Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રધાનમંત્રીની “મન કી બાત”નો મૂળ પાઠ


મારા વ્હાલા દેશવાસીઓ, આપ સૌને નમસ્કાર..

રજાઓમાં દરેક જણ કેટલાય કાર્યક્રમ બનાવે છે. અને રજાઓમાં કેરીની પણ મોસમ હોય છે, એટલે એવું પણ મન થાય છે કે, કેરીની મજા લઇએ. અને કયારેક એવું પણ મન થાય છે કે, બપોરે થોડો સમય ઊંઘવાની તક મળી જાય તો સારૂં. પરંતુ આ વખતની ભયંકર ગરમીએ ચારે બાજુ બધી મજા બગાડી નાખી છે. દેશમાં તેની ચિંતા થવાનું બહુ સ્વાભાવિક છે, અને તેમાં પણ જયારે સતત દુષ્કાળ પડે છે ત્યારે જળસંગ્રહનાં જે સ્થળો હોય છે તે પણ ઓછાં થઇ જાય છે. કોઇકોઇ વાર દબાણના કારણે કાંપના ભરાવાના કારણે પાણીની આવકનો જે પ્રવાહ હોય છે તેમાં અવરોધોના કારણે જળાશયોમાં પોતાની ક્ષમતા કરતાં ઓછું પાણી એકઠું થાય છે. દુષ્કાળના સામના માટે પાણીના સંકટથી રાહત માટે સરકારો પોતાના પ્રયાસો કરે એ તો ખરૂં જ. પરંતુ મે જોયું છે કે, નાગરિકો પણ બહુ સારા પ્રયાસો કરે છે. કેટલાંય ગામોમાં જાગૃતિ જોવા મળે છે અને પાણીનું મૂલ્ય શું છે એ તો જેમણે પાણીની તકલીફ સહી હોય છે તે જ જાણે છે. અને એટલે જ એવા સ્થળે પાણીની બાબતમાં એક સંવેદનશીલતા પણ હોય છે તથા કંઇને કંઇક કરવાની સક્રિયતા પણ હોય છે. થોડા દિવસ પહેલાં મને કોઇકે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લાની હિવરે બાજાર ગ્રામપંચાયત અને ત્યાંના ગ્રામજનોએ, પાણીને ગામના એક ખૂબ મોટા સંવેદનશીલ પ્રશ્નના રૂપમાં લઇને ઉકેલ્યો છે. જળસંચય કરવાનું ઇચ્છનારાં તો કેટલાં ગામ મળી જાય છે, પરંતુ તેમણે તો ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરીને પાક પદ્ધતિ જ બદલી નાખી છે. જે પાક સૌથી વધુ પાણીનો ઉપયોગ કરતા હતા, પછી એ શેરડી હોય, કેળાં હોય, એવા પાકોની ખેતી છોડવાનો નિર્ણય કર્યો છે. સાંભળવામાં આ બાબત બહુ સહેલી લાગે છે, પરંતુ તે એટલું સહેલું નથી. સૌએ સાથે મળીને કેટલો મોટો સંકલ્પ કર્યો હશે. ? ! કોઇ કારખાનેદાર પાણીનો વધારે ઉપયોગ કરતા હોય તેને કહીએ કે તમે કારખાનું બંધ કરી દો, કારણ કે, તમે વધારે પાણી વાપરો છો, તો પરિણામ શું આવસે તે આપ જાણો છો. પરંતુ જુઓ તો ખરા, આ મારા ખેડૂત ભાઇઓને ! તેમને લાગ્યું કે ભાઇ, શેરડી ઘણું પાણી લે છે. તો શેરડી છોડો. તેઓએ શેરડી છોડી દીધી. અને જેમાં પાણીની ઓછામાં ઓછી જરૂર પડે છે તેવા બાગાયત અને શાકભાજીની ખેતી પર જ બધા ચાલ્યા ગયા. તેઓએ ફુવારા, ડ્રીપ ઇરિગેશન-ટપકસિંચાઇ, વરસાદી પાણીનો સંગ્રહ, જળસંચય, એટલી બધી પહેલ કરી છે કે, આજે તે ગામ પાણીના સંકટનો સામનો કરવા માટે પોતાની જ તાકાત પર ઉભું થઇ ગયું છે. ઠીક છે, હું ભલે એક નાના એવા હિવરે બાજાર ગામની વાત કરૂં છું. પરંતુ એવાં કેટલાંય ગામો હશે. હું એવાં તમામ ગ્રામવાસીઓને પણ તેમના આ ઉત્તમ કામ માટે ખૂબખૂબ ધન્યવાદ આપું છું.

મને કોઇએ જણાવ્યું કે, મધ્યપ્રદેશમાં દેવાસ જિલ્લામાં એક ગોરવા ગ્રામ પંચાયત છે. આ પંચાયતે પ્રયત્નો કરીને ખેત તલાવડીઓ બનાવવાનું અભિયાન ચલાવ્યું. લગભગ 27 ખેતતલાવડીઓ બનાવી અને તેના કારણે જમીનમાંના પાણીની સપાટીમાં વધારો થયો, પાણીનાં તળ ઊંચાં આવ્યાં. પાકને જયારે પણ પાણીની જરૂર પડી, પાણી મળ્યું અને તેઓની ઉપરછલ્લી ગણતરી જણાવી કે તેમના ખેતઉત્પાદનમાં લગભગ 20 ટકાનો વધારો થયો. આમ પાણી તો બચ્યું જ બચ્યું, પરંતુ જયારે પાણીનું તળ ઉપર આવે છે તો પાણીની ગુણવત્તામાં પણ મોટો સુધારો થાય છે. અને દુનિયામાં એવું કહેવાય છે કે, શુદ્ધ પીવાનું પાણી કુલ રાષ્ટ્રીય ઉત્પાદનનું કારણ બને છે. આરોગ્યનું કારણ તો બને છે જ. કોઇકોઇ વાર તો લાગે છે કે, ભારત સરકારે જયારે ટ્રેન દ્વારા લાતુરને પાણી પહોંચાડ્યું, તે દુનિયા માટે એક સમાચાર બની ગયા. એ વાત ખરી છે કે, જે ઝડપે રેલવેએ આ કામ કર્યું એ અભિનંદનને પાત્ર છે, પરંતુ પેલા ગામવાળા પણ એટલા જ અભિનંદનને પાત્ર છે. હું તો કહીશ, રેલવે કરતાં પણ વધુ અભિનંદનને પાત્ર છે. પરંતુ એવી અનેક યોજનાઓ કે જે નાગરિકો દ્વારા ચાલે છે. તે કયારેય સામી નથી આવતી. સરકારની સારી બાબતો તો કોઇકોઇ વાર સામે આવી પણ જાય છે, પરંતુ કયારેક આપણે આપણી આજુબાજુ જોઇશું તો ધ્યાનમાં આવશે કે દુષ્કાળની સામે લોકો કેવી કેવી રીતે, નવી નવી રીતો – પદ્ધતિઓથી સમસ્યાના ઉકેલનો પ્રયાસ કરતા રહે છે.

માણસનો સ્વભાવ છે, ભલેને કેટલીયે મુશ્કેલીઓ વચ્ચેથી પસાર થતો હોય, પરંતુ કયાંયથી કોઇ સારા સમાચાર આવી જાય છે. તો જાણે પૂરૂં સંકટ દુર થઇ ગયું હોય એવો અનુભવ કરે છે. આ વર્ષે વરસાદ 106 ટકાથી 110 ટકા થવાની સંભાવનાની જાણકારી જયારથી જાહેર થઇ છે, જાણે એક બહુ મોટો શાંતિનો સંદેશ આવી ગયો હોય તેમ લાગે છે. હજી તો વરસાદ આવવાને વાર છે, પણ સારા વરસાદના સમાચાર પણ એક નવી ચેતના લઇ આવ્યા. પરંતુ મારા વ્હાલા દેશવાસીઓ… સારો વરસાદ થશે એ સમાચાર જેટલો આનંદ આપે છે, તેટલી જ આપણા બધાં માટે એક તક પણ આપે છે, એક પડકાર પણ ફેંકે છે. શું આપણે ગામેગામ પાણી બચાવવા માટે, અત્યારથી જ એક અભિયાન ચલાવી શકીએ છીએ ? ખેડૂતોને માટીની જરૂર પડે છે. ખેતરમાં તે પાક ઉગાડવામાં કામ આવે છે. આ વખતે આપણે ગામનાં તળાવોમાંથી માટી કાઢીને ખેતરોમાં કેમ ના લઇ જઇએ ? તેનાથી ખેતરની જમીન પણ સારી થશે અને તળાવોની જળસંગ્રહ ક્ષમતા પણ વધી જશે. કયારેક સિમેન્ટની થેલીઓમાં, કયારેય ખાતરની ખાલી થેલીઓમાં, પથરા અને માટી ભરીને જયાંથી પાણી આવવાનો માર્ગ છે તે પાણીને રોકી શકાય કે નહીં ? પાંચ દિવસ પાણી રોકાશે, સાત દિવસ પાણી રોકાશે, તો પાણી જમીનમાં ઉતરશે. તો જમીનમાં પાણીનાં તળ ઉંચાં આવશે. આપણા કૂવાઓમાં પાણી આવશે. જેટલું બની શકે તેટલું પાણી રોકવું જોઇએ. વરસાદનું પાણી, ગામનું પાણી ગામમાં રહેશે. આપણે જો સંકલ્પ કરીને, કંઇક ને કંઇક કરીએ તો સામૂહિક પ્રયત્નોથી આ સંભવ છે. તો આજ ભલે પાણીનું સંકટ હોય, દુષ્કાળની સ્થિતિ હોય, પરંતુ આગામી મહિના દોઢ મહિનાનો આપણી પાસે સમય છે. અને હું તો હંમેશા કહું છું, કયારેય આપણે પોરબંદર મહાત્મા ગાંધીના જન્મસ્થાન પર જઇએ તો ત્યાં જે અલગઅલગ સ્થાન આપણે જોઇએ છીએ તેમાં એક જગ્યા એ પણ જોવા જેવી છે કે, વરસાદનું પાણી બચાવવા માટે ઘરની નીચે કેવા પ્રકારના બસો બસો વર્ષ જૂના ટાંકા બનાવેલા છે અને તેમાં પાણી કેટલું શુદ્ધ રહે છે.

કોઇ શ્રીમાન કુમારકૃષ્ણા છે, તેમણે માય ગોવ પર લખ્યું છે અને એક પ્રકારે જિજ્ઞાસા પણ વ્યકત કરી છે. તેઓ કહે છે કે શું આપણી હયાતિમાં ગંગાસફાઇનું અભિયાન કયારેય સંભવ થશે ખરૂં ? તેમની ચિંતા બહુ સ્વાભાવિક છે. કેમ કે, લગભગ 30 વરસથી આ કામ ચાલી રહ્યું છે. કેટલીયે સરકારો આવી, ઘણી યોજનાઓ બની, ઢગલાબંધ ખર્ચ પણ થયો, એટલે તેના કારણે ભાઇ કુમારકૃષ્ણા જેવા દેશના કરોડો લોકોના મનમાં આ સવાલ ઉભો થવો બહુ સ્વાભાવિક છે. જે લોકો ધાર્મિક આસ્થાવાળા છે, તેમના માટે ગંગા મોક્ષદાયિની છે. આ મહાત્મ્યને તો હું સ્વીકાર કરીશ જ, પરંતુ તેનાથી વધારે મને લાગે છે કે, ગંગા જીવનદાયિની છે. ગંગાથી આપણને રોટી મળે છે. ગંગાથી આપણને રોજી મળે છે. ગંગાથી આપણને જીવવાની એક નવી તાકાત મળે છે. જેમ ગંગા વહે છે તેમ દેશની આર્થિક પ્રવૃત્તિઓને પણ એક નવો વેગ આપે છે. એક ભગીરથે આપણે ગંગા તો લાવીને આપી, પરંતુ બચાવવા માટે કરોડો કરોડો ભગીરથોની જરૂર છે. લોકભાગીદારી વિના આ કામ સફળ થઇ શકે જ નહીં. અને એટલા માટે આપણે બધાંએ, સફાઇ માટે, સ્વચ્છતા માટે, પરિવર્તનના પ્રતિનિધિ બનવું પડશે, વારેવારે વાતને દોહરાવવી પડશે, કહેવી પડશે. સરકાર તરફથી ઘણા બધા પ્રયાસો કરાઇ રહ્યા છે. ગંગાના કિનારે જે જે રાજયો આવેલાં છે, તે રાજયોનો પણ ભરપૂર સહયોગ લેવા પ્રયાસો થઇ રહ્યા છે. સામાજિક, સ્વૈચ્છિક સંગઠનોને પણ જોડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પટની સપાઇ અને ઔદ્યોગિક પ્રદૂષણ રોકવાના પણ અનેક પગલાં ભર્યાં છે. દરરોજ મોટા પ્રમાણમાં નાળાં વાટે ઘન કચરો વહીને ગંગાની અંદર ઠલવાય છે. આવો કચરો સાફ કરવા માટે વારાણસી, અલ્હાબાદ, કાનપુર, પટણા વગેરે સ્થાનો પર ટ્રેશ સ્કીમર પાણીમાં તરતાં તરતાં કચરો સાફ કરવાનું કામ કરે છે. બધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને આ મશીનો પૂરાં પાડવામાં આવ્યા છે અને આગ્રહ કરાયો છે કે, તેમને સતત ચલાવે અને ત્યાંથી કચરો સાફ કરતા જાય. અને વીતેલા દિવસોમાં મને જણાવવામાં આવ્યું છે કે, ત્યાં બહુ સારી રીતે પ્રયાસ થાય છે. ત્યાં તો રોજનો ત્રણથી 11 ટન સુધી કચરો કાઢવામાં આવે છે. તો આ બાબત તો ખરી છે જ કે આટલા મોટા પ્રમાણમાં ગંદકી વધતી અટકી જ રહી છે. આગામી દિવસોમાં બીજાં સ્થાનો ઉપર પણ ટ્રેશ સ્કીમર ગોઠવવાની યોજના છે. અને તેના લાભનો ગંગા તથા યમુના તટના લોકોને જલદી અનુભવ પણ થશે. ઔદ્યોગિક પ્રદૂષણ પર નિયંત્રણ માટે પલ્પ એન્ડ પેપર, ડીસ્ટીલરી અને ખાંડ ઉદ્યોગ સાથે એક કાર્યયોજના તૈયાર થઇ ગઇ છે. કંઇક અંશે લાગુ થવાનું શરૂ પણ થઇ ગયું છે. તેનાં પણ સારાં પરિણામ આવશે એવું અત્યારે તો મને લાગી રહ્યું છે.

મને એ વાતની ખુશી છે કે, મને જણાવવામાં આવ્યું છે તે મુજબ ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં જે ડીસ્ટીલરી માંથી જે કચરો નીકળતો હતો તે કેટલાક અધિકારીઓએ મને જણાવ્યા અનુસાર સ્હેજ પણ પ્રવાહી સ્વરૂપે ન નીકળે તે દિશામાં એમણે સફળતા મેળવી લીધી છે. પલ્પ એન્ડ પેપર ઉદ્યોગમાંથી જે કચરો અથવા બ્લેક લિકર નીકળવાનું લગભગ સંપૂર્ણપણે બંધ થઇ ગયું છે. આ બધા એ બાબતના સંકેત છે કે, આપણે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ અને જાગૃતિ પણ વધી છે. અને મેં જોયું છે કે, કેવળ ગંગા કિનારાના જ નહીં, દૂરસુદૂર દક્ષિણની પણ કોઇ વ્યકિત મળે છે તો ચોક્કસ કહે છે કે સાહેબ, ગંગા સફાઇ તો થશેને ? તો આ જ, જે જનસામાન્યની આસ્થા છે, તે ગંગા સફાઇમાં જરૂર સફળતા અપાવશે. ગંગા સ્વચ્છતા માટે લોકો દાન પણ આપી રહ્યાં છે. એક બહુ સારી રીતે આ વ્યવસ્થાને ચલાવાઇ રહી છે.

મારા વ્હાલા દેશવાસીઓ, આજે 24 એપ્રિલ છે. ભારતમાં તેને પંચાયતીરાજ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આજના દિવસે આપણા દેશમાં પંચાયતીરાજ વ્યવસ્થાનો આરંભ થયો હતો. અને આજે ધીરેધીરે પૂરા દેશમાં પંચાયતીરાજ વ્યવસ્થા આપણી લોકતાંત્રિક રાજવ્યવસ્થાના એક મહત્વના એકમના રૂપમાં સફળતાપૂર્વક કામ કરી રહી છે.

14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની 125મી જયંતિ આપણે ઉજવી રહ્યા હતા. અને આજે 24 એપ્રિલે પંચાયતીરાજ દિવસ મનાવી રહ્યા છીએ. આ એક એવો સુભગ સંયોગ હતો કે જે મહાપુરૂષે આપણને ભારતનું બંધારણ આપ્યું, તેમના જન્મદિવસથી લઇને 24 તારીખ, કે જે બંધારણની સૌથી મજબૂત કડી છે, તે આપણું ગામ – એમ બન્નેને જોડવાની પ્રેરણા આપે છે. અને એટલા માટે રાજય સરકારોના સહયોગથી ભારત સરકારે 14 એપ્રિલથી 24 એપ્રિલ, 10 દિવસ ગ્રામોદયથી ભારતોદય અભિયાન ચલાવ્યું. 14 એપ્રિલે, બાબાસાહેબ આંબેડરજીના જન્મદિવસે, મને બાબાસાહેબ આંબેડકરના જન્મસ્થાન મહૂ જવાની તક મળી તે મારૂં સૌભાગ્ય હતું. તે પવિત્ર ધરતીને નમન કરવાની મને તક મળી. અને આજે 24 તારીખે હું ઝારખંડમાં કે જયાં આપણા અધિકત્તમ આદિવાસી ભાઇઓ-બહેનો રહે છે તે પ્રદેશમાં જઇને પંચાયતીરાજ દિવસ મનાવવાનો છું. અને બપોરે 3 વાગ્યે ફરી એકવાર પંચાયતીરાજ દિવસ નિમિત્તે હું દેશની બધી પંચાયતો સાથે વાતચીત કરવાનો છું. આ અભિયાને જાગૃતિનું એક બહુ મોટું કામ કર્યું છે. હિંદુસ્તાનના દરેક ખૂણામાં ગામના સ્તરે લોકતાંત્રિક સંસ્થાઓ કેવી રીતે મજબૂત બને ?

ગામ પોતે જ કેવી રીતે સ્વનિર્ભર બને ? ગામ પોતે જ પોતાના વિકાસની યોજના કેવી રીતે બનાવે ? આંતરમાળખાનું પણ મહત્વ હોય, સામાજિક માળખાનું પણ મહત્વ હોય. ગામમાં બાળકો ભણવાનું અધવચ્ચે છોડી ના દે, “બેટી બચાવો, બેટી ભણાવો” અભિયાન સફળતાપૂર્વક ચાલે. દીકરીનો જન્મદિવસ ગામનો મહોત્સવ બનવો જોઇએ. કેટલીયે એવી યોજનાઓ છે. કેટલાંક ગામોમાં તો ભોજન દાનના કાર્યક્રમો થયા. હિન્દુસ્તાનના આટલાં બધાં ગામોમાં કદાચ એક સાથે આટલા વિવિધ કાર્યક્રમો 10 દિવસ ચાલ્યા હોય એવું બહુ ઓછી વાર બને છે. હું બધી રાજય સરકારોને, ગામોના સરપંચોને આ બાબત માટે અભિનંદન આપું છું. આપે ખૂબ જ મૌલિક રીતે, નવિનતા સાથે આ પૂરા મોકાને ગામની ભલાઇ માટે, ગામના વિકાસ માટે, લોકતંત્રની મજબૂતાઇ માટેના એક મોકામાં પરિવર્તિત કર્યો. ગામોમાં જે જાગૃતિ આવી છે, તે જ તો ભારત ઉદયની ગેરંટી છે. ભારત ઉદયનો આધાર ગ્રામ ઉદય જ છે અને એટલા માટે ગ્રામ ઉદય ઉપર આપણે બધાં જોર આપતાં રહીશું તો ઇચ્છિત પરિણામ મેળવીને જ રહીશું. મુંબઇથી શર્મિલા ઘારપૂરે, આપે મને ફોન કોલ પર આપની ચિંતા વ્યકત કરી છે.

“પ્રધાનમંત્રી નમસ્કાર ! હું મુંબઇથી શર્મિલા ઘારપુરે બોલું છું. શાળા કોલેજોમાં શિક્ષણ વિષે મારો આપને એક સવાલ છે. છેલ્લાં ઘણાં વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે સુધારાની જરૂર જોવા મળી છે. જેમ કે, પૂરતી શાળાઓ અથવા કોલેજો ન હોવી કે પછી શિક્ષણમાં ગુણવત્તા ન હોવી. એવું જોવા મળે છે કે, બાળકો પોતાનું શિક્ષણ પૂરૂંયે કરી લે છે, તો પણ તેમને મોટાભાગે પાયાની બાબતો વિષે ખબર નથી હોતી. તેના લીધે આપણાં બાળકો દુનિયાની દોડમાં પાછળ રહી જાય છે. આ વિષે આપના શા વિચારો છે અને આપ આ ક્ષેત્રે કેવી રીતે તેમાં સુધારો લાવવા ઇચ્છો છો, તેના વિષે કૃપા કરીને અમને જણાવશો”. ધન્યવાદ.

આ ચિંતા બહુ સ્વાભાવિક છે. આજે દરેક પરિવારમાં મા-બાપનું જો કોઇ પહેલું સપનું રહેતું હોય, તો તે બાળકોના સારા શિક્ષણનું રહે છે. ઘર, ગાડી, બધાંનો પછી વિચાર આવે છે. અને ભારત જેવા દેશ માટે જન મનની આ જે ભાવના છે તે બહુ મોટી તાકાત છે. બાળકોને ભણાવવાં અને સારૂં ભણાવવું સારૂં શિક્ષણ મળે તેની ચિંતા થવી હજી વધવી જોઇએ. અને વધુ જાગૃતિ આવવી જોઇએ. અને હું માનું છું કે, જે પરિવારોમાં આ જાગૃતિ હોય છે, તેની અસર શાળાઓ ઉપર પણ પડે છે. શિક્ષકો ઉપર પણ પડે છે. અને બાળક પણ જાગૃત થતું જાય છે કે, હું શાળામાં આ કામ માટે જાઉં છું. અને એટલા માટે હું બધા વાલીઓને, મા-બાપને સૌથી પહેલાં એ આગ્રહ કરીશ કે શાળામાં થઇ રહેલી પ્રવૃત્તિઓ વિષે બાળક સાથે વિસ્તારપૂર્વક સમય આપીને વાતો કરે. અને જો કોઇ વાત ધ્યાનમાં આવે તો જાતે શાળામાં જઇને શિક્ષકો સાથે વાત કરે. આ જે તકેદારી છે, તે પણ આપણી શિક્ષણ વ્યવસ્થામાંથી કેટલીયે બુરાઇઓને ઓછી કરી શકે છે. અને લોકભાગીદારીથી તો આ ચોક્કસ થવાનું જ છે. આપણા દેશમાં બધી સરકારોએ શિક્ષણ ઉપર ભાર મૂક્યો છે. અને દરેક સરકારે પોત-પોતાની રીતે પ્રયાસો પણ કર્યા છે. અને એ પણ સાચું છે કે, સારા એવા સમય સુધી આપણું ધ્યાન એ બાબત પર જ રહયું કે શિક્ષણ સંસ્થાઓ ઉભી થાય, શિક્ષણ વ્યવસ્થાનો વિસ્તાર થાય. શાળાઓ બને, કોલેજો બને, શિક્ષકોની ભરતી થાય, વધુમાં વધુ બાળકો શાળાએ આવે. તો એક રીતે, શિક્ષણને ચારે તરફ ફેલાવવાનો પ્રયાસ એ પ્રાથમિકતા રહી. અને તે જરૂરી પણ હતું. પરંતુ હવે જેટલું મહત્વ ફેલાવાનું છે તેનાથી પણ વધુ મોટું મહત્વ આપણા શિક્ષણમાં સુધારાનું છે. વિસ્તરણનું એક બહુ મોટું કામ આપણે કરી ચૂક્યા છીએ. હવે આપણે ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રીય કરવું જ પડશે. સાક્ષરતા અભિયાનથી હવે સારૂં શિક્ષણ એ આપણી પ્રાથમિકતા બનાવવી પડશે. અત્યાર સુધી ગણતરી ખર્ચની થતી હતી, હવે આપણે ઉત્પન્ન શું થયું તેના પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. અત્યાર સુધી શાળામાં કેટલા આવ્યા તેના પર જોર આપતા હતા, જવે શાળાકરણથી વધારે શીખવવા પર આપણે જોર આપવું પડસે. પ્રવેશ, પ્રવેશ, પ્રવેશ – મંત્ર સતત ગુંજતો રહ્યો, પરંતુ હવે જે બાળકો શાળામાં પહોંચી ગયાં છે, તેમને સારૂં શિક્ષણ, યોગ્ય શિક્ષણ, તેના પર જ આપણે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. વર્તમાન સરકારનું અંદાજપત્ર પણ તમે જોયું હશે. સારા શિક્ષણ પર ભાર આપવાનો પ્રયાસ થઇ રહ્યો છે. એ વાત ખરી છે કે, બહુ લાંબી મઝલ કાપવાની છે. પરંતુ જો આપણે સવાસો કરોડ દેશવાસીઓ નક્કી કરીએ, તો આ લાંબી મઝલ પણ કપાઇ શકે છે. પરંતુ શર્મિલાજીની વાત સાચી છે કે, આપણામાં ધરમૂળથી સુધારો લાવવાની જરૂર છે.

આ વખતે અંદાજપત્રમાં તમે જોયું હશે કે, ચીલો ચાતરીને કામ કરવામાં આવ્યું છે. અંદાજપત્રમાં, દસ સરકારી યુનિવર્સિટી અને દસ ખાનગી યુનિવર્સિટીઓને સરકારી બંધનોથી મુક્તિ આપવા માટે અને પડકારરૂપ માર્ગ પર આવવા માટે તેમને કહ્યું છે કે, આવો, આપ સૌથી ટોચની યુનિવર્સીટી બનવા માટે શું કરવા ઇચ્છો છો તે જણાવો. તેઓને પૂરી આઝાદી આપવાના આશયથી આ યોજના ઘડવામાં આવી છે. ભારતની યુનિવર્સિટીઓ પણ વૈશ્વિક સ્પર્ધા કરનારી યુનિવર્સીટી બની શકે છે. બનાવવી પણ જોઇએ.. તેની સાથેસાથે જેટલું મહત્વ શિક્ષણનું છે, તેટલું જ મહત્વ કૌશલ્યનું છે. તે જ રીતે શિક્ષણમાં ટેકનોલોજી પણ ખૂબ મોટી ભૂમિકા ભજવશે. દૂર અંતર શિક્ષણ અને ટેકનોલોજી આપણા શિક્ષણને સરળ પણ બનાવશે. અને બહુ નજીકના ભવિષ્યમાં તેનાં પરિણામો નજરે ચડશે તેવો મને વિશ્વાસ છે.

ઘણા લાંબા વખતથી લોકો મને એક વિષય પર પૂછતાં રહે છે. કેટલાક લોકો વેબપોર્ટલ માય ગોવ પર લખે છે. કેટલાક લોકો મને નરેન્દ્ર મોદી એપ્પ પર લખે છે, અને મોટાભાગના આ નવયુવાનો લખે છે.

“પ્રધાનમંત્રી નમસ્કાર ! હું મોના કર્ણવાલ બોલું છું. બિજનૌરથી.. આજના યુગમાં યુવાનો માટે અભ્યાસની સાથે સાથે ખેલકૂદનું પણ ઘણું મહત્વ છે. તેમનામાં સંઘભાવના હોવી જોઇએ અને સારા નેતા હોવાનો ગુણ પણ હોવો જોઇએ. જેથી તેમનો સર્વાંગી વિકાસ થાય. આ હું મારા પોતાના અનુભવથી કહી રહી છું. કારણ કે, હું પોતે પણ ભારતની સ્કાઉટ એન્ડ ગાઇડમાં રહી ચૂકી છું. અને તેની મારા જીવનમાં બહુ સારી અસર પડી છે. હું ઇચ્છું છું કે, આપ વધુમાં વધુ યુવાનોને પ્રોત્સાહિત કરો. હું ઇચ્છું છું કે, સરકાર પણ વધુમાં વધુ એન.સી.સી., એન.એસ.એન., અને ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ્સને પ્રોસ્તાહિત કરે.

તમે લોકો મને આટલાં સૂચનો મોકલતાં રહેતાં હતાં. તો એક દિવસ મને પણ થયું કે, હું આપ લોકોની સાથે વાત કરૂં, તે પહેલાં હું બધાં સાતે વાતચીત કરૂં. તો આપલોકોનું જ દબાણ હતું, તમારા જ લોકોના સૂચનો હતાં. તેનું પરિણામ એ આવ્યું કે મેં હજી હમણાં જ આવી એક મીટીંગ બોલાવી. જેમાં એનસીસીના વડા હતા, એનએસએસના વડા હતા, સ્કાઉટ એન્ડ ગાઇડ્સના વડા હતા, રેડક્રોસના હતા, નહેરૂ યુવા કેન્દ્રના હતા. અને મેં જયારે તેમને પૂછયું કે, પહેલા કયારે ભેગા મળ્યા હતા ? તો તેઓએ કહ્યું કે, ના-ના ભાઇ, અમારી તો દેશ આઝાદ થયા પછી આ પ્રકારની પહેલી મીટીંગ યોજાઇ છે. તો સૌ પહેલાં તો હું તે યુવા મિત્રોને અભિનંદન આપું છું કે, જેમણે મને દબાણ કર્યું. આ બધાં કામોની બાબતમાં અને તેનું જ આ પરિણામ છે કે, મેં મીટીંગ બોલાવી. અને મને લાગે છે કે, હું બધાંને મળ્યો તે સારૂં થયું. બહુ સંકલનની જરૂર જણાઇ મને. પોત-પોતાની રીતે ઘણું બધું થઇ રહયું છે. પરંતુ તો સામૂહિકરૂપે, સંગઠિત થઇને આપણા જુદાજુદા પ્રકારના સંગઠનો કામ કરે. તો કેટલું મોટું પરિણામ આપી શકે છે. !! અને કેટલો બહોળો તેમનો ફેલાવો છે. !! કેટલા પરિવારો સુધી તેમની પહોંચ છે. !! તેમનો વ્યાપ જોઇને મને તો બહુ મોટી ધરપત થઇ. અને તેમનો ઉમંગ પણ ઘણો હતો. કંઇકને કંઇક કરવું હતું. અને એ વાત પણ સાચી છે કે, હું પોતે તો એનસીસીનો કેડેટ રહી ચૂક્યો છું. એટલે મને ખબર છે કે, આવાં સંગઠનો દ્વારા એક નવી દ્રષ્ટિ મળે છે. પ્રેરણા મળે છે. એક રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ પાંગરે છે. મને તો બાળપણમાં જ તે લાભ મળ્યો છે જ અને હું એ પણ માનું છું કે, આ સંગઠનોનાં એક નવો પ્રાણ પૂરવો જોઇએ, નવી તાકાત સિંચવી જોઇએ. આ વખતે મેં તેમની સામે કેટલાક વિષય રાખેલા છે. મેં તેમને કહ્યું છે કે, ભાઇ, આ મોસમમાં જળસંચયનું બહુ મોટું કામ આપણા યુવાનો, બધા સંગઠનો કેમ ના કરે ? ! આપણે લોકો પ્રયાસ કરીને કેટલા તાલુકા, કેટલા જિલ્લામાં ખુલ્લામાં શૌચક્રિયા બંધ કરાવી શકીએ ? ! ઓપન ડીફેકશન ફ્રી કેવી રીતે કરી શકીએ ? ! દેશને જોડવા માટે એવા કયા કયા કાર્યક્રમોની રચના કરી શકીએ ? ! આપણાં બધાં સંગઠનોનાં સર્વસામાન્ય યુવા-ગીત શું હોઇ શકે ? ઘણીબધી વાતો તેઓની સાથે થઇ છે.

હું આજે આપને પણ આગ્રહ કરૂં છું, આપ પણ મને જણાવો, એકદમ ચોક્કસ સૂચન કરો કે, આપણાં અનેક યુવા સંગઠનો ચાલે છે. તેમની કાર્યશૈલી, કાર્યક્રમમાં કઇ કઇ નવી બાબતો જોડી શકીએ ? મારા નરેન્દ્ર મોદી એપ્પ પર તમે લખશો, તો હું યોગ્ય જગ્યાએ પહોંચાડી દઇશ. અને હું માનું છું કે, આ મીટીંગ પછી તેમનામાં સારી એવી ગતિ આવશે. આવું મને તો લાગી રહ્યું છે અને આપને પણ તેની સાથે જોડાવાનું મન થશે. એવી સ્થિતિ તો બની જ જશે.

મારા વ્હાલા દેશવાસીઓ, આજે આપણને બધાંને વિચારવા માટે મજબૂર કરે એવી વાત મારે તમને કહેવી છે. હું તેને આપણને લોકોને હચમચાવી દેનારી વાતના રૂપમાં પણ જોઉં છું. તમે જોયું હશે કે, આપણા દેશની રાજનૈતિક સ્થિતિ એવી છે કે, પાછલી કેટલીયે ચૂંટણીઓમાં એ બાબતની ચર્ચા થયા કરતી હતી કે, કયો પક્ષ ગેસના કેટલા સિલિન્ડર આપશે ? 12 બાટલા કે 9 બાટલા ? ચૂંટણીનો આ બહુ મોટો મુદ્દો બની રહેતો હતો. અને દરેક રાજકીય પક્ષને લાગતું હતું કે, મધ્યમવર્ગના સમાજ સુધી જો ચૂંટણીની દ્રષ્ટિએ પહોંચવું હોય તો ગેસના બાટલાનો બહુ મોટો મુદ્દો છે. બીજી તરફ અર્થશાસ્ત્રીઓ દબાણ કરતા રહેતા હતા કે, સબસીડી ઓછી કરો. અને તેના કારણે અનેક સમિતિઓ બેસતી હતી, જેમાં ગેસની સબસીડી ઘટાડવાની બહુ મોટી દરખાસ્તો આવતી હતી, સૂચનો આવતાં હતાં. આ સમિતિઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હતો. પરંતુ વાત ત્યાંની ત્યાં જ રહી જતી હતી. આ અનુભવ બધાંનો છે. પરંતુ તેની બહાર કયારેય વિચારમાં ન્હોતું આવ્યું.

મારા દેશવાસીઓ, આજે આપ સૌને મારો હિસાબ આપતાં મને આનંદ થાય છે કે, મેં ત્રીજો જ માર્ગ અપનાવ્યો. અને તે માર્ગ હતો જનતા જનાર્દન પર ભરોસો મૂકવાનો. કોઇકોઇ વાર અમારે રાજનેતાઓએ પોતાની જાત કરતાં પોતાનાંનો ભરોસો કરવો જોઇએ. મેં જનતા જનાર્દન પર ભરોસો મૂકીને એમ જ વાતવાતમાં કહ્યું હતું કે, જો તમે વરસના પંદરસો બે હજાર રૂપિયાના ખર્ચનો બોજો સહન કરી શકો છો, તો તમે ગેસ સબસીડી શા માટે છોડી નથી દેતા ? કોઇ ગરીબને કામ આવશે. મેં એમ જ વાત કરી હતી. પરંતુ આજ હું ભારે ગર્વથી કહી શકું છું. મને ગર્વ થઇ રહ્યો છે. મારા દેશવાસીઓ પર. એક કરોડ પરિવારોએ સ્વેચ્છાએ પોતાની ગેસ સબસીડી પરત સોંપી દીધી. અને આ એક કરોડ પરિવાર અમીર નથી. હું જોઇ રહ્યો છું, કોઇ નિવૃત્ત શિક્ષક છે, નિવૃત્ત કલાર્ક, કોઇ ખેડૂત, કોઇ નાની એવી દુકાન ચલાવનાર, એવા મધ્યમવર્ગ, નિમ્ન મધ્યમવર્ગના પરિવારો છે. જેમણે સબસીડી છોડી છે. બીજી વિશેષતા જૂઓ કે, સબસીડી છોડવા માટે મોબાઇલ ફોનની એપથી કરી શકતા હતા. ઓનલાઇન કરી શકતા હતા. ટેલીફોન પર મિસ્ડ કોલ કરીને છોડી શકતા હતા, ઘણી રીતો હતો. પરંતુ ગણતરી કરી તો ખબર પડી કે, આ એક કરોડ પરિવારોમાં 80 ટકાથી વધુ એ લોકો હતા, જે પોતે વિતરકને ત્યાં ખુદ ગયા, કતારમાં ઉભા રહ્યા અને લેખિતમાં આપીને તેમણે પોતાની સબસીડી જતી કરી.

મારા વ્હાલા દેશવાસીઓ, નાની બાબત નથી. સરકાર જો કોઇ વેરામાં થોડી અમથી છૂટ આપી દે તો અઠવાડિયા સુધી ટી.વી. અને છાપાંમાં તે સરકારની વાહ વાહ જોવા સાંભળવા મળે છે. એક કરોડ પરિવારઓએ સબસીડી છોડી દીધી અને આપણા દેશમાં સબસીડી એક પ્રકારનો હક્ક બની ગઇ છે તે જતી કરી, હું સૌથી પહેલાં તે એક કરોડ પરિવારોને શત શત નમન કરૂં છું. તેમને અભિનંદન આપું છું. કારણ કે, તેમણે રાજનેતાઓને નવી રીતે વિચારવાને મજબૂર કર્યા છે. આ એક ઘટનાએ દેશના અર્થશાસ્ત્રીઓને પણ નવી રીતે વિચારવા મજબૂર કરી દીધા છે. અને દુનિયાના અર્થવેતાઓને પણ આમ થશે તો તેમ થશે, આમ કરીશું તો તેમ પરિણામ આવશે, આ રીતે જે આર્થિક સમીકરણો બનાવે છે. તેમના માટે પણ તેમના વિચારોની હદ બહારની આ ઘટના છે. આના વિષે કયારેક ને કયારેક વિચારવું પડશે. એક કરોડ પરિવારો દ્વારા સબસીડી છોડવી એટલે, બદલામાં કરોડો ગરીબ પરિવારોને ગેસ સિલિન્ડર મળવો. એક કરોડ પરિવારો દ્વારા સબસીડી જતી કરવાથી જે રૂપિયાની બચત થશે તે બાહ્ય દ્રષ્ટિથી બહુ સામાન્ય બાબત છે. અસામાન્ય બાબત એ છે કે, જનતા પર ભરોસો રાખીને કામ કરીએ, તો કેટલી મોટી સિદ્ધિ મળે છે.!! હું ખાસ કરીને પૂરા રાજકારણી વર્ગને આજે આગ્રહપૂર્વક કહેવા માંગુ છું કે, આપણે દરેક જગ્યાએ જનતા પર ભરોસો મૂકનારી એક વાત જરૂર કરીએ. તમે કદિ વિચાર્યું પણ નહીં હોય કે, આવું પરિણામ આપણને મળશે. અને આપણે આ દિશામાં જવું જોઇએ. અને મને પણ સતત એવું લાગતું રહે છે. જેમ કે, મારા મનમાં થયું કે આ વર્ગ 3 અને 4 ના ઇન્ટરવ્યૂ શા માટે લેવાના ભાઇ ? જે પોતાની પરીક્ષા આપીને માર્કસ મોકલી રહ્યો છે, તેના પર ભરોસો મૂકો. કોઇ વાર તો મને એવું પણ લાગે છે કે, આપણે કયારેક જાહેર કરીએ કે, આજે રેલવેનો પેલો જે રૂટ છે તેમાં કોઇ ટિકિટ ચેકર નહીં રહે. જૂઓ તો ખરા, દેશની જનતા પર આપણે ભરોસો મૂકીએ, ઘણા બધા પ્રયોગો કરી શકીએ છીએ. દેશની જનતા પર આપણે એકવાર ભરોસો મૂકીએ તો અપ્રતિમ પરિણામ મળી શકે છે. ખેર, આ તો મારા મનના વિચારો છે. તેનો કોઇ સરકારનો નિયમ તો ન જ બનાવી શકીએ. પરંતુ વાતાવરણ તો બનાવી શકીએ છીએ. અને આ વાતાવરણ કોઇ રાજનેતા નથી બનાવી રહ્યા. દેશના એક કરોડ પરિવારોએ બનાવી દીધું છે.

રવિ નામના કોઇ સજ્જને મને પત્ર લખ્યો છે. – દરરોજ સારા સમાચાર – તેઓ લખે છે કે, કૃપા કરીની તમારા અધિકારીઓને કહો કે દરરોજ કોઇ એક સારી ઘટના વિષે પોસ્ટ કરે. દરેક અખબાર અને ન્યૂઝ ચેનલમાં દરેક બ્રેકીંગ ન્યૂઝ ખરાબ સમાચાર જ હોય છે. શું સવાસો કરોડની વસ્તીવાળા દેશમાં આપણી આસપાસ કશુંય સારૂં થતું જ નથી ? કૃપા કરી આ પરિસ્થિતિ બદલો. રવિજીએ ભારે ગુસ્સો વ્યકત કર્યો છે. જો કે હું માનું છું કે, કદાચ તેઓ મારા ઉપર ગુસ્સો નથી કરી રહ્યા, પરિસ્થિતિ પર ગુસ્સો કરી રહ્યા છે. તમને યાદ હશે, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ હંમેશાં એ વાત કહેતા હતા કે, છાપાના પહેલા પાના પર કેવળ હકારાત્મક સમાચારો જ છાપો. તેઓ સતત આ વાત કહેતા રહેતા હતા. થોડા દિવસ પહેલાં એક અખબારે મને પત્ર પણ લખ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમે નક્કી કહ્યું છે કે, સોમવારે અમે એક પણ નકારાત્મક સમાચાર નહીં આપીએ. હકારાત્મક સમાચાર જ આપીશું. હાલના દિવસોમાં મેં જોયું છે, કેટલીક ટી.વી. ચેનલ ખાસ સમય નક્કી કરીને હકારાત્મક સમાચાર આપી રહી છે. !! એટલે એ તો ખરૂં છે જ કે હાલમાં હકારાત્મક સમાચારોનું વાતાવરણ બન્યું છે. અને હરકોઇને લાગી રહ્યું છે કે, યોગ્ય સમાચાર, સારા સમાચાર લોકોને મળતા રહે, એક વાત તો ખરી છે જ કે, મોટામાં મોટી વ્યકિત પણ ઉત્તમમાં ઉત્તમ વાત, સારામાં સારા શબ્દોમાં, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રીતે જણાવશે તેનો જેટલો પ્રભાવ હોય છે. તેનાથી વધારે પ્રભાવ કોઇ સારા સમાચારનો હોય છે. સારા સમાચાર સારૂં કરવાની પ્રેરણાનું સૌથી મોટું કારણ બને છે. આમ એ તો ખરૂં છે જ કે જેટલું આપણે સારાપણાને બળ આપીશું એટચલી આપોઆપ બુરાઇઓ માટે જગ્યા ઓછી રહેશે. જો દીવો પ્રગટાવીશું તો અંધારૂં દૂર થશે, થશે ને થશે જ. અને એટલા માટે આપને કદાચ જાણ હશે. સરકાર દ્વારા એક વેબસાઇટ ચલાવવામાં આવે છે. ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા તેના પર સકારાત્મક સમાચાર હોય છે. અને માત્ર સરકારના જ નહીં, જનતાના પણ હોય છે, અને આ એક એવું પોર્ટલ છે કે, તમે પણ તમારા કોઇ સારા સમાચાર હોય તો તેમાં તેને મોકલી શકો છો. તમે પણ તેમાં યોગદાન આપી શકો છો. રવિજી આપે સારૂં સૂચન કર્યું છે. પરંતુ કૃપા કરીને મારા પર ગુસ્સો ના કરશો. આપણે સૌ મળીને સકારાત્મક કરવાનો પ્રયાસ કરીએ. હકારાત્મક બોલવાનો પ્રયાસ કરીએ. હકારાત્મક પહોંચાડવાનો પ્રયાસ કરીએ.

આપણા દેશની વિશેષતા છે – કુંભમેળો. કુંભમેલો પ્રવાસનના આકર્ષનું કેન્દ્ર પણ બની શકે છે. દુનિયાના બહુ ઓછા લોકોને જાણ હશે કે, આટલા બધા લાંબા સમય સુધી નદીના તટ પર કરોડો કરોડો લોકો આવે. શાંતચિત્તે, શાંતિપૂર્ણ વાતાવરણમાં અવસર સંપન્ન થાય. આ ઘટનાઓ પોતે જ સંયોજનની દ્રષ્ટિએ, ઇવેન્ટ મેનેજમેન્ટની દ્રષ્ટિએ, લોકભાગીદારીની દ્રષ્ટિએ બહુ મોટા ધોરણો સિદ્ધ કરનારી હોય છે. છેલ્લા બે દિવસથી હું જોઇ રહ્યો છું કે, કેટલાય લોકો સિંહસ્થ કુંભની તસવીરો અપલોડ કરી રહ્યા છે. હું ઇચ્છીશ કે, ભારત સરકારનો પ્રવાસનવિભાગ, રાજય સરકારનો પ્રવાસન વિભાગ તેની સ્પર્ધા કરે. ફોટો સ્પર્ધા, અને લોકોને કહે કે સુંદરમાં સુંદર ફોટો પાડીને આપ અપલોડ કરો. કેવું એકદમથી વાતાવરણ સર્જાઇ જશે અને લોકોને પણ જાણ થશે કે કુંભમેળાના ખૂણેખૂણામાં કેટલી વિવિધતાઓથી ભરેલી બાબતો થઇ રહી છે. તો જરૂર આ કરી શકાય છે. જૂઓ, એ વાત ખરી છે, મને વચ્ચે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મળ્યા હતા. તેઓ કહેતા હતા કે, અમે સ્વચ્છતા પર વિશેષ જોર આપ્યું છે. અને કેવળ ત્યાં જ સ્વચ્છતા રહે એવું નહીં. ત્યાંથી લોકો સ્વચ્છતાનો સંદેશ પણ લઇને જાય. હું માનું છું , આ કુંભમેળો ભલે ધાર્મિક-આધ્યાત્મિક મેળો હોય, પરંતુ આપણે તેને એક સામાજિક તક પણ બનાવી શકીએ છીએ. સંસ્કારની તક પણ બનાવી શકીએ છીએ. ત્યાંથી સારા સંકલ્પ, સુટેવો, લઇને ગામેગામ પહોંચાડવાનું એક કારણ પણ બની શકે છે. આ કુંભમેળાથી પાણી પ્રત્યેનો પ્રેમ કેવી રીતે વધે, પાણી પ્રત્યેની આસ્થા કેવી રીતે વધે, જળસંચયનો સંદેશ આપવામાં કેવી રીતે આ કુંભમેળાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, તે આપણે કરવું જોઇએ.

મારા વ્હાલા દેશવાસીઓ, પંચાયતીરાજના આ મહત્વપૂર્ણ દિવસ નિમિત્તે સાંજે તો હું આપને ફરીએકવાર મળવાનો જ છું. આપ સૌને કૂબ ખૂબ ધન્યવાદ. અને હર-હંમેશની જેમ આપના મનની વાતે મારા મનની વાત સાથે એક અતૂટ નાતો જોડ્યો છે. તેનો મને આનંદ છે. ફરી એક વાર ખૂબ ખૂબ ધન્યવાદ…

AP/J.Khunt/GP