પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે (કેબિનેટે) ઓસ્ટ્રેલિયા સાથેની નાગરિક પરમાણુ સહયોગ અંગેની સમજૂતીને મંજૂરી આપી છે. ઓસ્ટ્રેલિયા સાથે નાગરિક પરમાણુ સહયોગ અંગેની આ મંજૂરી 13મી નવેમ્બર, 2015ના રોજ કરવામાં આવી હતી અને તેની સાથે આ સમજૂતી અમલમાં મૂકવા માટેની વહીવટી વ્યવસ્થા પણ કરાઈ હતી. ઓસ્ટ્રેલિયા સાથે કરવામાં આવેલી બળતણના પુરવઠાની વ્યવસ્થાને પગલે ભારતમાં પરમાણુ શક્તિનો વ્યાપ વધશે અને ઉર્જા સુરક્ષા વધુ સુદૃઢ બનશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ 2015માં નાગરિક પરમાણુ સહયોગ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ થઈ. 12મી ડિસેમ્બર, 2015ના રોજ જાપાનના પ્રધાનમંત્રી શ્રી એબેની ભારત મુલાકાત દરમિયાન જાપાન સાથે દ્વિપક્ષીય નાગરિક પરમાણુ સહકાર અંગે સમજૂતી કરવામાં આવી. છેલ્લાં પાંચ વર્ષથી આ સમજૂતી અંગે વાટાઘાટો ચાલી રહી હતી, જેનો સફળ અંત આવ્યો. આ અદ્વિતીય સિદ્ધિ નેતાઓના સ્તરે મજબૂત પ્રતિબદ્ધતાને પરિણામે શક્ય બની.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ નવી દિલ્હી ખાતે 25થી 27 જાન્યુઆરી, 2015 દરમિયાન અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાની મહેમાનનવાજી કરી ત્યારે અમેરિકા સાથે નાગરિક પરમાણુ સહકાર અંગેની સમજૂતીનો અમલ ફરી શરૂ કરી શકાયો. ત્યારથી અત્યાર સુધીમાં સમજૂતીના અમલ માટે વહીવટી વ્યવસ્થા નક્કી કરવામાં અને અમલમાં મુકવામાં આવી તેમજ નાગરિક પરમાણુ જવાબદારી અંગે સમજણ વિકસાવવા માટે ઈન્ડિયા ન્યુક્લિયર ઈન્સ્યુરસન્સ પૂલ સ્થાપવામાં આવ્યો. આ પૂલ વર્ષ 2010ના ન્યુક્લિયર ડેમેજ એક્ટ માટે ભારતની નાગરિક જવાબદારી અંગે આંતરરાષ્ટ્રીય અને ઘરઆંગણાનાં ચિંતાજનક મુદ્દાઓ ઉકેલવા ધ્યાન આપે છે. ગુજરાતમાં મીઠી વીરડી ખાતે એપી-1000નાં છ એકમોનાં બાધકામ માટે એનપીસીઆઈએલ અને વેસ્ટિંગહાઉસ વચ્ચે વ્યાપાર સંબંધિત વાતચીત આખરી તબક્કામાં છે અને વર્ષ 2016માં તે સંપન્ન થશે.
રશિયા અને ફ્રાંસ સાથે નાગરિક પરમાણુ સહયોગ પણ આ વર્ષે પ્રગતિને પંથે છે. એપ્રિલ, 2015 દરમિયાન પ્રધાનમંત્રીની ફ્રાંસ મુલાકાત દરમિયાન મેસર્સ લાર્સન એન્ડ ટુબ્રો તેમજ મેસર્સ અરેવા વચ્ચે મહારાષ્ટ્રમાં જૈતાપુર પ્રોજેક્ટ માટે સ્થાનિકીકરણ વધારીને ખર્ચ ઘટાડવા અંગે સમજૂતી થઈ હતી.
22મી ડિસેમ્બર, 2015ના રોજ પ્રધાનમંત્રીના રશિયા પ્રવાસ દરમિયાન રશિયા દ્વારા ડિઝાઈન કરાયેલા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સના ભારતમાં મેન્યુફેક્ચરીંગના સ્થાનિકીકરણ માટે સંયુક્ત કાર્યક્રમ અંગે સમજૂતી કરવામાં આવી. રશિયાના સહયોગમાં ઓછામાં ઓછા 12 રીએક્ટર યુનિટ્સનું નિર્માણ કરાશે.
પ્રધાનમંત્રીના એપ્રિલ, 2015 દરમિયાન કેનેડા પ્રવાસ દરમિયાન યુરેનિયમનો પુરવઠો મેળવવાના લાંબા ગાળાના કરાર કરવામાં આવ્યા હતા અને ડિસેમ્બર, 2015માં યુરેનિયમનો પ્રથમ જથ્થો ભારત પહોંચ્યો હતો. એ જ રીતે જુલાઈ, 2015માં પ્રધાનમંત્રીના કઝાકિસ્તાનના પ્રવાસ દરમિયાન પણ યુરેનિયમની ખરીદી માટે લાંબા ગાળાનો કરાર કરાયો હતો.
સાથે સાથે ઘરઆંગણે પણ નક્કર પગલાં લેવાયાં હતાં. જેમકે, એટોમિક એનર્જી એક્ટમાં સુધારાને સંસદની મંજૂરીને પગલે એનપીસીઆઈએલ હવે જાહેર ક્ષેત્રનાં અન્ય એકમો સાથે સંયુક્ત સાહસો કરી શકશે. અન્ય દેશો સાથેનાં કરારોને કારણે ભારતમાં પરમાણુ ઉર્જાનો વ્યાપ વધારવા માટે મજબૂત મંચ ઊભો થયો છે. એકંદરે એક આશાસ્પદ ક્ષેત્ર અમલીકરણ માટે ઉર્જાવાન બન્યું છે.
AP/J.Khunt