોતાના વિસ્તારમાં એક દલિતને જો ત્યાં દલિતની વસતી ના હોય તો આદિવાસીને અને એક મહિલાને બેંક દ્વારા લોન આપશે. આજે દેશમાં સવા લાખ બેંકો છે. એક લાખથી વધુ સ્થળો પર ફેલાયેલી છે. સામાન્ય રીતે કોઈ ઉદ્યોગ કે વેપાર શરૂ થાય છે ત્યારે, તે સ્થાપિત શહેર હોય ત્યાં જ ફેલાતા જાય છે. અમારી આ યોજના હેઠળ સવા લાખ બેંકો જ્યારે પૈસા આપશે તો સવા લાખ સ્થળો પર કોઈને કોઈ ઉદ્યોગ શરૂ થશે અને અઢી લાખ લોકો દ્વારા અઢી લાખ ઉદ્યોગો શરૂ થશે. એક જિલ્લામાં, એક સ્થળે. જ્યાં પ્રગતિ થશે તેટલું જ નહીં, એક વિસ્તરેલ કામ થશે અને એટલે જ દરેક શાખાને જણાવ્યું છે કે એ તમારી જવાબદારી રહેશે કે તમારી શાખા જે વિસ્તારમાં છે, તે વિસ્તારનો કોઈ નવયુવાન, કે જે દલિત હોય કે આદિવાસી હોય અને એક મહિલા, બે જણાને તમારે લોન આપવાની રહેશે અને તેમને નવો ઉદ્યોગ, નવો વ્યવસાય કરવા માટે મદદ કરવાની રહેશે.
તમે કલ્પના કરી શકો છો કે આજે જે નોકરી ઈચ્છુક છે તે નોકરી સર્જક બની જશે. જે આજે નોકરી શોધી રહેલ છે, તે નોકરી આપનાર બની જશે. જો આવા અઢી લાખ યુનિટ શરૂ થાય, કોઈ એકને રોજગારી આપે, કોઈ બે ને આપે, કોઈ પાંચને આપે ત્યારે આપણા દેશના નવયુવાનો માટે એક રોજગારીની એક નવી તક પ્રાપ્ત થશે.

આ જે ‘Stand Up’ યોજના છે. મુદ્રા યોજના અને ‘Stand Up’ યોજનામાં એક બહુ મોટો તફાવત છે. મુદ્રા યોજનામાં પણ જામીન વગર ઉદ્યોગકાર બેંક પાસેથી, કંઈક આગળ વધવું હોય તો, પૈસા લઈ શકે છે. છાપાં વેચનાર, કમાણી કરવી છે તો લઈ શકે છે પૈસા. ચા વેચનાર હોય, ચણા વેચનાર હોય, ધોબી હોય, વાળંદ હોય, નાના નાના લોકો જેમને બિચારાઓને ખુબજ વધુ વ્યાજે પૈસા લેવા પડતા હોય છે. શાહુકાર લોકો તેમને લૂંટે છે. તે એક વખત આમની પાસેથી પૈસા લીધા બાદ વ્યાજ ચુકવવાના ચક્કરમાંથી જ બહાર નથી આવતો. જીવનભર તે કરજદાર રહે છે અને દેશમાં 6 કરોડથી વધુ આવા કોઈને કોઈ કામ કરે છે જે દેશની આર્થિક પ્રવૃતિ ચલાવે છે. નાના નાના લોકો છે, નાના દુકાનદાર છે. કોઈને પાંચ હજાર જોઈએ, કોઈને પચાસ હજાર જોઈએ. બેંકના દરવાજા એમના માટે બંધ હતાં અને આ લોકો એટલા બધા ગરીબ હતા કે કોઈ એમના માટે જામીન પણ આપતા ન હતા. અમે મુદ્રા યોજના હેઠળ કોઈપણ જામીન વગર આવા લોકોને લોન પુરી પાડી. હમણાં અરૂણજી જણાવી રહ્યા હતા કે અમારૂં લક્ષ્યાંક તો સવા લાખ કરોડથી પણ ઓછું હતું, પરંતુ અમે તેનાથી પણ આગળ વધી ગયા અને લગભગ સવા ત્રણ કરોડથી વધુ લોકોને પૈસા આપ્યા. આજે તેઓ પોતાનો વેપાર કરી રહ્યા છે. પોતાના વ્યવસાયનો વિકાસ કરી રહ્યા છે અને વ્યાજની ચુંગાલમાંથી બચી ગયા છે. પરંતુ મુદ્રામાં 10 લાખ રૂપિયા સુધીની જ રકમ મળે છે.

આ જે દલિત પરિવારો માટે યોજના બનાવી છે, આદિવાસી પરિવારો માટે યોજના બનાવી છે, મહિલોને ઉદ્યમી બનાવવા માટે જે યોજના બનાવી છે તેના હેઠળ 10 લાખથી લઈને એક કરોડ સુધીની રકમ બેંક તેમને આપશે અને તે શાખાના વિસ્તારમાં જ હશે જેથી હિન્દુસ્તાનમાં એક લાખ રૂપિયાથી વધારે જગ્યાએ કોઈને કોઈ નવું કામ શરૂ થશે. એકલા ઉત્તરપ્રદેશમાં થાય, એકલા દિલ્હીમાં થાય, એકલા જયપુર, મુંબઈ, અમદાવાદમાં થાય, નાના નાના સ્થળે કામ શરૂ થવું જોઈએ. આ દેશને આગળ લઈ જવો છે અને એટલા માટે બેંકની શાખાને. . . . કોઈ એક બેંક, તેની સો શાખાઓ છે અને બેંક બસો લોકોને એક જ સ્થળે આપી દે, એ અમને મંજૂર નથી. જો સો શાખાઓ હોય તો જ્યાં શાખા હશે, ત્યાંજ તેમને આપવાનું રહેશે, જેથી તે પછાત વિસ્તારનો પણ વિકાસ થાય. આ યોજના હેઠળ આ મુજબ કરવામાં આવેલ છે.

આજે તમે જોયું હશે. સામાન્ય પરિવારના લોકો, તેમને એક યોજના હેઠળ સહભાગી બનાવ્યા છે અને હું ભાઈ મિલિન્દને અભિનંદન આપું છું કે તેમણે દલિત યુવાનોમાં એક ચેતના જગાવી છે. તેઓ પોતે તો એક ઉદ્યોગકાર છે, પરંતુ તેમણે નક્કી કર્યું છે કે યુવાનોને આત્મ સન્માન સાથે જીવનારા, પોતાના પગ પર ઉભા રહીને કામ કરનારા અને દેશના વિકાસમાં યોગદાન આપનારા બનાવવાની ઈચ્છા છે. મને તો આશ્ચર્ય થયું હતું, દલિત મહિલાઓનું પણ તેમણે એક સંગઠન ઉભું કર્યું હતું. હું એ દિવસે જ્યારે ગયો હતો, 300 મહિલા ઉદ્યમી દલિત, તે સેંકડો – કરોડોનો વેપાર કરી રહી છે. જો આ શક્તિ છે તે એ શક્તિને ધ્યાનમાં રાખીને યોજના બનાવવામાં આવે તો દેશને વિકાસની ઉંચાઈ પર કેવી રીતે લઈ જવાય, તેનું આપણે આ ઉત્તમ ઉદાહરણ આપી શકીએ છીએ. મારા માટે વ્યક્તિગત રૂપે આજનો કાર્યક્રમ હું ઉત્તમમાં ઉત્તમ કાર્યક્રમ માનું છું કારણ કે હું જોઈ રહ્યો છું કે મારા દલિત ભાઈઓના, મારા આદિવાસી ભાઈઓના જીવનમાં પરિવર્તન આવવાનું છે. અને સમાજમાં તેઓ સન્માન સાથે જીવશે અને નવી પેઢીને રોજગારી આપવાની તેમનામાં તાકાત આવશે. આ પ્રકારની રચના થવી, તે સ્વયં સમાજમાં એક ખુબ જ મોટું પરિવર્તન લાવવાનું કારણ બની રહેલ છે.

આજે એક વધુ કાર્યક્રમ પણ આની સાથે જોડવામાં આવ્યો છે. મુખ્ય કાર્યક્રમ તો મારો . ‘Stand Up India’ હતો પરંતુ આપણા મહેશ શર્મા જી, પોતાના આ વિસ્તારમાં ઈ-રિક્શા માટે કેટલાય દિવસોથી કામે લાગેલા હતા. તો એમનો આગ્રહ હતો કે આ કાર્યક્રમને પણ આની સાથે જોડી દેવામાં આવે. મેં કહ્યું, જરૂર જોડી દઈશું અને મને હમણાં જ રિક્શા વાળાના પરિવારો સાથે ચાય પર ચર્ચા કરવાનો મોકો મળ્યો. હું એમની વાતો સાંભળી રહ્યો હતો. તે એ લોકો હતાં જે પહેલાં ભાડાની રિક્શા લઈને, દિવસભર મહેનત કરીને, પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ મોટા ભાગના પૈસા જેની પાસેથી રિક્શા ભાડે લીધી હોય તેને ભાડું ચુકવવામાં જતા રહેતા હતાં. તેમના ખિસ્સામાં તો બહુ ઓછા આવતા અને મહેનત પણ એટલી બધી કરવી પડતી હતી કે ગ્રાહક ઉભો હોય તો પણ થાકી જતા હતા, ખેંચવાની શક્તિ પણ રહેતી નહીં. આ સ્થિતિ સાથે તેમણે તેમનું જીવન વિતાવ્યું છે.

ભારત સરકારે એક યોજના બનાવી છે. આ યોજના હેઠળ, મારા મિત્ર ભાઈ બ્રિજેશ આ કામને ખુબ જ ઉત્કૃષ્ટ રીતે નિભાવી રહ્યા છે અને પાંચ હજારથી વધુ 5100 ઈ-રિક્શા આજે આપવાનો કાર્યક્રમ થઈ રહ્યો છે. હવે આ લોકો તેમની પોતાની ઈ-રિક્શાના માલિક બની જશે, જે કાલ સુધી ભાડાની રિક્શા પર ગુજરાન કરી રહ્યા હતાં. યોજના એવી બની છે કે દિવસભરની આવકમાંથી, થોડા પૈસા ઉમેરીને તેઓ તેના માલિક બની જશે. બીજું ઈ-રિક્શા હોવાને કારણે શરીરને જે મહેનત કરવી પડતી હતી તે ઓછી થઈ જશે. દિવસ દરમિયાન વધુ ફેરા કરી શકશે, વધુ કામ મેળવી શકશે.

આજે એક Mobile application પણ Launch કરી છે, Ola. મોબાઈલ ફોન પર જે Ola ની application ડાઉનલોડ કરશે, તે તેના પર એક ક્લિક કરશે તો માત્ર નજીકમાં જ આ જે ઈ-રિક્શા વાળો ઉભો હશે, તેના મોબાઈલ પર સૂચના પહોંચશે કે અમૂક જગ્યાએ કોઈ રિક્શા માટે ઉભું છે. હમણાં હું રિક્શામાં બેસીને આવ્યો. એ જ ટેકનોલોજીથી રિક્શા બોલાવી અને એ જ રિક્શામાં બેસીને આવ્યો. ખીસામાં પૈસાની પણ જરૂર નહીં, જો તમારૂં જનધન એકાઉન્ટ છે, રુપે કાર્ડ છે તો તમે મોબાઈલ ફોનથી જ તમારૂં પાંચ રૂપિયા – સાત રૂપિયા – દસ રૂપિયા, જે કંઈપણ ભાડું થતું હોય તે તમે મોબાઈલથી જ તેને આપી શકો છો, આરામથી. પહેલાં તો ચાર લોકો હાથ ઉપર કરે, કોઈ ઓટો રિક્શા વાળો દેખાય કે ના દેખાય, આજે આપ મોબાઈલ ફોનથી ઓટો રિક્શા ઈ-રિક્શાને બોલાવી શકો છો અને ઈ-રિક્શામાં બેસીને તમે આગળ જઈ શકો છો. આ વ્યવસ્થાને કારણે તેમને પણ ગ્રાહક શોધવા માટે ફરવું નહીં પડે, નહીંતર એ તો આમ તેમ જોતા રહેતા હોય કે કોઈ મળી જાય, કોઈ મળી જાય, હવે એવી જરૂર નથી. તે એક સ્થળે ઉભા છે, જેવી પોતાના મોબાઈલ પર સૂચના મળી, કે એ દોડશે અને લઈને આગળ જશે.

એના કારણે જે ફ્યુઅલનો ખર્ચ થાય છે, તે પણ નથી થતો અને આમાં ફ્યુઅલ બેટરી છે. એની પણ વ્યવસ્થા છે કે જે રીતે આ પાંચ હજાર ઈ-રિક્શાઓ મળી છે એ જ રીતે આ રિક્શાઓને ચાર્જીંગ કરવા માટે એનર્જી બેંક પણ બનાવવામાં આવેલ છે. જેના પર સોલર એનર્જીથી બેટરી ચાર્જ થશે. તમારી ઈ-રિક્શાની બેટરી ડાઉન થઈ ગઈ હોય તો તમે ત્યાં જશો, તમારી બેટરી ત્યાં મુકી દો, બીજી બેટરી લઈ લો, ચાર્જીંગના પૈસા આપી દો, અને તમે તમારી ગાડી દિવસભર ચલાવતા રહો. આથી સેંકડો લોકોને આ સોલર એનર્જીથી બેટરી ચાર્જીંગની દુકાનો ચલાવવાની પણ તક મળશે અને એવો આગ્રહ પણ રાખવામાં આવ્યો છે કે ઈ-રિક્શા એમને મળશે જે રિક્શાના માલિક નથી. જે ફક્ત ડ્રાઈવર છે અને ભાડાની રિક્શા ચલાવતા હતાં, એટલે કે ગરીબને મળશે અને ગરીબ, પીડિત, શોષિત, એમને પોતાના પગ પર ઉભા રહેવાની શક્તિ કેવી રીતે મળે તે દિશામાં અમારી આ બધી યોજનાઓ આજે કામ કરી રહી છે. અને તેનું પરિણામ એ છે કે આજે અહીં 5100 ઈ-રિક્શાઓ ગરીબ પરિવારના હાથમાં જઈ રહી છે અને હું એમના ચહેરાઓ જોઈ રહ્યો હતો અને તેની સૌને ખબર હતી તેઓ બોલ્યા અમારી ટ્રેનીંગ થઈ ગઈ છે. કોઈ કામ રિપેરીંગ કરવાનું હોય તો રિપેરીંગ કરવાનું કામ પણ અમને શીખવાડી દીધું છે, અમને ઈ-રિક્શા કેવી રીતે ચલાવવી તેનું ડ્રાઈવીંગ પણ શીખવવામાં આવેલ છે, બેંક સાથે કેવી રીતે વ્યવહાર કરવો, તે પણ શીખવાડ્યું છે. એપ દ્વારા કોઈ સૂચના આવે તો કેવી રીતે પહોંચવું એ પણ શીખવ્યું છે, એટલે કે એક રીતે સ્કીલ ડેવલપમેન્ટનું સંપૂર્ણ કામ આ પરિવારનું થઈ ચુક્યું છે. ઈ-રિક્શા દ્વારા એન્વાયર્નમેન્ટને પણ ફાયદો છે. આજે આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગથી હેરાન છે. આપણે વિદેશથી તેલ મંગાવવુ પડે છે, અબજો – ખરબો રૂપિયા જતા રહે છે. હવે તેલની પણ બચત થશે, કારણ કે સૂર્યથી, સૂર્યની ગરમીથી તૈયાર થનારી બેટરીથી આ ઈ-રિક્શાઓ ચાલશે. ધૂમાડો પણ નહીં થાય, એન્વાયર્નમેન્ટનો પ્રોબ્લેમ થવાનો નથી, અને તેના કારણે સામાન્ય માનવીના આરોગ્યને પણ આના કારણે ફાયદો તો થશે જ, પરંતુ દુનિયામાં જે ગ્લોબલ વોર્મિંગની ચિંતા છે, તેનો ઉપાય પણ આનાથી પ્રસ્તુત થશે અને આ કાર્ય આજ આપની આ નગરીથી જ પ્રારંભ થઈ રહ્યું છે.

હું નાણામંત્રી શ્રી અરૂણ જેટલી જી ને અભિનંદન આપવા ઈચ્છું છું, તેમણે બેંકિંગ સેક્ટરને, તમે જોયું હશે, આપણા દેશમાં નાણા મંત્રાલય એટલે કે ઓફિસ, ફાઈલ, બિલ કરવું, ના કરવું, તેની આગળ દેશને નાણા મંત્રાલય શું હોય એની ક્યારેય જાણ ન હતી. વધુમાં વધુ તો નાણા મંત્રાલય સાથે કોણ જોડાતા હતા તો શેરમાર્કેટ વાળા આવશે, મોટા ઉદ્યોગકારો આવશે. પહેલીવાર તમે જોતા હશો કે નાણા મંત્રાલય દ્વારા પ્રજા વચ્ચે જઈને ક્યારેક જન-ધન યોજના, ક્યારેક જીવન વીમા યોજના, ક્યારેક જીવન જ્યોતિ યોજના, ક્યારેક મુદ્રા યોજના, ક્યારેક સ્ટેન્ડ અપ યોજના, ક્યારેક રૂપે કાર્ડની યોજના, ગરીબ વ્યક્તિની સાથે નાણા મંત્રાલય જોડાયું હોય, તે 21મી સદીની આ પ્રથમ ઘટના છે. ભાઈઓ – બહેનો, એક એક ડિપાર્ટમેન્ટને ગરીબોના કામ માટે કેવી રીતે લાવી શકાય છે, ગરીબોની ભલાઈ માટે કેવી રીતે લાવી શકાય છે, તેનું આ એક જીવતું જાગતું ઉદાહરણ છે.

આપણા દેશમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હતું, ગરીબોના નામે. પરંતુ મારે દુખ સાથે કહેવું પડે છે કે આઝાદીના 70 વર્ષ થશે, આ દેશના 40 ટકા લોકો એવા હતાં કે જેમને ક્યારેય બેંકના દરવાજા જોવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું નથી આજ સુધી. અમે પહેલ કરી. અગાઉ મેં 15 ઓગસ્ટના રોજ કહ્યું હતું અને થોડા જ દિવસોની અંદર તમામ બેંકના કર્મચારીઓ, હું સાર્વજનિક રીતે બેંકના તમામ કર્મચારીઓને, સાર્વજનિક રીતે ફરીથી અભિનંદનઆપવા ઈચ્છું છું, તેમનો આભાર માનવા ઈચ્છું છું કે તેઓ ઘેર ઘેર ગયા, બેંકિંગ અવર્સ બાદ પણ કામ કર્યું, સેટર ડે, સન્ડેના રોજ પણ કામ કર્યું, અને દેશના ગરીબ લોકોને બેંકના ખાતા સાથે જોડી દીધા. અને અમે તો ક્યું હતું કે ઝીરો બેલેન્સથી ખાતું ખુલશે. તમારે એક રૂપિયો પણ નહીં આપવો પડે, અરે એ ફોનનો , સ્ટેશનરીનો જે ખર્ચ થાય છે, આઠ આના, રૂપિયો, એ પણ નહીં થાય. બસ તમે ખાતું ખોલાવી લો. તમારૂં બેંક એકાઉન્ટ ખોલાવી લો. અમે ગરીબોને કહ્યું હતું તમારા પૈસાની જરૂર નથી, બસ તમે જોડાઈ જાઓ. પરંતુ મારા દેશના ગરીબોની અમીરી જુઓ, દેશે અમીરોની ગરીબી જોઈ લીધી છે, બેંકો પાસેથી રૂપિયા લઈને ભાગવું કેવી રીતે, એના રસ્તા લોકો શોધી રહ્યા છે. પરંતુ એક ગરીબને જુઓ, જેને તો અમે કહી દીધું હતું કે ઝીરો બેલેન્સથી તમે એકાઉન્ટ ખોલાવો પરંતુ એની ઈમાનદારી જુઓ, એની અમીરી જુઓ, તેણે કહ્યું નહીં નહીં મોદીજી અમે અમે એવું તો નહીં કરીએ, અમે કંઈક આપવા ઈચ્છીશું. અને આજે હું ગર્વ સાથે કહું છું કે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ગરીબોએ જે એકાઉન્ટ ખોલાવ્યા, તેમાં કોઈએ પચાસ રૂપિયા, કોઈએ સો રૂપિયા, કોઈએ બસો રૂપિયા મુક્યા. એ રકમ 35 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ થઈ, 35 હજાર કરોડ. આ છે મારા દેશના ગરીબોની અમીરી. અને જે દેશના ગરીબોની અમીરી જોઈએ છીએ, તો સરકારનું મન પણ ઈચ્છે છે ગરીબો માટે બળીને રાખ થઈ જવું જોઈએ. આખી સરકાર ગરીબો માટે સ્વ – સ્વાહા કરી દેવી પડે તો પણ કરી દેવી જોઈએ, આ મૂડ સાથે હું કામ કરી રહ્યો છું. અને હું માનું છું કે દેશ આગળ ત્યારે જ વધશે જ્યારે દેશના ગરીબો દ્વારા દેશની વિકાસ યાત્રામાં ભાગીદારી નક્કી કરાશે.

અમારી તમામ યોજનાઓ દેશના ગરીબોને દેશની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવાની એક સુનિશ્ચિત રણનીતિ હેઠળ ચાલી રહી છે. એક પછી બીજી યોજના, પ્રથમ યોજના બીજી યોજના સાથે જોડાયેલી હોય છે. અને આ બધી યોજનાઓ હેઠળ એક એવું આર્થિક ક્ષેત્ર જે બાકાત રખાયેલ, કોઈએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય, એવા ક્ષેત્રમાં પ્રવેશ કરવાની દિશામાં અમે પ્રયત્ન કરી રહ્યા છીએ.

હું ફરી એકવાર નાણા મંત્રાલયને હૃદયથી ખુબ ખુબ અભિનંદન આપું છું. નાણા મંત્રાલયના સૌ અધિકારીઓની ટીમને અભિનંદન આપું છું કે દેશને તેમણે ઉત્તમ બજેટ તો આપ્યું પરંતુ દેશના ગરીબો માટે એક પછી એક યોજનાઓ આપીને દેશના ગરીબોને શક્તિ આપવાનું કાર્ય કર્યું છે આના માટે પણ તેઓ ખુબ ખુબ અભિનંદનને પાત્ર છે.
આજે જે પરિવારોને ઈ-રિક્શા મળી છે, તેમને હું જ્યારે બેઠો હતો, મેં કહ્યું હતું પરંતુ બાકીના લોકો ત્યાં ન હતાં, તેમને હું કહેવા ઈચ્છું છું. અને આ ઈ-રિક્શા વાળા મારૂં એક કામ કરશે ? કરશે ? પાક્કું ? તમે મને વચન આપો તમે તમારા બાળકોને ભણાવશો. અને રાજનેતાઓ તમારી પાસે વોટ માંગવા આવતા હશે, હું તો તમારી પાસેથી તમારા બાળકોના શિક્ષણની ભીખ માંગવા આવ્યો છું. અને તેમાંય તમે તમારી દિકરીઓને તો જરૂર ભણાવજો. તમે જોજો થોડા જ વરસોમાં તમારે ઈ- રિક્શા ચલાવવી નહીં પડે, તમારા બાળકો, તમારા પરિવારને નવી ઉચાઈએ લઈ જશે. અને તેથી જ આ સરકારની યોજનાઓનો લાભ તમારા બાળકોને સૌથી પહેલાં મળવો જોઈએ અને તે શિક્ષણના સ્વરૂપે મળવો જોઈએ. તમે જોજો તમારૂં તો જીવન બદલાઈ જશે, ભારતનું ભવિષ્ય બદલાઈ જશે અને એ માટે હું આજે આ ઈ-રિક્શા વાળાઓને શુભેચ્છાઓ આપું છું. મારા દલિત પરિવારોને આજથી જે સ્ટેન્ડ અપ ઈન્ડિયાથી લોન મળવાનો પ્રારંભ થઈ રહ્યો છે, સવા લાખ શાખાઓ, આગળ આવે ત્યાંના નવયુવાનો, આ ઓપોર્ચ્યુનિટીનો લાભ ઉઠાવે અને તેઓ પણ આગળ સમાજમાં એક આગવી કક્ષાના ઉદ્યોગકાર, વેપારી, સાહસિક બનીને આગળ આવે અને દેશને નવેસરથી તમારી મદદ કરો એવી એક અપેક્ષા સાથે સૌનો ખુબ ખુબ આભાર.

AP/J. Khunt/GP