પીએમઇન્ડિયા
જય જગન્નાથ,
ઓડિશાના રાજ્યપાલ ડૉક્ટર જમીર જી, ઓડિશાના મુખ્યમંત્રી શ્રી નવીન બાબુ, કેન્દ્રમાં મંત્રીપરિષદના મારા સાથી શ્રી જુએલ ઓરામ જી, મંત્રીપરિષદના મારા યુવા સાથી ધર્મેન્દ્ર પ્રધાન જી, કૃષિ વિભાગના મંત્રી અને મારી સાથે પીએમઓમાં કામ કરી રહેલા ડૉક્ટર જીતેન્દ્ર સિંહ જી, સંસદ સભ્ય ડૉક્ટર પ્રસન્નદ કુમાર સિંહ જી, એટોમિક કમિશનના ચેરમેન ડૉક્ટર શેખર બસુ જી, નાયસિરના પ્રોફેસર ચંદ્ર શેખર જી, અહીં પધારેલા આ પ્રદેશના સહુ વિદ્વાન મહાનુભાવ, સહુ નવયુવાન મિત્રો…
મારું સૌભાગ્ય છે કે મને રાષ્ટ્રને એક ઘણો મોટો વારસો સોંપવાનો અવસર મળ્યો છે. ઈમારતો તો ઘણી બને છે, ભવન પણ ઘણા બને છે. પરંતુ ઈંટ, પત્થર, ચૂનાથી બનેલા ભવન અને ઈમારત ત્યાં સુધી પ્રેરણાનું કેન્દ્ર નથી બનતા, જ્યાં સુધી તેની સાથે જોડાયેલા લોકો સાથે આત્મા એની સાથે જોડાતી નથી. અને એટલે જ વ્યવસ્થાઓનું મહત્ત્વ હોવા છતાં પણ વ્યવસ્થાઓની અંદર પ્રાણ હોવા જોઈએ. અને મને એ વાતની ખુશી છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે આપણા સાયન્ટિસ્ટ, આપણા પ્રોફેસર, આપણા વિદ્યાર્થીઓ આ દિવસોમાં જીગરજાનથી જોડાયેલા છે. કંઈને કંઈ નવું કરવાનો ઈરાદો દરેકના મનમાં હોય છે. દરેકના નસીબમાં નોબેલ પ્રાઈઝ ન હોઈ શકે. પરંતુ કોઈ રિસર્ચ, કોઈ ઈનોવેશન, કોઈ ગરીબની જિંદગીમાં પરિવર્તન લાવવું હોય તો એનાથી મોટો કોઈ નોબેલ પ્રાઈઝ નથી હોતો અને એટલે જ આપણે જે દિશામાં જવા ઈચ્છીએ, ત્યાં આપણી પ્રાથમિકતા એ જ રહેવી જોઈએ કે આવનારા દિવસોમાં આપણે એવી વ્યવસ્થાઓ વિકસાવીએ, એવું વિજ્ઞાન વિકસાવીએ, એવી ટેકનોલોજી લોકો માટે લાવીએ, જે પરવડે તેવી હોય, ટકાઉ હોય, અને મારો તો હંમેશા આગ્રહ હોય છે ઝીરો ઈફેક્ટ, ઝીરો ડિફેક્ટ. ઝીરો ઈફેક્ટ એટલે મારું કહેવું છે કે એની આડઅસર કે માઠી અસર કોઈ પણ રીતે ન થાય. પછી તે પર્યાવરણ હોય, કે આબોહવાનો વિષય હોય. કે પછી ગ્લોબલ વોર્મિંગનો વિષય હોય.
કોઈ વ્યક્તિની જિંદગી હોય કે કુદરતી આપત્તિ હોય, એના પર કોઈ આડ અસર ન થાય. અને આપણી પ્રોડક્ટ પણ એવી હોય જે ઝીરો ડિફેક્ટ હોય, જેથી તે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં સ્વીકાર્ય હોય અને એટલે જ આપણે માત્ર સંશોધન કરીએ, નવું વિચારીએ, આટલેથી અટકીએ નહીં. આપણે તેને સામાન્ય માણસ સુધી પહોંચાડવું એ પણ એક મોટો પડકાર છે. મેં જોયું, કેમ્પસ ભવ્ય છે. પરંતુ હું બે કામ તમારી પાસેથી ઈચ્છું છું અને ખાસ કરીને ખજાનામાંથી નહીં, તિજોરીમાંથી નહીં, બજેટમાંથી નહીં, તમારા લોકોના પોતાના પ્રયાસોથી શું એક કેમ્પસ હિન્દુસ્તાનનું સૌથી હરિયાળું કેમ્પસ બની શકે ખરું ? હું જોઈ રહ્યો હતો, અહીં આવતાં જ પર્વત તો ના કહી શકું, પરંતુ એક નાનકડી ટેકરી જોઈ, પરંતુ વૃક્ષ નજરે ચઢતા નથી. આ જ કામ જો બાંધકામ ચાલુ હતું, ત્યારે સાથે સાથે કરી લીધું હોત તો સારું થાત. શું હવે આપણે નક્કી કરી શકીએ કે બે વર્ષની અંદર-અંદર સમગ્ર કેમ્પસને આપણે હરિયાળું બનાવી દઈશું. દરેક વિદ્યાર્થી પોતાના કુટુંબીજન આવે તો વૃક્ષનો પરિચય કરાવવા જાય, હા, આ મારા પરિવારનો સભ્ય છે. આ પાંચ મહોદય મારા પરિવારના છે. હું તેમનું લાલન-પાલન કરું છું. મારા માતા-પિતા મને મળવા આવશે. તો હું એમને બતાવવા લઈ જઈશ. જુઓ, સંકલ્પ કરવાનો હોય છે, જો તમે સંકલ્પ કરો તો હિન્દુસ્તાનનું આ શૈક્ષણિક સંકુલ, સૌથી હરિયાળું કેમ્પસ બનાવીને તમે તેને હિન્દુસ્તાનમાં ટોચનું વિશિષ્ટ સ્થાન અપાવી શકો છો.
એ જ રીતે બીજો વિષય છે, તમે વિજ્ઞાનના વિદ્યાર્થી છો, ટેકનોલોજી સાથે જોડાયેલા છો. આ કેમ્પસ હરિયાળીના સંદર્ભે ગ્રીન બને જ બને, પરંતુ પર્યાવરણ સંદર્ભે પણ સોલર ટેકનોલોજી, ઝીરો ડિસ્ચાર્જ વગેરે તમામ વિષયોને આવરી લઈને આપણે આ સમગ્ર ભવન વિકસાવી શકીએ એમ છીએ ? આ પડકારો આપણે સાહજિક રીતે સ્વીકારવા જોઈએ. અને જો આપણે આટલું કરીએ તો તમે જોજો કે આ કેમ્પસ સાથે પોતિકાપણું લાગશે. એની દરેક ઈંટ, પત્થર, દીવાલ આપણને પોતાની લાગશે અને જ્યાં સુધી આપણે તેને પૂજાઘરના રૂપમાં નહીં જોઈએ, આપણો આત્મા તેની સાથે જોડાતો નથી. અને એટલે જ મેં શરૂઆતમાં કહ્યું હતું, ઈમારતોમાંથી પરિણામો નથી આવતાં, પરિણામ ત્યારે આવે છે, જ્યારે ઈમારતો સાથે આત્માઓ જોડાય છે. જીવન સમર્પિત થઈ જાય છે, ત્યારે પરિણામ આવે છે.
ક્યારેક – ક્યારેક એ પણ વિવાદ રહે છે કે શ્રેષ્ઠ લેબોરેટરી હશે, શ્રેષ્ઠ સાધન હશે, ત્યારે જ વિજ્ઞાનમાં પ્રગતિ થશે. આ વાત સાચી છે, પરંતુ એ પણ એક પાસું છે કે આજે સમગ્ર દુનિયામાં ભારતના અંતરિક્ષ અભિયાને પોતાની એક આબરુ બાંધી છે, જગ્યા બનાવી છે. માર્સ મિશનમાં દુનિયાના સૌથી પહેલા સફળ થનારા આપણા દેશના નવયુવાનો છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે જ્યારે અંતરિક્ષ વિજ્ઞાનમાં આપણે ત્યાં કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે એના ઈક્વિપમેન્ટ સાયકલ પર લાદીને લાવવામાં આવતા હતા અને મોટરના ગેરેજમાં કામ કરવામાં આવતું હતું અને એમાંથી આજે અંતરિક્ષ વિજ્ઞાનમાં આપણે જગ્યા બનાવી છે. શ્રેષ્ઠ ભવન ન હતા, શ્રેષ્ઠ વ્યવસ્થાઓ ન હતી, પરંતુ એ સમયે કામ કરનારા લોકોનું એક સ્વપ્ન હતું, એક મિશન હતું, સમર્પણ હતું, જેના કારણે આજે અંતરિક્ષ ક્ષેત્રે ભારતનો ધ્વજ ફરકી રહ્યો છે.
એ લોકોના પરિશ્રમ અને પુરુષાર્થને કારણે ફરકી રહ્યો છે. અને એટલે આપણી અંદર, કંઈક આપીને જવું છે, કંઈક કરીને જવું છે, કોઈને માટે જીવીને જવું છે – આ ભાવ જ્યાં સુધી પ્રબળ નહીં બને, આપણે વિશ્વને કશું નવીન આપી નહીં શકીએ. માનવજાતિનો એક સ્વભાવ રહ્યો છે, એ નિરંતર પરિવર્તનશીલ હોય છે. દરેક યુગમાં તેણે પોતાનામાં પરિવર્તન લાવ્યું છે, પોતે પરિવર્તનમાં પોતાની જાતને ઢાળી છે. નવિનીકરણ જો બંધ થઈ જાય તો જીવન સ્થગિત થઈ જાય છે. વ્યવસ્થાઓ નિષ્પ્રાણ થઈ જાય છે, જો વ્યવસ્થાઓ શુષ્ક બની જાય તો, જીવન ક્યારેય પ્રાણવાન નથી થઈ શકતું અને એટલે નવિનીકરણ દરેક સમાજની દરેક યુગની જરૂરિયાત છે. આપણે ઈનોવેશન – નવિનીકરણનો માહોલ સર્જવો પડશે. અને આ આપણી ઈન્સ્ટીટ્યુટ છે નાઈસર (એનઆઈએસઈઆર) અને યસ સર નથી. જ્યાં યસ સર આવે, ત્યાં વિજ્ઞાન અટકી જાય છે, જ્યાં નાઈસર છે, ત્યાં વિજ્ઞાન વિકાસ પામે છે. દરેક વાતમાં કહે છે – નો સર, આનું તો કંઈક જુદું હોવું જોઈએ. આ જે જિજ્ઞાસા છે, આ નવા પ્રશ્નો મનમાં ઊભા થતા રહે છે, ત્યાંથી જ સંશોધનની શરૂઆત થાય છે. પ્રશ્નાર્થ, આ શોધની જનેતા બની જાય છે. એ જ ગર્ભાધાન કરે છે. અને એટલે જ આપણી યસ સર વાળી ઈન્સ્ટીટ્યુટ નથી, નાઈસર વાળી ઈન્સ્ટીટ્યુટ છે. જે કહેશે, નો સર, આમ થશે. આ માહોલ સર્જવો પડશે. જ્યારે આવો માહોલ સર્જાય છે, ત્યારે દરેક ચીજ નવી બને છે.
આપણી સામે અનેક પડકારો છે. અને એવું નથી કે પડકારોનો ઉપાય આપણી પાસે નથી. હવે આપણે ઓડિશામાં બ્લેક ડાયમંડના માલિક છીએ. અઢળક ભંડાર ભરેલો પડ્યો છે આપણી પાસે. પરંતુ વિશ્વમાં જે પરિવર્તન આવી રહ્યું છે, એવું ન થાય કે બ્લેક ડાયમંડ આપણા માટે બોજો બની જાય. કારણ કે વિશ્વ આબોહવા અંગે ચર્ચા કરી રહ્યું છે. અશ્મિ બળતણ સામે એક મોટું આંદોલન આકાર લઈ રહ્યું છે. એટલે આપણે સમયસર ચેતીને વિજ્ઞાનના માધ્યમથી ટેકનોલોજીના માધ્યમથી એવી વ્યવસ્થા વિકસાવીએ જેથી આપણે કોલસાના ગેસિફિકેશન કરીને સ્વચ્છ ઉર્જાની દિશામાં અગ્રેસર બની શકીએ અને સસ્તી ટેકનોલોજીની દિશામાં આપણી ઈન્સ્ટીટ્યુટ કામ કરે. આપણા નવયુવાનો કામ કરે. આપણી સામે કામ કરે. સમુદ્ર કિનારે, આડિશાનો સમુદ્ર કિનારો, હિન્દુસ્તાનનો સમુદ્ર કિનારો. બ્લુ ઈકોનોમી, એ આવનારા સમયમાં વિશાળ ક્ષેત્ર બનવાનું છે. અને હું હંમેશા કહું છું કે ભારતનો જે તિરંગો ઝંડો છે અને તેમાં એક બ્લુ કલરનું ચક્ર છે. આ ચતુર ક્રાંતિનું માર્ગદર્શક છે. આપણને કેસરી ક્રાંતિ જોઈએ, આપણને સફેદ ક્રાંતિ જોઈએ, આપણને લીલી ક્રાંતિ જોઈએ, આપણને વાદળી ક્રાંતિ જોઈએ.
જ્યારે હું કેસરી ક્રાંતિ કહુ છું, ઉર્જાનો રંગ છે કેસરી, હું શ્વેત ક્રાંતિ કહું છું, ત્યારે હું ડેરી ફાર્મિંગ, પશુપાલન, ખેડૂત, દૂધ ઉત્પાદનની વાત કરું છું. હું લીલી, હરિયાળી ક્રાંતિની વાત કરું છું ત્યારે હું પર્યાવરણની વાત પણ કરું છું, કૃષિ ક્રાંતિની પણ વાત કરું છું. અને જ્યારે હું વાદળી ક્રાંતિની વાત કરું છું ત્યારે આપણી સમુદ્રની સમૃદ્ધિ, આપણું નીલું ગગન છે, આ બંનેની તરફ આપણું ધ્યાન રહે. આપણું આકાશ નીલું કેવી રીતે બનેલું રહે. અને આપણી સમુદ્રી સંપત્તિ જેને આપણે જેટલી માત્રામાં શોધવી જોઈએ, એટલી નથી શોધી શકતા. શું કારણ છે કે આપણા પૂર્વજોએ એને રત્નાકર કહ્યો હતો. જો તે રત્નાકર છે, તો રત્નના ભંડાર પડ્યા છે. એ જો રત્નોના ભંડાર છે, તો આપણે શું શોધ્યું. આપણી સામુદ્રિક સંપત્તિનો ઉપયોગ આપણા રાષ્ટ્ર માટે કેવી રીતે કરી શકીએ. આપણા માછીમાર ભાઈ-બહેનને વર્ષમાં છ મહિના કે આઠ મહિના રોજગાર મળે છે. પરંતુ એ જ સમુદ્રના કિનારે જો સીવીડ – સમુદ્રમાં ઉગતી વનસ્પતિની ખેતી કરી શકીએ છીએ. અને સીવીડમાં મૂલ્ય વૃદ્ધિની દિશામાં આપણે કામ કરીએ, આપણા બાયો ટેકનોલોજીમાં કામ કરનારા લોકો, બાયોલોજીમાં કામ કરનારા લોકો સીવીડ માટે કેવી રીતે કામ કરી શકાય એ જુએ. એમાં પોષક મૂલ્ય ઘણું હોવા છતાં પણ આપણે એ તરફ ધ્યાન નથી આપ્યું. શક્ય છે કે આપણા માછીમારો એમાંથી આવક ઉપાર્જન કરી શકે.
આપણે એવા વિજ્ઞાનની કઈ બાબતો સાથે આગળ વધીએ, જે આપણા દેશની જરૂરિયાતો પૂરી કરી શકે. ઉર્જા માનવ જીવન માટે અનિવાર્ય હિસ્સો બની ચૂકી છે. એના વિના જીવન અસંભવ બની રહ્યું છે અને ઉર્જાના સ્ત્રોતોની મર્યાદાઓ છે. હવે તમે જુઓ, અગાઉ ઉર્જા શહેરોમાં આવી, એલઈડી બલ્બ, ઈનોવેશન થયા, રિસર્ચ થયા, ઉર્જા બચત એની સાથે સાથે આવી અને સાહજિક રીતે અને મને અમારા ડિપાર્ટમેન્ટના લોકો જણાવી રહ્યા હતા કે ભારતમાં હાલના દિવસોમાં એલઈડીની બહુ મોટી મુવમેન્ટ શરૂ થઈ છે. ઘણા શહેરોમાં જાહેર રસ્તાઓ પરની બત્તીઓ એલઈડીની છે. ભારત સરકારે 100 શહેરોના સમજૂતી કરાર કર્યા છે. 100 શહેરોની બત્તીઓને એલઈડી કરવાની છે અને મને જણાવાયું છે કે જો 100 શહેરોનાં ઘરોમાં આપણે એલઈડી પહોંચાડીએ, તો 20,000 મેગાવોટ વીજળીની બચત થાય.
હવે ભારત જેવા ગરીબ દેશમાં 20,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવી હોય તો લાખો કરોડો રૂપિયા જોઈએ, પરંતુ 20,000 મેગાવોટ વીજળી બચાવવી હોય તો એક એલઈડી બલ્બ લઈને એક જાગૃતિ લાવવાની જરૂર છે, પરિવર્તન આવે છે. એટલે કે પરવડે તેવી ટકાઉ ટેકનોલોજી કેવી રીતે પરિવર્તન લાવી શકે છે એ માટે એલઈડી એક ઘણું મોટું ઉદાહરણ આપણી સમક્ષ છે. અને એટલે જ તમને નવયુવાનોને હું ભારપૂર્વક કહીશ કે આપણે વિજ્ઞાનને કેવા સ્વરૂપમાં, ઈનોવેશનને, સાયન્સને કેવા સ્વરૂપમાં લઈએ, જેથી આપણી ઉર્જાની જે સમસ્યાઓ છે, એ સમસ્યાઓ આપણે ઉકેલી શકીએ. 176 ગિગાવોટ નવિનીકરણીય ઉર્જાની દિશામાં આપણે અગ્રેસર છીએ. ક્લાયમેટ જસ્ટીસ પર અમે ભાર મૂકીએ છીએ, પરંતુ 175 ગિગાવોટ રીન્યુએબલ એનર્જીની દિશામાં જવું હોય તો આજે જે પદ્ધતિ છે, તે એટલી બધી મોંઘી છે કે ભારત માટે એ મુસીબત હોઈ શકે છે.
પરંતુ અમે રસ્તો શોધી કાઢવાનું નક્કી પણ કરી લીધું છે અને મને આ નવયુવાનો પર વિશ્વાસ છે, જે આવનારા દિવસોમાં સોલર એનર્જીના ક્ષેત્રે નવા સંશોધન કરશે. આજે આપણી સામે પડકાર છે કે સોલર એનર્જીને કેવી રીતે પ્રીઝર્વ કરીએ, એને કેવી રીતે સાચવી રાખીએ. દિવસમાં સૂર્ય છે, પરંતુ રાત્રે પણ એ વીજળીનો ઉપયોગ કરીએ અને કેવી રીતે આ સમગ્ર વ્યવસ્થા સસ્તી બનાવીએ, એ આપણી સમક્ષ પડકાર છે. જો એકવાર આપણે સોલર પાવરને સાચવવાની, સંગ્રહવાની વ્યવસ્થામાં માસ્ટરી મેળવી લઈશું, તો પછી હું નથી માનતો કે બીજાં કોઈ સ્ત્રોતોની જરૂર પડશે. હમણાં આપણે બે ઘણાં મોટાં કામ કર્યાં. તાજેતરમાં સીઓપી-21 ની બેઠક જ્યારે ફ્રાંસમાં યોજાઈ. સમગ્ર વિશ્વમાં ભારતની ઘણી પ્રશંસા કરવામાં આવી કે ભારતે ઘણી મોટી ભૂમિકા નિભાવી છે, ભારતે ઘણું મોટું નેતૃત્વ સંભાળ્યું છે. પરંતુ ત્યાં બીજી પણ બે વાત બની, જેના તરફ દુનિયાનું ધ્યાન ગયું નહીં. સીઓપી 21માં હિન્દુસ્તાન, અમેરિકા, ફ્રાંસ અને બિલ ગેટ્સની એક એનજીઓ છે, એ બધાએ મળીને સોલરના ક્ષેત્રે રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રે, ઈનોવેશન પર ખૂબ ભાર મૂકવાનું કામ શરૂ કરવાના છે. ત્રણેય દેશો અને એનજીઓ ઘણી મૂડી રોકવાના છે. ઈનોવેશન માટે આ દિશામાં ઘણું મોટું કામ થવાનું છે.
બીજું કામ જે પેરિસમાં નક્કી થયું સીઓપી -21માં, વિશ્વના 122 દેશો એવા છે, જ્યાં વર્ષના 300 દિવસથી વધુ દિવસો સોલર પાવર ઉપલબ્ધ છે. સૂર્યની શક્તિ ઉપલબ્ધ છે. ઓડિશા તો સૂર્યદેવની ધરતી છે, કોણાર્કનું સૂર્ય મંદિર વિશ્વ માટે પ્રેરણાદાયી છે. દુનિયાના 122 દેશ ભેગા થયા છે અને એક ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ નામનું સંગઠન સ્થાપ્યું છે અને એનું પાટનગર, એનું હેડક્વાર્ટર હિન્દુસ્તાનમાં હશે અને ફ્રાંસના રાષ્ટ્રપતિ પણ આવ્યા હતા. એમણે તેના સચિવાલયનું ઉદ્ઘાટન પણ કર્યું છે. કહેવાનું તાત્પર્ય એટલું છે કે ઘણા મોટા પાયે આ કામ ચાલી રહ્યાં છે. સ્વચ્છ ભારત મિશન પણ અમે શરૂ કર્યું છે. પરંતુ સ્વચ્છ ભારતની સફળતા એ વાત પર નિર્ભર કરે છે કે આપણે વેસ્ટમાંથી વેલ્થ એટલે કે બગાડમાંથી સંપત્તિ સર્જવા માટે કેવા ઈનોવશેન કરીએ, કેવી ટેકનોલોજી લાવીએ.
વર્ષ 2022માં હિન્દુસ્તાનના ગરીબમાં ગરીબ વ્યક્તિને એનું પોતાનું ઘર આપવાનું આપણું સ્વપ્ન છે. વર્ષ 2022માં હિન્દુસ્તાનના ગરીબમાં ગરીબ વ્યક્તિને ઘર આપવું છે, તો હું એવું કયું મટિરિયલ શોધી શકું છું, જે આજે વેસ્ટમાંથી વેલ્થ બનાવી શકે છે અને આપણી ઈમારતો બનાવવા માટે મજબૂતી આપવા માટેનું કામ કરી શકે છે. આપણે એવા કેવા રિસર્ચ કરી શકીએ છીએ, આપણે વિજ્ઞાનનો શો ઉપયોગ કરી શકીએ છીએ કે આપણે વર્ષ 2022માં આપણા આર્કિટેક્ચર હોય, આપણું એન્જિનિયરીંગ હોય, મટિરિયલ સાયન્સ હોય. આપણે આ ચીજોનો ઉપયોગ કરીને એ પ્રકારની કેવી વ્યવસ્થા આપી શકીએ કે વર્ષ 2022માં જ્યારે હિન્દુસ્તાન આઝાદીનાં 75 વર્ષ ઉજવતું હોય, ત્યારે સહુને પોતાનું ઘર આપી શકીએ. જ્યારે આપણા મહાપુરુષોએ જેમણે આપણને આઝાદી અપાવી. આપણે તેમને એવું હિન્દુસ્તાન આપીએ, જેમાં દરેક ગરીબને પોતાનું ઘર હોય. અને ઘર બનાવવામાં આપણા આ વૈજ્ઞાનિકોની ઘણી મોટી ભૂમિકા હોય.
વેસ્ટમાંથી વેલ્થ સર્જવી છે, આજે જો સોલિડ વેસ્ટમાંથી ઉર્જા બનાવવી છે, તો ઘણી મોંઘી છે. પરંતુ શું આપણે એ પ્રકારના ઈનોવેશન કરી શકીએ છીએ, ટેકનોલોજી વિકસાવી શકીએ છીએ, જેના કારણે આપણને વેસ્ટમાંથી વેલ્થ સર્જવાનું વધુ સરળ બની શકે. તો સ્વચ્છ ભારતનું જે અભિયાન છે, તેને ભારે વેગ મળશે. અને એક રીતે સ્વચ્છતા એક ઉદ્યોગ સાહસિકતાનું ક્ષેત્ર બની જશે. રોજગારની નવી તકો પૂરી પાડશે. અને એટલે જ હું નવયુવાનોને આગ્રહ કરું છું. આપણે આવનારા દિવસોમાં ડિજિટલ વર્લ્ડમાં જીવવાના છીએ. અને એ કોઈ ફેસબૂક, વૉટ્સઅપ સુધી સીમિત રહેવાનું નથી. જીવનમાં ઘણો મોટો પ્રભાવ પડશે. આપણે ડિજિટલ ઈન્ડિયાની દુનિયામાં પોતાનું શું યોગદાન આપી શકીએ, જેથી આપણે ભારતના સામાન્ય માણસ સુધી આ વ્યવસ્થાઓ પહોંચાડી શકીએ.
અહીં ગણિતશાસ્ત્ર પર પણ ઘણું કામ થઈ રહ્યું છે. મને એકવાર પ્રોફેસર મંજુલ ભાર્ગવ સાથે વાતચીત કરવાની તક મળી. ગણિતશાસ્ત્રની દુનિયામાં નાની વયે તેમણે ઘણું મોટું યોગદાન આપ્યું છે. અનેક એવોર્ડ મળ્યા છે. મેં તેમનો ઈન્ટરવ્યુ જોયો, તો મને એમને મળવાનું મન થયું હતું. એ કહે છે કે મારા પિતાજી સંસ્કૃતના શિક્ષક હતા. મારા ઘરમાં સંસ્કૃતનો માહોલ હતો. તો હું સંસ્કૃતના બધાં જૂનાં લિટરેચરથી પરિચિત હતો. અને મેં જોયું કે તેમાં ગાણિતિક રીતે ઘણું બધું હતું. તો મેં તે પૌરાણિક જ્ઞાનનો ઉપયોગ કર્યો. મોડર્ન નોલેજ સાથે તેને ઈન્ટરફેસ કર્યું. અને મેં તેમાંથી નવીન ચીજો વિકસાવી, જે વિશ્વ માટે આશ્ચર્યજનક બની ગઈ અને આજે મને ગણિતશાસ્ત્રની દુનિયામાં એક ઓથોરિટી માની લેવામાં આવ્યો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી પૌરાણિક ફિલસૂફીમાં કંઈને કંઈ એવું હશે, હું નથી જાણતો, હું તેનો માસ્ટર નથી. પરંતુ જો હશે, તો આપણા લોકોનું કામ છે તેને વિજ્ઞાનના ત્રાજવે તોળવું જોઈએ અને આવનારી પેઢીને એ જ્ઞાન કામ આવી શકે એમ હોય તો તેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કન્વર્ટ કરવું જોઈએ. અને એ દિશામાં જો આપણે કામ કરી શકીએ તો આપણે માનવજાતિની ઘણી મોટી સેવા કરી શકીએ છીએ. અને એ દિશામાં આપણે લોકોએ પ્રયાસ કરવો જોઈએ.
એ પણ સાચું છે કે આપણા લોકો માટે ખાસ કરીને ફોર્મેટિવ એજમાં શાળાના બાળકોમાં વિજ્ઞાન પ્રત્યેની રુચિ કેવી રીતે વિકસે એ આપણા માટે બહુ જરૂરી હોય છે. અને એટલે આપણા ઓડિશાના જે વિજ્ઞાનના શિક્ષકો છે, તેઓ નાઈસરમાં પાંચ દિવસના, સાત દિવસના, દસ દિવસના કોઈ કોર્સીસ કરી શકતા હોય, જેથી ગામની શાળાના વિજ્ઞાનના શિક્ષક પણ અને તેમની પાસે જે 700-800 વિદ્યાર્થીઓ છે, એમના ગ્રુપ સાથે જોડવા જોઈએ, જેથી આ જે નવા વિદ્યાર્થીઓ છે, જે નવું વિજ્ઞાન જાણે છે, આપણે જે નવી ચીજો જાણીએ છીએ, તે એમની સાથે વાતચીત કરે. નહીં તો શું થાય છે કે જે આપણા પિતાજી ભણ્યા છે, પિતાજીના પિતાજી જે ભણ્યા હશે, એ જે નોટબૂક હોય છે, એમાંથી પ્રોફેસર આજે પણ ભણાવે છે. જુઓ, પરિવર્તન સ્વીકારવું પડશે. આપણે નવીનતા લાવવી પડશે. દરેક ચીજમાં ઈનોવેશન જોઈએ. અને એટલે એ ઈનોવેશન માટે આપણે એ પ્રકારના જ વિજ્ઞાન મેળા યોજીએ છીએ. દરેક રાજ્યમાં વિદ્યાર્થીઓ વિજ્ઞાન મેળા યોજે છે.
શું ક્યારેક આ શાળાઓ સાથે મેન્ટર તરીકે આપણા નાઈસરના વિદ્યાર્થીઓને જોડી શકાય છે, તે જોવું જોઈએ. જેમકે, અમારા 10 વિદ્યાર્થીઓ અમુક જિલ્લાના સૌથી ટોચની શાળા છે, તેની સાથે એટેચ રહેશે. તેઓ વર્ષમાં બે વાર, પાંચ વાર, સાત વાર ત્યાં જશે. શાળાના ટીચર વિદ્યાર્થીઓ સાથે બેસશે. અને વિજ્ઞાન મેળામાં ધ બેસ્ટ કોઈ ઈનોવેટિવ ચીજ લઈને જશે, તો વિદ્યાર્થીના દિમાગમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવાશે. અને જે આપણા વિદ્યાર્થીઓ જે અહીં કામ કરી રહ્યા છે, તેમને ભણતાં-ભણતાં શીખવાનો અને શિખવાનો સ્વભાવ બની જશે. એ એમની તાકાત બની જશે. આપણે એવી સાહજિક વ્યવસ્થાઓ કેવી રીતે વિકસાવીએ, જેથી આપણે નાઈસરનો સાચા અર્થમાં લોકોપયોગી રીતે ઉપયોગ કરી શકીએ. આજે મારા માટે આ ગર્વનો વિષય છે કે રાષ્ટ્રને ખાસ કરીને દેશની યુવા પેઢીને, ખાસ કરીને ભારતના જ્ઞાન અને ટેકનોલોજીનું આ ભવ્ય પરિસર સમર્પિત કરવાનો મને અવસર મળ્યો છે. હું રાષ્ટ્રને આ ભવ્ય પરિસર સમર્પિત કરું છું અને તમામ નવયુવાનોને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ખૂબ – ખૂબ ધન્યવાદ.
AP/J.Khunt
Bricks and cement don't only make buildings. Oneness with people make institutions centres of inspiration: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 7, 2016
Our scientists & professors are always thinking about doing something or the other that is new. They are researching & innovating always: PM
— PMO India (@PMOIndia) February 7, 2016
Let us make this campus India's greenest campus: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 7, 2016
Apart from greenery, this campus should think about solar technology, zero discharge: PM @narendramodi in Odishahttps://t.co/mlAdl9WTCM
— PMO India (@PMOIndia) February 7, 2016
India's space mission has made a mark across the world: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 7, 2016
The moment innovation stops, systems lose their life. Innovation is the need of the hour, for every society and every era: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 7, 2016
At NISER spoke on innovation, research, scientific temper & why the name NISER augurs well for the institution. :) https://t.co/3ANPo5VAq7
— Narendra Modi (@narendramodi) February 7, 2016
Called upon students to make NISER India's greenest campus, a zero-emission, zero-discharge campus which uses clean & renewable energy.
— NarendraModi(@narendramodi) February 7, 2016