પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નીચેની બાબતોને મંજૂરી આપી છેઃ
(i) ગુવાહાટીમાં પરમાણુ ઊર્જા વિભાગ દ્વારા સંચાલિત ડો. બી બોરૂહ કેન્સર ઇન્સ્ટિટ્યૂટને ટાટા મેમોરિયલ સેન્ટરના વહીવટી નિયંત્રણ હેઠળ લાવવી. ટાટા મેમોરિયલ સેન્ટર પરમાણુ ઊર્જા વિભાગની સહાયતા સાથે સંચાલિત સંસ્થા છે;
(ii) મેડિકલ, પેરામેડિકલ અને સપોર્ટ પોઝિશનમાં 166 પદો પર વધુ કર્મચારીઓની નિમણૂક કરવી.
દેશમાં કેન્સરના દર્દીઓની સંખ્યા વધી રહી છે, પણ તેની સામે કેન્સરની સારવાર કરવાની સુવિધાઓ મર્યાદિત છે. એટલે ઉત્તર પૂર્વના રાજ્યોમાં પર્યાપ્ત હોસ્પિટલ સપોર્ટની જરૂરને ધ્યાનમાં રાખીને વધુ સંશોધન હાથ ધરવા આ નિર્ણય લેવાયો છે.
સંસ્થાને મજબૂત કરવા નોન-રિકરિંગ ખર્ચ અંદાજે રૂ. 150 કરોડ છે અને વાર્ષિક રિકરિંગ ખર્ચ અંદાજે રૂ. 45થી રૂ. 50 કરોડ છે.
પૃષ્ઠભૂમિ:
બોરૂહ કેન્સર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના વર્ષ 1974માં ગુવાહાટીમાં થઈ હતી. તેની સ્થાપનાનો ઉદ્દેશ અને હેતુ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં કેન્સરનું નિદાન, તેની સારવાર અને તેનું સંશોધન કરવાનો હતો. આસામ સરકારે વર્ષ 1986માં આ સંસ્થાની તમામ મિલકતોનો કબજો લીધો હતો અને તેના સંચાલનની જવાબદારી લીધી હતી. સંસ્થાના વ્યવસ્થાપન માટે રાજ્ય સરકારે પરમાણુ ઊર્જા વિભાગ અને ઉત્તર પૂર્વ પરિષદ સાથે ત્રિપક્ષીય સમજૂતી કરી હતી. અત્યારે સંસ્થામાં 8 બેડ ધરાવતા આઇસીયુ વિભાગ સાથે કુલ 209 બેડ ધરાવતી હોસ્પિટલ કાર્યરત છે.
પરમાણુ ઊર્જા વિભાગ (ડીએઇ) હેઠળ ટાટા મેમોરિયલ હોસ્પિટલ કેન્સરના સંશોધન અને તેની સારવારના ક્ષેત્રમાં અગ્રણી સંશોધન સંસ્થા છે. ડીએઇના નેજા હેઠળ ટીએમસી વર્ષ 1989થી સંસ્થાને નાણાકીય અને ટેકનિકલ સહાય કરે છે. આસામના મુખ્યમંત્રીએ ઓક્ટોબર, 2013માં દરખાસ્ત રજૂ કરી હતી કે ઉત્તર પૂર્વના તમામ રાજ્યો માટે કેન્સરની સારવાર, તેના શિક્ષણ અને સંશોધન માટે ઉત્કૃષ્ટતાના કેન્દ્ર તરીકે આ સંસ્થાને વિકસાવવા ડીએઇએ તેનું સંચાલન પોતાના હસ્તગત લઈ લેવું જોઈએ.
AP/J.Khunt/TR/GP